સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/૨૭

Revision as of 21:59, 30 May 2022 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| પ્રકરણ ૨૭ : કુમુદની અવસ્થા | }} {{Poem2Open}} વિષ્ણુદાસના મઠથી અર્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પ્રકરણ ૨૭  : કુમુદની અવસ્થા

વિષ્ણુદાસના મઠથી અર્ધા કોશને છેટે વિવાહિત સાધુઓનો મઠ હતો. તે ગૃહસ્થમઠ કહેવાતો. તેની પાછળ તેટલે જ છેટે પરિવ્રાજિકામઠ હતો. તેમાં અવિવાહિત અને વિધવા સાધુસ્ત્રીઓ રહેતી. ત્રણે મઠ વચ્ચે પર્વતની લીલોતરી અને શિલાઓ હતી; સાધુઓએ તેમાં ધ્યાનયોગ્ય, તપયોગ્ય અને વિહારયોગ્ય કુંજવન કરેલાં હતાં. અને પર્વત ઉપર ઊડનારાં પક્ષીઓ તેમાં ટોળાંબંધ આવ-જા કરતાં. ભક્તિમૈયા વગેરેનો સાથ કુમુદસુંદરીને લઈ ખરે મધ્યાહ્ને પરિવ્રાજિકામઠના દ્વાર આગળ આવ્યો. સંધ્યાકાળે આકાશમાં ચંદ્રોદય થયો તેની સાથે સ્ત્રીવનમાં કુમુદિની જેવી કુમુદ પણ ઉત્ફુલ્લ થઈ ભાસી. મઠની ઓસરીમાંથી એક બારી પર્વતના એક ભાગ ઉપર પડતી હતી, તેને જાળીવાળું બહાર લટકતું છજું હતું તેમાં કુમુદ બેઠી હતી, અને બંસરી અને મોહિનીની વાતો ધ્યાનથી સાંભળતી હતી. સુરગ્રામ ગયેલા સરસ્વતીચંદ્રને પાછો આવતો આ ખોના તળિયાને માર્ગે શોધતી કુમુદની આંખ એ તળિયાના અંધકારમાં પણ ફરકતી છાયાઓથી ચમકતી હતી. મોહની : ‘મધુર મધુરી! તારા જીવનનો ચંદ્ર આ જ પ્રદેશમાં છે તે જાણી તું શાંતિ પામ.’ કુમુદ : ‘પ્રિય બહેનો! મારા જીવનને એ ભાન અભાન જેટલું જ સંતાપકર છે. મારા ચંદ્રનો પ્રત્યક્ષ સંયોગ મારે અધર્મ્ય છે અને હું તેની વાસના રાખતી નથી. સર્વ ધર્મ જેને શ્રેષ્ઠ ગણે છે પતિવ્રતને પ્રિય ગણવું અને આ જીવિતને અને જીવિતના નાથને અપ્રિય ગણવાં એવો મારો ધર્મ છે.’ બંસરી : ‘એ નિશ્ચય મધુર છે પણ તેનો આધાર સત્ય ધર્મ ઉપર નથી.' કુમુદ : ‘કેમ નથી?' બંસરી : ‘કન્યા જેને મનથી વરે તે તેનો વર. માતાપિતાનો વરાયેલો કે વરેલો વર તે કન્યાનો વર નહીં. મધુરી, જે ચંદ્રને તે તારો આત્મા આપ્યો તે એક જ તારો પતિ અને જે યુવાનને તારાં માતાપિતાએ તારું શરીર આપ્યું તે તારો જાર; હવે તારું પતિવ્રત કેવું તે સમજી લે.’ કુમુદે ઊંડો નિઃશ્વાસ મૂક્યો અને આંખ ભીની થઈ તે બારીબહાર જોઈ લોહી નાખી. કુમુદ : ‘એ સિદ્ધાંતોનો પ્રતિવાદ[1] કરવાની મારામાં શક્તિ નથી. મારું ભાવિ તો મેં કહ્યું તેમ બંધાઈ ચૂક્યું છે, તેમાંથી મને ભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કૃપા કરી ન કરશો. આ બહારના પ્રકાશમાં નાહવાનો અધિકાર આ જાળીમાં રહેલા પ્રાણીને નથી, તેમ મારા ચંદ્રના પ્રીતિપ્રવાહમાં નાહવાનો અધિકાર આ પ્રતિજ્ઞા-જાળીમાં બેઠેલી હું છું તેને નથી.’ કુમુદની કથા થોડાક વખતમાં – થોડીક ઘડીમાં – પરિવ્રાજિકામઠમાં અને વિહારમઠમાં સુપ્રસિદ્ધ થઈ ગઈ. આ સંબંધમાં મધુરીના નામ સાથે નવીનચંદ્રનું નામ પણ ગવાયું, પરંતુ મધુરી સાથેનું એનું વર્તન અધર્મ્ય ગણાયું. બીજી રીતે વિષ્ણુદાસ સ્વામીનો એના ઉપરનો પક્ષપાત વધારે ઉચિત ગણાયો. ચર્ચાનો વિષય માત્ર એટલો જ રહ્યો – આ બે પ્રેમી જીવનો યોગ કરાવવો કે ન કરાવવો, અને કરાવવો તો કેવી વિધિથી કરાવવો. કુમુદ સાધુસાધ્વીઓમાં રાત્રે સૂતી, થોડીવાર તેને સરસ્વતીચંદ્રના વિચાર થયા અને આંખ ઘડીમાં મીંચાય ને ઘડીમાં ઊઘડે. એની બે પાસ મોહની અને બંસરી સૂતાં હતાં તે એના મુખ ઉપર દૃષ્ટિ નાખતાં હતાં અને પાછાં સૂઈ જતાં હતાં. પ્રાત:કાળે સરસ્વતીચંદ્રને સાધુવેશમાં જોઈ કુમુદના ચિત્તને અત્યન્ત ધકકો લાગ્યો હતો. આ મઠમાં સાંભળેલી વાતોથી તે કંઈક સ્વસ્થ થઈ સૂતી. પણ નેત્ર મીંચાય ત્યાં પ્રાત:કાળનું ચિત્ર પ્રત્યક્ષ થાય અને ઊઘડે ત્યાં વિચાર સૂઝે. ‘આવા પુરુષ ત્યાગી હોય તે સારું કે સંસારી હોય તે સારું? એ સંસારમાં હોય તો કેટલાં પ્રાણીનું કેટલું કલ્યાણ કરી શકે? હું તો ભાગ્યહીન છું તે છું, પણ આવું રત્ન આ ભસ્મમાં અદૃશ્ય થાય તે તો અનિષ્ટ જ! હું હવે તેમને શું કહેવા – કથવાની હતી? અરેરે, એમની ભવ્ય સુંદર આકૃતિ પ્રાત:કાળના ચંદ્ર જેવી નિસ્તેજ થઈ ગઈ છે નક્કી એમનો શોકશંકુ[2] ઊંડો છે. ઊંડો ઊંડો પણ છે! તેમણે નક્કી મને ઓળખી!' કુમુદ સ્વપ્નવશ થઈ, આ બાજુ બંસરી, મોહની, ભક્તિમૈયા વગેરેએ મળી નક્કી કર્યું કે મધુરી અને નવીનચંદ્રજીનો યોગ તો કરવો જ. વિહારમઠના કુંજવનમાં રાસલીલા આરંભાશે. નવીનચંદ્રજી ગુરુજી સાથે ફરવા નીકળશે, તે અવસરે નવીનચંદ્રજીની વાસના દૂરથી જાણી લેવી અને તે પ્રમાણે પછીનો વિચાર કરવો.

