કાળચક્ર/જમાનો બદલે ત્યારે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
જમાનો બદલે ત્યારે


બીજા એક સાથીને પાણી વાળવાનું સોંપીને હૂરબાઈ વિમળાની સાથે કૂવા પર આવી. ખાટલા પર એક જઈફ ખેડૂત બેઠો હતો. એની દાઢી ઘાટી અને રૂની પૂણીઓ જેવી સફેદ હતી. માથાના વાળ અને આંખોની પાંપણો, નેણનાં ભમ્મર, અરે, હાથ પરની રુવાંટી પણ રૂપેરી તાંતણા જેવી હતી. બેઠો બેઠો બુઢ્ઢો તસબીના પારા ફેરવતો હતો. એનાં આંગળાંમાં સહેજ કંપારી ચાલતી હતી.

“મારા નાના છે.” હૂરબાઈએ ઓળખ આપીને પછી કહ્યું “એની વાતો સાંભળવા રોખી છે. હાલો તો.” “કાં, મોટાબાપુ!” હૂરબાઈએ એના કાન આગળ મોં લઈ જઈને અવાજ કર્યો. “હં!” જઈફે આંખો પર એક હાથની છાજલી કરી. આંખોના ખૂણામાંથી, ઘાણીમાંથી તેલ ટપકે એમ પાણી ચૂતાં હતાં “કોણ, હૂરી?” “હા. હેં મોટાબાપુ! ઓલી એક વાત આ મારી બે’નપણીને સંભળાવો તો!” “કઈ વાત?” ઉત્તર દેતે દેતે પાછી ડોસાની માળા તો ચાલુ જ હતી. “જમાનો બદલી ગિયો એની.” “હા ખરું. મારી પંડ્યની જ જિંદગીની વાત છે, હૂરી! ઇન્સાન કહે છે કે જમાનો બદલી ગિયો. પણ કોઈ સમજાવે તો ખરો કે બદલ્યાની એંધાણી કઈ? રૂપ બદલ્યું? રંગ બદલ્યો? સૂરત બદલી? પાધરો હતો તે વાંકો થઈ ગયો? બોલતો’તો તે શું મૂંગો થઈ ગયો? હા-હા-હા-હા, એ છોડી! જમાનો જો, આમ બદલ્યો. ઈ વાતને એક, બે ને ત્રણ દાયકા થિયા. ત્રીશ સાલ મોરુકી વાત. હું વયો આવતો’તો ભાડું કરીને. ગાડું હાંક્યે આવું છું. પાસે એક ધારિયું. ચાળીસ વરસની ભરજુવાની. ઘરની દશ્ય એટલે ઢાંઢાને ડચકારોય કરવો ન પડે. હિલોળા કરતો વગડે હાલ્યો આવું છું, એમાં વચ્ચે એક ખાતરું આવે. ખાતરમાં ગાડું ઊતર્યું ત્યાં તો મેં એક બાઈને મોઢા આગળ જોઈ, અને જેમ બાઈ ખાતરામાં ઊતરી તેમ તો એક ભેખડની ઓથેથી ત્રણ જણા ઊભા થયા. બાઈને હાકલીને બોલાવી પાંચેય જણે. ત્યાં તો હું ધારિયું લેતોક પકડીને ઠેક્યો ગાડેથી! ત્રણેય હરામીને મેં ધારિયે તગડી મૂક્યા. બાઈ જોઈ, તો જુવાન. કોઈ ઊંચ વરણની. રૂપ તો અઢળક ઢળે! કહ્યું કે, બો’ન, હાલ, બેસી જા ગાડે, કોઈ તારું નામ ન લ્યે. બાઈ કહે કે વીરા! તેં મારાં ઘરેણાં ને મારી જાત્ય બેઉ બચાવ્યાં. સામે ગામ બાઈને ઊતરવું’તું ત્યાં ઉતારી એની આંસુભરી દુવા લઈ હું ઘેર આવ્યો. તે દી રાતે મનેય હરખનું રોવું આવ્યું કે અહાહા! અલ્લાએ મારી લાજ રાખી! મેં એક ઊંચ વરણની જુવાન બાઈને ઉગારી! આ ઈ હતો મારી જુવાનીનો જમાનો. પછી એક દાયકો વીતતાં મને એ બનાવ સાંભર્યો, ત્યારે થિયું કે મારું બેટું, ઈ બાઈને બચાવી એના બદલામાં એનાં ઘરેણાં તો લઈ લેવાં’તાં! આ ઈ જમાનો બદલ્યાની નિશાની. અને બીજો દાયકો વીત્યો ત્યારે પાછું ઈ સાંભર્યું અને મને થિયું કે અરે ભૂંડા! ઈ બાઈ તો હતી એકલવાઈ. એને મેં ઘરમાં બેસારી હત! આ ઈ ત્રીજો જમાનો. લે, હાંઉ?” કહીને બુઢ્ઢાએ માળા ફેરવવામાં