સાહિત્યચર્યા/મણિ-બાલ મૃત્યુશતાબ્દી પ્રસંગે

Revision as of 05:15, 19 July 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મણિ-બાલ મૃત્યુશતાબ્દી પ્રસંગે

બાલાશંકર અને મણિલાલની મૃત્યુશતાબ્દી એ એક અર્થમાં કવિતા અને તત્ત્વજ્ઞાનનો ઉત્સવ છે. બાલાશંકર આપણા મોટા ગજાના પ્રથમ અર્વાચીન કવિ છે અને મણિલાલ આપણા મોટા ગજાના પ્રથમ તત્ત્વચિંતક છે. બન્નેનો જન્મ એક જ સ્થળમાં, નડિયાદમાં અને એક જ વર્ષમાં, ૧૮૫૮માં, અને બન્નેનું અવસાન પણ એક જ વર્ષમાં, ૪૦ વર્ષની અતિ કાચી વયે ૧૮૯૮માં. બાલાશંકર વયમાં મણિલાલથી ૪ મહિના મોટા. બન્ને જીવનભર પરમ મિત્રો, પણ બન્નેના જીવનનો કાર્યપ્રદેશ તથા સાહિત્યનો વિષય અને સાહિત્યનું સ્વરૂપ ભિન્ન ભિન્ન. આજે મુખ્યત્વે તો આ બન્ને સાક્ષરોનું સ્મરણ કરવાનો અને એમની સ્મૃતિને અંજલિ અર્પણ કરવાનો ઉપક્રમ છે. પણ એ નિમિત્તે બાલાશંકરની કવિતાનું અને મણિલાલના તત્ત્વચિન્તનનું મૂલ્યાંકન – બલકે પુનર્મૂલ્યાંકન કરવાનો પણ આ પ્રસંગ છે. બાલાશંકર એક શાપિત કવિ – poete maudit – હતા. એ વિધાતાથી શાપિત એવા કવિ ન હતા, પણ સ્વભાવથી, કુટુંબથી, મિત્રોથી અને સમાજથી શાપિત કવિ હતા. એમનું જીવન અને કવન બન્ને એનાં સાક્ષી છે. ૧૮૮૫માં ‘ક્લાન્ત કવિ’ પ્રગટ થયું હતું. એમાં ૨૨મા શ્લોકમાં પ્રથમ પંક્તિનો આરંભ છે : ‘પૂરો હું સ્વચ્છંદી, તુજ પ્રીતિશું ફંદી...’ વળી ૧૮૮૮માં ‘સૌંદર્ય’ પ્રગટ થયું હતું. એમાં ૧૩મા શ્લોકમાં ૪થી પંક્તિ છે : ‘સ્વચ્છંદી પણ ફંદી માત્ર તુજનો...’ આ પંક્તિઓમાં સૂચન છે તેમ બાલાશંકર ૧૮૮૫ પૂર્વે જ, એટલે કે ૨૭ વર્ષની વય પૂર્વે જ સ્વચ્છંદી હતા. ગુજરાતમાં સુધારાનો – સમાજજીવનમાં સુધારાનો – પ્રથમ સ્તબક હતો ત્યારે પ્રતિષ્ઠિત કુટુંબોમાં પણ ઘીની જેમ મદિરાનું પાન કરવાની ફેશન હતી. ત્યારથી જ કદાચ બાલાશંકર સ્વચ્છંદી એટલે કે વ્યસની થયા હશે. સુધારાનો – ધર્મજીવનમાં સુધારાનો, પ્રાર્થનાસમાજી સુધારાના ચોખલિયાવેડાનો બીજો સ્તબક હતો ત્યારે આ મદિરાપાન કરવાની ફેશન રહી ન હતી, ત્યારે પણ એટલે કે ૧૮૮૫ અને ત્યાર પછી પણ – હમણાં જ જોઈશું, તેમ વચમાં પાંચેક વરસના સંયમના અપવાદ સાથે બાલાશંકર તો લગભગ આયુષ્યના અંત લગી સ્વચ્છંદી એટલે કે વ્યસની જ રહ્યા હતા. ‘ક્લાન્ત કવિ’માં બીજા શ્લોકમાં આરંભની દોઢેક પંક્તિ છે : ‘પૂરે વીશે વર્ષે કરમગતિથી સ્નેહી વિખૂટો કહેવાયો આજે...’ ૧૮૫૮માં બાલાશંકરનો જન્મ અને આ પંક્તિઓમાં સૂચન છે કે ૧૮૮૫માં એમના લગ્નજીવનને ૨૦ વર્ષ થયાં હતાં એટલે કે ૧૮૬૫માં ૭ વર્ષની વયે એમનાં મણિલક્ષ્મી સાથે લગ્ન થયાં હતાં. ‘ક્લાન્ત કવિ’ અને અન્ય કાવ્યોમાં વારંવાર ‘ટેક’, ‘વચન’, ‘કોલ’ આદિના ઉલ્લેખો છે. એમાં સૂચન છે કે બાલાશંકર મણિલક્ષ્મી પ્રત્યે એકવચની હતા, એમનો એકપત્ની-વ્રતનો સંબંધ હતો. ‘ક્લાન્ત કવિ’માં ૯૭મા શ્લોકમાં ૩જી પંક્તિ છે : ‘રહી રંગે ભીની વળગી મુજને ટેક પ્રીતમાં’ એમાં સૂચન છે કે મણિલક્ષ્મીનો બાલાશંકર સાથે પણ એવો જ સંપૂર્ણ નિષ્ઠાનો સંબંધ હતો. વળી ‘ક્લાન્ત કવિ’માં ૫૩મા શ્લોકમાં ૩જી-૪થી પંક્તિઓ છે : ‘સમાધિ લાગી જે સહજ તવ પ્રેમે મુજ તણી, ખરે તે મારી છે સતત દૃઢ મોક્ષે નિસરણી.’ એમાં સૂચન છે કે બાલાશંકરને મણિલક્ષ્મીના પ્રેમમાં જ સમાધિ લાગી હતી અને મણિલક્ષ્મી એમના સતત દૃઢ મોક્ષની નિસરણી હતાં. એથી બાલાશંકર ‘સૌંદર્ય’ના અંતિમ ૨ શ્લોકોમાં વિશ્વેશ્વરી અને ભારતીને એટલે કે શક્તિ અને સરસ્વતીને મણિલક્ષ્મીનું રક્ષણ કરવા વિનંતી કરે છે. બાલાશંકર અને મણિલક્ષ્મીનો આવો અનન્ય પ્રેમ ‘ક્લાન્ત કવિ’ અને ‘સૌંદર્ય’ના કેન્દ્રસ્થાને છે. અર્વાચીન ગુજરાતી કવિતાના ઇતિહાસમાં ભાગ્યે જ કોઈ અન્ય કવિની કવિતામાં આવો અન્યોન્ય અને અનન્ય પ્રેમ આમ કેન્દ્રસ્થાને હશે. છતાં બાલાશંકરના સ્વચ્છંદને, વ્યસનને આવા મણિલક્ષ્મી અને એમનો આવો પ્રેમ પણ દૂર કરી શક્યા ન હતા. બાલાશંકર ‘તુજ પ્રીતિશું ફંદી’ હતા, ‘ફંદી માત્ર તુજનો’ હતા છતાં દૂર કરી શક્યા ન હતા. કહેવાય છે કે બાલાશંકરને જિંદગીનાં છેલ્લાં વર્ષોમાં જ્યારે ઘોડા છાપ બ્રાન્ડીનું વ્યસન હતું ત્યારે હસતા હસતા બે હાથ જોડીને મણિલક્ષ્મીને કહેતા હતા, ‘હવે તો ઘોડાને તબેલામાંથી છોડો!’ પિતા ઉલ્લાસરામે પણ બાલાશંકરના આ સ્વચ્છંદ અને વ્યસનના સંદર્ભમાં એમને લગ્નની સાંકળ અને નોકરીની બેડીનાં બંધનોથી બાંધવાનો પ્રયત્ન કર્યો હતો. એમાં મણિલક્ષ્મીની જેમ એ પણ નિષ્ફળ રહ્યા હતા. ૧૮૮૬માં ઉલ્લાસરામ પત્ની રેવાભાઈ અને પુત્ર બાલાશંકરની સાથે યાત્રાએ ગયા હતા. ત્યારે પણ વચમાં ૧૮૮૩-૮૪માં દારૂ-ગાંજાના વ્યસન વિશે કંઈક અપરાધભાવ અનુભવ્યો હતો અને વ્યસનનો ત્યાગ કર્યો હતો છતાં યાત્રામાં સાથે એક વ્યસની નોકર હતો એના સંસર્ગથી તીર્થક્ષેત્રમાં પણ પુનશ્ચ વ્યસનસેવન કર્યું હતું. એથી પિતાની યાત્રા અધવચે જ અધૂરી રહી હતી અને તેઓ એકાએક નડિયાદ પાછા ફર્યા હતા. પછી ૧૧મા દિવસે, કદાચને પુત્રના આ વ્યસનસેવનના