નરસિંહથી ન્હાનાલાલ/૨૮

Revision as of 22:45, 12 July 2022 by Atulraval (talk | contribs) (Atulraval moved page નરસિંહથી ન્હાનાલાલ૨૮૧ to નરસિંહથી ન્હાનાલાલ/૨૮ without leaving a redirect)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પરિશિષ્ટ : દિવાળીબાઈના પ્રેમપત્રો

શૉ(Shaw)નું અનુભવસિદ્ધ એવું એક વિધાન છે, ‘The greatest love is made on paper.’ – ‘સર્વશ્રેષ્ઠ પ્રેમ પત્રોમાં પ્રગટ થાય છે.’ દિવાળીબાઈના મણિલાલ પરના પત્રોમાં સર્વશ્રેષ્ઠ પ્રેમ પ્રગટ થયો છે. એથી દિવાળીબાઈના પ્રેમપત્રો ગુજરાતી ભાષામાં સર્વશ્રેષ્ઠ પ્રેમપત્રો છે. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં કોઈ સ્ત્રીએ આવો પ્રેમ કર્યો નહિ હોય અને આવા પ્રેમપત્રો લખ્યા નહિ હોય. ત્યાર પછી પણ આજ લગીમાં ગુજરાતમાં ભાગ્યે જ કોઈ સ્ત્રીએ આવો પ્રેમ કર્યો હશે અને આવા પ્રેમપત્રો લખ્યા હશે. ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં જ નહિ, પણ જગતસાહિત્યના ઇતિહાસમાં પણ આ પ્રેમપત્રો અનન્ય, અદ્વિતીય છે, વિરલ છે. કુલ ૧૧ પત્રો છે. આ પત્રો ૧૮૮૫ના જાન્યુઆરીની ૨૮મીથી ૧૮૮૫ના સપ્ટેમ્બરની ૧૪મીની વચ્ચેના દિવસોમાં લખાયા છે. ૧૮૮૫ના જાન્યુઆરીની ૨૦મીએ મણિલાલે ભાવનગરની શામળદાસ કૉલેજમાં સંસ્કૃતના અધ્યાપકપદનો સ્વીકાર કર્યો હતો અને મુંબઈનો ત્યાગ કર્યો હતો. પછી તરત જ આઠ જ દિવસમાં દિવાળીબાઈએ મણિલાલ પર પત્ર લખવાનો આરંભ કર્યો હતો. ૧૮૮૬ના જાન્યુઆરીમાં દિવાળીબાઈનું અવસાન થયું હતું. આમ, એમના અવસાનના ચારેક માસ પૂર્વે એમણે મણિલાલ પર એમનો અંતિમ પત્ર લખ્યો હતો. આમ, આ ૧૧ પત્રો આઠેક માસ જેટલા અલ્પ સમયમાં જ લખાયા હતા. આ પત્રોની હસ્તપ્રત ૧૮૯૮માં મણિલાલના અવસાન પછી મણિલાલના નાના ભાઈ માધવલાલને હસ્તક હતી. ૧૯૩૬માં અંબુભાઈ પુરાણીએ આ હસ્તપ્રત માધવલાલ પાસેથી મેળવીને રાતોરાત એની નકલ કરી હતી. અને ૧૯૩૬ના નવેમ્બરના ‘કૌમુદી’ના અંકમાં આ પત્રો પ્રગટ કર્યા હતા. પછી એમણે હસ્તપ્રત માધવલાલને પરત કરી હતી. આજે એ હસ્તપ્રત અસ્તિત્વમાં છે કે નહિ અને અસ્તિત્વમાં હોય તો ક્યાં છે એની જાણ નથી. વળી અંબુભાઈએ જે નકલ કરી હતી એ પણ, અંબુભાઈ જણાવે છે તેમ, હવે અસ્તિત્વમાં નથી, નાશ પામી છે. ૧૯૭૯માં ધીરુભાઈ ઠાકરે મણિલાલનું ‘આત્મવૃત્તાન્ત’ એના સંપૂર્ણ સ્વરૂપમાં પ્રથમ વાર પ્રગટ કર્યું ત્યારે એમણે એમાં ‘પરિશિષ્ટ – ૨’માં આ પત્રોનું પુનર્મુદ્રણ કર્યું હતું. આજે હવે આ પત્રોની હસ્તપ્રત વિશે કોઈ જાણ નથી, પણ આ પત્રો એના મુદ્રિત સ્વરૂપમાં સદ્ભાગ્યે સુલભ છે. એ માટે ગુજરાત અંબુબાઈ પુરાણી અને ધીરુભાઈ ઠાકરનું સદાયનું ઋણી રહેશે. વળી એ પણ અહીં નોંધવું જોઈએ કે દિવાળીબાઈએ મુંબઈથી મણિલાલ પર કુલ ૧૧ પત્રો જ લખ્યા હતા કે એથી વધુ સંખ્યામાં પત્રો લખ્યા હતા એની પણ હવે કોઈ જાણ નથી, કારણ કે આ ૧૧ પત્રોની હસ્તપ્રત વિશે જ જ્યાં હવે કોઈ જાણ નથી તો વધુ સંખ્યામાં જો પત્રો લખ્યા હોય તો એ પત્રો વિશેની જાણ તો ક્યાંથી જ હોય ? દિવાળીબાઈના પત્રોમાં મણિલાલે દિવાળીબાઈ પર નવેક પત્રો લખ્યા હોય એવું સૂચન છે. મણિલાલે આ પત્રો ૧૮૮૫ના વર્ષ દરમિયાન લખ્યા છે. એ પૂર્વે તો એ ૧૮૮૧ના માર્ચની ૨૦મીથી ૧૮૮૫ના જાન્યુઆરીની ૨૦મી લગી તો મુંબઈમાં જ હતા, એથી હમણાં જ જોઈશું તેમ, એ વર્ષમાં તો મણિલાલને દિવાળીબાઈ સાથે પ્રત્યક્ષ મળવાનું થતું હતું એથી પત્રો લખવા માટે અવકાશ જ ન હતો. મણિલાલના દિવાળીબાઈ પરના પત્રોની હસ્તપ્રત ક્યાંય અસ્તિત્વમાં હોય એની જાણ નથી. વળી એ પત્રો ક્યાંય પ્રગટ પણ થયા નથી. એથી હવે એ પત્રોની જાણ થવાનો સંભવ પણ નથી. મણિલાલનું, દિવાળીબાઈનું અને ગુજરાતનું એ દુર્ભાગ્ય છે. પણ મણિલાલે શું લખ્યું હશે એ પ્રત્યેનો દિવાળીબાઈનો પ્રતિભાવ – અને ક્યારેક તો પ્રતિકાર – દિવાળીબાઈના પત્રોમાં છે. એ પરથી મણિલાલે દિવાળીબાઈ પરના આ પત્રોમાં શું લખ્યું હશે એનો કંઈક અણસારો આવે છે. મણિલાલે દિવાળીબાઈનું ૧૮૮૬ના જાન્યુઆરીમાં અવસાન થયું પછી તરત જ ૧૮૮૬ના ફેબ્રુઆરીના ‘પ્રિયંવદા’ના અંકમાં દિવાળીબાઈના અવસાનની નોંધ લખી છે અને દિવાળીબાઈને ભાવાર્દ્ર અંજલિ અર્પી છે. વળી એ પછી પણ મણિલાલે એમના ‘આત્મવૃત્તાન્ત’માં પણ દિવાળીબાઈ વિશે, દિવાળીબાઈના પ્રેમ વિશે અને અવસાન વિશે એટલો જ ભાવાર્દ્ર ઉલ્લેખ કર્યો છે. એ પરથી ૧૮૮૫ના વર્ષ દરમિયાન દિવાળીબાઈએ આ પત્રો લખ્યા તે પૂર્વેના સમય દરમિયાન મણિલાલ અને દિવાળીબાઈના પ્રેમસંબંધ વિશે કંઈક વિગતો પ્રાપ્ત થાય છે. ૧૮૮૧ના માર્ચની ૨૦મીથી ૧૮૮૫ના જાન્યુઆરીની વીસ લગી, પાંચેક વર્ષ લગી, મણિલાલ મુંબઈની મ્યુનિસિપાલિટીમાં ગુજરાતી શાળાઓના ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર તરીકે નિયુક્ત થયા હતા. આ સમયમાં એમણે અનેક શિક્ષક-શિક્ષિકાઓની નિયુક્તિ કરી હતી. તેમાં એમણે દિવાળીબાઈની પણ કોઈ એક ગુજરાતી પ્રાથમિક કન્યાશાળામાં શિક્ષિકા તરીકે નિયુક્તિ કરી હતી. દિવાળીબાઈ વિસનગરા નાગર હતાં. પરિણીત હતાં. એમના પતિ દોષૈકદૃષ્ટિ અને ક્રોધી હતા, એથી એમનું લગ્નજીવન નિષ્ફળ હતું. એમણે પ્રાથમિક શાળામાં શિક્ષિકા થવાને પાત્ર એવું ઔપચારિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું, પણ એમણે કવિતા રચી શકાય એટલું કવિતા વિશેનું અનૌપચારિક શિક્ષણ પણ પ્રાપ્ત કર્યું હતું. એમના પત્રોમાં મુખ્યત્વે દયારામનાં કાવ્યોમાંથી અને સોરઠા આદિ સ્વરૂપનાં કાવ્યોમાંથી અનેક પંક્તિઓનાં અવતરણો છે. વળી એમનામાં મૌલિક કાવ્યોનું સર્જન કરવાની શક્તિ પણ હતી. ૧૮૮૫ પૂર્વેનાં બે-ત્રણ વર્ષોમાં, એટલે કે ૧૮૮૨-૧૮૮૩માં મણિલાલ અને દિવાળીબાઈ વચ્ચે પ્રેમસંબંધ થયો હતો એવું દિવાળીબાઈના એક પત્રમાં સૂચન છે. દિવાળીબાઈને મણિલાલનું પ્રથમ દર્શન થયું તે જ ક્ષણથી એમને મણિલાલ માટે પ્રથમ દૃષ્ટિનો પ્રેમ થયો હતો. પણ પછી જે ક્ષણે દિવાળીબાઈએ મણિલાલ સમક્ષ સ્વરચિત કાવ્યનું સ્વકંઠે પઠન કર્યું એ ક્ષણથી એ પ્રેમ અચલપ્રતિષ્ઠ થયો હતો. ત્યાર પછી મણિલાલ અને દિવાળીબાઈને શાળામાં અને અન્યત્ર અવારનવાર મળવાનું થયું હતું. ત્યારે મણિલાલે ‘ઉપરીપણું દાખવ્યું’ ન હતું. અને દિવાળીબાઈને ‘હસ્તે મોઢે કુશળતા’ પૂછવાનું થયું હતું. એક જન્માષ્ટમીના દિવસે ‘મધુર શબ્દોથી ચિઠ્ઠી લખીને’ મણિલાલને પોતાને ઘરે નિમંત્રણ આપ્યું હતું ત્યારે મણિલાલે પ્રસાદનું સફરજન ‘પોતાના ભાગમાંથી’ દિવાળીબાઈના હાથમાં ‘હસ્તાહસ્ત’ મૂક્યું હતું. પછી ઘરમાંથી વિદાય થયા એ ક્ષણે મણિલાલનો ચહેરો, એમની આંખો, એમનાં વિદાયવચનો, ‘આવજો’ના ઉદ્ગાર સાથે ‘બે હાથનું ચિહ્ન’ – એ બધું જ દિવાળીબાઈની સ્મૃતિમાં સદાયનું અંકિત થયું હતું. પછી ૧૮૮૫માં પરસ્પર પત્રવ્યવહાર થયો હતો. ૧૮૮૫ના જુલાઈ-માસમાં મણિલાલે પોતાની છબી પણ દિવાળીબાઈને ભેટ તરીકે મોકલી હતી. મણિલાલના ‘આત્મવૃત્તાન્ત’માં અને દિવાળીબાઈના પત્રોમાં મણિલાલના મુંબઈનિવાસ દરમિયાન એમનો પરસ્પર આવો અને આટલો પ્રેમસંબંધ હતો એવું સૂચન છે. ૧૮૬૫માં નર્મદે ‘કુમુદચન્દ્ર-પ્રેમપત્રિકા’ કાવ્ય રચ્યું હતું. એમાં રાજકન્યા કુમુદ અને પ્રધાનપુત્ર ચન્દ્ર વચ્ચે પ્રેમપત્રોનો વ્યવહાર થાય છે. કુમુદ પત્રવ્યવહારનો આરંભ કરે છે અને ચન્દ્રને પોતાની છબી મોકલે છે. એના પ્રત્યુત્તરમાં ચન્દ્ર કુમુદને પોતાની છબી મોકલે છે. ૧૮૮૫માં ગોવર્ધનરામે ‘સરસ્વતીચન્દ્ર’ નવલકથા લખવાનો આરંભ કર્યો હતો ત્યારે એમાં પ્રધાનપુત્રી કુમુદ અને લક્ષ્મીનંદન-પુત્ર સરસ્વતીચન્દ્ર વચ્ચે પ્રેમપત્રોનો વ્યવહાર થાય છે. એમાં કુમુદ પત્રવ્યવહારનો આરંભ કરે છે અને સરસ્વતીચન્દ્રની છબીની માગણી કરે છે. આ પ્રેમીજનો, આ પ્રેમપત્રો અને છબી એ તો કલ્પનાસૃષ્ટિમાં પાત્રો અને પ્રસંગો છે, જ્યારે દિવાળીબાઈ અને મણિલાલ તથા એમનાં પ્રેમપત્રો અને છબી એ તો વાસ્તવસૃષ્ટિનાં પાત્રો અને પ્રસંગો છે. ૧૯મી સદીના ઉત્તરાર્ધના ગુજરાતમાં – વાસ્તવસૃષ્ટિમાં આ પ્રેમીજનો અને એમનાં પ્રેમપત્રો અને છબી અપૂર્વ અને અદ્વિતીય છે, વિરલ છે. ૧૮૮૬ના જાન્યુઆરીમાં દિવાળીબાઈના અવસાન પછી તરત જ ૧૮૮૬ના ફેબ્રુઆરીના ‘પ્રિયંવદા’ના અંકમાં મણિલાલે દિવાળીબાઈના અવસાનની નોંધ લખી હતી અને દિવાળીબાઈને ભાવાર્દ્ર અંજલિ અર્પી છે. વળી એ પછી પણ મણિલાલે એમના ‘આત્મવૃત્તાન્ત’માં પણ દિવાળીબાઈ વિશે, એમના પ્રેમ વિશે અને એમના અવસાન વિશે એટલો જ ભાવાર્દ્ર ઉલ્લેખ કર્યો છે. આ નોંધ, અંજલિ અને ઉલ્લેખ પરથી મણિલાલના જીવનમાં દિવાળીબાઈ અને એમના પ્રેમનો કેવો મહાન અર્થ હતો અને કેટલું મહાન મૂલ્ય હતું એની પ્રતીતિ થાય છે. મણિલાલે એમના ‘આત્મવૃત્તાન્ત’માં લખ્યું છે, ‘મુંબઈની કન્યાશાળામાં દિવાળીબાઈ નામની વિસનગરા નાગરની સ્ત્રી મહેતાજીની જગો પર મેં જ રાખેલી હતી. તે ઠીક ભણેલી હતી ને કવિતા વગેરે પણ રચતી ને સમજતી. મને તેણે કવિતા વગેરે વંચાવેલી પણ ખરી. સાધારણ કે હાલમાંની ભણેલી સ્ત્રીમાં ન હોય તેવા ગુણ આ સ્ત્રીનાં કાવ્યમાં જણાતા પણ તે કૃતિ એ સ્ત્રીની જ હશે એમ હું માનતો નહિ. મને આ સ્ત્રી વિશે કાંઈ વિશેષ વિચાર પણ ન હતો, તેવામાં તેણે મારા ભાવનગર ગયા પછી સામાન્ય વ્યાવહારિક પત્રો લખવા શરૂ કર્યા. પણ ૧૮૮૫ના જૂન પછી તેનાં પત્રોમાં જણાવેલી ચતુરાઈ તથા તેની સમજશક્તિ, તેનો પ્રેમ અને તેની ભક્તિ જોઈ યોગીનું પણ મન ડગી જાય એવું થયું. મારે અત્રે વિશેષ લખવાની જરૂર નથી, પણ તેના પત્રો મારી પાસે છે તે જે જુએ તેને આપોઆપ સમજ પડે તેમ છે. મને નિર્ણય થયો કે આ બાઈ જાતે વિદ્વત્તાવાળી તે તો નક્કી; પણ મારા મનમાં એમ નિર્ણય સાથે જ થયો કે આવી સ્ત્રીને નીતિથી ચળાવવી ને તેની સાથે મારે પણ એક સ્ત્રીથી છૂટી બીજીના બ્રહ્મસંકટમાં પડવું એ ઠીક નહિ. વિશેષમાં વળી મારાં નિત્ય ધર્મકર્મમાં કાંઈક યોગનો ભાગ મિશ્રિત હતો તે વધારવા તરફ મારું લક્ષ લાગ્યું હતું એટલે પણ મને આ વિક્ષેપ ઇષ્ટ ન હતો. તેને મેં ઘણીઘણી રીતે નીતિમાં રહેવાનું સમજાવ્યું ને આખરે તેણે ન માન્યું ત્યારે વિષયવાસના વિનાની પ્રીતિ રાખવા મેં કબૂલ કર્યું, પણ તેણે છેવટ મને લખ્યું કે મારે વિષયવાસનાની દરકાર નથી, પણ તમારા જેવા મારા પ્રેમનો પૂરો બદલો નહિ વાળે તો તેનું ફરી મોં જોવા કરતાં દેહત્યાગ કરીશ. આ વાંચી મને માઠું લાગ્યું ને મેં તેને દિલાસો આપ્યો, પણ તેથી એ સંતુષ્ટ ન થઈ. આઠદશ માસ વીતતાં, અરે દૈવ! મને ખબર મળી કે તેણે ક્ષયના આજારથી પ્રાણત્યાગ કર્યો!! મારી દિલગીરીની સીમા ન રહી. મને એમ તિરસ્કાર મારી જાત ને અક્કલ પર આવ્યો કે હે બેવકૂફ! તેં જે પ્રેમની શોધમાં વગોણું અને દુ:ખ વેઠ્યું તે જ પ્રેમ તને ઘેર બેઠે મળ્યો પણ ભોગવાયો નહિ! ખેર, ખરા પ્રેમ એવા રંગના ચટકા જેવા જ હોય, પણ આ જખમ એવો થયો ને તેની અસર એવી થઈ કે અત:પર કોઈ સ્ત્રી સાથે સ્નેહ ન બાંધવો એટલો તો આ બાઈના પ્રેમ પાછળ નિશ્ચય કરી સંકલ્પ કર્યો.’ મણિલાલે જીવનભર અનેક સ્ત્રીઓ સાથે પ્રેમના ભિન્નભિન્ન સ્તરે પ્રેમસંબંધ અને/અથવા દેહસંબંધ કર્યો હતો, પણ એમણે એમાંથી એક પણ સ્ત્રીને આવા અને આટલા પ્રેમપત્રો લખ્યા ન હતા. એમણે દિવાળીબાઈ સાથે પ્રેમસંબંધ કર્યો હતો, દેહસંબંધ કર્યો ન હતો છતાં એમણે દિવાળીબાઈને પાંચેક પ્રેમપત્રો લખ્યા હતા અને આઠેક માસ લગી પત્રવ્યવહાર કર્યો હતો. એમાં મણિલાલના જીવનમાં દિવાળીબાઈનું અનન્ય અને અદ્વિતીય સ્થાન હતું એની પ્રતીતિ થાય છે. વળી દિવાળીબાઈનો મણિલાલ પ્રત્યેનો પ્રેમસંબંધ પણ અનન્ય અને અદ્વિતીય હતો, એથી દિવાળીબાઈ આ સ્થાનનાં સંપૂર્ણ અધિકારી હતાં, એને માટે પૂર્ણ પાત્ર હતાં. ૧૮૮૫ના જાન્યુઆરીની અઠ્ઠાવીસમીએ દિવાળીબાઈએ મણિલાલને પ્રથમ પત્ર લખ્યો હતો. એમાં આરંભે જ એમણે લખ્યું હતું, ‘આપનો પત્ર આવ્યો તે વાંચી જીવને પરમાનંદ થયો છે. વળી એ રીતે પત્ર દ્વારાએ દર્શનલાભ નિરંતર દેશો એવી પૂર્ણ આશા છે.’ એમાં મણિલાલે ૧૮૮૫ના જાન્યુઆરીની વીસમીએ મુંબઈથી ભાવનગર ગયા પછી તરત જ જાન્યુઆરીની એકવીસમી અને અઠ્ઠાવીમીની વચ્ચેના દિવસોમાં દિવાળીબાઈ પર પત્ર લખ્યો હશે એવું સૂચન છે. આમ, મણિલાલે જ પ્રથમ પ્રેમપત્ર લખ્યો છે અને પત્રવ્યવહારનો આરંભ કર્યો છે. એથી મણિલાલના જીવનમાં દિવાળીબાઈનું અનન્ય અને અદ્વિતીય સ્થાન હશે એ સ્પષ્ટ થાય છે. દિવાળીબાઈએ એમના પ્રથમ પત્રમાં વધુમાં લખ્યું હતું, ‘જીવના સમ! આપ તો ક્ષણભર પણ વિસારે પડતા નથી... આપના નામની માળા જ જપ્યા કરીએ છીએ અને દયારામની પેલી કડી સાંભરવા કરે છે કે ‘આવડું શીદ કર્યું હતું જ્યારે જાવું’... કોઈ દિવસે એવું સ્વપ્નું આવ્યું નહોતું કે આપ આમ મુંબઈ છોડીને જશો... મેં આપના વિશે ત્રણ વાર કવિતા કરી, પણ આપને વંચાવવાની હિંમત ચાલી નહિ. તેનું કારણ તે દહાડે... એ કવિતા કરી હતી તે આપે હાથમાં લેતાં જ ફાડી નાખી હતી તેથી મને પણ એમ જ થયા કર્યું કે આપણી કવિતાનો એમ અનાદર થાય ત્યારે ?... હાલમાં હું સીતાખ્યાન લખું છું ને તે રામચંદ્રજી પરણીને અયોધ્યામાં આવ્યા ત્યાં સુધી તૈયાર થયું છે તે આપને સહજ લખ્યું છે.’ આ પછી બે માસ દરમિયાન મણિલાલે એક પણ પત્ર લખ્યો ન હતો, પણ દિવાળીબાઈએ બે પત્રો લખ્યા હતા. એક પત્રમાં મણિલાલનો પત્ર ન આવ્યો તે અંગે રમૂજમાં લખ્યું હતું, ‘આપનો નવરાશનો વખત આવા અમૂલ્ય કાર્યાર્થે નિર્મ્યો એથી ઘણો આનંદ થાય છે. વળી ‘જાહિ જાહિ પે પ્યાર, તાકો સબ પ્યારો લગે...’ એવું છે એટલે ‘પ્રિયંવદા’ ઉપર સવિશેષ પ્રેમ ઊપજે એમાં શી નવાઈ ?’ પછીના પત્રમાં લખ્યું હતું, ‘શું કરું, મારા એ ઘેર નથી એટલે આપ અમારે ત્યાં આવો નહિ, બાકી એવી તો કવિતાની ગમ્મત ઉડાવત!... પણ આપ માનવા જ કઠિણ છો એટલું કેહેવું એ વ્યર્થ જ. દર્શન થશે એટલું એ ક્યાંથી ?’ આ પછી ૧૮૮૫ના માર્ચની એકત્રીસમીથી જુલાઈની પહેલી લગીમાં ત્રણેક માસ દરમિયાન પણ મણિલાલે એક પણ પત્ર લખ્યો ન હતો. વળી તેઓ ૧૮૮૫ના જુલાઈથી પહેલી અને છઠ્ઠીની વચ્ચે મુંબઈ ગયા હતા પણ દિવાળીબાઈને મળ્યા ન હતા. આ પછી ૧૮૮૫ના જુલાઈની પહેલીથી સપ્ટેમ્બરની ચૌદમી લગીમાં ત્રણેક માસ દરમિયાન મણિલાલે ચારેક પત્રો લખ્યા હતા. દિવાળીબાઈએ પણ આ ત્રણેક માસ દરમિયાન આઠ પત્રો લખ્યા હતા. દિવાળીબાઈના પત્રોમાં પોતાને વિશે, મણિલાલ વિશે તથા મણિલાલના પોતાના પ્રત્યેના પ્રેમ વિશે અને મણિલાલ પ્રત્યેના પોતાના પ્રેમ વિશે વિસ્તારપૂર્ણ અનેક વિગતો છે અને મણિલાલના ‘આત્મવૃત્તાન્ત’માં પોતાને વિશે અને દિવાળીબાઈ વિશે તથા દિવાળીબાઈના પોતાના પ્રત્યેના પ્રેમ વિશે અને દિવાળીબાઈ પ્રત્યેના પોતાના પ્રેમ વિશે મિતાક્ષરી નોંધ છે. એ બંનેમાં સંપૂર્ણ એકવાક્યતા છે. આ ત્રણેક માસના સમયના સંદર્ભમાં મણિલાલે ‘આત્મવૃત્તાન્ત’માં પૂર્વોક્ત નોંધમાં લખ્યું હતું, ‘મને આ સ્ત્રી વિશે કાંઈ વિશેષ વિચાર પણ ન હતો. તેવામાં તેણે મારા ભાવનગર ગયા પછી સામાન્ય વ્યાવહારિક પત્રો લખવા શરૂ કર્યા. પણ ૧૮૮૫ના જૂન પછી તેના પત્રોનો આકાર બદલાયો. એ સ્ત્રીની પત્રોમાં જણાવેલી ચતુરાઈ તથા તેની સમજશક્તિ, તેનો પ્રેમ અને તેની ભક્તિ જોઈ યોગીનું પણ મન ડગી જાય એવું થયું... મને નિર્ણય થયો કે આ બાઈ જાતે વિદ્વત્તાવાળી તે તો નક્કી; પણ મારા મનમાં એમ નિર્ણય સાથે જ થયો કે આવી સ્ત્રીને નીતિથી ચલાવવી ને તેની સાથે મારે પણ એક સ્ત્રીથી છૂટી બીજીના બ્રહ્મસંકટમાં પડવું એ ઠીક નહિ... તેને મેં ઘણીઘણી રીતે નીતિમાં રહેવા સમજાવ્યું ને આખરે તેણે ન માન્યું ત્યારે વિષયવાસના વિનાની પ્રીતિ રાખવા મેં કબૂલ કર્યું. પણ તેણે છેવટ મને લખ્યું કે મારે વિષયવાસનાની દરકાર નથી, પણ તમારા જેવા મારા પ્રેમનો પૂરો બદલો નહિ વાળે તો તેનું ફરી મોં જોવા કરતાં દેહત્યાગ કરીશ. આ વાંચી મને માઠું લાગ્યું ને મેં તેને દિલાસો આપ્યો, પણ તેથી એ સંતુષ્ટ ન થઈ.’ આમ, મણિલાલને પ્રેમ અને નીતિ અંગે દ્વિધાનો અનુભવ થયો હતો, બલકે પ્રેમ વિરુદ્ધ નીતિ એવો સંઘર્ષનો અનુભવ થયો હતો. એથી એમણે દિવાળીબાઈને પત્રમાં પ્રેમ અને નીતિ અંગે ઉલ્લેખ કર્યો હશે અને નીતિનો આદેશ અને ઉપદેશ આપ્યો હશે. દિવાળીબાઈએ ૧૮૮૫ના જુલાઈની ૧લીથી સપ્ટેમ્બરની ૧૪મી લગીમાં ત્રણેક માસ દરમિયાનના આઠ પત્રોમાં મણિલાલના આ આચાર અને વિચાર પ્રત્યે પ્રબળ પ્રતિકાર કર્યો હતો. એમાં એમનો પ્રેમ ભભૂકી ઊઠ્યો છે, એમનો પ્રેમ અગ્નિજ્વાલાની જેમ પ્રજ્વળી ઊઠ્યો છે. એમાં એમની વ્યાકુળતા અને વિહ્વળતા પ્રગટ થાય છે. એમાં એમના પ્રેમનો ઉદ્રેક અને ક્યારેક તો ઉન્માદ પ્રગટ થાય છે. એમાં ભારે રોષ છે, પણ એમાં રોષથીયે વિશેષ તો રુદન છે. એમાં એકસાથે રાગ અને વિરાગનો, આસક્તિ અને અનાસક્તિનો અનુભવ પ્રગટ થાય છે. એથી એમાં એમનો સંઘર્ષ પ્રગટ થાય છે. ગુજરાતના આ પ્રખર પંડિત અને પ્રકાંડ વિદ્વાનને, આ સર્વશ્રેષ્ઠ ફિલસૂફને સીધી, સાદી, સચોટ, સોંસરી વાણીમાં પ્રેમનું સત્ય સમજાવ્યું છે, પ્રેમની નીતિ સમજાવી છે – કહો ને કે પ્રેમનો પાઠ જ ભણાવ્યો છે. એમાં એમનું મન અને હૃદય પ્રગટ થાય છે, એમનું સ્વમાન અને સ્વાતંત્ર્ય પ્રગટ થાય છે, એમની ગરિમા અને એમનું ગૌરવ પ્રગટ થાય છે, એમની આત્મશ્રદ્ધા અને એમનું આત્મબળ પ્રગટ થાય છે, એમની ગહનતા અને ગંભીરતા પ્રગટ થાય છે. એ અલ્પશિક્ષિત હતાં, પણ જેમણે દયારામની કવિતાનું આકંઠ પાન કર્યું હોય એવાં નાગરાણી હતાં. એમના પત્રોમાં પાત્ર અને પ્રસંગને અનુરૂપ એવાં દયારામની પંક્તિઓનાં ઔચિત્યપૂર્ણ અવતરણો છે. એ વિદુષી છે એથી એમના પત્રોમાં એમનો વ્યંગ અને વિનોદ પ્રગટ થાય છે, એમનો કટાક્ષ અને એમની કરુણા પ્રગટ થાય છે, એમનો રસ અને એમની રુચિ પ્રગટ થાય છે, એમની રસિકતા અને એમની ચતુરાઈ પ્રગટ થાય છે. એ ક્યારેક રમૂજી હોય છે તો ક્યારેક ગંભીર હોય છે. એમનામાં નિરીક્ષણ, પરીક્ષણ અને વિશ્લેષણની પણ અદ્ભુત શક્તિ છે. એમના અંતિમ પત્રમાં તો જાણે કે એમણે પોતાનો મૃત્યુલેખ જ લખ્યો છે. ૧૮૮૫ના જુલાઈની પહેલીથી સપ્ટેમ્બરની ચૌદમી લગીમાં ત્રણેક માસ દરમિયાન આઠ પત્રો(કુલ ૧૧ પત્રોમાં ક્રમાંક ૪થી ૧૧ના પત્રો)માં દિવાળીબાઈએ મણિલાલના પ્રેમ અને નીતિ અંગેના આચાર અને વિચારનો પ્રબળ પ્રતિકાર કર્યો હતો. એમણે ચોથા પત્રમાં લખ્યું હતું, હું વિષયભોગની તલમાત્ર પણ ભૂખી નથી... પણ અહીં આવીને તમે પાછા જાઓ એટલે મારાથી વિયોગે જિવાય નહિ જો. પછી તો તમારી દૃષ્ટિ આગળ રાખો તો જ જીવી શકું. તમે જાણો છો કે એને ઊકળતી આગે નાંખી પત્રથી શાંત કરું એ તો ન સમજશો.’ એમણે પાંચમા પત્રમાં લખ્યું હતું, ‘અમે મથી મથીને ત્રણ માસ ‘આવવાના છે’ એવી આશાએ કાઢેલા અને આવ્યા બાદ મળ્યા વગર ગયા તેથી અમારા જીવને જે દુ:ખ થયું છે તેનું પાપ તમને ને તેના બદલામાં આપ દીર્ઘાયુ થાઓ અને આવા ઠપકા ખાધા જ કરો. તમે જાણો કે આવી આવી ભૂલો કરો ને ઝાડ્યા વિના રહું તે તો ન સમજવું. આપ ભલે ને મોટા-મોટા સંસ્કૃતના પ્રોફેસર છો અને ભલે ને લૉર્ડ રીપનની પદવીને પામો, પણ અમે તો આપને અમારા જીવ પ્રમાણે જ ગણવાના. આપ મુંબઈ આવ્યા ત્યારે મને ન મળ્યા. તેના બદલામાં હું ભાવનગર આવીશ ત્યારે આપને પણ નહીં મળું. અમારો પત્ર વાંચી આનંદ અને ખેદ સાથે જ એવી સહોક્તિ હું ભણી નથી. ખાલીખાલી એવી અલંકૃત વાણી વાપરી ગભરાવશો મા. નહિ તો પછી હું એવા તો ગભરાવીશકની તે જાણશો. મારા જીવના સમ! આજ સુધી આપનું પત્ર ન મળ્યું, તેમ મેં પણ “દયા પ્રભુજી સાથે મુખે નીમ લીધો પણ મન કહે જે પલક ના નિભાવું – મારે, આજ થકી શામ રંગ સમીપે ન જાવું.” – એમ ઉપરઉપરનો ટેક રાખતાં જીવ તો એવો તલપાપડ થયા કર્યો કે કસર નહિ જાણે ને કહેતી કે “હું તો એમનો પત્ર આવશે તો વાંચીશ નહિ!’ પણ શિરનામા પર અક્ષરો ઓળખીને મારા પતિ ઊભા હતા તોપણ બળાત્કારે પત્રને ચુંબન થઈ ગયું, એ ઉપરથી આપ અમને કેવા પ્રિય છો તેનું તોલન થઈ શકે છે... આપ અમને ગણતરીમાં ગણો યા ન ગણો અને ચાહના કરો યા ન કરો, અમને સંભારો યા ન સંભારો, અમારી ઉપર કૃપાપત્ર લખો યા ન લખો, પણ અમે તો આપને સંભારીશું, પ્રાણ સમાન વ્હાલા ગણીશું તથા પત્ર લખીશું. તેનો ઉત્તર આપ આપને નજરમાં આવે તો લખવો યા ન લખવો, કારણ, અમારે કાંઈ સાટું વાળવું નથી... આપની છબી મળી છે તેને રોજ ઠપકો દઈએ છીએ, પણ તે પોતાનો અપરાધ થયો ગણી ઉત્તર જ સામો આપે ? એમણે છઠ્ઠા પત્રમાં લખ્યું હતું, ‘પત્ર દ્વારે નિરંતર દર્શન પામું તથા પ્રત્યક્ષ મળી વિદ્યાના વિનોદ ચલાવવા’ એવી આશા ખરી.’ એમણે સાતમા પત્રમાં લખ્યું હતું, ‘વિશેષ આપ વિરાગીનું રાગયુક્ત પત્ર પામી સરાગી થઈ છું... તમે મારા એવા હાલ મેળવ્યા છે કે તમે મારું સર્વસ્વ અને ખરું ભૂષણ – જેને સારુ હું આજ લગી મોંઘા મણિતુલ્ય સાચવી રાખેલી – જે લાજ તેના ઉપર પાણી ફેરવવા ઊભી થઈ છું. તમે મારું બધુંય લૂંટી લઈ બાંધીને બળાત્કારે પોતાને તાબે કરી છે. એક કોરેથી તમે મને ઘસડી જાઓ છો અને એક કોરેથી નીતિ ઘસડે છે... હવે એ બેય પ્રાણથીએ વ્હાલામાંથી કોને તજું ને કોને ભજું એમ થાય છે. તમે જેમ દૃઢ મનના છો તેમ હું પણ મેરુથી મજબૂત મનની છું. પણ તમને નવ ગજના નમસ્કાર કરું છું. હું છેક દુર્દશામાં છું... હે કઠિન! તમે મને મળવા ન આવ્યા, પત્ર ન લખ્યું એમ અનેક નિયમો સાચવી શક્યા. પણ મેં તો એકે નિયમ સાચવ્યો નથી. અને હજુએ કહું છું કે જોઈએ તો હું તમારે માટે મરી જાઉં, તોપણ તમે મારા પ્રેમના પ્રમાણમાં મારા ઉપર પ્રેમ રાખનારા નથી. તમે મારા પર પત્ર લખો છો તેય કેમ જાણે વકીલ બારીસ્ટરનો કેશ હોય. હું તો તમને ગમે તેવા ગાંડાઘેલા પત્ર લખીશ. વાંચવો હોય તો વાંચજો. એ બાબત પ્રશ્ન ઉઠાડશો તો કહીશ કે “લાવો મારું લઈ ગયા છો તે પાછું, એટલા સારુ પત્ર લખીશ...” મને ઘણાઘણા વિચાર આવે છે પણ તમારી તરફથી મન પાછું હઠતું નથી, ત્યારે લાજ મૂકીને કહું છું, સાંભળો – તમારો આ પત્ર વાંચીને હું તમારી પછવાડે બ્હેરી, બોબડી, ગાંડી, કુપાત્ર, લૂલી, અશક્ત, પરતંત્ર અને શરમ વગરની થઈ ગઈ છું... તમારો છેલ્લો પત્ર કાંઈ વશીકરણ ભણાવીને મોકલ્યો છે કે મારે માટે તમે વિરાગી થયા ત્યારે તમારે માટે હું અનુરાગી થઈ (વક્રોક્તિમાં), તમારે માટે હું આવી થઈ છું તોપણ મહીંમહીંથી એમ થાય છે કે અરે! હું ધર્મવિરુદ્ધ કરું છું, હવે હારીને તમારે શરણ આવી છું. જોઈએ તેમ કરો.’ એમણે આઠમા પત્રમાં લખ્યું હતું, ‘આપનું પત્ર વાંચીને હાથથી છેક ગયા ખાતે છું. મારી ખાતરી થઈ ચૂકી છે કે હવે તમારા હૃદયમાં મારે વિશે ખરેખરા પ્રેમાંકુર ફૂટવા માંડ્યા છે. પણ ભગવાન! ખરેખરું કહેજો હોં! મારા સમ છે! વારુ, આજ સુધી મારા પત્રોએ જરા પણ અસર ન કરી ને હવે એકદમ કરી તેનું કારણ શું ? ક્યાંહી પ્રેમને ઘરેણે તો નહોતો મૂક્યો કે છોડાવી લાવ્યા ?... મને જે નીતિની વાતમાં લંબાણથી લખ્યું છે તે વિચારી જોતાં કાંઈક મનમાં માઠું લાગવાથી લખ્યું હોય એમ લાગે છે. પછી કોણ જાણે! ‘મારા તુચ્છ જેવાની ભક્તિ મૂકી દઈ પોતાની નીતિ ઉપર રાખો એથી કલ્યાણ થશે.’ હું તમને કૌસ્તુકમણિ કરતાં વિશેષ ગણું છું. અને હાલ તો તમારા મનના જેવા જ તમે છો. આજ સુધી મેં કોઈને નહિ જોયું હોય (?) પણ મારા મનને તમારા પગના ખાસડા જેટલીએ કોઈએ અસર કરી હોય તો ઈશ્વર આજ્ઞા. આપ લખો છો કે તમે પરણ્યા ન હોત ને આપણો પ્રેમ થયો હોત તો મોક્ષનો માર્ગ હતો. હે પ્રિયંવદ! મને તમારા જેવા સમવયી, ડાહ્યા, હસમુખા, રંગીલા, ચતુર તથા લાડપૂરણનું પાણિગ્રહણ કરવાની ઘણી લાલસા હતી... તોપણ મારું મન તમારા સિવાય કોઈએ રૂપથી, પૈસાથી કે કોઈ અવર સાધનોથી ડગાવી શક્યું નથી. બલા જાણે તમે શા કારણથી આટલા બધા વ્હાલા લાગો છો ને તે હું સમજી શકતી નથી. તમે મારી પાસે કહેવડાવવા માગો છો કે પ્રેમ ને નીતિ એ બેમાં બળવાન કોણ ? તે લખજો. પણ પ્રભુ, હું શું કહું, મને તો એકે દિશા સૂઝતી નથી. મને રોજ તાવ બહુ આવે છે, અન્ન મુદ્દલ ભાવતું નથી. નિદ્રા આવતી નથી. તમારું અસાધારણ સ્મરણ થવાથી મગજ ખાલી પડી ગયું છે... હું આંધળી છું કે દેખતી, ચાલતી છું કે અપંગ, બોલતી છું કે મૂગી, બ્હેરી છું કે સાંભળું છું વગેરે કશુંય ભાન નથી. માત્ર પોપટની જેમ ગોખી રાખેલું હોય તેમ અનિયમિત રીતે તમારું નામ દેવાઈ જાય છે. અરે! એક વખત મારી અવસ્થા જોવા વૈદ્યરાજ બનીને તો આવો... હું તો કહું છું કે હવે તમારી ઉપરનો મારો પ્રેમ હદ મૂકીને કેટલો આગળ ગયો તેનો લાગ-તાગ (!) જડશે જ નહિ. માટે વળી શરમ મૂકીને કહું છું કે હું તમારે શરણે છું, મારું સર્વસ્વ તમે છો, હું તમારી છું... મારો ખૂબ તિરસ્કાર કરશો તો કાંઈક હું શરમાઈ પ્રેમને હદમાં રાખું તો રાખું. અને કાં તો હવે સાકરના હીરા ગળ્યા એ ગળ્યા! તમારા જેવા મહાત્માની આગળ ‘પીર બાપજી, મેં તો હસતી થી.’ એમ વારે ઘડીએ કરવું એય શરમ ભરેલું છે. વળી મેં ક્યાં જેવા તેવા સાથે કે ક્યાં બોત્રથી પ્રેમ બાંધ્યો છે કે આપદા!... જુઓ તમારો ખરો સ્નેહ હોય તેની જોડે પણ ‘મારી જોડે પ્યારમાં પડી છે’ એવું કહેશો ને તે મારા જાણવામાં આવસે તો મારું મોત થશે. જ્યાં ત્યાં કહેતા ફરશો એવું હોય તો મારે તમારો પ્રેમ નથી જોઈતો. હવે પત્ર ખૂબ છૂટથી લખજો. લખવામાં કેવા હુંશિયાર છો. પછી મારી હુશિયારી જોજો!’ દિવાળીબાઈના આઠમા પત્રમાં પ્રેમ અને નીતિ અંગે સંઘર્ષ પ્રગટ થયો પછી એમણે નવમા પત્રમાં લખ્યું હતું, “આટલા દિવસથી પત્રનો ઉત્તર શા કારણથી નથી લખ્યો તે તુરત લખશો. મેં જે પત્રો લખ્યા તે પથ્થરને પિગળાવે, વજ્રને તોડી નાંખે, પહાડને ફાડી નાંખે એવા છે. તે પત્ર વાંચીને જેનામાં પ્રેમનો અંશ હોય, દયાનો છાંટો હોય અને સામાન્ય રીતે પણ જેનામાં કંઈ પ્રાણી ઉપર સ્નેહ હોય તો તેને એ પત્ર અસર કર્યા વિના રહે જ નહિ. શું ત્યારે તમને એ પત્રથી લેશ પણ અસર ન થઈ ? ‘પ્રેમ’-‘પ્રેમ’ એવી ભાષણમાં, ગ્રંથમાં, નિબંધમાં કે ચોપાનિયામાં સર્વસ્થળે ગર્જના કરી ઊઠો છો તે સમજ્યા વિના જ ? અને બીજાને ખાલીખાલી ‘વજ્રહૃદયીને ભેદવાને તો મજબૂત હથિયાર જોઈએ.’ વળી તે પછીના પત્રમાં ‘તમે તો મારા પત્રમાં સમજતા નથી.’ હું તમારા પત્રને નથી સમજતી, કેમ ? અને તમે મારા પત્રને સમજો છો, એમ કે ? વારુ, તમારા પત્રમાં એવી શી ચતુરાઈ ભરી હતી કે હું ન સમજી ? વજ્રહૃદયીને ભેદવાને હથિયાર હથિયાર ઠામ-ઠામ પત્રમાં ઊછળ્યાં તે એ શબ્દનો અર્થ હું મુદ્દલ સમજી નથી એમ તમે આખા પત્રમાં સિદ્ધ કરો છો. મારું લખવું તમે મુદ્દલ સમજ્યા નથી એમ હું ખચીત કહું છું. મેં લખ્યું કે સ્ત્રીના હાથમાં તે એવાં હથિયાર શોભે ? એનો અર્થ એ કે સ્ત્રી કદી મરી જાય પણ પોતાના ભીતરની વાત પુરુષ આગળ કરી શકતી નથી... તમે આગળથી જ લખો છો કે ‘હું તો વિરાગી છું.’ ભલે તમે વિરાગી રહ્યા, હું તો ચાહું છું કે તમારા જેવા વિરાગી વસ્તીમાં ન રહે ને અરણ્યમાં રહે તો વધારે સારું કે જેથી મારા જેવી અર્ધબળીઓને એવા વિરાગીનાં દર્શન ન થાય. આખી દુનિયામાં પ્રેમના પ્રવાસી થઈ ફરો છો, ‘પ્રેમ’-‘પ્રેમ’ એવું શીખવવાનું ગુરુપદ ધારણ કરો છો, તો તમે પોતે કેટલા પ્રવીણ છો તે તો કહો ? જુઓ કે હજુ મારે ને તમારે પત્રવ્યવહાર સિવાય બીજો કશોય સંબંધ નથી અને તમારા જેવા ક્રૂરનો સંબંધ હું ઇચ્છતી નથી. આખા જગતની ને ઈશ્વરની – એ સૌની આશા તોડીને તમારા પછવાડે મારો ભવ બગાડું તેથી મને શું સુખના ઢગલા ઉપર તમે બેસાડવાના હતા ? હું કાંઈ તમને દોષ દેતી નથી કે તમે મને કોઈ પણ બાબતસર ભોળવી... પછી જો તમારું મન નહિ દેખું તો આશા નહિ રાખું તથા મારું મન પણ મારે સ્વાધીન કેવું નથી રહેતું તે જોઈશ. કદી મારી બેદરકારી તમે કરો છો એવા નિશ્ચય બાદ પણ જો મારું મન નહિ કહ્યું કરે તો પ્રાણત્યાગ કરીશ, “પણ તમારા જેવા કઠોરનું જીવતાં મોં તો નહિ જ જોઉં –” એમણે દસમા પત્રમાં લખ્યું હતું, “આપનું પ્રથમ પત્ર આવ્યું ત્યારે પ્રેમ વગર બીજું કાંઈ લખતા જ નહોતા, બીજામાં નીતિ વિશે જરા લખ્યું હતું પણ પ્રેમની શ્રેષ્ઠતા હતી. ત્રીજામાં પ્રેમનું ખંડન કરી તેને સાતમે પાતાળે મોકલી તેને બદલે ‘પરમજ્ઞાન’, ‘પરમાત્મા’ ને એવી-એવી સ્થાપનાઓ થઈ. તેમાં છેલ્લી વારે સંસ્કૃત લખીને તો પ્રેમને બાપડાને પાતાળમાંથી કાઢી આકાશમાં કનકવો કરી ચગાવી મૂક્યો કે પાછો આવે જ નહિ!... હજુ પણ હું તો કહું છું કે તમો સરખેસરખા મારા પ્રત્યે રહેનાર નથી. તમને કાંઈ સહજ મોહ છે તે પણ સાડાત્રણ દહાડા રહેનાર છે. પછી હું તમારે માટે મચ્છ તરફડે તેમ તરફડીશ તોપણ સંભાળ લેનાર નથી. તમે પુરુષ થઈ નીતિ ને ફલાણું ને ઢીંકણું જોવા બધાં ઉપર મમતા રાખો છો, તો હું સ્ત્રી છું, મને કશાની દરકાર નહિ હોય ? તમે મને ગમે તેવી ધારો, પણ મેં એવું કામ જન્મ ધરીને કર્યું નથી એ ખરેખરું છે... તમે મને આ દુનિયાની સ્ત્રી ધારશો જ નહિ... પણ હું એવી અભિમાની છું કે જેના પર મારો ભાવ ન હોય તે મોટો ચક્રવર્તી હોય તોય પતન કરું... આપ પોતાની મરજી પ્રમાણે લખીને તેના અર્થ ફેરવતાં વાર લગાડતા નથી. પણ જે રૂપે લખ્યું હોય તે જ રૂપે કબૂલ કરો તો હું કાંઈ તમારો દંડ લેવાની છું ? આવી વકીલાત મને પસંદ નથી. માટે મારી સાથે કૃપા કરીને જેમ બને તેમ સરળતા રાખવી... આપ લખો છો કે ‘પ્રેમને હું ઇચ્છું છું પણ પાપથી ડરું છું’, તો હું પણ તમારો જીવ કચવાવા રાજી નથી. ભલે, તમે પાલન થાય એવો પ્રેમ મારા તરફ રાખશો એમાં મારુંએ ભલું જ છે. મારું મન ચોંટ્યું તો તમારા જેવા સુજ્ઞ પુરુષ ઉપર ચોંટ્યું એથી હું મને ભાગ્યશાળી સમજું છું કે અરે! મને ખરેખરા પાપના પંકમાંથી કાઢી તે એ નર મળ્યા તો જ.’ આપ મારા પર પત્ર લખો તેમાં ગમે તેમ લખશો તે બધાથી હું રાજી થઈશ, પણ ‘હું તુચ્છને વીસરી જાઓ’ એવી આજ્ઞા કોઈ દિવસ કરશો મા. એ વચન વાંચીને મને દુ:ખ થાય છે. માટે મારા પર દયા લાવીને એવું ન લખવું. અરે! શું હું તમને તુચ્છ જ ગણું છું અથવા તમારી ભક્તિ કરું છું તે તમારી આજ્ઞા માનીને કે મારી ખુશીથી જ તમને યાદ કરું છું ? કે તમે કહેશો કે ‘વીસરી જાઓ’ એટલે વીસરી જઈશ ? બીજું તો શું લખું, પણ દયારામની ‘સખી હું તો જાણતી જે સુખ હશે સ્નેહમાં’ એ ગરબી વાંચવાની પ્રાર્થના કરું છું. એમણે અગિયારમા અને અંતિમ પત્રમાં લખ્યું હતું, ‘બલા જાણે જિવાશે કે નહિ તેનો પણ ભરૂસો છૂટી ગયો છે... હમણાં હું તો કંઈએ નહિ મરું. વારુ, મને કંઈ થાય તો તમને કંઈ થાય કે નહિ ? બીજું તો શું પણ એટલું તો ખરું કે ‘પ્રિયંવદા’માં લખનાર એક અક્કલનું બારદાન બાઈ મળવાં દુર્લભ! વળી તે પણ આવી-આવી ગમ્મત ને ચતુરાઈની પરિસીમા જેવી તમારા જોવામાં ભાગ્યે જ આવી હશે. હું ધારું છું કે તમને કોઈ પત્ર લખવાની પ્રાર્થના કરતું હશે કે ‘સાહેબ, પત્ર લખશો, પત્ર લખવા કૃપા કરશો’ ત્યારે કલમ હાથમાં લેતા હશો, નહિ વારુ ? પણ અમે તો એમ જ કહીશું કે ખુશી હોય તો જ પત્ર લખવાની તસ્દી લેવી. મુંબઈ પધારવાના છો તેથી મુંબઈના ગવર્નરને અમે કહી રાખ્યું છે કે શામળદાસ કૉલેજના પ્રોફેસરસાહેબની સવારી આ માસ આખર મુંબઈ આવનારી છે, તો નામદારે તમામ દરવાજા ખુલ્લા મૂકવા. એમણે કહ્યું કે. ‘ઠીક,’ જુઓ, હસવા માટે લખ્યું છે માઠું લગાડશો નહિ.” આમ, મૃત્યુ સન્મુખ હતું એ ક્ષણે પણ દિવાળીબાઈનું હાસ્ય અજરઅમર રહ્યું હતું. આ અંતિમ પત્ર લખ્યો પછી ત્રણ માસ પછી ૧૮૮૬ના જાન્યુઆરીમાં એમનું ક્ષયથી અવસાન થયું હતું. એમને મૃત્યુનો આગોતરો અણસાર આવ્યો હતો. આ અંતિમ પત્રમાં સૂચન છે તેમ ૧૮૮૫ના સપ્ટેમ્બર અને ૧૮૮૬ના જાન્યુઆરી વચ્ચેના કોઈ સમયે મણિલાલ મુંબઈ જવાના હતા પણ ગયા હોય એમ જણાતું નથી. ગયા હોત તો એમને દિવાળીબાઈ સાથે કદાચ મળવાનું થયું હોત. પણ એ ન થયું તે ન જ થયું, કારણ કે એ જાય તે પૂર્વે જ ૧૮૮૬ના જાન્યુઆરીમાં તો દિવાળીબાઈનું અવસાન થયું હતું. ૧૮૮૧થી ૧૮૮૫ લગી મણિલાલ મુંબઈમાં હતા ત્યારે એમને દિવાળીબાઈ સાથે અવારનવાર મળવાનું થયું હતું. પણ ૧૮૮૫માં દિવાળીબાઈએ આ પત્રો લખ્યા પછી મુંબઈમાં મળવાનું થયું ન હતું. માત્ર પત્રો દ્વારા જ મળવાનું થયું હતું. અને ૧૮૮૫ના સપ્ટેમ્બર અને ૧૮૮૬ના જાન્યુઆરી લગીમાં ત્રણ-ચાર માસના સમય દરમિયાન તો પત્રવ્યવહાર પણ થયો ન હતો. દિવાળીબાઈનો મણિલાલ પ્રત્યેનો આ પ્રેમ પ્રગટ પ્રેમ ન હતો, પ્રચ્છન્ન પ્રેમ હતો, એકાન્તનો પ્રેમ હતો. એથી એ પવિત્ર પ્રેમ હતો. દિવાળીબાઈએ એમના એક પણ પત્રમાં સંબોધનમાં મણિલાલના નામનો ઉલ્લેખ કર્યો નથી અને એક પણ પત્રમાં સહીમાં પોતાના નામનો પણ ઉલ્લેખ કર્યો નથી. આ પ્રેમના એકમાત્ર સાક્ષી હતા પરમેશ્વર. મણિલાલના જીવનમાં જ્ઞાન દ્વારા જે કદીયે સિદ્ધ ન થયું તે દિવાળીબાઈના આ પ્રેમ દ્વારા સિદ્ધ થયું. દિવાળીબાઈના પ્રેમે આજીવન વ્યભિચારી એવા મણિલાલને વિષયવાસનામાંથી સદાયને માટે મુક્ત કર્યા. આ પ્રેમના અનુભવ પછી મણિલાલે ક્યારેય કોઈ પણ સ્ત્રી સાથે દેહસંબંધ તો શું, પ્રેમસંબંધ પણ કર્યો ન હતો. મણિલાલ દિવાળીબાઈના આ પવિત્ર પ્રેમને પાત્ર ન હતા, છતાં દિવાળીબાઈના પ્રેમથી મણિલાલ ધન્ય થયા હતા. એથી જ મણિલાલે એમના ‘આત્મવૃત્તાન્ત’માં દિવાળીબાઈ અને એમના પ્રેમ અંગેની મિતાક્ષરી નોંધમાં અંતે લખ્યું હતું, ‘હે બેવકૂફ! તેં જે પ્રેમની શોધમાં વગોણું અને દુ:ખ વેઠ્યું તે જ પ્રેમ તને ઘેર બેઠે મળ્યો પણ ભોગવાયો નહિ!’ દિવાળીબાઈના પ્રેમપત્રો ગુજરાતી ભાષામાં પત્રસાહિત્યના ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ પ્રેમપત્રો તરીકે અમર રહેશે. ગુજરાતમાં, ૧૯મી સદીના ઉત્તરાર્ધના ગુજરાતમાં દિવાળીબાઈ અને એમનો પ્રેમ સાચ્ચે જ એક ચમત્કાર છે, એક આશ્ચર્ય છે, એક રહસ્ય છે.