અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સૈફ પાલનપુરી/દિલનું નિવેદન

Revision as of 20:46, 6 July 2022 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
દિલનું નિવેદન

સૈફ પાલનપુરી

નિસ્બત છે અમારે ધરતીથી,
         તુજ સ્વર્ગનું વર્ણન કોણ કરે?
ઘર-દીપ બુઝાવી નાખીને,
         નભ-દીપને રોશન કોણ કરે?

જીવનમાં મળે છે જ્યાં જ્યાં દુ:ખ,
         હું જાઉં છું ત્યાં ત્યાં દિલપૂર્વક,
મારાથી વધુ મુજ કિસ્મતનું
         સુંદર અનુમોદન કોણ કરે?

વિખરેલ લટોને ગાલો પર,
         રહેવા દે, પવન! તું રહેવા દે,
પાગલ આ ગુલાબી મોસમમાં,
         વાદળનું વિસર્જન કોણ કરે?
આ વિરહની રાતે હસનારા,
         તારાઓ બુઝાવી નાખું, પણ;
એક રાત નિભાવી લેવી છે,
         આકાશને દુશ્મન કોણ કરે?

જીવનની હકીકત પૂછો છો?
         તો મોત સુધીની રાહ જુઓ,
જીવન તો અધૂરું પુસ્તક છે,
         જીવનનું વિવેચન કોણ કરે?
લાગે છે કે સર્જક પોતે પણ
         કંઈ શોધી રહ્યો છે દુનિયામાં,
દરરોજ નહિ તો સૂરજને,
         ઠારી, ફરી રોશન કોણ કરે!

છે હોઠ ઉપર એક સ્મિત સતત
         ને આંખ હસે છે ‘સૈફ’ સદા,
દિલને તો ઘણાં દુ:ખ કહેવાં છે
         પણ દિલનું નિવેદન કોણ કરે?




આસ્વાદ: નિરુત્તર પ્રશ્નોનો કાવ્યાત્મક ઉઘાડ – વિનોદ જોશી

‘સૈફ' પાલનપુરીનું નામ પરંપરિત ગુજરાતી ગઝલમાં ઘણું મોટું છે. પરંપરાના ગુજરાતી ગઝલકારોએ એમની ગઝલોમાં મનુષ્યજીવનને અનોખા અંદાજથી પેશ કર્યું છે. તેમાં જીવન પરત્વે ખુમારી અને દર્શન બેઉ સાંપડે છે. અભિવ્યક્તિની સચોટતા અને ધારી અસર નિપજાવવાનું કૌવત પણ તેમાં દેખાય છે. ‘સૈફ' પાલનપુરીની આ ગઝલમાં એ જોઈ શકાય છે.

જીવન સાથે દુઃખનો સંબંધ અવિચ્છિન્ન છે. કવિ એને દિલથી સ્વીકારે છે. એ જાણે પોતાની મોંઘી જણસ છે. શાયર અમૃત ‘ઘાયલ’નો એક શે'ર યાદ આવે છે:

‘દેવા સમું જે દિલ હતું, આપી દીધું અમે,

આ દુઃખ છે પણ એ આપવા જેવી જણસ નથી.’

