અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મકરન્દ દવે/વજન કરે તે

Revision as of 23:35, 20 June 2022 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| વજન કરે તે હારે રે મનવા | મકરન્દ દવે }} <poem> વજન કરે તે હારે રે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વજન કરે તે હારે રે મનવા

મકરન્દ દવે

વજન કરે તે હારે રે મનવા..
ભજન કરે તે જીતે..
તુલસી દલ થી તોલ કરો તો..
બને પવન પરપોટો..
રે મનવા ભજન કરે તે જીતે..

અને હિમાલય મૂકો હેમ નો..
તો મેરૂ થી મોટો..
આ ભારે હળવા હરિવર ને..
મૂલવવો શી રીતે..
રે મનવા ભજન કરે તે જીતે..
વજન કરે તે હારે રે મનવા..

એક ઘડી તને માંડ મળી છે..
આ જીવતર ને ઘાટે..
સાચ ખોટ ના ખાતા પાડી..
એમાં તું નહિ ખાટે..
સ્હેલીશ તું સાગર મોજે કે..
પડ્યો રહીશ પછીતે..
રે મનવા ભજન કરે તે જીતે..
વજન કરે તે હારે રે મનવા..

આવ હવે તારા ગજ મૂકી..
વજન મૂકી ને ફરવા..
નવલખ તારા નીચે બેઠો..
ક્યા ત્રાજવડે તરવા..
ચૌદ ભુવન નો સ્વામી આવે..
ચપટી ધૂળ ની પ્રીતે..
રે મનવા ભજન કરે તે જીતે..
વજન કરે તે હારે રે મનવા..




મકરન્દ દવે • વજન કરે તે હારે રે મનવા • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