ચન્દ્રકાન્ત બક્ષીથી ફેરો/પ્રારંભિક

Revision as of 15:59, 21 June 2022 by Shnehrashmi (talk | contribs)


‘એકત્ર’નો ગ્રંથગુલાલ


Ekatra-foundation-logo.jpg


આપણી મધુર ગુજરાતી ભાષા અને એના મનભાવન સાહિત્ય માટેનાં સ્નેહ-પ્રેમ-મમતા અને ગૌરવથી પ્રેરાઈને ‘એકત્ર’ પરિવારે સાહિત્યનાં ઉત્તમ ને રસપ્રદ પુસ્તકોને, વીજાણુ માધ્યમથી, સૌ વાચકોને મુક્તપણે પહોંચાડવાનો સંકલ્પ કરેલો છે.

આજ સુધીમાં અમે જે જે પુસ્તકો અમારા આ ઇ-બુકના માધ્યમથી પ્રકાશિત કરેલાં છે એ સર્વ આપ

https://www.ekatrafoundation.org

તથા

https://wiki.ekatrafoundation.org/wiki//એકત્ર_ગ્રંથાલય

પરથી વાંચી શકશો.


અમારો દૃષ્ટિકોણ:

હા, પુસ્તકો સૌને અમારે પહોંચાડવાં છે – પણ દૃષ્ટિપૂર્વક. અમારો ‘વેચવાનો’ આશય નથી, ‘વહેંચવાનો’ જ છે, એ ખરું; પરંતુ એટલું પૂરતું નથી. અમારે ઉત્તમ વસ્તુ સરસ રીતે પહોંચાડવી છે.

આ રીતે –

• પુસ્તકોની પસંદગી ‘ઉત્તમ-અને-રસપ્રદ’ના ધોરણે કરીએ છીએ: એટલે કે રસપૂર્વક વાંચી શકાય એવાં ઉત્તમ પુસ્તકો અમે, ચાખીચાખીને, સૌ સામે મૂકવા માગીએ છીએ.

• પુસ્તકનો આરંભ થશે એના મૂળ કવરપેજથી; પછી હશે તેના લેખકનો પૂરા કદનો ફોટોગ્રાફ; એ પછી હશે એક ખાસ મહત્ત્વની બાબત – લેખક પરિચય અને પુસ્તક પરિચય (ટૂંકમાં) અને પછી હશે પુસ્તકનું શીર્ષક અને પ્રકાશન વિગતો. ત્યાર બાદ આપ સૌ પુસ્તકમાં પ્રવેશ કરશો.

– અર્થાત્, લેખકનો તથા પુસ્તકનો પ્રથમ પરિચય કરીને લેખક અને પુસ્તક સાથે હસ્તધૂનન કરીને આપ પુસ્તકમાં પ્રવેશશો.

તો, આવો. આપનું સ્વાગત છે ગમતાંના ગુલાલથી.

Ekatra Foundation is grateful to the author for allowing distribution of this book as ebook at no charge. Readers are not permitted to modify content or use it commercially without written permission from author and publisher. Readers can purchase original book form the publisher. Ekatra Foundation is a USA registered not for profit organization with objective to preserve Gujarati literature and increase its audience through digitization. For more information, Please visit: https://www.ekatrafoundation.org or https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page.


ચન્દ્રકાન્ત બક્ષીથી ફેરો





સુમન શાહ







પાર્થ પ્રકાશન : અમદાવાદ CHANDRAKANT BAXI THI FERO A Critical Study of the Experimental Novel in Gujarati flourished in the Decade of 1960-70 BY SUMAN SHAH પ્રથમ આવૃત્તિ : જૂન ૧૯૭૩ બીજી આવૃત્તિ : ઑગસ્ટ ૧૯૯૩

© RASHMITA SUMAN SHAH



પ્રકાશક : બાબુભાઈ એચ. શાહ પાર્શ્વ પ્રકાશન નિશાપોળ, ઝવેરીવાડ, રિલીફ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧


મુદ્રક : લેખિત (લેસર ટાઈપસેટિંગ) ૧૦, રૂપમાધુરી સોસાયટી, માણેકબાગ, અમદાવાદ-૩૮૦ ૦૧૫ ફોન : ૪૩૩ ૦૮૭