અહીં તો કવિ દુઃખી હોવું એ પરિસ્થિતિનું અનુમોદન કરાવવાનો કેવળ પોતાનો જ અધિકાર છે તેમ કહી દુઃખની મહત્તા વધારે છે. દુઃખને પણ દિલપૂર્વક સ્વીકારવાનો વિવેક અહીં છતો થાય છે એટલું જ નથી પણ જીવનનો ખરો અર્થ દુઃખમાં જ સમજાતો હોય છે તેવી ફિલસૂફી પણ અહીં ઝબકે છે. હવેના શેરમાં એક અત્યંત રોમૅન્ટિક અને રાગાવેગભરી સાવ નવી જ કલ્પના સાંપડે છે. અહીં પવનને સંબોધન છે. કેવળ સંબોધન જ નથી, વિનીત આજ્ઞા પણ છે. કોઈ શુભાંગીના નમણાં વદન પરે વિખરાઈને પડેલી, ગાલોની સુરખીથી છલકાતી અલક લટોને યથાસ્થાને જ રહેલી જોવાનો કવિનો ઉત્કટ અભિલાષ છે. પવન એ લટોને ખસેડી દે તેવી સ્થિતિ કવિને માન્ય નથી. એ તો આ રમણીય સૌંદર્યશ્રીના આકંઠ પાનમાં મગ્ન છે. આ દર્શન જ ગુલાબી મોસમનો અનુભવ આપવા લાગે તેવું છે. એ કોઈને પણ પાગલ કરી મૂકે. કવિ પોતે પાગલ બન્યાનું આરોપણ ગુલાબી મોસમને બહાને કરે છે. આ ગુલાબી મોસમનું તેઓ ગુલાબી ગાલો થકી જ વિસ્તરણ કરે છે. કવિ કલ્પના કરે છે કે ગાલો પર વિખરાઈને પડેલી આ કેશઘટા જાણે એવાં વાદળ છે કે તેનું વિસર્જન કરવાનું કોઈને મન ન થાય. એક સુરમ્ય કલ્પન નિપજાવી કવિ ગઝલના મિજાજને અનુરૂપ મીનાકારી અહીં દાખવે છે.

આપદ્‌સ્થિતિમાં આશ્વાસન કેમ લઈ શકાય તેનો તકાજો હવે પછીના શે'રમાં છે. અહીં સંદર્ભ વિરહનો છે. વિરહની રાત વેઠી ન જાય ત્યારે કોના પર વેર લેવું તે સમજાતું નથી. વળી આવા કપરા સમયે ઠેકડી ઉડાડનારા પણ મળી આવે. કવિ અહીં એવી મશ્કરી કરનારા તારાઓને રોષપૂર્વક જુએ છે. એ સહુને બુઝાવી નાખવા સુધીનું ખુન્નસ પણ અનુભવે છે. પણ આ તો ક્ષમાશીલ પ્રેમીએ વેઠવા પડતા વિરહનો મામલો છે એટલે કવિ આશ્વાસન લઈ લે છે.

‘એક રાત નિભાવી લેવી છે 

આકાશને દુશ્મન કોણ કરે?'

કવિ કહે છે તેમ જીવનનું કોઈ ભાષ્ય થઈ શકે નહીં. જો તે કરવું હોય તો મોત સુધી રાહ જોવી પડે અને મોત આવી ગયા પછી જીવનની મીમાંસા કરવા રહેવાનું હોતું નથી. કવિ ઉમેરે છે કે જીવન તો અધૂરું પુસ્તક છે, જીવનનું વિવેચન કોણ કરે? ક્ષણભરમાં જીવનના પ્રવાહને આમથી તેમ ઉથલાવી નાખનારી આકસ્મિક ઘટનાઓનો સંભવ જોતા કવિ જીવનને કશા અંતિમથી તોળતા નથી. તેમાં ગમે ત્યારે આવી શકનારાં પરિવર્તનનો સંભવ જુએ છે. જે સંપૂર્ણ નથી તેનું વિવેચન કદી અંતિમ હોઈ શકે નહીં. જીવન કદી મૃત્યુ પૂર્વે સંપૂર્ણ હોઈ શકે નહીં. એટલે જીવનને અધૂરા પુસ્તક રૂપે જોવું જ ઇષ્ટ છે. સંભવ છે કે હજી ન જિવાયું હોય તે જીવનનું કોઈ એવું પ્રકરણ ઉમેરાય, જે આખી જીવનકિતાબને કોઈ નવો જ વળાંક આપી દે. અહીં એ પણ સમજાય છે કે જીવનનું વિવેચન નિરર્થક છે, જીવન જ મહત્ત્વનું છે. રૂપા બાવરી'નો એક શે'ર યાદ આવે છે:

‘દર્દ બઢને લગા હૈ સીને મેં,

અબ મઝા આ રહા હૈ જીને મેં.

