સત્યના પ્રયોગો/બ્રહ્મચર્ય2

Revision as of 05:26, 13 July 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૮. બ્રહ્મચર્ય – ૨|}} {{Poem2Open}} સારી પેઠે ચર્ચા કર્યા પછી અને પુખ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૮. બ્રહ્મચર્ય – ૨

સારી પેઠે ચર્ચા કર્યા પછી અને પુખ્ત વિચારો કર્યા પછી સને ૧૯૦૬ની સાલમાં વ્રત લીધું. વ્રત લેતાં લગી મેં ધર્મપત્ની સાથે મસલત નહોતી કરી; પણ વ્રતને સમયે કરી. તેના તરફથી મને કશો વિરોધ ન થયો.

આ વ્રત લેતાં તો મને બહુ ભારે પડયું. મારી શક્તિ ઓછી હતી. વિકારોને દબાવવાનું કેમ બનશે? સ્વપત્નીની સાથે વિકારી સંબંધનો ત્યાગ એ નવાઈની વાત લાગતી હતી. છતાં એ જ મારું કર્તવ્ય હતું એ હું સ્પષ્ટ જોઈ શકતો હતો. મારી દાનત શુદ્ધ હતી. શક્તિ ઈશ્વર આપી રહેશે એમ વિચારી મેં ઝંપલાવ્યું.

આજે વીસ વર્ષ પછી તે વ્રતનું સ્મરણ કરતાં મને સાનંદાશ્ચર્ય થાય છે. સંયમ પાળવાની વૃત્તિ તો છેક ૧૯૦૧થી પ્રબળ હતી, ને હું તે પાળી પણ રહ્યો હતો; પણ જે સ્વતંત્રતા અને આનંદ હું હવે ભોગવવા લાગ્યો તે સન ૧૯૦૬ પહેલાં ભોગવ્યાનું મને સ્મરણ નથી. કેમ કે, તે વખતે હું વાસનાબદ્ધ હતો, ગમે ત્યારે તેને વશ થઈ શકતો. હવે વાસના મારા ઉપર સવારી કરવા અસમર્થ થઈ.

વળી, હવે બ્રહ્મચર્યનો મહિમા હું વધારે ને વધારે સમજવા લાગ્યો. વ્રત મેં ફીનિક્સમાં લીધું. ઘાયલોની મદદના કામમાંથી છૂટો થયે હું ફીનિક્સ ગયો હતો. ત્યાંથી મારે તુરત જોહાનિસબર્ગ જવાનું હતું. હું ત્યાં ગયો ને એક મહિનાની અંદર સત્યાગ્રહની લડતનો પાયો નખાયો. કેમ જાણે આ બ્રહ્મચર્યનું વ્રત તેને સારુ મને તૈયાર કરવા જ આવ્યું ન હોય? સત્યાગ્રહની કલ્પના મેં કંઈ રચી નહોતી રાખી. તેની ઉત્પત્તિ અનાયાસે, અનિચ્છાએ થઈ. પણ મેં જોયું કે તે અગાઉના મારાં બધાં પગલાં-ફીનિક્સ જવું, જોહાનિસબર્ગનું મોટું ઘરખર્ચ ઓછું કરી નાખવું, અને છેવટે બ્રહ્મચર્યવ્રત લેવું – જાણે તેની તૈયારીરૂપે હતાં.

બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન એટલે બ્રહ્મદર્શન. આ જ્ઞાન મને શાસ્ત્ર મારફતે નહોતું થયું. એ અર્થ મારી આગળ ધીરે ધીરે અનુભવસિદ્ધ થતો ગયો. તેને લગતાં શાસ્ત્રવાક્યો મેં પાછળથી વાંચ્યાં. બ્રહ્મચર્યમાં શરીરરક્ષણ, બુદ્ધિરક્ષણ અને આત્માનું રક્ષણ છે એ હું વ્રત પછી દિવસે દિવસે વધારે અનુભવવા લાગ્યો. કેમ કે, હવે બ્રહ્મચર્યને એક ઘોર તપશ્ચર્યારૂપ રહેવા દેવાને બદલે તેને રસમય બનાવવાનું હતું; તેની જ ઓથે નભવું રહ્યું હતું. એટલે હવે તેની ખૂબીઓના નિત્યનવાં દર્શન થવા લાગ્યાં.

પણ જો આમ હું આમાંથી રસ લૂંટતો હતો તો તેની કઠિનતા નહોતો અનુભવતો એમ પણ કોઈ ન માને. આજે છપ્પન વર્ષ પૂરાં થયાં છે, ત્યારે પણ તેની કઠિનતાનો અનુભવ તો થાય જ છે. તે અસિધારાવ્રત છે એમ વધારે ને વધારે સમજું છું. નિરંતર જાગૃતિની આવશ્યકતા જોઉં છું.