મૂલ્ય રૂપિયા : રૂ. ૬૦/-

સુરેશ જોષીને








જેણે મને ક્ષિતિજ બતાવી છોડી દીધો સૂચના આ પુસ્તકમાં ચર્ચેલી-ઉલ્લેખેલી નવલકથાઓનો, તેમનાં પ્રકાશનોનો, ઐતિહાસિક ક્રમ આ પ્રમાણે છે : ૧. પડઘા ડૂબી ગયા ચન્દ્રકાન્ત બક્ષી ૧૯૫૮ ૨. રોમા ચન્દ્રકાન્ત બક્ષી ૧૯૫૯ ૩. એકલતાના કિનારા ચન્દ્રકાન્ત બક્ષી ૧૯૬૦ ૪. આપણો ઘડીક સંગ દિગીશ મહેતા ૧૯૬૨ ૫. આકાર ચન્દ્રકાન્ત બક્ષી ૧૯૬૩ ૬. એક અને એક ચન્દ્રકાન્ત બક્ષી ૧૯૬૫ ૭. અમૃતા રઘુવીર ચૌધરી ૧૯૬૫ ૮. છિન્નપત્ર સુરેશ જોષી ૧૯૬૫ ૯. પળનાં પ્રતિબિમ્બ હરીન્દ્ર દવે ૧૯૬૬ ૧૦. અશ્રુઘર રાવજી પટેલ ૧૯૬૬ ૧૧. અસ્તી શ્રીકાન્ત શાહ ૧૯૬૬ ૧ર. ચહેરા મધુ રાય ૧૯૬૬ ૧૩. પૅરેલિસિસ ચન્દ્રકાન્ત બક્ષી ૧૯૬૭ ૧૪. ઝંઝા રાવજી પટેલ ૧૯૬૭ ૧૫. મહાભિનિષ્ક્રમણ મુકુંદ પરીખ ૧૯૬૮ ૧૬. ફેરો રાધેશ્યામ શર્મા ૧૯૬૮ ૧૭. જાતકકથા ચન્દ્રકાન્ત બક્ષી ૧૯૬૯ ૧૮. ભાવ-અભાવ ચિનુ મોદી ૧૯૬૯ ૧૯. કોણ? લાભશંકર ઠાકર ૧૯૬૯ ૨૦. નાઈટમૅર સરોજ પાઠક ૧૯૬૯ ૨૧. કામિની મધુ રાય, ૧૯૭૦ રર. ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ જ્યોતિષ જાની ૧૯૭૦ ૨૩. હનીમૂન ચન્દ્રકાન્ત બક્ષી ૧૯૭૧ ૨૪. અયનવૃત્ત ચન્દ્રકાન્ત બક્ષી ૧૯૭૨ નિવેદન આ પુસ્તક કોઈ એક અભિગમથી લખાયું નથી. નવલકથા વિશેની કોઈ જૂની કે નવી વિભાવનાના સંદર્ભમાં પણ અહીં કશું પરીક્ષણ કે મૂલ્યાંકન કરવાનો ઈરાદો રાખ્યો નથી. નવલકથા વિશે કશું મનમાં વિશદ ભાવે પડ્યું છે ને તેના માપદંડો મનમાં ઊભા છે એવું પણ નથી. કલાનાં કોઈ નિશ્ચિત ધોરણોને પણ, અહીં જાગ્રત કર્યાં છે, એવુંયે નથી. ચિત્ત કોરું રાખીને રચનાઓની સમ્યક્ છબિ ઝીલવાની કોશિશ કરી છે. અલબત્ત, એનો અર્થ એ નથી કે ચિત્તમાં વીસમી સદીની નવલકથા કે એના મહાન સર્જકો જોય્યસ, કામૂ, સાર્ત્ર, હેમિંગ્વે વગેરે વગેરે નથી. ઑર્તેગા અને ડિહ્યુમેનિઝેશન, રોબ્બ ગ્રિયે અને ઍન્ટી નૉવેલ, દૉસ્તોએવસ્કી અને એનો રિવાઈવલ, સાયકોલૉજિકલ નૉવેલ અને નાન્હાલિ સારોત વગેરે વગેરે નથી એમ પણ નથી. અથવા તો એનેઈસ નિન કે સુસાન સૉટાગ કે સુરેશ જોષી જેવાં મર્મજ્ઞોની માર્મિક સમીક્ષા વીસરી ચૂક્યો છું એમ પણ નથી. ઍબ્સર્ડ અને ઍન્ટી આર્ટની તરાહોમાં પોએટિક રિયાલિઝમનાં પરિમાણોની સમૃદ્ધિવાળું જે શૌર્ય આ સદીના નવલકારોએ પ્રતીત કરાવ્યું છે તે ભૂલી