*

પ્રાત:કાળ થયા પહેલાં પરિવ્રાજિકામઠનું સર્વ મંડળ જાગ્રત થઈ ગયું હતું. ધોયેલાં ભગવાં વસ્ત્ર પહેરી સર્વ સાધુ સ્ત્રીઓ પોતપોતાના પ્રાત:કર્મમાં ભળી ગઈ, ભક્તિમૈયા વગેરે મંડળ ‘મધુરી'ને લઈ વિહારમઠમાં કુંજવનોમાં જવા નીકળ્યું. પર્વતના એક મહાન શૈલ[3]ને મથાળે ચંદ્ર પરિપૂર્ણ પ્રકાશ નાખી શકે અને દક્ષિણ-પશ્ચિમનો પવન આવી શકે એવે સ્થાને એક ખુલ્લો ચોક હતો. ત્રણે મઠ કરતાં એ સ્થાન ઊંચું હતું તેની વચ્ચોવચ એક મહાન કદમ્બવૃક્ષ રોપેલું હતું અને ચારે પાસ નાના પણ રમણીય સુવાસિત પુષ્પના રોપાઓ પોષીને ઉછેર્યા હતા. અનેકરંગી સુંદર પક્ષીઓ ત્યાં બેસતાં, માળા બાંધતાં અને મધુર કોમળ ગાન કરી રહેતાં. આ ચોક ઉપર મધ્યે યમુનાકુંડ હતો ત્યાં આગળ રાત્રે રાસલીલાની યોજના હતી. સમુદ્રનો પટ ત્યાંથી શુદ્ધ દેખાતો અને એના તરંગની લેખાઓ અને ફીણના ચળકાટ કોઈ ગૌર યુવતીના ઉદર ભાગની રોમાવલીઓ જેવાં છેટેથી લાગતાં હતાં. સમુદ્ર અને ચંદ્રિકા જોઈ વામની અને બંસરી વગેરે કુમુદ સાથે સમુદ્રલહરીની રમણીયતાની ને ચંદ્રિકાના ઉછાળની વાતો કરવા લાગ્યાં તે જોઈ કુમુદ બોલી : ‘એ ચંદ્રિકા ઉદય પામશે. અમારી-મારી ને મારા હૃદય – સ્વામીની ચંદ્રિકા તો શિવજીના જટાજૂટમાં દબાઈ ગઈ છે.' કુમુદના તારામૈત્રકની ને એના હૃદયરાગની વાતો ચાલતી હતી ત્યાં કુમુદને પાછળથી કોઈએ ખેંચી. કુમુદનું દુ:ખી રોતું મુખારવિંદ ચંદ્રાવલીની વત્સલ છાતીમાં સમાઈ ગયું. ચંદ્રાવલી કુમુદની દશા દેખી બોલી : ‘મધુરી! તને પ્રિય, હિતકર અને પથ્ય હશે તે જ માર્ગ શોધીશું. તારી જે ચિકિત્સા કરી આ કૃપાળુ સાધુજનોએ તારું સખીકૃત્ય કરવા માંડ્યું છે, તે ગભરાયા વિના કે ક્ષોભ વિના કરવા દે. વિવાસિત[4] અદૃશ્ય સીતાએ રામનું દર્શન કર્યું અને રામનો સ્પર્શ કર્યો તે કાળે જેમ સીતાની પાસે તમસા હતી તેવી જ મને સમજજે. ભક્તિમૈયા! તમે જે ચિકિત્સા આરંભી છે તે કંઈક જાણું છું. પણ તે ચિકિત્સાની વેળાએ મારી દુલારીને રજ પણ વ્યથા થાય એમ ન કરશો.' પાછલે પ્રહરે કુમુદને વામની અને બંસરીની જોડી ગિરિરાજનાં સુંદર સ્થાનો જોવા મોકલી. ચોકની એક છાયાકુંજમાં શિલા ઉપર મોહની, ભક્તિ અને બિન્દુમતી સાથે ચંદ્રાવલી બેઠી અને સૌની પાસેથી કુમુદ વિશે તેમણે કહેલી વાર્તા અને ધારેલી યોજના સાંભળી. ભક્તિમૈયા : ‘નવીનચંદ્રજી નીચે આવ્યા ને અમે ઉપર આવ્યાં ને જુદાં પડ્યાં તે કાળે સૂર્યકિરણ અંધકારને શોધે તેમ મધુરીની દૃષ્ટિ નવીનચંદ્રજીના હૃદયને સ્પષ્ટ શોધતી હતી.’ ચંદ્રાવલી : ‘બેટા બિન્દુ, સાયંકાળે સાધુદંપતીઓએ રાસલીલા યોજી છે ત્યાં નવીનચંદ્રજી આવવાના છે, એમ કહી મધુરીને પણ ત્યાં લઈ જવાની વાત કરી, ત્યારે એણે શું કહ્યું?' બિન્દુમતી : ‘માત્ર આકાશ અને પૃથ્વી વચ્ચેનો ભાગ જોયાં કર્યો અને કંઈ બોલી નહીં.’ ચંદ્રાવલી : ‘તેમનો વૈરાગ્ય જોઈ મધુરીને શો વિકાર થયો?' ભક્તિમૈયા : તે કોઈએ સૂક્ષ્મ દૃષ્ટિથી જોયું નથી, પણ રાત્રે તે કહેતી હતી કે વિરક્ત ચન્દ્રનો ગ્રાસ[5] કરનારી ધૂમગ્રહની લેખા થવા પોતાની ઇચ્છા નથી.’ ચંદ્રાવલી : ‘નવીનચંદ્રનો વિરકત જોઈ મધુરીને દુઃખ થયું કોઈએ પ્રત્યક્ષ કર્યું નથી.’ મોહની : ‘ઊતરવાના સ્થાન આગળ તો અશ્રુધારા વહેતી હતી. આ વેશ તો એણે પ્રથમ ત્યાં જ જોયો... કન્યા વર પાસે જાય કે વર – કન્યા પાસે આવે, તે વિના તેમની હૃદયગુહાઓ ઊઘડવાનો સંભવ નથી.’ ચંદ્રાવલી વિચારમાં પડી. અંતે બોલી : ‘ભક્તિમૈયા! આપણે તો માત્ર દૂતકર્મ હવે બાકી રહ્યું. બંને પક્ષે એ કામ ઉપાડનાર કોણ હશે? ભક્તિમૈયા : ‘કોઈ નથી. નવીનચંદ્રજી માત્ર વિહારપુરી અને રાધેદાસની જોડે ફરે છે અને એકાન્તમાં રહેતા નથી. ગુરુજીની સાથે જ ગોષ્ઠી કરે છે અને શય્યા પણ તેમની પાસેની ગુફામાં રાખે છે. મધુરીને તો જે કહો તે આપણે.’ મોહની : ‘બે દોરડાં સંધાડશો તો કૂવામાં પહોંચશે.’ ચંદ્રાવલી : ‘કેવી રીતે?' મોહની : ‘નાયિકાના કર તમે ઝાલો અને નાયકનો વિહારપુરી ઝાલે.’ ભક્તિમૈયા : ‘પણ વિહારપુરીનો કોણ ઝાલે!' મોહની : ‘દયા અને સ્નેહ બે છૂટા પડેલા હાથને એકઠા કરે ત્યારે. માટે ચંદ્રાવલીબહેન, આ બે હરિણયુગનો યોગ તમે કરો, તમારા વિના તેમ કરવા બીજું કોઈ સમર્થ નથી.’ ચંદ્રાવલી એક કાળે વિહારપુરી સાથે વિવાહિત હતી ને એ દંપતી પાસે વિહારમઠનું અધિષ્ઠાનપદ હતું. પાછળથી બંનેએ પૂર્ણ સંન્યાસ લીધો. વિહારપુરી વિષ્ણુદાસજીના મઠમાં ગયો ને ચંદ્રાવલી સુંદરગિરિનો ત્યાગ કરી બેટમાં ગઈ. એટલે વિહારપુરી પાસે જવામાં ચંદ્રાવલીને કશો બાધ ન હતો. ચંદ્રાવલીએ ઘણી અનિચ્છા છતાં આખરે મધુરી પ્રત્યેના ઊંડા સ્નેહથી દૂતીકૃત્ય સ્વીકાર્યું. ‘મોહની, ત્યારે કહી દો કે મારે શું કરવું?' મોહની : ‘આજ રાત્રે યમુનાકુંડ પાસે રાસલીલા થાય તે કાળે અમે મધુરીને લઈને જઈશું. નવીનચંદ્રજીને શોધી વાર્તાવિનોદ કરીશું અને તે આઘાપાછા હશે, ત્યારે મધુરી સાથે વિનોદ કરીશું. ચંદ્રાવલી! તમારે તે સર્વનાં માત્ર મૂક સાક્ષી થવું અને મધુરી સાથે રાત્રે એકાંતમાં સૂવું અને તેનું હૃદય ઉઘાડવું. એ સર્વનો સાર વિહારપુરીને તમારે એકાંતમાં કહી દેવો અને તેમણે નવીનચંદ્રનું મન જાણી લેવું અને નવીનચંદ્રજી ગુરુજીની ગુફા છોડી અન્યત્ર કોઈ ગુફામાં કે કુંજમાં એકાંતવાસ રાખે એટલી વ્યવસ્થા વિહારપુરી દ્વારા કરવી.’ ચંદ્રાવલી : ‘ધારું છું કે એટલું તો થશે.’ ચંદ્રોદયકાળે યમુનાકુંડ પાસે ચોકમાં વિહારમઠની સ્ત્રીઓએ રાસલીલા નાટકરૂપે ભજવી. કેટલીક સ્ત્રીઓએ કૃષ્ણના વેશ લીધા હતા અને બાકીની સ્ત્રીઓ ગોપીઓ થઈ હતી. છેલ્લા પાંચમા પ્રવેશમાં રાધાકૃષ્ણનું યમુનાતીરે પરસ્પરલીન સંગીત અને નૃત્ય થયું અને રાસલીલા સમાપ્ત થઈ. સર્વ મંડળ લગભગ મધ્યરાત્રિએ છૂટું પડ્યું. સર્વ નિદ્રાવશ થયાં પણ કુમુદ અને તેનું મંડળ જાગ્રત રહ્યું અને બીજો એક પ્રહર વાર્તામાં ગાળ્યો. છેવટે તે સૌ પણ સૂતાં. પ્રભાત થતાં કુમુદ જાગી અને સ્નાનાદિ આટોપવામાં બિન્દુ કુમુદને કામ લાગી. પરવારીને મઠના દ્વારમાં મંડળ બેઠું ને ગોષ્ઠી કરવા લાગ્યું. ચંદ્રાવલી : ‘મધુરી, તું નિરાશ થઈ છે.’ કુમુદ : ‘આશા નિરાશા છે, ત્યાં નિરાશા જ આશા છે.' મોહની : ‘રાસલીલા તેં જોઈ પણ તેનું રહસ્ય તું ભૂલી ગઈ. ગઈકાલે ગવાયું હતું તેમ, શ્રીકૃષ્ણના અધર પર ચઢેલી મોરલીની જેમ તું નવીનચંદ્રના મુખ ઉપર આવી મોરલી થા.’ ચંદ્રાવલી : ‘મહાત્માના હાથમાં જઈ તેને મુખે ચઢી એક જડ બંસરી જગતને આટલું કલ્યાણ આપે છે, તો મધુરી જેવી મેધાવિની સુંદરી નવીનચંદ્ર જેવા દક્ષિણ[6] જનના હૃદયમાં વસી કોનું કોનું શું શું કલ્યાણ નહીં કરે?' કુમુદ : ‘મને તે અધિકાર નથી ત્યાં પછી વધારે વાત શી?' ચંદ્રાવલી : ‘તું હજી મુગ્ધ છે. પણ હું તારો ને તેનો યોગ કરી આપીશ. તારું સ્થૂળ શરીર જેને વશ રાખવું હોય તેને વશ રાખજે, પણ સૂક્ષ્મ શરીર હૃદયના સ્વામીને વશ કરવું પડશે. તે પછી તે તને સ્વતંત્ર ન રાખે તો માજીની પાસે આવજે ને સ્વતંત્ર રાખે તો તેની ઇચ્છાને વશ થજે. આમાં તને કાંઈ બાધ નથી. તું જાતે નહીં ચાલે તો અમે તને ઊંચકીને લઈ જઈશું. નવીનચંદ્ર પાસે તારો સત્કાર નહીં થાય તો માજીનું મંદિર ને ચંદ્રાવલીનું હૃદય તારે માટે સર્વદા સજ્જ છે, માટે હવે તું તૈયાર થજે.’ દરમિયાન ચંદ્રાવલીએ નવીનચંદ્ર સાથે કુમુદના યોગ માટે બધી પૂર્વતૈયારી કરી મૂકી છે તેની જાણ કુમુદને થઈ ત્યારે તે અસ્વસ્થ બની ચોંકી ઊઠી. નવીનચંદ્ર ચંદ્રાવલીની વાત શાંતિથી સાંભળે એવી યોજના ગુરજીની સંમતિ મેળવવાની રાખી નક્કી કરી દીધી હતી. વિહારપુરીએ મેં નવીનચંદ્રજીનાં દર્શન કર્યાં; હવે તેથી વધારે મારે તેમને નથી મળવું. ચંદ્રને જેમ દૂરથી જ જોઈ કુમુદ પ્રફુલ્લ થાય છે, તેમ તેથી વધારે મધુરી નહીં કરે.’ ‘મધુરી! આ આશાના સુધાબીજનું પ્રાશ[7] કર. તારો હૃદયનો ઈશ તો એક જ છે, એ હૃદયેશને અનુસરવું તે તારો ધર્મ છે; તે પળાવવાને ચંદ્રાવલીનું વિરક્ત ચિત્ત ચિન્તા કરે છે.’ કુમુદે આ વાત કાને ધરી નહીં. સૌની પાસેથી તે ઊઠી અને રાત્રે જે બારી આગળ બેઠી હતી ત્યાં જઈ બેઠી.



  1. સામી દલીલ. (સં.)
  2. શોકનો કાંટો, શોકરૂપી કાંટો. (સં.)
  3. શિખર (સં.)
  4. નિર્વાસિત – દેશનિકાલ થયેલી. (સં.)
  5. ગળી જવું તે. (સં.)
  6. પ્રવીણ. (સં.)
  7. આસ્વાદન (સં.)