કાળચક્ર/બે દૃશ્યોની સમસ્યા
અનાજ અને બીજી વસ્તુઓથી ભરેલ ગાડું પરોઢિયે રણથળી ગામને કેડે ચાલ્યું જતું હતું અને દલભાઈ ગાડાની બાજુએ પગે ચાલ્યા આવતા હતા. હાંકનારને ખબર હતી કે દલભાઈને ગાડામાં બેસી જવાનું કહેવું વ્યર્થ છે. મોંમાં દાતણનો જાડો કૂચો ચાવતાચાવતા એ હજુ ક્ષિતિજ પર આવતા હતા. ગાડીવાનને ખબર અપાયા વગર પણ ખાતરી હતી કે દલા શેઠ આ બધો સરંજામ રૂપાવાવની જગ્યામાં પહોંચડાવવા લઈ જાય છે. અને એ લઈ જવાનું કારણ પણ એણે કલ્પી લીધું હતું એટલે એણે વાત પણ ચાલુ કરી
“રૂપાવાવનો પરચો તો બધાને માથે હાજરાહજૂર છે, દલભાઈ, પણ આપણે ખોરડે તો બજરંગની અદકી મે’ર છે; નીકર કાલનો મામલો તો ભાઈને માથે વસમો ઓછો હતો! રણથળીના કુલહોલ ખેડુ ફરન્ટ થઈ ગ્યા’તા! આજકાલ ખેડુલોકનો માઠો દા’ડો બેઠો છે. અઢાર-વીસ વરસ મોરુકી વાતુંનાં તો આજ સોણલાં જ રહ્યાં. ખેડૂતો પેટના દીકરા જેવા હતા એ આજ દૂધ પાઈને સાપ ઉછેર્યા જેવા બન્યા. ચોર ચોરના દીકરા! ચોરટાવેડા અને છિનાળાં બેય વાતે બૂરી દાનત થઈ ગઈ, બાપુ! નીર નવાણે ગ્યાં ને ધરમ ઠેકાણે ગ્યા; નીકર ગોપાળભાને કોઠારે જાણે ગંજ ઠાલવી જનારાઓ આજ જપતિયુંના જોડા ખાવા જેવા ઊંધા ધંધા આદરે કાંઈ? દાનતચોરના હવાલ પણ પછી કેવા થાય?” દાતણનો ડોયો ધીરે ધીરે મોંમાં ફેરવતા દલભાઈનું દિલ આ ગાડીવાનના પ્રલાપથી દુભાતું પણ નહોતું, રિઝતું પણ નહોતું. બે દાયકા પૂર્વેની પરિસ્થિતિમાં આવેલો પલટો એને આઘાત કે ઉત્પાત પહોંચાડતો નહોતો. વહુ ગુજરી ગયાં ત્યારથી દલભાઈ જમાનાના નાટકના માત્ર પ્રેક્ષક જ રહ્યા હતા. પિતા ગોપાળભા શું કરે છે એ એણે નિર્મમ નજરે નિહાળ્યા કર્યું હતું. આવડા નાનકડા કુટુંબનો વ્યવહાર ચલાવવાની કોઈ મુશ્કેલી નહીં, છતાં જમીનો પર જમીનો મંડાણમાં લેવાની પિતાને શી જરૂર પડી છે એ એને સમજાયું નહોતું. પણ કોઈ કોઈ વાર એને કલ્પના થતી કે ધરતી તો મા છે, માશુક નથી; ધરતીને બાથમાં જ લીધે જનાર માણસ એનો ભોગી છે અનાચારી છે; પણ બાપુને વરસોવરસ વધુ ને વધુ બાથ પહોળાવવી કેમ સૂઝતી હતી? બાનું અવસાન બહુ જ જુવાન વયે થયું એની તો આ અતૃપ્ત વાસના નહીં હોય? બીજી વાર પરણવાની જોગવાઈ ન પામનારો પિતા અતૃપ્ત હતો માટે તો પૃથ્વીને બાઝવા દોડી રહ્યો નહીં હોય? હશે, પણ મારા સુમનનું શું સમજવું? એ તો મારાં પુદ્ગળ છે, મારું લોહી છે, મારો ઉછેર છે. એને આજ આ શી ઘેલછા