સ્વાધ્યાયલોક—૭/૧૩–૭ની લોકલ

Revision as of 20:32, 5 May 2022 by Shnehrashmi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|‘૧૩–૭ની લોકલ’ની પૂર્વભૂમિકા}} {{Poem2Open}} સુન્દરમ્‌‌નો જન્મ ગુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


‘૧૩–૭ની લોકલ’ની પૂર્વભૂમિકા

સુન્દરમ્‌‌નો જન્મ ગુજરાતના એક નાનકડા ગામડામાં, શ્રમજીવીના કુટુંબમાં. સુન્દરમ્‌ ગ્રામપ્રદેશનું સંતાન છે. એમના બાળપણનો પ્રથમ અંગત અનુભવ, એમના જીવનની પ્રથમ ચિરંજીવ સ્મૃતિ, એમના કવિહૃદયનું પ્રથમ તીવ્ર સંવેદન એટલે ગ્રામપ્રદેશનું વાતાવરણ, એની પ્રકૃતિ અને એનો મનુષ્યસમાજ. આ અનુભવ, આ સ્મૃતિ, આ સંવેદન સાથે સુન્દરમ્‌ કિશોરાવસ્થામાં ગામડામાંથી ગામમાં ખસ્યા અને ગામમાંથી, અલબત્ત, આ પશ્ચાદ્ભૂમિકા અને આ પ્રક્રિયામાં અનિવાર્ય એવી આર્થિક અને સામાજિક મુસીબતો અને મૂંઝવણો સાથે, શહેરમાં વસ્યા. બાહ્યજગત અને આંતરજીવનના નવા-નવા પ્રદેશોની એમની આ શોધમાં ૧૯૨૫થી ૧૯૩૫ના એક દાયકાનો એમનો મુખ્ય અનુભવ તે સત્યાગ્રહ-ગાંધીજી-અમદાવાદ (૧૯૩૫ પછી, વધુ સક્રિયપણે ૧૯૪૫ પછી એમનો મુખ્ય અનુભવ તે યોગ — શ્રી અરવિંદ — પોંડિચેરી.) ૧૯૨૫થી ૧૯૨૯ અમદાવાદમાં ગાંધીજીની ગૂજરાત વિદ્યાપીઠમાં સુન્દરમ્‌ વિદ્યાર્થી અને પાઠકસાહેબ એમના અધ્યાપક, ૧૯૨૬–૨૭માં પાઠકસાહેબને મુખે બલવન્તરાયના ‘ભણકાર (૧૯૧૭)’નાં કાવ્યોનું પઠન અને વિવેચન જીવનમાં પહેલી વાર જ સાંભળવાનું સદ્ભાગ્ય સુન્દરમ્‌‌ને સાંપડ્યું. પછી બીજે જ વર્ષે ૧૯૨૭–૨૮માં ગૂજરાત વિદ્યાપીઠમાં બલવન્તરાયનું પ્રવચન સાંભળવાનું અને ત્યાર પછી તરત જ ૧૯૨૯–૩૦માં પાઠકસાહેબના ‘પ્રસ્થાન’માં બલવન્તરાયની ‘આપણી કવિતાસમૃદ્ધિ’ લેખમાળા વાંચવાનું સદ્ભાગ્ય પણ સાંપડ્યું. ૧૯૩૦માં જીવનના પરમ વરદાન જેવા સત્યાગ્રહમાં, સ્વાતંત્ર્યસંગ્રામમાં તીવ્રપણે ઓતપ્રોત એવા એક સક્રિય સૈનિક તરીકે ખભે થેલીઓ ઝુલાવીને ખેતરો-ખૂંદતાં ખૂંદતાં કે ઝૂંપડીઓમાં અને છાવણીઓમાં ઘૂમતાં-ઘૂમતાં કે જેલના સળિયા પાછળ બરાકોમાં વસતાં-વસતાં જેને વિશ્વપ્રેમથી સહેજ પણ ઓછું નામ ન અપાય એવો અનિર્વચનીય અનુભવ થયો. આ સમયમાં ૧૯૩૦ના સપ્ટેમ્બરમાં સભાન-અભાન શાંત ક્ષણોમાં કોઈ ખેતરના એક નાનકડા વૃક્ષ પાસે સુન્દરમ્‌‌ની કાવ્યદીક્ષારૂપ ‘બુદ્ધનાં