સ્વાધ્યાયલોક—૫/પ્રેમનો કવિ

Revision as of 04:46, 8 May 2022 by Shnehrashmi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રેમનો કવિ — દયારામ}} {{Poem2Open}} દયારામની કવિતાને ને મારે પ્રે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પ્રેમનો કવિ — દયારામ

દયારામની કવિતાને ને મારે પ્રેમનો સંબંધ છે. કારણ કે સર્જનહારની સૃષ્ટિની એકે સુન્દરીમાં હજુ દયારામની કવિતાની મોહિની જાણી નથી. જ્યારે દયારામની કવિતાનો દેહ જોઈને જાતને પૂછું છું, એના જ શબ્દોમાં પૂછું છું : ‘કિયે ઠામે મોહિની ન જાણી રે? 
ભ્રૂકુટિની મટકમાં કે ભાળવાની લટકમાં 
 કે શું મોહિનીભરેલી આ વાણી રે!’ આ પ્રેમના પ્રત્યુત્તરમાં, મોહિની ભરેલી આ વાણીના સૌંદર્યકેફમાં, ૧૯૪૮માં, આ બોલનારથી ચાર-છ કૃતિઓ રચ્યા વિના રહેવાયું નહોતું. આસોની એકાદશીની એક ચાંદની રાતે, કવિના જન્મસ્થાનની સામે, નર્મદાતટે મલ્હારરાવના ઘાટ પર, કવિના જ શ્રોતાજનોના વંશજો સમક્ષ, અનેક કવિમિત્રોની સાથે જ્યારે એમાંની એક કૃતિ ગાઈ ત્યારે જે ધન્યતા અનુભવી હતી તે ત્યાંની આબોહવામાં દયારામના આત્માનો વાસ હતો એને આભારી હતી. કવિ હોવાનો ગર્વ ત્યારે જેવો થયો હતો તેવો આજ લગીમાં ક્યારેય થયો નથી. દયારામની અને, અલબત્ત, શ્રોતાજનોની ક્ષમાયાચના સાથે આટલો અંગત ઉલ્લેખ કરું તો તે અસ્થાને કે અનુચિત નહિ ગણાય. વિદ્વાન ન હોય. વિવેચક ન હોય, એવા એક અલ્પ કવિજંતુએ દયારામની કાવ્યપ્રતિભાને અન્ય કઈ રીતે અંજલિ અર્પવી એ અત્યારે સૂઝતું નથી. જીવનમાં પ્રેમ જેટલો સુલભ છે એટલો કવનમાં વિરલ છે. કારણ કે પ્રેમનો અર્થ શબ્દકોષમાં તો એક જ છે પણ માનવી માનવીના હૃદયકોષમાં એનો અનન્ય અર્થ હોય છે. સર્વ માનવઅનુભવોમાં કદાચ પ્રેમ જેવો અંગત અનુભવ અન્ય કોઈ નહિ હોય. એટલે એને પોતાથી અલગ પાડીને, પારકો માનીને જોવો એ આંખોને પોતાથી અલગ પાડીને જોવા જેવું છે. જ્યારે કલાનું રહસ્યનું તો આ પ્રક્રિયામાં રહેલું છે. પોતાના વ્યક્તિત્વના વળગાડમાંથી અનુભવને મુક્ત કરવામાં તો કવિતાનો કીમિયો છે. ત્યારે તો માનવીમાંથી કવિ જન્મે છે. પ્રેમના અનુભવમાં વ્યક્તિત્વ એટલું તો ઓતપ્રોત હોય છે કે એમ કરવું અશક્ય નહિ તો અસાધારણ તો છે જ. માનવ તરીકે આપણને પ્રેમના અનુભવનું જ મૂલ્ય હોય પણ કવિને તો એ અનુભવની અભિવ્યક્તિનો જ મહિમા હોય. કારણ કે કવિનું પરમ કે ચરમ લક્ષ્ય વ્યક્તિ નહિ, અભિવ્યક્તિ છે. આ સત્ય દયારામને સમજાયું હશે ત્યારે જ એણે ગાયું હશેને કે : ‘ઓધવજી, છે અળગી રે, વાત એક પ્રેમ તણી, 
કોઈ અનુભવી જાણે રે, કહેતાં તો ના’વે બણી. 
મૂંગે સાકર ખાધી રે, ગૂંગાને સ્વપ્ન થયું, 
સરવે મન જાણે રે, બીજાને ન જાય કહ્યું.’ અથવા તો ‘ગોળ પોતાનો ખૂણે ખાઈએ, કરીએ દીઠો અદીઠો જી, 
પ્રગટ કરી બજારે બેઠાં શું લાગે છે અતિ મીઠોજી?’ પ્રેમમાં પારંગત એવાં ડેન્ટિ જેવા કવિને પણ પોતાના અંગત પ્રેમના કાવ્ય — Vita Nuova — માં વચમાં ગદ્યભાષ્ય રચવું પડ્યું છે એનું રહસ્ય પણ આ જ હશે ને! પ્રેમના અનુભવની અભિવ્યક્તિમાં જો કવિ પાર પડ્યો તો પ્રેમનો અનુભવ એટલો તો વ્યાપક છે કે એનું સંક્રમણ અભિવ્યક્તિ જેટલું જ દુ:સાધ્ય છે. પ્રેમ ન કર્યો હોય એવો માનવી — જો એ માનવીમાંથી મટી ન ગયો હોય તો — મળવો મુશ્કેલ છે. દયારામ આનાથી અજાણ્યો તો શેનો જ હોય? કહે છે ‘ઘટઘટમાં ઘર કીધું.’ આથી જ આગળ કહ્યું કે પ્રેમનો અનુભવ સુલભ છે, એનું કાવ્ય વિરલ છે. દયારામ એ આપણો આવા વિરલ કાવ્યનો કવિ છે. પ્રાચીન ગુજરાતી કવિતામાં પ્રેમના કવિઓ ત્રણ ગણાય છે. નરસિંહ, મીરાં ને દયારામ. એમાં નરસિંહને પ્રેમનો કવિ કહેવા કરતાં જ્ઞાનનો કવિ કહેવામાં જ એની સાચી કવિપ્રતિષ્ઠા છે. નરસિંહની કવિપ્રતિભાનો સર્વાંગસુંદર ને સંપૂર્ણ પરિચય એના જ્ઞાનનાં પદોમાં જ થાય છે. કવિમાત્ર સર્વ પ્રથમ તો મનુષ્ય છે એટલે મનુષ્યને પ્રાપ્ત એવો પ્રત્યેક અનુભવ એને હોય પણ એ પ્રત્યેકને કવિઅનુભવ ન કહી શકાય. જે માનવઅનુભવ કાવ્યનું રૂપ ધારણ કરીને પુનર્જન્મ પામે તે જ સાચો કવિઅનુભવ. નરસિંહમાં આવો અનુભવ જ્ઞાનનો છે. કવિ લેખે એને સૌથી વધુ સફળતા જ્ઞાનનાં પદોમાં મળી છે. ‘અખિલ બ્રહ્માંડમાં…’, ‘નીરખને ગગનમાં…’, ‘જાગીને જોઉં તો…’ એનાં ઉત્કૃષ્ટ ઉદાહરણો છે. પણ નરસિંહ પ્રગલ્ભ કવિ હોવાથી એનું દર્શન પરિમિત નથી. એની પ્રતિભા સર્વતોમુખી હોવાથી એમાં સમગ્રતા છે. એટલે ક્યારેક ક્યારેક એ કવી ઊઠે છે : ‘શ્યામના ચરણમાં ઇચ્છું છું મરણ રે, 
 કોઈ અહીંઆ નથી કૃષ્ણ તોલે.’ અથવા તો બુદ્ધિની મર્યાદા પણ આંકી શકે છે : શ્યામ શોભા ઘણી, બુદ્ધિ ના શકે કળી, 
 અનંત ઓચ્છવમહીં પંથ ભૂલી. તો વળી કવચિત્ તો આ જ્ઞાનથી કંટાળીને કકળી પણ ઊઠે છે : ‘પ્રેમરસ પાને તું, મોરના પીંછધર! 
