સ્વાધ્યાયલોક—૭/ન્હાનાલાલની કવિતા

Revision as of 20:58, 5 May 2022 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ન્હાનાલાલની કવિતા

ન્હાનાલાલે એમના કવિજીવનના આરંભથી તે અંત લગી ઊર્મિકવિતા સિવાયના અન્ય બે કવિતાપ્રકારો — કથનકવિતા અને નાટ્યકવિતા — માં કુલ વીસ કૃતિઓ રચી છે, બે આખ્યાનકાવ્યો, ત્રણ કથાકાવ્યો, બે મહાકાવ્યો અને ચૌદ નાટકો. અને એમના જીવનકાળમાં એમણે સતત એ કૃતિઓનું સવિશેષ અભિવાદન કર્યું છે. આ વીસે કૃતિઓમાં કોઈ-કોઈ પંક્તિમાં કે કાવ્યખંડમાં કે પાત્રની સ્વગતોક્તિમાં જ કવિતાનું સત્ય છે અને તે પણ આત્મલક્ષી કવિતાનું, ઊર્મિકવિતાનું. આ બન્ને પરલક્ષી કવિતાપ્રકારોમાં ન્હાનાલાલ આત્મલક્ષી છે. આમ, આ વીસે કૃતિઓની અર્ધસફળતા અથવા તો ભવ્યકરુણ નિષ્ફળતામાં ન્હાનાલાલમાં માત્ર ઊર્મિકવિતા માટેની જ પ્રતિભા હતી એની પ્રતીતિ થાય છે. ન્હાનાલાલે ૧૮૯૨ની વસંતમાં પંદર વર્ષની વયે અમદાવાદમાં અનિવાર્યપણે માત્રામેળ છંદોમાં કવિતાનો કક્કો ઘૂંટવાનો આરંભ કર્યો હતો. એની હસ્તપ્રતો અસ્તિત્વમાં નથી. એથી ન્હાનાલાલની શિશુજલ્પના વિશે હવે કશું પણ કહેવું શક્ય નથી. પણ ન્હાનાલાલે એ જ વરસમાં જૂનમાં તારાગઢમાં એમના માતરવાસી શાળામિત્રના પિતાના મૃત્યુ પર એક કાવ્ય રચ્યું હતું અને એ મિત્રને આશ્વાસન રૂપે મોકલ્યું હતું. એની કાવ્યનકલ અસ્તિત્વમાં છે એમ ન્હાનાલાલે નોંધ્યું છે. આમ, ન્હાનાલાલના કવિજીવનનો આરંભ ઊર્મિકાવ્યથી, કરુણપ્રશસ્તિકાવ્યથી થતો હતો એ આ વ્યાખ્યાનના અંતના સંદર્ભમાં અત્યંત સૂચક છે. ૧૮૯૩થી ૧૮૯૭ના અરધા દાયકા લગી ન્હાનાલાલને ગોવર્ધનરામ, નરસિંહરાવ અને કાન્તની પ્રેરણાથી એમની ઊર્મિકવિતાના અનુકરણમાં કાવ્યસર્જન — બલકે અનુસર્જન કરવાનું પ્રોત્સાહન પ્રાપ્ત થયું હતું. તો સાથે-સાથે આ જ સમયમાં નર્મદના જીવન અને કવનની પ્રેરણાથી, નર્મદના ‘પ્રેમશૌર્ય’ના અનુકરણમાં ઊર્મિકાવ્યથી કંઈક વિશેષ એવું મહાકાવ્ય સિદ્ધ કરવાનું સ્વપ્ન, પરંપરાગત પિગળથી કંઈક વિશેષ એવો મહાછંદ સિદ્ધ કરવાનું સાહસ અને ‘પ્રેમભક્તિ’ કવિનામ પ્રાપ્ત થયું હતું. ‘શ્વેતામ્બરી સંન્યાસિની’ એ ન્હાનાલાલનું પ્રથમ પ્રસિદ્ધ કાવ્ય હતું. ૧૮૯૭માં ‘જ્ઞાનસુધા’માં એનું પ્રકાશન થયું હતું. જોકે ન્હાનાલાલનું પ્રથમ પ્રકાશન આ કાવ્ય નહિ પણ એ જ વરસમાં એની પૂર્વે ‘બુદ્ધિપ્રકાશ’માં જેનું પ્રકાશન થયું હતું તે ‘આપણું વર્તમાન કર્તવ્ય’ ગદ્યલેખ હતો. એ ન્હાનાલાલના કવિઆદર્શના સંદર્ભમાં અત્યંત સૂચક છે. ૧૮૯૮ની વસંતમાં દલપતરામના મૃત્યુના એકવીસેક દિવસ પૂર્વે ફાલ્ગુનની શુક્લ દશમી-એકાદશીએ અમદાવાદમાં પિતૃગૃહના બીજે માળે ન્હાનાલાલે ‘ઇન્દુકુમાર’ નાટકનો ડોલનશૈલીમાં આરંભ કર્યો હતો. જોકે એની પૂર્ણાહુતિ અને એનું પ્રકાશન તો પછીથી ૧૯૦૯માં. એ જ વરસમાં વર્ષામાં પૂનામાં ડૅક્કન કૉલેજના ટાવરની અગાસી પર અને મૂળા-મીઠાના તટ પર ‘વસન્તોત્સવ’ કથાકાવ્ય ડોલનશૈલીમાં રચ્યું હતું અને ૧૮૯૯માં ‘જ્ઞાનસુધા’માં એનું પ્રકાશન થયું હતું. એની સાથે-સાથે એની સો નકલની સ્વતંત્ર મર્યાદિત અનૌપચારિક આવૃત્તિનું પણ પ્રકાશન થયું હતું. જોકે ન્હાનાલાલનો પ્રથમ વ્યવસ્થિત ઔપચારિક કાવ્યસંગ્રહ તો ‘કેટલાંક કાવ્યો