ચક્ષુ’નું સર્જન થયું. (પછી એ જ વરસથી બલવન્તરાય સાથે આયુષ્યભરનો અંગત અને આત્મીય સંબંધ થયો. ૧૯૩૧માં બલવન્તરાયે ‘આપણી કવિતાસમૃદ્ધિ’માં ‘બુદ્ધનાં ચક્ષુ’નું હોંશે હોંશે સ્વાગત કર્યું.) ૧૯૩૨–૩૪માં બે વાર છ-છ માસની જેલયાત્રાનો અને ૧૯૩૫માં પ્રથમ પોંડિચેરી યાત્રાનો અનુભવ થયો. ૧૯૩૭ લગીમાં ગાંધીજીના મહાકાવ્ય જેવા કર્મો દ્વારા પ્રેમ અને કરુણાથી સભર એવા માનવતાવાદનો અનુભવ હૃદયને થયો હતો એ ચોથા દાયકામાં જગતભરનાં સંવેદનશીલ મનુષ્યોની બુદ્ધિ પર જેની જાદુઈ ભૂરકી જેવી ભારે અસર હતી તે આર્થિક સમાનતાના આદર્શો અને સામાજિક ન્યાયના મૂલ્યો પર પ્રતિષ્ઠિત એવા સમાજવાદના વાચન-મનન-ચિંતનથી વધુ સઘન, સધ્ધર અને સમૃદ્ધ થયો. સુન્દરમ્‌‌ના જીવનચરિત્રનું આટલું પ્રકરણ એમના ‘વસુધા’ (૧૯૩૯) કાવ્યસંગ્રહમાંના ‘૧૩–૭ની લોકલ’ (સપ્ટેમ્બર ૨૫, ૧૯૩૭) કાવ્યને સમજવા માટે પૂર્વભૂમિકારૂપ છે. આ સદીની પહેલી પચ્ચીસીમાં ગુજરાતમાં ગાંધીજીએ સત્યના અને બલવન્તરાયે સૌંદર્યના — મધુર અકસ્માત કે આ બન્ને સર્જકોએ એક જ સમયે — પ્રયોગો કર્યા. પરિણામે ગુજરાતના જીવનમાં અને સાહિત્યમાં અપૂર્વ પરિવર્તન થયું. એકે મહાકાવ્યનું વસ્તુ અને બીજાએ મહાકાવ્યનું વાહન ગુજરાતના ભાવિ મહાકવિને ભેટ ધર્યું. મહાકવિ તો દૂર-અદૂરના ભવિષ્યમાં પાકે તો અને ત્યારે! પણ તરત જ એક દાયકા જેટલા ટૂંકા સમયમાં તો ગુજરાતી ભાષામાં બે ઉત્તમ કવિઓ-સુન્દરમ્‌ અને ઉમાશંકર પ્રગટ થયા. ગુજરાતને ગાંધીજીએ કેવળ સ્વપ્નોનું નહિ પણ સત્યાગ્રહનાં સાક્ષાત્ કર્મોનું અને બલવન્તરાયે કેવળ સિદ્ધાંતોનું નહિ પણ ‘ભણકાર’ના સઘન કાવ્યોનું અર્પણ કર્યું. ગાંધીજીને માત્ર રાજ્ય નહોતું જોઈતું, સ્વરાજ્ય કહો કે સૌરાજ્ય, સૌનું રાજ્ય, છેલ્લામાં છેલ્લા મનુષ્યનું રાજ્ય જોઈતું હતું. બલવન્તરાયને માત્ર કાવ્ય નહોતું જોઈતું, મહાન (બલકે મહા) કાવ્ય, સમસ્ત મનુષ્યજાતિનું કાવ્ય જોઈતું હતું. પરિણામે ગુજરાતી ભાષાના કવિનું હૃદય અને એની કવિતાનું પદ્ય પ્રવાહી થયું. એક સંતના અને એક કવિના જીવનચરિત્રનું આટલું પ્રકરણ પણ ‘૧૩–૭ની લોકલ’ને સમજવા માટે પૂર્વભૂમિકારૂપ છે. કોઈ પણ સમયે, કોઈ પણ સ્થળે, કોઈ પણ સમાજમાં દુર્ભાગ્યે કેટલાંક તિરસ્કૃત, બહિષ્કૃત મનુષ્યો હોય છે. મનુષ્યજાતિનું આ મહાન કલંક છે, ઘોર પાપ છે અને મોટું દુર્ભાગ્ય તો એ છે કે હજુ લગી એ અસ્તિત્વમાં છે. કોઈ પણ સમયે, કોઈ પણ સ્થળે, કોઈ પણ સમાજમાં કવિ જેવો કલ્પનાશીલ, સંવેદનશીલ, અનુકંપાશીલ આત્મા આ તિરસ્કૃત, બહિષ્કૃત મનુષ્યોથી સંપૂર્ણ અજાણ હોય એ અશક્ય. શું પ્રાચીન યુગમાં, શું મધ્યકાલીન યુગમાં, શું અર્વાચીન યુગમાં, શું પૂર્વમાં, શું પશ્ચિમમાં અનેક કવિઓએ આ મનુષ્યો વિશે પ્રેમ અને કરુણાપૂર્વક કાવ્ય રચ્યું છે. પણ ફ્રાન્સની ક્રાંતિ પછી યુરોપના કવિઓએ અને ગાંધીજીના સત્યાગ્રહ પછી ભારતવર્ષના કવિઓએ આ મનુષ્યો વિશેનું કાવ્ય સવિશેષ પ્રેમ અને કરુણાપૂર્વક રચ્યું છે; વધુ સભાનતા અને સક્રિયતાથી, વધુ સઘનતા અને સ્પર્શક્ષમતાથી, વધુ તીવ્રતા અને ઉગ્રતાથી, વધુ ઉદ્રેક અને આવેગથી, વધુ સૂક્ષ્મતાથી, વધુ આત્મીયતાથી રચ્યું છે. પૂર્વેના કવિઓએ આ મનુષ્યો વિશેનું કાવ્ય સમગ્ર કૃતિના, કાવ્ય સમગ્રના એક અંગ રૂપે ઇતિહાસ-ફિલસૂફી-નીતિ-ધર્મ આદિ વિચારણાના, અંગત મનન-ચિંતન-દર્શનના, વ્યાપક વિષયના એક અંશ રૂપે રચ્યું છે. ફ્રાન્સની ક્રાંતિ પછી યુરોપના કવિઓએ અને ગાંધીજીના સત્યાગ્રહ પછી ભારતવર્ષના કવિઓએ આ મનુષ્ય વિશેનું કાવ્ય સમગ્ર કૃતિના, કાવ્ય સમગ્રના એકમેવ અદ્વિતીયમ્ એવા વિષય રૂપે રચ્યું છે; આર્થિક અસમાનતાના જ્ઞાન સાથે, સામાજિક અન્યાયના ભાન સાથે રચ્યું છે; આ મનુષ્યોથી અલિપ્ત નહિ પણ અભિન્ન રહી પૂરેપૂરી એકાત્મતાથી અને તદ્રૂપતાથી રચ્યું છે. કોઈ-કોઈ કવિએ તો આ મનુષ્યોમાંના એક રૂપે રચ્યું છે. જાણે આ મનુષ્યો વિશેનું કાવ્ય રચ્યાથી જેમાં કોઈ પણ મનુષ્ય તિરસ્કૃત, બહિષ્કૃત હોય એવો એક પણ સમાજ ભવિષ્યમાં ક્યાંય, ક્યારેય ન હોય એવું જગત સર્જાવાનું ન હોય! જાણે એવું જગત સર્જવાની એમની અંગત જવાબદારી ન હોય! જાણે નવા વિશ્વસંદર્ભમાં નવું જગત સર્જવાની કવિઓ તેમ જ મનુષ્યો તરીકેની એમની જવાબદારી ન હોય! Liberte, Egalite, Fraternite’ સ્વાતંત્ર્ય, સમત્વ, બંધુત્વ અને સત્ય, અહિંસા સમસ્ત મનુષ્યજાતિમાં સિદ્ધ થાય એમાં કવિનું પૂર્વે હતું એથી વધુ સક્રિય અર્પણ હોય એવો અર્વાચીન યુગનો કવિઆદર્શ છે. પ્રાચીન ગ્રીક-રોમન કે મધ્યકાલીન યુરોપીય સમાજ અને સંસ્કૃતિથી ભિન્ન એવાં સમાજ અને સંસ્કૃતિ ફ્રાન્સની ક્રાંતિના મંત્રમાં સાકાર થયાં છે. પ્રાચીન, મધ્યકાલીન ભારતીય સમાજ અને સંસ્કૃતિથી ભિન્ન એવો સમાજ અને સંસ્કૃતિ ગાંધીજીના સર્વોદયમંત્રમાં સાકાર થયાં છે. સમાજ અને સંસ્કૃતિના આ ભિન્નભિન્ન સંદર્ભને કારણે પ્રાચીન, મધ્યકાલીન યુગની કાવ્યમૂર્તિથી ભિન્ન એવી અર્વાચીન યુગની કાવ્યમૂર્તિ છે. પશ્ચિમમાં આ કવિઆદર્શ વર્ડ્ઝવર્થ અને બૉદલેરમાં અને આ કાવ્યમૂર્તિ એમની કવિતામાં પ્રથમવાર પ્રગટ થાય છે. વર્ડ્ઝવર્થે ‘Lyrical Bal-lads’ (૧૭૯૮, ૧૮૦૦)માં ઇંગ્લૅંડના ઉત્તર-પૂર્વ પ્રાંત કમ્બરલૅન્ડના ગ્રામપ્રદેશના તિરસ્કૃત, બહિષ્કૃત મનુષ્યોનું કાવ્ય રચ્યું. બોદલેરે ‘Les Fleurs du Mal’ (૧૮૫૭, ૧૮૬૧)માં નગરસંસ્કૃતિ અંગેના કાવ્યગુચ્છ ‘Tableaux Parisiens’માં પૅરિસનગરનાં તિરસ્કૃત, બહિષ્કૃત મનુષ્યોનું કાવ્ય રચ્યું. વર્ડ્ઝવર્થનાં કાવ્યોમાં આ મનુષ્યો પ્રકૃતિની સાથે એકરસ, એકરૂપ, એકાકાર અને ઓતપ્રોત છે. પ્રકૃતિની સાથે એમની આ એકતાનું રહસ્ય છે વેદના. આ સરલનમ્ર મનુષ્યોમાં અને પ્રકૃતિમાં બન્નેમાં કોઈ ગહનગંભીર વેદના છે. અને બન્ને કોઈ અખૂટ વીરતાથી, અતૂટ સ્થિરતા-ધીરતાથી આ વેદના અનુભવે છે. બન્નેમાં અપાર સંવેદનશીલતા અને અનંત સહનશીલતા છે. એમાં આ મનુષ્યોની કરુણતા પ્રગટ થાય છે. અને વિશ્વઐક્યના આ આર્ષદર્શનમાં ઋષિહૃદયની કરુણા પ્રગટ થાય છે. બૉદલેરનાં કાવ્યોમાં આ મનુષ્યો એકલાઅટૂલા છે. વિશ્વની વિરાટ શૂન્યતામાં આમતેમ ભમેભટકે છે. રવડેરઝળે છે. કોઈ સગુંવહાલું નથી. કોઈ ધણીધોરી નથી. ક્યાંય ઉદારતા નથી, ઉષ્મા નથી. ક્યાંય હૂંફ નથી. હેત નથી. છે માત્ર દુ:સ્વપ્નના કોઈ માયાવી નગરના રાજમાર્ગો પર અગમ્ય અને ઓચિંતી ભભૂકતી, ભટકાતી કાળની, વિસ્મૃતિની ભયાનક ભૂતાવળો. છે માત્ર અસુરલોકની અદયા અને અમાનુષિતા. એમાં ડગલે ને પગલે શંકા અને ભયથી ગ્રસ્ત અને ત્રસ્ત એવાં આ મનુષ્યોની કરુણતા પ્રગટ થાય છે. ક્યારેક એમના આત્માની નિર્દોષતા અને નમ્રતા તથા એમનાં હૃદય-મનની સુકુમારતા અને સુન્દરતાની સ્તુતિમાં, તો ક્યારેક એમનાં દેહની કદરૂપતા અને કંકાલતા પરના ક્રૂરનિષ્ઠુર કટાક્ષમાં, ક્યારેક એમની સાથેના તાદાત્મ્યમાં, તો ક્યારેક એમની સાથેના તાટસ્થ્યમાં, ક્યારેક એમની વાસ્તવિકતાનાં દર્શનમાં, તો ક્યારેક એમની રહસ્યમયતાના દર્શનમાં આ નગરકવિની કરુણા પ્રગટ થાય છે. કોઈ પણ બે કવિઓનાં કાવ્યમાં હોય એવું અને એટલું