સ્વાધ્યાયલોક—૬/આધુનિકતાનો યુગ

Revision as of 09:47, 8 May 2022 by Shnehrashmi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આધુનિકતાનો યુગ}} {{Poem2Open}} અર્વાચીન ગુજરાતી સાહિત્યનો આરંભ ૧...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


આધુનિકતાનો યુગ

અર્વાચીન ગુજરાતી સાહિત્યનો આરંભ ૧૮૫૦ની આસપાસ થયો છે. સાહિત્યના ઇતિહાસકારો એનાં પ્રથમ સો વર્ષને બે યુગોના રૂપે જુએ છે: સમન્વયયુગ(૧૮૫૦-૧૯૨૦) અને ગાંધીયુગ (૧૯૨૦-૧૯૫૦). પ્રથમ યુગ એ સંસર્ગ — ભારતીય અને યુરોપીય સંસ્કૃતિઓ તથા હિન્દુધર્મ અને ખ્રિસ્તીધર્મના સંસર્ગ-નો યુગ છે. સમાજસુધારાનું આંદોલન અને આધ્યાત્મિક મૂળિયાંની શોધ, સાંસ્કૃતિક પુનરુત્થાન અને ધાર્મિક પુનર્જીવન એ આ યુગના સૌ શિક્ષિત અને વિચારશીલ – સવિશેષ તો યુનિવર્સિટીમાં જેમનું ઉચ્ચ શિક્ષણ થયું હતું તેવી — વ્યક્તિઓના ચિંતાવિષયો હતા. એથી આ યુગનું સાક્ષરયુગ — University Witsનો યુગ — એવું નામાભિધાન કરવામાં આવ્યું છે. દ્વિતીય યુગ એ ગાંધીજીનો યુગ હતો. આ યુગ સંઘર્ષનો — અંગ્રેજો સાથેના સંઘર્ષનો — યુગ છે. સ્વદેશી અને સ્વરાજ, અસહકાર ને સવિનય કાનૂનભંગ એ યુગના સૌ સ્વાતંત્ર્યપ્રેમી અને રાષ્ટ્રપ્રેમી — સવિશેષ ગાંધીજીમાં જેમની શ્રદ્ધા હતી તેવી — વ્યક્તિઓના ચિંતાવિષયો હતા. એથી આ યુગનું સ્વાતંત્ર્યયુગ એવું નામાભિધાન પણ કરવામાં આવ્યું છે. આ બન્ને યુગોમાં સૌથી વધુ સર્જકશક્તિ નવલકથાના સ્વરૂપમાં — ગોવર્ધનરામ ત્રિપાઠીની મહાકાવ્ય સમી નવલકથા ‘સરસ્વતીચન્દ્ર’ (૧૮૮૭-૧૯૦૪) અને પન્નાલાલ પટેલની લગભગ મહાકાવ્ય સમી નવલકથા ‘માનવીની ભવાઈ’ (૧૯૪૭)માં પ્રગટ થાય છે. પણ સમગ્રતયા તો સાહિત્યના જગતમાં કવિતાનું વર્ચસ્ હતું. બાલાશંકર કંથારિયા, મણિશંકર ભટ્ટ, કલાપી, બલવન્તરાય ઠાકોર અને ન્હાનાલાલ — આ સમન્વયયુગના પ્રમુખ કવિઓ છે. રામનારાયણ પાઠક, સુન્દરમ્, ઉમાશંકર જોશી, કૃષ્ણલાલ શ્રીધરાણી, હરિશ્વન્દ્ર ભટ્ટ, પ્રહ્લાદ પારેખ અને રાજેન્દ્ર શાહ — આ ગાંધીયુગના પ્રમુખ કવિઓ છે. સમકાલીન પરિસ્થિતિ પ્રત્યે આ નવલકથાકારો અને કવિઓ ઉદાસીન કે અસંવેદનશીલ ન હતા. ઊલટાનું, એમણે એમના યુગનાં સામાજિક અને આધ્યાત્મિક મૂલ્યોને