જવાયું છે એમ પણ નથી. સ્ટ્રીમ ઑવ્ કૉન્સ્યસનેસ, અસ્તિત્વવાદ સર્રિયાલિઝમ આદિ પરિભાષાઓનાં ઝૂમખાં પણ ક્યાંય ખોઈ નાખ્યાં છે એવું યે નથી. તો એવુંયે નથી કે ‘સરસ્વતીચન્દ્ર કલાકૃતિ નથી’, `ઘટનાતત્ત્વનો લોપ કરો', `કન્ટેન્ટનું નહિ ફૉર્મનું મહત્ત્વ છે', ‘નાભિશ્વાસ ચાલે છે' કે ‘નથી ચાલતો આદિ અટકળોમાં ગૂંચવાયેલી સમજો-ગેરસમજોથી અપરિચિત છું. ટૂંકમાં, નવલકથા વિશેની આ તમામ આબોહવા છવરાયેલી છે જ. ને છતાં અહીં પસંદગી પામેલા છેલ્લા (સાતમા) દાયકાની આ નવલકથાઓને જ, જે કંઈ પણ કહેવા દીધું છે. એને જ સાંભળવાની પૂરી તત્પરતાને એક સક્રિય ફૂંક બનાવી દઈને પેલી આબોહવાને બળપૂર્વક, આક્રમક થવા દીધી નથી. પરિણામે, ઘટનાવાળી નવલને, કે નવલના એવા કોઈ ભાગને, ઘટનાનિરૂપણના વ્યાકરણથી જોયું જણાશે તો અ-ઘટનાવાળી કોઈ કૃતિમાં કન્ટેન્ટ નામે ઓળખાતા પદાર્થથી ખુશ થયાનું જણાશે. જે તે કૃતિમાં જે તે વખતે જે કંઈ મૂલ્ય ઊપસતું જણાયું તેનું જ આકલન કરવાનો ઈરાદો રાખ્યો છે. તે વખતે થતા આનન્દ-ઉમળકાને કમેન્ટ્સરૂપે લખ્યા પણ છે, તો તે વખતે ખૂંચેલી મર્યાદાઓને સહાનુભૂતિપૂર્વક ઉચ્ચારી પણ છે. કૃતિ સમગ્રનું કોઈ ટોટલ મૂલ્યાંકન કરવાની દાનત રાખી નથી. બધાંના સમાહારરૂપે આ દાયકાની નવલકથાની `વિભાવના' બાંધનારને એ કામ આવે, તો આવે. આમ સમગ્ર પ્રયાસ વસ્તુથી વિચાર તરફનો છે. કૃતિમાંથી બાંધી શકાતું વિવેચન જ આ લખનારને મન જે કંઈ છે તે છે. બીજી બધી પંતુજીગીરી છે. ગુજરાતી વિવેચકસાહેબોએ, વિવેચન-આવરણોનાં વાઘાચીંથરાં ઓઢાડીને, વિભાવનાઓનાં લટકણિયાં પહેરાવીને, પોતાની વરવી દરિદ્રતાને વટાવ્યા કરી છે. વિદેશમાં સ્થિર થયેલાં વિવેચનધોરણોને આત્મસાત્ કર્યા વિના જોડ્ય રાખ્યાં છે. વારંવાર કૃતિથી દૂર જઈ બાંધે ભારે કહ્યું છે. નિરાધાર વિધાનો ફટકારીને સર્જકોના કર્મનો કશો પરિચય જ આપ્યો નથી. એ જાડી કલમના ધારકોએ ઉપલક પોલી સુષ્ઠુ સુષ્ઠુ વાતો લખીને સ્વસ્થ અને સૌમ્યમાં ખપવામાં ગૌરવ જોયું છે. કૃતિ અને કર્તાને ખીંટી બનાવીને, એ વિવેચકભાટોએ મૂળનો માલ જોખવાનું બાજુ પર રાખીને, ઘરને કે પારકે કાટલે અને ઊછીને ત્રાજવે, ઘરાકના ગજવામાં રહેલી પોતાની કીર્તિ, પોતાનાં સ્થાન માન અકરામ ઈનામ ચન્દ્રક તાકી, જાતે જાતને જ જોખી છે. એવી પરમ્પરાગત વંચનામાંથી છૂટવાની હઠ સાથે જે તે સર્જકને વિશે કરેલી સ્તુતિ કે ટીકા, કૃતિસંદર્ભે અંતરના ઉછાળથી કરેલી છે, કશો ન્યાય તોળવાની બુદ્ધિ રાખી નથી. ચન્દ્રકાન્ત બક્ષી સંધિસ્થાનના નવલકાર છે ને તેથી એમને એમની બધી કૃતિઓના સંદર્ભે તપાસ્યા છે. અન્ય લેખકોની અહીં નહિ ચર્ચેલી રચનાઓ આ લખનારને ભૂલી જવા જેવી લાગી છે, એટલે કે છેલ્લા દાયકાની મને પોતાને પ્રયોગશીલ લાગેલી નવલકથાઓને જ અહીં ચર્યા છે. એ પસંદગી મારા અભ્યાસ સંદર્ભે મારી છે. અભ્યાસમાં જે અનભિગમ છે તેની સ્પષ્ટતા ઉપર કરી છે- ને તેથી અભ્યાસને કોઈ ચોક્કસ ધ્યેય સાથે સાંકળ્યો નથી. કૃતિઓ સાથેના સાક્ષાત્કાર પછી જ એ ધ્યેય સ્પષ્ટ થયું છે. જેનું વર્ણન અંતિમ પ્રકરણમાં છે. આ ચર્ચા મારી ઉકત માન્યતાને લીધે અતિશય closely કરી છે- એટલે કે મૂળ રચનાનાં અવતરણો આપી આપીને કે આખું વિશ્વ રિહૅન્ડલ કરીને, વિવેચન એની તમામ કક્ષાએ paraphrase તો બનવું જ જોઈએ એ વાતને એક canonની જેમ પાળી છે. સર્જકોનું એ આધિપત્ય શિર પરે ધારવાનું ગમવું જોઈએ. વખતે-કવખતે પ્રસંગે-અપ્રસંગે લાંબું-ટૂંકું લખાયું-બોલાયું હોય, છપાયું-ન છપાયું હોય તે બધું સમેટી-ગોઠવી, બે સન્માન્ય વિદ્વન્મતિ પાસે ફલૅપ લખાવી કે ઉદાર સ્વભાવના કોઈ કીર્તિલોલુપ સાહિત્યદલાલ પાસે પ્રવેશક લખાવી સંસ્કૃત શીર્ષકવાળો ‘વિવેચનસંગ્રહ' તૈયાર ન કરવો- એ જિદમાંથી આ અભ્યાસપુસ્તક જન્મે છે એનો આનન્દ છે. અહીં રજૂ થયેલા લખાણના કેટલાક અંશભાગોની પહેલાં પ્રકાશિત થયેલી વાચનાઓ રદ ગણવી. એનું પૂર્વપ્રકાશન આવી કશીક માનસિક યોજનાથી જ થયું હતું ને તેથી સળંગ પુસ્તકના ખ્યાલને વાંધો આવતો નથી. ગુજરાતી નવલકથાના છેલ્લા દાયકાને, એટલે એના વિશેપને, કંઈક ચિક્ષિત કરવાનો આ એક અંગત પ્રયાસ છે. ને તેથી, આજની વિવેચનાની માંદગીના વાતાવરણમાં, આ લખનાર, પુસ્તક વિશેના અન્યોના મૌનથી કે મુખરતાથી ચેન કે બેચેની અનુભવશે નહિ. અભ્યાસ વિશેના અભ્યાસની સ્પૃહા તો હરદમ છે જ, બલકે એની તો આ શોધ છે. મારા પરમ મિત્રો શર્મા રાધેશ્યામ, મોદી ચિનુ અને ટોપીવાલા ચન્દ્રકાન્તની આ પુસ્તકને છપાયેલું જોવામાંથી જાગેલી સક્રિયતા એમની મૈત્રી જેટલી જ હૃદ્ય રહી છે. મારી જોડે વઢીલડીને પણ, એમણે પુસ્તકને સુન્દર બનાવવાની જિકર કરેલી તે સ્મરણો અહીં ઉલ્લેખવાં ગમે, એવાં પ્યારભર્યા