બીડેલાં દ્વાર/19. લગ્નસંબંધના મૂળમાં

Revision as of 12:51, 9 May 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
19. લગ્નસંબંધના મૂળમાં


કાગળ ફરી ફરી વાંચતાં અજિતની આંખોનાં ભવાં ખેંચાઈ ગયાં. એણે ઉદ્ગાર કાઢ્યો : ‘અરે, આ માણસને તે શું થયું છે? શું એણે મારો કાગળ કેવળ કટાક્ષયુક્ત માની લીધો? એ શું મને ગુસ્સે થયેલો માને છે?’

ઘેર જઈને એણે પોતાના કાગળની મૂળ પ્રત ફરી ફરી વાંચી વિચાર કર્યો. નહિ નહિ, દીવેશ્વર આ કાગળ પરથી મને રોષે ભરાયેલો માને એવું તો આમાં કશુંય નથી. નક્કી એ માણસ મને થાપ દેવા માગે છે, સામનો કરવાની એની છાતી નથી લાગતી. ફરી પાછો એ તાજ્જુબીમાં પડ્યો. આ માણસ સાચો હોય એ બની શકે ખરું? એના વલણને વિશે પ્રભાને જ ગેરસમજ થવાનો સંભવ ખરો? કે પછી એની લાગણીમાં હવે કોઈ પ્રત્યાઘાત આવી ગયો હોવાથી એ ઇનકાર કરી જવા યત્ન કરતો હશે? કલાકો સુધી એણે આ સમસ્યા પર વિચાર કર્યો. પછી એ પ્રભા વાંચતી હતી ત્યાં જઈ પથારી પર બેઠો ને પૂછ્યું : “દીવેશ્વરના કાંઈ ખરખબર?” “કાંઈ જ નહિ.” પ્રભાએ જવાબ દીધો. “તને એનો શો ઇરાદો લાગે છે?” “મને — મને ખબર નથી. એ પાછા આવવા માગતા હોય એવું લાગતું નથી.” “પણ શા માટે નહિ?” “એને એના પોતાના ઉપર વિશ્વાસ નહિ હોય.” “પણ તને એમ તો લાગે છે ને, કે એને તારા માટે પ્રેમ છે?” “હા —” “તને એ ખાતરી છે? શા પરથી?” આ પ્રશ્ન પ્રત્યે પ્રભાએ મોં મલકાવ્યું. “સ્ત્રીની જાત આવી બાબતમાં સાચું સમજી જવાની કેટલીક યુક્તિઓ જાણે છે.” “મને એ કહે નહિ?” થોડા વિચાર બાદ એણે કહ્યું, “આજે નહિ, કોઈક દિવસ કહીશ. આજે એ કહેવું તે એમને અન્યાય કર્યા જેવું થશે. ને હવે તો આ વાત આગળ વધવાની નથી એટલું જ તમારે જાણવું બસ છે.” “એ દુઃખી હશે, ખરું?” “હા, મને ખાતરી છે કે એ દુઃખી છે. આવી વાતોને એ ગંભીર ભાવે મન પર લેનારા છે.” ક્ષણેક થોભ્યા પછી અજિતે પૂછ્યું, “એણે તને કહેલું ખરું કે પોતે તને ચાહે છે?” “ના, એવું પોતાની જીભે તો બોલે જ કેમ?” “તો પછી એણે કરેલું શું?” “મારી સામે મીટ માંડેલી.” “તે દિવસે એ ચાલ્યા ગયા ત્યારે એને ખબર હતી ખરી, કે હજુય તારી લાગણી કેવી છે?” “હા, હા. પણ તમે આ બધું શા માટે પૂછો છો?” “મને લાગેલું કે તું ભ્રમણામાં છે.” આ શબ્દો પ્રત્યે એણે મોં મલકાવીને કહ્યું, “એવું હોત તો મેં તમને આ કથની કહેવાની તકલીફ જ ન લીધી હોત.” આટલા પછી અજિતે ચાલ્યા જઈને દીવેશ્વર પર ફરીવાર કાગળ લખી નાખ્યો —