ખૂબ ઝડપ વધારી મૂકી. કેમ જાણે જમાનો એની પાછળ દોડતો હોય ને પોતે જમાનાથી ભાગતો હોય! ડોસાએ વાત પૂરી કરી, ત્યારે બાજુને ખાટલે પગથી માથા સુધી ઓઢીને ઊંઘતો એક આદમી પડખું ફરી ગયો અને એને ઓશીકે પડેલી તુર્કી (ફેઝ) ટોપીએ ડોકિયું કર્યું. “કોઈ મે’માન છે?” વિમળાએ કૂવાની કૂંડીમાં કપડાં બોળતાં બોળતાં પૂછ્યું. “મે’માનસ્તો!” એટલું બોલીને હૂરબાઈએ નિઃશ્વાસ નાખી લીધો, ને એ ખાટલા પાસે જઈ ઊંઘતા માણસની ચાદર હલાવતી કહેવા લાગી “ભાઈ! રમજુભાઈ! ભૈલા, હવે તો ઊઠ.” “સૂવા દે ને હવે.” ઘોઘરા, તીખા, એક ટૂંકા ઘુરકાટ સાથે સૂનારા આદમીએ ચાદરનો છેડો હૂરબાઈના હાથમાંથી ઝટકોરી લીધો. “પણ ભાઈ!” હૂરી સાદ કરવા લાગી “આ વાવડો નીકળ્યો છે. આઠ દીથી તલ રઝળે છે. ઊઠ, માંડ અલ્લાએ વાયરું આપ્યું છે. આપણે તલ વાવલી નાખીએ, નીકર બધાય તલ ટળી જાશે. ઊઠ તો, વીરા!” હૂરબાઈની એ સુકોમળ જબાને પછી તો એના હાથને પણ મદદે તેડાવ્યા. સુંવાળી હથેળીએ સૂતેલ જુવાનનાં જુલફાં લલાટ પરથી ઊંચાં સંકોરતી ને પંપાળતી એ કહી રહી “ઊઠ, ભૈલા! ઊઠ, મારો વીર કરું. ઊઠ તો!” કોઈ ન સાંભળી જાય એવી ધીમાશથી “હજી ઓલ્યો બાજરો સંતાડીને ઘરભેગો કરવો છે. તોલમાં રાજને નોંધાવ્યો નથી, એટલે ઝટ ઠેકાણાસર કરીએ.” સૂનારો ઊઠ્યો. મોંમાંથી એણે જમીન પર થૂંક ને બળખો નાખ્યાં. તેમાં પાનપટીનાં રાતાં છોતાં હતાં. પછી એણે સિગારેટની ડાબલી પોતાની ફેઝ ટોપીમાંથી બહાર કાઢી અને દીવાસળીનું બાકસ લીધું, ત્યાં હૂરબાઈએ ફરી કહ્યું “ઊભો રે’, પે’લાં કોગળા કરી લે.” બહેન કળશો ભરી પાણી લાવી, ત્યાં તો જુવાને સિગારેટ સળગાવીને ચસકાવવા પણ માંડી હતી ને હૂરબાઈ તરફ એ નઘરોળ નયને જોઈ રહ્યો. “કેટલો બગડી ગયો છો, ભાઈ!” “લે, છાની મર.” “મરું તો તો ઘણીયે દુવા દઉં અલ્લાને! પણ એના ઘરની ટાંક માંડી હશે ત્યાં લગણ મરાય છે કોઈથી? તારે કહ્યે મરું તો તો તારા મોંમાં પુલાવ મીઠો!” સિગારેટને છેક થડિયા સુધી નિરાંતે ચૂસી લઈ ઘા કરી નાખ્યા પછી એ જુવાન હાજતે જવા માટે કૂવાની કૂંડી પર ડબલામાં પાણી ભરવા ગયો. ત્યાં એણે વિમળાને જોઈ. જોતાં એના ચહેરા પરની વિકૃતિમાં આછો સળવળાટ થયો. કરડી રેખાઓએ લજ્જાનો પાલવ સંકોરી લીધો. “અરે, રમજુભાઈ!” વિમળા પણ ઓળખીને બોલી ઊઠી “માંડ ઓળખાણા.” ઓળખાણ મુશ્કેલ હતી એ તો આ જુવાન પણ મનમાં પામી ગયો. મૂંગો મૂંગો ચાલ્યો ગયો. હૂરબાઈ આ દરમ્યાન વાડીનાં માણસોને જુદી જુદી સૂચનાઓ દેતી દેતી ફરતી હતી. કોશિયાને કહેતી હતી કે ‘પોપૈયાંમાં પાણી તો છાંટો, ભાઈ! ઢાંઢાને ધૂળ કેટલી પેટમાં જાય છે!’ પોપૈયાં ખરીદવા આવેલા પરગામવાળાને ઝટ પોપૈયાં તોળી દેવા સૂચવતી હતી. ‘માવઠું થાવા બેઠું છે, નીરણ ઉપાડીને ઘરભેગી કરીએ ઝટ!’ એવું વળી ત્રીજાને કહેતી હતી. ચોમેર ઘૂમી વળીને એ પાછી ઘોડિયે સૂતેલા પોતાના છોકરાને ધવરાવવા માટે કૂંડી પાસે બેઠી, ત્યારે વિમળાએ પૂછ્યું “આ તો રમજુભાઈ!” “હા, બોન!” હૂરબાઈએ, પોતે જ એ વાત માનતી ન હોય તેવી ઢબે કહ્યું, ને ધાવતા બાળકના કાન પાછળથી મેલ લૂછવા લાગી. “કેમ સાવ બદલાઈ ગયા છે?” “અલ્લા જાણે, બોન! બે વરસ કરાંચી રહી આવ્યો, તેમાં તો જાણે ઈ રમજુ જ નહીં ને! રાતના બે-ત્રણ વાગ્યા લગી બધાની ભેગો મસીદમાં કોણ જાણે શુંયે કરે છે! બપોર લગી ઊંઘે છે, સાંજે પાછો કોણ જાણે ક્યાં ઊપડે છે! કાંક કાગળિયાં ટપાલમાં આવે છે તે વાંચ્યા જ કરે છે, ને આંખે તો અંગારા ઝરતા હોય. પૂછીએ કે તુંને શું વિચારવાયુ ઊપડ્યું છે, તો બોલે નહીં. મને તો, બસ, એમ જ કહ્યા કરે છે કે મુસલમાનની ઓરત થઈને ઇજાર-સદરો કેમ નથી પે’રતી? એકલો એકલો બોલ્યા કરે છે કાંઈક ‘લડકે લેંગે પાકિસ્તાન!’ આપણે તો શું સમજિયે? બાપ મૂઆ ને દીકરો કાંઈક તોરે ચડી ગયો. નહીં વાડીખેતરનાં કામમાં ચિત કે નહીં ધરાઈને ખાવામાં ધ્યાન. ભાઈ જેવો ભાઈ હતો, ગાયના ઉપલા દાંત જેવો ગરીબડો, પણ ઈ માયલું નામ કે નિશાન ન રહ્યું. એના આવ્યા પછી તો મૂઈ, ઘાંચીવાડનાં ને વોરાવાડના એકોએક જુવાનનાં રૂપ જ જુદાં થઈ ગિયાં જોઉં છું! માથે રૂપાળા ફેંટાને બદલે ઊંચી ઊંચી ટોપિયું, કાંઈક બિલ્લા, ઘુસપુસ બોલવું અરે બાઈ! મારા મોટાબાપુએ હમણાં કહ્યું ને, એમ જમાનો જ જાણે ઇ નહીં. કંઈક નોખો જ જમાનો બળબળી રહ્યો છે.” એટલું બોલીને એણે ‘હાય રે!’ એવી એક હેતભરી નાની ચીસ નાખી, અને ધાવવું છોડીને સામે તાકી રહેલા બાળકને ટપલી મારી કહ્યું “કાંઈ બટકું ભરવા શીખ્યો છે તે! માડી! જો ને કેટલા ઊંડા દાંત બેસાડી દીધા!” એમ કહીને એણે છોકરાને ઉપાડી ભોંય પર મૂક્યો, ને વિમળાની સામે સૂચક દૃષ્ટિએ જોયું. વિમળા, હૂરબાઈને જે કહેવું હતું તેના મર્મને પામી ગઈ. એ પણ વયમાં કંઈ બહેનપણીથી બહુ નાની નહોતી. હૂરબાઈની છાતીમાંથી ફૂટતી ધાવણ-ધાર પર એ તાકી તાકી જોતી ને માથું પાછું નીચું ઘાલી જતી. વળી ઊંચી ડોક કરતી, પાછો પાલવ સંકોરતી, પાલવને ફાટેલો જોઈ પાછી મથરાવટી નીચે ઉતારતી એમ કરતી કરતી એ પોતાના હેલે ચડેલા દેહને ઢાંકી રાખવા કોશિશ કરતી, કપડાં ધોતી હતી. “કેમ, બહુ ફાટલાં પે’રવા માંડી છો, ઘેલીબે’ન?” હૂરબાઈના પ્રશ્નનો જવાબ તો એણે પોતે જ આપ્યો “હા, સાચું. રોયા કાપડ વેચે છે જ ક્યાં? જઈને ઊભિયે તો કે’શે કે છે જ નહીં ને! વાંસેથી હળવેક રહી ટમકું મૂકે કે બમણા પૈસા પડશે. બમણે નાણેય આપે ત્યારે તો ચાળણી જેવાં આછાંપાંખાં. તમારે પણ એમ જ?” “અમે કાંઈ ટીલું લાવ્યાં?” “પણ વેપારી તો તમારી નાતના ને?” “એને નાત જ નૈં. એની નાત જ વેપારી. સગા ભાઈનાંય છોડ પાડે.” પણ આ વાર્તાલાપ લંબાવવાની વિમળાની ઇચ્છા નહોતી. એને બીક લાગી ગઈ હતી કે હમણાં પાછો રમજાન આવી પહોંચશે. એણે કૂંડીમાં પડી, સાડી સહિત જ શરીર ઝબકોળી લીધું, અને એને કપડાં બદલવા હૂરબાઈ બળદની ગમાણમાં લઈ ગઈ.