 તત્ત્વનું ટુંપણું તુચ્છ લાગે.’ આમ વિશ્વની વિરાટતામાં વસતું તત્ત્વ તે ઐક્ય, અખિલાઈ એ એનું કવિદર્શન; પણ એમાં આત્મા રૂપે વિલસતું સત્ત્વ તે પ્રેમ. નરસિંહ જો પ્રેમનો કવિ હોય તો તે આ પ્રેમનો. મીરાંની કૃતિઓના સંદર્ભમાં બલવન્તરાય ઠાકોરના એક અત્યંત માર્મિક મંતવ્યનું સ્મરણ થાય છે, ‘કેટલીક વાર નર્યું કથન જાતે ઊંચી અમર કવિતા હોય છે.’ મીરાંની કૃતિઓ એ આ પ્રકારનું ‘નર્યું કથન’ લાગે છે. એક સરલ, નિર્દોષ, તન્મય ભક્તહૃદયનો સહજ ઉદ્ગાર લાગે છે. એ ઉદ્ગારમાં એટલો તો ઉદ્રેક છે કે કવિતાકલાની નીતિરીતિને ઉલ્લંઘીને ઊભરાતો ચાલે છે. આથી જ માનવાનું મન થાય છે કે મીરાંને પોતાની કૃતિઓ વિશે ‘આ તો કવિતા કહેવાય, એવું આશ્ચર્ય ભાગ્યે જ થયું હોય. એ એના હૃદયની સહજ વાણી હતી. મીરાંને વાચકના અસ્તિત્વની અપેક્ષા જ નહિ હોય, એની કલ્પના સુધ્ધાં ભાગ્યે જ હોય. એની કૃતિઓ એ પ્રભુ સાથેની એની ગોષ્ઠિ છે. એમાં વચમાં ત્રીજી વ્યક્તિને સ્થાન જ નથી. એમાં ત્રીજી વ્યક્તિનું અસ્તિત્વ એ વિક્ષેપ છે એટલું જ નહિ પણ એના પ્રેમની પવિત્રતાનો ભંગ છે. મીરાં જો જાણે કે વચમાં કોઈ કાન ધરે છે તો પોતે મૌન ધરે. એનો તો ‘ગિરિધર ગોપાલ, દૂસરો ન કોઈ’. મીરાંની કૃતિઓ એ એનું અંગત મનોગત છે, એની ‘ખાનગી નોંધ’ છે, એના એકાંતનું આત્મસંભાષણ છે. એમાં કવિતાની કૃત્રિમતાને સ્થાન નથી. હા, કવિતા એક પ્રકારની, ગમે તેટલી કમનીય હોય તોપણ, કૃત્રિમતા છે. એટલે તો એ સહજ અને અચાનક નહિ પણ સભાન અને આયાસપૂર્વક સર્જાતી કલા છે. આ કારણે મીરાંની કૃતિઓ ગંભીર છે, ગભીર પણ છે; એનામાં નરસિંહ કે દયારામની મુક્ત મશ્કરી નથી : અને ‘રાધા’ શબ્દનો કે પ્રતીકનો ઉપયોગ કરવાનો પ્રયત્ન પણ નથી. આમ મીરાંની કૃતિઓ એ કવિતા નહિ પણ એવું ‘નર્યું કથન’ કે જે ઊંચી અમર કવિતા હોય — એવું વલણ કાવ્યતત્ત્વવિચારણાની દૃષ્ટિએ વધુ ઉચિત છે. એનો અર્થ એ નથી કે એનો અનુભવ ઊતરતો છે કે એની માત્રા ઓછી છે; એનો અર્થ એટલો જ કે એમાં સભાન કાવ્યનું તત્ત્વ ઓછું છે. બાકી તો બલવન્તરાય જેવા વિચારપ્રાધાન્યના આગ્રહીએ જ કહ્યું છે, ‘નરસિંહ મહેતા અને મીરાંના કોઈ કોઈ ઊર્મિકાવ્યો વિશે આપણે ગુજરાતીઓ એક અવાજે સ્વીકારીશું કે એ inspired, ત્રીજા નેત્રની પ્રસાદી છે.’ આમ મીરાંએ પ્રેમપદારથનું ગુરુત્વ માપ્યું છે, કારણ કે એણે તો ‘ગોવિંદ લીનો મોલ’ ને ‘લીનો તરાજૂ તોલ’ અને નરસિંહે એનાં ઊંડાણ અને ઊંચાઈ માપ્યાં છે; તો દયારામે એની લંબાઈ અને પહોળાઈ માપી છે. પ્રેમપદારથની એ લંબાઈ અને પહોળાઈ એટલે પશુતા અને પ્રભુતા. પ્રેમપદારથને દયારામે ચોપાસથી ચીતર્યો છે. એનો પ્રેમનો અનુભવ સંકુલ છે. પરસ્પર વિરોધી દિશામાં વિકસે એટલું એનામાં વૈવિધ્ય છે. એણે પ્રેમનું નિ:શેષ કાવ્ય કર્યું છે એમ ન કહીએ તો કદાચ એ અન્યાય કરતી અલ્પોકિત ગણાય. એનાં પ્રેમનાં પદો જૂજવે રૂપ અનંત ભાસતું પણ એક અને અખંડ એવું કાવ્ય છે એથી એ નરસિંહ કે મીરાંથી મોટો કવિ છે એમ કહેવાનો આશય નથી. કદાચ એથી ઊલટું જ હોય. ગોવર્ધનરામના ‘અક્ષરદેહ’નો ધ્વનિ તો કંઈક એવો જ છે. કવિઓમાં પણ ઊંચનીચનો ભેદ પાડવા મથતું વિવેચન — ને એવા વિવેચનની તો ખોટ જ ક્યાં હોય છે? — દયાને પાત્ર છે. અહીં તો માત્ર એનામાં ‘અનન્ય’, ‘આગવું’ શું છે, પ્રત્યેકનો પ્રેમનો અર્થ શો છે એ સમજવાનો અને દયારામને નરસિંહ અને મીરાંના અનુગામી હોવાનો લાભ હતો એ સ્મરવાનો પ્રયત્ન છે. ધર્મ અને સંસ્કૃતિનો જો કોઈ અર્થ હોય તો એ જ ને કે અપાર પુરુષાર્થને પરિણામે મનુષ્ય પશુમાંથી મનુષ્ય થયો છે. અને પ્રભુપદ પામવાના એટલા જ પુરુષાર્થને પરિણામે પણ જો એ હજુ પંચોતેર ટકા પશુ રહ્યો હોય તો એનો પ્રેમ પશુવૃત્તિમાંથી નહિ તો અન્યત્ર ક્યાંથી જન્મતો હશે એ પ્રશ્ન સહેજે થાય. અને અન્યત્ર ક્યાંયથીય જન્મે તો એને કદાચ એક અદ્ભુત ચમત્કાર જ ગણવો પડે એવી આજ લગીની માનવજીવનની અને આજના માનસની પરિસ્થિતિ છે. પણ મનુષ્યની માનવતાની બલિહારી તો એ છે કે પશુવૃત્તિમાંથી પ્રગટેલો પ્રેમ ક્રમે ક્રમે વિકસતો, પરિશ્રમે સંસ્કારાતો અંતે પ્રભુતામાં પર્યવસાન પામે છે ત્યારે જ સાર્થક્ય અનુભવે છે. પશુ અને પ્રભુ વચ્ચે વસતા મનુષ્યમાં પશુતા અને પ્રભુતા ઓતપ્રોત નથી એ તો હવે જ્યારે જગતના શાણાઓ સમજાવે ત્યારે જ સમજાય. ૧૮૬૫માં નર્મદે જ્યારથી દયારામ પર અંગત આક્ષેપ કર્યા (ન્યાયી વિવેચનનું નિશાન કવિતા છે, કવિ નહિ; એ આપણા આ પ્રથમ વિવેચક ત્યારે પોતાનાં અંગત મંતવ્યો ને વ્યક્તિત્વમાં રચ્યાપચ્યા હોવાથી ભૂલી જ ગયા છે) ત્યારથી અરધી સદી ઉપરાંતનો જે ઊહાપોહ દયારામ વિશે ગુજરાતે કર્યો તે આ સમજાવવાની નિષ્ફળતાનો ખુલ્લો એકરાર છે. પણ આપણે અહીં એ ઊહાપોહ સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રશ્ન એ હતો કે દયારામનો પ્રેમ લૌકિક કે અલૌકિક — એટલે કે દયારામની કવિતા શૃંગારની કે ભક્તિની? દયારામને પોતાને મન તો કોઈ પ્રશ્ન હતો જ નહિ. પોતાના પ્રેમ વિશે એને લેશ પણ અંદેશો હોય એમ લાગતું નથી. કારણ કે એ કહે છે : ‘જીવ જાણી લે, જારપ્રીત જગદીશ વિના નવ સારી, 
મન માની લે, પૂછી જો અનુભવી હોય જે નરનારી.’ અને ‘એક વર્યો ગોપીજનવલ્લભ નહિ સ્વામી બીજો, 
નહિ સ્વામી બીજો રે મારે નહિ સ્વામી બીજો.’ વળી ‘સાચું તે સગપણ રે સમજ મન શ્યામતણું, 
બાકી સહુ જૂઠું રે, કશું નહિ કામ તણું.’ એટલે તો માત્ર વાચ્યાર્થને જ વળગી રહેતા વાચકને તો એણે રોકડું પરખાવી રાખ્યું છે : ‘શું જાણે વ્યાકરણી, વસ્તુને શું જાણે વ્યાકરણી? 
મુખપર્યંત ભર્યું ઘૃત તદપિ સ્વાદ ન જાણે બરણી.’ અર્વાચીન કવિતામાં બાલાશંકરની કવિતા વિશે પણ કંઈક આવો જ ઊહાપોહ થયો હતો. બાલાશંકરે પણ કવિને છાજે એ અદાથી છાતી કાઢીને કહી નાંખ્યું છે : ‘હશે જે શૃંગારી કવન સમજે તે યુવતીનું, 
કવિતાવિલાસી જન સમજશે તે કવિતનું, 
હશે જે વૈરાગી ગ્રહણ કરશે મોક્ષપદનું, 
ખરું શું છે તે તો સરવ મન મારે સમજુ છું.’ જગતના શાણાઓ કવિઓને સમજે છે એથી વધુ કવિઓ જગતના શાણાઓને સમજે છે અને છતાંય કવિ દુનિયાદારીનું માણસ નથી કહેવાતો એ પણ આ દુનિયાની એક બલિહારી છે ને! તો ખરું શું છે તે સમજવાનો પ્રયત્ન કરીએ. માનો કે એ પ્રેમ લૌકિક છે એટલે કે દુન્યવી, માનુષી, મર્ત્ય પ્રિયા પ્રત્યેનો છે. તો દયારામ અને એની માનવપ્રિયા બન્ને, ગમે તેવાં તોપણ, માનવજંતુડા; ક્ષુદ્ર, ક્ષુલ્લક અને ક્ષણિક. એટલે એમનો પ્રેમ, એમના