વ્યાજનો વારસ/સ–કલંક મયંક

Revision as of 10:22, 7 July 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સ–કલંક મયંક|}} {{Poem2Open}} કેસરિયાજીની જાત્રામાં આભાશા તેમ જ લશ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સ–કલંક મયંક

કેસરિયાજીની જાત્રામાં આભાશા તેમ જ લશ્કરી શેઠનાં કુટુંબો ભેગાં થઈ ગયાં હતાં.

સવારનો પહોર હતો. ઈડરે પંચરત્નાનિ ભ્રુગુ બ્રહ્મા ગદાધર, ચતુર્થ કલનાથશ્વ પંચમો ભુવનેશ્વર : એવી પંચરત્નથી વિભૂષિત ઈડર પ્રદેશની પડોશમાં આવેલ આ તીર્થક્ષેત્ર પોતાની કલા અને સ્થાપત્ય–સમૃદ્ધિ વડે મેવાડની ભૂતકાલીન જાહોજલાલી અને ગૌરવની યાદ તાજી કરાવતું હતું. સુલેખા આ રમણીય સ્થળમાં ઊભી ઊભી કેટલાંક મૂર્તિવિધાનોનું નિરીક્ષણ કરી રહી હતી અને થોડી થોડી વારે પોતાના હાથમાંના મોટા ચિત્રફલક ઉપર એકાદ રેખા દોરતી હતી. મૂર્તિવિધાનના રસાસ્વાદમાં સુલેખા એટલી તો ગુલતાન બની ગઈ હતી કે તેના માથા ઉપરથી ઊતરી ગયેલો સાળુ પવનના ઝપાટામાં ઉરપ્રદેશ ઉપરથી પણ ક્યારે સરકી ગયો એનો એને ખ્યાલ નહોતો રહ્યો. નીચે ચારે બાજુ મન મૂકીને ખીલી નીકળેલાં કેસૂડાંનાં વન હસતાં હતાં. લીલાંછમ ઝુંડો વચ્ચે આછી આછી પવનલહરીમાં અદાપૂર્વક આમથી તેમ ડોલતાં લાલચટાક પુષ્પો લીલાછમ બિછાતમાં વણેલા કેસરી રંગના વેલબુટ્ટાની યાદ આપતાં હતાં. દૂર દૂર ચોરવાડી અને ખેટવાડ તરફ ખાખરાનાં જંગલો ઝૂલી રહ્યાં હતાં. એ બધા ઉપરથી હીંચોળા ખાઈને કેસરિયાજી ઉપર વીંઝાતા વાયરામાં સુલેખાનો સાળુ સઢ બનીને ફરફરાટ કરી રહ્યો હતો. ચોતરફ લચી પડતી હરિત વનરાજિની વચમાં શ્વેત ​વસ્ત્રોમાં સજ્જ થયેલી સુલેખા આ મૃત્યુલોકમાં ઊતરી આવેલી કોઈ યક્ષકન્યા જેવી લાગતી હતી.

અત્યારે સુલેખા ‘સુરૂપકુમાર’ નામના ચિત્ર માટે કલ્પનાવિધાન કરી રહી હતી. ‘પુરુષ’ અને ‘પ્રકૃતિ’ના સુભગ સંયોગના પરિણામ રૂપી વિશ્વના સમસ્ત જીવિતોના રૂપના પ્રતીક શા આ ચિત્રની વ્યક્તિને ‘સુરૂપકુમાર’, એવું નાજુકાઈભર્યું એણે નામ આપ્યું હતું. શૃંગારહાસકરુણવીર–રૌદ્રભયાનકાઃ બિભત્સાદભુતશાન્તાશ્વ નવચિત્રરસા સ્મૃતાઃ – ચિત્રકલાના નવેય પ્રકારના રસનિષ્પાદનનાં ભાવપ્રતીકો સુલેખાની જીભને ટેરવે હતાં. નજર સામેના જ શિલ્પમાં અજબ સાત્ત્વિક શૃંગારરસે ભર્યાં ભોગાસનોનાં દૃશ્યો ખડાં હતાં. શૃંગારરસની નિષ્પત્તિ માટેની સામગ્રી સૂચવતું કાન્તિલાવણ્ય લેખામાધુર્ય સુન્દરમ્‌, વિદગ્ધવેશાભરણં શૃંગારે તુ રસે ભવેત સુભાષિત ક્યારનું સુલેખાના મનમાં ઘોળાયા કરતું હતું. પણ એ પ્રકારની કાન્તિ, લાવણ્ય, રેખામાધુર્યની સુંદરતાવાળી તેમ જ વિદગ્ધ વેશ અને આભરણવાળી કોઈ વ્યક્તિનું અવલંબન સુલેખાને સાંપડી શક્યું નહોતું : કોઈ વ્યક્તિમાં કાન્તિ હોય તો લાવણ્ય ન હોય, અને લાવણ્ય તેમ જ કાન્તિ બન્ને હોય તો રેખામાધુર્યની ખામી હોય. બધી જ રીતે સુંદર કહી શકાય એવી વ્યક્તિ માટે સુલેખાની આંખો ખોજ કરી રહી હતી.

રિખવ સવારના પહોરમાં નાહી–ધોઈ, પૂજા કરીને પાછો વળતો હતો. તેના કાન્તિમય ખુલ્લા શરીર ઉપર અર્ધે ભાગે સાચા રેશમની પીતાંબરી શોભતી હતી. શરીર આખું સુખડચંદનથી મહેક મહેક થતું હતું. અંગેઅંગમાંથી, ઊગતી યુવાનીનું લાવણ્ય નીતરતું હતું. અનાયાસે જ તેની નજર વાંસો વાળીને ઊભેલી સુલેખા ઉપર પડી. ઘડીભર તો રિખવને ભ્રાંતિ થઈ આવી કે પોતે સ્વપ્નભોમમાં વિહરે છે કે શું ! કે પછી આ તો રસસ્વામી કવિ કાલિદાસની સૃષ્ટિનું પાત્ર છે ! તરંગભ્રૂભંગા ક્ષુભિત વિહંગશ્રેણિરસના… ​ વિકર્ષન્તી ફેનં…!

...નાસી જતી ઉવર્શી આ પોતે તો નહિ હોય ? હા, આણે પણ તરંગ જેવાં જ ભવાં ચઢાવ્યાં છે. ખળભળી ઊઠેલાં પક્ષીઓની ૫ંક્તિ રૂપી મેખલા છે... અને ફીણ રૂપી ઉતાવળમાં ખસી ગયેલું વસ્ત્ર ખેંચી રહી છે...

રિખવના હૃદયમાં ઘડીભર તો જાણે કે પુરુરવાનું લાગણીતંત્ર આવીને અકબંધ ગોઠવાઈ ગયું. સુલેખાના ઉરપ્રદેશ ઉપરથી પણ ઉતાવળમાં ખસી ગયેલો સાળુ પવનના એકધારા ઝપાટામાં એવો તો વંટોળે ચડ્યો હતો કે સુલેખા એને ગોઠવવા મથતી હતી તેમ તેમ તો જાણે કે એ હઠપૂર્વક હાથમાંથી સરકી જતો હતો, આમ તો રિખવ અને સુલેખા છેક બાળપણનાં સ્નેહી હતાં. પણ આવા સ્વરૂપમાં રિખવે સુલેખાને કદી જોઈ નહોતી. સુલેખા આટલી બધી સુંદર અને કમનીય છે એ આટલું સ્પષ્ટપણે આજે જ જાણ્યું. બેએક વર્ષ પહેલાં રિખવે વીસપુરમાં જોયેલી સુલેખામાં અને અત્યારે નજર સામે ઊભેલી રસમૂર્તિમાં એને આકાશપાતાળ જેટલો ફેર લાગ્યો.

વિચારમાં ને વિચારમાં સારી વાર વીતી ગઈ ત્યારે રિખવને થયું કે પોતે છૂપી રીતે સુલેખાને ટીકીટીકીને જોઈ રહ્યો છે એ યોગ્ય નથી. પોતાની જાતને પ્રકટ કરવાનું એને મન થઈ આવ્યું. પણ એવી સીધી ને સાદી પદ્ધતિએ પોતે પ્રકટ થાય એ રિખવ જેવા રસિક જીવને શું રુચે ? પોતાના પ્રાકટ્યમાં પણ કશીક યુક્તિપ્રયુક્તિ કે મૌલિક નુસખો ન લાવે તો તો આટલાં વર્ષો સુધી શાસ્ત્રી માધવાનંદને ચરણે બેસીને કાલિદાસ જેવા કવિનો રસછલકતા સુધાકુંભ પીધો ન પીધો બધું સરખું જ ને ? આ પ્રસંગે પણ, રિખવ બાળપણની આદતને જ વફાદાર રહીને અને બિલ્લીપગલે ચાલીને પોતાના બન્ને હાથ વડે, વાંસો વાળીને સામેની શિલ્પકૃતિઓ નીરખતી સુલેખાની આંખો દાબી દીધી. ​ સુલેખા ચોંકી. જાણે કે કશાકથી દાઝી હોય એમ એ ધ્રુજી ઊઠી. બીજી જ ક્ષણે આટલી બધી છૂટ લેનાર વ્યક્તિ ઉપર એને અસીમ રોષ ચડ્યો, એ ગુસ્સામાં, રિખવની આંગળીઓ તળે દબાયેલાં સુલેખાનાં ભવાં પણ થોડાં ઊંચાં ચઢી આવ્યાં.