છે. મુખપૃષ્ઠ પરની છબિ એના માલિકોના સૌજન્યથી છાપી છે. ‘નવી નવલકથા' વિશેનાં કેટલાંક ઇંગિતો એમાંથી શોધી શકાય. કંઈ નહિ તો એ તો છે જ. શોધી શકાય. આ કે તે. ૯ ફેબ્રુઆરી, ૧૯૭૩ – સુમન શાહ બીજી આવૃત્તિનું નિવેદન ‘ચન્દ્રકાન્ત બક્ષીથી ફેરો–' મારું પહેલું વિવેચનપુસ્તક. પૂરાં વીસ વર્ષ પછી એની આમ બીજી આવૃત્તિ થાય છે તેનો ખાસ્સો આનન્દ છે. વીસ વર્ષમાં મેં શું કર્યું? આ પુસ્તકમાં અન્યત્ર છાપેલી મારાં પ્રકાશનોની સૂચિ જોવાથી તોલ બાંધી શકાશે. ગુજરાતી નવલકથાકારે શું કર્યું? જવાબ એ છે કે વિકાસ નામે કંઈ નહીં. – જૈસે થે. સાતમા દાયકાનો આ નવોન્મેષ, અપવાદો બાદ કરતાં, ખાસ વિકસ્યો નહીં, હિંગરાઈ ગયો. સ્વનાં અને અન્યોનાં અનુકરણોની ગુજરાતી-નવલકથા-પરમ્પરા આજે વીસ વર્ષે કદાચ વધારે વણસી છે. એનાં હતાં તે ધોરણોય ક્યારેક તો ઝડપથી ધોવાતાં જણાયાં છે. વીસ વર્ષમાં ગુજરાતી નવલકથાના વિવેચને શું કર્યું? જવાબ એ છે કે એ-ને-એ પ્રશ્નોનું ચાવણું. દાખલા તરીકે, સમસામયિક વિવેચન-વાતોમાં વળી પાછું પૂર્વ અને પશ્ચિમ, પરમ્પરા અને પ્રયોગ, તળનું અને વિદેશી વગેરે પછાત માનસ ઊથલો મારી રહ્યું છે. એવી માનસિકતાના ધારકો ત્યારે હતા, આજે પણ છે. તેવાઓને આ પુસ્તકનું અંતિમ પ્રકરણ કાળજીથી વાંચી જવા ત્યારે ભલામણ કરેલી, આજે પણ કરું છું. વીસ વર્ષે એ-ની-એ ભલામણ કરવી પડે એનું માત્ર દુઃખ છે. ત્યારે આ પુસ્તકને અનેક અવલોકનો વડે ગુજરાતી વિવેચનાએ વધાવી લીધેલું તે યાદ આવે છે. મેં જોયું છે કે મારું આ પુસ્તક અધ્યાપકો અને વિદ્યાર્થીઓમાં વધારે વંચાતું રહ્યું છે, તેની સતત માંગ રહી છે. અમુક વિવેચકોમાં એની ગુણવત્તાને મેં પ્રસરતી. પણ જોઈ છે. આ બધી હકીકતો પણ એમ જ સૂચવે છે કે આ પુસ્તકને ઉમળકાભર્યો આવકાર મળેલો છે. પરન્તુ આ પુસ્તકનો જે ખરેખરો વિશેષ છે તેની જ વિરુદ્ધ હમણાં-હમણાંના અગ્રણીમાં ખપવા લાગેલા કોઈ-કોઈનો અધકચરો રિમાર્ક એ છે કે આ પુસ્તક છાપગ્રાહી છે, સંસ્કારગ્રાહી, ઈમ્પ્રેશનિસ્ટિક – એટલે કે, એનામાં વિવેચનાત્મકતા ઓછી છે, અથવા નથી : સુજ્ઞોએ જોયું છે કે અહીં ચર્ચાયેલી દરેક નવલકથાને સૌ પ્રથમ તો મેં એના સ્વ-રૂપમાં ઝીલી છે, મારા ભાવવિશ્વમાં ધારી છે અને એથી જન્મેલા કલાનુભવમાં વળી પાછી અવધારી છે. ધારણા-અવધારણાના એ ક્રમ-ઉપક્રમમાં