સ્વાધ્યાયલોક—૬/શિવ પંડ્યાની કવિતા

Revision as of 07:24, 9 May 2022 by Shnehrashmi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શિવ પંડ્યાની કવિતા}} {{Poem2Open}} શિવ પંડ્યાની પ્રથમ પુણ્યતિથિએ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


શિવ પંડ્યાની કવિતા

શિવ પંડ્યાની પ્રથમ પુણ્યતિથિએ એમના કાવ્યસંગ્રહનું મરણોત્તર પ્રકાશન થાય છે એથી મને અને શિવભાઈના મારા જેવા અનેક મિત્રોને — શિવભાઈને વિશાળ મિત્રવર્ગ હતો – તથા ગુજરાતના કવિતાપ્રેમીઓને શોક અને હર્ષની મિશ્ર લાગણીનો અનુભવ થાય એ સહજ છે. શોક એટલા માટે કે એમના કાવ્યસંગ્રહનું પ્રકાશન થાય છે ત્યારે શિવભાઈ નથી અને એથી હવે એનું મરણોત્તર પ્રકાશન થાય છે. હર્ષ એટલા માટે કે ગુજરાતમાં સર્જકોનાં સર્જનોનું સરળતાથી અને સત્વરતાથી મરણોત્તર પ્રકાશન થતું નથી, જ્યારે શિવભાઈના કાવ્યસંગ્રહનું એમના કેટલાક મિત્રોના પ્રયત્નથી ‘નક્ષત્ર ટ્રસ્ટ’ના ઉપક્રમે પ્રકાશન થાય છે. શિવભાઈએ એમના કાવ્યસંગ્રહનું પ્રકાશન કરવું એવું વિચાર્યું હતું — બલકે એવું મેં વિચાર્યું હતું અને શિવભાઈએ સ્વીકાર્યું હતું, અલબત્ત, શિવભાઈનું ઓચિંતું અને અકાળ અવસાન થયું ન હોત અને એમના જીવનકાળમાં એમના હાથે જ એમના કાવ્યસંગ્રહનું પ્રકાશન થયું હોત તો કદાચ એ આ — બાહ્ય અને આંતર — સ્વરૂપથી કોઈ ભિન્ન સ્વરૂપે થયું હોત. જોકે મારે એમનાં બધાં જ કાવ્યોમાંથી સંગ્રહયોગ્ય કાવ્યો પસંદ કરવાનું કર્તવ્ય બજાવવું એવો એમણે મને આદેશ આપ્યો હતો અને એમના એ આદેશનું પાલન કરવાનું મેં એમને વચન આપ્યું હતું. અને તો આ કાવ્યસંગ્રહમાં જે ૧થી ૬૧ કાવ્યો છે તે મેં પસંદ કર્યાં હોત અને એટલાં જ કાવ્યો સાથે એમણે એમના કાવ્યસંગ્રહનું પ્રકાશન કર્યું હોત. આ કાવ્યસંગ્રહમાં ‘પૂર્તિ’માં જે ૬૨થી ૧૨૨ કાવ્યો છે એનો એમણે એમાં સમાસ કર્યો ન હોત, સંભવ છે કે એમણે મારી પસંદગીમાં અંતે ક્યાંક ફેરફાર કર્યો હોત. પસંદગીમાં અંતિમ નિર્ણયનો અધિકાર, અલબત્ત, માત્ર સર્જકને જ સ્વાધીન હોય અને તો આ કાવ્યસંગ્રહમાં ‘પૂર્તિ’માં જે ૬૨થી ૧૨૨ કાવ્યો છે એમાંથી કોઈ કોઈ કાવ્યને એમણે સંગ્રહયોગ્ય ગણ્યું હોત અને આ કાવ્યસંગ્રહમાં