તમારો કાગળ વાંચતાં મને ઘણી મૂંઝવણ પડી. મને લાગે છે કે મેં તમારી પાસે આખી પરિસ્થિતિ સ્પષ્ટ નથી કરી. હું અને પ્રભા અમારી વચ્ચેના સંબંધમાં કેવું નિખાલસપણું ધરાવીએ છીએ એ તમે કદાચ નહિ જાણતા હો. પ્રથમથી જ તમને સ્પષ્ટ કહી દઉં કે તમારી ને પ્રભાની વચ્ચે જે કંઈ ઇતિહાસ બન્યો છે તે તેણે મને પૂરેપૂરો કહ્યો છે. એટલે હું ‘ઘાતકી સંશય’ની નહિ પણ નક્કર હકીકતની જ વાત કરી રહ્યો છું. તમને પણ એમ જ કરવા હું વીનવું છું. તમારા અંતરમાં શું છે તે નક્કી કરવું મારે માટે મુશ્કેલ છે. પણ કૃપા કરી ખાતરી રાખજો કે હું નથી ગુસ્સે, નથી ઇર્ષ્યાએ દોરવાઈ ગયેલો, કે નથી સંશયગ્રસ્ત. ઉપરાંત, હું દુઃખી પણ નથી — એટલો બધો દુઃખી નથી કે સહી ન શકું. મેં અને પ્રભાએ જીવનમાં પુષ્કળ દુઃખો સામે ટક્કર ઝીલી છે. મારી પત્ની પ્રત્યેના તમારા મનોભાવની વાત તમે લખી છે. સંભવિત છે કે તમારી ને એની વચ્ચે બની ગયેલી વાતનું આજે પાછળથી નિરીક્ષણ કરતાં તમને લાગ્યું હોય કે એના પ્રત્યેની તમારી લાગણી શાશ્વત કે ઊંડી નથી, ને તેથી તમે એની સાથેનો સંબંધ કાપી નાખવાનું વધુ પસંદ કરો. એમ કરવાનો બેશક તમને હક્ક છે, કેમકે તમે કોઈ રીતે વચને બંધાયા નથી. મારે તમને જે કહેવાનું છે તે તો આટલું જ છે કે, તમારી મનોવસ્થાનો વિચાર કરવામાં તમારે મારા પ્રત્યેની કશી ફરજ વિચારવી રહે છે એમ ન માનતા. એ બાબતમાં મને કશો જ હક્ક નથી, ને હોય તો હું તે જતો કરું છું. મારી કલ્પના પ્રમાણે તો તમામ મુશ્કેલીનું મર્મસ્થાન તમે જેને લગ્ન-સંબંધના પાવિત્ર્ય વિષેની તમારી માન્યતા કહો છો તે જ લાગે છે. એ તો બેશક, આ કાગળમાં ચર્ચી ન શકાય તેટલો બહોળો વિષય છે. હું તો આટલું જ કહી શકું છું કે મારી પણ એક વાર આવી માન્યતા હતી. પણ વિશેષ અભ્યાસને અંતે મારી એ માન્યતા હવે નથી રહી. મારા મતે તો લગ્નસંસ્થા સમાજના આર્થિક વિકાસની એક ભૂમિકાનું જ સંતાન છે. આ ભૂમિકા અત્યારે ઝડપથી પસાર થઈ રહી છે. લગ્નસંસ્થા પણ આર્થિક ભૂમિકાનાં અનિષ્ટોથી પીડાઈ રહી છે. જ્યારે જ્યારે મને આ વિષયની