સ્વાધ્યાયલોક—૪/ગુજરાતી અમેરિકનોને શુભેચ્છા સાથે

Revision as of 15:19, 7 May 2022 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ગુજરાતી અમેરિકનોને શુભેચ્છા સાથે

અમેરિકામાં હજારો રસ્તાઓ પર લાખો ગાડીઓ ચોવીસે કલાક દોડે છે. અઢારનું વય હોય કે એંશીનું વય હોય સૌ આપણે તો જોઈને જ ધરાઈ જઈએ એટએટલું રોજ ને રોજ ખાય છે. અમેરિકા પર કુદરતની મહેર છે. કુદરતે એને અઢળક સંપત્તિ — સેંકડો વરસ સુધી ખૂટી ખૂટે નહિ એટએટલી સંપત્તિ આપી છે. આંખો મીંચીને મૂઠે મૂઠે, ખોબે ખોબે આપી છે. ભારતથી ત્રીજા ભાગની વસ્તી અને ભારતથી ત્રણ ગણો મોટો પ્રદેશ. ભારત જેવા અછતના દેશની પ્રજાને અમેરિકાની પ્રજા દોડ દોડ ને ખાઉ ખાઉં કરતી પ્રજા, હડકાયી અને ખાઉધરી પ્રજા ન લાગે તો જ નવાઈ! કોલંબસે એ પ્રદેશ શોધ્યો ત્યારે એનું નામ ‘અમેરિકા’ ન હતું, ત્યારે તો ‘અમેરિકા’ શબ્દ પણ અસ્તિત્વમાં ન હતો. યુરોપ ત્યારે એ પ્રદેશને ‘New Found Land’ તરીકે, ‘New World’ તરીકે ઓળખતો હતો. એથી અમેરિકા માટે તો યુરોપ એ તો ‘Old World’ અને એશિયા? એશિયા તો યુરોપ માટે પણ ‘Old World’ અને તો પછી અમેરિકા માટે? એથી આજે પણ યુરોપ — પશ્ચિમ યુરોપ સુધ્ધાં અમેરિકાને ઝાઝું ન સમજે તો એમાં કશું આશ્ચર્યજનક નથી અને તો એશિયા અમેરિકાને સહેજ પણ ન સમજે તો એમાં કશું આઘાતજનક નથી. અમેરિકા સાચ્ચે જ નવું જગત છે. અમેરિકામાં બધું જ નવું છે. એની આર્થિક, રાજકીય, સામાજિક વ્યવસ્થા અને એનું સાંસ્કૃતિક, આધ્યાત્મિક જીવન — બધું જ નવું છે. અમેરિકામાં માત્ર પાંચેક ટકા વસ્તી જ ખેતી કરે છે અને છતાં આખી વસ્તીને જોઈએ એથી બમણું ધાન પકવે છે. (એનું રહસ્ય એ છે કે પૃથ્વીનું સર્જન થયું ત્યારથી તે ગઈકાલ સુધી હજુ જે જમીન પર ક્યારેય ખેડાણ થયું ન હતું એવી સમૃદ્ધ જમીન પર, કુંવારકા જમીન — virgin soil પર એ ખેતી કરે છે). પછી આરંભે કહ્યું તેમ અમેરિકાની પ્રજા ખાઉં ખાઉં કરતી પ્રજા, ખાઉધરી પ્રજા ન હોય તો જ નવાઈ! અમેરિકામાં આખી વસ્તી એકાદ બે ટકા જમીન પર વસે છે. પંચોતેરેક ટકા વસ્તી નગરોમાં વસે છે, એક ટકા જમીન પર જ વસે છે. એટલે લગભગ અઠ્ઠાણું-નવ્વાણું ટકા જમીન અને તે પણ કેટકેટલી વિશાળ જમીન તો ખાલી છે. નગરો-ઉપનગરો વચ્ચે લાંબું લાંબું અંતર છે. એથી અમેરિકામાં હજારો રસ્તાઓ છે, ક્યાંક્ તો રસ્તાઓની ઉપર રસ્તાઓ છે, કેટલાક તો સેંકડો માઈલના રસ્તાઓ છે. પછી આરંભે કહ્યું તેમ અમેરિકાની પ્રજા દોડ દોડ કરતી પ્રજા, હડકાયી પ્રજા ન હોય તો જ નવાઈ! આમ, અમેરિકામાં અઢળક ધાન અને મબલક ધરતી છે. એથી જ અમેરિકા જગતભરમાંથી રોજ રોજ જે નવાનવા આગંતુકો આવે છે એમને હંમેશાં હોંસે હોંસે આવકારે છે. Statue of Liberty — સ્વાતંત્ર્યની પ્રતિમા — એનું પ્રતીક છે. અમેરિકા આગંતુકોનો દેશ છે. અમેરિકામાં જગતના એકે એક દેશમાંથી આગંતુકો આવીને વસ્યા છે. અમેરિકા એક દેશ નથી, એ દેશોનો દેશ છે, અમેરિકા ‘nation of immigrants’ છે, એ ‘nation of nations’ છે. અમેરિકા ‘United States’ જ માત્ર નથી, એ ‘United Nations’ છે. ન્યૂયોર્ક વિશે એક પુસ્તક છે એમાં એક પ્રકરણનું શીર્ષક છે ‘Around the World in New York.’ જે અમેરિકાની ભૂગોળ અને અમેરિકાનો ઇતિહાસ સમજે તે જ આજના અમેરિકાને અને અમેરિકાની પ્રજાને સમજી શકે. આજની અમેરિકાની પ્રજાના પૂર્વજો — આદિ આગંતુકો — ના પારાવાર શારીરિક પરિશ્રમ અને પરમ બૌદ્ધિક પુરુષાર્થ દ્વારા આજના અમેરિકાનું સર્જન થયું છે. આજના અમેરિકામાં જે કાંઈ ભૌતિક-આધ્યાત્મિક સમૃદ્ધિ છે તે કોઈ દેવદેવીઓએ આકાશમાંથી અવતારી નથી. આ પૂર્વજોએ એને ધરતીમાંથી ઉધ્ધારી છે. આરંભના આગંતુકોમાંથી કેટલાકનું ભૌતિક સુખ તથા સ્વાતંત્ર્ય માટે અને કેટલાકનું આધ્યાત્મિક સુખ તથા સ્વાતંત્ર્ય માટે અમેરિકામાં આગમન થયું હતું. એમણે અફાટ, અજ્ઞાત એવા સમુદ્ર એટલાન્ટિકનું ઉલ્લંઘન કર્યું. પછી પશ્ચિમ તટથી પૂર્વ તટ — પેસિફિક — લગી એક આખા ખંડના અફાટ, અજ્ઞાત એવા પ્રદેશનું પરિભ્રમણ કર્યું. એમણે સાચ્ચે જ જંગલમાં મંગલ કર્યું છે. વ્યક્તિસુખ અને વ્યક્તિસ્વાતંત્ર્ય એ અમેરિકાની વિશ્વમાં વિરલ અને વિશિષ્ટ એવી ભૌતિક-આધ્યાત્મિક સિદ્ધિ છે, એ અમેરિકાની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે. એનું રાજકીય નામ છે લોકશાહી. Declaration of Independence — સ્વાતંત્ર્યનું ઘોષણાપત્ર — એની પ્રતિજ્ઞા છે, એમાં વ્યક્તિ માત્રને સુખ અને સ્વાતંત્ર્યનો અબાધિત અધિકાર અર્પણ થયો છે. એથી જ આજના અમેરિકામાં યંત્રવૈજ્ઞાનિક સમાજ છે અને આજની અમેરિકાની પ્રજામાં ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ ચીજવસ્તુઓનું ઉત્પાદન તથા ઓછામાં ઓછા શ્રમથી વધુમાં વધુ ચીજવસ્તુઓનો ઉપભોગ એવી જીવનશૈલી છે, જેમાં સમયનું મૂલ્ય હોય અને ગતિનું મહત્ત્વ હોય એવું જીવનદર્શન છે. આ સંદર્ભમાં અને અન્યત્ર રૉબર્ટ ફ્રૉસ્ટના કાવ્ય ‘The Gift Outright’ને આધારે જે લખાણ કર્યું હતું એના અનુસંધાનમાં રોબર્ટ ફ્રૉસ્ટના કેટલાંક વિધાનો અને વિચારોનો તથા એક કાવ્યનો ઉલ્લેખ કરવો જોઈએ. અમેરિકા વિશે એમણે એક વિધાન કર્યું છે, ‘The best continent cut in the whole world, all the land between two oceans in the zone most suitable for active men.’ આ વિધાનના અનુસંધાનમાં રૉબર્ટ ફ્રૉસ્ટ જે વિધાન કરે છે એનો સાર એમના મિત્ર સિડની કોક્સ રૉબર્ટ ફ્રૉસ્ટ વિશેના એમના પુસ્તક ‘A Swinger of Birches ઃ A Portrait of Robert Frost’માં આ પ્રમાણે આપે છે, ‘And, emphasising as usu-al the then neglected part of truth, he says the Second World War showed, if nothing else did, that the very things that Alexander Hamiltion was blamed for want-ing had helped to make this country the most powerful in the world. Waste of natural resources and deteriora-tion of our population by unrestricted immigration had been charged against. But it was our great free-handed industries and our abundant vigorous population that had enabled us to do what we had done toward victo-ry.’ રૉબર્ટ ફ્રૉસ્ટ ૧૯૨૩ના ઓક્ટોબરની ૨૧મીના ‘The New York Review of Books’માં જે પ્રસિદ્ધ થયો છે તે રોઝ. સી. ફેલ્ડ સાથેના એમના વાર્તાલાપમાં ‘Robert Frost Relieves His Mind’માં એમના માતાના એક અનુભવનું સ્મરણ કરે છે, ‘My mother was an immigrant. She came to these shores from Edinburgh in an old vessel that docked at Philadelphia, But she felt the spirit of America and became a part of it before she even set her foot off the boat. She used to tell me about it when I was a child. She