ગુજરાતી સાહિત્ય પરિષદના પિતા રણજિતરામ વાવાભાઈ મહેતાએ પહેલી સાહિત્ય પરિષદ (૧૯૦૫)ના રીપૉર્ટમાં ‘આમુખ’ના આરંભમાં જ પરિષદના ઉદ્દેશનો ઉલ્લેખ કર્યો હતો : ‘સાહિત્ય પ્રજાઓની સંસ્કૃતિની કોટિ દર્શાવનાર દર્પણ છે. પ્રજાઓનું વિચારજીવન ઉત્કૃષ્ટ છે કે નિકૃષ્ટ છે તે બતાવનાર નિકષશિલા તે છે... પ્રજાના સમગ્ર જીવનને ભાવનાથી રંગનાર સાહિત્ય છે, માટે જ તેના વિકાસ અને પ્રગતિ માટે દેશના વિદ્વાનોની પરિષદ મળવી જોઈએ... આ વસ્તુસ્થિતિએ “સાહિત્યસભા”ને પરિષદ ભરવાની પ્રેરણા કરી હતી.’ પછી પરિષદ સમક્ષ જે આદર્શ હતો, જે મૉડેલ હતું એનો ઉલ્લેખ કર્યો હતો : ‘ગુજરાતને ફ્રેન્ચ એકૅડેમી... જેવાની આવશ્યકતા છે એ સર્વ કબૂલ કરશે જ.’ રમણભાઈ નીલકંઠે પહેલી પરિષદ (૧૯૦૫) સમયે એમના સ્વાગત પ્રવચનમાં પણ પરિષદ સમક્ષ જે આદર્શ હતો એનો ઉલ્લેખ કર્યો હતો : ‘યુરોપમાં મળતી ‘ઓરિએન્ટ કૉંગ્રેસ’ના મહોટા ધોરણે આ નાના કાર્યની અત્રે કલ્પના કરી છે.’ ચોથી પરિષદ(૧૯૧૨)ના પ્રમુખ અને પાંચમી પરિષદ (૧૯૧૫)ના પ્રમુખે એમનાં વ્યાખ્યાનોમાં અનુક્રમે ‘ફ્રેન્ચ એકૅડેમી’ અને ‘ઑરિએન્ટલ કૉંગ્રેસ’નો પરિચય પરિષદના સભ્યોને કરાવ્યો હતો. ‘ઑરિએન્ટલ કૉંગ્રેસ’ એ યુરોપની આંતરરાષ્ટ્રીય એવી અર્વાચીન સંસ્થા હતી. ૧૮૭૩ના સપ્ટેમ્બરમાં પેરિસમાં એનો જન્મ થયો હતો. એનો કાર્યપ્રદેશ પૂર્વના જગતની સંસ્કૃત, અરબી, ચીની આદિ ભાષાઓ અને એના ઇતિહાસમાં સીમિત હતો. એમાં પાંચ વિભાગો હતા : ‘સેમેટિક’, ‘તુરાનિયન’, ‘આર્યન’ અને ‘આર્કિયોલોજિકલ-એથ્નોલોજિકલ’. એથી એનું પાંચ-દિવસીય અધિવેશન યુરોપનાં ભિન્નભિન્ન નગરોમાં યોજવામાં આવતું હતું. એમાં સમગ્ર જગતમાંથી પૂર્વોક્ત વિષયના વિદ્વાનો અને પંડિતો એકત્ર થતા હતા. ભલે એ ગુજરાતી સાહિત્ય પરિષદ સમક્ષ આદર્શરૂપ પરિષદ હોય, છતાં અંતે તો એ વિદ્વાનો અને પંડિતોની પરિષદ હતી, એ સર્જક-સાહિત્યકારોની પરિષદ ન હતી. પ્રાચીન યુગમાં ભારતમાં ઉપનિષદકારો અને સ્મૃતિકારોએ પરિષદોનો ઉલ્લેખ કર્યો છે. બુદ્ધ-મહાવીરના યુગમાં પણ અશોક અને કનિષ્કના રાજ્યાશ્રયથી બૌદ્ધ સંગતિઓ તથા વલભીપુર અને મગધ આદિમાં જૈન સંઘોનું અસ્તિત્વ હતું. મધ્યયુગમાં ૧૨મી સદીમાં પાટણમાં સિદ્ધરાજ અને વસ્તુપાલ-તેજપાલના રાજ્યાશ્રયથી હેમચન્દ્રાચાર્ય અને એમના શિષ્યો તથા વિદ્વાનોનું એક મોટું મંડળ હતું. પ્રાચીન-મધ્યયુગની આ સંસ્થાઓ મુખ્યત્વે ધર્મના વિષયના