ચર્ચા કરવાનું નિમંત્રણ મળે છે, ત્યારે ત્યારે આજે આ લગ્નસંસ્થાની શી વાસ્તવદશા છે તે પકડવાની હું હિમાયત કરું છું. આજે આ લગ્નસંસ્થા લગ્નયુક્ત વેશ્યાવૃદ્ધિની સંસ્થા છે. આપણી આર્થિક અવસ્થા આજે આપણા અમુક ચોક્કસ વર્ગોને — મૂડીદારોને, વ્યાપારીઓ, વકીલોને અને ધાર્મિક પુરુષોને — સુખ-સાધનો, દરજ્જો, જ્ઞાનપ્રાપ્તિ, આરોગ્ય અને સદ્ગુણો સેવવાના સંજોગો પૂરા પાડે છે ખરી; પણ બીજા ઘણા મોટા સમૂહોને — ખેડૂતોને, ખાણિયાઓને, મજૂરોને, કારીગરોને — તો એ દુઃખ, અજ્ઞાન રોગ અને અવગુણોની જ વહેંચણ કરી રહેલ છે. સ્ત્રીના સંબંધમાં પણ એ જ સ્થિતિ છે. કેટલીક સ્ત્રીઓને એ ઘરની શીતળ છાંયડી કે સુખસાધન, સૌંદર્ય અને શાંતિ આપે છે; બીજી કેટલીકને એ એકલતા ને નિષ્ક્રિયતા આપે છે; બીજી કેટલીકને એ ગૃહજીવનની ગુલામી આપે છે અને બીજી અનેકને કપાળે એ વેશ્યા-જીવનની વરાળો ફૂંકે છે. જો તમે તપાસમાં ઊતરો તો તફાવત ફક્ત, આ બધા કિસ્સામાં આર્થિક લાભાલાભનો જ હોય છે. વ્યાપારીને, વકીલને, ધાર્મિક પુરુષોને શિક્ષણ મળે છે. અધિકાર સાંપડે છે, એ થોભી શકે છે, ને પોતાની શરતો સિદ્ધ કરી શકે છે; પણ ખેડુ, ખાણિયો, લુહાર કે કુંભાર એ બધાને તો પોતાના અક્કેક દિવસના પ્રાણટકાવને ખાતર પોતાની શક્તિઓ વેચી નાખવી જ પડે છે. એ જ રીતે સ્ત્રીઓ પૈકીની અમુક વિદ્યાસંસ્કાર અને સૌંદર્ય પ્રાપ્ત કરી શકે છે, ને પછી જ્યારે પોતાનો પ્રેમ સમર્પણ કરવાનો સમય આવે છે ત્યારે તેઓ ‘લગ્ન’ નામે ઓળખાતો જીવનભરનો કોન્ટ્રાક્ટ કરાવી શકે છે, પણ કંગાલિયતના કીચડમાં સબડતી સ્ત્રીઓ વિદ્યા, જ્ઞાન, સંસ્કાર કે સૌંદર્ય સંપાદન કરી શકતી નથી. તેઓ આવા કોઈ લાભદાયક ને કસદાર કોન્ટ્રાક્ટનો લાભ મળે ત્યાં સુધી સબૂરી રાખી શકતી નથી. પરિણામે તેમને તો પોતાના જીવનને ટકાવી રાખવા પૂરતી રોટી ને છાપરાની છાંય મેળવવાની કિંમત લેખે જ પ્રેમ વેચવો પડે છે. અહીં તો લગ્ન-સંસ્થા પર હુમલો કરવાનો પ્રશ્ન જ નથી. મને બેશક પ્રણાલિકાના જોરે એટલો હક્ક મળે છે કે જો મારી પત્ની બીજા સાથે પ્રેમમાં પડે તો હું એ બેઉને નસિયત કરાવી શકું : પુરુષને હું બદનામ કરી શકું, સ્ત્રીને હું હલકી પાડી શકું. પણ એ હક્ક હું જતો કરવા તૈયાર છું. તો પછી મારા સ્વૈચ્છિક ત્યાગથી કોની આબરૂને