અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મકરન્દ દવે/પ્રભુએ

Revision as of 23:51, 20 June 2022 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| પ્રભુએ બંધાવ્યું મારું પારણું રે લોલ | મકરન્દ દવે }} <poem> પ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પ્રભુએ બંધાવ્યું મારું પારણું રે લોલ

મકરન્દ દવે


પ્રભુએ બંધાવ્યું મારુ પારણું રે લોલ,
પારણીયે ઝૂલે ઝીણી જ્યોત રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

નભથી પધારી મારી તારલી રે લોલ,
અંગે તે વ્હાલ ઓતપ્રોત રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

લેજો રે લોક એનાં વારણા રે લોલ,
પુત્રી તો આપણી પુનાઈ રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

ઓસરિયે, આંગણિયે, ચોકમાં રે લોલ,
વેણીના ફૂલની વધાઈ રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

ગૌરીનાં ગીતની એ ગુલછડી રે લોલ,
દુર્ગાના કંઠનો હુંકાર રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

બાપુની ઢાલ બને દિકરો રે લોલ,
કન્યા તો તેજની કટાર રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

ઉગમણૅ પ્હોર રતન આંખનું રે લોલ,
આથમણી સાંજે અજવાસ રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

રમતી રાખો રે એની રાગિણી રે લોલ,
આભથી ઊંચેરો એનો રાસ રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.





મકરન્દ દવે • પ્રભુએ બંધાવ્યું મારું પારણું રે લોલ • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: ગાર્ગી વોરા અને અમર ભટ્ટ