વિદ્વાનો અને પંડિતોની પરિષદો હતી, એ સર્જક-સાહિત્યકારોની પરિષદો ન હતી. પ્રાચીન યુગમાં ગ્રીસમાં ઈ. પૂ. ૫મી સદીમાં પેરિક્લીસના સમયમાં એથેન્સમાં ચાર મહાન નાટ્યકાર-કવિઓ – ઇસ્કીલસ, સોફોક્લીસ, યુરિપિડિસ અને એરિસ્ટોફેનીસ – હતા; રોમમાં ઈ. પૂ. ૧લી સદીમાં ઑગસ્ટસના સમયમાં પાંચ મહાન કવિઓ – વર્જિલ, હોરેસ, પ્રોપર્ટિયસ, ટિબ્યુલસ અને ઓવિડ – હતા. આમ, એક જ સમયે એક સ્થળે એકસાથે આ કવિઓ વિદ્યમાન હતા. છતાં એમની પરિષદો અસ્તિત્વમાં હતી એવું ક્યાંય વાંચ્યું કે જાણ્યું નથી. અલબત્ત, એમનું પરસ્પર અંગત વ્યક્તિગત અનૌપચારિક મિલન થતું હશે એટલું જ. ઇંગ્લૅન્ડમાં શેક્સપિયરના સમયથી આજ લગી ‘મરમેઇડ ટેવર્ન’થી માંડીને ‘ચેશાયર ચીઝ’ જેવાં અનેક ટેવર્ન, ઈન, પબ, રેસ્ટોરાં આદિ મિલનસ્થાનો હતાં. ફ્રાંસમાં ૧૯મી-૨૦મી સદીમાં પેરિસમાં લેફ્ટ બૅંક પર સેં ઝર્મેં વિસ્તારમાં કાફે દ ફ્લોર, દ માગો, લિપ તથા મોંપાર્નાસ વિસ્તારમાં રોતોંદ, કુપોલે, દોમ, ક્લોઝરી આદિ મિલનસ્થાનો હતાં, આજે પણ અસ્તિત્વમાં છે. અહીં અનેક સાહિત્યકારોનું પરસ્પર અંગત, અનૌપચારિક, વ્યક્તિગત મિલન થતું હતું, પણ એમની કોઈ પરિષદો અસ્તિત્વમાં ન હતી. એમાં એકમાત્ર અપવાદ છે ‘આકાદમી ફ્રાંસેસ.’ ફ્રેન્ચ એકૅડેમી (Academie Francaise) એ સાહિત્યજગતના ઇતિહાસમાં સર્વપ્રથમ એકૅડેમી છે. એનો જન્મ ૧૬૩૫માં પેરિસમાં થયો હતો. એના પિતા હતા કાર્ડિનલ રિશેલ્યુ. એ રાજા લુઈ ૧૩માના પ્રધાનમંત્રી હતા. રાજાના સૂચનથી એમણે આ એકૅડેમી સ્થાપી હતી. આજે પેરિસમાં સેન નદીના વામતટ પર સુવર્ણરંગી ઘુમ્મટ સાથેના માઝારિન રાજમહેલ – Institute de France – ના વામકક્ષમાં એની બેઠકો યોજવામાં આવે છે. એમાં ૪૦ સભ્યો હોય છે. જ્યારે એમાંથી કોઈ સભ્યનું અવસાન થાય ત્યારે એના સ્થાને ચૂંટણી દ્વારા નવા સભ્યનો એમાં પ્રવેશ થાય છે. વિજેતા સભ્યનું રાષ્ટ્રપ્રમુખની ઔપચારિક માન્યતા દ્વારા સન્માન કરવામાં આવે છે. આ સભ્યો ‘અમરત્વના અધિકારી’ (Immortals) ગણાય છે. જ્યારે એકૅડેમીના પ્રસંગો ઊજવાય છે ત્યારે ભારે શાન-ઓ-શૌકતથી ઊજવાય છે. સભ્યો ત્યારે એમના પરંપરાગત લીલા રંગના પોશાકમાં ઉપસ્થિત થાય છે. આ પ્રસંગો રાષ્ટ્રીય ઉત્સવો ગણાય છે. ફ્રાંસની સંસ્કૃતિ એ ‘Literary Civilisation’ – સાક્ષરી, સાહિત્યિક સંસ્કૃતિ છે. વિક્ટર હ્યુગોએ તો કહ્યું છે, ‘Literature is Civilisation’ – સાહિત્ય એ જ સંસ્કૃતિ છે. ફ્રેન્ચ પ્રજા જે વ્યક્તિને સાહિત્ય સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ સંબંધ હોય તેને જ રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટે છે. એકૅડેમીના કાર્યપ્રદેશમાં સાહિત્ય તો છે જ, પણ સવિશેષ તો ફ્રેન્ચ ભાષાનો સાર્થ જોડણીકોશ (Dictionary) છે. એકૅડેમીના સભ્યો ફ્રેન્ચ ભાષા પર અને એના જોડણીકોશના એકેએક શબ્દ પર સતત ચાંપતી નજર રાખે છે. સમગ્ર પ્રજા સાહિત્યમાં અને સાહિત્યેતર એવા રોજરોજના સામાન્ય મૌખિક અને લેખિત વ્યવહારમાં ભાષાનો અને શબ્દોનો જે ઉપયોગ કરે છે એનું સૂક્ષ્મ નિરીક્ષણ કરે છે, એની શુદ્ધતા અને પવિત્રતાનું રક્ષણ કરે છે, જ્ઞાનના એકેએક ક્ષેત્ર માટે ભાષાને, પરિભાષાને, શબ્દને સમૃદ્ધ, સધ્ધર અને સક્ષમ કરવાનો પરિશ્રમ અને પુરુષાર્થ કરે છે. કોઈપણ નવા – સ્વદેશી કે વિદેશી – શબ્દને એ શબ્દ વિશે ચર્ચા-વિચારણા કર્યા પછી જ શબ્દકોશમાં સ્થાન આપે છે. ઉદાહરણ રૂપે એક વાર ‘Chic’ શબ્દ વિશે આવી ભારે ઉગ્ર ચર્ચા-વિચારણા ચાલી હતી. ફ્રેન્ચ ભાષાનાં વર્તમાનપત્રો અને સામયિકોમાં અશુદ્ધ જોડણી હોતી જ નથી. પુસ્તકોમાં શુદ્ધિપત્રક હોતું જ નથી. ફ્રાંસમાં જાહેર સ્થળોમાં લખાણમાં જોડણીનો દોષ હોય તે અપરાધ ગણાય છે. આવા દોષની વિરુદ્ધ કાનૂન કરવામાં આવ્યો છે. આવા દોષ માટે દોષિત નાગરિકનો દંડ કરવામાં આવે છે. ફ્રેન્ચ ભાષાના એકેએક શબ્દની, સોએ સો ટકા શબ્દોની જોડણી શીખવી-શિખવાડવી પડે છે અને એથી એકેએક ફ્રેન્ચ પ્રજાજન એના શિક્ષણના પ્રથમ દિવસથી જ એકએેક શબ્દની જોડણી શીખે છે અને શિક્ષક એને ચીવટ અને ચીકાટીથી શિખવાડે છે. સમગ્ર પ્રજામાં ભાષા પ્રત્યે જે પ્રેમ અને પવિત્રતાનું દર્શન થાય છે એનું આ રહસ્ય છે. એથી જ ફ્રેન્ચ પ્રજામાં ‘le mot juste’ – સાચુકલા શબ્દનો મહિમા છે. સાહિત્ય એ શબ્દની કળા છે, શબ્દની સાધના છે. ફ્રેન્ચ એકૅડેમી ફ્રેન્ચ ભાષા વિશે અને એના શબ્દો વિશે સતત ચિંતા અને ચિંતન કરે છે. એ માત્ર તંત્ર અને યંત્રની જ નહિ, વિશેષ તો શબ્દરૂપી મંત્રની સાધના કરે છે. ગુજરાતી સાહિત્ય પરિષદના જન્મના પ્રથમ દિવસથી જ આપણા પૂર્વજો સમક્ષ આ એકૅડેમી આદર્શરૂપ હતી. આજે પરિષદની પ્રથમ શતાબ્દીના વર્ષમાં જ્યારે પરિષદનો બીજી શતાબ્દીમાં પ્રવેશ થાય છે ત્યારે આપણે સૌ ગુજરાતીભાષી પ્રજાજનો આ આદર્શનું સ્મરણ કરીએ! આ સ્મરણ આપણા સૌને માટે પ્રેરણારૂપ હશે!