હાનિ પહોંચવાની છે? કયા લગ્નસંબંધના પાવિત્ર્યનો લોપ થઈ જવાનો છે? કયા પુરુષનો દ્રોહ થવાનો છે? લગ્નની દિવ્યતા, મૃત્યુકાળ પર્યંતની અવિચ્છિન્તા, વગેરે વાતો આજે કોઈ બુદ્ધિશાળી માણસ સ્વીકારી શકશે નહિ. હું નપુંસક હોઉં, ગાંડો હોઉં, ઊતરી ગયેલ, દારૂડિયો ને વ્યભિચારી હોઉં : અથવા લાંબાકાળ સુધી ગેરહાજર હોઉં, તો તો પ્રભાને ફરી પરણવાનો હક્ક તમારાં શાસ્ત્રો પણ આપે છે ને? તો પછી મારી નપુંસકતા જેમ શારીરિક હોય તેમ માનસિક અને બૌદ્ધિક પણ હોવાની કલ્પના શું તમે નથી કરી શકતા? શારીરિક નપુંસકપણા કરતાં માનસિક અને આત્મિક નપુંસકપણું સ્ત્રીજીવનને સો ગણું વધુ વેરાનમય ને વાંઝિયું બનાવનારું છે એ શું તમે નહિ કલ્પી શકો? દલીલને ખાતર એટલું સ્વીકારી લો કે પ્રભાની ને મારી વચ્ચેની વાતો મેં તમારી પાસે તલેતલ સાચી જ મૂકી છે : સ્વીકારી લો કે અમારી બેઉની વચ્ચે સ્વભાવનો જ મૂળભૂત એવો મોટો ભેદ છે કે પરસ્પરને ચાહે તેટલાં સન્માનવા ને પૂજવા છતાં, અરે ચાહવા પણ છતાં, પતિ-પત્ની તરીકેના સંબંધમાં અમારા બેમાંથી કોઈને સુખ સાંપડી શકે તેમ નથી. આટલું સ્વીકાર્યા પછી હવે માનો કે પ્રભાને એક એવા પુરુષનો ભેટો થાય છે કે જેની સાથે પોતે સુમેળ અને શાંતિથી રહી શકે; માની લો કે એ પુરુષને પ્રભા અંતઃકરણથી ચાહે છે ને પ્રભાને એ પુરુષ ચાહે છે; માની લો કે આ વસ્તુસ્થિતિનો હું સ્વીકાર કરું છું, એ મને ત્યજી જાય તેમાં હું રાજી છું; તો પછી શું તમે આ માર્ગને લગ્નવિરોધી અથવા અસત્નો માર્ગ કહી શકશો? એમ હોય તો દોષ કોને દેવો? શું પ્રભા એ જીવનભરની નિષ્ફળતાને ને કેદી દશાને પુનિત માની પડી ન રહી તે માટે તેને? કે શું મેં એવી અસંતુષ્ટ સ્ત્રી સાથે જીવન ઘસડીને મારી પ્રાણ-ચેતનાઓને વેડફી નાખવા ના કહી તે માટે મને? પ્રભાને મેં આમાંનું કશું કહ્યું નથી. આવું કંઈ હું કરી રહ્યો છું એવી જો પ્રભાને ખબર પડે તો એ ચોંકી ઊઠે. આ તો મેં પોતે જ બીજો કોઈ માર્ગ ન સૂઝવાથી મારી જવાબદારી પર તમને વિદિત કર્યું છે. લખવાથી આ બધું બરાબર નહિ સમજાય. એટલે જો આખા પ્રશ્નની શાંતિભરી છણાવટ માટે કોઈ રૂબરૂ મળવાનો સમય લઈએ તો સગવડ પડે. પરમ દિવસે મારે વલસાડ જવાનું છે. તો રસ્તે એક ગાડી વસઈ ઊતરી પડી તમને મળી લેવા માગું છું.’