ડોશીમાની વાતો/3. બેલવતી કન્યા

Revision as of 10:39, 10 May 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
3. બેલવતી કન્યા


એક હતો રાજા. તેને સાત દીકરા. છ પરણેલા, એક નાનો દીકરો કુંવારો.

નાનો કુંવર રોજ ભણવા જાય ત્યારે મોટી પાંચ ભાભીઓ આશિષ આપે કે ‘તમારે સોનાની લેખણ થજો’. નાની ભાભી આશિષ આપે કે, ‘તમને બેલવતી કન્યા મળજો’. નાનો કુંવર નાની ભાભીને પૂછે છે કે “હેં ભાભી! બેલવતી કન્યા ક્યાં હશે?” ભાભી કહે કે, “આંહીંથી સાત દરિયા આવે, ત્યાર પછી એક દેશ આવે. એ દેશમાં એક તળાવ. એ તળાવમાં બેલવતી કન્યા રહે છે.” એક દિવસ વહેલો ઊઠીને કુંવર મંડ્યો ચાલવા. ચાલતાં ચાલતાં સાત દરિયા વળોટીને આવ્યો એ તળાવ પાસે. તળાવની પાળે એક ઋષિની ઝૂંપડી હતી. ઋષિને કુંવર પગે લાગ્યો. કુંવરની કોમળ કાયા જોઈને ઋષિએ એને પૂછ્યું : “તું ક્યાંથી આવ્યો, બેટા? આંહીં કેમ આવ્યો?” કુંવર કહે, “આવ્યો છું તો બેલવતી કન્યાને પરણવા”. ઋષિ કહે, “જો, આ સામે તળાવ. આ તળાવની વચ્ચે એક ટાપુ છે. ટાપુની ઉપર બેલફળનું ઝાડ છે. એ ઝાડ ઉપર એક જ બેલફળ ટીંગાય છે. એમાં સૂતી છે બેલવતી કન્યા. એ ઝાડની આસપાસ રાક્ષસોની ચોકી છે. તારે તળાવમાં પડીને એક જ શ્વાસે ટાપુ ઉપર પહોંચવાનું. ત્યાં એક બકરું બાંધ્યું છે તે પેલા રાક્ષસોની આગળ મૂકવાનું, રાક્ષસો બકરું ખાવા માંડશે, એટલે ઝાડ ઉપર ચડીને બેલનું ફળ તું તોડી લેજે. પછી પાછો પાણીમાં પડીને આંહીં આવજે. પણ ધ્યાન રાખજે. આ બધું કામ એક શ્વાસે કરવાનું છે. શ્વાસ નીચો મેલીશ તો રાક્ષસો તને ખાઈ જશે.” રાજકુંવર હિંમત હાર્યો નહીં. એક શ્વાસે બેલફળ લઈને ઋષિ પાસે આવ્યો. ઋષિએ કહ્યું, “બેટા, જા તારે દેશ. ઘેર જઈને એ ફળ ભાંગજે. અંદરથી રૂપાળી એક કન્યા નીકળશે. પણ ખબરદાર, રસ્તામાં ક્યાંય ફળ ભાંગીશ મા.” કુંવર પાછો ચાલ્યો, સાંજ પડી, ને એક સરોવર આવ્યું. આખા દિવસનો થાક્યોપાક્યો હતો. મનમાં થયું કે લાવ ને આંહીં જ આરામ કરું. રૂપાળું સરોવર. કાંઠે લીલાં ઝાડ ઊભેલાં. પંખી બધાં કલ્લોલ કરી રહ્યાં છે. પણ કુંવરની ધીરજ તે કેમ રહે? એને એકલું ગમતું નહોતું. મનમાં થયું કે ઋષિ મહારાજે નકામી ના પાડી છે. આ ફળ ભાંગીને પેલી કન્યાને બહાર કાઢું તો વાતોચીતો થાય. આનંદ પડે ને રાત નીકળી જાય. કુંવરે ફળ ભાંગ્યું. અંદરથી બેલવતી નીકળી. રૂપ રૂપના ભંડાર. કુંવર કહે કે “રાણીજી! હું થાકી ગયો છું”. કન્યા કહે, “મારા ખોળામાં માથું રાખો, ને પોઢી જાવ”. માથું રાખીને કુંવર પોઢી ગયો. બેલવતી તો એ, પોઢેલા પતિનું મોં જોતી જાય, ને મનમાં મલકાતી જાય. એટલામાં એક લુહારની બાયડી બેડું લઈને ગામમાંથી પાણી ભરવા આવી. બેલવતીને પૂછ્યું, “તમે કોણ છો, બાઈ! આ તમારે શું થાય?” બેલવતી કહે : “આ રાજકુમાર છે. એની સાથે મારાં લગ્ન થવાનાં.” એ સાંભળતાં લુહારની બાયડીની દાનત બગડી. કપટ કરીને તે બોલી, “બાપુ! તમે તો સુખિયાં છો. ભગવાન તમારું ભલું કરજો. હું તો