લાગી કે એ મારો છાંયો સરખોયે લેવાને બદલે મારા પિતાના જ રંગે રંગાઈ ગયો? જપ્તી વિના બીજો ઘા નથી કરતો; અમલદારોને ખરીદીને ખિસ્સામાં મૂકી રહ્યો છે; દયાનો તો દુશ્મન છે; ગરીબોનાં ઘર પર કડીઓ કરતાં કાળજુ કંપતું પણ નથી; તરકટો તો એક એકથી ચડિયાતાં ગોઠવી કાઢે છે; ને બાપુને બોલે કોઈક દી કોકનું ખૂન પણ કરતાં નહીં થડકે એવોયે સમય આવે કદાચ! આ વંશવેલે હવે પછી વળી કેવાંક ફળ બેસશે! દૈવ જાણે! પ્રભાત પડી ગયું હતું. માખીઓના બણબણાટ સંભળાયા અને ગાડાની સાથે સાથે ચાલતા દલભાઈએ બળદોને માથાં ધુણાવતા, તેમ જ પૂછડાં ફંગોળતા દીઠા. એક બળદનું કાંધ છોલાણું હતું. પોતે પોતાનું ફાળિયું લઈ ચાલતે ચાલતે બળદની માખો ઉડાડવા માંડી. “માળું… ક્યારે કાંધ છોલાણું હશે આનું?” શરમિંદો ગાડાવાન દલભાઈના ગર્ભિત ઠપકાથી બચવા અજાણ્યો બન્યો. એને ખબર હતી કે બીજી કોઈપણ વાતમાં રસ ન લેનારા દલભાઈ ડેલીમાં ઢોરની બગાઓ ને ઇતરડીઓ વીણતાં ચૂકતા નહીં; છોલાયેલ ચામડા પર ફિનાઇલનું પોતું મારતાં વીસરતા નહીં; પાદર પડેલા પૂંછલેલ ઢોરને પણ પોતે ચાર જણને ઊભા રાખી બેઠું કરતા; કૂતરે ચૂંથેલ ગધેડું પણ એના હાથની સારવાર પામતું. આવી કામગીરી બજાવતાં બજાવતાં દલભાઈ ટોળે વળેલા લોકોને ફક્ત એટલું જ કહેતા કે ‘જીભ વિનાનાં છે, ભાઈ! જીભ વિનાનાં છે.’ બસ, વધુ ઉપદેશ એ કદી કરતા નહીં. જોડાને તળિયે જેને એ મોટાં નાળ ને લોઢાં જડાવેલાં જુએ, તેને પણ ધરતી પરની કીડીઓ બતાવીને એ આટલું જ કહે કે ‘જીભ છે એને? જીભ હોત તો આ જીવડાં તને શું કહેત, હેં જેઠસૂર?’ ચોમાસે કોઈ ખેડુ તોતિંગ નવાં ઓખાઈ પગરખાંથી લીલોતરી ખૂંદતો ચાલ્યો જતો હોય તો ઊભો રાખીને પહેલાં તો ભોંય પરના કૂણા છોડવા બતાવે ને પછી કહે “એને જીભ હોત તો? તો રોત કે નહીં? હેં માધવાનળ? એ તરણાં રાડ પાડત, હો ભાઈ! એવી કાળી રાડ પાડત કે તારાં તમરાં જ બોલાવી દેત!” આવા સંસ્કાર ગામલોકોને પાનાર દલભાઈથી શરમાયેલો ગાડીવાન રણથળીને પાદરથી બારોબાર જ ગાડું રૂપાવાવ હાંકવા લાગ્યો ત્યારે દલભાઈએ કહ્યું “સીધું ગામમાં લે, ગામમાં.” પાદરમાં બે જણ બેઠા હતા તેને પોતે કાંઈક પૂછ્યું, એટલે એક જણ આગળ ચાલ્યો અને ગાડાને એક ગલીમાં દોરી ગયો. ત્યાં એણે દલભાઈએ જે ઘર પૂછ્યું હતું તે બતાવ્યું. “આ ફળીમાં લે,” એવા શેઠ-શબ્દોથી ગાડીવાન છોભીલો પડી ગયો. ઘર બતાવનાર માણસે બૂમ પાડી “રતના! એ રતના! બા’રો તો મર! શેઠ આવ્યા છે.” ઓસરીમાં બેઠેલાં છોકરાં ‘શેઠ આવ્યા છે’ એવું સાંભળતાં, અને આ ગાડું વગેરે જોતાં જ અંદર પેસી ગયાં, અને એનો બાપ રતનો ઘરની બહાર નીકળી બાઘાની જેમ ઊભો રહ્યો. “તેં આમને ઓળખ્યા, રતના?” પેલા ઘર બતાવવા આવેલ માણસે કહ્યું. “આ તારે ઘેર કાલ કડી કરી ગ્યા ને, એ સુમન શેઠના બાપુ.” ખેડુ રતનો, જેના કેડિયાને બાંયો નહોતી, તે આંખો તાકીને વગરબોલ્યો ઊભો થઈ રહ્યો. એની આંખોમાં ભય હતો. એ કંઈ સમજ્યો નહીં. બાયડી બહાર આવીને બોલી ઊઠી “હેં બાપુ! હવે બાકી શું રયું છે તે પાછા લેવા આવ્યા છો? ઓલ્યા ગાભા બેચાર છે ઈયે લઈ જાવા છે?” “ના, મા!” છોકરો બહાર આવ્યો, તેણે કહ્યું “મારી નવી આંગડી નહીં દઉં કોઈને.” ત્યાં તો નાની છોકરી પોતાની એક ફાટેલ ઘાઘરી પડી હતી તે છાતી સાથે કચકચાવીને ઘરમાંથી દોડતી, દલભાઈ ઊભા હતા તેને દેખી ચીસ પાડીને ભાગી “નૈં દઉં! નૈં દઉં!” દલભાઈએ એને પંપાળવા-અડકવા હાથ લંબાવ્યો ત્યાં તો એ છોકરીએ તીણી ચીસ નાખી. દલભાઈ સૂનમૂન ઊભા રહ્યા. ઘડીભર તો એની અક્કલ ચાલી ગઈ. એને શબ્દો ન સૂઝ્યા. છેવટે માંડમાંડ એણે કહ્યું “રતના, ભાઈ, આ ગાડામાંથી બધું ઉતારી લે.” રતનો પણ કંઈ સમજ્યો નહીં. એ ન હલ્યો કે ન ચલ્યો. પણ એની વહુ જરા પાણિયાળી હતી, તેણે કહ્યું “બાપુ! અમારે કાંઈ જોતું નથી. અમને આંઈ પડ્યાં રે’વા દો. અમને ગોટે ચડાવો મા. અમને સાચાખોટાનું કશુંય ભાન નથી રયું.” ઘણી વારે ગામના બીજા લોકોએ આવી દલભાઈને મદદ કરી ત્યારે માંડ રતનાને ને એની વહુને ગળે ઘૂંટડો ઊતર્યો કે આ શેઠ જોકે છે તો સુમન શેઠના બાપુ, પણ ધરમી છે, દયાળુ છે, કશું કારસ્તાન કરવા નથી આવ્યા, કોઈ ગોટો કરવા નથી આવ્યા, પણ તમને ધરમાદો દેવા જ આવ્યા છે. છતાં રતનાએ ને એની બૈરીએ પોતાને હાથે તો કાંઈ ઉતાર્યું જ નહીં. ગામલોકોએ ગાડાની ચીજો ઉપાડી ઉપાડીને એના ઘરમાં મૂકી. બે-ત્રણ દિવસ સુધી તો રતનાને એ ચોરીનો માલ હોય એવું લાગ્યા કર્યું, વાપરવાની હિંમત ચાલી નહીં. પછી છાનાંમાનાં છોકરાને ખવરાવતાં થયાં, ને લાંબે દહાડે પોતાને માટે વાપરવાની હિંમત આવી; છતાં હૃદયમાં ઉપકારનો ભાવ તો હજુ ઊઠતો જ નહોતો. ચોરીનું વાપરતાં હોય એવો ભાવ એમને પકડી બેઠો. આ રતના ખેડુના ઘરની સામે એક ધર્મશાળા હતી. તેની મેડીની બારીએ એક કન્યા ઊભી હતી. આગલી સાંજે પણ ત્યાં ઊભી હતી. એને હસવું