જે ૧થી ૬૧ કાવ્યો છે એમાંથી કોઈ કોઈ કાવ્યને એમણે સંગ્રહયોગ્ય ન પણ ગણ્યું હોત. પણ એટલું તો નિશ્ચિત કે એમણે જે કાવ્યોને સંગ્રહયોગ્ય ન ગણ્યાં હોત એમનો, આ કાવ્યસંગ્રહમાં ‘પૂર્તિ’માં કર્યો છે તેમ, એમણે સમાસ કર્યો ન હોત. એ કાવ્યસંગ્રહનું ‘પૂર્તિ’નાં કાવ્યો વિના જ એમણે પ્રકાશન કર્યું હોત. પણ આજે હવે જ્યારે શિવભાઈ નથી અને એમના કાવ્યસંગ્રહનું મરણોત્તર પ્રકાશન થાય છે ત્યારે એમના કેટલાક કવિમિત્રોએ અને મેં એમનાં બધાં જ કાવ્યો અપૂર્ણ કાવ્યો, કાવ્યપંક્તિઓ — સુધ્ધાં – નો એમાં સમાસ કરવો એવો અંતે નિર્ણય કર્યો છે એથી અહીં છે તે સ્વરૂપે એમના કાવ્યસંગ્રહનું પ્રકાશન થાય છે. આ કાવ્યસંગ્રહનું સંપાદન કરું છું એમાં માત્ર વચનનું પાલન કરું છું અને એક મિત્ર પ્રત્યેના ઋણમાંથી મુક્ત થવાનો માત્ર પ્રયત્ન કરું છું. શિવભાઈએ એમના કાવ્યસંગ્રહનું પ્રકાશન કરવું એમ સ્વીકાર્યું હતું એથી કાવ્યો જેમ જેમ રચાય તેમ તેમ એમના સ્વચ્છ, સુન્દર હસ્તાક્ષરમાં એની હસ્તપ્રત તૈયાર કરી હતી. આ હસ્તપ્રત એમણે ન્યૂઝપ્રિન્ટના કાગળ પર તૈયાર કરી હતી. એમાં કાગળને મથાળે જમણી બાજુ કાવ્યનો ક્રમાંક નોંધ્યો હતો અને કાવ્યની નીચે તારીખ નોંધી હતી એમાં એમણે સમયાનુક્રમ પ્રમાણે કાવ્યોનો અનુક્રમ યોજ્યો હતો. હસ્તપ્રતનો અનુક્રમ આ કાવ્યસંગ્રહમાં અંતે આપ્યો છે. એમાં કુલ ૯૩ની સંખ્યા છે. પછીથી એમાં બે કાવ્યો — કાવ્ય ૧A અને કાવ્ય ૨A — ઉમેર્યાં છે. એથી કુલ ૯૫ની સંખ્યા થાય. પણ એમાં એકનું એક કાવ્ય બે વાર કાવ્ય ૬૭ અને કાવ્ય ૬૯ તરીકે — ઉતાર્યું છે. (જો કે કાવ્ય ૬૯ તરીકે એ કાવ્યનો જે પાઠ છે એમાં બે પંક્તિ વિશેષ છે. પંક્તિ પછીથી રચી હશે. અને એથી જ સરતચૂકથી એકનું એક કાવ્ય આમ બે વાર ઉતાર્યું હશે.) વળી સરતચૂકથી બે કાવ્યો — કાવ્ય ૭૮ અને કાવ્ય ૮૩ – નો વ્યુત્ક્રમ થયો છે. (જેમ આ કાવ્યસંગ્રહમાં બે કાવ્યો — કાવ્ય ૩૮ અને કાવ્ય ૩૯ – નો, બન્ને કાવ્યોની એક જ તારીખ છે એ કારણે, સરતચૂકથી વ્યુત્ક્રમ થયો છે તેમ.) આમ, અંતે એમાં કુલ ૯૪ની સંખ્યા થાય છે. પણ તે ઉપરાંત હસ્તપ્રતમાં એમણે જેમનો અનુક્રમ યોજ્યો નથી એવાં પૂર્ણ-અપૂર્ણ તથા તારીખનોંધ સાથેનાં અને તારીખનોંધ વિનાનાં કુલ ૨૮ કાવ્યો એમના હસ્તાક્ષરમાં ઉપલબ્ધ થાય છે. એમાંથી જે પૂર્ણ-અપૂર્ણ કાવ્યોની નીચે તારીખનોંધ છે તે કાવ્યોનો અનુક્રમ કર્તાએ હસ્તપ્રતમાં કાવ્યોનો અનુક્રમ સમયાનુક્રમ પ્રમાણે યોજ્યો છે એથી એ પદ્ધતિએ આ કાવ્યસંગ્રહમાં અને ‘પૂર્તિ’માં સમયાનુક્રમ પ્રમાણે યથાસ્થાને યોજ્યો છે. અને જે પૂર્ણ-અપૂર્ણ કાવ્યોની નીચે તારીખનોંધ નથી તે કાવ્યોનો અનુક્રમ આ કાવ્યસંગ્રહમાં અને પૂર્તિમાં અંતે યોજ્યો છે. અંતે આમ, આ કાવ્યસંગ્રહમાં કુલ ૧૨૨ કાવ્યો છે. હસ્તપ્રતમાં અને હસ્તાક્ષરમાં આ જે ૧૨૨ કાવ્યો છે એમાં કર્તાએ કોઈ કોઈ શબ્દમાં યથેચ્છ જોડણી યોજી છે અને કોઈ કોઈ પંક્તિમાં ક્વચિત્ વિરામચિહ્નો યોજ્યાં છે. આ કાવ્યસંગ્રહમાં સર્વત્ર કોશ પ્રમાણે જોડણી યોજી છે અને અર્થ પ્રમાણે વિરામચિહ્નો યોજ્યાં છે. એમાં ન છૂટકે આટલી છૂટ લીધી છે. કર્તાએ એક પણ કાવ્યનું શીર્ષક યોજ્યું નથી અને કાવ્યસંગ્રહનું નામાભિધાન પણ યોજ્યું નથી. એથી અહીં એક પણ કાવ્યનું શીર્ષક યોજ્યું નથી અને કાવ્યસંગ્રહનું નામાભિધાન પણ યોજ્યું નથી. પ્રત્યેક કાવ્યનો માત્ર ક્રમાંક યોજ્યો છે અને કાવ્યસંગ્રહનું માત્ર ‘કાવ્યો’ એવું નામાભિધાન યોજ્યું છે. એમાં કોઈ છૂટ લીધી નથી. આ કાવ્યસંગ્રહના સંપાદનમાં જે કોઈ ક્ષતિઓ અને મર્યાદાઓ છે તે સર્વની સંપૂર્ણ જવાબદારી મારે શિરે છે. શિવભાઈને ગીતો ગાવામાં અને ગણગણવામાં ભારે રસ. મને જોકે એનો અનુભવ નથી, એમના અન્ય કેટલાક મિત્રોને છે. પણ ૧૯૭૦ની આસપાસ એમણે એક ગીત રચ્યું હતું અને મને વંચાવ્યું હતું, એ પણ એમણે મને ગાઈ સંભળાવ્યું ન હતું. રાધાકૃષ્ણના વિષય પર એ ગીત હતું. એમાં લોકગીતોની અસર હતી એવું કંઈક સ્મરણ છે. એ ગીત આ કાવ્યસંગ્રહમાં નથી. પણ આ કાવ્યસંગ્રહમાં સમયાનુક્રમે પ્રથમ કાવ્યની રચનાતિથિ પણ ૧૯૭૦ છે. આમ, શિવભાઈએ કાવ્યો રચવાનો આરંભ ૧૯૭૦માં કર્યો હશે. કૅરિકૅચર્સના સંગ્રહની પ્રસ્તાવના માટેના એક કાચા મુસદ્દામાં એમણે નોંધ્યું છે કે યુવાવયથી જ એમને કાવ્યો વાંચવામાં અને ગીતો ગાવામાં ભારે રસ હતો. જોકે એમાં એમણે એમ પણ નોંધ્યું છે કે ચિત્ર કરવામાં તો એમને છેક ચાર-પાંચ વર્ષની વયથી જ રસ હતો. શિવભાઈનો