નરસિંહથી ન્હાનાલાલ/૨૫

Revision as of 22:39, 12 July 2022 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ફિલસૂફી, ઇતિહાસ અને વિજ્ઞાન પરત્વે પરિષદનું ઉત્તરદાયિત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ફિલસૂફી, ઇતિહાસ અને વિજ્ઞાન પરત્વે પરિષદનું ઉત્તરદાયિત્વ

જ્ઞાનની અનેક શાખાઓ છે. પ્રત્યેક શાખાને અનેક પ્રશાખાઓ છે. પ્રત્યેક પ્રશાખાને અનેક પ્ર-પ્રશાખાઓ છે. આધુનિક યુગમાં જ્ઞાનનો એટલો સ્ફોટ થયો છે. છતાં પાંચેક હજાર વર્ષથી જ્ઞાનની ત્રણ મુખ્ય અને મહત્ત્વની શાખાઓ છે : વિજ્ઞાન, ઇતિહાસ અને ફિલસૂફી. સામાન્યત: સાહિત્યને જ્ઞાનની શાખા તરીકે ઓળખવામાં – ઓળખાવવામાં આવતું નથી. પણ સાહિત્ય પણ જ્ઞાનની મુખ્ય અને મહત્ત્વની શાખા છે. આ સૌ શાખાઓનું લક્ષ્ય છે જ્ઞાન અથવા સત્ય અને એમનો ઉદ્ભવ છે વિસ્મયમાં, આશ્ચર્યમાં, કૌતુકમાં, કુતૂહલમાં, વિશ્વની, વિશ્વક્રમની, વિશ્વરચનાની રહસ્યમયતામાં. આ સૌમાં એક સામ્ય છે. હમણાં જ કહ્યું તેમ સૌનું લક્ષ્ય છે જ્ઞાન અથવા સત્ય. અન્યથા પ્રત્યેકને અન્ય સાથે અસામ્ય છે, પ્રત્યેકને એનું વિશિષ્ટ શાસ્ત્ર છે, એની સુવ્યવસ્થિત શિસ્ત છે. પ્રત્યેકમાં વસ્તુવિષય અને શૈલીસ્વરૂપ એ જાણે કે એક સ્વતંત્ર, સ્વાયત્ત એવું સુશ્લિષ્ટ, સુગ્રથિત વિશ્વ છે. આ સૌમાં બાહ્યજગત અને / અથવા આંતરજીવનનું જ્ઞાન છે, પણ પ્રત્યેકમાં એ જ્ઞાનને પામવાની વિશિષ્ટ પ્રક્રિયા છે. પ્રત્યેકનો વિશિષ્ટ ગુણધર્મ છે. વિજ્ઞાન, ઇતિહાસ અને ફિલસૂફીમાં જે જ્ઞાન છે તે બુદ્ધિ અને તર્ક(logic- of reason)ની સરજત છે. સાહિત્યમાં જે જ્ઞાન છે તે કલ્પના અને સંવેદના- (logic of imagination)ની સરજત છે. વિજ્ઞાનમાં અમૂર્તતા અને નીતિમત્ત્વ છે, ઇતિહાસમાં મૂર્તતા (ઘટના, હકીકત) અને વ્યક્તિમત્ત્વ છે, ફિલસૂફીમાં અમૂર્તતા અને નીતિમત્ત્વ છે. (આમ, વિજ્ઞાન અને ફિલસૂફીમાં એક વિશેષ સામ્ય છે. એથી હાઈઝનબર્ગના કોન્ટમ મિકેનિક્સ (Quantum Mechanics) પછી વિજ્ઞાન જાણે કે ફિલસૂફીને સ્થાને છે અને આજના યંત્રવૈજ્ઞાનિક યુગમાં કમ્પ્યુટર, ઇમેઇલ, ઇન્ટરનેટ, મોબાઈલ ફોન, ટી.વી. આદિ સંદેશાવ્યવહારનાં સાધનોને કારણે વધુ ને વધુ જ્ઞાન વધુ ને વધુ ત્વરિત ગતિથી પ્રાપ્ત થાય છે, જ્ઞાનનો સ્ફોટ થયો છે અને જગતભરમાં પૂર્વે એક સૈકામાં જેવી અને જેટલી મહાન ઐતિહાસિક ઘટનાઓ ઘટતી હતી તે આજે હવે એક દાયકામાં ઘટી રહી છે ત્યારે પત્રકારત્વ જાણે કે ઇતિહાસને સ્થાને છે.) સાહિત્યમાં મૂર્તતા, નીતિમત્ત્વ અને વ્યક્તિમત્ત્વ છે. આમ, એકમાત્ર સાહિત્યમાં જ જ્ઞાનની અન્ય ત્રણે શાખાઓનાં મુખ્ય લક્ષણો છે. સાહિત્યમાં જે જ્ઞાન છે (રવીન્દ્રનાથ અને આઇન્સ્ટાઇન વચ્ચે જે વાદવિવાદ થયો હતો એમાં આઇન્સ્ટાઇનનો પ્રશ્ન હતો : Does scientfic truth have a validity independent of man’s perception of it ?’ વૈજ્ઞાનિક સત્યનું મૂલ્ય મનુષ્યની એ સત્ય વિશેની સૂઝ-સમજથી નિરપેક્ષ હોઈ શકે ? રવીન્દ્રનાથનો પ્રશ્ન હતો : Is truth only realized through man ?’ – સત્ય, મનુષ્યના એ સત્ય વિશેના અનુભવથી જ સિદ્ધ થઈ શકે ?) એ જ્ઞાન સાહિત્યમાં બાહ્યજગત અને આંતરજીવનમાં સ્ફુરણા, કલ્પના, સંવેદના દ્વારા જ પ્રાપ્ત થાય છે, એ જ્ઞાન મૂર્ત સ્વરૂપે, કલ્પન, ઉપમા, રૂપક, પ્રતીક આદિરૂપે પ્રગટ થાય છે. એથી વિજ્ઞાન, ઇતિહાસ અને ફિલસૂફીમાં જે જ્ઞાન છે તેમાં શક્તિ છે, જ્યારે સાહિત્યમાં જે જ્ઞાન છે એમાં ભક્તિ છે. આજે જ્યારે મનુષ્યજાતિના જીવનમાં વિજ્ઞાન અને પત્રકારત્વનો પ્રબળ પ્રભાવ છે ત્યારે સાહિત્યમાં જે સંવેદના છે એનું પૂર્વે ક્યારેય ન હતું એવું અને એટલું મહત્ત્વ છે. સાહિત્યમાં જે ભક્તિ છે એ દ્વારા વિજ્ઞાન (ફિલસૂફી) અને પત્રકારત્વ(ઇતિહાસ)માં જે શક્તિ છે એને વિશે મનુષ્યજાતિમાં સંવેદના ન પ્રગટે તો સર્વનાશ થાય એવો ભય છે. સાહિત્યને, પૂર્વોક્ત કારણે વિજ્ઞાન, ઇતિહાસ અને ફિલસૂફી સાથે પ્રગટ નહિ પણ પ્રચ્છન્ન, સ્થૂળ નહિ પણ સૂક્ષ્મ એવો સંબંધ છે. અલબત્ત, સાહિત્યકાર એ વિજ્ઞાની કે ઇતિહાસકાર કે ફિલસૂફ નથી. સાહિત્યકાર વિજ્ઞાન કે ઇતિહાસ કે ફિલસૂફીનો નિષ્ણાત હોય એ પણ અહીં અભિપ્રેત નથી. સાહિત્યમાં વિજ્ઞાન, ઇતિહાસ કે ફિલસૂફી વસ્તુવિષય તરીકે હોય એ પણ અહીં અભિપ્રેત નથી. જોકે કેટલાક સાહિત્યકારોના સાહિત્યમાં સાહિત્યનાં સૌ સ્વરૂપો – કવિતા, નાટક, નવલકથા આદિમાં વિજ્ઞાન, ઇતિહાસ કે ફિલસૂફી વસ્તુવિષય રૂપે હોય છે, તો કેટલાક સાહિત્યકારોના સાહિત્યમાં