ભાગ ૧’ અને એનું પ્રકાશન ૧૯૦૩માં થયું હતું. આ કાવ્યસંગ્રહમાં ઊર્મિકાવ્યો છે. માત્ર ન્હાનાલાલનો જ નહિ પણ ગુજરાતી ભાષાનો પણ ઉત્તમ ઊર્મિકાવ્યોનો આ પ્રથમ સંગ્રહ છે. અને પત્નીને અર્પણ થયો હોય એવો ગુજરાતી ભાષાનો પ્રથમ કાવ્યસંગ્રહ પણ છે. આમ, ન્હાનાલાલનો પ્રસિદ્ધ કવિ તરીકેનો ઔપચારિક આરંભ એમની ઊર્મિકવિતાથી થયો હતો. અને કવિ-કલાકાર તરીકે ન્હાનાલાલનું ઉત્તમોત્તમ, એમની સર્જકપ્રતિભાની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ એમની ઊર્મિકવિતા છે. ન્હાનાલાલ કવિ છે, કલાકાર છે, સર્જક છે એમની ઊર્મિકવિતાને કારણે. ન્હાનાલાલ ઊર્મિકવિ છે. માત્ર ગુજરાતના જ નહિ, જગતના એક મહાન અને ઉત્તમ ઊર્મિકવિ છે. મોટા ગજાના ઊર્મિકવિ છે. એમનામાં ઊર્મિકવિની પ્રતિભા છે. ન્હાનાલાલે અડસઠ વરસના એમના આયુષ્યમાં સોએક જેટલા ગ્રંથોનું સર્જન કર્યું છે. એમાંથી એંસી ઉપરાંત ગ્રંથો પ્રગટ થયા છે. બાકીના ગ્રંથો હસ્તપ્રતો રૂપે છે. આ ગ્રંથોનું પ્રકાશન એ જ એમની જન્મશતાબ્દીનો ઉત્તમ ઉત્સવ હોત એમ કહેવાનું રહે છે એ ગુજરાતનું દુર્ભાગ્ય છે. કવિ, નાટકકાર, નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, ચરિત્રકાર, વ્યાખ્યાનકાર, પ્રવેશકકાર, વિવેચક, અનુવાદક — આમ, ન્હાનાલાલની બહુમુખી સર્જકપ્રતિભા છે. પણ એમાં કવિ તરીકેની અને તેમાં ય ઊર્મિકવિ તરીકેની પ્રતિભા પ્રમુખ છે. ગુજરાતીમાં ઊર્મિકાવ્યની બે પરંપરા છે. પ્રાચીન ગુજરાતી ઊર્મિકાવ્યની પરંપરા અને અર્વાચીન અંગ્રેજી ઊર્મિકાવ્યની પરંપરા. ન્હાનાલાલે આ બન્ને પરંપરામાં એમની ઊર્મિકવિતાનું સર્જન કર્યું છે. જોકે અહીં જ નોંધવું જોઈએ કે ડોલનમાં પણ એમણે એમની કેટલીક ઊર્મિકવિતાનું સર્જન કર્યું છે. ન્હાનાલાલને ઊર્મિકવિતા ઉપરાંત અન્ય બે કવિતાપ્રકારો — કથનકવિતા અને નાટ્યકવિતા — માં પણ સર્જન કરવાની મહત્ત્વાકાંક્ષા હતી. આ સંદર્ભમાં એમને જે પદ્ય વારસામાં પ્રાપ્ત થયું હતું, ગુજરાતી ભાષાનું અને સંસ્કૃત ભાષાનું માત્રામેળ, અક્ષરમેળ, સંખ્યામેળ અને લયમેળ છંદોનું જે પરંપરાગત પિંગળ હતું એ અત્યંત અપર્યાપ્ત અને અસંતોષકારક હતું. એમાં કોઈ પરિવર્તન આવશ્યક હતું, કોઈ મુક્તિ અનિવાર્ય હતી. પ્રશ્ન હતો પદ્યમાં મુક્તિ, પદ્યમાંથી મુક્તિ નહિ. ન્હાનાલાલના ઉત્તરમાં પદ્યમાંથી મુક્તિ છે, પદ્યમુક્તિ છે, ગદ્ય છે. એમણે પદ્યનો, પિંગળનો જ ત્યાગ કર્યો. એક વિશિષ્ટ અને વિચિત્ર લયપ્રકાર સિદ્ધ કર્યો અને એનું ડોલન એવું નામાભિધાન કર્યું. ન્હાનાલાલ ગેયકાવ્યોના મહાન સર્જક છે. છંદોમાં એમની સર્વશ્રેષ્ઠ કાવ્યસિદ્ધિ છે. છતાં એમણે ડોલનમાં ગેયતાનો અને છંદોનો ત્યાગ કર્યો. ગેયકાવ્યોમાં કે છંદોમાં એમની નિષ્ફળતા છે કે એનાથી એમને અસંતોષ છે એથી નહિ પણ ગેયકાવ્યોમાં સમાય નહિ એવી એમની સર્જકતાને કારણે, છંદોમાં સીમિત નહિ એવી એમની સિસૃક્ષાને કારણે ઊર્મિકવિતા ઉપરાંત કથનકવિતા અને નાટ્યકવિતાનું સર્જન કરવાની એમની મહત્ત્વાકાંક્ષાને કારણે, એ બે કવિતાપ્રકારોને માટે સુયોગ્ય લયસાધનની શોધ અંગેની એમની મહેચ્છાને કારણે એમણે ડોલન રચ્યું. પણ પછી એમણે ડોલનમાં કથનકવિતા અને નાટ્યકવિતા ઉપરાંત ઊર્મિકવિતાનું પણ સર્જન કર્યું છે. જોકે