સત્યના પ્રયોગો/નિર્બલ

Revision as of 22:41, 11 July 2022 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ૨૧. નિર્બલ કે બલ રામ | }} {{Poem2Open}} ધર્મશાસ્ત્રનું ને દુનિયાના...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૨૧. નિર્બલ કે બલ રામ

ધર્મશાસ્ત્રનું ને દુનિયાના ધર્મોનું કંઈક ભાન તો થયું, પણ તેવું જ્ઞાન મનુષ્યને બચાવવા સારું પૂરતું નથી નીવડતું. આપત્તિ વેળા જે વસ્તુ મનુષ્યને બચાવે છે તેનું તેને તે વેળા નથી ભાન હોતું. નથી જ્ઞાન હોતું. નાસ્તિક જ્યારે બચે છે ત્યારે કહે છે કે પોતે અકસ્માતથી બચી ગયો. આસ્તિક એવે પ્રસંગે કહેશે કે મને ઈશ્વરે બચાવ્યો. ધર્મોના અભ્યાસથી, સંયમથી ઈશ્વર તેના હૃદયમાં પ્રગટ થાય છે એવું અનુમાન પરિણામ પછી તે કરી લે છે. એવું અનુમાન કરવાનો તેને અધિકાર છે. પણ બચતી વેળા તે જાણતો નથી કે તેને તેનો સંયમ બચાવે છે કે કોણ બચાવે છે. જે પોતાના સંયમબળનું અભિમાન રાખે છે તેનો સંયમ રોળાઈ ગયેલો કોણે નથી અનુભવ્યો? શાસ્ત્રજ્ઞાન તો એવે સમયે થોથાં સમાન લાગે છે.

આ બૌદ્ધિક ધર્મજ્ઞાનના મિથ્યાતત્ત્વનો અનુભવ મને વિલાયતમાં મળ્યો. પૂર્વે એવા ભયમાંથી હું બચ્યો તેનું પૃથક્કરણ કરી શકાય તેમ નથી. મારી તે વેળા બહુ નાની ઉંમર ગણાય.

પણ હવે તો મારી ઉંમર વીસ વર્ષની હતી. ગૃહસ્થાશ્રમનો ઠીક અનુભવ મેળવ્યો હતો.

ઘણું કરીને મારા વિલાયતના વસવાટના છેલ્લા વર્ષમાં, એટલે ૧૮૯૦ની સાલમાં, પોર્ટસ્મથમાં અન્નાહારીઓનું સંમેલન હતું. તેમાં મને અને એક હિંદી મિત્રને આમંત્રણ હતું. અમે બન્ને ત્યાં ગયા. અમને બન્નેને એક બાઈને ત્યાં ઉતારો આપવામાં આવ્યો હતો.

પોર્ટસ્મથ ખલાસીઓનું બંદર ગણાય છે. ત્યાં ઘણાં ઘરો દુરાચરણી સ્ત્રીઓનાં હોય છે. તે સ્ત્રીઓ વેશ્યા નહીં તેમ નિર્દોષ પણ નહીં. આવા જ એક ઘરમાં અમારો ઉતારો હતો. સ્વાગતમંડળે ઇરાદાપૂર્વક એવાં ઘર શોધેલાં એમ કહેવાનો આશય નથી. પણ પોર્ટસ્મથ જેવા બંદરમાં જ્યારે મુસાફરોને રાખવા સારુ ઉતારા શોધવામાં આવે ત્યારે કયાં ઘર સારાં અને કયાં નઠારાં એ કહેવું મુશ્કેલ જ થઈ પડે.

રાત પડી. અમે સભામાંથી ઘેર આવ્યા. જમીને પાનાં રમવા બેઠા. વિલાયતમાં સારાં ઘરોમાં પણ આમ મહેમાનોની સાથે ગૃહિણી પાનાં રમવા બેસે. પાનાં રમતાં નિર્દોષ વિનોદ સહુ કરે. અહીં બીભત્સ વિનોદ શરૂ થયો. મારા સાથી તેમાં નિપુણ હતા એ હું નહોતો જાણતો. મને આ વિનોદમાં રસ પડયો. હું પણ ભળ્યો. વાણીમાંથી ચેષ્ટામાં ઊતરી પડવાની તૈયારી હતી. પાનાં એક કોરે રહેવાની તૈયારીમાં હતાં. પણ મારા ભલા સાથીના મનમાં રામ વસ્યા. તે બોલ્યા, ‘અલ્યા, તારામાં આ કળજુગ કેવો! તારું એ કામ નહીં. તું ભાગ અહીંથી.’

