અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મકરન્દ દવે/પ્રભુએ

Revision as of 20:00, 6 July 2022 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પ્રભુએ બંધાવ્યું મારું પારણું રે લોલ

મકરન્દ દવે


પ્રભુએ બંધાવ્યું મારુ પારણું રે લોલ,
પારણીયે ઝૂલે ઝીણી જ્યોત રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

નભથી પધારી મારી તારલી રે લોલ,
અંગે તે વ્હાલ ઓતપ્રોત રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

લેજો રે લોક એનાં વારણા રે લોલ,
પુત્રી તો આપણી પુનાઈ રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

ઓસરિયે, આંગણિયે, ચોકમાં રે લોલ,
વેણીના ફૂલની વધાઈ રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

ગૌરીનાં ગીતની એ ગુલછડી રે લોલ,
દુર્ગાના કંઠનો હુંકાર રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

બાપુની ઢાલ બને દિકરો રે લોલ,
કન્યા તો તેજની કટાર રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

ઉગમણૅ પ્હોર રતન આંખનું રે લોલ,
આથમણી સાંજે અજવાસ રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

રમતી રાખો રે એની રાગિણી રે લોલ,
આભથી ઊંચેરો એનો રાસ રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.




આસ્વાદ: પુત્રીજન્મનાં વધામણાં – વિનોદ જોશી

દીકરી વિનાનો બાપ અધૂરો બાપ છે. એક પિતા તરીકે પૂર્ણ પ્રતીતિ દીકરી ન હોય તેવા પુરુષને કદી થઈ શકે નહીં. પુત્રજન્મ માટે માનતાઓ રાખનારાં દંપતી મળશે પણ પુત્રીની અભિલાષા સેવીને આવું કોઈ કરતું હોય તેવું ભાગ્યે જ બનશે. દીકરો અને દીકરી બન્નેનાં માથે હાથ મૂકી જોનારો બાપ દીકરીના માથેથી હાથ લે છે ત્યારે એનાં ટેરવાંમાં સ્પર્શનો કલરવ છલકાતો હોય છે. હેતાળ નદીનું વહાલસોયું વહેણ હથેળીની રેખાઓમાં વહેવા લાગ્યું હોય છે. દીકરો એક સજ્જડ સ્તંભ છે. દીકરી ફરફર લહેરાતી ધજા છે. દીકરી બાપ સાથે વાત કરે છે ત્યારે એની જીભ નથી બોલતી, આંખો બોલે છે. વત્સલ હિલોળા લેતી એની નજરના ઝૂલે ઝૂલતો બાપ ઘડીભર જાણે બાળક જેવો બની જાય છે. વહાલની ટપલી ઝીલતી દીકરીને અંગેઅંગ જૂઈનાં ફૂલ ખીલ્યાં હોય તેવું લાગે છે. બાપની છાતીમાં માથું ઢાળી દેતી દીકરી માળામાં લપાઈ જતી પારેવડી જેવી લાગે છે. એના ઘુઘવાટ હોય કે આંસુ, બાપનું હૈયું એ ઝીલવા માટે સદા દરિયાસમું વિસ્તરતું હોય છે. બીજાંનાં સંતાન જોઈ નિઃસંતાન દંપતીને થતી પીડાની વાત તો કોઈ કરે, પણ કોઈ બાપને લાડ કરતી દીકરીને જોઈ દીકરી વગરના બાપને શું શું થતું હશે તેની વાત કોઈ કેમ કરતું નથી? આપણા મસ્ત કવિ મકરંદ દવેએ તો પુત્રીજન્મનાં વધામણાંનું આખું કાવ્ય જ આપી દીધું. જાણે આ કાવ્ય જ દીકરી બનીને અવતરી ન આવ્યું હોય! કવિ બોટાદકરે ગૃહજીવનનાં પાત્રોને લઈને ઘણી સુંદર ગીતરચનાઓ આપી છે. તેમાં નણદી પણ હોય, ભાભી પણ હોય, સાસુ પણ હોય, દિયર પણ હોય. એક નારી ગૃહજીવનનાં આ પાત્રોને પોતાના સંદર્ભમાં કઈ રીતે અવલોકે છે અને એમની સાથે નિજનો નાતો કઈ રીતે જોડે છે તેનું અત્યંત રસાવહ આલેખન બોટાદકરે કર્યું છે અહીં તો આ કાવ્ય જાણે કવિની ખુદની ઉક્તિ હોય એવી રીતે ઊતરી આવ્યું છે. પારણામાં સૂતેલી દીકરી માટે કવિ એક લાક્ષણિક ઉપમાન રચે છે. તેઓ ખહે છે તેમ ‘પારણિયે ઝૂલે ઝીણી જ્યોત રે.’