સાથે-સાથે એ પણ અહીં જ નોંધવું જોઈએ કે ડોલનમાં એમણે નથી તો કોઈ નોંધપાત્ર ઊર્મિકવિતાનું સર્જન કર્યું કે નથી કોઈ નવી ઊર્મિકાવ્યની પરંપરાનું સ્થાપન કર્યું. પ્રાચીન ગુજરાતી ઊર્મિકાવ્યની પરંપરામાં ન્હાનાલાલના પૂર્વકાલીન, સમકાલીન અને અનુકાલીન એવા અર્વાચીન યુગના અનેક કવિઓની સિદ્ધિ છે, એમાં એમણે ઉત્તમ ઊર્મિકવિતાનું સર્જન કર્યું છે. પણ એ સૌમાં ન્હાનાલાલની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે. એ સૌમાં ન્હાનાલાલે ઉત્તમોત્તમ ઊર્મિકવિતાનું સર્જન કર્યું છે. ન્હાનાલાલની આ સિદ્ધિ, ન્હાનાલાલની આ ઊર્મિકવિતાનું સર્જન માત્રામેળ છંદોમાં રાસ, ગીત અને ભજનના સ્વરૂપમાં ‘ન્હાના ન્હાના રાસ ભાગ ૧,૨,૩’, ‘ગીતમંજરી ભાગ ૧,૨’, અને ‘પ્રેમભક્તિ ભજનાવલિ’માં છે. ન્હાનાલાલે એમની ઊર્મિકવિની સર્જકપ્રતિભાથી એમના રાસમાં ગુજરાતનાં લોકગીતોની સમૂદ્ધ પરંપરાને પુનર્જીવન અર્પણ કર્યું છે અને નરસિંહ, મીરાં, દયારામ આદિની પદ, ભજન, ગરબીની સાહિત્યિક પરંપરાનું અનુસંધાન સિદ્ધ કર્યું છે. આ સદીના પૂર્વાર્ધમાં શિક્ષિત ગુજરાતણોએ ન્હાનાલાલના રાસ હોંસે હોંસે ગાઈને ન્હાનાલાલનું નામ ઘેર-ઘેર ગુંજતું કર્યું હતું. ન્હાનાલાલની લોકપ્રિયતાનું રહસ્ય એમના રાસ છે. ન્હાનાલાલમાં લોકગીતોના ઢાળ, લય, સૂર આદિની સૂઝ અને એના સ્વરૂપની સમજ હતી. અને એ સૌમાં ન્હાનાંમોટાં પરિવર્તન દ્વારા નવીનતા અને મૌલિકતા સિદ્ધ કરવાની સર્જકતા અને સંવેદનશીલતા હતી. જોકે કોઈ-કોઈ રાસમાં ન્હાનાલાલે પ્રાચીન રાસની લોકપ્રિય સૂરાવલિનું માત્ર અનુગુંજન જ કર્યું છે. ન્હાનાલાલના રાસમાં ધ્રુવપંક્તિ, અંતરા, સાખીઓ, પુનરાવર્તનો, પ્રાસરચના આદિના શિલ્પસ્થાપત્યનું સૌંદર્ય છે. જોકે પ્રાચીન રાસમાં ઉલ્લાસ, કલ્પના અને સંગીતમયતાથી જે ઉપાડ થાય છે એ ઉપાડ ન્હાનાલાલના રાસમાં ક્વચિત્ હોય છે. ન્હાનાલાલના રાસમાં મુખ્યત્વે સ્ત્રીહૃદયની ઊર્મિઓ — ક્યાંક કરુણ, ક્યાંક મધુર પણ સર્વત્ર સુકુમાર એવી ઊર્મિઓ પ્રગટ થાય છે. એમાં ગુજરાત-સૌરાષ્ટ્રનું જીવન, ગૃહજીવન અને ગ્રામજીવન તથા એનું વાતાવરણ સજીવન અને સુરેખ વ્યક્ત થાય છે. કોઈ વિરલ રાસમાં માનવજીવનની માર્મિકતા અને ગહનતાનું પણ દર્શન થાય છે. ન્હાનાલાલનાં ગીતોમાં ગુજરાતી ભાષાનું અપૂર્વ માધુર્ય પ્રગટ થાય છે. અનેક પ્રયોગો અને નવી શક્યતાઓનાં સૂચનો દ્વારા ન્હાનાલાલે ગીતસ્વરૂપની સીમાઓનો વિસ્તાર કર્યો છે. કોઈ-કોઈ ગીતમાં અર્થની ભવ્યતા, ભાવની તીવ્રતા, ભાવનાની ગહનતા, ભાષાની સઘનતા અને ગીતદેહની સ્વસ્થતાનો સુભગ સમન્વય છે. ગીતસર્જનમાં એકમાત્ર પુરોગામી આદિકવિ નરસિંહ જ ન્હાનાલાલના પ્રતિસ્પર્ધી છે અને વિજયી પ્રતિસ્પર્ધી છે. ન્હાનાલાલનાં કોઈ-કોઈ ભજનમાં તીવ્ર ભાવ અને ઉત્કટ ભાવના છે. તો કોઈ-કોઈ ભજનમાં ભવ્યતા ન્હાનાલાલની કલ્પનાની હડફેટમાં અવશ્ય આવે છે, પણ એ હડફેટ પછી, અન્યત્ર, જ્યારે ભવ્યતા અચાનક અદૃશ્ય થાય છે ત્યારે ન્હાનાલાલની કલ્પના પછડાટ પણ ખાય છે. ન્હાનાલાલનાં ભજનોમાં નરસિંહની ભવ્યતાનું સ્મરણ થાય છે. પણ ન્હાનાલાલમાં નરસિંહની જેમ ભવ્યતાને સાદ્યંત ધારણ કરવાની શક્તિ નથી. ન્હાનાલાલનાં અનેક ભજનોમાં માત્ર ભક્તિસંપ્રદાયનાં અને