આવતું હતું. કાલે આ કુટુંબને જે લૂંટી ગયો હતો તે પોતાનું વેવિશાળ કરેલો ડમરાળાવાળો સુમનચંદ્ર હતો, અને આજે પાછો જે મદદ ઠાલવે છે તે એનો જ બાપ છે! કારાળી ગામની હેમાણી-કન્યા જ્યારે આ ધર્મશાળાના મકાનમાં રાતવાસો રહીને પોતાનાં પિતરાઈ ભાઈ અને ભાભીની જોડે ગાડામાં બેઠી ત્યારે એને એના ભાઈએ આ બધી બાબતનો સ્ફોટ કર્યો. વિમળા હજુ સોળેક વર્ષની હતી; લાંબો વિચાર કરી શકતી નહોતી. પણ પોતે જે બે દૃશ્યો નજરોનજર દીઠાં એમાં એનું મન અટવાઈ ગયું. એણે ભાવિ સસરાને સાધુ જેવા વેશે જોતાં પહેલી પળે તો અણગમો અનુભવ્યો હતો. પોતાને બે વર્ષ પછી કોને ઘેર જવાનું હતું? કસાઈને ઘેર કે વેરાગીને ઘેર? એટલા સાદા તરંગ પર એની હૈયા-નાવડી અફળાતી હતી ત્યારે ધર્મશાળામાંથી ઊપડેલું ગાડું પાદરમાં બરાબર પેલા વેરાગી ડમરાળાવાળાના ગાડાની લગોલગ આવી ગયું. દલભાઈના ગાડાના બળદ અવેડે પાણી પીતા હતા અને પોતે કૂવાના થાળા પર બેસી કોગળા કરતા હતા. “કયા ગામનું ગાડું?” દલભાઈએ તો સહજ જ પૂછ્યું. એની નજર ગાડાના બળદના કાંધ પર લાગી ગઈ હતી. બેઉ બળદોને કાગડાએ ઠોલ્યા હતા. ધોંસરું લોહીમાં રગદોળાતું હતું. પોતાને જવાબ વાળનાર ગાડાખેડુને એણે કહ્યું “આમ તો જો! આને જીભ હોય તો? આ ધોરી તને શું કહે, હેં માધવાનળ!” જુવાન ખેડુ પોતે ‘માધવાનળ’ એવા ઇશ્કીના નામે સંબોધાતાં અને બળદોની દશાનો ટોણો સાંભળતાં શરમાઈ ગયો, તેટલામાં અંદર બેઠેલાં ત્રણ જણામાંનો જુવાન વણિક નીચે ઊતર્યો અને દલભાઈને ‘જે ગોપાળ’ કહી પોતાની ઓળખાણ આપવા લાગ્યો. “ઓહો! હેમાણી?” દલભાઈ પોતાના વેવાઈના સગા મોટા ભાઈના પુત્રને મળતાં બોલી ઊઠ્યા “આંહ્ય ક્યાંથી? શીદ જાઓ છો?” “રૂપાવાવ, મારી છેડાછેડી છોડવા. વિમળા પણ મારી જોડે છે.” એમ કહીને એણે પીઠ ફેરવીને બેસી ગયેલી બહેન પ્રત્યે નજર ચીંધાડી. પોતાની ભાવિ પુત્રવધૂને પલભર નિહાળવા ઉપરાંત વધુ કશો રસ બતાવ્યા વિના દલભાઈ વળી પાછા ગાડાખેડુ સાથે વાતે વળગ્યા “પશુ છે, મૂંગાં છે, ફિનાઈલનું પોતું ફેરવિયે. તમારા ખેડુના તો કંધોતર કહેવાય, કમાઉ દીકરા કહેવાય. કોસનાં પૈડાંને ને ગરેડીને તેલ ઊંજિયે. કિચૂડ કિચૂડ બોલે ત્યારે મજા ન લેવાય. ત્યારે તો એમ જાણિયે કે ધોરીને કપાણ્ય વધારે પડે છે.” એવું એવું કહી, પોતે ડમરાળાને પંથે પળ્યા, અને વિમળાને એક નવી જ સમસ્યા સોંપતા ગયા સસરાને શું હું અણગમતી હઈશ?