અભાગણી માંદી મરું છું. મારી સાસુએ પરાણે પાણી ભરવા મેલી છે. અરેરે! હું આ તળાવમાંથી આખું બેડું શી રીતે બહાર કાઢીશ?” એમ કહીને એણે ખોટું ખોટું રોવા માંડ્યું. બેલવતીને દયા આવી. એ બોલી : “બહેન, લ્યો હું તમને બેડું ભરી આવી દઉં.” એમ કહીને, પોતાના સ્વામીના માથા નીચે રેશમી લૂગડાં મૂક્યાં, ને બેડું લઈને તળાવમાં ઊતરી. લુહારની બાયડી છાનીમાની પાછળ પાછળ ગઈ, ને બેલવતી જ્યાં પાણી ભરવા જાય, ત્યાં તો એક ધક્કો માર્યો, એટલે બેલવતી તળાવમાં ડૂબી ગઈ. લુહારની બાયડીએ આવીને રાજકુંવરનું માથું પોતાના ખોળામાં લઈ લીધું. રાજકુંવર જાગીને જુએ છે ત્યાં તો રૂપાળી બેલવતીને બદલે કદરૂપી, કાળી કાળી બાઈ બેઠી છે. એના મનમાં થયું કે ‘અરેરે! ઋષિ મહારાજનું કહેવું ન માન્યું. રસ્તામાં બેલવતીને બહાર કાઢી, એટલે જ બેલવતીનું રૂપ ફરી ગયું લાગે છે. પણ હવે શું થાય? હાય! હાય! મેં શા માટે આ ફળ રસ્તામાં ભાંગ્યું?’ એને લઈને કુંવર દેશમાં ગયો. ત્યાં એની સાથે પરણ્યો. કુંવરને શી ખબર કે આ બેલવતી નહીં પણ લુહારની બાયડી છે! આમ કરતાં કરતાં ઘણા દિવસ વીતી ગયા. ઈશ્વરને કરવું છે, તે સાતેય ભાઈઓ એક દિવસ શિકાર કરતા કરતા એ જ તળાવની પાળે આવ્યા, જ્યાં બેલવતીને ધક્કો દઈને એ પાપણી બાઈએ ડુબાવેલી. તળાવની અંદર જોયું તો એક કમળનું ફૂલ ઊઘડેલું! ઓહો! કેવો રાતો રંગ! કેવી મીઠી સુગંધ! એવડું મોટું કમળ તો ક્યાંય ન હોય. એને જોઈને નાનો કુમાર કહે, “ગમે તેમ થાય, પણ મારે એ કમળ જોઈએ”. મોટા ભાઈઓ કહે, “ના, ના, લઈશ મા. નક્કી એ કોઈ રાક્ષસી માયાનું ફૂલ હશે! કમળનું ફૂલ આવડું મોટું હોય જ નહીં”. પણ નાનો કુંવર કંઈ સમજે? એણે તો તળાવની પાળે જઈને ધનુષ્ય લાંબું કર્યું. કમળ ધનુષ્યમાં આવ્યું એટલે ખેંચ્યું. ત્યાં તો ડાંડલી ને ફૂલ બધુંય બહાર નીકળ્યું. ફૂલ હાથમાં આવ્યું તે વખતે જ એક પંખી ગાયન ગાતું ગાતું કુંવરને માથેથી ઊડી ગયું. બધાય કુંવર પાછા ઘેર ગયા : છ રાજકુંવર તો ભાતભાતનાં જનાવર; ને ભાતભાતનાં પંખી લઈ ગયા. નાના કુંવરના હાથમાં તો આ એક જ રાતુંચોળ કમળનું ફૂલ. ફૂલ લાવીને કુંવરે પોતાના મહેલમાં ફૂલદાનીની અંદર ગોઠવ્યું. એક દિવસ કુંવર ઘેર નહીં. લુહારની બાયડી ફૂલને જોતાં જ ધ્રૂજી ઊઠી. એણે ફૂલની પાંખડીઓ વીંખીને બારીમાંથી બગીચાના ઉકરડા ઉપર નાખી દીધી. રાજકુંવર ઘેર આવ્યો. ફૂલ જોયું નહીં. એને બધી ખબર પડી. એની આંખમાં આંસુ ભરાઈ આવ્યાં. રાણીને કહે કે “અરેરે! બેલવતી! તું કેવી કઠોર હૈયાની! આવું સુંદર ફૂલ છૂંદી નાખતાં તારી છાતી કાં થરથરી નહીં? એણે તારું શું બગાડ્યું હતું?” થોડા દિવસ થયા, ત્યાં તો એ ઉકરડા ઉપર એક મોટું મોટું બેલનું ઝાડ થયું. એ ઝાડ ઉપર એક ફળ ટીંગાતું હતું. માળી આવીને એ ફળ તોડી ગયો. ઘેર જઈને જ્યાં ભાંગે ત્યાં તો માંહેથી એક રૂપાળી કન્યા નીકળી. માળીને બાળક નહોતું. એ તો રાજી રાજી થઈ ગયો, ને બહુ જ લાડ કરીને એ કન્યાને ઉછેરવા લાગ્યો. પેલી બનાવટી રાણીને ખબર પડી કે માળીને ઘેર એક દેવાંગના જેવી દીકરી છે.