બ્રહ્મચર્યનું પાલન કરવું હોય તો સ્વાદેદ્રિય ઉપર કાબૂ મેળવવો જ જોઈએ. જો સ્વાદને જિતાય તો બ્રહ્મચર્ય અતિશય સહેલું છે એ મેં જાતે અનુભવ્યું. તેથી હવે પછીના મારા ખોરાકના પ્રયોગો કેવળ અન્નાહારની દૃષ્ટિએ નહીં, પણ બ્રહ્મચર્યની દૃષ્ટિએ થવા લાગ્યા. ખોરાક ઓછો, સાદો, મસાલા વિનાનો, ને કુદરતી સ્થિતિમાં ખાવો જોઈએ એ મેં પ્રયોગો કરી અનુભવ્યું. બ્રહ્મચારીનો ખોરાક વનપક ફળ છે એમ મારે અંગે તો મેં છ વર્ષનો પ્રયોગ કરીને જોયું. જ્યારે હું સૂકાં અને લીલાં વનપક ફળ ઉપર જ રહેતો ત્યારે જે નિર્વિકારપણું અનુભવતો તે મેં ખોરાકમાં ફેરફાર કર્યા પછી નથી અનુભવ્યું. ફળાહારને સમયે બ્રહ્મચર્ય સહજ હતું. દૂધાહારને અંગે તે કષ્ટસાધ્ય બન્યું છે. ફળાહારમાંથી દૂધાહાર ઉપર કેમ જવું પડયું એનો વિચાર યોગ્ય સ્થળે થશે. અહીં તો એટલું જ કહેવું બસ છે કે, બ્રહ્મચારીને સારું દૂધનો આહાર વિઘ્નકર્તા છે એ વિશે મને શંકા નથી. આમાંથી કોઈ એવો અર્થ ન કાઢે કે બ્રહ્મચારીમાત્રે દૂધનો ત્યાગ કરવો ઘટે છે. ખોરાકની અસર બ્રહ્મચર્ય ઉપર કેટલી પડે છે એ વિષયને અંગે ઘણા પ્રયોગોની આવશ્યકતા છે. દૂધના જેવો સ્નાયુ બાંધનારો ને એટલી જ સહેલાઈથી પચનારો ફળાહાર હજુ મારે હાથ નથી લાગ્યો, નથી કોઈ વૈદ, હકીમ કે દાક્તર તેવાં ફળ કે અન્ન બતાવી શક્યા. તેથી, દૂધને વિકાર કરનારી વસ્તુ જાણતાં છતાં, હું તેના ત્યાગની ભલામણ હાલ કોઈને નથી કરી શકતો.

બાહ્ય ઉપચારોમાં જેમ ખોરાકની જાતની અને પ્રમાણની મર્યાદા આવશ્યક છે તેમ જ ઉપવાસનું સમજવું, ઇંદ્રિયો એવી બળવાન છે કે તેને ચોમેરથી, ઉપરથી અને નીચેથી એમ દશે દિશાએથી, ઘેરવામાં આવે ત્યારે જ અંકુશમાં રહે છે. ખોરાક વિના તે કામ નથી કરી શકતી એ સહુ જાણે છે. એટલે, ઇંદ્રિયદમનના હેતુથી ઇચ્છાપૂર્વક કરેલા ઉપવાસની ઇંદ્રિયદમનમાં બહુ મદદ મળે છે, એ વિશે મને શંકા નથી. કેટલાક લોકો ઉપવાસ કરતાં છતાં નિષ્ફળ જાય છે તેનું કારણ એ છે કે, ઉપવાસ જ બધું કરી શકશે એમ માની તેઓ માત્ર સ્થૂળ ઉપવાસ કરે છે ને મનથી છપ્પનભોગ આરોગે છે; ઉપવાસ દરમિયાન, ઉપવાસ છૂટયે શું ખાઈશું એના વિચારોનો સ્વાદ લીધા કરે છે, ને પછી ફરિયાદ કરે છે કે, નથી સ્વાદ્રેંદ્રિયનો સંયમ થયો ને નથી થયો જનનેંદ્રિયનો! ઉપવાસની ખરી ઉપયોગિતા ત્યાં જ હોય જ્યાં માણસનું મન પણ દેહદમનમાં સાથ આપે. એટલે કે, મનને વિષયભોગ પ્રત્યે વૈરાગ્ય આવ્યો હોવો જોઈએ. વિષયનાં મૂળિયાં મનમાં રહેલાં છે. ઉપવાસાદિ સાધનોની મદદ જોકે ઘણી છતાં પ્રમાણમાં થોડી જ હોય છે. એમ કહી શકાય કે ઉપવાસ કરતો છતો મનુષ્ય વિષયાસક્ત રહી શકે છે ખરો. પણ ઉપવાસ વિના વિષયાસક્તિનો જડમૂળથી નાશ સંભવતો નથી. તેથી બ્રહ્મચર્યના પાલનમાં ઉપવાસ અનિવાર્ય અંગ છે.