રિખવના મનમાં ફરી પેલી કલ્પના તાજી થઈ : તરંગ ભ્રૂભંગા...

અને કાવ્યમદિરાના નશામાં એણે સુલેખાની આંખો વધારે બળપૂર્વક દાખી.

ગભરાઈ ઊઠેલાં પક્ષીઓની જેમ સુલેખાનાં અંગેઅંગ ફફડી ઊઠ્યાં.

કાવ્ય-નશામાં ચકચૂર રિખવને બીજી કલ્પના યાદ આવી : 'ક્ષુભિત વિહગશ્રેણિરસના...'

અને સુલેખાની આંખો ઉપર રિખવની હથેળીઓની ભીંસ વધારે ભીડાઈ.

સુલેખાનો રોષ, અસહાયતા, અસ્વસ્થતા બધું વધી પડ્યું. ક્ષોભની માત્રા તો એટલી બધી વધી ગઈ કે પોતાનો સાળુ ખસી ગયો છે એનું ભાન થતાં બંધ આંખો છતાં એ છેડો ખેંચીને બરોબર ગોઠવવા લાગી.

રિખવનો કાવ્યાનુભવ પરાકાષ્ઠાએ પહોંચ્યો. મોટેથી એ બોલી પડ્યો : 'વિકર્ષતી ફેન...' અને અજબ મીઠાશથી ખડખડાટ હસી પડ્યો.

સુલેખા પોતાના બાલગોઠિયાનો પરિચિત સ્વર પારખી ગઈ અને તરત બોલી ઊઠી : 'રિખવ, છોડ લુચ્ચા !'

ફરી રિખવ વિજયધ્વનિથી ગાજતું ખડખડાટ હાસ્ય હસી પડ્યો અને સુલેખાની આંખ ઉપર ભીડેલી ભીંસ છોડી દીધી.

આછી ભૂરી ઝાંયે ઓપતી સુલેખાની આંખની ધોળી ધોળી ફૂલ જેવી ચામડી ઉપર રિખવની સુકોમળ છતાં મજબૂત હથેળીની ​ ભીંસટના લાલ લાલ ચાંભાં ઊપસી આવ્યાં હતાં !

પાંપણો પટપટાવીને સુલેખાએ દૃષ્ટિ સ્થિર કરી ત્યારે એની નજર સામે રિખવ પોતાના બેય હાથ કમ્મર પર ટેકવી હજીય હસ્યે જતો હતો.

સુલેખાનો રોષ આપોઆપ ઊતરી ગયો. વિહ્‌વળતા ઓછી થઈ ગઈ. એની જગ્યાએ પ્રફુલ્લ પ્રસન્તા છવાઈ રહી. ઘડીભર પહેલાંના ક્ષોભની જગ્યાએ ભારોભાર ઉ૯લાસ ઊભરાઈ રહ્યો. કોઈ સુમધુર માદક સ્વપ્નમાંથી જાગી હોય એટલો તૃપ્તિનો પરિતોષ સુલેખા અનુભવી રહી. થોડી વાર પહેલાં રિખવને થયું હતું તેમ સુલેખાને પણ આ અપૂર્વ મનોહર દૃશ્ય માટે ક્ષણવાર ભ્રાન્તિ ઊપજી આવી. હજી હમણાં જ જે મનોમૂર્તિનું પોતે રટણ કરી રહી હતી તે આટલા બધા સાંગોપાંગ સ્વરૂપમાં આકસ્મિક ખડી થશે એવું તો એણે સ્વપ્નેય નહોતું કલ્પ્યું… કાન્તિલાવણ્ય લેખામાધુર્ય સુન્દરમ્ વિદગ્ધ વેશાભરણં… એ આ જ મૂર્તિ તો નહિ ?

