સુમન શાહની નિબન્ધસૃષ્ટિ/સ્વયંવર-પ્રથા અને...

Revision as of 07:16, 25 April 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સ્વયંવર-પ્રથા અને...


આગળના વખતમાં ગૉર મા’રાજો મૅચમેકર હતા. કથા-વાર્તા જનમ-મરણ વિવાહ-લગન વગેરેનાં વિધિવિધાન માટે નાતમાં બધે જતા-આવતા. મને યાદ છે, પંચભાગ લેવા રોજ આવે. જાણી લે, કયા યજમાનના ઘરે કયો છોકરો કુંવારો છે, કઈ છોકરી કુંવારી છે. એટલે એ કામ એમને ફાવે બહુ. આજે તો નાતો બધી ભૂંસાઈ રહી છે. ગૉર મા’રાજો પણ ઘટી રહ્યા છે. ટીવી-સીરિયલોમાં પણ એક-ના-એક જોવા મળે છે. જોકે વરની પસંદગીની એક કાળે ઉત્તમ વ્યવસ્થા હતી -સ્વયંવર. મૅચમેકિન્ગનું કામ કન્યાએ જાતે જ કરવાનું. કેટલું સરસ! ગામે ગામથી ને નગર નગરથી સૅંકડો શૂરા રાજા-મહારાજાઓ હાથી-ઘોડા પર રસાલા સાથે નીકળી પડતા. કન્યા ફુલ-ઑન રહેતી હશે -ડોક એની ગર્વથી ઊંચી, નયન એનાં તેજ. મા-બાપો ફૂલ્યાં સમાતાં નહીં હોય. ભાઈભાંડુંને સગાંવ્હાલાંનાં સ્ટેટસ ફાટફાટ થતાં હશે. કેટલું સરસ! મને જોકે આ બારામાં કુલ છ સવાલો થયા છે: ૧: સુન્દરી કે વિશ્વસુન્દરી હોય તેવી જ કન્યાનો સ્વયંવર યોજાય?: ૨: સ્વયંવર માટે માત્ર શૂરા રાજા-મહારાજાઓ જ લાયક ગણાય? સ્વયંવરપ્રથા કોઈ કાળે સમગ્ર પ્રજા-સમાજ માટે, જનસમાન્ય માટે, હશે કે કેમ?: ૩: કન્યા કહેતી કે જીતે તેને જ વરું. તો શું એને માત્ર બાહુબલિ ખપતા હશે? એકલું શૌર્ય જોતી હશે?: ૪: માબાપો ખાતરી કરતાં હશે ખરાં કે આવનારા બધા મૂરતિયા હોય -એટલે કે, પરણ્યા વિનાના, ઍલિજિબલ બૅચલર?: ૫: ઉમ્મરનું ધોરણ હશે કે પછી જુવાન પ્રૌઢ બુઢ્ઢા બધા ચાલે?: અને મને બહુ સતાવતો સવાલ આ: ૬: એટલા ઓછા સમયમાં એટલા મોટા સમૂહમાંથી યોગ્યને ગોતી કાઢવાનું એ સ્વયંવરાને બાપડીને શી રીતે ફાવતું હશે -સો ઇન્સ્ટન્ટ! કેવીક હશે એની મૂંઝવણ? જે હશે એ! પણ એક વાત સાવ ચોખ્ખી સમજાય છે કે કન્યા મનથી નિર્ણય કરે પછી જ વરમાળા પ્હૅરાવે! બાકી બધાએ પૅક-અપ કરી ઘરભણી હાલી નીકળવાનું! સ્ત્રી જાતે જ પોતાના મૅચને શોધી કાઢે અને પોતાના એ પ્રકારના મનોનિર્ણયથી પુરુષને વરે એથી રૂડું શું હોઈ શકે? ખરેખર, મને આખી પ્રથા બહુ ગમે છે. સ્વયંવરની વાતે આપણને સીતા, દ્રૌપદી અને દમયન્તીની કથાઓ યાદ આવે. ત્રણેય સુન્દરી હતી બલકે વિશ્વસુન્દરી. નિ:શંક. સીતાનું સૌન્દર્ય અતુલનીય હશે. રાવણ જેવો મહા જ્ઞાની-વિજ્ઞાની મોહ પામ્યો! અગ્નિજા દ્રૌપદી સુકેશા લાવણ્યવતી હતી. દમયન્તી પણ વિશ્વમોહિની હશે. દેવો જેવા દેવો ગાંડા થયા! નોંધપાત્ર વાત એ કે ભારતની આ ત્રણેય નારીરત્ન જેને વરી તે પુરુષો માત્રશૂરા ન્હૉતા, ઉત્તમોત્તમ મનુષ્ય હતા: રામ પતિતપાવન મર્યાદાપુરુષોત્તમ. પાંડવો યોદ્ધા, પણ ધર્મયોદ્ધા. નળ રાજા, પણ સારસ્વત -સરસ્વતી એમના રસનાગ્રે, જીભને ટેરવે, વસતી હતી. સ્વયંવરની વાતે મને કવિ પ્રેમાનંદનું ‘નળાખ્યાન’ યાદ કરાવવું બહુ ગમે. ‘વૈશંપાયન કહે, રાજંન, સાંભળ સ્વયંવરનું વર્ણન’ -જેવો મનભર લ્હેકો ને પછી સ્વયંવરની સઘળી વાત એકદમ સ-રસ રીતે નિરૂપાતી ચાલે છે. પડો -સ્વંયવરનો ઢંઢેરો- કવિએ રાતે વગડાવ્યો, તો પણ ‘સુણ્યો સર્વે’, કેમકે સૌ ઉમેદવાર હતા. બધા વ્હૅલી સવારના જાગી ગયા. કેમકે ‘ન હોય અતિ કાલ કીધાનું કામ, માંડવે ન મળે બેઠાનો ઠામ.’ ગામભાગોળથી ભીડ ભરાવા લાગી: ‘રંક જાય રાય આગળથી’ -કેમકે રંક પણ ઉમેદવાર! રાયની સાડીબારી શું કરવા રાખે? સૌ હતા મૂરતિયા, એટલે સામેથી શુકન કરાવે છે! -‘શુકન વંદીને રથ ખેડે.’ સ્વયંવરસભામાં બધા ગોઠવાયા. પ્રેમાનંદ મશ્કરી કરે છે: ‘વર થઈ બેઠાં પ્રાણીમાત્ર.’ કેમકે સફળતા માટે કેટલાકોએ પોતાનાં ‘વરવાં ગાત્ર’ સમાં કરાવેલાં: ‘શરીર ક્ષુદ્ર કાષ્ઠનાં ખોડ / તેહેને દમયંતી વર્યાના કોડ / બાળક જોબન ને વૃદ્ધા (બુઢ્ઢા), તેહેને દમયંતી વર્યાની શ્રદ્ધા.’ સ્ત્રીના મનોનિર્ણયવાળી વાત આપણા જમાનામાં સાવ ગૂંચવાઈ ગઈ છે. લવ-મૅરેજના મૂળમાં લવ, પણ મૅરેજ લગી ન પ્હોંચાય તો મનોનિર્ણય રઝળી પડે. ઍરેન્જ્ડ-મૅરેજનો અર્થ જ એ કે માબાપો ઍરેન્જ કરે, કન્યાને શેનું પૂછવાનું… મૂરતિયાને પૂછી લે -તને ગમે છે; ખરું ને ભઈ… પટાવી રાખે. આજકાલનાં સમૂહ-લગ્નોમાં કે મૅટ્રિમોનિયલમાં મનોનિર્ણયની તક ખરી, પણ લિમિટેડ. કેમકે સિલેક્શન અવેલેબલ લૉટમાંથી કરવું પડે. એક ‘ઈ-હાર્મનિ’ નામની અનોખી મૅચમેકિન્ગ એજન્સી છે. ઑનલાઇન છે. દુનિયાભરનાં સિન્ગલ્સનાં મૅચિન્ગ કરે. એટલે કે ભાંગલાં હાંલ્લાં જોડી આપે છે. જોકે સિન્ગલ્સ તો અનેકાનુભવી હોય. જોડાયા પછી હકણાં ના રહે, તો પાછાં સિન્ગલ્સનાં સિન્ગલ! દમયન્તીના સ્વયંવરમાં રાજા-મહારાજાઓની ગિરદી હતી. ભલે; પણ તેમાં ઇન્દ્ર અગ્નિ વરુણ અને ધર્મ એમ ચાર ચાર દેવો ય આવેલા! આવેલા તો આવેલા પણ મૂરતિયા થઈને આવેલા! અરે પણ, પાછા નળનું રૂપ ધરીને આવેલા! એટલે દમયન્તીએ પાંચ-પાંચ નળમાંથી ખરા નળને શોધી કાઢવાનો -કેટલું અઘરું! કવિ લખે છે: ‘પાંચે નળ ચેષ્ટાને કરે, ‘લાવ હાર’, કંઠ આગળ ધરે.’ એટલે, ‘દમયંતી થઈ ગાભરી, વિપરીત દેખી પાછી ફરી.’ પિતા ભીમક એને સમજ આપે છે કે જે દેવ હોય, એની પાંપણ ન ફરકે -‘નિમિષ નહીં ચક્ષ’; દેવનાં વસ્ત્ર મૅલાં ન હોય -‘વિરંજ વસ્ત્ર’; અને દેવો અધ્ધર ઊભા હોય -‘ઊભા અંતરીક્ષ’. જોકે પછી બને છે એવું કે ચારેય દેવો હૂંસાતૂંસી કરે છે, એકમેકને શાપ આપે છે. ઇન્દ્રના શાપથી અગ્નિનું ‘વાંદરના જેવું થયું વદન’. અગ્નિને ઇન્દ્ર માટે કહ્યું, ‘રીંછમુખો થજો મહારાજ’. વરુણે યમને, ‘માંજારમુખો કીધો’. ધર્મે ઇચ્છ્યું કે વરુણનું મુખ, ‘શ્વાનના જેવું’ થઈ જાય. એટલે વાત વધારે વણસી: ‘રીંછ, વાંદર, શ્વાન, માંજાર, કન્યા કહે, વર રૂડા ચાર.’ શું કરવાનું? પછી તો, દેવો બધા શાપ ફોક કરે છે. એટલે જોકે દમયન્તી પાછી મૂંઝાય છે: ‘કોહોને વરીએ, કોહોને ઉવેખીએ, વરમાળા કોહોને આરોપીએ?’ પાંચેય ઉચરે છે -‘હું, હું નળ’. પણ પ્રેમાનંદ કહે છે: ‘કન્યા કોહોને નવ વરે’. છેલ્લે દેવો લજ્જા પામે, નળ ઓળખાય, દરેક દેવ નળને જાતજાતનાં વરદાન આપે, એમ ઘણું ઘણું બને છે. દમયન્તીને પણ વરદાન મળે છે એવું કે -‘અમૃત સ્રાવિયા હજો કર તારા’. કર અમૃત સ્રાવતા થયેલા એટલે દમયન્તીના હાથમાંના માછલાં સજીવ થઈ સરી ગયેલાં. નળને થયેલું, પોતાને મૂકીને ખાઈ ગઈ! દમયન્તી એને બેવફા લાગે છે. સહી શકતો નથી. ‘પાપણી’ કહીને ધમકાવે છે. વગેરે આગળની કથા ઘણી કરુણ છે… હાર્મનિ લગી પ્હોંચવા પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓને ઘણી યાતનાઓ વેઠવી પડે છે, ધીરજથી મથવું પડે છે. સીતા, દ્રૌપદી અને દમયન્તીએ કેવી કેવી આકરી પરીક્ષાઓ આપી. અપાર દુ:ખ વેઠ્યાં, મનોનિર્ણયની હમેશાં કસોટી થાય. તાવણીમાં તવાવું પડે છે. પછી જ સોનું કુન્દન બને છે. પ્રેમાનંદ (૧૬૪૯-૧૭૧૪) આપણા મોટા કવિ. એમના સમયથી ગુજરાતી ભાષા અર્વાચીન થવા લાગેલી. મને યાદ છે, ચૈત્ર માસમાં એમનું ‘ઓખાહરણ’ અમારી ખડકીમાં વંચાતું. માન્યતા એવી કે એ વાંચવાથી તાવ ન આવે! જોકે મને સૂઝ નથી પડતી કે આજના સમયમાં ‘નળાખ્યાન’-ની ભલામણ કરાય કે કેમ. કેમકે મનોનિર્ણય હોય કે કેમ. કેમકે હોય પછી લગ્ન લગી પાંગરે કે કેમ. કેમકે પાંગરે પછી હાર્મનિ પ્રગટે કે કેમ… નથી ખબર…

= = =