બ્રહ્મચર્યનો પ્રયત્ન કરનારા ઘણા નિષ્ફળ જાય છે, કેમ કે તેઓ ખાવાપીવામાં, જોવા ઇત્યાદિમાં અબ્રહ્મચારીની જેમ રહેવા માગતાં છતાં બ્રહ્મચર્યનું પાલન ઇચ્છે છે, આ પ્રયત્ન ઉષ્ણ ઋતુમાં શીત ઋતુનો અનુભવ લેવાના પ્રયત્ન જેવો કહેવાય. સંયમીના અને સ્વચ્છંદીના, ભોગીના અને ત્યાગીના, જીવન વચ્ચે ભેદ હોવો જોઈએ. સામ્ય હોય છે તે ઉપરથી દેખાતું જ. ભેદ ચોખ્ખો તરી આવવો જોઈએ. આંખનો ઉપયોગ બન્ને કરે પણ બ્રહ્મચારી દેવદર્શન કરે, ભોગી નાટકચેટકમાં લીન રહે. બન્ને કાનનો ઉપયોગ કરે. પણ એક ઈશ્વરભજન સાંભળે, બીજો વિલાસી ગીતો સાંભળવામાં મોજ માણે. બન્ને જાગરણ કરે. પણ એક જાગ્રતાવસ્થામાં હૃદયમંદિરમાં બિરાજવા રામને વીનવે, બીજો નાચરંગની ધૂનમાં સૂવાનું ભાન ભૂલી જાય. બન્ને જમે. પણ એક શરીરરૂપી તીર્થક્ષેત્ર નભાવવા પૂરતું દેહને ભાડું આપે, બીજો સ્વાદને ખાતર દેહમાં અનેક વસ્તુઓ ભરી તેને દુર્ગંધિત કરી મૂકે. આમ બન્નેના આચારવિચારમાં ભેદ રહ્યા જ કરે; અને એ અંતર દિવસે દિવસે વધે, ઘટે નહીં.

બ્રહ્મચર્ય એટલે મનવચનકાયાથી સર્વ ઇંદ્રિયોનો સંયમ. આ સંયમને સારુ ઉપર પ્રમાણે ત્યાગોની આવશ્યકતા છે એમ હું દિવસે દિવસે જોતો ગયો. આજે પણ જોઈ રહ્યો છું. ત્યાગના ક્ષેત્રને સીમા જ નથી. જેમ બ્રહ્મચર્યના મહિમાને નથી. આવું બ્રહ્મચર્ય અલ્પ પ્રયત્ને સાધ્ય નથી. કરોડોને સારુ તો એ હમેશાં કેવળ આદર્શરૂપે જ રહેશે. કેમ કે, પ્રયત્નશીલ બ્રહ્મચારી પોતાની ઊણપોનું નિત્ય દર્શન કરશે, પોતાનામાં ખૂણેખોચરે છુપાઈ રહેલા વિકારોને ઓળખી લેશે, ને તેમને કાઢવા સતત પ્રયત્ન કરશે. જ્યાં લગી વિચારો ઉપર એવો કાબૂ નથી મળ્યો કે ઇચ્છા વિના એક પણ વિચાર ન આવે, ત્યાં લગી સંપૂર્ણ બ્રહ્મચર્ય નથી. વિચારમાત્ર વિકાર છે. તેને વશ કરવા એટલે મનને વશ કરવુ. અને મનને વશ કરવું તે વાયુને વશ કરવા કરતાંયે કઠિન છે. આમ છતાં જો આત્મા છે, તો આ વસ્તુ પણ સાધ્ય છે જ. આપણને મુશ્કેલીઓ આવી નડે છે તેથી તે અસાધ્ય છે એમ કોઈ ન માને. એ પરમ અર્થ છે. એ પરમ અર્થને સારુ પરમ પ્રયત્નની આવશ્યકતા હોય એમાં શું આશ્ચર્ય?

પણ આવું બ્રહ્મચર્ય કેવળ પ્રયત્નસાધ્ય નથી એ મેં દેશમાં આવીને જોયું. ત્યાં લગી હું મૂર્છામાં હતો એમ કહી શકાય. ફળાહારથી વિકાર જડમૂળથી નાબૂદ થાય એમ મેં માની લીધેલું, ને હું અભિમાનથી માનતો કે હવે મારે કંઈ કરવાપણું નથી.

પણ આ વિચારના પ્રકરણને પહોંચવાને વાર છે. દરમિયાન એટલું કહી દેવું આવશ્યક છે કે, ઈશ્વરસાક્ષાત્કાર કરવાને અર્થે, મેં વ્યાખ્યા આપી છે તેવા બ્રહ્મચર્યનું જેઓ પાલન ઇચ્છે છે, તેઓ જો પોતાના પ્રયત્નની સાથે જ ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનારા હોય, તો તેમને નિરાશ થવાનું કશું કારણ નથી.

વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ,

રસવર્જં રસોપ્યસ્ય પરં દૃષ્ટ્વા નિવર્તતે.

[નિરાહારીના વિષયો તો શાંત થાય છે, પણ રસ નથી શમતા; રસ પણ ઈશ્વરદર્શનથી શમે છે. — ગીતા, અ- ૨, શ્લો- ૫૯.]

તેથી, રામનામ ને રામકૃપા એ જ આત્માર્થીને છેવટનું સાધન છે,એ વસ્તુનો સાક્ષાત્કાર મેં હિંદુસ્તાનમાં જ કર્યો.