ડોશીમાની વાતો/4. સોનબાઈ
સાત ભાઈઓ હતા, સાત ભાઈ વચ્ચે એક જ નાની બહેન. બહેનનું નામ સોનબાઈ.
સોનબાઈ એનાં માબાપની બહુ જ માનીતી. સાત ભાઈ એના ઉપર પ્રાણ પાથરે છે. પણ સાત ભાભીઓથી સોનબાઈનાં લાડ ખમાતાં નહોતાં.
માબાપ ચાલ્યાં જાત્રા કરવા. દીકરાને બાપ કહે કે, “મારી સોનબાઈને કોચવશો મા, હો!” સાતેય વહુઓ છાનામાના દાંત ભીંસીને કહે કે ‘હો!’
માબાપ ચાલ્યાં ગયાં. નાનો દીકરો સાથે ગયો. મેડી ઉપર બેઠી બેઠી સોનબાઈ ઢીંગલે–પોતિયે રમે. એક દિવસ રમતાં રમતાં એક પોતિયું નીચે પડી ગયું. સોનબાઈ એક ભાભીને કહે : “ભાભી! ભાભી! એ લૂગડું દઈ જાવને!”
ભાભી કહે : “ઓહો હો! રાજકુંવરીબા! તમારે પગે કાંઈ મેંદી નથી મેલી. નીચે ઊતરીને લઈ લ્યોને.”
સોનબાઈની આંખમાં પાણી આવ્યાં. એને માબાપ સાંભર્યાં.
બીજો દિવસ થયો. છ ભાઈ સવારે ઊઠીને કામે ગયા.
ભાભી કહે : “સોનબાઈ, બેઠાં બેઠાં રોટલા ખાવા નહીં મળે. લ્યો આ બેડું, ભરી આવો પાણી”. સોનબાઈ પાણી ગઈ. માથેથી બેડું પડી જાય, લૂગડાં ભીંજાય, ને માર્ગે માણસો મશ્કરી કરે. માંડ માંડ સોનબાઈ બેડું ભરીને ઘેર આવી, ને ગોળામાં પાણી રેડ્યું. પાછી બીજું બેડું ભરવા ચાલી.
ભાભીએ ગોળાને પાણો માર્યો. એટલે નીચેથી ગોળો નંદવાઈ ગયો ને પાણી બધું ઢોળાઈ ગયું.
સોનબાઈ બીજે હેલ્ય ભરીને આવે ત્યાં તો ગોળામાં પાણી ન મળે. બીજે હેલ્ય રેડીને સોનબાઈ ત્રીજું બેડું ભરવા ચાલી. વળી આવીને જુએ તો ગોળામાં પાણી નહીં. નદી કાંઠે જઈને સોનબાઈ રોવા લાગી. એને રોતી સાંભળીને એક દેડકો એની પાસે આવ્યો. દેડકાએ પૂછ્યું, “તને શું થયું છે, નાની બેન!”
સોનબાઈ કહે, “ભાભીએ ગોળો ફોડી નાખ્યો, પાણી ભરાતું નથી”.
દેડકો સોનબાઈની સાથે એને ઘેર ગયો. જઈને ગોળામાં જ્યાં બાંકોરું હતું ત્યાં ભરાઈને બેઠો. પછી સોનબાઈએ પાણી રેડ્યું. આખો ગોળો ભરી દીધો. પાણીનું ટીપુંયે દેડકાએ બહાર નીકળવા દીધું નહીં.
ભાભીએ દાંત ભીંસ્યા.
ત્રીજો દિવસ થયો. ભાઈઓ કામે ગયા. સોનબાઈને બોલાવીને બીજી ભાભી કહે, “લ્યો, આ કમોદ. ગણીને દાણા દઉં છું. જાવ, કમોદ ખાંડીને ચોખા કાઢી આવો. એકેય દાણો ઓછો થાશે, કે એકેય દાણો ભાંગશે તો જીવ કાઢી નાખશું.”
ઝાડ હેઠળ જઈને સોનબાઈ બેઠી બેઠી આંસુ પાડે છે. ત્યાં તો અપરંપાર ચકલ્યાં આવી પહોંચ્યાં. ચકલ્યાં કહે, ‘નાની બહેન, રડે છે શું કામ?’ સોનબાઈ કહે, “ભાભીએ કમોદ ખાંડવા દીધી છે, એકેય દાણો ભાંગે કે એકેય દાણો ઘટે, તો ભાભી જીવ કાઢી નાખે”.
ચકલ્યાં કહે, “અરે એમાં તે શું!” એમ કહીને બધાં ચકલ્યાં વળગી પડ્યાં. ઘડીવારમાં તો બધા દાણા ફોલાઈ રહ્યા. એકેય દાણો ભાંગ્યો નહીં. દાણા લઈને સોનબાઈ ઘેર આવી.
