બીડેલાં દ્વાર/20. નવી જંજીરો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
20. નવી જંજીરો


જવાબની આશા વળતા જ દિવસે રાખીને અજિત બેઠો. પણ એ આશા રાખવી વ્યર્થ હતી. પછી વળતા દિવસે પોતે વસઈ ગયો, ને દીવેશ્વરજીના ઘરની ખડકી ખખડાવી.

નોકરે બારણું ઉઘાડીને કહ્યું કે “મુંબઈ ગયા છે.”

“ક્યારે?”

“આજે સવારે.”

“પાછા ક્યારે ફરશે?”

“કંઈ કહી નથી ગયા. અચાનક જવાનું બન્યું છે.”

“વારુ! આવે ત્યારે કહેજે, હું મળવા આવેલો.”

ઘેર આવીને ફરીવાર કાગળ લખી મળવાનો સમય માગ્યો. પાંચ દિવસ સુધી જવાબ ન મળ્યો.

આખરે અજિતે પ્રભાને જઈ પૂછ્યું : “દીવેશ્વરના કાંઈ વિશેષ સમાચાર છે?”

“ના રે!” પ્રભાએ જવાબ વાળ્યો : “સમાચારની આશા પણ મેં નથી રાખી.”

આ જવાબ વાળતી વખતે પ્રભાની બેચેની અછતી નહોતી રહેતી. તેમ દર ટપાલના ટાણે પ્રભા જે ઉત્સુકતા ધારણ કરતી તે પણ સૂચક હતી. બીજા તો કોઈના કાગળપત્રની રાહ પ્રભાને નહોતી.

પ્રભા સાથે કામ લેવામાં અજિતની આવડત મીંડું હતી. યુક્તિબાજ એ બની શકતો જ નહિ. અમુક બાબત તો પ્રભાથી છુપાવી રાખવી છે એવું મન સાથે નક્કી કર્યા પછી એનો માનસિક સળવળાટ શરૂ થઈ જતો. બિલાડીના પેટમાં પડેલી ખીરની પેઠે એ વાત બહાર નીકળવાના ધમપછાડા કરતી. ખાનગી રાખવું એ તો એને શરીરે કીડીઓ ચોંટ્યા બરોબર હતું. બહાર પાડી દેવાની, ઉઘાડેછોગ ચર્ચી નાખવાની, છેવટના નિકાલ પર આવી જવાની ચળ જ એને ઊપડતી.

એટલે એક દિવસ સાંજે એણે પ્રભા પાસે આવી બેઠક લીધી, પ્રભાનો હાથ પોતાના હાથમાં લીધો ને પછી શરૂઆત કરી નાખી-

“પ્રભા, મારે તને વાત કહેવી છે. દીવેશ્વરજી સાથે મેં પત્રવ્યવહાર ચલાવેલ છે.”

ચોંકી ઊઠીને પ્રભાએ પૂછ્યું : “શાનો પત્રવ્યવહાર?”

“મેં એને બે કાગળો લખ્યા છે.”

“શી બાબતના?”

“મારે એને આપણી બાબતમાં વાકેફ કરવા હતા.” ને પછી અજિતે એ બંને કાગળો પૈકી પહેલામાં શું લખેલું તેની સમજ પાડી અને દીવેશ્વરનો જવાબ એના હાથમાં મૂક્યો. પ્રભાએ એ વાંચ્યો.

“પછી તમે શો જવાબ લખ્યો?” ચડાપ દેતે પ્રભાએ પૂછ્યું. અજિત પોતાના બીજા કાગળની રૂપરેખા દોરી દેખાડવા લાગ્યો.

“લગ્નધર્મ વિશે તમે એને એવું લખ્યું?” એ ચમકી ઊઠી.

“હા બાપુ, હા.”

“પણ એ તો એને ભયંકર લાગશે.”

“તને એમ લાગે છે?”

“હા હા, તમે એટલું તો સમજો છો ને, કે એ શાસ્ત્રાભ્યાસી છે.”

“સમજું છું, પણ સાચી વાત-”

“તમે તો લોકોને વિશે કંઈ જાણતા જ નથી.” એ બરાડી ઊઠી : “તમને એટલું ય ભાન નથી કે તમારી રીતે એ વિચાર કરી શકે જ નહિ! એ બધી દલીલો એને ગળે ઊતરતી હશે કદી?”

“તો પછી મારે શું કરવું?”

“બીજું શું વળી, આપણે એને ફરી કદી મળવું નથી. વાત ત્યાં જ પતી જાય છે ને!” બોલીને પ્રભાએ નિઃશ્વાસ નાખ્યો. પછી એણે પૂછ્યું, “તમે જે કાંઈ કરી રહ્યા છો એનો મને તો કાંઈ ખ્યાલ જ નથી એટલું તો તમે એને લખ્યું હતું ને?”

“ચોક્કસ, સ્પષ્ટતાપૂર્વક.”

“બરાબર સ્પષ્ટ કર્યું હતું?”

“બન્યું તેટલું બરાબર. જો આવી રીતે.” એમ કહીને એ પોતે લખેલી કાગળની પંક્તિઓ લગભગ શબ્દેશબ્દ બોલી ગયો.

“આવું તમે કેમ લખી શક્યા?” એ પોકારી ઊઠી.

પછી એણે દીવેશ્વરનો કાગળ ફરી એકવાર વાંચી જોયો ને પોતે બોલી : “જોઈ શકો છોને, એ બાપડા તો આભા જ બની ગયા છે! કશું બોલી કે લખી તો શું, વિચારી યે શક્યા નથી.”

“કાળે કરીને એ તો ઠેકાણે આવી જશે. કોઈક રીતે એણે જાણવું તો જોઈતું હતું ને?”

“પણ શા માટે એણે આવું જાણવું જોઈતું હતું! જેમ હતું તેમ રહેવા દેવામાં શો વાંધો હતો તમને?”

“પણ વહાલી, તું એ પુરુષ સાથે પ્રેમમાં છે એ તો ખરું છે ને?”

“પણ મારે ક્યાં એને પરણવા કે એનું ઘર માંડવા જવું હતું? એટલો બધો પ્રેમ મને ક્યાં એની ઉપર ઊભરાઈ જતો હતો?”

“એ તો થોડા વખતમાં પૂરેપૂરો પ્રેમ ખીલી ઊઠત.”

“ને એ મને ઘરમાં ઘાલત તો એને એની નોકરી ચાકરી, આબરૂ-ઇજ્જત, ન્યાતજાત, બધું ગુમાવવું પડત એ તો સમજો!”

“પ્રેમને ખાતર એવું તો અગાઉ ઘણાએ વેઠેલ છે.”

“પણ એની દૃષ્ટિએ તો વિચારો. એની બેઆબરૂ કેટલી થઈ હોત!”

“પણ જો તારા સુખનો હેતુ સરતો હોત તો એ બેઆબરૂ હું મારે માથે ઓઢી લેવા તૈયાર હતો.”

“શી રીતે?”

“તમે બન્ને મારે માટે એવી અફવા ઉડાડી શકત.”

“શી અફવા?”

“કે હું પોતે દુરાચારી ને દારૂડિયો છું. ને હું એ કબૂલ કરી લેત.”

“મને ત્યજી દેવાનું એટલું બધું સહેલું છે?”

“સહેલું તો લવલેશ નહોતું. મારે લોહીલોહાણ લડાઈ કરવી પડી છે.”

“છતાં તમે તો એ નિર્ણય પર આવી ગયા ને?”

એ શબ્દોમાં પ્રભાનો ટોણો હતો. પ્રભાનું આખરી વલણ, આખરી દૃષ્ટિબિન્દુ હમેશાં આ જ હતું. એ શબ્દોમાં પ્રભાએ અજિતની બધી જ મહત્તા ધોઈ નાખી, ત્યાગ કરવાના અજિતના નિર્ણયે કેવાં કારમાં મૂલ્ય માગ્યાં હતાં તે તો પ્રભાએ ગણતરીમાં જ લીધું નહિ.