કૃતિ અને ભાવક વચ્ચેના આવશ્યક મુકાબલાની ભૂમિકા વાંચી શકાય. દરેક નવલકથાને વિશેનું કંઈ પણ લિખિત પછી તો એ આગવી ભૂમિકાની જ પેદાશ બની રહ્યું છે. અલબત્ત તેનો રૂપ, સૌન્દર્ય વગેરે વ્યાપક કલામૂલ્યો સાથેનો, આધુનિક સંવેદના સાથેનો, સર્જકતા, પ્રયોગ કે ટેકનિક જેવાં ઉપકરણો સાથેનો જરૂરી વિવેચનાત્મક મુકાબલો પણ ત્યાં જ મંડાયો છે – બલકે અંતે જતાં તો કૃતિ-ભાવક ભૂમિકાનું કૃતિ-વિવેચન ભૂમિકામાં રૂપાન્તરણ થઈ ગયું છે એમ જ કહેવું પડશે. બીજા શબ્દોમાં એમ કહેવાય કે કૃતિના ઉચિત વિવેચન અર્થે કશી પૂર્વ-પ્રમાણિત સિદ્ધાન્ત-ભૂમિકાને સ્થાને અહીં મેં કલાનુભવ-ભૂમિકાને પૂરા ખુલ્લા મને પ્રગટવા દીધી છે. `આ પુસ્તક કોઈ એક અભિગમથી લખાયું નથી' એવા મારા વચનનો છેલ્લો મર્મ તો એ છે. તેથી, રૂપનિર્મિતિની ઉપકારકતા તપાસવી તે પુસ્તકના સમગ્ર લખાણમાં એક અકાટ્ય રસમ રહી છે. પણ વસ્તુ અને તેના ઝીલણથી રૂપનિર્મિતિ અલગ ન હોઈ શકે – સર્જકપક્ષે ય નહીં, વિવેચનપક્ષે ય નહીં. જો હોય તો એ કશીક અગાઉથી તારવી લીધેલી વિભાવના જ હોય. લખાણ રૂપની ઉપકારકતા ઉકેલતું વિસ્તર્યું છે, કહો કે સર્જક-શોધને અનુસર્યું છે, અનુવર્ત્યું છે. દરેક નવલકથાની સર્જક-શોધને ઓળખાવનારી અતિ મુખર લાક્ષણિકતાઓને દરેક વખતે મેં નામ પાડીને કહી બતાવી છે. દરેક પ્રકરણના પ્રાસ્તાવિક ભાગમાં આ વાતનું સમર્થન શોધી શકાશે. વળી જે-તે કૃતિનો નવલકથાના ઇતિહાસમાં કંઈ ઉમેરો છે કે કેમ તે પણ તપાસ્યું છે. સમગ્ર લખાણની એકંદર ચાલ કિંચિત્ આસ્વાદ્યત્મક અને વધારે તો મૂલ્યાંકન-તરફી રાખી છે. સાહિત્યકૃતિ ભાષાની બનેલી છે માટે લગભગ હમેશાં ભાષાતપાસને અનિવાર્ય મુદ્દો લેખ્યો છે. આમ વસ્તુ અને રૂપની એક અને અભિન્ન હસ્તીને ચોમેરથી ભેદતા અને કૃતિ-વિશેષનું આકલન કરી મૂલ્યાંકનની દિશામાં ગતિ કરતા વિવેચનને `છાપગ્રાહી કહેવાતું હોય, તો કહેનારની ‘વિવેચન' અને છાપગ્રાહી’ બંનેને વિશેની સમજને અંગે મને શંકા પડે છે. વળી, છાપગ્રાહી કે સંસ્કારીગ્રાહી હોવું તે બધી જ વખતે દોષરૂપ નથી એ જાણવું પણ એટલું જ જરૂરી છે. કેમકે, તો તો સંસારની કોઈપણ કૃતિ કે કલાકૃતિની પ્રાણભરપૂર વાત તો ક્યારેય કરી શકાશે જ નહીં! ખરેખર તો કશા કલાનુભવને ચાતરીને ચાલવું ને માસ્તરોએ શોધેલી પારિભાષિક સિધ્ધાન્ત-ચીપોને