કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૩૪.જોતજોતાંમાં...

Revision as of 11:38, 17 June 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૩૪.જોતજોતાંમાં..

ચિનુ મોદી

જોતજોતાંમાં સમજથી પર ન થા,
ઘર ત્યજી આમ સચરાચર ન થા.

ઝાંઝવા કે આંસુથી છીપે તરસ ?
એક બળતા રણ ઉપર ઝરમર ન થા.

સૌ ખુશીનું નામ ખુશ્બો હોય છે,
પુષ્પ રૂપે તું તરત હાજર ન થા.

વૃક્ષનો ભેંકાર મારામાં ન ભર,
એક પંખી ! આટલું સુંદર ન થા.

ખસ જરા ‘ઇર્શાદ’ આઘો ખસ હવે,
જાત જોવામાં મને નડતર ન થા.
(અફવા, પૃ.૧૨૮)