સ્વામીનારાયણ સંપ્રદાયનાં પ્રતીકો અને પ્રાર્થનાસમાજના પુરોગામી કવિઓનાં ભજનોમાં છે તેમ માત્ર ભક્તિનાં મનોયત્નો છે. રાસ અંતે હળવું કાવ્ય છે, ગીત ઊર્મિકવિતાનું લઘુ સ્વરૂપ છે. કથનોર્મિકાવ્ય અને ચિન્તનોર્મિકાવ્યમાં જે ગાંભીર્ય કે એ સ્વરૂપોમાં અર્થ, ભાવ, અને ભાવનાનો જે વિસ્તાર અને વિકાસ શક્ય છે તે રાસ કે ગીતમાં શક્ય નથી. તો જગતભરમાં ધર્મકવિતા વિરલ છે. ન્હાનાલાલે એમના રાસ, ગીત અને ભજનનું આ શબ્દોમાં મૂલ્યાંકન કર્યું છે : ‘ઠીક છે. લોકોને એ રાસ ગમ્યા; સુન્દરીઓએ સારા કહ્યા; રાસરસિયણોએ મનમાન્યા ઝીલ્યા. પણ સુન્દર મનોહારી જૂના રાસોનો ઉમંગઊછળતો ઉપાડ એમાં નથી.’ અને ‘નરસિંહ અને મીરાંની મેઘનિર્ઝરતી ભાવઝડીઓ કે દયારામનું વસંતઋતુમાં રેવાજીની લહરીઓ સરીખડું લાલિત્યસર્જન મ્હારા કાવ્યગ્રંથોમાં નથી’. આમ, ન્હાનાલાલે પ્રાચીન ગુજરાતી ઊર્મિકાવ્યની પરંપરામાં અર્વાચીન યુગની ઉત્તમોત્તમ ઊર્મિકવિતાનું અને એમની કેટલીક ઉત્તમ ઊર્મિકવિતાનું સર્જન કર્યું છે. પણ અર્વાચીન અંગ્રેજી ઊર્મિકાવ્યની પરંપરામાં અક્ષરમેળ છંદોમાં કથનોર્મિકાવ્ય અને ચિન્તનોર્મિકાવ્યના સ્વરૂપમાં ‘કેટલાંક કાવ્યો ભાગ ૧, ૨, ૩’, ‘ચિત્રદર્શનો’ અને ‘સોહાગણ’માં એમણે એમની ઉત્તમતર ઊર્મિકવિતાનું, અને તેમાંય ‘શરદપૂનમ’ કથનોર્મિકાવ્યમાં અને ‘પિતૃતર્પણ’ ચિન્તનોર્મિકાવ્યમાં એમણે એમની ઉત્તમોતમ ઊર્મિકવિતાનું સર્જન કર્યું છે. અર્વાચીન અંગ્રેજી ઊર્મિકાવ્યની પરંપરામાં કથનોર્મિકાવ્યમાં કાન્તે અને ચિન્તનોર્મિકાવ્યમાં બલવન્તરાયે એમની ઉત્તમોત્તમ ઊર્મિકવિતાનું સર્જન કર્યું છે એથી પ્રાચીન ગુજરાતી ઊર્મિકાવ્યની પરંપરાની જેમ આ પરંપરામાં પણ ન્હાનાલાલે અર્વાચીન યુગની ઉત્તમોત્તમ ઊર્મિકવિતાનું સર્જન કર્યું છે એવું વિધાન કરવું દુષ્કર છે. પણ આ પરંપરામાં ન્હાનાલાલે એમની ઉત્તમોત્તમ ઊર્મિકવિતાનું સર્જન કર્યું છે એવું વિધાન કરવું, અલબત્ત, સુકર છે. જોકે સ્વયં બલવન્તરાયે ૧૯૩૨માં ‘આપણી કવિતાસમૃદ્ધિ’માં ‘પિતૃતર્પણ’ પરના વિવરણમાં વિધાન કર્યું છે, ‘વિ. સં. ૧૯૦૧થી ૧૯૮૬ લગીમાં રચાયેલી કોઈ પણ કડીઓ અમર (અર્થાત્ ચિરંજીવી) નીવડે તો આ કડીઓ અમર નીવડશે, એવું મ્હારું અધીન મત છે.’ એમાં અર્વાચીન અંગ્રેજી ઊર્મિકાવ્યની પરંપરામાં પણ કાન્તે કે બલવન્તરાયે નહિ પણ આ એકમાત્ર ચિન્તનોર્મિકાવ્ય ‘પિતૃતર્પણ’ને કારણે ન્હાનાલાલે જ અર્વાચીન યુગની ઉત્તમોત્તમ ઊર્મિકવિતાનું સર્જન કર્યું છે એવું સ્પષ્ટ સૂચન છે. નર્મદે અર્વાચીન અંગ્રેજી ઊર્મિકાવ્યની પરંપરામાં ઊર્મિકવિતાનું સર્જન કરવાનો આરંભ કર્યો હતો. એમણે પ્રાચીન ગુજરાતી ઊર્મિકાવ્યની પરંપરાથી મુક્ત એવા પ્રણય અને પ્રકૃતિના વસ્તુવિષય પરનાં કાવ્યોમાં નૂતન શૈલી-સ્વરૂપ દ્વારા આત્મલક્ષી ઊર્મિ પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યાર પછી નરસિંહરાવે પ્રકૃતિનું સૌંદર્ય અને માનવહૃદયનું સંવેદન પ્રૌઢ વાણીમાં અને શિષ્ટ છંદોમાં પ્રગટ કર્યું હતું. પછી કાન્તે એને વધુ કલાત્મક અને કલાપીએ એને વધુ લોકપ્રિય કર્યું હતું. ત્યાર પછી બલવન્તરાયે અને ન્હાનાલાલે એ પરંપરામાં એમની ઉત્તમોત્તમ કવિતાનું સર્જન કર્યું હતું. આ સર્જન એમણે અક્ષરમેળ છંદોમાં કર્યું છે. ભીમરાવ અને નરસિંહરાવના વસંતતિલકામાં મધુરગંભીર ઘોષ છે એ ન્હાનાલાલના વસંતતિલકામાં વધુ માધુર્યથી અને વધુ ગાંભીર્યથી પ્રગટ થાય છે. ન્હાનાલાલે અક્ષરમેળ છંદોમાં છંદોના સરવાળા — બાદબાકી — ગુણાકાર — ભાગાકાર દ્વારા છંદોવિસ્તાર, છંદખંડન, છંદોમિશ્રણ, છંદોવૈવિધ્ય, છંદોવૈચિત્ર્ય આદિનો ઉપયોગ કર્યો છે. ન્હાનાલાલનાં ઊર્મિકાવ્યોમાં, સમગ્ર ગુજરાતી ઊર્મિકવિતામાં કંઈક અનન્ય અસાધારણ હોય, કંઈક ન્હાનાલાલીય હોય તો તે એમના શબ્દો, ‘તેજેઘડ્યા શબ્દો.’ આ શબ્દોને કારણે જ જેનો સમગ્ર અર્વાચીન ગુજરાતી કવિતામાં અન્યત્ર ક્યાંય અનુભવ ન થાય એવી હવા, આબોહવા, એવા વાતાવરણનો અનુભવ થાય છે. અને ન્હાનાલાલનાં ઊર્મિકાવ્યો પ્રથમ પંક્તિથી જ અધ્ધર ઊંચકાય છે અને અંત લગીમાં તો કોઈ ઊર્ધ્વલોકમાં અસીમ અને અનંત પ્રકાશમાં ઝગમગે છે. દુર્ભાગ્યે ન્હાનાલાલનાં ઊર્મિકાવ્યોમાં જેટલી છંદ અને શબ્દની સિદ્ધિ છે એટલી સમગ્ર કાવ્યની એકતાની, સંકલનાની, સમગ્ર કાવ્યની કલા-આકૃતિની, કલાકૃતિની સિદ્ધિ નથી. એથી એમાં છંદ અને શબ્દમાં પણ ક્યાંક-ક્યાંક વિચ્છિન્નતા અને શિથિલતા પ્રગટ થાય છે. સદ્ભાગ્યે ‘શરદપૂનમ’માં અને ‘પિતૃતર્પણ’માં એની પણ સિદ્ધિ છે. ન્હાનાલાલ ઊર્મિકવિતાના આત્મલક્ષી કવિતાપ્રકારમાં પરલક્ષી એટલે કે સર્વલક્ષી છે. અને એથી જ કવિકલાકાર તરીકે એમનું ઉત્તમ, એમની સર્જકપ્રતિભાની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ એમની ઊર્મિકવિતા છે. તેમાંય એમનું ઉત્તમતર કંઈક એમનાં પ્રકૃતિ વિશેનાં અને સવિશેષ એમનાં પ્રેમ અને મૃત્યુ વિશેના કથનોર્મિકાવ્યો અને ચિંતનોર્મિકાવ્યોમાં છે, અને તેમાંય એમનું ઉત્તમતમ ‘શરદપૂનમ’ અને ‘પિતૃતર્પણ’માં છે. ‘શરદપૂનમ’ અને ‘પિતૃતર્પણ’ને કારણે ન્હાનાલાલ માત્ર ગુજરાતના જ નહિ, જગતના એક મહાન અને ઉત્તમ ઊર્મિકવિ છે. ન્હાનાલાલે નરસિંહરાવની પ્રકૃતિકવિતાની પરોક્ષ પ્રેરણાથી અને ગુજરાતની પ્રકૃતિના અંગત અનુભવની પ્રત્યક્ષ પ્રેરણાથી ‘ગુજરાત’, ‘ગુર્જરી કુંજો’, ‘ચારુ વાટિકા’ આદિ ઊર્મિકાવ્યોમાં પ્રકૃતિના વસ્તુવિષય પરની એમની ઉત્તમ ઊર્મિકવિતાનું સર્જન કર્યું છે. પત્ની અને પિતા સાથેનો સંબંધ એ ન્હાનાલાલના હૃદયજીવનનો સૌથી વધુ મહત્ત્વનો અનુભવ હતો. ન્હાનાલાલનું વેવિશાળ જેમને દલપતરામ લોધીકા પોતાની સાથે લાવ્યા હતા અને જે ‘ન્હાના’ને ખભે ઊંચકીને નિશાળે મૂકી આવતા હતા તે વઢવાણના નગરશેઠના નાતગોર મહાશંકર તરવાડીનાં પુત્રી મણિબા સાથે ૧૮૮૩માં થયું હતું. ત્યારે ન્હાનાલાલનું વય છ વર્ષનું અને મણિબાનું વય ત્રણ વર્ષનું હતું. પછી એમનું લગ્ન ૧૮૯૦માં વઢવાણમાં થયું હતું, ત્યારે ન્હાનાલાલનું વય તેર વર્ષનું અને મણિબાનું વય દસ વર્ષનું હતું. આમ, ન્હાનાલાલનું લગ્ન એ ગોઠવણનું લગ્ન હતું અને બાળલગ્ન હતું, સ્નેહલગ્ન કે આત્મલગ્ન ન હતું. એથી એમનાં કથાકાવ્યો અને નાટકોમાં જે સ્નેહલગ્ન અને આત્મલગ્ન વસ્તુવિષય રૂપે છે તે ન્હાનાલાલનો અંગત વાસ્તવિક અનુભવ ન હતો. ન્હાનાલાલ ૧૮૯૫માં મુંબઈમાં એલ્ફિન્સ્ટન કૉલેજમાં પ્રીવિયસમાં હતા ત્યારે એમણે મણિબાને તેજપાલ હાઈસ્કૂલમાં શિક્ષણ આપવાનો પ્રયત્ન કર્યો હતો. પછી ન્હાનાલાલ ૧૯૦૩થી ૧૯૨૧ લગી