આઘાતને કારણે, પિતાનું અવસાન થયું હતું. અવસાનની ક્ષણે પણ આ વ્યસનસેવનને કારણે પુત્રનો યોગ થયો ન હતો. પોતાની લૌકિક અને અલૌકિક સંપત્તિનો વારસો પ્રભુ જેને સોંપે તેણે સંભાળવો એવું વસિયતનામું એક સ્લેટ પર પેનથી લખ્યું હતું અને પિતાએ પ્રાણત્યાગ કર્યો હતો. પિતાની ઉત્તરક્રિયામાં પણ બાલાશંકર એમના વ્યસનસેવનને કારણે સક્રિય રહી શક્યા ન હતા. ૧૮૯૩માં બાલાશંકર ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં માસિક રૂ. ૫૦ના વેતનથી આસિસ્ટંટ સેક્રેટરીના પદ પર નિયુક્ત થયા હતા. ૧૮૯૪માં એક જ વરસમાં એમણે એમના આ વ્યસનસેવનને કારણે એ પદનો ત્યાગ કર્યો હતો. સોસાયટીના એક અધિકારી અને બાલાશંકરના પિતા ઉલ્લાસરામના મિત્ર એવા લાલશંકર એક દિવસ સોસાયટીના મકાનના બારણા પાસે જુએ છે તો ચલમ! પરિણામે એ ચલમ અને બાલાશંકર બન્ને એકસાથે સોસાયટીમાંથી વિદાય થયાં હતાં. જે સમયમાં ગુજરાતમાં અનેક સંવેદનશીલ તેજસ્વી યુવાનો મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને એમ.એ.ની ઉપાધિ સાથે ‘ગ્રેડ્યુએટ’ થયા હતા, કવિના બાળપણથી, ૧૮૭૨-૭૩થી, જીવનભરના મિત્ર મણિલાલ ૧૮૭૯માં સંસ્કૃતમાં બી.એ.ની ઉપાધિ સાથે ‘ગ્રાડ્યુએટ’ થયા હતા એટલું જ નહિ પણ ૧૮૮૫માં ભાવનગરમાં શામળદાસ કૉલેજમાં સંસ્કૃતના અધ્યાપક પણ થયા હતા ત્યારે બાલાશંકર ‘નોન-ગ્રેડ્યુએટ’ જ રહ્યા હતા. ૧૮૭૨-૭૩ લગી, ૧૪-૧૫ વર્ષની વય લગી, ત્યારે પિતાએ પોતાની નોકરી પંચમહાલમાં હતી અને બાલાશંકર એકના એક પુત્ર હતા એથી પંચમહાલમાં પોતાની દૃષ્ટિ સમક્ષ જ ઘરે બાલાશંકરને અભ્યાસ કરાવ્યો હતો. પછી ૧૮૭૨-૭૩થી ૧૮૭૭-૭૮ લગી નડિયાદમાં પિતાએ એમને માટે એક સ્વતંત્ર વિદ્યાર્થીગૃહની વ્યવસ્થા કરાવી હતી અને ફર્સ્ટ ગ્રેડ એન્ગ્લો વર્નાક્યુલર સ્કૂલમાં ૩જા ધોરણમાં એમને પ્રવેશ અપાવ્યો હતો. આ વિદ્યાર્થીગૃહમાં બાલાશંકરની આસપાસ એમનું એક મિત્રમંડળ રચાયું હતું. અને એમની સભાઓ યોજાતી હતી. એમાં આરંભે જ, ૧૮૭૨-૭૩માં જ બાલાશંકર અને મણિલાલનું પ્રથમ મિલન થયું હતું. ૧૮૭૭-૭૮માં બાલાશંકર મુંબઈમાં મૅટ્રિક થયા હતા. પછી ૧૮૭૮માં અમદાવાદમાં ગુજરાત કૉલેજમાં પ્રવેશ પણ ૧૮૭૯માં મુંબઈમાં એફ.વાય.