નરસિંહથી ન્હાનાલાલ/૨૭

Revision as of 22:41, 12 July 2022 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ટાગોર અને ગુજરાતી સાહિત્ય પરિષદ | }} {{Poem2Open}} ૧૯૨૦માં પરિષદન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ટાગોર અને ગુજરાતી સાહિત્ય પરિષદ

૧૯૨૦માં પરિષદનું ૬ઠ્ઠું અધિવેશન એપ્રિલની ૨જી, ૩જી અને ૪થીએ અમદાવાદમાં યોજવામાં આવ્યું હતું. એ અધિવેશનમાં રવીન્દ્રનાથ ટાગોર અતિથિવિશેષ હતા. એથી આ અધિવેશન એક અસાધારણ અને ઐતિહાસિક અધિવેશન હતું. ૧૯૧૩માં રવીન્દ્રનાથને ‘ગીતાંજલિ’ માટે નૉબેલ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો હતો. ૧૯૨૦ લગીમાં તો તેઓ માત્ર બંગાળના કે ભારતના જ નહિ પણ વિશ્વના કવિઓમાં સ્થાન પામી ચૂક્યા હતા. પરિષદના સંચાલકોને રવીન્દ્રનાથને અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત થવા આમંત્રણ આપવાની ઇચ્છા હતી. ૧૯૧૫થી ગાંધીજીને રવીન્દ્રનાથ સાથે આત્મીય સંબંધ હતો. એથી એમણે ગાંધીજીને રવીન્દ્રનાથ પર ભલામણપત્ર લખવા વિનંતી કરી હતી. ગાંધીજીએ રવીન્દ્રનાથને ભલામણપત્ર લખ્યો હતો એમાં એમણે રવીન્દ્રનાથને પરિષદના આમંત્રણનો સ્વીકાર કરવા ભારપૂર્વક જણાવ્યું હતું. સાથેસાથે રવીન્દ્રનાથ જેવા અતિથિનું યોગ્ય આતિથ્ય થાય એમ પણ પરિષદના સંચાલકોને એટલા જ ભારપૂર્વક જણાવ્યું હતું. એથી અંબાલાલ સારાભાઈના નિવાસસ્થાન ‘રીટ્રીટ’માં એમના નિવાસ માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. અપવાદરૂપે એપ્રિલની બીજીએ રાતે તેઓ ગાંધીજી સાથે સાબરમતી આશ્રમમાં રહ્યા હતા અને ૩જીએ સવારે તેઓ ગાંધીજીની પ્રાર્થનામાં પણ ઉપસ્થિત હતા. (રવીન્દ્રનાથ અમદાવાદમાં કુલ છ વાર આવ્યા હતા : ૧૮૭૮, ૧૯૨૦, ૧૯૨૨, ૧૯૨૩, ૧૯૨૭ અને ૧૯૩૦માં. ૧૮૭૮માં ૧૭ વર્ષની વયે ઇંગ્લૅન્ડના પ્રવાસ પૂર્વે અમદાવાદ આવ્યા હતા. ત્યારે એમના મોટાભાઈ સત્યેન્દ્રનાથ અમદાવાદમાં ડિસ્ટ્રિક્ટ જજ હતા અને શાહીબાગમાં શાહજહાનના મહેલમાં એમનું નિવાસસ્થાન હતું. એથી એ ત્યાં છ માસ રહ્યા હતા. રવીન્દ્રનાથે એમના શૈશવકાળની જીવનકથા ‘છેલે બેલા’માં એનો વિગતે ઉલ્લેખ કર્યો છે. ૧૯૨૦થી ૧૯૩૦ લગીમાં પાંચ વાર તેઓ અમદાવાદ આવ્યા હતા ત્યારે પાંચે વાર એ અંબાલાલ સારાભાઈના અતિથિ તરીકે ‘રીટ્રીટ’માં રહ્યા હતા.) એપ્રિલની ૧લીએ સવારે રવીન્દ્રનાથનું અમદાવાદમાં આગમન થયું ત્યારે અમદાવાદના સ્ટેશન પર એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એમની સાથે સી. એફ. એન્ડ્રુસ, ક્ષિતિમોહન સેન અને સંતોષ મજુમદાર પણ આવ્યા હતા. એપ્રિલની ૨જીએ સવારે