વાંચ્છિત વસ્તુની પ્રાપ્તિ થતાં જે આનંદલહરી ઊપજે એનો અનુભવ સુલેખા કરી રહી. ભાવોર્મિનો એક અદમ્ય ઉછાળો એના હૃદયમાં ઊછળી રહ્યો. એ હૃદયતાંડવનો મૂંગો છતાં સ્પષ્ટ સંદેશ સુલેખાના શરીરના અણુએ અણુએ સાંભળ્યો. આષાઢી મેઘના એ તડિત્–તોફાને સુલેખા એટલી તો અસહ્ય મીઠી વેદના અનુભવી રહી કે એ અસહ્યતાની સુમધુર પરાકોટિ અનુભવવા, જે ભુજાઓની હથેળીઓએ એની આંખો ભીંસી હતી એ ભુજપાશમાં પોતાની આખી દેહલતાને ભીંસાવવા માટે એ તલસી રહી. હમણાં ઊઠીને એ રિખવને કંઠે બાઝી પડશે એમ લાગ્યું. પણ બીજી જ ક્ષણે સુલેખાને પોતાની વર્તમાન સ્થિતિની અણગમતી યાદ આવી. પોતાની અવિવાહિત દશાનું ભાન થયું. ધસમસતા ઊર્મિ–ઉછાળાને એણે મહાપ્રયત્ને ખાળી રાખ્યો અને ધીરે ધીરે શમાવ્યો. એ કષ્ટભર્યા શમનનો પરિશ્રમ સૂચવતો એક મનોહર નિસાસો નાખતાં સુલેખાએ ​ રિખવને મીઠો ઠપકો આપ્યો :

‘આમ પારકાં માણસની આંખો દબાવતાં શરમ નથી આવતી ?’

રિખવે અત્યારે મદિરા પીધો નહોતો છતાં ઉર્વશી શી શોભતી સુલેખાના તેજસ્વી સૌન્દર્યનું પાન મદ્યપાન કરતાંય વિશેષ માદક હતું — જાણે કે એના ઘેનમાં બોલતો હોય એટલી લાપરવાઈથી એણે ઉત્તર આપ્યો :

‘અમારી ફિલસૂફીમાં પારકું ને પોતીકું એવા ભેદો છે જ નહિ. અમે રસપિપાસુઓ તો એક જ સિદ્ધાંત સમજ્યા છીએ…’

‘શા છે એ સિદ્ધાંત વળી ?’

‘એ, દુનિયાભરમાં સુન્દર એ સઘળું પોતીકું, અને અસુન્દર એ પારકું. રૂપાળી વસ્તુઓ પોતીકી. કદરૂપી હોય એ પારકી. બોલ, તું રૂપાળી છે કે કદરૂપી ? સુંદરમાં ખપવું છે કે અસુંદરમાં ?’

‘પણ સુંદર વસ્તુઓ સાથે આવી રીતે ચેષ્ટા કરતાં જરાય લાજ નથી આવતી ?’

‘લાજ અને શરમ ! હા ! હા ! હા !’ રિખવ સાવ બેતમા બનીને ખડખડાટ હસી પડ્યો. એના ઉપલા–નીચલા જડબાંઓ વચ્ચે રચાતી લંબગોળ મોં–ફાડ વચ્ચે ગોઠવાયેલી સુંદર દંતપંક્તિઓ તેમ જ હસતી વેળા બન્ને બાજુ ઓઠને ખૂણે થતાં પ્રસરણ–સંકોચનને સુલેખા આસક્તિપૂર્વક અવલોકી રહી.

રિખવે ચાલુ રાખ્યું : ‘લાજ અને શરમને તો અમે નેવે મૂકી છે. એ બધું સોંપ્યું પ્રૌઢો, વૃદ્ધો ને જગત–ડાહ્યલાઓને. અમે તો રહ્યા યુવાન, માત્ર યુવાન જ નહિ, પણ જેને ચિરયુવા કહેવાય છે એવા, કવિ જેવા સનાતન યુવાન. અમને લાજ અને શરમનાં બંધન આત્મઘાતક લાગે.’

‘બંધન નથી ત્યારે જ આમ ચોરની પેઠે આવીને પાછળથી…’

‘ચોરી પણ એક જબ્બર પુરુષાર્થ છે. પુરુષાર્થ વિના પ્રાપ્તિ ​ સાંભળી છે ક્યાંય ?’

‘દિવસ આખો આવી ચોરીઓ જ કર્યા કરે છે કે બીજો ધંધો છે કાંઈ ?’

‘એ તો તારે જેમ ખતવવું હોય એમ ખતવે રાખ. બાકી હા, એટલું ખરું કે અમે ભ્રમરની જેમ સુવાસિત સુકોમળ કુસુમોની શોધમાં અવિરત ભ્રમણ કર્યા કરીએ છીએ ખરા. જ્યાં જ્યાં કુસુમ ત્યાં ત્યાં ભ્રમર. એ તો સૃજનજૂનો સૃષ્ટિક્રમ છે. એમાં ભ્રમરનોય વાંક નથી ને કુસુમનોય વાંક નથી. વાંક જ કોઈનો કાઢવો હોય તો કુસમની અંદર રહેલ સૌરભનો, પરાગનો કાઢી શકાય. સમજી કે ?’

સુલેખાનો રોષ હવે લગભગ દૂર થયો હતો છતાં એણે મીઠા રોષથી રિખવને ધમકાવ્યો :

‘આવું કવિલોકોને શોભે એવું બોલતાં શાસ્ત્રીજી પાસેથી શીખ્યો લાગે છે !’

‘એમાં શાસ્ત્રીજીનો વાંક શા માટે કાઢે છે ? એ તો બિચારા આપણા ધર્મગ્રંથો હું સમજી શકું એ આશયથી મને હેમાચાર્યના સમયની અપભ્રંશ ભાષા શીખવે પણ એ સાધુએ જ સામા માણસને રોમેરોમ સળગાવી મૂકે એવી રસભરપૂર ઉત્તેજક ગાથાઓ રચી છે એનું શું કરવું ? એ સમયના સાધુઓ પણ કેટલા બધા રસિક હતા !’

‘કલિકાલસર્વજ્ઞ જેવા યોગી પુરુષની આવી હાંસી તો વિધર્મીઓ પણ ન કરે.’ સુલેખાએ ગંભીરભાવે ઠપકો આપ્યો.

‘માફ કરજે, કલિકાસર્વજ્ઞ માટે મારા મનમાં, તમારા લોકો કરતાં લગીરે ઓછો પૂજ્યભાવ છે એમ સમજીશ મા. માત્ર એટલું જ કે એમને એકલા શુષ્ક યોગી કહેવાને બદલે રસયોગી કહીશું તો એમનું બહુમાન કર્યું ગણશે. તું પોતે પણ ચિત્રકલાની રસિકા છે એટલે સમજી તો શકશે જ કે રસિકતા અને યોગીપણું અત્યંત ઉચ્ચ ભૂમિકાએ પહોંચ્યા પછી એકમેકમાં ભળી જાય છે, એકરૂપ ​બની જાય છે. રસાત્મા અને યોગાત્મા જુદા જુદા નથી હોતા. સાચા અને સમર્થ રસિકોને જ રસબ્રહ્માનો સાક્ષાત્કાર અને સ્વાનુભવ થાય. અને એવા રસિકોને તો સંતમહંતથીય અદકા પવિત્ર ગણવા જોઈએ. ચૈતન્ય પ્રભુ, મીરાં ને નરસિંહ મહેતાને યાદ કરો ! એ સૌ રસયોગી જ હતાં.’

‘તું પણ ત્યારે રસયોગ સાધે છે ખરું કે ?’

‘હમણાં તો રસની ઉપાસના કરીએ છીએ, પછી બુઢ્ઢા થઈશું ત્યારે યોગ કરીશું. જીવનમાંથી ખેંચાય તેટલો રસ ખેંચી લઈએ. રસ ખૂટશે ત્યારે યોગ તો છે જ ને ?’

‘વાહ વાહ ! આવી સુંદર ફિલસૂફી ક્યાંથી શીખી લાવ્યો છે !’ સુલેખાએ ‘સુંદર’નો ઉચ્ચાર વ્યંગભર્યા સ્વરે કરીને પૂછ્યું.

‘મારા ઉસ્તાદજીએ શીખવી છે. ઐયૂબખાનજી પોતે તો સાચેસાચા રસયોગી જ છે. તેમની પાસે હરહમેશ રસયોગીઓની જ વાતો હોય, કાં તો સનમ, સાકી, શરાબ અને શાયરીમાં મસ્ત રહીને બહિશ્તનો આનંદ માણનાર પેલા તંબૂ વણનારની વાત હોય ને કાં પ્રિયાના ગાલના તલ ઉપર સમરકંદ–બુખારા ડૂલ કરનારાઓની વાત હોય…’

‘રિખવ બોલ્યે જતો હતો અને સુલેખાને આવી રસભરપૂર વાતો તેમ જ એના કથનની મોહક છટા બધું જ ગમતું જતું હતું. છતાં પોતામાં રહેલી અહમ્‌ની મૂર્તિને માટે આ બધું જખ્મો કરનારું હતું. પોતામાં રહેલ દુર્દમ્ય અહમ્‌ને કારણે જે ઉપેક્ષાવૃત્તિ કેળવાઈ ગઈ હતી, એ અત્યારે રિખવના આત્માની નજીક આવવામાં પણ એને અંતરાયરૂપ થઈ પડી. રિખવની આવી ઉત્તેજક વાણીથી પોતે ઉત્તેજિત થઈ હતી, એ વાણી અવિરત સાંભળવા મળ્યા કરે એમ ઇચ્છતી હતી, છતાં જાણે કે પોતાને આવી વાતો પસંદ નથી, પોતે રિખવ કરતાં ચાર આંગળ ચડિયાતી છે ​એવો ડોળ કર્યા વિના સુલેખાને ચેન પડતું નહોતું. આ કુટેવથી પ્રેરાઈને જ એ વચ્ચે વચ્ચે રિખવને ટોણાં માર્યા કરતી હતી. બોલી :

‘જોજે, આભાશાની સમરકંદ–બુખારા જેટલી ઇસ્કામત કોઈના ગાલના તલ પાછળ ડૂલ કરી નાખતો નહિ !’

રિખવની આંખ સામે આકાશ–વીજળી ઝબૂકી ગઈ. અને એ વીજળીથીય વધારે ચમકીલું અને ગાલ ઉપર બે ઝીણા તલવાળું એમીનું મોં આંખ આગળ આવી ગયું. અને રિખવ ઝીણી નજરે સુલેખાના ગૌર, ઘાટીલા ને ઠસ્સાભર્યા મોંનું નિરીક્ષણ કરી રહ્યો. આવું બધી રીતે મોહક મોં હોવા છતાં એમાં માત્ર એક તલની જ ખામી છે એ રિખવને અત્યારે સમજાયું. એ ઉપરાંત સુલેખાનો અહંકારી સ્વભાવજન્ય ઠસ્સો પણ રિખવના સાચા સૌન્દર્યની પારખુ આંખમાં ખૂંચી રહ્યો. એમીની મુખાકૃતિમાં જે અજબ સરલતા અને નિખાલસતા હતી એનો સુલેખાના અદકા રૂપાળા ચહેરામાં પણ સંપૂર્ણ અભાવ જોઈને રિખવને સુલેખાના, સૌન્દર્યથી ચૂઈ પડતા ચહેરા પ્રત્યે પણ એક જાતનો અણગમો ઊપજ્યો. એમાં સહેજ, એક તલ જેટલી પણ કાળાશ હોત તો એ અધિક સુંદર દેખાત એમ એને લાગ્યું. સુંદર દેખાવા માટે પણ જરાક કદરૂપાપણું તો આવશ્યક હોય એમ લાગે છે ! ધવલોજ્જવલ ચાંદની નિતારતો ચન્દ્ર ૫ણ કલંકને લઈને જ વધારે સુંદર સોહે છે ને !… વિચાર કરીને એણે જવાબ આપ્યો :

‘પણ એ સમરકંદ–બુખારા તારા ભાગ્યમાં તો નથી જ માંડ્યા લાગતાં, કારણ કે તારા ગાલ ઉપર એક્કેય તલ નથી.’

સાંભળીને સુલેખાનું મોં પડી ગયું. તેનો ગર્વ પણ જરા ઘવાયો. પૂછ્યું.

‘શું હું રૂપાળી નથી ? મારું મોં સુંદર નથી ?’

‘એમ મેં ક્યારે કહ્યું ? તું રૂપાળી તો છે જ. સુંદર છે. ​પણ ખોડ માત્ર એટલી છે કે એ સુંદરતા ઘણી વધારે પડતી છે, તું સહેજ ઓછી સુંદર હોત તો અત્યારે લાગે છે એ કરતાંય વધારે રૂપાળી લાગત.’

‘રૂપ ને સૌન્દર્યનું આવું વિચિત્ર શાસ્ત્ર ક્યાંથી શીખી લાવ્યો ?’ સુલેખા સહેજ ચિડાઈ ઊઠી હતી.

