કાળચક્ર/ત્રણ વરસે
છેલ્લા પ્રશ્નના સુમનચંદ્રે આપેલા ઉત્તરને એન્જિનની વ્હીસલ અને ચાલતી થયેલી ટ્રેનનાં ચક્ર ચાવી ગયાં. એ વાતને પાકાં ત્રણ-ત્રણ વર્ષ વીતી ગયાં હતાં. કેરાળી ગામની હેમાણી ખડકીમાં ભાઈજી લૂખસને ખજવાળતા ખજવાળતા અને ‘ઘેલી’ વિમળા મોં પર છેડો ઢાંકીને તથા ભેંસો ભારવિહોણી બનીને ભરનીંદરમાં પડ્યાં હતાં, ત્યારે જાગતાં હતાં ફક્ત ઘેલીની વિધવા બા.
આ ત્રણ વર્ષમાં જમાઈના હાથની કાગળની ચબરખી પણ આવી નહોતી. કોઈ કોઈ વાર ઊડતા સમાચાર મળતા કે મુંબઈમાં ને પછી કલકત્તામાં રહીને પછી મલાકા-સિંગાપુર તરફ ચાલ્યો ગયો છે. કોઈકે વળી એને ત્યાં મલાયામાં ગામડાની સડકો પર બાઇસિકલ ઉપર કાપડની ફેરી કરતો પણ જોયો હોવાના વાવડ આપ્યા હતા. ડમરાળે પુછાવતાં તો ત્યાંથી પણ મલાકે છે એટલો જવાબ જડતો. ત્યાંયે કોઈના ઉપર એના હસ્તાક્ષરનો કાગળ નહોતો. ડમરાળાને ઘેર બાકી રહેલાં કુટુંબીજનોમાં સુમનચંદ્રનાં માવતર કે માજણ્યું કોઈ ભાંડરડું તો હતું નહીં એથી ‘આંગળીથી નખ વેગળા એટલા વેગળા!’ એ ન્યાયે એ વિસારે પડ્યો હતો. ત્રણ વરસ ને તે પણ તાર-ટપાલ કે ખરખબર વિનાનાં એ કાંઈ થોડી વાત છે! ત્રણ વરસ! ઘેલીનાં મા પણ વિચારતાં વિચારતાં ગભરાઈ ઊઠ્યાં. ઘેલીની હઠીલાઈને પરિણામે અન્ય ઠેકાણે સંબંધ જોડવાની કોશિશ થઈ શકતી નહોતી. દીકરી દીએ ન વધે એટલી રાતે, ને રાતે ન વધે એટલી દીએ વધતી. વાર્તા-સુંદરીઓની પેઠે યૌવનના, ભરયૌવનના અને પછી ઝલકતા યૌવનના હિંચોળા ખાતી હતી એ જોતો, જોઈ જોઈ ઊંડાણે શોષાતો શોષાતો ધણી પણ ગામતરું કરી ગયો હતો. આજ જમાઈ હોય, તો આ ઉઘરાણીના પથારા પતાવે, આ વાડીખેતરની વ્યવસ્થા કરે, ને રોજ ઊઠીને પ્રભાતથી અધરાત સુધી લોહી પીતા પિતરાઈઓ પણ ચૂપ બની જાય. જમાઈ હોય તો દીકરા કરતાંય સવાયું કરી દેખાડે. ને હવે આ છોકરીના જોબનનો ક્યાં સુધી ભરોસો! આજ અમલદારની કોરટમાં જઈ તડાફડી કરી આવી તેથી તો ગામ ભુરાયું થયું. કાલ ઊઠીને કોણ જાણે શુંય વાયરા વાય! પણ આ છોકરી ભારી વહેમીલી છે. એના બાપ બેઠે ક્યાંય બહારગામ મોકલવાની વાત નીકળતી ત્યાં જ કળી જતી કે હાય! નવું વેવિશાળ ગોતવા માટે મોકલશે! હવે તો મારી સોડમાંથી ખસે જ શેની? એવા વલોપાત સંઘરીને એ સૂતી પણ કાગાનીંદરમાં. એમ જ પરોઢ થયું. મા-દીકરીએ જાગીને સાથે દોવાં-વલોણાં વગેરે આદર્યાં, પણ માની નજર દીકરીના દેહ પર કરડકણી બની ગઈ હતી. રાતોરાતના આ ફેરફારની ઘેલીને કશી ખબર નહોતી, એટલે એનું શરીર તો પ્રત્યેક ક્રિયામાં તાલબદ્ધ તેમ જ મોકળી રીતે લોલાયમાન હતું. એના છલકાટ અને હિલ્લોલ પર અરધો દિવસ તો મહામહેનતે રોકી રાખેલી જીભ એ સમી સાંજથી વહેતી મૂકી. બૂમો પાડીને ઠપકો દેનારું સારું, પણ કાળા ઘૂમટામાંથી હરતાં ને ફરતાં ટમકાં મૂકનારી જીભે જુવાન છોકરીને વીંછીના દંશની વેદના પહોંચાડી. માની ખીજ વધતી ગઈ; કારણ કે