જન્મ ૧૯૨૮માં, વસોમાં. એમની શૈશવભૂમિ વસો. એમના માતામહ ત્યાંની એક શાળામાં અંગ્રેજીના શિક્ષક હતા, એથી એમનું પ્રાથમિક શિક્ષણ વસોમાં થયું હતું. ગામના છોકરાઓ ‘દિશોપિ વસન’ની અવસ્થામાં જ હોય. એથી એ અવસ્થામાં એ છોકરાઓનું એમણે એક ચિત્ર કર્યું, નિર્દોષ ભાવે. પણ એમાં પ્રમાણભાન નહિ રહ્યું હોય એથી માતાના હાથનો માર ખાવો પડ્યો હતો. આ શિવભાઈનું પ્રથમ ચિત્ર, વ્યંગચિત્ર અને કૅરિકૅચર. પિતા નડિયાદમાં સરકારી દવાખાનામાં હતા. એથી એમનું માધ્યમિક શિક્ષણ નડિયાદમાં થયું હતું. કિશોર વયમાં એ અમદાવાદ આવ્યા અને એમણે રવિશંકર રાવળની કળાશાળામાં ચિત્રકળાના અભ્યાસનો આરંભ કર્યો. આમ, એમનું માધ્યમિક શિક્ષણ અપૂર્ણ રહ્યું પણ અહીં એમને પૂર્ણ અને અંતિમ પ્રતીતિ સાથે આત્મપરિચય થયો કે એમને માટે ચિત્રકાર અને સવિશેષ વ્યંગચિત્રકાર થવાનું ભાગ્યનિર્માણ થયું છે. ત્યારથી તે આયુષ્યના અંત લગી એમણે મુંબઈ અને અમદાવાદનાં અગ્રણી અખબારોમાં અસંખ્ય વ્યંગચિત્રોનું સર્જન કર્યું હતું. ૧૯૭૫માં શિવભાઈને હૃદયરોગનો ભારે હુમલો થયો. જેટલું પ્રબળ મૃત્યુનું આક્રમણ હતું એટલો જ પ્રબળ શિવભાઈનો પ્રતિકાર હતો. શિવભાઈની આ જિજીવિષા અને મૃત્યુની પીછેહઠ! પણ ત્યારે શિવભાઈને મૃત્યુનું અર્ધદર્શન તો થયું જ. શિવભાઈ પછી દિવસો લગી પથારીવશ રહ્યા. આ દિવસોમાં મૃત્યુના આ અનુભવમાંથી શિવભાઈની કવિતાનો જન્મ થયો છે. ત્યારે શિવભાઈનું ૪૭ વર્ષનું વય. ૪૭ વર્ષની વયે માણસને, અને તે પણ શિવભાઈ જેવા માણસને, અસંખ્ય વ્યંગચિત્રોમાં જેણે પીંછીના બેચાર લસરકામાત્રથી અને શાહીનાં દસબાર ટીપાંમાત્રથી ભલભલા માંધાતાઓ અને મહારથીઓના, એટલે કે ભલભલા મહામૂર્ખો અને મહાધૂર્તોના એકેએક ભ્રમના ભુક્કા બોલાવ્યા હોય એવા માણસને કશાય વિશે, અરે, કવિ વિશે અને કવિતા વિશે પણ કશોય ભ્રમ રહ્યો હોય? એવો માણસ ‘કવિ થવું છે, કવિમાં ખપવું છે.’ એવા ભ્રમથી કવિ થયો હોય? ૪૭ વર્ષના વય લગીમાં તો શિવભાઈએ અસંખ્ય વ્યંગચિત્રોનું અને કેટલાંયે ચિત્રોનું સર્જન તો કર્યું જ હતું. એક કળામાં, ચિત્રની કળામાં તો એ સિદ્ધહસ્ત કલાકાર હતા જ. અને છતાં શિવભાઈએ ૧૯૭૫માં ૪૭ વર્ષની વયે કવિતા રચવાનો આરંભ કર્યો હતો. આ મૃત્યુના અનુભવ માટે કવિતા અનિવાર્ય હશે એથી સ્તો. અને ત્રણેક વરસમાં તો એમણે એક કાવ્યસંગ્રહ થાય એટલાં કાવ્યોનું સર્જન કર્યું. કવિતાની સાથેસાથે — બલકે કવિતાને કારણે જ કદાચને એમણે અર્વાચીન ગુજરાતી સાહિત્યના કેટલાક મહત્ત્વના સર્જકોનાં કૅરિકૅચર્સ કરવાનો પણ આરંભ કર્યો. અને ત્રણેક વરસમાં તો એમણે એક સંગ્રહ થાય એટલાં — પચાસેક જેટલાં — કૅરિકૅચર્સનું સર્જન કર્યું. આ ઉભય સર્જનમાં કેટલી ગતિ છે! એમની સર્જકતામાં કેટલો વેગ છે! સમય નથી એવી તીવ્ર સભાનતા જાણે એમનામાં ન હોય! સાક્ષાત્ મૃત્યુની સન્મુખ આ સર્જન થયું છે ને! આ અ-મૃતનો અનુભવ છે. શિવભાઈ ચિત્રકાર-કવિ નથી, ચિત્રકાર-છે-છતાં-કવિ નથી. ચિત્રકાર અને કવિ છે, કવિના અબાધિત અધિકારથી કવિ છે. ચિત્રકાર અને વ્યંગચિત્રકાર શિવ પંડ્યાની કવિ શિવ પંડ્યાને સહાય, અલબત્ત, છે. જેમ પત્રકાર શિવ પંડ્યાની પણ કવિ શિવ પંડ્યાને સહાય છે. આ કાવ્યસંગ્રહમાં કેટલાંક કાવ્યોમાં, એમનાં વસ્તુવિષયમાં કે શૈલીસ્વરૂપમાં, ક્યારેક સ્થૂલ આકાર સુધ્ધાંમાં આ સહાય સ્પષ્ટ થાય છે. શિવભાઈ સિદ્ધહસ્ત ચિત્રકાર હતા એથી એમનાં કાવ્યો કલ્પનસઘન, ચિત્રાત્મક તો હોય જ. પણ એ સાચા કવિ હતા એથી એમનાં કાવ્યો ભાવસઘન, રસાત્મક છે. એમાં કલ્પનો અને પ્રતીકો શુષ્ક અને નીરસ નથી, ભાવસભર અને રસસમૃદ્ધ છે. શિવભાઈ જીવનમાં વત્સલ, વિનમ્ર, ઉદાર અને ઉમદા હતા. એમનામાં મનુષ્યની અપૂર્ણતાઓ અને નિર્બળતાઓ પ્રત્યે સહિષ્ણુતા અને સહાનુભૂતિ હતી, જીવનની કરુણતા પ્રત્યે કરુણા હતી. એથી એમની કવિતામાં કટાક્ષ અવશ્ય છે, પણ એ નિર્દંશ અને નિર્દોષ કટાક્ષ છે. એમની કવિતામાં આશા અને ઉત્સાહનો અનુભવ અગ્રસ્થાને છે. શિવભાઈમાં જીવનનો તીવ્ર અને ઉગ્ર રસ હતો, વિવિધ વિષયો અને વિવિધ વ્યક્તિઓની પ્રત્યે રસોદ્રેક હતો. કોઈ પણ સાચું, સારું કે સુન્દર કામ હોય એમાં શિવભાઈ હાજર. એમાં એમની હંમેશા હા. એ અસ્તિવાદી હતા. પણ એમની કવિતામાં મૃત્યુનો અનુભવ અગ્રતમ સ્થાને છે. એમને મૃત્યુનો આગોતરો અનુભવ હતો. એથી એમાં કંઈક રહસ્યમયતા છે. આજ લગી ગુજરાતી ભાષામાં એક બલવન્તરાયે મૃત્યુના અનુભવમાંથી મોટા ગજાની કવિતા રચી છે. પણ મૃત્યુ સમયે બલવન્તરાય વૃદ્ધ વયના