‘એ શાસ્ત્ર શીખવા જવાની શી જરૂર છે ? એ તો નાનું બાળક પણ સમજે કે મીઠાશ પણ અમુક હદ પછી મોં ભાંગી નાંખે છે. સૌન્દર્યમાં પણ પ્રમાણભાનનો સિદ્ધાંત કામ કરે છે. કલામાં ઔચિત્યનો નિયમ પણ એ જ સિદ્ધાંત ઉપર રચાયો લાગે છે. આંખ ઝીલી શકે, સહી શકે એટલી સુંદરતા જ સાચી સુંદરતા એનાથી વધારે એ બધી અસુંદરતા કહો કે કદરૂપતા…’

રિખવ એના સ્વભાવ પ્રમાણે ફિલસૂફીની અદાથી એક પછી સિદ્ધાંતદર્શન અને સૂત્રોચ્ચાર કર્યે જતો હતો ત્યારે સુલેખા વધારે ને વધારે જખ્મી બનતી હતી. અત્યારે તો એ વિદુષી ચિત્રલેખા કે કલાની ભોક્તા મટી જઈને સીધીસાદી યુવતી બની રહી હતી. અત્યંત સાહજિકતા અને સરળતાથી એનાથી પુછાઈ ગયું :

‘હું સુંદર છું કે કદરૂપી ?’

‘તું સુંદર પણ નથી, ને કદરૂપી પણ નથી. તું માત્ર બેહદ સુંદર છે. અને ઉચિત પ્રમાણથી બેહદ સુંદરતા તો કદરૂપાપણાથીય વધારે ખરાબ કહેવાય.’

‘એટલે, હું કદરૂપી છું, એમ તારે કહેવું છે ?’ સુલેખા ભભૂકી ઊઠી.

‘મારું ચાલે તો હું તને કદરૂપી ગણવાનીય ના પાડું. તને કદરૂપી ગણવામાંય દુનિયાના સુંદર કદરૂપાંઓનું બિચારાઓનું અપમાન થતું લાગે છે. તને કૂબડી જ કહેવી જોઈએ !’

સુલેખા ધૂંધવાતી ધૂંધવાતી હવે તો રડવાની અણી ઉપર આવી ગઈ હતી. બધો રોષ ભેગો કરીને એણે પોતાના તીણા નખ ​ વડે રિખવના ગૌર કાન્તિભર્યા ગાલ ઉપર મૃદુતાપૂર્વક ચીંટિયો ખણ્યો. બોલી : ‘લુચ્ચા ! મને ચિડાવે છે ?’

રિખવે અર્ધો ખોટો અને અર્ધો સાચો એવો સિસકારો કાઢીને કહ્યું :

‘એમાં ચિડાય છે શાની ?’

‘તો પછી આવું અવળું અવળું શા માટે બોલે છે ?’

‘એમાં અવળું કશું જ નથી. બધું સવળું છે. ઘણી વખત ગૌર કરતાં કાળી વસ્તુઓ વધારે સુંદર નથી લાગતી ?’

‘કઈ વસ્તુ એવી રીતે સુંદર લાગે છે, બતાવ જોઈએ !’ સુલેખાએ સરળતાથી પૂછ્યું. હવે એનો રોષ ઓછો થતો જતો હતો.

‘એમાં બતાવવાની જરૂર પડે એમ નથી. શ્રીકૃષ્ણને લોકોએ મેઘશ્યામ કહ્યા છે. આવો મેઘશ્યામ પુરુષ પણ વૃંદાવનની ગોપીઓમાં વિરહ જગાવી જાય છે. ‘ગોપીજનવલ્લભ’નું બિરુદ કાંઈ અમસ્તું મેળવ્યું હશે ? ગોપીઓ એની શ્યામલતાનાં ગુણગાન કરતાં થાકતી જ નથી. સારી રે મૂરતમાં શામળિયો, પ્રાણજીવન પાતળિયો… તું મારે ચાંદલિયે ચોંટ્યો ! નાનપણમાં નાચતાં નાચતાં આ ગીત ગાયા કરતી એ ભૂલી ગઈ ?’

સુલેખા આના ઉત્તર રૂપે કશું બોલી નહિ એટલે રિખવે જ ફરી હસતાં હસતાં પૂછ્યું :

‘પેલો ફકીર એની સનમના ગાલ ઉપરના તલ માટે સમરકંદ–બુખારાને ફડચામાં મૂકવા શા માટે તૈયાર થયો હશે એ સમજાયું હવે ?’

બોલતાં બોલતાં રિખવને અનાયાસે જ એમીનું મુખારવિંદ અને એના પરનો તલ યાદ આવી ગયો.