ભાભી કહે, “રાંડ, એક દાણો ઓછો થાય છે. તું ખાઈ ગઈ હઈશ. જા, લઈ આવ. લીધા વિના આવીશ નહીં.”
સોનબાઈ ઝાડ હેઠળ જઈને રોવા લાગી. ચકલ્યાં દોડી આવ્યાં. સોનબાઈએ બધી વાત કરી. ચકલ્યાં કહે, “ભાઈઓ, તપાસો સહુ પોતપોતાના મોઢાં.” એક બુઢી ચકલીની ચાંચમાં એક ચોખાનો દાણો રહી ગયેલો. સોનબાઈ એ દાણો લઈને ઘેર ગઈ. દાણો ભાભીને દીધો.
ભાભીએ દાંત ભીંસ્યા.
ચોથો દિવસ થયો. ભાઈઓ કામે ગયા. સોનબાઈને બોલાવીને ત્રીજી ભાભી કહે કે, “જા, આ એક ગાંસડી લૂગડાં ધોઈ આવ. બગલાની પાંખ જેવાં ઊજળાં કરીને લાવજે, નહીં તો જીવ કાઢી નાખીશ.”
એક ગાંસડી લૂગડાં લઈને સોનબાઈ નદીકાંઠે જઈ, બેઠી બેઠી આંસુ પાડવા લાગી.
એને રોતી જોઈને અપરંપાર બગલાં આવ્યાં. બગલાં કહે, “નાની બહેન! શું કામ રડે છે?”
સોનબાઈ કહે, “ભાભીએ ગાંસડી એક લૂગડાં દીધાં છે. બગલાંની પાંખ જેવાં ઊજળાં કરવાનું કહ્યું છે, નહીં તો ભાભી જીવ લેશે.”
બગલાં બોલ્યાં : “એમાં શું? ચાલો ભાઈઓ, લઈ લ્યો અકેક લૂગડું; ધોઈ નાખો.”
થોડી વારમાં તો લૂગડાં બગલાંની પાંખ જેવાં ઊજળાં ધોવાઈ રહ્યાં. લઈને સોનબાઈ ઘેર ગઈ.
ભાભી કહે, “એક લૂગડું ઘટે છે. રાંડ! તેં જ ચોરી લીધું હશે. જા, લઈને આવજે”.
વળી સોનબાઈ નદીકાંઠે ગઈ. બગલાંને બધી વાત કહી. બગલાં કહે, “ભાઈઓ, તપાસો પોતપોતાની પાંખ”. એક બુઢ્ઢા બગલાની પાંખમાં લૂગડું ભરાઈ રહેલું એ લઈને સોનબાઈ ઘેર ગઈ.
ભાભીઓએ દાંત ભીંસ્યા.
પાંચમો દિવસ થયો. ભાઈઓ કામે ગયા. સોનબાઈને ચોથી ભાભી કહે કે, “જાઓ, વગડામાંથી છાણાં લાકડાંનો ભારો લઈ આવો”.
સોનબાઈ કહે : “ભાભી, ભારો બાંધવા દોરી દેશો?” ભાભીએ દોરી દીધી નહીં. વગડામાં બેસીને સોનબાઈ આંસુ પાડે છે ત્યાં એક મોટો સરપ આવ્યો.
સરપ કહે : “નાની બહેન, રડે છે શું કામ?”
સોનબાઈ કહે : “ભાભીએ દોરી નથી દીધી. ભારો શી રીતે બાંધું?”
સરપ કહે : “બહેન, તારા ભારાને હું વીંટળાઈ જઈશ. તું ઘેરે જઈને ધીરે ધીરે ભારો નીચે મેલજે, એટલે મને વાગશે નહીં.” સરપની દોરડી કરીને સોનબાઈ ઘરે ભારો લઈ ગઈ.
ભાભીએ દાંત ભીંસ્યા.
ભાભીઓની દાઝ તો મટી નહીં. એ તો રોજ રોજ પોતાના ધણીના કાન ભંભેર્યા કરે, સોનબાઈનાં વાંકાં બોલ્યા કરે. એમ કરતાં કરતાં ભાઈઓને પણ સોનબાઈ ઉપર ખીજ ચડવા માંડી. ભાઈઓ વારે વારે સોનબાઈને વઢવા લાગ્યા.
એક દિવસ સોનબાઈને નહાવું હતું. એનાં બધાંય લૂગડાં ફાટી ગયેલાં. નવાં લૂગડાં માગે તો ભાભીઓ કહે કે, “ડામ લે”. સોનબાઈ બહુ જ રોઈ, એટલે પાંચમી ભાભીએ પોતાની એક ચૂંદડી દીધી ને કહ્યું કે, “રાંડ! જો આ ચૂંદડીને જરીકે ડાઘ પડશે તો જીવ કાઢી નાખીશ”.
સોનબાઈ કહે : “ભાભી, હું ખૂબ સાચવીને રાખીશ.” સોનબાઈ નહાવા બેઠી, એટલે ભાભીએ એ ચૂંદડી ઉપર છાનામાના તેલના છાંટા છાંટ્યા.