was sitting on the deck of the boat waiting for or-ders to come ashore. Near her some workmen were loading Delaware peaches on to the ship. One at them picked out one of them and dropped it into her lap. ‘Here, take that’, he said. The way he said it and the spirit in which he gave it left an indelible impression on her mind. ‘It was a bonny peach’, she used to say, ‘and I didn’t eat it. I kept it to show my friends.’ આ પીચ તે Statue of Liberty. આ પીચ એ Statue of Liberty — સ્વાતંત્ર્યની પ્રતિમા — ની જેમ અમેરિકા પ્રત્યેક આગંતુકને જે આવકાર આપે છે એ આવકારનું પ્રતીક છે, અમેરિકાએ ગુજરાતમાંથી જે જે આગંતુકને આવકાર આપ્યો છે તે પ્રત્યેક આગંતુકને આવું કોઈ પીચ આપ્યું હશે. એ પ્રત્યેક આગંતુકે રૉબર્ટ ફ્રૉસ્ટની માતાની જેમ એ પીચ ખાવું ન જોઈએ પણ હૃદયમાં સંઘરવું જોઈએ. રૉબર્ટ ફ્રૉસ્ટને આજ લગીમાં જે અસંખ્ય આગંતુકો અમેરિકામાં આવ્યા છે તેમાંથી મેફલાવરમાં જે આગંતુકો આવ્યા એમને માટે કંઈક પક્ષપાત છે. એમણે તેમના વિશે એક કાવ્ય રચ્યું છે ઃ IMMIGRANTS No ship of all that under sail or stream 
Have gath-ered people to us more and more 
But Pil-grim-manned the Mayflower in a dream 
Has been her anxious convoy in to shore. અમેરિકામાં આજે ગુજરાતમાંથી જે આગંતુકો છે એમને માટે રૉબર્ટ ફ્રૉસ્ટને મેફલાવરના આગંતુકો માટે જે પક્ષપાત છે એનું કારણ જાણવું અને જીવનમાં પ્રમાણવું એ એક રસિક અનુભવ હશે. અમેરિકામાં આજે ગુજરાતમાંથી જે આગંતુકો છે એમનો એક પગ ગુજરાતમાં છે અને એક પગ અમેરિકામાં છે. એમની અરધી જીભ ગુજરાતી ભાષામાં છે અને અરધી જીભ અમેરિકન ભાષામાં છે. તેઓ ગુજરાતમાં અને ગુજરાતી ભાષામાં જન્મ્યા છે અને જીવ્યા છે. તેઓ આરંભના આગંતુકો છે. ગુજરાત તથા ગુજરાતી ભાષામાંથી નિર્મૂલ થવાનો અને અમેરિકા તથા અમેરિકન ભાષામાં દૃઢમૂલ થવાનો એમનો વિકટ અને વિષમ અનુભવ છે. તેઓ આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, માનસિક, આધ્યાત્મિક સંઘર્ષમાં સતત ઝૂઝે-ઝઝૂમે છે. તેઓ સમજ અને સહાનુભૂતિના અધિકારી છે. પણ એમનાં સંતાનો તો અમેરિકામાં અને અમેરિકન ભાષામાં જન્મ્યા છે અને જીવ્યા છે. વળી, એમના વંશજો પણ અમેરિકામાં અને અમેરિકન ભાષામાં જ જન્મશે અને જીવશે. તેઓ આગંતુકો નહિ હોય. અમેરિકામાં આજે ગુજરાતમાંથી જે આગંતુકો છે તેઓ ભલે અરધા અમેરિકન ગુજરાતીઓ હોય અને અરધા ગુજરાતી અમેરિકનો હોય પણ એમના વંશજો તો સંપૂર્ણપણે ગુજરાતી અમેરિકનો — Americans of Gujarati origin હશે. ગુજરાત એમને માટે પરદેશ હશે. ગુજરાતી ભાષા એમને માટે પરભાષા, બીજી ભાષા હશે. તેઓ ગુજરાતનો અને બીજી ભાષા તરીકે ગુજરાતી ભાષાનો અભ્યાસ કરશે. એમણે કરવો જોઈએ, એમના પૂર્વજો ગુજરાતમાંથી આગંતુક તરીકે અમેરિકા આવ્યા હોવાથી. અમેરિકામાં આજે ગુજરાતમાંથી જે આગંતુકો છે એમની જેમ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ નહિ પણ આજના ત્રેવીસ કરોડ અમેરિકનોની જેમ તેઓનું અમેરિકાના જીવનમાં અન્ય — સામાજિક, રાજકીય, સાંસ્કૃતિ, આધ્યાત્મિક ક્ષેત્રોમાં પણ અર્પણ હશે. એમાંથી કોઈ કોઈ રૉબર્ટ ફ્રૉસ્ટની જેમ અમેરિકન ભાષાના કવિ, અમેરિકાના કવિ પણ થશે એ આશા-શુભેચ્છા સાથે અસ્તુ.

૧૯૮૮


*