એ છોકરીને જોતાં જ રાણીના હૈયામાં ફાળ પડી. ઢોંગ કરીને રાણી માંદી પડી. વૈદો–હકીમો ઘણાય તેડાવ્યા, પણ રાણીને સારું થાય નહીં. એક દિવસ રાણી કુમારને કહે કે, “રાત્રે મને સ્વપ્નામાં માતાજીએ દર્શન દીધાં અને કહ્ું કે માળીના ઘરમાં એક દીકરી છે. એને મારીને એના લોહીથી નાઈશ તો જ તારો રોગ જાશે.” રાજકુંવરે તરત જ હુકમ કર્યો કે “લઈ આવો એ છોકરીનું લોહી”. માણસો તલવાર લઈ છૂટ્યા. છોકરીને મારીને લોહીનું ઠામ ભરી લાવ્યા. બનાવટી રાણીએ એ લોહીથી સ્નાન કર્યું, એટલે એનો રોગ મટ્યો. એ છોકરીનો બાપ ચોધાર આંસુએ રોયો. એમ દિવસ ચાલ્યા જતા હતા. રાજકુમારનું મન ક્યાંયે જંપતું નહોતું. હાય રે! આટલી આટલી ચીજો લાવી આપું તોયે રાણીનું મન માને નહીં. જે માગે તે આપું તોયે રાણી ખિજાતી રહે. ઉદાસ રાજકુંવર એક દિવસ જંગલમાં નીકળ્યો. ચાલતાં ચાલતાં એક નદીને કાંઠે આવ્યો. ત્યાં તો એક મોટો મહેલ જોયો. પણ અંદર કોઈ માનવી ન મળે. રાજકુંવર મેડી ઉપર ચડ્યો. અગાશીમાં જાય ત્યાં તો કોણ જાણે ક્યાંથી બે પંખી આવીને કઠેડા ઉપર બેઠાં. બહુ સુંદર પંખી! મેઘધનુષના સાતેય રંગ કેમ જાણે એની પાંખમાં રમી રહ્યા હોય! અને વાહ! પંખી માણસનાં જેવાં ગીત ગાય! પંખી શું ગાયન ગાતાં હતાં? પંખી ગાતાં હતાં બેલવતી કન્યાની વાત. રાજકુંવરે કેવી રીતે રાક્ષસોના ઝાડ ઉપરથી બેલફળ લીધું, પછી કેવો તે તળાવની પાળે સૂતેલો, લુહારની બાયડીએ કેવું કપટ કરીને બેલવતીને પાણીમાં ડુબાડી, પછી રાજકુંવર કેવી રીતે એ કમળ લઈ ગયો, અને ત્યાર પછી જે જે બનેલું તે બધું પંખીએ ગાયું. બધી જૂની વાત ગાઈ બતાવી. રાજકુંવરની આંખમાં પાણી આવ્યાં, એણે પૂછ્યું, “રે પંખી! ક્યાં હશે એ બેલવતી કન્યા?” પંખી બોલ્યાં, ‘રાજકુમાર! આંહીંથી એક તીર ફેંકો, જ્યાં જઈને તીર પડશે ત્યાંથી પશ્ચિમ દિશામાં એક પહાડ છે. એ પહાડમાં હીરા-મોતી જડેલા એક મહેલમાં એ બેલવતી એના માબાપ સાથે રહે છે. વરસે એક દિવસ આંહીં આવીને રહે છે. છ મહિના પહેલાં આવેલ. છ મહિના વીત્યે આવશે. રાજાજી! આંહીં રહેશો તો એને મળાશે.” છ મહિના સુધી રાજકુંવર ત્યાં રહ્યો. પંખીની સાથે વાતો કરતાં કરતાં વખત વીતી ગયો. છેલ્લી રાત પૂરી થઈ. પરોડીએ કુંવર જાગે ત્યાં તો આઘેથી વાંસળીનો સૂર સંભળાય છે. ચારેય બાજુ ફૂલની સુવાસ પથરાઈ રહી છે. “આવી, એ આવી, મારી બેલવતી! બેલવતી આવી પહોંચી.” એનો હાથ ઝાલીને કુંવર રડી પડ્યો ને બોલ્યો : “મને માફ કરજે, વહાલી બેલવતી! મને કશી ખબર નહોતી”. ઝળક ઝળક થતો પાલવ લઈને બેલવતીએ કુંવરની આંખો લૂછીને કહ્યું, “રાજકુમાર! રડો ના! મારા સોગંદ!” બીજે દિવસે બેઉ જણાં રાજધાનીમાં ગયાં. રાજકુંવર બનાવટી રાણીને મારી નાખવા તલવાર લઈને દોડ્યો. બેલવતી આડી પડી. બનાવટી રાણી બેલવતીને પગે પડીને ચાલી ગઈ. ફરી વાર કુંવરે સાચી બેલવતીની સાથે લગ્ન કર્યું, ને બેઉ જણાં સુખમાં રહેવા લાગ્યાં.