રવીન્દ્રનાથ ભોળાનાથ સારાભાઈ લેડીઝ ઇન્સ્ટિટ્યૂટમાં પરિષદ-આયોજિત ચિત્રપ્રદર્શનમાં ગયા હતા. બપોરે ૧૨ વાગ્યે આનંદભવન થિયેટરમાં પરિષદનું અધિવેશન યોજવામાં આવ્યું હતું. રવીન્દ્રનાથ ઉપસ્થિત થવાના હતા એથી નિયત સમય પૂર્વે જ થિયેટર શ્રોતાઓથી ભરાઈ-ઊભરાઈ ગયું હતું. મંચ પર ગાંધીજી, સરલાદેવી ચૌધરાણી તથા તે સમયના ગુજરાતના લગભગ સૌ સાહિત્યકારો અને વિદ્વાનો ઉપસ્થિત હતા. અધિવેશનનો આરંભ ન્હાનાલાલના અતિપ્રસિદ્ધ ગીત ‘ગુજરાત’ના ગાનનો આરંભ થાય ત્યાં જ રવીન્દ્રનાથનું આગમન થયું હતું. એમની સાથે સી. એફ. એન્ડ્રુસ અને અંબાલાલ સારાભાઈ હતા. સ્વાગતપ્રમુખ આનંદશંકર ધ્રુવે એમના સ્વાગત વ્યાખ્યાનમાં આરંભે જ સ્વાગત કર્યું હતું. એપ્રિલની ૨જીએ સાંજે રવીન્દ્રનાથને પુષ્પગુચ્છ અને કાસ્કેટમાં માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. સ્વાગતપ્રમુખ આનંદશંકર ધ્રુવે માનપત્ર વાંચ્યું હતું. ટાગોરે માનપત્રનો સ્વીકાર કર્યો હતો અને માનપત્ર અર્પણ કરવા માટે પરિષદનો આભાર માન્યો હતો અને અંગ્રેજીમાં કહ્યું હતું, ‘મને લાગે છે કે મારા દેશબંધુને મારે કંઈક કહેવું જોઈએ અને આપના પ્રેમનો બદલો વાળવાનું ઉત્તમ સાધન આ મેં લખેલું વ્યાખ્યાન તે છે.’ પછી એમણે એ વ્યાખ્યાન ‘Construction and Creation’ અંગ્રેજીમાં વાંચ્યું હતું. રવીન્દ્રનાથે એમના જીવનકાળમાં જે કેટલાંક ઉત્તમ વ્યાખ્યાનો કર્યાં હતાં એમાંનું આ એક વ્યાખ્યાન છે. એ વ્યાખ્યાનનો કેટલોક ભાગ ગુજરાતી અનુવાદમાં અહીં આપવામાં આવ્યો છે: “જગતનું સત્ય શું છે ? વસ્તુઓનો ખાલી ખડકલો એ જગતનું સત્ય નથી. જગતનું સત્ય તો છે વસ્તુઓનો અખિલાઈભર્યો સંબંધ. જલનું બિંદુ એ માત્ર અમુક મૂળભૂત રસાયણોનો વિશિષ્ટ સંકર નથી. વાસ્તવમાં વસ્તુ તો અમૂર્તતા માત્ર છે. વિજ્ઞાન એનું રહસ્ય પ્રગટ કરે છે ત્યારે આપણે એને જાણી શકીએ છીએ. આપણે એને નરી આંખે જોઈ શકતા નથી. આપણે ફૂલને જોઈએ છીએ, ફૂલને એક વસ્તુ તરીકે જોતા નથી. પ્રયોગશાળામાં વસ્તુનો ઉપયોગ થાય છે, વસ્તુની અભિવ્યક્તિ થતી નથી. આ અભિવ્યક્તિ એ જ સર્જન અને એ સર્જન સર્જનને ખાતર હોય છે. એ જ રીતે આપણી સંસ્કૃતિ ત્યારે જ એની પૂર્ણતાને પામે છે, જ્યારે માનવતાને પ્રગટ કરે છે, વસ્તુઓનો સંગ્રહ કરવાની એની શક્તિ પ્રગટ કરે છે ત્યારે નહિ. મેં કહ્યું કે આ જગતનું સત્ય એના સંબંધોના નિયમમાં સમાયું છે, એટલે કે તાલમાં તાલ મિલાવવાના નિયમમાં. જગત એટલે ગતિ. અને આ ગતિ એના તાલમાં ભંગ થવાને કારણે એના એકાદ અંગમાં પણ શિથિલ ન થવી જોઈએ. માનવજગતને દુ:ખની યાતના સહન કરવી પડે છે, કારણ કે એની