તથા આર્થિક અને રાજકીય આદર્શોને એમનાં લખાણોમાં આમેજ અને આત્મસાત્ કર્યાં હતાં. પણ તેઓ સક્રિય — ac-tivist — ન હતા. એમનાં લખાણોમાં કોઈ પણ વિચારો કે વિચારધારાઓ પ્રત્યે પ્રતિબદ્ધતા ન હતી. વાસ્તવમાં તો તેઓ સુધારા અને ગાંધીવાદનાં દોષો અને દૂષણો પ્રત્યે સ્પષ્ટપણે ટીકાત્મક હતા. અને એમણે એમનાં લખાણોમાં એમની આ ટીકાત્મકતા વ્યક્ત કરી હતી. આ નવલકથાકારો અને કવિઓ એમની આંતરિક સર્જકતા પ્રત્યે નિષ્ઠાવાન હતા. એમને માટે, અંતે સાહિત્ય એ કલા-અનુભવ, સૌંદર્ય, અનુભવ હતો. એથી તેઓ લય, કલ્પન અને ભાષા વિશે અત્યંત સજાગ રહ્યા હતા; સ્વરૂપ, શૈલી અને અભિવ્યક્તિ વિશે સદાય સચિંત રહ્યા હતા. એમણે જીવન અને સાહિત્ય વિશેના એમના અંગત દર્શનમાંથી સર્જન કર્યું હતું. તેઓ સર્જક હતા, પ્રચારકો ન હતા. પાંચમા દાયકાના ઉત્તરાર્ધમાં દેશમાં અને દુનિયામાં મહાન ઘટનાઓ ઘટી હતી. મહાન પરિવર્તનો થયાં હતાં : ૧૯૪૫માં હીરોશિમા પર ઍટમ બૉમ્બ અને દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત, ૧૯૪૭માં ભારતનું સ્વાતંત્ર્ય અને ૧૯૪૮માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા. સાહિત્યના ઇતિહાસકારો ૧૯૫૦ની આસપાસ ગુજરાતી સાહિત્યમાં એક નવીન યુગનો આરંભ થયો એમ નોંધે છે. પણ એમણે જેમ પૂર્વેના બે યુગોનું નામાભિધાન કર્યું હતું તેમ આ યુગનું નામાભિધાન કર્યું નથી. પણ સમકાલીન સંદર્ભમાં એનું નામાભિધાન કરવું રહ્યું. આ યુગનું સ્વાતંત્ર્યોત્તર યુગ એવું નામાભિધાન કરી શકાય. જોકે હું એનું આધુનિકતાનો યુગ એવું નામાભિધાન કરવાનું વધુ પસંદ કરું. ગાંધીયુગના કેટલાક નવલકથાકારો — પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર અને મનુભાઈ પંચોળી — એ થોડાંક નવીન ઉપક્રમો અને પરિવર્તનો સાથે આ યુગમાં પણ પરંપરાગત નવલકથા લખવાનું ચાલુ રાખ્યું છે. છઠ્ઠા દાયકામાં જેમણે નવલકથા લખવાનો આરંભ કર્યો હતો એવા નવલકથાકારો — શિવકુમાર જોષી, રઘુવીર ચૌધરી, પિનાકિન દવે અને ભગવતીકુમાર શર્મા — એ પણ પરંપરાગત નવલકથાઓ લખી છે : ૧૯૭૪માં મનુભાઈ પંચોલીએ એમની નિયતકાલિક નવલકથા ‘સૉક્રેટીસ’, ૧૯૭૫માં રઘુવીર ચૌધરીએ એમની પ્રાદેશિક નવલત્રયી ‘ઉપરવાસ’, ‘સહવાસ’ અને ‘અંતરવાસ’. તેઓ મહત્ત્વાકાંક્ષી નવલકથાકારો છે. પણ અંતે તેઓ પરંપરાગત નવલકથાકારો છે. ગાંધીયુગના કેટલાક કવિઓ — ચન્દ્રવદન મહેતા, ‘સ્નેહરશ્મિ’, સુંદરજી બેટાઈ, મનુસુખલાલ ઝવેરી, સુન્દરમ્, ઉમાશંકર જોશી, રાજેન્દ્ર શાહ, બાલમુકુંદ દવે, વેણીભાઈ પુરોહિત, મકરંદ દવે અને પ્રજારામ રાવળ – – એ વસ્તુવિષયમાં નવીન વિચારો અને કલ્પનોનાં ગૌણ પરિવર્તનો તથા શૈલીસ્વરૂપમાં નવીન લય અને આકારના ગૌણ પ્રયોગો સાથે આ યુગમાં પણ પરંપરાગત કવિતા લખવાનું ચાલુ રાખ્યું છે. માત્ર ઉમાશંકર જોશી જ એમનાં ઉત્તરજીવનનાં કેટલાંક કાવ્યોમાં પરંપરાગત કવિતાથી ઊફરા ચાલ્યા ગયા છે. પાંચમા તથા છઠ્ઠા દાયકામાં જેમણે કવિતા રચવાનો આરંભ કર્યો હતો એમાંથી કેટલાક કવિઓ — ઉશનસ્‌, જયંત પાઠક, હરીન્દ્ર દવે, સુરેશ દલાલ અને જગદીશ જોષી — એ પણ મુખ્યત્વે પરંપરાગત કવિતાનું સર્જન કર્યું છે. હવે ગુજરાતી સાહિત્યે જગતસાહિત્યના મુખ્ય પ્રવાહમાં, આધુનિકતાના પ્રવાહમાં આધુનિક નવલકથા અને ટૂંકી વારતા દ્વારા તથા મુખ્યત્વે પાંચમા તથા છઠ્ઠા દાયકામાં જેવો આરંભ થયો તે આધુનિક કવિતા દ્વારા પ્રવેશ કર્યો છે. ૧૯૬૫માં સુરેશ જોષીએ એમની નવલકથા ‘છિન્નપત્ર’ પ્રગટ કરી હતી. એના અનુસંધાનમાં શ્રીકાન્ત શાહ, ચન્દ્રકાન્ત બક્ષી, રાધેશ્યામ શર્મા અને મકુન્દ પરીખે એમની નવલકથાઓ — અનુક્રમે ‘અસ્તિ’ (૧૯૬૬), ‘પેરેલીસિસ’ (૧૯૬૭), ‘ફેરો’ (૧૯૬૮) અને ‘મહાભિનિષ્ક્રમણ’ (૧૯૬૮), પ્રગટ કરી હતી. ત્યારથી જેમાં એના પ્રતિ-નાયકના અનિવાર્ય એવા ચિંતા અને એકલતાના અસ્તિત્વવાદી અનુભવનું વસ્તુવિષય તથા આંતરચેતનાના પ્રવાહ અને આંતરિક એકોક્તિનું શૈલીસ્વરૂપ છે એવી આધુનિક નવલકથા — પ્રતિ-નવલકથા અને અતિ-નવલકથા — અચલપ્રતિષ્ઠ છે. એમાં કથાવસ્તુ, કાર્ય, તર્ક અને બુદ્ધિની પુરાતન પરંપરાનો પરિહાર થયો છે અને લય, કલ્પન, પદાવલિ અને ભાષાના નૂતન પરિમાણોનો સ્વીકાર થયો છે. ૧૯૭૫માં સુરેશ જોષીએ ‘મરણોત્તર’ નવલકથા પ્રગટ કરી છે અને ૧૯૭૯માં રાધેશ્યામ શર્માએ ‘સ્વપ્નતીર્થ’ નવલકથા પ્રગટ કરી છે. પરંપરાગત નવલકથાની જેમ આધુનિક નવલકથા પણ લખાતી રહી છે અને લખાતી રહેશે, ભવિષ્યમાં કદાચ એ વધુ ઉત્કૃષ્ટ પણ પુરવાર થશે. આધુનિક ટૂંકી વારતાનો પ્રવેશ સહેજ વહેલો થયો