સુલેખા શરમાઈ ગઈ. નીચું જોઈને બોલી :

‘મારે એવું એવું સમજવાની જરૂર નથી તું એકલો સમજ્યો છે એટલું બસ છે. શાસ્ત્રીજી અને ઉસ્તાદે મળીને તારું મગજ ફેરવી નાખ્યું છે.’ ​‘એમાં બિચારા શાસ્ત્રીજી ને ઉસ્તાદનો શા માટે વાંક કાઢે છે, આ તે આપણો એક પ્રાચીન ગુર્જર કવિ કહી ગયો છે. જે કાવ્યની પ્રેરણા લઈ લઈને તું એનાં ચિત્રો દોરતાં થાકતી નથી, એ વસન્તવિલાસની જ લીટી છે : કાનિ કિ ઝબકઉ વીજનુ ? બીજનુ ચંદ કિ ભાલિ ? ગલ્લ હસઇ સકલઙ્‌ક હ મયઙ્‌ક હ બિંબ વિશાલ… સમજી કે ? મયંક જેવો મયંક પણ કલંક વડે જ શોભે છે. સકલંક મયંક જેવું સૌન્દર્ય !’

બોલતાં બોલતાં ફરી રિખવની આંખ સામે એમીનું મોં ઝબકી ગયું. એ ચાંદમુખી ઝબકારાએ રિખવના મોં ઉપર પણ એક જાતના ઉલ્લાસનો ઉછાળો બતાવ્યો. પણ તરત એણે ભાવ દાબી દીધો અને સુલેખાને કશી શંકા ન જાય એટલા માટે તેણે ફરી એની એ જ વાત ચાલુ કરી. પૂછ્યું :

‘આવું સકલંક મયંક મોં ક્યાંય જોયું છે ખરું ?’

સુલેખાને ક્યારનું અંતરમાં થયા કરતું હતું કે પોતે તો કાવ્યને માત્ર ચિત્રોમાં જ ઉતારી રહી છે ત્યારે રિખવ તો કાવ્ય ખરેખર જીવી રહ્યો છે. એ બદલ સુલેખાને એની મીઠી અદેખાઈ પણ આવી. એનો અહમ્ ઓગળી ગયો. રિખવના પ્રશ્નના ઉત્તરમાં એણે કહ્યું :

‘હા, એવી એક વ્યક્તિ જોઈ છે ખરી.’

‘બતાવ, જો જોઈ હોય તો.’ રિખવે ગર્વ પૂછ્યું : ‘કોણ છે એ વ્યક્તિ ? નામ આપ, તો એના સૌન્દર્યનો આજીવન દાસ બનીને રહું.’

દૂર દૂર કેસૂડાંના છોડ મત્ત બનીને ડોલીને રહ્યા હતા.

સુલેખાએ કહ્યું: ‘એમ એ વ્યક્તિનું નામ મોટેથી ન અપાય. ઓરો આવ તો કાનમાં કહું.’

રિખવ નજીક ગયો. બોલ્યો : લે, કહે જોઈએ.'

‘ના, એમ નહિ, હજી ઓરો આવ. મોટેથી બોલીશ તો કોઈ ​ સાંભળી જશે.’ સુલેખાએ આંખો નચાવી. સામે પથરાયેલી વનરાજિ છે પણ એવું જ નાચી રહી હતી.

રિખવ ભોળા ભાવે સુલેખાની નજદીક ગયો : ‘કહે કોણ છે એ ભાગ્યશાળી વ્યક્તિ ?… સકલંક મ…’

સુલેખાના મનમાં ફરી પેલાં ભોગાસનો જોઈને યાદ આવેલ શ્લોકની સ્મૃતિ તાજી થઈ : કાન્તિલાવણ્ય લેખામાધુર્ય સુન્દરમ્… વિદગ્ધ વેશાભરણમ્‌… બોલી : ‘આ પોતે જ એ મયંક !’ અને રિખવના ઊજળા દૂધ જેવા વાંસા પરના નીલવર્ણા લાખા ઉપર આંગળી મૂકતાં કહ્યું : ‘અને આ એ મયંકનું કલંક !’

આંગળી વડે રિખવના સુકુમાર શરીરનો સ્પર્શ થતાં સુલેખાને નખશિખ એક ઝણઝણાટી વ્યાપી ગઈ અને ક્યારનો દાબી રાખેલ ઊર્મિનો ઉછાળો બેકાબૂ બનતાં એ બાવરી બનીને ઉમળકાભેર રિખવની કોટે વળગી પડી.

રિખવ કશું બોલવા માગે તો પણ બોલી શકે તેમ નહોતો, કારણ કે એના ઓઠ ઉપર તો સુલેખાના અમી વરસાવતા ઓઠ ચસચસતા ભીડાયા હતા.

આમને જોઈને અદેખા બનેલા દૂરદૂરના કેસૂડાંના ડોડવા પણ ગેલ કરવા લાગ્યા હતા.

*