આપણા આ કવિ પણ ‘દિલપૂર્વક દુઃખ પાસે જવાની વાત કરનારા અને એ રીતે જીવને એક જુદા જ દૃષ્ટિકોણથી જોનારા કવિ છે, એ જીવનમાં સતત કશુંક ઉમેરાતું જ અનુભવે ત્યાં પૂર્ણતાનો અંદાજ કઈ રીતે પામી શકે? કવિને કશાકની ખોજ છે તે સમજાય છે. પણ કવિને આ સૃષ્ટિનો સર્જક પણ કશુંક શોધી રહ્યો છે તેની ખબર છે, તેની પ્રતીતિ પણ અહીં થાય છે. દિવસભર અજવાળું કરી સાંજે તેને બુઝાવી નાખનારો આ મહાસર્જક વળી બીજે દિવસે સવારે અજવાળું કરે છે તેનો અર્થ એ જ કે એની ખોજ હજી બાકી રહી છે. કવિના મુખે આ વાત થઈ રહી છે એટલે તેમાં લાક્ષણિક ઢબ ભળી છે. કેવળ અજવાળું અને અંધારું વારાફરતી થાય છે તેમ કહેવું એ તો સામાન્ય વાત થઈ ગણાય. કવિ તો અહીં સૂરજને ઠારવાનો અને પેટાવવાનો કવિવિશિષ્ટ હવાલો આપે છે. શોધ એ કદી કોઈ અંતિમ સુધી નહીં પહોંચનારો પ્રયાસ હોય છે. એક શોધ તરત જ બીજા રહસ્યને ઉજાગર કરતી હોય છે. આવી શોધ માટે કોઈ દીવો પ્રગટાવવો જરૂરી હોય છે. ઘણી વાર એક દીવાને અજવાળે બીજો દીવો પ્રગટાવવા જતાં જિંદગી બુઝાઈ જતી હોય છે. પણ પ્રકાશ અને અંધકારની આ અનંતલીલા તો સર્વદા ચાલ્યા જ કરતી હોય છે.

છેલ્લા શે'રમાં કવિ જાણે એક પ્રકારના સમત્વને ધારણ કરી રહ્યા હોય તેમ કબૂલાત કરતાં કહે છે :

‘દિલને તો ઘણાં દુઃખ કહેવા છે

પણ દિલનું નિવેદન કોણ કરે?’

એ નિવેદન થઈ શકતું નથી માટે જ કદાચ કવિ હોઠ અને આંખોને હસતા રાખે છે. એ વંચના હોય તો પણ તે કર્યો જ છૂટકો છે. તેવું વ્યવહારનું સત્ય પણ અહીં ઉકલે છે. કવિ હર્ષદ ચંદારાણાએ લખ્યું છેઃ

‘કેટલાંક દુઃખની કવિતા કરવી નથી

અને

કેટલાંક સુખની કવિતા થઈ શકતી નથી’

આ અજંપો જ એક સમાધાન પ્રત્યે દોરી જતો હોય છે. આ પરિસ્થિતિમાં લાચારી કે શરણાગતિ નહિ પણ વ્યવહારધર્મને નિભાવવાની વાત કેન્દ્રમાં કવિ કેવળ ઉદ્ગારો જ કરી જાણે તેવું નથી, એ જીવનસત્યનો ઉદ્ગાતા છે. અને એ કારણે જ તેનું સ્થાન મહિમાવંતું છે. ‘કોણ કરે?' એવા પ્રશ્નનો ઉત્તર આપ્યા વિના પણ કવિ તેના ઉત્તરોની બારીઓ અહીં ખોલી આપે છે. શબ્દોમાં બંધાતી કવિતા આપણા ચિત્તમાં પ્રવેશીને ઊઘડી જાય છે. કવિતાનો કીમિયો એટલે જ તો કારગત નીવડે છે.