આર્ટ્સની વાર્ષિક પરીક્ષામાં નાપાસ થયા હતા અને અભ્યાસનો ત્યાગ કર્યો હતો. આમ, બાલાશંકર જીવનભર અનૌપચારિકપણે વિદ્યાવ્યાસંગી હતા છતાં ઔપચારિકપણે ગ્રેડ્યુએટ ન થયા તે ન જ થયા. જોકે પછીથી ૧૮૮૭-૮૯માં બેત્રણ વર્ષ લગી એમણે નોકરીની બેડીમાંથી મુક્ત થવા અને હાઈકોર્ટ પ્લીડર કે સબ જજ થવા માટે, સ્વતંત્ર વ્યવસાય માટે કાયદાનો અભ્યાસ કર્યો હતો અને પરીક્ષાઓ માટે બેત્રણ વાર મુંબઈ ગયા હતા. પણ પરીક્ષાઓમાં નિષ્ફળ રહ્યા હતા. એમાં વિધાતાનો વાંક ન હતો, સફળ થવા જેવો એમનો સ્વભાવ જ ન હતો. એક પરીક્ષા ટાઉનહોલમાં હતી. પરીક્ષા માટે ટાઉનહોલ જતાં ટ્રામમાંથી એક દુકાન કે લારીમાં પૂતળી જોઈ હતી એથી પરીક્ષામાં ચિત્ત ન ચોંટ્યું તે ન જ ચોંટ્યું. પરીક્ષા આપ્યા વિના ટાઉનહોલમાંથી ભાગ્યા અને પૂતળી ખરીદી લાવ્યા અને ગયા ટાઉનહોલની સામેના બાગમાં. જે સમયે જેટલી તલ્લીનતાથી ટાઉનહોલમાં પરીક્ષામાં ઉત્તરપત્ર લખવાનું હતું તે જ સમયે એટલી જ તલ્લીનતાથી બાગમાં લીલા ઘાસ પર ગુલાબી પાઘડી બાજુમાં મૂકીને પૂતળી સમક્ષ નમીને ગઝલ લખી હતી :

‘દિલદારના દર્શન વિના બીજું મને ગમતું નથી,
પૂતળી પઠે નજદીકમાં બેઠા વિના ગમતું નથી.
 . . . . .
ગમતું નથી, ગમતું નથી, આખું જગત ગમતું નથી.’

અને ત્યારે જ ચિત્ત શાંત થયું હતું. ૧૮૮૯માં નોકરીમાં હતા ત્યારે પણ કોઈ એક પરીક્ષા માટે રજા માંગી હતી પણ રજા મંજૂર કરવામાં આવી ન હતી. આમ, બાલાશંકર ગ્રેડ્યુએટ તો ન થયા તે ન જ થયા પણ સ્વતંત્ર વ્યવસાય માટેની પરીક્ષામાં પણ સફળ ન થયા. લલાટે નોકરી જ લખાવી લાવ્યા હશે! ૧૮૭૫માં નડિયાદમાં બાલાશંકરના ઘરમાં, પૂર્વોક્ત વિદ્યાર્થીગૃહમાં, બાલાશંકરે અને એમના પૂર્વોક્ત મિત્રમંડળે ‘પ્રાર્થના સમાજ’ની પ્રેરણાથી એની લઘુઆવૃત્તિ જેવા પ્રાર્થનાસમાજનો આરંભ કર્યો હતો અને ‘સ્વ-સુધારક સભા’ની સ્થાપના કરી હતી. પછીથી પોતાને સુધારવા માટે અને વધુમાં વધુ પોતાની જ્ઞાતિને સુધારવા માટે એને ‘જ્ઞાતિ શુભેચ્છક સમાજ’ સાથેના સહકારથી ‘સ્વ-સુધારક જ્ઞાતિ શુભેચ્છક સમાજ’ એવું નામ આપ્યું હતું. આ સમયમાં બાલાશંકર સહિત આ મિત્રમંડળે પ્રભુભક્તિનાં પ્રાર્થનાકાવ્યો રચ્યાં હતાં અને પ્રસિદ્ધ પણ કર્યાં હતાં. આ સમયમાં જ પિતાને બાલાશંકરના સ્વચ્છંદનો અને આ મિત્રમંડળના કેટલાક સભ્યોના અનિષ્ટ અને અનિચ્છનીય સંસર્ગનો અણસાર આવ્યો હશે. એથી ભય અને શંકાને કારણે મુત્સદ્દી અને વ્યવહારકુશળ પિતાએ એમના આ સ્વચ્છંદી પુત્રને ‘નોકરીની બેડી’ના બંધનથી બાંધવાનો પ્રયત્ન કર્યો હશે. એ ઉપરાંત મહત્ત્વાકાંક્ષી મામલતદાર પિતાએ પોતાના એકના એક પુત્રને પોતાની જેમ જ સરકારી નોકરીમાં જ વહેલામાં વહેલી તકે મહત્ત્વના પદ પર જોવાની તીવ્ર તાલાવેલીને કારણે પણ નાની વયે તરત