હતા. એથી એમની કવિતામાં ક્લાંતિ છે. ૧૯૭૮માં શિવભાઈનું અવસાન થયું ત્યારે તે મધ્યવયના હતા. એમની સિસૃક્ષા અને જિજીવિષા ત્યારે પૂરબહારમાં હતી. એથી એમની કવિતામાં ક્લાંતિ તો ન હોય, પણ એમાં દૈન્ય કે દૌર્બલ્ય પણ નથી. એમાં બળ છે, સંયમ અને ગૌરવ છે. એથી ગુજરાતી ભાષામાં શિવભાઈની મૃત્યુના અનુભવની કવિતા અનન્ય છે. કળામાં શિવભાઈનાં ઉચ્ચ મૂલ્યો અને ઉન્નત ધોરણો હતાં, એ પૂર્ણતાના આગ્રહી હતા, એ પૂર્ણતાવાદી હતા. એથી એ દુરારાધ્ય હતા. એમની કવિતામાં ભાવ કે અનુભવ જ નહિ, પણ લય, છંદ, ભાષા બધું જ સ્વચ્છ અને સુઘડ છે. કવિતામાં એમનો આગવો અવાજ છે, આગવો સૂર(ટોન) છે. એમનામાં શબ્દની માર્મિક સૂઝસમજ છે. પૂર્વે વર્ષોથી એમનાં કાર્ટૂનોનાં કૅપ્શન્સમાં તો એનો પરિચય પ્રાપ્ત થયો જ હતો. આ કાવ્યસંગ્રહમાં કાવ્ય ૮માં પંક્તિ ૨૦માં ‘જાળીથી’ માત્ર મુદ્રણદોષ નથી (જેમ કાવ્ય ૨૨માં પંક્તિ ૧૭માં ‘વટવૃક્ષથી’ એ ‘વટવૃક્ષ શી’નો મુદ્રણદોષ છે તેમ) બલકે મારા અજ્ઞાનનો દોષ છે. હસ્તપ્રતમાં ‘મળીથી’ શબ્દ છે. પણ ‘જાળીથી’માં ‘જા’ અક્ષરમાં આગળનું પાંખડું વાળવાનું રહી ગયું છે એમ કલ્પીને પ્રેસકૉપીમાં ‘મળીથી’ને સ્થાને મેં ‘જાળીથી’ પાઠાન્તર કર્યું. મારા જેવો નગરવાસી કાર, કારનું વ્હીલ અને વ્હીલની હબ-કૅપમાં સમજે. પણ ગાડું, ગાડાનું પૈડું અને પૈડાની મળીમાં શું સમજે? એ તો શિશુ તરીકે વસોમાં વસ્યા તે શિવભાઈ જ સમજે. આ કાવ્યસંગ્રહમાં લઘુ કદનાં ઊર્મિકાવ્યનાં મુક્તક, ગીત આદિ સ્વરૂપોમાં શિવભાઈની નોંધપાત્ર સિદ્ધિ છે. પણ અનેક કાવ્યોમાં આદિથી અંત લગી જે એકતા છે એ કવિ તરીકેની શિવભાઈની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે. અનેક કાવ્યોમાં કૃતિ અને આકૃતિ, કલાકૃતિ સિદ્ધ થાય છે. કવિતામાં આ સિદ્ધિ વિરલ છે, અનેક કવિઓમાં દુર્લભ છે. શિવભાઈ માત્ર કવિ નથી, કલાકાર છે, અભિજાત કલાકાર છે. આયુષ્યનાં અંતિમ વર્ષોમાં શિવભાઈને કવિતાનું ‘અવડ બારણું’ હાથ લાગી ગયું હતું, એમણે એ બારણું આ કાવ્યોમાં ખોલ્યું છે. કાવ્યપુરુષ ગુજરાતના કવિતાપ્રેમીના કાનમાં કહેશે, ‘બારણું’ હવે ભીડતો નહિ, હોં કે!’

(શિવ પંડ્યાના કાવ્યસંગ્રહ ‘કાવ્યો’ની પ્રસ્તાવના. ૧૯૭૯.)

*