ગામમાંથી આગલા દહાડાનાં પરાક્રમ માટે વિમળાને મુબારકબાદી દેનારાં વધતાં ગયાં. તે બધાંની મુલાકાત દરમ્યાન ભાઈજી પાછા હાજર જ હતા. પહેલો તો ખુદ મામલતદારનો એક કારકુન જ આવીને કહે “અમારા સાહેબને કોઈક માથાનું ભેટવાની જરૂર જ હતી! વિમળાબે’ને ઠીક દાઢી ખેંચી કાઢી! એવો ગાભા જેવો કરી નાખ્યો છે કે અમને સ્ટાફને મહાસુખ થઈ ગયું!” ભાઈજીથી આ સાંભળ્યું જતું નહોતું. માથે પાઘડી મૂકી બહાર નીકળવા કરે ત્યાં વળી એક વેપારી ખડકીમાંથી હાક દેતા આવી ચડ્યા “કાં, હેમાણી! બાકી કામ હાઇક્લાસ કરી બતાવ્યું કાલ કોરટમાં તમારી વિમળાએ! મામલતદારની ઓખાત બગાડી નાખી! ઈ દીકરો હવે આંહ્યથી બદલી માગીને ન જાય તો મૂછ મૂંડાવી નાખું, આ મૂછ!” બોલતે બોલતે એણે ચપટીમાં ઝાલેલી મૂછ માંડ પાંચેક વાળની હશે. ભાઈજીને માટે તો આ શબ્દોનું શ્રવણ વિષપાન તુલ્ય હતું, પણ એનાથી બોલાય તેવું રહ્યું નહોતું. રાતે પોતે જે ચિત્ર રજૂ કર્યું હતું તેનાથી આ જુદું જ નીકળી પડ્યું. મા-દીકરી બેઉ સાંભળતાં હતાં કે વિમળાની ગેરઆબરૂ તો થઈ જ ન હતી! પણ ભાઈજી જેમ ખસિયાણા પડતા ગયા તેમ તેમ વિધવા ઉશ્કેરાતી ગઈ. પુત્રીને મળતી આ બધી શાબાશીઓમાં એણે આફત વાંચી. એના છણકા બે દિવસમાં તો એટલા વધ્યા કે વિમળાને પણ થયું કે ક્યાંક બહારગામ જવાનું મળે તો લૂગડાં બદલવાયે ઊભી ન રહું. જવાનું સ્થાન નહોતું, પણ બાના વર્તનના ફેરફારથી અકળાઈને એકાદ કલાક બહાર નીકળવાનો આશરો સ્ટેશન પાસેની વાડીમાં હતો. ઘર, વાડી ને સ્ટેશન ત્રણેય નજીક નજીક હતાં. વાડીએ લૂગડાં ધોવા નિમિત્તે પણ જવું ગમતું, કારણ કે ત્યાં સુધી રેલગાડીના પાટા હતા, અને પાટા પર ત્રણ વરસ પર, એક ટ્રેન એક જુવાનને લઈ, એનો છેલ્લો ઉત્તર સમજાવા દીધા વગર ચાલી ગઈ હતી. હૂરબાઈ ત્રણ વર્ષ પહેલાં સાથે આવીને ટ્રેન પર સુમનચંદ્રને તતડાવનારી પેલી મુસ્લિમ ખેડુ છોકરી, આજે તો એક બાળકની માતા એને સાસરેથી આવી હતી. ઘેલીબોનના બાપાને ખરખરે ઘેર પણ ડોકાઈ ગઈ હતી. એ પછી કંઈ મળાયું નહોતું. સાવ કરમાઈ કેમ ગઈ હશે? આંખો ફરતી કાળી દાઝ્યો કેમ પડી ગઈ હશે? મળું તો ખરી. વાડીમાં પોપૈયા, બકાલા અને ઘઉંના ક્યારા વાળતી હૂરબાઈ એક ચણિયાના કછોટાનો, બીજો ઘૂંટણ સુધી ઉઘાડા પગનો, ને ત્રીજો પિંડી સુધી કાળી માટીના કાદવનો, એમ કમર હેઠળના ત્રિરંગી ઠસ્સા સાથે કોદાળીના હાથાની ટોચે આંકડા ભીડેલા હાથ પર હડપચી ટેકવીને ઊભી હતી. વિમળાને દેખી એણે કોદાળી ઉપાડી. પણ વિમળાએ હાથના ઇશારાથી ‘હું જ ત્યાં આવું છું’ એમ સૂચવ્યું. કપડાંની ગાંસડી કૂવાને ધોરિયે કૂંડીને કાંઠે મૂકી, વિમળા ત્યાં પૌપૈયામાં ગઈ. “કાંઈ કાગળપતર નથી ના?” હૂરબાઈના પ્રશ્નના જવાબમાં વિમળાએ માથું હલાવ્યું, સહેજ મલકાઈ. “કાંઈ ખરખબર?” “ઈશ્વરને.” બેઉ જાણે કે થોડી ઘડી ‘ઈશ્વર’ શબ્દ પર માથું ઝુકાવી મૂંગી મૂંગી ઊભી