મિલનવિરહની ઊર્મિઓ એ બધું જ, ગમે તેવું તોપણ, ક્ષણિક. જ્યારે રાધાકૃષ્ણ તો સૈકાઓના દૃઢ સંસ્કારે એક ચિંરજીવ યુગલ. કવિ જો આ પ્રતીકનો, ઐતિહાસિક સત્ય રૂપે નહિ પણ રૂપક રૂપે ઉપયોગ કરે તો એથી કવિતાને અને એના રસાસ્વાદને તો સ્પષ્ટ લાભ જ છે. આવાં પ્રતીકો અને વાચકોના ચિત્ત પરના એમના સંસ્કારો દ્વારા કામ કાઢી લેવાનો તો કવિઓનો સૃજનજૂનો વ્યાપાર છે. કવિનો હેતુ અભિવ્યક્તિ અને સંક્રમણ, એ હેતુ સિદ્ધ કરવાને જે સાધન હાથ લાગે તેનો ઉપયોગ એ લાંબો વિચાર કર્યા વિના કરી લેવાનો. રાધાકૃષ્ણના પ્રતીકમાં શ્રદ્ધા ધરાવનાર માનસ અસંસ્કારી, અણઘડ કે માંદલું ગણાય કે નહિ એ પ્રશ્ન અહીં અપ્રસ્તુત છે. જે યુગમાં કવિતા રચાઈ હોય એ યુગની વાસ્તવિક પરિસ્થિતિની દૃષ્ટિએ જ કવિતાનો વિચાર થાય. કવિને પોતાના અનુભવના અસ્તિત્વ વિશે કોઈ શંકા નથી હોતી પણ એની ચિરંજીવિતા વિશેની એની અશ્રદ્ધા એ પોતાથી કે વાચકથી છાની રાખી નથી શકતો એ એની નિખાલસતા તો — ‘ઓડ ટુ એ નાઈન્ટીન્ગલ’માં કાવ્યની એકતાને ખંડિત કરીને પણ જે છેલ્લો શ્લોક કીટ્સે કાવ્યમાં સામેલ કર્યો છે એ એની સત્યપ્રિયતા તો કવિ પ્રત્યેનું આપણું માન અઢળક વધારી મૂકે એવી છે. મિલન અને વિરહ માનવહૃદયના સનાતન ભાવ છે એ સત્ય પ્રગટ કરવાનો આથી વધુ સફળ ઉપક્રમ ભાગ્યે જ દયારામ કે કોઈ પણ કવિ યોજી શકે. માનો કે એ પ્રેમ અલૌકિક છે એટલે કે દિવ્ય, અજર અને અમર પાત્ર પ્રત્યેનો છે તો તો એ ‘બાવન બાહરો’ છે. માત્ર અક્ષરો દ્વારા અવર્ણ્ય છે, શબ્દાતીત છે એટલે બાવનના મેળમાંથી ત્રેપનમો પ્રગટવાનું જગતભરના પ્રભુપ્રેમીઓ પાસે આજ લગી તો એકમાત્ર સાધન રતિનાં પ્રતીકો છે. રતિ એ મનુષ્યમાત્રનો ઉત્કટમાં ઉત્કટ અને નિકટમાં નિકટ અનુભવ છે. સર્વ અનુભવોની પરાકાષ્ઠા છે. પ્રભુના પ્રેમનું વર્ણન માનવપ્રેમની — રતિની — પરિભાષમાં જ શક્ય છે. કવિતા પાસે અન્ય કોઈ સાધન નથી, કવિ પાસે અન્ય કોઈ વિકલ્પ નથી. આ ‘ઘાયલકી ગત’ છે. કવિ હોય તે જ જાણે છે, ઔર ન જાને કોઈ. સેન્ટ જ્હૉન ઑફ ધ ક્રૉસ આદિ જગતના સર્વ પ્રભુપ્રેમી કવિઓએ આ સાધનની સહાય લીધી છે, આવી