અનેકવિધ ગતિ તાલબદ્ધ નથી. સૌંદર્ય અને સદ્ગુણની સમતુલા-રૂપે વિવિધ જાતિઓના સંબંધો હજુ સિદ્ધ થયા નથી. આ સમતુલા બાહ્ય નિયમનથી સાચવી ન શકાય. આ સમતુલા એ તો એક નૃત્ય છે. એનું નિયમન તો સંગીતથી જ થાય. આધુનિક યુગમાં મનુષ્યોનું જે ઐતિહાસિક મિલન થયું છે એમાં આ મહાસંગીતનો અભાવ છે. એની અનેકવિધ ગતિમાં જે અસંબદ્ધતા છે એ અનેક દુ:ખો જન્માવે છે. આપણા ભારતના ઇતિહાસમાં આપણે એક ઘટના જાણીએ છીએ, જ્યારે એક મહાન વિભૂતિએ એમના જીવનમાં અને વાણીમાં માનવતાના ભવ્ય સંગીતનો પ્રધાન સૂર – જીવમાત્ર પ્રત્યે કરુણાનો સૂર – પ્રગટ કર્યો હતો. એ સંગીત સમુદ્રો, પર્વતો, રણો અને અરણ્યોની પાર પ્રસર્યું હતું અને ભિન્નભિન્ન પ્રદેશો, સંસ્કારો અને ભાષાઓની જાતિઓ ખાંડાના ખખડાટ કે શોષણના સંઘર્ષ દ્વારા નહિ, પણ મૈત્રી અને શાંતિના, જીવનના સહકાર દ્વારા એકમેકમાં ભળી હતી. આનું નામ સર્જન. વિશ્વના હૃદયમાં આ મહારાગિણીનો વિરાટ લય લોલાયમાન થયો હતો. કાવ્યમાં જેમ છંદ તેમ વિશ્વહૃદયમાં આ લય. આ લય એ માત્ર વિચારોને અરાજકતામાં પરિણમતા રોકવાનું બંધન ન હતું. પણ આ લય એ વિચારો અવિભાજ્યપણે સર્જનના ઐક્યમાં સહભાગી થાય એ માટેનું એક શક્તિદાયક પરિબળ હતું. મનુષ્ય વિશેનું અંતિમ સત્ય એની બુદ્ધિમાં કે એની ભૌતિક સંપત્તિમાં નથી, એ તો છે એની અનુકંપાની કલ્પનાશક્તિમાં, એના હૃદયના ઉજ્જ્વળ પ્રકાશમાં, એની ત્યાગ-સમર્પણની સાધનામાં, જાતિભેદ અને રંગભેદના અંતરાયોને અતિક્રમીને જગતભરમાં પ્રેમનો પ્રસાર કરવાના એના સામર્થ્યમાં. આ જગત એ યાંત્રિક શક્તિનું સંગ્રહાલય નથી, પણ જેનામાં સૌંદર્યનું સનાતન સંગીત અને દિવ્યતાનો આંતરપ્રકાશ છે એવા માનવ-આત્માનું નિવાસસ્થાન છે એવા એના દર્શનમાં.” ૧૯૨૦માં સાહિત્ય પરિષદનું છઠ્ઠું અધિવેશન અમદાવાદમાં યોજવામાં આવ્યું હતું. એ પ્રસંગે ટાગોર અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત હતા. એપ્રિલની બીજીએ સાંજે આનંદભવન થિયેટરમાં એમને માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. અધિવેશન નિમિત્તે ભોળાનાથ સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટના મકાનમાં મેડા પરના એક ખંડમાં કલા-પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. એપ્રિલની ત્રીજીએ સવારે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એપ્રિલની ૧લીએ સ્ટેશન પર ટાગોરનું આગમન થયું ત્યારે એમનો એક ફોટોગ્રાફ પાડવામાં આવ્યો હતો. ૧૭ X ૨૩ના મોટા કદમાં આ ફોટોગ્રાફ પ્રવેશદ્વાર પર પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સવારે ટાગોર આ પ્રદર્શન જોવા ગયા હતા અને ગુજરાતની કળાથી પ્રભાવિત થયા હતા. એથી એમણે ક્ષિતિમોહન સેનને આ પ્રદર્શન ફરી એક વાર જોવાની ભલામણ કરી હતી. એ જ દિવસે રાતે ઇન્સ્ટિટ્યૂટના ચોકમાં ક્ષિતિમોહન સેને ‘ગીતાંજલિ’, ‘સોનાર તરી’ આદિ કાવ્યસંગ્રહોમાંથી રવીન્દ્રનાથનાં બંગાળી કાવ્યોનું પઠન કર્યું હતું અને શ્રોતાઓને ટાગોરની બંગાળી વાણીમાં જે સૌંદર્ય અને માધુર્ય છે એનો અનુભવ કરાવ્યો હતો. એપ્રિલની ૩જીએ સાંજે લાલ દરવાજાના ખુલ્લા મેદાનમાં નરસિંહરાવ દિવેટિયાના પ્રમુખપદે રવીન્દ્રનાથે એપ્રિલ માસ હતો એથી ‘વસંતનો સંદેશ’ વિશે અંગ્રેજીમાં જાહેર વ્યાખ્યાન કર્યું હતું. આ પ્રસંગે ગાંધીજી, આનંદશંકર આદિ ઉપસ્થિત હતા. વ્યાખ્યાનને અંતે શ્રોતાઓએ વ્યાખ્યાનનો ગુજરાતીમાં સાર આપવાનો આગ્રહ કર્યો હતો. ત્યારે નરસિંહરાવે કહ્યું, ‘અશક્ય છે’ અને આનંદશંકરે કહ્યું, ‘અનુવાદ ન થાય એવું આ વ્યાખ્યાન છે.’ પણ ગાંધીજીએ ટાઇપ કરેલા વ્યાખ્યાન પર એક ઊડતી નજર નાંખીને તરત જ સરળ ગુજરાતીમાં એનો સાર શ્રોતાઓને કહ્યો હતો. એપ્રિલની ૪થીની સાંજે અધિવેશનની પૂર્ણાહુતિરૂપે રવીન્દ્રનાથના માનમાં સાબરમતીના તટ પરના વિક્ટોરિયા ગાર્ડનમાં એક ભોજનસમારંભ યોજવામાં આવ્યો હતો. એમાં રવીન્દ્રનાથ માટે ગાર્ડનમાં વિવિધ સ્થળે રાસ, ગરબા અને ભજનનો એક ખાસ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ સમારંભમાં ગાંધીજી, ક્ષિતિમોહન સેન, સરલાદેવી સારાભાઈ તથા અનેક સાહિત્યકારો, શ્રીમંતો, પ્રતિષ્ઠિત નાગરિકો અને યુવાનો ઉપસ્થિત હતા. ટાગોર ભજનોથી અત્યંત પ્રભાવિત થયા હતા. એમણે ભજનિકોને અભિનંદન આપ્યાં હતાં અને કહ્યું હતું, ‘આપણા લોકજીવનમાં આધ્યાત્મિક ભાવના આ લોકો જ સાચવી રાખે છે. તેમને સાચવજો.’ તેઓ રાસ અને ગરબાથી પણ એટલા જ પ્રભાવિત થયા હતા – સવિશેષ ‘જલ ભરવાને ચાલો રે’ ગરબાથી. એને ઉદ્દેશીને રવીન્દ્રનાથે કહ્યું હતું, ‘આત્માની તરસ છિપાવવાને જળ ભરવા આ રમણીઓ જાય છે. ગુજરાતના તરસતા આત્માની તરસ પણ સાહિત્યની અધિષ્ઠાતા દેવી સરસ્વતી આમ છિપાવે!’ અને પછી એમણે કહ્યું હતું, ‘તમારી સારી ગરબા ગાનારી કન્યાઓને શાંતિનિકેતન મોકલો. હું એમને રાજવંશીની જેમ મારે ઘરે રાખી એમની પરોણાગત કરીશ, મારી પુત્રીઓની જેમ સાચવીશ. તેઓ અમારી બંગાળી કન્યાઓને ગરબા શીખવશે પછી તરત એમને વિદાય કરીશ.’ રવીન્દ્રનાથ આ રાસ, ગરબા અને ભજનો જોવા-સાંભળવા ગાર્ડનમાં સ્થળેસ્થળે લાંબું રોકાયા હતા અને અંતે જ્યારે ભોજનના સ્થળે ગયા ત્યારે યુવાનો બધાં ટેબલો પરની વાનગીઓ આરોગીને ક્યારના ચાલ્યા ગયા હતા. સદ્ભાગ્યે અતિથિવિશેષો માટે એક ખાસ ટેબલ રાખવામાં આવ્યું હતું. નહિ તો રવીન્દ્રનાથ, ગાંધીજી, આદિ ભોજન કર્યા વિના જ માત્ર ભજનના જ આસ્વાદ સાથે ભૂખ્યા ઘરે ગયા હોત! ટાગોરનું ‘વસંતનો સંદેશ’ વ્યાખ્યાન: ગુજરાતી અનુવાદ ‘જે માયાળુ શબ્દોથી તમે મને આવકાર આપ્યો છે એથી મારું અંત:કરણ અત્યારે ઊંડી લાગણીથી છવાઈ ગયું છે, કારણ કે હું જાણું છું કે તમે મને એક કવિ અથવા લેખક તરીકે પૂરેપૂરી રીતે નથી પિછાનતા. તમે મને ખરા હૃદયથી ચાહો છો, મારામાં અનહદ વિશ્વાસ મૂકો છો, કારણ કે તમને એમ લાગે છે કે અન્ય દેશોમાં આપણા દેશની કીર્તિ ફેલાવવાને કાંઈક પણ કરવા હું સમર્થ થયો છું. સ્થિતિ એવી છે કે તમારામાંના ઘણાખરાને હું મારા જીવનમાં અગાઉ કદી મળ્યો પણ નથી અને ફરી એકાદ વાર મળવાનો સંભવ સરખોય અત્યારે તો નથી. આટલા માટે આ સમયે તમારી સર્વની મારા મિત્રો તરીકે ગણના કરતાં મને અત્યંત આનંદ થાય છે. જે સ્થળે મારે આવવાનો સંભવ પણ ન હોય એ સ્થળે આવી આટલો બધો સ્નેહ સંપાદિત કરવો એ તો એક અણમૂલો લાભ છે. કાળના વહન સાથે મારી શક્તિનો તમને સાચો પરિચય થાય અને એક વેળા કદાચ એવું પણ જણાઈ આવે કે તમારા પ્રેમભાવનું અને અતિથિસત્કારનું અપાત્રે દાન કર્યું છે. હું હવે વૃદ્ધ થયો છું એટલે માની લઉં છું કે આવો અવસર હું કદાચ જોવા નહિ પામું. નવો યુગ અત્યારે શરૂ થયેલો દીસે છે. આપણા અંતરમાં અત્યારે ઉન્નતિની ઊર્મિઓ ઊછળી રહી છે. આ ઊર્મિઓને આપણા વ્યવહારમાં પ્રત્યક્ષ જોવા આપણે અત્યારે ઇચ્છીએ છીએ અને આ ઇચ્છામાં જ આપણી અનેક આશાઓ વસી રહી છે. આપણને આપણી પોતાની જાત પ્રત્યે અવિશ્વાસ ઉત્પન્ન થાય એ ઇચ્છવા યોગ્ય નથી. અત્યારે હજુ આપણામાં આપણી શક્તિ પારખવાની ઊણપ છે અને આપણામાંના કેટલાક મહાપુરુષોની મહત્તા વિશે આપણામાં માન અને વિશ્વાસની ખામી છે. અત્યારે તમે મને જે માન આપો છો તેનો સ્વીકાર કરતાં હું નવા યુગના ભાવને ઝીલું છું અને આપણા ભવિષ્ય માટે અનેક ઉજ્જ્વળ આશાઓ સેવું છું. શિશિરઋતુની સમાપ્તિ પછી દક્ષિણદિશાના પવનની લહરીઓ વસંત ઋતુનો સંદેશ આપે છે ત્યારે આંબાની ડાળો અસંખ્ય મોરથી લચી રહે છે અને તેમાંનો ઘણો મોર ખરીને ધૂળમાં જ મળી જાય છે; ખરું રહસ્ય તો એ છે કે વસંતઋતુ આવે છે અને જીવનતત્ત્વની રસરેલ જામે તે વખતે કુદરત આટલી ઉડાઉ તો સહેજે જ થઈ શકે છે. મારે વિશે મત બાંધવામાં અને મને માન આપવામાં અવિચારી બન્યા હશો અને મારા ભાવના ઘણાખરા આવિર્ભાવો તો ભૂંસાઈ પણ જશે અને કાળસાગરમાં ગુમ થઈ જશે, પણ ખરું રહસ્ય તો એ જ છે કે આપણા પ્રજાજીવનમાં અત્યારે વસંતઋતુનો અવતાર થયો છે અને આપણે પણ અત્યારે તેનો જ ઉત્સવ ઊજવી રહ્યા છીએ.’