હતો. ૧૯૫૭માં સુરેશ જોષીએ એમનો પ્રથમ વારતાસંગ્રહ ‘ગૃહપ્રવેશ’ પ્રગટ કર્યો હતો. એના અનુસંધાનમાં કિશોર જાદવ, મધુ રાય, રાધેશ્યામ શર્મા, જ્યોતિષ જાની, ચન્દ્રકાન્ત બક્ષી, પ્રબોધ પરીખ અને લક્ષ્મીકાન્ત ભટ્ટ — આ સૌ નવીન આધુનિક વારતાકારોએ સાતમા અને આઠમા દાયકામાં એમના વારતાસંગ્રહો પ્રગટ કર્યા હતા. પૂર્વે ચોથા દાયકામાં ‘ધૂમકેતુ’એ ટૂંકી વારતાની રંગદર્શી પરંપરાનો અને રામનારાયણ પાઠકે ટૂંકીવારતાની વાસ્તવદર્શી પરંપરાનો આરંભ કર્યો હતો. સુન્દરમ્, ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, જયંતિ દલાલ, જયંત ખત્રી, ગુલાબદાસ બ્રોકર અને ચુનીલાલ મડિયા — આ સૌ વારતાકારોએ ચોથા અને પાંચમા દાયકામાં વાસ્તવદર્શી પરંપરાને સમૃદ્ધ અને સધ્ધર કરી હતી. ગાંધીયુગના કેટલાક વારતાકારો — પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર અને ગુલાબદાસ બ્રોકર — એ પરંપરાગત ટૂંકી વારતા લખવાનું ચાલુ રાખ્યું છે. સુન્દરમ્ અને ઉમાશંકર જોશીએ ટૂંકી વારતા લખવાનું બંધ કર્યું છે. ૧૯૬૦ની આસપાસ જે વારતાકારોએ ટૂંકી વારતા લખવાનો આરંભ કર્યો હતો તે વારતાકારોએ પરંપરાગત ટૂંકી વારતાનો પરિહાર કર્યો છે. અને ભાગ્યે જ કોઈ અપવાદ સાથે એમણે આધુનિક ટૂંકી વારતા લખવાનું પસંદ કર્યું છે. આધુનિક ટૂંકી વારતા આધુનિક કવિતાની સમાન્તર રહી છે. સ્વપ્ન, તરંગ અને વિચ્છેદ તથા પરાવાસ્તવ, અસ્તિત્વવાદ અને વિસંગતિ (absurd)ના સંદર્ભમાં આધુનિક ટૂંકી વારતા આધુનિક કવિતાની સમકક્ષ રહી છે. ટૂંકી વારતા ચાતુર્ય, નર્મમર્મ, હાસ્ય, કટાક્ષ આદિ સંદર્ભમાં આધુનિક કવિતાને અતિક્રમી જાય છે. પણ કળાના સંદર્ભમાં એ કવિતાથી ન્યૂન પુરવાર થાય છે. એમા કસબ — કારીગરીનું સભાનતાપૂર્વક — કંઈક વધુ પડતી સભાનતાપૂર્વક — મહત્ત્વ કરવામાં આવ્યું છે, એના પર અભિનિવેશપૂર્વક એકાગ્ર અને એકાંગી ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આધુનિક ટૂંકી વારતાનો સર્જક પોતાનાં કસબ-કારીગરી પરના પ્રભુત્વનું જાણે કે પ્રદર્શન કરી રહ્યો ન હોય! કસબ-કારીગરી એ જ કળા છે એવું જાણે કે એ માનતો-મનાવતો ન હોય! અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં નાટક એની અનુપસ્થિતિ માટે પ્રસિદ્ધ છે. નાટકની પ્રેરણાદેવી એ દુરારાધ્ય દેવી છે. અનેક એને પૂજે છે પણ કોઈકની પર જ એ રીઝે છે. રમણભાઈ નીલકંઠ, ન્હાનાલાલ, કનૈયાલાલ મુનશી, બટુભાઈ ઉમરવાડિયા, યશવન્ત પંડ્યા, કૃષ્ણલાલ શ્રીધરાણી, ચુનીલાલ મડિયા, રસિકલાલ પરીખ, શિવકુમાર જોષી અને સૌથી વિશેષ તો ચન્દ્રવદન મહેતા — આ સૌએ એની ઉપાસના કરી છે, પણ નિષ્ફળ! ૧૯૩૬માં ઉમાશંકર જોશીએ એમનો પ્રથમ એકાંકી નાટકોનો સંગ્રહ ‘સાપના ભારા’ પ્રગટ કર્યો હતો. ત્યારે એમને તત્ક્ષણ પૂરતી સફળતા વરી હતી. ૧૯૪૦ અને ૧૯૫૭ની વચ્ચે જયંતિ દલાલે ‘જવનિકા’ અને એકાંકી નાટકોના અન્ય ત્રણ સંગ્રહો પ્રગટ કર્યા હતા. ત્યારે એમને પણ એવી જ સફળતા વરી હતી. ચન્દ્રવદન મહેતા, ઉમાશંકર જોશી અને શિવકુમાર જોષીએ પરંપરાગત નાટકો લખવાનું ચાલુ રાખ્યું છે. પણ એમને કોઈ ઝાઝી સફળતા વરી નથી, ઉમાશંકર જોશીને પણ નહિ. ૧૯૬૫ની આસપાસ યુવાન નાટકકારોએ નાટક લખવાનો આરંભ કર્યો હતો — લાભશંકર ઠાકર, સિતાંશુ યશશ્ચન્દ્ર, મધુ રાય, શ્રીકાન્ત શાહ, સુભાષ શાહ, આદિલ મનસુરી, ચિનુ મોદી, રઘુવીર ચૌધરી અને હસમુખ બારાડી. આ સૌ નાટકકારોએ પરંપરાગત નાટકના સ્વરૂપનો સંપૂર્ણ પરિહાર કર્યો છે. અને ભાગ્યે જ કોઈ અપવાદ સાથે આધુનિક સ્વરૂપનાં નાટકો લખવાનું પસંદ કર્યું છે. એમનામાં રંગભૂમિ અને નાટ્યભાષાની વધુ સૂઝસમજ છે. એમનામાં ભવિષ્યની આશા છે. એકસાથે સાહિત્ય અને રંગભૂમિમાં સ્થાન પામે એવું નાટક આવી રહ્યું છે એવું લાગે છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં નિબંધ — વિવેચનાત્મક અને ચિન્તનાત્મક નિબંધ — નું સ્વરૂપ એ સૌથી વધુ ખંતપૂર્વક ખીલવ્યું હોય એવું સ્વરૂપ છે. પૂર્વોક્ત સમન્વયયુગમાં અનેક ‘પ્રચંડ મનોઘટનાશાલી’ સર્જકો — મણિલાલ નભુભાઈ, આનંદશંકર ધ્રુવ, ગાંધીજી, બલવન્તરાય ઠાકોર — એ એમના ચિત્તની સમૃદ્ધિ અને એમના આત્માની સભરતા નિબંધને અર્પણ કરી હતી. પૂર્વોક્ત ગાંધીયુગના કેટલાક નિબંધકારો — કાકા કાલેલકર, રામનારાયણ પાઠક, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, સુન્દરમ્, ઉમાશંકર જોશી, યશવન્ત શુકલ — એ વિવેચનાત્મક અને ચિન્તનાત્મક નિબંધો લખવાનું ચાલુ રાખ્યું છે. પણ સર્જનાત્મક નિબંધ, અંગત નિબંધનું સ્વરૂપ પછીથી ઉદ્ભવ્યું