જ્યારે રાજકોટ હતા ત્યારે મણિબાએ ૧૯૦૮માં આર્યસમાજ સંચાલિત હિન્દુ કન્યાશાળાનું માનદ્ સંચાલન કર્યું હતું. પ્રાર્થનાસમાજ, સુધારો અને અર્વાચીનતાની અસરમાં ન્હાનાલાલે ૧૮૯૫થી ૧૯૦૨ લગી વઢવાણનાં મણિબાને પણ સુધારવાનો, મણિબાને માણેકબહેન રૂપે અવતારવાનો પ્રયત્ન કર્યો હતો. પત્નીને પરાણે બૂટ પહેરાવે, સમાજમાં પોતાની સાથે ફરવાનો આગ્રહ ધરાવે. પણ કોઈક કારણથી ૧૯૦૨માં પ્રાર્થનાસમાજ પ્રત્યે વિરોધ થયો અને ત્યારે સુધારાનું કાંચન તો કથીર છે અને મણિબા સાચે જ એક તેજસ્વી મણિ છે એવું જ્ઞાનભાન થયું ત્યારે એમણે પત્નીની પછવાડે ઘસડાવાનો આરંભ કર્યો હતો અને પત્નીને પોતાની પછવાડે ઘસડવાનો સંબંધ તથા સુધારા સાથેનો અને પ્રાર્થનાસમાજ સાથેનો સંબંધ એકસાથે બંધ કર્યો હતો. ૧૮૯૭થી ૧૯૦૯ લગીનાં બાર વર્ષોમાં ‘રમણીય મૂંઝવણ’થી ‘કુલયોગિની’ લગીનાં પરિણીત પ્રેમનાં દસ કાવ્યોમાં ન્હાનાલાલે એમના અને માણેકબહેનના લગ્નજીવનનો એક નાનકડો ઇતિહાસ આલેખ્યો છે. ન્હાનાલાલે ૧૯૧૦માં શરદપૂર્ણિમા મુંબઈમાં સમુદ્રતટ પર દરિયામહેલમાં મિત્રમંડળ સાથે ઊજવી હતી અને પછી, લગ્નજીવનના બે દાયકા પછી, ‘શરદપૂનમ’ કાવ્ય રચ્યું હતું. ૧૯૨૧માં ‘ચિત્રદર્શનો’માં પ્રકૃતિ અને વ્યક્તિવિશેષ વિશેના કાવ્યોનાં સંગ્રહમાં એમણે આ કાવ્ય પ્રગટ કર્યું હતું. પણ પછી ૧૯૩૩માં ‘દાંપત્યસ્તોત્રો’માં એમણે એમનાં પરિણીત પ્રેમનાં સૌ કાવ્યોનો સંગ્રહ કર્યો ત્યારે એમાં પ્રગટ કર્યું ન હતું. જાણે કે એ પ્રકૃતિનું જ કાવ્ય હોય અને વ્યક્તિવિશેષનું અને પરિણીત પ્રેમનું કાવ્ય જ ન હોય! અલબત્ત, શીર્ષક સૂચવે છે તેમ એ પ્રકૃતિનું કાવ્ય તો છે જ. પણ શરદપૂનમ એટલે માણેકઠારી પૂનમ એટલે કે ‘સુદિન તુજનામિની પૂર્ણિમાનો’ કવિપત્નીનું નામ પણ માણેકબહેન એથી એ સંદર્ભમાં શીર્ષક જ સૂચવે છે તેમ એ વ્યક્તિવિશેષનું અને પરિણીત પ્રેમનું કાવ્ય પણ છે. કાવ્યનો વિષય એકસાથે પ્રકૃતિ અને પ્રેમ છે, પૂર્ણિમા અને કવિપત્ની છે. ‘શરદપૂનમ’ પૂર્વેનાં પરિણીત પ્રેમનાં સૌ કાવ્યોની ‘કુલયોગિની’માં પરાકાષ્ઠા છે. અને ‘શરદપૂનમ’માં જે પ્રાયશ્ચિત્ત અને પ્રાર્થના છે એની ‘કુલયોગિની’માં જાણે કે પૂર્વભૂમિકા છે. ‘શરદપૂનમ’ કાવ્યમાં સૂચન છે તેમ ૧૮૯૮થી ૧૯૦૨નાં વરસોમાં ન્હાનાલાલે પત્નીને ગંભીરપણે દુભવ્યા લાગે છે, કોઈ મર્મભેદી આઘાત આપ્યો લાગે છે. અને પછી પ્રાયશ્ચિત્ત અને પ્રાર્થના દ્વારા જાણે કે પત્નીને રીઝવવાનો, એમનો ઘા રૂઝવવાનો પ્રયત્ન કર્યો છે અને એમણે જગતને અસંખ્ય વાર જણાવ્યું છે તેમ પત્નીને માન — આદર — સત્કારપૂર્વક પ્રાણેશ્વરી તરીકેનો એમનો વાજબી અને વિશેષ અધિકાર પુનશ્ચ અર્પણ કર્યો છે અને એમને કુલયોગિની દેવી તરીકે પ્રેમભક્તિનો અર્ઘ્ય અર્પણ કર્યો છે. ‘શરદપૂનમ’માં પ્રેમમાં પ્રાયશ્ચિત્ત અને પ્રાર્થના દ્વારા એટલે કે અહમ્‌ના મૃત્યુ દ્વારા પુનર્જન્મ એટલે કે અમૃતનો, દિવ્યતા અને પ્રભુતાનો, વસંત, નવવસંતનો અનુભવ છે. ‘શરદપૂનમ’માં પરિણીત પ્રેમનો અનુભવ મહાન અને ઉત્તમ કથનોર્મિકાવ્ય રૂપે પ્રગટ થાય છે. ‘શરદપૂનમ’ એ ન્હાનાલાલનાં પરિણીત પ્રેમનાં સૌ કાવ્યોમાં સર્વશ્રેષ્ઠ છે. જગતકવિતામાં પણ ‘શરદપૂનમ’ જેવું પરિણીત પ્રેમનું કાવ્ય વિરલ છે. ન્હાનાલાલ સૌમ્ય દલપતરામના પુત્ર હતા પણ સંન્યાસી ડાહ્યાભાઈના પૌત્ર હતા. દલપતરામે સ્વામીનારાયણ સંપ્રદાયનો સ્વીકાર કર્યો ત્યારે એના વિરોધમાં ડાહ્યાભાઈએ ગૃહત્યાગ કર્યો હતો અને પછી વૌઠામાં માધવાનંદ સરસ્વતીને નામે સંન્યાસ ધારણ કર્યો હતો. અને અંતે અમદાવાદ પાસે સરખેજમાં દેહત્યાગ કર્યો હતો. ન્હાનાલાલ ડાહ્યાભાઈના વિદ્રોહી વારસ હતા. ન્હાનાલાલ ન્હાના હતા ત્યારે ભણેગણે નહિ, તોફાનમસ્તીમાં ગામ ગજવે અને પિતાને પજવે. પિતા મારે એથી પિતાને વધુ પજવે, એથી પિતા વધુ મારે. દલપતરામ ચક્ષુરોગને કારણે રાતે દોરીની પાટી પર કાવ્યો લખે, દિવસે ન્હાનાલાલથી તોફાનમસ્તીમાં એ તૂટીફૂટી જાય એથી પણ પિતા મારે. ન્હાનાલાલ કિશોર હતા ત્યારે દલપતરામે પિંગળ રચ્યું, રૂડા છંદ રચ્યા તો ન્હાનાલાલે યુવાન થયા ત્યારે પિંગળનો વિદ્રોહ કર્યો, પિંગળમુક્ત ડોલન રચ્યું. ન્હાનાલાલનો દલપતરામ સાથે એક વિદ્રોહી સંતાન તરીકેનો સંબંધ હતો. દલપતરામ સંરક્ષક, યુવાન ન્હાનાલાલ ઉચ્છેદક. પિતાનું પ્રાચીન માનસ, પુત્રનું અર્વાચીન માનસ. ન્હાનાલાલ દલપતપુત્ર હતા, પણ નર્મદશિષ્ય હતા. ૧૮૯૮માં દલપતરામનું અવસાન થયું. એ સમયમાં જ ન્હાનાલાલને પ્રાર્થનાસમાજ, સુધારો, અર્વાચીનતા આદિમાં સક્રિય રસ હતો અને એમણે ડોલનશૈલીમાં ‘ઇન્દુકુમાર’નો આરંભ કર્યો હતો અને દેહલગ્નનું, સ્નેહલગ્નનું કથાકાવ્ય ‘વસન્તોત્સવ’ રચ્યું હતું. પણ ૧૯૦૦થી ૧૯૧૦ લગી એક દાયકામાં ન્હાનાલાલે ઘરે શાસ્ત્રી પાસે સંસ્કૃતનો અને સ્વપ્રયત્ને ગીતા-ઉપનિષદનો અભ્યાસ તથા ગીતાનો અનુવાદ કર્યો અને પ્રાચીન ભારતીય આર્ય સંસ્કૃતિ અને ધર્મનો પુરસ્કાર કર્યો અને પ્રાર્થનાસમાજ, સુધારો, અર્વાચીનતા, આદિ સાથેનો સંબંધ બંધ કર્યો ત્યારે માત્ર પિતા પ્રત્યેના જ નહિ પણ પુરોગામી યુગ — બલકે યુગો પ્રત્યેના અસત્કાર, અનાદર, અપમાન અને અન્યાયનું, નર્મદે ઉત્તરજીવનમાં ‘ધર્મવિચાર’માં કર્યું હતું તેમ, ‘પિતૃતર્પણ’માં પ્રાયશ્ચિત્ત કર્યું હતું. ૧૯૧૦માં દલપતરામની પુણ્યતિથિએ જ ગીતાના અનુવાદના અર્પણકાવ્ય રૂપે ‘પિતૃતર્પણ’ પ્રગટ કર્યું હતું એ અત્યંત સૂચક છે. ગીતાના અનુષ્ટુપની પ્રેરણાથી અને રૂડા છંદ અને પિંગળના સર્જકના તર્પણ રૂપે ન્હાનાલાલે પ્રાસયુક્ત અનુષ્ટુપમાં એકસો એક યુગ્મોમાં દલપતરામના અવસાન પછી, એક તપ પછી, ૧૯૧૦માં ‘પિતૃતર્પણ’ રચ્યું છે. પિતા પ્રત્યેના અપરાધના જ્ઞાન પછી અનન્ય પિતૃભક્તિથી ન્હાનાલાલે એમાં પ્રાયશ્ચિત્ત અને પ્રાર્થના દ્વારા પિતૃતર્પણનું કર્મ કર્યું છે. ‘પિતૃતર્પણ’માં ન્હાનાલાલે માત્ર પિતૃતર્પણ નથી કર્યું, યુગતર્પણ કર્યું છે. કાવ્યનું ‘યુગતર્પણ’ શીર્ષક વધુ સાર્થ છે. ‘પિતૃતર્પણ’ના કેન્દ્રમાં પિતા અને પિતાનું મૃત્યુ નથી, કવિ અને કવિનો શોક છે. કાવ્યમાં આઠ ખંડ છે. ચોથા ખંડને અંતે પ્રાયશ્ચિત્ત અને પ્રાર્થના દ્વારા કાવ્યની પ્રથમ પરાકાષ્ઠા પ્રગટ થાય છે. આ પ્રથમ પરાકાષ્ઠા પછી વસ્તુનું એના એ જ ક્રમમાં પુનરાવર્તન થાય છે. આઠમા ખંડને અંતે પુનર્જન્મ, ધન્યતા અને શ્રદ્ધા દ્વારા કાવ્યની બીજી પરાકાષ્ઠા પ્રગટ થાય છે. અને શોક શાંતિમાં પર્યવસાન પામે છે. એમાં ભાવ અને વિચારનો વિકાસ અને કાવ્યની એકતા સિદ્ધ થાય છે. ‘પિતૃતર્પણ’માં