નહાઈને સોનબાઈ જ્યાં જુએ ત્યાં તો ચૂંદડી ઉપર તેલના ડાઘા! રોતી રોતી એ બિચારી ભાભીની પાસે આવી. ભાભીએ બધી વાત ભાઈને કહી. ભાભી બોલ્યાં, “આ રાંડને નહીં મારી નાખો તો અમે ગળે ફાંસો ખાઈને મરશું.” ભાઈઓને ખીજ ચડી, એણે સોનબાઈને મારી નાખી. ભાભીએ એ ચૂંદડી સોનબાઈના લોહીમાં રંગી. પછી ભાઈઓ જઈને સોનબાઈને દાટી આવ્યા.
પણ સોનબાઈનો પાળેલો એક કૂતરો હતો. કૂતરો રોજ રોતો રોતો સોનબાઈને દાટેલી હતી તે જગ્યાએ જાય; એને મારે તોય કૂતરો ત્યાં ગયા વિના ન રહે.
ભાભીઓના મનમાં થયું કે આ કૂતરો બધી વાત કહી દેશે. પછી કૂતરાને પણ મારી નાખીને ભાભીઓએ સોનબાઈની જોડે દાટ્યો.
થોડા દિવસ થયા. સોનબાઈને દાટેલી ત્યાં એક લીંબડો ઊગ્યો. કૂતરાને દાટેલો ત્યાં એક પીપળો ઊગ્યો. ઝાડ મોટાં થયાં.
જાત્રા કરીને માબાપ ચાલ્યાં આવતાં હતાં. રસ્તામાં લીંબડો–પીપળો આવ્યા. નાનો દીકરો કહે કે “અહીં પોરો ખાઈએ”.
“વાહ રે! કેવાં રૂપાળાં ઝાડ!” એમ કહીને નાનો દીકરો લીંબડા–પીપળાની ડાળ હલાવવા મંડ્યો. ત્યાં તો જમીનમાંથી જાણે કોઈ ગાવા લાગ્યું કે —
કોણ હલાવે લીંબડી?
કોણ હલાવે પીપળી!
ભાઈની મારેલ બે’નડી!
ભોજાઈની રંગેલ ચૂંદડી!
નાનો ભાઈ તો હેબતાઈ ગયો. સોનબાઈના જેવો આ કોનો સાદ હશે?
પછી લીંબડાની હેઠળ એણે ખોદ્યું. ત્યાં તો સોનબાઈ નીકળી. પીપળાની હેઠળ ખોદે ત્યાં સોનબાઈનો કૂતરો નીકળ્યો.
નાના ભાઈએ પોતાની એક જાંઘ ચીરીને તેમાં સોનબાઈને સંતાડી, અને બીજી જાંઘમાં કૂતરો સંતાડ્યો. બધાં ઘેર ગયાં.
માબાપે અને નાના ભાઈએ પૂછ્યું : “સોનબાઈ ક્યાં?”
ભાભીઓ કહે કે, “રમવા ગયાં છે”.
રાત પડી. સહુ જમવા બેઠા. ભાઈ કહે : “સોનબાઈને બોલાવોને.”
ભાભીઓએ ગામમાંથી એક બાડી છોડીને હાજર કરી ને કહ્યું “આ સોનબાઈ.”
નાનો ભાઈ કહે, “આવી સોનબાઈ? એની આંખ બાડી કેમ?”
ભાભીઓ કહે, “તમે નહોતા ત્યારે એક આંખ ફૂટી ગઈ છે. આટલાં બધાં વરસ થયાં તે સોનબાઈનું રૂપ બદલી ગયું છે.”
હસીને ભાઈએ પોતાની જાંઘમાંથી સાચી સોનબાઈને બહાર કાઢી. ભાભીઓનાં મોઢાં કાળાં કાળાં શાહી જેવાં થઈ ગયાં.
બીજી જાંઘમાંથી કૂતરો નીકળ્યો. ભાભીઓને મરવા જેવું થયું.
ભાઈ કહે, “આ રાંડોનાં નાક–કાન કાપીને ઊંધે ગધેડે બેસાડીને ગામમાં ફેરવીશ.”
સોનબાઈ આડી પડીને કહે કે, “ભાભીઓને કાંઈ કરો તો મારા સોગંદ”.
ભાભીઓ તો રોતી રોતી સોનબાઈને પગે પડી. સોનબાઈની આંખમાં પણ આંસુ આવ્યાં. છ ભાઈ ઘેર આવ્યા, બહુ જ ભોંઠા પડ્યા, માબાપના ખોળામાં માથું મૂકીને ખૂબ રડ્યા, સોનબાઈને પગે પડ્યા.
પછી બધાં એ વાત વીસરી ગયાં. સોનબાઈ મોટી થઈ એટલે પરણીને સાસરે ગઈ.