બાબતમાં વાણીની પામરતાનો પૂરો પરિચય હોવા છતાં એને બીભત્સ કહીને નીતિના ઘમંડીઓએ પોતાની જ બીભત્સતા અને અણસમજનું પ્રદર્શન કર્યું છે. જિજ્ઞાસુને આના સંદર્ભમાં વિખ્યાત માનસશાસ્ત્રી ઓસ્વાલ્ડ સ્વાર્ઝના અભિપ્રાય જોઈ જવાની ભલામણ છે. એટલે આ પ્રેમ અત્યારે તો ભવિષ્યના કોઈ ફ્રોઈડ કે યુંગને આહ્વાન થઈને પડ્યો છે. આ રીતે દયારામે જો મરજિયાત કે ફરજિયાત આ રાધાકૃષ્ણના પ્રતીકનો કે રતિની પરિભાષાનો ઉપયોગ કર્યો હોય તો એથી કવિતાને અને એના રસાસ્વાદને તો સ્પષ્ટ લાભ જ થયો છે. બાકી નીતિનો આવો નાજુક પ્રશ્ન આમ છેડવા-છંછેડવાનો પ્રયત્ન એટલો તો બાલિશ છે કે ગોવર્ધનરામ જેવા વિવેકી વિદ્વાને દયારામના મૂલ્યાંકનમાં આડો આવવા જ નથી દીધો, વચમાંથી એનો કાંકરો જ કાઢી નાંખ્યો છે. અંતમાં બલવન્તરાયે દયારામની સમગ્ર કાવ્યસિદ્ધિનો આંક એક જ વાક્યમાં કાઢી આપ્યો છે, ‘દયારામની લાવણીમાં, ગો. મા. ત્રિ.ના કટાવમાં, મુક્ત પૃથ્વીમાં, ગુલબંકીમાં સર્જકતા છે, કેમ કે તેમાં વિષયાનુરૂપ નવીનતા અને લક્ષ્યસિદ્ધિ છે.’ આ નવીનતા દયારામની મૌલિકતાનું પરિણામ છે. એ મૌલિકતા એના મિજાજમાં છે. દયારામનો મિજાજ જ કંઈ ઓર છે. એમાં એની સર્ગશક્તિ, સર્જકતા છે અને વાહનનું નિર્ણાયક તત્ત્વ વસ્તુ, અને વસ્તુનું નિર્ણાયક તત્ત્વ મિજાજ છે. એટલે જૂની લાવણીના સ્વરૂપ પર દયારામના મિજાજે આગવી એવી મહોર મારી છે. લાવણીનો આ નવો અવતાર એ જ દયારામની કાવ્યપ્રતિભાનું સર્વશ્રેષ્ઠ સર્જન. એલિયટે કહ્યું છે : ‘Sensibil-ity alters from generation to generation, but expres-sion is only altered by a man of genius.’ આથી જ દયારામની લાવણીમાં એવું લાવણ્ય પ્રગટ્યું છે કે : ‘નખશિખ લગી રૂપ રસિક, મધુર, મનોહર, 
જ્યાં જોઈએ ત્યાં આંખ ઠરી જાય છે જી રે’ દયારામની કવિતામાં મોહિની હોય, સૌંદર્ય હોય તો તે આ અર્થમાં. એટલે જ તો એણે : કાળજ કોર્યું તે કોને કહીએ જી રે? આવો વાર્તાલાપનો ઉપક્રમ હોવા છતાં કહેવું પડે કે કાળજ કોર્યું તે કોને કહીએ જી રે?

(આકાશવાણી, અમદાવાદ પરથી વાર્તાલાપ. ૩ ઑકટોબર ૧૯૫૨.)

*