ન્હાનાલાલનો પિતૃભક્તિનો અનુભવ મહાન અને ઉત્તમ ચિન્તનોર્મિકાવ્ય રૂપે પ્રગટ થાય છે. ‘પિતૃતર્પણ’ ન્હાનાલાલનાં સૌ ઊર્મિકાવ્યોમાં સર્વશ્રેષ્ઠ છે એટલું જ નહિ, બલવન્તરાયે પ્રેમપૂર્વક કબૂલ્યું છે તેમ સૌ અર્વાચીન ઊર્મિકાવ્યોમાં સર્વશ્રેષ્ઠ છે. જગતકવિતામાં પણ ‘પિતૃતર્પણ’ જેવું કરુણપ્રશસ્તિકાવ્ય વિરલ છે. આ વ્યાખ્યાનને નિમિત્તે અહીં આટલું જ કહેવા ઉપસ્થિત થયો છું કે ન્હાનાલાલના કાવ્યવિશ્વના કેન્દ્રમાં ‘શરદપૂનમ’ અને ‘પિતૃતર્પણ’ છે અને ‘શરદપૂનમ’ અને ‘પિતૃતર્પણ’ બન્ને કાવ્યોના કેન્દ્રમાં નાયકનું પ્રાયશ્ચિત્ત છે. પ્રત્યેક કાવ્ય મહાન પ્રાયશ્ચિત્ત કૃતિ છે. અને આ પ્રાયશ્ચિત્તને કારણે પ્રત્યેક કાવ્ય મહાન પ્રાર્થનાકાવ્ય પણ છે. બન્ને કાવ્યોમાં પ્રાયશ્ચિત્ત અને પ્રાર્થના દ્વારા અંતે અહમ્‌નું મૃત્યુ પ્રગટ થાય છે. અને અહમ્‌ના મૃત્યુ દ્વારા અમૃત અને પુનર્જન્મ પ્રગટ થાય છે. આ પુનર્જન્મ એ જ વસન્ત, નવવસન્ત. આ અર્થમાં ન્હાનાલાલ વસન્તધર્મી કવિ છે, વસન્તવૈતાલિક છે. ‘શરદપૂનમ’માં પત્ની પ્રત્યેનો પ્રેમ અને ‘પિતૃતર્પણ’માં પિતા પ્રત્યેનો પ્રેમ પ્રાયશ્ચિત્ત અને પ્રાર્થના દ્વારા, અહમ્‌ના મૃત્યુ દ્વારા ભક્તિ રૂપે પ્રગટ થાય છે. એ દ્વારા ન્હાનાલાલનું ‘પ્રેમભક્તિ’ કવિનામ સાર્થક થાય છે. પત્ની અને પિતા સાથેના અંગત અને આત્મીય સંબંધમાં આ સંઘર્ષનો અનુભવ, આ પ્રાયશ્ચિત્તનો અનુભવ એ ન્હાનાલાલનો સૌથી વધુ તીવ્ર અને તીક્ષ્ણ કાવ્યાનુભવ છે. યેટ્સે કહ્યું છે : અન્ય સાથેના સંઘર્ષમાંથી વાગ્મિતા જન્મે છે. જાત સાથેના સંઘર્ષમાંથી કવિતા. અન્ય સાથેના — પ્રાર્થનાસમાજ, અસહકાર, ગોવર્ધનરામ, કલાપી, આદિ સાથેના — સંઘર્ષમાંથી ન્હાનાલાલની કથનકવિતા અને નાટ્યકવિતાની વાગ્મિતાનો જન્મ થયો છે. જાત સાથેના સંઘર્ષમાંથી ‘શરદપૂનમ’ અને ‘પિતૃતર્પણ’માં કવિતાનો જન્મ થયો છે. એક જ વર્ષમાં ૧૯૧૦માં આ બન્ને સંબંધમાં એમને આ કાવ્યાનુભવ થયો. ૧૯૧૦નું વર્ષ એ ન્હાનાલાલના કવિજીવનનું સુવર્ણવર્ષ છે. ‘કેટલાંક કાવ્યો ભાગ ૧’ના પ્રકાશનવર્ષમાં, ૧૯૦૩માં ‘કેકારવ’ની પ્રસ્તાવનામાં કાન્તે ભાવિદર્શન કર્યું હતું, ‘કોઈ મહાકવિ આપણને થોડા સમયમાં દર્શન દેશે.’ અને ‘વસંતોત્સવ’ના પ્રકાશનવર્ષમાં, ૧૯૦૫માં ન્હાનાલાલની જ પ્રસિદ્ધ પંક્તિથી ન્હાનાલાલનું સ્વાગત કર્યું હતું, ‘ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચન્દ્રરાજ!’ ‘શરદપૂનમ’ અને ‘પિતૃતર્પણ’ના સર્જનની પૂર્વસંધ્યાએ ૧૯૦૯માં રણજિતરામે ન્હાનાલાલની કવિતા વિશે શ્રદ્ધાવચન ઉચ્ચાર્યું હતું, ‘પરંતુ એવો દિવસ આવશે કે રસની રેલ તો એ વિરલ કવિહૃદયની પ્રસાદીમાં જ વહે છે એવું ગુજરાત કબૂલશે.’ અને ૧૯૩૨માં બલવન્તરાયે પ્રેમપૂર્વક કબૂલ્યું હતું કે ‘પિતૃતર્પણ’ અમર નીવડશે. આજે ન્હાનાલાલની જન્મશતાબ્દી સમયે આપણે પણ કાન્તની પ્રસિદ્ધ પંક્તિથી આ ‘સુરતાની વાડીના મીઠા મોરલા’ની કેકા વિશે કહીશું અને શતાબ્દીઓની પારથી પણ રસિકજનો કહેશે : ‘નન્દનવનના પ્રાસાદોની ટોચથી 
મધુરી કેકા આજે શી ઊભરાય જો!’

(ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદના ઉપક્રમે ન્હાનાલાલ જન્મશતાબ્દી ઉત્સવ પ્રસંગે વ્યાખ્યાન. ૧૯૭૮.)

*