અસામ્ય આ બે કવિઓનાં કાવ્યમાં છે. પણ બન્ને કવિઓનાં કાવ્યમાં સામ્ય એટલું છે કે ક્યાંય હૃદયદૌબલ્ય નથી. મનોરુગ્ણતા નથી, ક્યાંય આ મનુષ્યોને બિચારાંબાપડાં બનાવવાની ચેષ્ટા નથી, અહંપ્રેરિત દુષ્ટ, ભ્રષ્ટ દયા નથી કે એવી દયા વાચકો પાસેથી યાચવાની ભિક્ષુકવૃત્તિ નથી. આ બન્ને કવિઓએ આ મનુષ્યોનું સન્માન કર્યું છે, ગૌરવ કર્યું છે. વર્ડ્ઝવર્થના આ મનુષ્યો વિશેના કાવ્યોમાં ‘Resolution and Independence’, ‘Margaret’ અને ‘Michael’ ઉત્તમોત્તમ કાવ્યો છે. બૉદલેરનાં આ મનુષ્યો વિશેનાં કાવ્યોમાં Les Sept Vieillards, ‘Les Petites Vieilles’ અને ‘Le Cygne’ ઉત્તમોત્તમ કાવ્યો છે. વર્ડ્ઝવર્થ અને બૉદલેર પછી પશ્ચિમમાં આ કાવ્યની પરંપરા આજ લગી અવિચ્છિન્ન અને અવિચલ છે. ગુજરાતી ભાષામાં આ કવિઆદર્શ સુન્દરમ્‌ અને ઉમાશંકરમાં અને આ કાવ્યમૂર્તિ એમની કવિતામાં પ્રથમવાર પ્રગટ થાય છે. આ બન્ને કવિઓની કાવ્યસાધના આજ લગી અવિચ્છિન્ન અને અવિચલ છે. અને અપાર શક્યતાઓથી ભર્યુંભર્યું ભવિષ્ય પણ હજુ એમના હાથમાં છે. એમનું અને એમની દ્વારા ગુજરાતી ભાષાની કવિતાનું ભવિષ્ય ઉજ્જવલ છે. કવિ આદર્શ અને કાવ્યમૂર્તિના ઇતિહાસનું આટલું પ્રકરણ પણ ‘૧૩–૭ની લોકલ’ને સમજવા માટે પૂર્વભૂમિકારૂપ છે. આ ત્રિવિધ પૂર્વભૂમિકા ‘૧૩–૭ની લોકલ’ને સમજવા માટે અનિવાર્ય નથી. કોઈ પણ કાવ્યને એનું સ્વાયત્ત, સ્વતંત્ર અસ્તિત્વ હોય છે. એક વાર કાવ્યનું સર્જન થાય પછી એનું સર્જકનિરપેક્ષ એવું આગવું જીવન હોય છે. એને કવિના જીવનના કે સમકાલીન સમાજના કે એ કાવ્ય જે ભાષામાં હોય એ ભાષાની કવિતાની પરંપરાના સંદર્ભમાં જ સમજી શકાય, ન અન્યથા — એવો કોઈ અનિવાર્ય, અનુલ્લંઘનીય નિયમ નથી. કાવ્યને અંતે તો, મનુષ્યની જેમ, આપબળે જ જીવવાનું હોય છે. કવિના, સમાજના કે પરંપરાના, કોઈ વાદના કે પંથના ટેકા વિના જ ટકવાનું હોય છે. પોતાના પગ પર જ ઊભવાનું હોય છે, પોતાને જોરે જ ઝૂઝવા-ઝઝૂમવાનું હોય છે. આવા કોઈ પણ સંદર્ભ વિના પણ કોઈ પણ કાવ્યને સમજવાનો સહૃદયને, અલબત્ત, અધિકાર છે. પણ આવા સંદર્ભથી કોઈ પણ કાવ્યને સમજવામાં નવાં પરિમાણો સિદ્ધ થાય છે, અને એનો અર્થ એટલે અંશે અવશ્ય સમૃદ્ધ થાય છે. ‘૧૩–૭ની લોકલ’ને સમજવા માટે આ ત્રિવિધ પૂર્વભૂમિકા વિશે આટલું પશ્ચાત્‌વચન બસ છે.

૧૯૫૯


*