છે. એમાં હજુ ઝાઝું વૈવિધ્ય પ્રગટ થયું નથી. ૧૯૩૬માં કાકા કાલેલકરે એમના અંગત નિબંધોનો પ્રથમ સંગ્રહ ‘જીવનનો આનંદ’ પ્રગટ કર્યો હતો અને અંગત નિબંધનો આરંભ થયો હતો. ગાંધીયુગના કેટલાક નિબંધકારો — સ્વામી આનંદ, રામનારાયણ પાઠક, જ્યોતીન્દ્ર દવે, વિજયરાય વૈદ્ય, ચન્દ્રવદન મહેતા, ઉમાશંકર જોશી, જયંતિ દલાલ અને ચુનીલાલ મડિયા — એ ચોથા અને પાંચમા દાયકામાં અંગત નિબંધની પરંપરાને સમૃદ્ધ કરી છે. ૧૯૫૦ની આસપાસ અને તે પછીના સમયમાં જૂજ નિબંધકારોએ અંગત નિબંધો લખ્યા છે. એમાં સુરેશ જોષી, દિગીશ મહેતા, વાડીલાલ ડગલી અને ભોળાભાઈ પટેલ પ્રમુખ નિબંધકારો છે. ૧૯૭૦માં દિગીશ મહેતાએ એમનો પ્રથમ નિબંધસંગ્રહ ‘દૂરના એ સૂર’ પ્રગટ કર્યો હતો. જેમાં શૈશવની સ્મૃતિઓ અને પરિપક્વ વયનાં ચિન્તનોની પ્રેરણા હોય અને એથી જે અભિવ્યક્તિની રીતિના સંદર્ભમાં આધુનિક હોય એવો એ એકમાત્ર નિબંધસંગ્રહ છે. આજે ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાની પરાકાષ્ઠા છે. ૧૯૪૬ની આસપાસ આ લખનારે મહાનગર મુંબઈ વિશે કાવ્યો રચવાનો આરંભ કર્યો હતો. અને ૧૯૫૬માં ૧૬ નગરકાવ્યોનો ગુચ્છ ‘પ્રવાલદ્વીપ’ પ્રગટ કર્યો હતો. એના અનુસંધાનમાં છઠ્ઠા દાયકાના આરંભમાં પ્રિયકાન્ત મણિયાર, હસમુખ પાઠક અને નલિન રાવળે નગરનાં કલ્પનોની કવિતા રચી હતી. એમાં આ ‘કલ્પનોને તીવ્રતાનું ઉચ્ચ સ્તર’ પ્રાપ્ત થયું હતું. ગાંધીયુગના પ્રૌઢ કવિ ઉમાશંકર જોશીએ આ જ સમયમાં, ૧૯૫૬માં વ્યક્તિત્વના સંકટનું કાવ્ય ‘છિન્નભિન્ન છું’ રચ્યું હતું અને પછી એના અનુસંધાનમાં ૧૯૫૯માં કવિતાની શોધ અને એ દ્વારા એકકેન્દ્ર વ્યક્તિત્વની શોધનું કાવ્ય ‘શોધ’ રચ્યું હતું. એમાં એમણે ગુજરાતી પિંગળના ચારે પ્રકારના છંદો અને તે ઉપરાંત ગદ્યનું પણ મિશ્રણ કર્યું હતું અને અભિવ્યક્તિની એક અપૂર્વ નૂતન રીતિ સર્જી હતી. આ હતી પ્રાગ્-આધુનિક કવિતા. એમાં આધુનિક કવિતા માટેની પૂર્વભૂમિકા હતી. ૧૯૬૦ની આસપાસ લાભશંકર ઠાકર અને સિતાંશુ યશશ્ચન્દ્રે આધુનિક કવિતા રચવાનો આરંભ કર્યો હતો. લાભશંકર ઠાકરે આજ લગીમાં એમના આધુનિક કવિતાના ચાર સંગ્રહો પ્રગટ કર્યા છે : ‘વહી જતી પાછળ રમ્ય ઘોષા’ (૧૯૬૫), ‘માણસની વાત’(૧૯૬૮), ‘મારા નામને દરવાજે’ (૧૯૭૨) અને ‘બૂમ કાગળમાં કોરા’ (૧૯૭૪). સિતાંશુ યશશ્ચન્દ્રે એમનો કાવ્યસંગ્રહ ‘ઑડિસ્યસનું હલેસું’ પ્રગટ કર્યો હતો. આજે મનુષ્ય છિન્નભિન્ન અને શીર્ણવિશીર્ણ થયો છે. એનાં મૂલ્યોનો હસ થયો છે. એ માત્ર પરમેશ્વરથી અને અન્ય મનુષ્યોથી છૂટો-વિખૂટો થયો નથી, એ પોતાનાથી પણ છૂટો-વિખૂટો થયો છે. સિતાંશુ યશશ્ચન્દ્રની કવિતામાં આંતરિક અવ્યવસ્થાનો સ્વીકાર છે અને શબ્દો દ્વારા બાહ્ય વ્યવસ્થાનું સર્જન કરવાની શોધ છે. આજે મનુષ્યના અન્ય મનુષ્યો સાથેના સંવાદનો અંત આવ્યો છે. એના શબ્દો ભ્રષ્ટ અને પ્રદૂષિત થયા છે. કવિનો ધર્મ શબ્દોને પવિત્ર કરવાનો છે. લાભશંકર ઠાકરની કવિતામાં બાહ્ય વ્યવસ્થાનો અસ્વીકાર છે અને શબ્દોમાં આંતરિક વ્યવસ્થાનું સર્જન કરવાની શોધ છે, એમની કવિતામાં મહોરું અને મુખવટો છે, પ્રતિકાવ્ય અને ટ્રૅજી-કૉમેડી છે. આ કવિતાના અનુસંધાનમાં સાતમા અને આઠમા દાયકામાં આદિલ મનસૂરી, ચિનુ મોદી, મનહર મોદી, ઇન્દુ પુવાર, રાજેન્દ્ર શુકલ, અનિલ જોશી, રમેશ પારેખ, રાવજી પટેલ, મણિલાલ દેસાઈ અને ચન્દ્રકાન્ત શેઠ — એ આધુનિક કવિતાનું સર્જન કર્યું છે. આ કવિતામાં આધુનિક ઔદ્યોગિક નગરમાં મનુષ્યના જીવનની નિ:સારતા અને વિસંગતિ છે. એમાં નગરનાં કલ્પનો અને લોકગીતોની તળપદી ભાષા, લયો, સંદર્ભો, સંગતો, વિરોધાભાસો અને ઇન્દ્રિયવ્યત્યયો છે. એમાં બે વિશ્વયુદ્ધોની વચ્ચેના સમયમાં ફ્રાંસમાં જેનો જન્મ થયો હતો અને આજે જેનું આંતરરાષ્ટ્રીય આંદોલનનું સ્વરૂપ છે તે પરાવાસ્તવવાદ, અસ્તિત્વવાદ અને વિસંગતિવાદની ફિલસૂફીઓનો પ્રભાવ છે. આધુનિક ગુજરાતી સર્જકનો પ્રથમ અને અંતિમ ધર્મ એના માધ્યમ — ભાષા અને શબ્દ — પ્રત્યે છે. શબ્દને અને એ દ્વારા વિશ્વને નવજન્મ અર્પણ કરવાનો, મોક્ષ અર્પણ કરવાનો એનો પુરષાર્થ છે. એને માટે શબ્દ સ્વયં એક વિશ્વ છે. એને માટે સાહિત્ય એ કૃતિ છે, કર્મ છે. સાહિત્ય મનુષ્ય પર, જીવન પર, જગત પર ક્રિયા કરે છે, કાર્યનો પ્રક્ષેપ કરે છે. એને માટે કલાકૃતિ, કલા-આકૃતિ એ કલા-કૃતિ છે. એ મનુષ્યના સંવેદનને પ્રેરે છે અને સકલ કર્મોની ગંગોત્રી જેવા એના ચૈતન્યને સંકોરે છે.

(‘ધ ઇલસ્ટ્રેટેડ વીકલી ઑફ ઇન્ડિયા’ના ગુજરાત પરના વિશેષાંકમાં અંગ્રેજી લેખનો અનુવાદ. ૧૯૮૦.)

*