જ્ઞાનની આ ત્રણ શાખાઓમાંથી કલ્પનો, ઉપમાઓ, રૂપકો આદિનો પણ ઉપયોગ થાય છે. જગતસાહિત્યમાં એનાં અનેક ઉદાહરણો છે. ૧૭મી સદીના અંગ્રેજ મેટાફિઝિકલ (જ્ઞાનમાર્ગી) કવિઓએ એમની કવિતામાં વિજ્ઞાનમાંથી કલ્પનો યોજ્યાં છે. પ્રાચીન સૌ લૅટિન કવિઓએ એમની કવિતામાં તો રોમનો ઇતિહાસ વસ્તુવિષયરૂપે પ્રયોજ્યો છે, જાણે કે એમની કવિતા અને રોમનો ઇતિહાસ પરસ્પરના પર્યાય ન હોય! પ્રાચીન લૅટિન કવિ લુક્રેટિયસના કાવ્ય ‘On the Nature of Things’માં ગ્રીક ફિલસૂફ એપિક્યુરસની ભૌતિકવાદી ફિલસૂફી જાણે કે પદ્યરૂપે – મહાન કવિતારૂપે પ્રગટ થાય છે. મધ્યકાલીન ગુજરાતી કવિઓ – નરસિંહ, અખો, દયારામ – તથા અર્વાચીન ગુજરાતી કવિઓ – મણિલાલ, બાલાશંકર, કાન્ત, કલાપી, બલવન્તરાયની કવિતામાં તો વિજ્ઞાન, ઇતિહાસ અને ફિલસૂફી એ ત્રણેની ભૂમિકા છે. ગોવર્ધનરામની નવલકથા ‘સરસ્વતીચંદ્ર’માં પણ ઇતિહાસ અને ફિલસૂફીની ભૂમિકા છે. (૧૯મી સદીના અંતમાં ભારતમાં હજુ યુરોપમાં હતી એવી અને એટલી વિજ્ઞાનની અભિજ્ઞતા ન હતી, એથી એમાં વિજ્ઞાનની ભૂમિકાની અનુપસ્થિતિ સમજી શકાય છે.) વળી ૨૦મી સદીના ઉત્તરાર્ધમાં ફ્રેન્ચ નવલકથાકારો – સાર્ત્ર, કામુ આદિની નવલકથાઓ તો વાસ્તવમાં નવલકથાના સ્વાંગમાં ફિલસૂફી (fictionallzed philosophy) જ છે એવું કેટલાક વિવેચકો માને છે. અહીં સાહિત્યમાં વિજ્ઞાન, ઇતિહાસ અને ફિલસૂફીની અભિજ્ઞતા પ્રસ્તુત છે. અલબત્ત, સાહિત્યમાં આ અભિજ્ઞતા હોય જ એ અનિવાર્ય નથી, આવશ્યક પણ નથી. સાહિત્યકાર આ અભિજ્ઞતાની અનુપસ્થિતિમાં પણ સાહિત્ય રચી શકે છે. જગતસાહિત્યના ઇતિહાસમાં અનેક સાહિત્યકારોએ એવું સાહિત્ય રચ્યું પણ છે, છતાં સાહિત્યકારમાં અને એના સાહિત્યમાં આ અભિજ્ઞતા હોય એ કોઈ અવગુણ નથી. (તો અનભિજ્ઞતા હોય એ કોઈ ગુણ પણ નથી.) આ અભિજ્ઞતા હોય એ ઇષ્ટ છે, ઇચ્છનીય છે. ભટ્ટ તૌતે તો એટલે સુધી કહ્યું છે કે દર્શન હોય તો ઋષિ, દર્શન અને વર્ણન હોય તો કવિ. એટલે કે જો દર્શન ન હોય તો ઋષિ નહિ, પણ જો માત્ર વર્ણન હોય અને દર્શન ન હોય તો કવિ પણ નહિ. એથીસ્તો ૧૮૮૧માં ૨૦ વર્ષની વયે રવીન્દ્રનાથે એમના એક નિબંધમાં વિજ્ઞાનને જેમ કવિતાની આવશ્યકતા છે તેમ કવિતાને વિજ્ઞાનની આવશ્યકતા છે એમ લખ્યું છે. એ રવીન્દ્રનાથની