વાત દીકરી વિશે થઈ રહી છે તેવી કોઈ જ સ્પષ્ટતા કર્યા વગર સીધો જ ‘ઝીણી જ્યોત’ જેવો સંદર્ભ રચી આપવા પાછળ કવિનો વિરલ કાવ્યવિવેક છે. અહીં ‘ઝીણી’ અને ‘જ્યોત’ એ બન્ને શબ્દો દીકરીનો અર્થ પમાડવા માટે કામિયાબ નીવડે તેવાં નથી, છતાં પારણું શબ્દથી જ નવજાત શિશુની ચિત્તમાં અંકાયેલી છબીનો લાભ લઈ કવિ એક નાની દીવડીનો સંકેત કરી આપે છે ત્યારે તેમાંથી દીકરીનો અર્થ આપોઆપ સપાટી પર પ્રગટી આવે છે. સાહચર્યોનો સમુચિત ઉપયોગ કરવાની કવિની શક્તિ પર વારી જવું પડે તેવું છે. આ જ્યોત ભલે ‘ઝીણી’ રહી પણ તેનાં અજવાળાં ‘અદકાં’ છે. વળી એ અધિકતા બીજે ક્યાંયથી નહીં, પણ એની આંખોમાંથી પ્રસરી રહી છે. ટગર ટગર આંખ માંડીને સામે ટાંપી રહેલી એ કુમળી કળી જેવી દીકરીની કલ્પના કરીએ તોપણ હૈયું સભર સભર થઈ જાય! કવિ તો કહે છે એ પોતાનાથી અળગી છે જ નહીં.

‘નભથી પધારી મારી તારલી રે લોલ

અંગે અંગે તે ઓતપ્રોત રે’

એનાં થાનક ઊંચેરાં છે એટલું જ નહીં, એ અહીં આવીને અંગે અંગે ઓતપ્રોત થઈ ગઈ છે. કવિ અહીં ‘અડોઅડ’ નહીં પણ ‘ઓતપ્રોત’ કહે છે તે બહુ સૂચક છે. કવિ કહે છે તેમ દીકરીનાં ઓવારણાં એટલે લેવાં જરૂરી છે કે તે પુણ્યની પ્રસાદી છે. એનાં વધામણાં તો એક અવસર છે. દિવ્યલોકમાં દેવોને જ સુલભ એવું અમૃત આ પૃથ્વી પર એ લઈને આવી છે. એને જો હેત ન કર્યું તો સમજી લેવું કે સ્વર્ગનું સુખ હાથે કરીને હાથમાંથી ખોયું. હેતના સિંચનથી જ એ વેલી લીલીકુંજાર બની જાય છે અને એની સ્વપ્નિલ ઘટામાં વત્સલ મોર ટહુકવા લાગે છે. આ દીકરીને વ્રતની સામગ્રી લઈ ગૌરીને પૂજવા જતી જોઈએ ત્યારે લાગે કે જાણે કોઈ ઝરણું નદીની ચાલ ચાલતાં શીખી રહ્યું છે. એની નાનકડી પગલીઓમાં એનાં સ્વપ્નોની બારી ખૂલી રહી છે. કવિ એને યોગ્ય રીતે જ ગૌરીના ગીતની ગુલછડી તરીકે ઓળખાવે છે. તેથી સાથે જ એને દુર્ગાના કંઠના હુંકાર તરીકે ઓળખવાનું પણ તેઓ ચૂકતા નથી. આખા કાવ્યમાં માત્ર એક વાર દીકરાનો ‘બાપુની ઢાલ’ તરીકે ઉલ્લેખ કરી કવિ તેની સમાંતરે દીકરીને ‘તેજની કટાર’ કહી, તેના આત્મગૌરવ પર એક વિશેષ કલગી લગાવે છે. દીકરી નાની હોય ત્યારે કે મોટી હોય ત્યારે, એ હંમેશાં મા-બાપ માટે એકસરખી જ છે. માબાપને નાની ઉંમર અને મોટી ઉંમરનો ભેદ હોય તોપણ ‘આંખનું રતન’ બનીને રહેતી દીકરી પાછલી ઉંમરની સાંજનો અજવાસ બનીને પણ માબાપને ધન્ય કરતી હોય છે. ‘ઉગમણો પહોર’ અને ‘આથમણી સાંજ’ એમ કહી કવિએ વયભેદનો સંદર્ભ કાવ્યાત્મક ઢબે આલેખ્યો એ તો ખરું પણ દિશાભેદ પણ તેમાં સૂચિત છે. સામસામા બે છેડે પણ જે ‘રતન’, ‘અજવાસ’ને વિસ્તારી શકે છે તે દીકરી છે. કવિ તેથી જ એની રાગિણી કદી ન વિલાય તેની ખેવના રાખવાનું રીતસર સૂચવી નાખે છે. ઝીણી નકશીદાર કવિતામાં આવી શીખ આસાનીથી ઓગળી જાય તેવું ભાગ્યે જ બને. પણ અહીં એવું બન્યું છે. કારણ કે એ રાગિણી છેડી રહેલી દીકરીનો રાસ આભથીયે ઊંચો છે. નરસિંહે કૃષ્ણને રીઝવી રાસલીલાનાં દર્શન કર્યાં હતાં. પણ એ રાસ પૃથ્વી પર રમાયો હતો. આ તો કૃષ્ણ પણ ન દેખાડી શકે તેવી, કૃષ્ણને પણ દુર્લભ એવી રાસલીલા છે. એનાં વધામણાં ન કરી શકે એનો જન્મારો નિષ્ફળ. એનાં વધામણાં કરી શકે એને ભયોભયો, દીકરી વહાલનો દરિયો નથી, એ ધવલ ચાંદનીની મંદ મંદ ધારા છે. ખારી ખારી નહીં, મધથી પણ મીઠી!




મકરન્દ દવે • પ્રભુએ બંધાવ્યું મારું પારણું રે લોલ • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: ગાર્ગી વોરા અને અમર ભટ્ટ