બેઉનાં દાંપત્ય-સંસારની એ તો જૂની વાત હતી. હંમેશાં એને પોતાનો પત્નીપ્રેમ વ્યક્ત કરવાનું કહેવામાં આવતું, ને હંમેશાં અજિત એ યત્ન કરવા નારાજ રહેતો. પ્રભાની તો ઇચ્છા હતી અત્યારે અજિતના મોંએથી સાંભળવાની, કે કાગળો ટપાલમાં નાખતા પહેલાં તેને કલેજે કેવા કેવા ચીરા પડ્યા હતા. આ બધું વર્ણન જો પ્રભાને સાંભળવા મળત, તો જ એને અજિતના હેતની ફરી એક વાર ખાતરી થાત, મઝા પડત, ને થોડા દિવસ પાછો જોરદાર પ્રેમ ચાલુ રહેત.

પ્રભાએ કહ્યું : “પણ હું તમને છોડી જ કેમ શકું? તમને ત્યજી જવાનો વિચાર જ ગાંડપણનો છે. દીવેશ્વર પ્રત્યે મારા પ્રેમમાં ઢળવાનો એવો અર્થ તમે બેસાડી જ કેમ શકો? એવો હેતુ મારા સ્વપ્નમાંય નહોતો. આવા તે બેવકૂફ ને બોતડ તમે થાવ છો જ કેમ?”

ધોવાઈ ગયું! અજિતના જીવનમાં એક તત્ત્વરૂપે ઊગેલું લગ્ન-વિચારનું સત્ય આમ સસ્તું બનીને તરછોડાઈ ગયું. આત્માની ધગધગતી અગ્નિપરીક્ષામાંથી નીકળેલું વિચાર-સુવર્ણ વેડફાઈ ગયું.

બેચાર વધુ દિવસો વીત્યા પણ દીવેશ્વરનો જવાબ ફરી વળ્યો નહિ. પ્રભા અસ્વસ્થ અને આકુળવ્યાકુળ બની ગઈ હતી. ‘એ શું કરતા હશે?’ પોતે વિચારતી હતી. ઓચિંતા એ બેઉ એક વાર મુંબઈ ગયાં ત્યારે પેલા પ્રભાના ડૉક્ટરની ગાડી ભેટી ગઈ. એક બાજુ ગાડી થંભાવીને એ બધાં મળ્યાં. ડૉક્ટરે વાતમાં વાત કહી : “દીવેશ્વર તો ગયા.”

“ક્યાં ગયા?”

“દેશમાં : નોકરી છોડી કરીને, સરસામાન બધું જ લઈને એકાએક ચાલ્યા ગયા.”

“પણ શા માટે?”

“એ તો એના વિદ્યાલયવાળાને પણ કોઈને ખબર નથી પડી. ટ્રસ્ટીઓ પર ઓચિંતો પત્ર આવ્યો.”

અજિત ડૉક્ટરની સામે જોઈ આભો બન્યો. પ્રભાએ પણ એક થરથરાટી અનુભવી.

“રાજીનામું આપ્યું?” એ પોકારી ઊઠી.

“હા. એમ જ.”

“પણ શું થયું?”

“અમે કોઈ એ ભેદ પામી શક્યા જ નથી. હું વિદ્યાલયનો એક ટ્રસ્ટી છું, ને ગઈ કાલે જ રાતે મીટિંગમાં એ કાગળ વંચાયો.”

“એણે શું લખ્યું છે?”

“લખ્યું છે કે થોડાક વખતથી પોતાને પોતાના કામથી સંતોષ વળતો નથી, અભ્યાસ અને ચિંતનની જરૂર છે, માટે જાય છે. અમે બધા તો હેરત જ પામ્યા, કેમકે એના વિશે આવું તો કદી લાગેલું જ નહિ.”

“પણ જવાના છે ક્યાં?”

“કદાચ કાશીએ ચાલ્યા જાય.”

ડૉક્ટરના ચાલી જવા પછી બેઉ ફૂટપાથ પર પૂતળાંની દશામાં થંભી રહ્યાં. પછી એકાએક અજિતના મોંમાંથી શબ્દો પડ્યાં, “નાસી ગયો : ભાગી છૂટ્યો!” એ શબ્દો બોલતો બોલતો અજિત ખડખડાટ હસી રહ્યો : “કાયર! ભાગી છૂટ્યો, કલેજું ચાલ્યું નહિ!”

“અરે! અરે!” પ્રભા ખસિયાણી પડીને વારવા લાગી : “એમાં મશ્કરી શું કરો છો! હસો છો શું જોઈને?”

“હસું છું શું જોઈને!”

અજિતે શ્વાસ હેઠે મૂક્યો. ને પાછી તરત એની પાંસળીઓ હાસ્યમાં પિસાવા લાગી.

“ચૂપ રહો!” પ્રભાએ પોતાની પાછળ હસતા ચાલ્યા આવતા અજિત તરફ ફરીને રોષથી કહ્યું : “ચૂપ કરો, મશ્કરીની વાત નથી.”

ફાટેલી આંખે એની સામે જોતી જોતી પ્રભા બોલી ઊઠી : “વિચાર તો કરો, બાપડો નોકરી છોડી ગયો! એનું ભાવિ ધૂળમાં મળ્યું.”

“એમ તો મનેયે લાગે છે, બાપુ!”

“હા-શ! બચાડો! અભાગી! ક્યાંથી…” પ્રભા બોલ્યે જતી હતી.

“ના.” અજિતે પોતાનું અટ્ટહાસ્ય દબાવી દઈને ગંભીરપણે કહ્યું : “એ ભાઈસાહેબ ઊભી થયેલી પરિસ્થિતિનો સામનો ન કરી શક્યા. પોતાની લાગણી પર પોતાને જ ભરોસો ન રહ્યો એટલે નાઠા.”

“હું એ નથી માની શકતી. એણે સ્વાર્પણ કર્યું છે. આપણી ખાતર એણે એનું ભાવિ જતું કર્યું.”

“ના, ના, એની નિર્બલતાએ જ એને નસાડ્યો છે.”

ને ફરીવાર અજિત હાસ્યને હિલોળે ચડ્યો. પણ પછી એણે પોતાની આસપાસ લોકોની તાકતી આંખો જોઈ પોતાની ઊર્મિઓને લગામમાં લીધી. લોકલ ગાડીમાં એણે માંડ માંડ મનને દબાવી રાખ્યું. પછી ઘેર જતે જતે એ જંગલમાં હસી હસી બેવડ વળ્યો.

એની કલ્પનામાં ખડો થયો હતો એ યુવાન શાસ્ત્રવેત્તા : એક બાજુથી લગ્ન-સંસ્થાના પાવિત્ર્યમાં શ્રદ્ધા ધરાવનાર, ને બીજી તરફથી પ્રભાની કલ્પનામૂર્તિનાં દિવસરાત સ્વપ્નાં જોનાર, પ્રભાના ભણકારા અનુભવનાર! કલ્પના કરી કે જાણે આ જુવાન શાસ્ત્રવેત્તા પોતાની માશૂકના નફ્ફટ રૂઢિભંજક પતિ સામે ઊભો છે, ને એક પણ દલીલનો જવાબ વાળી શકતો નથી. ‘ભાગ્યો! ભાગ્યો! ભાગ્યો! હું ત્યાં પહોંચવાનો હતો તે પ્રભાતે જ ભાગી નીકળ્યો. ન ઊભો રહી શક્યો. મોં બતાવવાની હિંમત હારી બેઠો!’

ને હસી હસી એ ઘરની ખાટ ઉપર ઢગલો થઈ ગયો.

“પણ તમે તે આ શું કરો છો? આપણે એના જીવતરનું સત્યાનાશ વાળ્યું તે તો જુઓ!” પ્રભા છણકા કરતી હતી.

“વાહ વાહ! ખાસી વાત!” અજિતે કહ્યું : “એવું કાંઈ નથી. એના જીવનનું સત્યાનાશ વાળવાને બદલે એને તો ઊલટાનો વધુ વિચાર કરવાનો મેં મોકો કરી આપેલ છે; લગ્નસંસ્થાના પાવિત્ર્ય વિષે એને હવે વિશેષ વાંચવા-વિચારવાનું મન થશે.”

પ્રભા પતિની આ મશ્કરીની સામે પણ પેલા પ્રત્યેનો પ્રેમ ન છોડી શકી. તેણે કહ્યું : “એના અંતરમાં કેટલું દુઃખ થતું હશે!”