માન્યતા હતી. એમને વિજ્ઞાનમાં વિશ્વમાનવીની આત્મલક્ષિતાની અપેક્ષા હતી, તેમ સાહિત્યમાં વિજ્ઞાનની પરલક્ષિતાની, વિજ્ઞાનીના અનાસક્ત નિષ્કામ માનસ(detached mind)ની અપેક્ષા હતી. ૧૯૩૨માં એમના નિબંધ ‘આધુનિક કાવ્ય’માં અંતે તેઓ લખે છે, ‘Whether in science or in art, the detached mind is the best vehicle; that which Europe has achieved in science, but not in literature.’ – ‘શું વિજ્ઞાનમાં કે શું કળામાં, અનાસક્ત માનસ સર્વોત્તમ સાધન છે. યુરોપે વિજ્ઞાનમાં એ પ્રાપ્ત કર્યું છે, પણ સાહિત્યમાં પ્રાપ્ત કર્યું નથી.’ ૧૮૮૧માં એમના એક નિબંધ ‘કવિતામાં પરિવર્તન’માં લખે છે કે, જેમજેમ વિજ્ઞાનમાં વૃદ્ધિ થાય છે તેમતેમ વિશ્વની રહસ્યમયતામાં પણ વૃદ્ધિ થાય છે. વિજ્ઞાન જેમજેમ જ્ઞાનનો વધુ ને વધુ પ્રકાશ પ્રગટાવતું જાય છે તેમતેમ વિશ્વનો જે આદિમ અંધકાર છે અને જેમાં કવિત્વનું પણ આદિમ છે તે અંધકારની વધુ ને વધુ નિકટ આપણને લાવતું જાય છે. એમના જ શબ્દોમાં ‘What does the light of science do ? It just makes the darkness visible. Science is continually discovering darkness... For the night-bird of poetry what happier time can there be! It loves mystery and what greater mysteries ever existed in times past! In uncovering of one mystery, ten more mysteries emerge.’ – ‘વિજ્ઞાનનો પ્રકાશ શું કરે છે ? એ અંધકારને છતો કરે છે. વિજ્ઞાન સતત અંધકારનું અનાવરણ કરે છે. કવિતાના રાત્રિ-પંખી માટે આથી વધુ આનંદનો સમય શો હોઈ શકે! એ રહસ્યને ચાહે છે અને ભૂતકાળમાં આથી વધુ રહસ્યો ક્યારે હતાં ? એક રહસ્યનું અનાવરણ થાય છે, ત્યાં તો દસ વધુ રહસ્યો પ્રગટ થાય છે.’ એલિયટે ૧૯૧૯માં એમના નિબંધ ‘Tradition and Individual Talent’માં લખ્યું છે, ‘Tradition... involves in the first place, the historical sense, which we may call nearly indispensible to anyone who would continue to be a poet beyond his twentyfifth year.’ – ‘પરંપરામાં સર્વપ્રથમ તો ઇતિહાસદૃષ્ટિ સમાવિષ્ટ છે. જે કોઈને ૨૫ વર્ષની વય પછી કવિ તરીકે જીવવું હોય તેના માટે એ (ઇતિહાસદૃષ્ટિ), આપણે કહીએ કે, લગભગ અનિવાર્ય છે.’ એલિયટના કાવ્ય ‘Four Quartets’માં ગ્રીક અને ભારતીય ફિલસૂફીની અભિજ્ઞતા છે. આ કાવ્ય વિશે ફ્રેન્ચ કવિ-વિવેચક જોસેફ ચિઆરીએ કહ્યું છે કે એમાં અનેક ફિલસૂફોની ફિલસૂફીઓની ભૂમિકા છે એનો અર્થ એ નથી કે આ કાવ્ય એ ફિલસૂફીઓનું માત્ર ભાષ્ય છે. એમાં એનાં કલ્પનો અને લયોને કારણે સાદ્યંત કવિતા જ માત્ર છે. પણ એમાં ફિલસૂફી – બલકે ફિલસૂફીઓની પણ સાદ્યંત અભિજ્ઞતા છે. સાહિત્યકારની સર્જકતા સમૃદ્ધ હોય, એની સર્જકપ્રતિભા સર્વતોમુખી હોય તો એના સાહિત્યમાં વિજ્ઞાન, ઇતિહાસ અને ફિલસૂફીની અભિજ્ઞતા સવિશેષ હોય. અલબત્ત, એ અભિજ્ઞતા કલ્પન, ઉપમા, રૂપક, પ્રતીક આદિ દ્વારા અને લય દ્વારા પ્રગટ થાય એ અનિવાર્ય છે. વળી કહેવું હોય તો એમ પણ કહી શકાય કે જે સાહિત્યકારના સાહિત્યમાં વિજ્ઞાન, ઇતિહાસ કે ફિલસૂફીની સવિશેષ અભિજ્ઞતા હોય તે સાહિત્યકારની સર્જકતા સમૃદ્ધ, એની સર્જકપ્રતિભા સર્વતોમુખી હોય, એનું સાહિત્ય એ મહાન સાહિત્ય હોય. એથી જ એલિયટે કહ્યું છે કે સાહિત્ય એ સાહિત્ય છે કે નહિ એનું મૂલ્યાંકન માત્ર સાહિત્યનાં ધોરણોથી જ ન થાય એટલે કે જીવનમૂલ્યોનાં ધોરણોથી થાય, એ સાહિત્યમાં વિજ્ઞાન, ઇતિહાસ કે ફિલસૂફીની કેવી અને કેટલી અભિજ્ઞતા છે એનાં ધોરણોથી થાય. જગતસાહિત્યના ઇતિહાસમાં રવીન્દ્રનાથ જ એકમાત્ર કવિ છે કે જેમના સાહિત્યમાં જ્ઞાનની ત્રણે શાખાઓ – વિજ્ઞાન, ઇતિહાસ અને ફિલસૂફી – ની વિશાળ અને ગહન અભિજ્ઞતા છે. દસેક વર્ષની વયથી તે લગભઘ એંસી વર્ષની વય લગી, લગભગ સાત દાયકા લગી રવીન્દ્રનાથને વિજ્ઞાનમાં સતત રસ રહ્યો હતો. જગદીશચન્દ્ર બોઝ સાથેની એમની મૈત્રી અને આઇન્સ્ટાઇન સાથેના એમના ચાર વાદ-વિવાદો, એમનાં અનેક કાવ્યો અને નાટકો, એમની અનેક નવલકથાઓ અને વારતાઓ, એમના અનેક નિબંધો અને સંવાદો એમની વૈજ્ઞાનિક દૃષ્ટિનાં સાક્ષી છે. આયુષ્યના અંતે ૧૯૩૮માં ૭૮ વર્ષની વયે એમણે વિજ્ઞાન વિશેનું પુસ્તક ‘વિશ્વપરિચય’ લખ્યું હતું. ૧૯૩૭ના એપ્રિલની ૧૯મીએ, ૭૭ વર્ષની વયે, હેમંતબાલા દેવી પરના એક પત્રમાં એમણે લખ્યું હતું, ‘I read scientific books more than books of literature’ – ‘હું સાહિત્યનાં પુસ્તકોથી વિશેષ તો વિજ્ઞાનનાં પુસ્તકો વાંચું છું.’ એમનામાં ઇતિહાસની પણ એટલી જ અભિજ્ઞતા હતી. ૧૯૧૨માં એમણે કલકત્તામાં ‘ભારતવર્ષેર ઇતિહાસેર ધારા’ એ જાહેર વ્યાખ્યાન કર્યું હતું. પ્રસિદ્ધ ઇતિહાસકાર જદુનાથ સરકાર આ વ્યાખ્યાનથી અત્યંત પ્રભાવિત થયા હતા. પછીથી રવીન્દ્રનાથે એનો અંગ્રેજી અનુવાદ કર્યો હતો ‘A Vision of India’s History.’ આ વ્યાખ્યાન એમની ઇતિહાસદૃષ્ટિનું સાક્ષી છે. (ભારતવર્ષનો આત્મા સમજવા માટે આ એક જ વ્યાખ્યાન બસ છે. આ વ્યાખ્યાન વાંચ્યા પછી અન્ય એક પણ પુસ્તક વાંચવાની, આખી લાઇબ્રેરી વાંચવાની જરૂર રહેશે નહીં. નગીનદાસ પારેખે આ વ્યાખ્યાનનો અનુવાદ કર્યો છે : ‘ભારતવર્ષના ઇતિહાસની ધારા’ એમનામાં ફિલસૂફીની – સવિશેષ ઉપનિષદોની અભિજ્ઞતા હતી. એમના અનેક નિબંધો અને વ્યાખ્યાનો – સવિશેષ તો શાંતિનિકેતનમાં વિદ્યાર્થીઓ સમક્ષનાં વ્યાખ્યાનો (આ વ્યાખ્યાનો ‘શાંતિનિકેતન’રૂપે ગ્રંથસ્થ થયાં છે. નગીનદાસ પારેખે એનો અનુવાદ ત્રણ ભાગમાં કર્યો છે : ‘શાંતિનિકેતન ૧, ૨, ૩)’ અને ૧૯૧૩માં હાર્વર્ડ યુનિવર્સિટીમાં કર્યાં તે અંગ્રેજી વ્યાખ્યાનો (૧૯૧૩માં એ ‘Sadhana’માં ગ્રંથસ્થ થયાં છે.) -એમની ફિલસૂફીની દૃષ્ટિનાં સાક્ષી છે. ગુજરાતી સાહિત્ય પરિષદના પિતા રણજિતરામ અને પ્રારંભથી જ એના એક મુખ્ય પ્રણેતા રમણભાઈ. પરિષદના આ બે ‘Founding Fathers’ – પ્રાણવંતા પૂર્વજોએ ૧૯૦૫માં અમદાવાદમાં પરિષદના પ્રથમ અધિવેશનમાં જ અનુક્રમે ‘આમુખ’ અને ‘સ્વાગત-પ્રવચન’માં સાહિત્યમાં વિજ્ઞાન, ઇતિહાસ, ફિલસૂફી આદિ જ્ઞાનની શાખાઓની અભિજ્ઞતા આવશ્યક – બલકે અનિવાર્ય છે એ વિશે વિગતે ઉલ્લેખ કર્યો હતો. આરંભથી જ જ્ઞાનની આ ત્રણે શાખાઓના વિભાગોનું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રત્યેક અધિવેશન-પ્રસંગે આ ત્રણે વિષયો પર વ્યાખ્યાનો રજૂ થતાં હતાં. ૧૯૨૮માં નડિયાદ પરિષદના ૯મા અધિવેશનના પ્રમુખ તરીકે આનંદશંકરે જે વ્યાખ્યાન કર્યું હતું એમાં અંતે એમણે કહ્યું હતું, ‘પંકજ પણ પંક વિના થતું નથી, તો કવિતાસાહિત્ય પણ બુદ્ધિ અને હૃદયને કેળવે એવા શાસ્ત્રના ક્યારા વિના કેમ ઊગે ? તે સારુ બીજાં શાસ્ત્રની કેળવણી માટે પણ આ પરિષદે ભગીરથ પ્રયત્ન કરવાની જરૂર છે.’ અને પછી સાહિત્યમાં વિજ્ઞાન, ઇતિહાસ અને ફિલસૂફીની અભિજ્ઞતા આવશ્યક – બલકે અનિવાર્ય છે એનું સમર્થ પુનરુચ્ચારણ કર્યું હતું. ૧૯૨૦માં અમદાવાદમાં પરિષદના છઠ્ઠા અધિવેશનમાં બલન્વતરાયે ઇતિહાસ- વિભાગના પ્રમુખ તરીકે ‘ઇતિહાસ દિગ્દર્શન’ વ્યાખ્યાન કર્યું હતું. ૧૯૬૦માં અમદાવાદમાં પરિષદના વીસમા અધિવેશનમાં વિજ્ઞાનવિભાગના પ્રમુખ તરીકે ડૉ. વિક્રમ સારાભાઈએ વિજ્ઞાન વિશે વ્યાખ્યાન કર્યું હતું. આમ, આરંભથી જ પૂર્વજોની આ એક મહેચ્છા હતી, એક અપેક્ષા હતી, એમનું એક સ્વપ્ન હતું, એક આહ્વાન હતું. પણ છેલ્લા બે-ત્રણ દાયકાથી એનું વિસ્મરણ થયું છે. જ્ઞાનની આ ત્રણે શાખાઓના વિભાગોનું વિસર્જન થયું છે. ૨૦૦૫-૨૦૦૬માં પરિષદના શતાબ્દીવર્ષમાં એનું સ્મરણ કરવું-કરાવવું રહ્યું અને પરિષદ જ્યારે એની દ્વિતીય શતાબ્દીમાં પ્રવેશ કરે છે ત્યારે આ વિભાગોનું પુનરુત્થાન કરવું-કરાવવું રહ્યું. આજે આ વિભાગોની પૂર્વે કદી ન હતી એવી આવશ્યકતા છે – અનિવાર્યતા છે, કારણ, આજના યુગમાં અને પછીના યુગોમાં ગુજરાતનો સાહિત્યકાર માત્ર અંગત અનુભૂતિઓ અને ઊર્મિઓનું, સ્વાનુભવ અને આત્મલક્ષિતાનું જ સાહિત્ય રચશે ? માત્ર સ્વકેન્દ્રીય અને અહંપ્રેરિત સાહિત્ય જ રચશે ? માત્ર સામાજિક અને પ્રાદેશિક સાહિત્ય જ રચશે ? માત્ર ‘ગુજરાતી’ સાહિત્ય જ રચશે ? એવું સાહિત્ય ભલે રચે! પણ આજે જ્યારે વિશ્વ એક વૈશ્વિક નગર જેવું, એક નીડ જેવું થતું જાય છે, સમાજ-સમાજ વચ્ચે, સંસ્કૃતિ-સંસ્કૃતિ વચ્ચે ઐક્ય સિદ્ધ થતું જાય છે અને જ્યારે મનુષ્યજાતિ સમક્ષ અનેક મહાન અને ગંભીર સમસ્યાઓ છે ત્યારે એ સાહિત્યની સાથેસાથે, એ સાહિત્યની અંતર્ગત એક વિશ્વમાનવ તરીકે સર્વાનુભવનું, પરલક્ષિતાનું, વૈશ્વિક સંવેદનાનું, વૈશ્વિક સભાનતાનું સાહિત્ય પણ રચશે ને ? વિજ્ઞાન, ઇતિહાસ અને ફિલસૂફીની અભિજ્ઞતાની અનુપસ્થિતિમાં એ કેવું અને કેટલું સાહિત્ય રચશે ? સાહિત્ય પરિષદના કેન્દ્રમાં તો, અલબત્ત, સાહિત્ય જ હોય, પણ પરિઘ પર તો વિજ્ઞાન, ઇતિહાસ અને ફિલસૂફી હોય ને ? પરિષદ એના પૂર્વજોનું અને પરિષદના કર્તવ્ય અંગેની એમની ભાવનાનું સ્મરણ કરશે ? વિજ્ઞાન, ઇતિહાસ અને ફિલસૂફીના વિભાગોનું પુનરુત્થાન કરશે ? પરિષદ વિજ્ઞાન, ઇતિહાસ અને ફિલસૂફી પરત્વેનું એનું ઉત્તરદાયિત્વ ચરિતાર્થ કરશે ?