રહી. પછી વિમળાએ પૂછ્યું “તું કેમ આમ થઈ ગઈ છો?” “કેમ?” “જાણે આગલી હૂરબાઈ જ નહીં!” “લે, જો તો ખરી! આગલું તે કોઈ રહી શકતું હશે?” “એમ નહીં, પણ તું કરમાઈ કાં ગઈ છો?” “રત પલટી.” “કાં, શું થયું?” “તારો બનેવી હાલ્યો ગયો પલટનમાં.” “હાલ્યો ગયો?” “હાલ્યો શું જાય? ફોસલાવી લઈ ગયા! બીડિયું આપી, સિગરેટું દીધી, રૂપિયા થોડા દીધા, પીળો દરેસ દીધો, કાંક ન પાવાનાં પાયાં, નશા કરાવ્યા, ને કહ્યું હશે કે આમ આગળ તો તને રૂપમાં એક એકથી ચડિયાતી એવી છોકરિયું મળશે. આ એમ કરીને કાંઈ કાગળને માથે અંગૂઠાની છાપ લઈ લીધી. હું ઘણું રોઈ. મેં કહ્યું, મૂઆ, તારે નકા કરવા હોય તો આંઈ ને આંઈ ફરીથી કર ને, હું તો મારે વાડી, ખેતર ને ઢોરઢાંખર સંભાળ્યા કરીશ. તું નશો કરવો હોય તોય કરજે આંઈ; પણ તું જા મા, અમને મેલીને જા મા!” “પછી?” “ન માન્યો. માને કાંઈ? બે-પાંચ સરખેસરખાએ મળીને અંગૂઠાની છાપું દઈ દીધિયું. પાનપટી ચાવતો ને સિગારેટુંના ધુમાડા કાઢતો, મારી તો ઠીક પણ આ અલ્લાએ સમે હાથે દીધેલ એના બાળકનીયે સામું જોયા વિના ગાડીમાં ચડી બેઠો. હું તો આને કાખમાં લઈને ટેશનની બહાર વાડ્ય માથે મોં રાખીને ઊભી રહી ગઈ.” “કોણ લઈ ગયા?” “ઈને મલકમાં કે’છે ને, રંગરૂટીવાળા. ઠેકાણેઠેકાણે એના માણસો ફરે, ને જેમ ખાટકીના દલાલ ગામેગામ ને સીમેસીમ કતલખાના માટે ઢોર ગોતતા ફરે, એમ આ મૂઆ જુવાનોને લડાઈમાં લઈ જવા ફરે.” “પણ હવે કાંઈ પતો?” “કાંક કાગળ બે-ત્રણ આવ્યા, કાંઈક રૂપિયા આવ્યા, છ મહિના તો છાવણીનું નામ આવ્યું, પણ હવે કાંઈ નામ કે ઠામ! અલ્લાને ખબર ક્યાં હશે! વાતું કરે છે કે મલકપાર ઉતારી ગયેલ છે, જ્યાં મોટો હોબાળો હાલે છે.” બોલતી, આંસુડાની ધારા લૂછતી અને ક્યારા વાળતી જતી હતી હૂરબાઈ. વિમળાની સામે તો એક નવી દુનિયા ઊઘડી પડી હતી. હૂરબાઈએ વાત પૂરી કરી “પછી હું તે ત્યાં રહીને શું કરું? કોણ નિરાંતે રહેવા દે? એનાં માવતરને પછી પારકી જણીનો ભરોસો કેટલા દી પડે? વરસ થઈ ગિયું. પછી ટકટકાટ આદર્યો વઉ વાડીએ સાથીની હારે છૂટથી બોલે છે, ને વઉ રસ્તે ફલાણા શેઠિયા હારે ખિખિયાટા કરતી હાલે છે! આ ત્યાં સુધી વાત વધી ગઈ એટલે હું તો મૂંગી મૂંગી મનમાં ઈ ઘરને અલાબેલી કરીને આવતી રહી છું. હવે માલિક એને પાછા ઘેર લાવે, અને એનો ક્યાંક પતો લગાડી અપાવે કે એ તે જળમાં છે, થળમાં છે, ક્યાં છે? એટલુંય જો જાણું! અરે, મરને બિચાડાને ત્યાં કોઈક થોડા દનની ઘરવાળીય મળી ગઈ હોય, એથી આપણે શું, બોન? કોઈનોયે એને માથે ત્યાં હેતનો હાથ ફરતો હોય તો મારો ખુદા રાજી! પણ કોઈ એનો પતો જ ન આલે ત્યાં હું શું કરું? ખોબો આંસુ આજ ફક્ત તારી આગળ પાડ્યાં છે. બાકી દીકરાના કસમ, જો મા આગળેય મેં મોઢે ઝાંખપ બતાવી હશે તો!” એમ કહેતી એ ખૂબખૂબ રડી. વિમળાએ પાસે જઈને હૂરબાઈનું માથું પોતાના ખભે લઈ લીધું.