આમતેમ ચોંટાડ્યા કરવી એ જ વિવેચન નથી -વિવેચન-નામે બુદ્ધિનો વ્યભિચાર છે. આપણું પરમ્પરાગત વિવેચન ત્યારે એથી બચી શક્યું નહોતું- અને મારી ત્યારે એ તો મોટી ફરિયાદ હતી! પ્રથમ આવૃત્તિના ‘નિવેદન’માં મેં લખ્યું જ છે : “કૃતિમાંથી બાંધી શકાતું વિવેચન જ આ લખનારને મન જે કંઈ છે તે છે. બીજી બધી – પંતુજીગીરી છે. ગુજરાતી વિવેચક-સાહેબોએ વિવેચન-અવતરણોનાં વાઘા-ચીંથરાં ઓઢાડીને, વિભાવનાઓનાં લટકણિયાં પહેરાવીને પોતાની વરવી દરિદ્રતાને વટાવ્યા કરી છે. વિદેશમાં સ્થિર થયેલાં વિવચેનધોરણોને આત્મસાત્ કર્યા વિના જોડ્ય રાખ્યાં છે.” આ દાખલામાં છાપગ્રાહી-સંસ્કારગ્રાહી-ઈમ્પ્રેશનિસ્ટિકનું ધોરણ પણ આત્મસાત્ થયા વિનાનું કાટલું જ છે એમ લાગે છે. ‘ઈન્ટેન્શનલ' અને ‘અફેક્શનેટ’ ફેલસીઝને વિશેના ‘નવ્ય વિવેચન’ના જમાનાનાં એ કે એવાં તમામ ધોરણોનું હવે તો અચ્છે નિરસન થઈ ગયું છે. તેની શું એ અગ્રણીમાં ગણાતાઓને ખબર નહીં હોય? કે પછી તેઓ ‘બ્રાહ્મણના ખભે કૂતરું-વાળી જ કરવા નીકળ્યા. છે? જો એવું કંઈ ન હોય, તો કિસ્સો બતાવીને ચર્ચો કે આ રહ્યું, આ છાપગ્રાહી- અને માટે દોષરૂપ. બાકી મને તો ખબર છે કે મોટા ભાગનાં પુસ્તકોને વિશેનાં આવાં વિધાનો પોતે જ છાપગ્રાહી હોય છે -પુસ્તક પર ઊડતી નજર કરવાથી પડેલી છાપવાળાં ને તેમાં સાહિત્યેતર આશયો ભળ્યા હોય છે તેથી ગંદી છાપવાળાં. સાચે જ, વીસ વર્ષમાં આપણા સાહિત્યકારની રીઢી મનોદશામાં કંઈ ફેર પડ્યો નથી. એવી અગતિકતા માટે કહેવાતા અગ્રણીઓ ઓછા જવાબદાર નથી એ વાત આમ વારે ને વારે નક્કી થતી આવે છે. આ પુસ્તકને સ્વસ્થચિત્તચર્ચાના લાભની આજે પણ એટલી જ જરૂરત છે, કેમકે એવા એવા બીજા લાભોથી આપણે સૌ ક્યારના વંચિત છીએ. દસ બાર વર્ષ પર અન્ય પ્રકાશન સંસ્થાના ઉપક્રમે આ પુસ્તકની બીજી આવૃત્તિ છપાતી હતી. પણ પછી પ્રેસ જોડે પ્રકાશકને કે પ્રકાશકને પ્રેસ જોડે કંઈક વાંકું પડ્યું તે છપાયેલા ફરમા રહ્યા ત્યાંના ત્યાં, ધૂળ ખાતા- આજની ઘડી ને કાલનો દા'ડો! પાર્શ્વ પ્રકાશનના માલિક બાબુભાઈએ આ નવેસરની આવૃત્તિ વડે આ પુસ્તકને આપણા સૌ માટે સુલભ કર્યું છે એનો પણ ખાસ્સો આનન્દ જ છે. આભાર નહીં માનું પણ આ પુસ્તકનાં પ્રૂફરીડિન્ગમાં મદદ કરીને પારુલ રાઠોડે મને આભારવશ જરૂર કર્યો છે. ૨૪ એપ્રિલ, ૧૯૯૪ – સુમન શાહ