“દુઃખ તો ભોગવવું જ જોવે ને, બાપુ!” અજિતે ઉત્તર દીધો : “કોઈક નૂતન લગ્નદૃષ્ટિ લઈને એ પાછા આવશે તો બધું કોકડું ઊકલી જશે.”

“ના ના.” પ્રભા હજુય કટાક્ષ સમજ્યા વગર કહેતી હતી : “એના વિચારોમાં ફેર કદી જ નહિ પડે. હવે ફરીવાર આપણને એના સમાચાર મળવાના જ નહિ.”

અજિતે પ્રભા સામે જોયું. પ્રભાની આંખોમાં આંસુ ટમટમતાં હતાં.

અજિતે વાળુ પછી બહાર ચાંદનીમાં બેસીને પ્રભાને પૂછ્યું : “વારુ પ્રભા! મને લાગે છે કે તું માનતી હતી તેટલો બધો તો તું એને ચાહી શકી જ નથી. હેં, કહે તો, ચાહે છે?”

પ્રભા કાંઈ બોલી નહિ.

“તું એને વધુ વાર ચાહી શકત ખરી? હેં પ્રભા?” અજિતે ફરી પૂછ્યું.

થોડો વિચાર કરીને એણે જવાબ વાળ્યો : “સામા માણસનું જો મન ન હોય, તો પછી સ્ત્રી એને લાંબો વખત ચાહી શકે એમ તો મનેય લાગતું નથી.”

“તો તો બાપડાને આમ નસાડી મૂકવામાં ખોટું થયું.”

“એ જ — હુંયે તમને એ જ સમજાવવા માગતી હતી, પણ સમજાવી શકતી નહોતી.”

“પણ આપણે તો વાત ખીલે બાંધવી જોઈએ ને!”

“તમારે બાંધવી હશે. મારે તો કશી જરૂર નહોતી!”

અજિતે જોયું કે પ્રભા પોતાનાં આંસુની આડશે હસતી હતી.

એણે પ્રભાનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું. “ખેર, પ્રભા, દુનિયા તૈયાર નથી ત્યાં આપણે શું કરીએ! દુનિયાને તૈયાર કરવી જ રહે છે. ત્યાં સુધી આપણે રાહ જોશું. આવી ઉતાવળ ફરીથી નહિ કરીએ.”

પોતાના હાથ પર અજિતે પ્રભાના અનુમોદનરૂપી દાબ અનુભવ્યો : ને પ્રભા બોલી : “વહાલા! મને એકવાર વચન આપો કે આવું ઘાતકી પગલું તમે ફરી કદી નહિ જ ભરો. તમારે મારું માનસ સમજી લેવું જોઈએ. હું ભલેને ધારી બેઠી હોઉં કે કોઈકના ઉપર મને પ્રેમ છે, પણ ખરી રીતે એ સાચો પ્રેમ હશે જ નહિ. તમારી જગ્યાએ બીજો કોઈ પુરુષ મારા હૃદયમાં બેસી શકે એ કદી જ બને નહિ — કદી જ નહિ. તમને હું ત્યજી શકીશ જ નહિ. આવું કદી માનશો જ નહિ.”

પ્રભાને ખબર હતી કે અજિતનું અંતર ક્યારે પ્રબલ ઉમળકો અનુભવે છે. એ ઉમળકો અજિતને ઉછાળી રહ્યો છે. એણે પ્રભાને પોતાના ઉન્મુક્ત પ્રેમની છોળોમાં નવરાવવા માંડી.

પરંતુ પ્રેમના આ પરનાળાં વહેતાં હતાં તે પળે પણ અજિતનું કોઈક એક આત્મ-તત્ત્વ જાણે જમીનદોસ્ત થઈ રહ્યું હતું ને હતાશાની ‘હાય’ ઉચ્ચારતું હતું.

મુક્ત થવા મથતો કેદી પોતાનાં અંગો પર વધુ બેડી-બંધો ભિડાતા ભાળે છે ત્યારે નાખે છે તેવી એ હાય હતી, તેવી એ આહ હતી!