હું શરમાયો. ચેત્યો. હૃદયમાં આ મિત્રનો ઉપકાર માન્યો. માતાની પાસે લીધેલી પ્રતિજ્ઞા યાદ આવી. હું ભાગ્યો. મારી કોટડીમાં ધ્રૂજતો ધ્રૂજતો પહોંચ્યો. છાતી થડકતી હતી. કાતિલના હાથમાંથી બચીને કોઈ શિકાર છૂટે ને તેની જેવી સ્થિતિ હોય તેવી મારી હતી.

પરસ્ત્રીને જોઈને વિકારવશ થયાનો અને તેની સાથે રમત રમવાની ઇચ્છા થયાનો આ પહેલો પ્રસંગ હતો એમ મને ભાન છે. મારી રાત્રી ઊંઘ વિનાની ગઈ. અનેક પ્રકારના વિચારોએ મારા ઉપર હુમલો કર્યો. ઘર છોડું? ભાગુ? હું ક્યાં છું? હું સાવધાન ન રહું તો મારા શા હાલ થાય? મેં ખૂબ ચેતીને વર્તવાનો નિશ્ચય કર્યો. ઘર ન છોડવું. પણ જેમતેમ કરીને પોર્ટસ્મથ ઝટ છોડી દેવું એટલું ધાર્યું. સંમેલન બે દિવસથી વધારે લંબાવાનું ન હતું. એટલે મને સ્મરણ છે તે પ્રમાણે, મેં બીજે જ દિવસે પોર્ટસ્મથ છોડયું. મારા સાથી પોર્ટસ્મથમાં થોડા દહાડા રોકાયા.

ધર્મ શું છે, ઈશ્વર શું છે, તે આપણામાં કેવી રીતે કામ કરે છે, તે કંઈ હું તે વખતે જાણતો નહોતો. ઈશ્વરે મને બચાવ્યો એમ લૌકિક રીતે હું તે વખતે સમજ્યો. પણ મને વિવિધ ક્ષેત્રોના એવા અનુભવો થયા છે. ‘ઈશ્વરે ઉગાર્યો’ એ વાક્યનો અર્થ આજે હું બહુ સમજતો થયો છું એમ જાણું છું. પણ સાથે એ પણ જાણું છું કે એ વાક્યની પૂરી કિંમત હજી આંકી શક્યો નથી. અનુભવે જ તે અંકાય. પણ ઘણા આધ્યાત્મિક પ્રસંગોમાં, વકીલાતના પ્રસંગોમાં, સંસ્થાઓ ચલાવવામાં, રાજ્યપ્રકરણમાં, હું કહી શકું છું કે ‘મને ઈશ્વરે બચાવ્યો છે.’ જ્યારે બધી આશા છોડીને બેસીએ, બંને હાથ હેઠા પડે, ત્યારે ક્યાંક ને ક્યાંકથી મદદ આવીને પડે છે એમ મેં અનુભવ્યું છે. સ્તુતિ, ઉપાસના, પ્રાર્થના એ વહેમ નથી, પણ આપણે ખાઈએ છીએ, પીએ છીએ, ચાલીએબેસીએ છીએ, એ બધું જેટલું સાચું છે, તેના કરતાંયે એ વધારે સાચી વસ્તુ છે. એ જ સાચું છે, બીજું બધું ખોટું છે, એમ કહેવામાં અતિશયોક્તિ નથી.

આવી ઉપાસના, આવી પ્રાર્થના, એ કંઈ વાણીના વૈભવ નથી. તેનું મૂળ કંઠ નથી પણ હૃદય છે. તેથી જો આપણે હૃદયની નિર્મળતાને પહોંચીએ, ત્યાં રહેલા તારોને સુસંગઠિત રાખીએ, તો તેમાંથી જે સૂર નીકળે છે તે સૂર ગગનગામી બને છે. તેને સારું જીભની આવશ્યકતા નથી, એ સ્વભાવે જ અદ્ભુત વસ્તુ છે. વિકારોરૂપી મળોની શુદ્ધિ કરવાને સારુ હાર્દિક ઉપાસના જડીબુટ્ટી છે, એ વિશે મને શંકા જ નથી. પણ તે પ્રસાદીને સારુ આપણામાં સંપૂર્ણ નમ્રતા જોઈએ.