નોકરીમાં જોડવાનો પ્રયત્ન કર્યો હશે. જોકે પિતાને ન્યાય ખાતર કહેવું જોઈએ કે નોકરીની અધવચમાં જ પુત્ર માત્ર સ્વાસ્થ્યમાં અસ્વસ્થ હતા એ જ કારણે નહિ પણ પુત્રને મુક્તિફોજની ભક્તિનો રંગ લાગ્યો હતો અને એનામાં ખ્રિસ્તી ભજનો ગાવાનો અને ખંજરી બજાવવાનો રસ જાગ્યો હતો એથી એ ખ્રિસ્તી થઈ જશે એ ભય અને શંકાને કારણે ચતુર પિતાએ પુત્રને ૧૮૮૪થી ૧૮૮૯ લગી, ૫ વર્ષની લાંબી ફરલો રજા પર ઉતાર્યો હતો. પિતાએ આરોગ્ય માટે ઘરમાં માતા રેવાબાઈ અને પિતામહ અર્જુનલાલની છાયામાં તથા આધ્યાત્મિક આરોગ્ય માટે ઘરના પ્રાંગણમાં અર્જુનેશ્વરના શિવાલયની છાયામાં પુત્રને પોતાના સહવાસમાં વસાવ્યો હતો. આ ૫ વર્ષ જેટલા દીર્ઘ સમયમાં નિદિધ્યાસન, આનુવંશિક શક્તિપૂજાની ઉપાસના અને ‘સૌંદર્યલહરી’નો નિત્યપાઠ તથા અદ્વૈતવાદ, ભક્તિસૂત્રો, ઉપનિષદ, હાફિઝ, સૂફીવાદ આદિનું અધ્યયન અને મનન-ચિંતન ઉપરાંત ઘરમાં રોજ એક પીરના નામે દીવો, લોબાનનો ધૂપ અને એની સન્મુખ માળાનો જાપ વગેરે દ્વારા જાણે કે એમની મસ્તીનું મસ્તફકીરીમાં રૂપાંતર થયું હતું. મુત્સદ્દી, મહત્ત્વાકાંક્ષી, વ્યવહારકુશળ પિતાના પુત્ર થવું એ જેમ બાલાશંકરનું દુર્ભાગ્ય હતું તેમ વિદ્યાવ્યાસંગી પિતાના પુત્ર થવું એ બાલાશંકરનું સદ્ભાગ્ય હતું. ૧૮૮૮માં ‘સૌંદર્ય’માં ૧૩મા શ્લોકમાં ૩જી પંક્તિમાં બાલાશંકરે એમની મસ્તફકીરીના મિજાજથી વિધાતાને વિરોધાર્થરૂપે ઉચ્ચાર્યું હતું : ‘લેખ્યો લેખ નથી લલાટપટલે કે નિત્ય સેવા કરું.’ વળી તે પૂર્વે ૧૮૮૨માં જ્યારે રેવન્યુ ખાતામાં હતા અને રોજ આવકજાવકના ચોપડા ચીતર્યા કરતા હતા ત્યારે પરમેશ્વરને પ્રશ્નાર્થરૂપે આર્ત અવાજે ઉદ્ગાર્યું હતું : ‘ધરિયા શીદ આવકજાવકમાં, પ્રભુ! કેમ ધર્યા નહિ પાવકમાં?’ આમ, બાલાશંકરને નોકરી કરવી ન હતી છતાં, અને હમણાં જ જોયું તેમ, એમણે સ્વતંત્ર વ્યવસાયનો પ્રયત્ન કર્યો હતો પણ એમાં સફળ થયા ન હતા તથા હમણાં જ જોઈશું તેમ, એમણે બે વાર સ્વતંત્ર માલિકીનું કારખાનું કાઢવાનો પ્રયત્ન પણ કર્યો હતો એમાં પણ સફળ થયા ન હતા એથી લગભગ જીવનભર એમના નસીબમાં નોકરી જ લખી હતી. ૧૮૮૧માં બાલાશંકરે જંબુસરમાં પિતા મામલતદાર હતા એથી એમની કચેરીમાં જ તાલીમ લીધી હતી, પછી ઘોઘામાં માસિક રૂ. ૨૦ના વેતનથી કસ્ટમ ખાતામાં, ૧૮૮૨માં ભરુચમાં રજિસ્ટ્રેશન ખાતામાં તથા પંચમહાલમાં રેવન્યુ ખાતામાં, ૧૮૮૩માં ભરુચમાં પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે તથા આમોદમાં તિજોરી અધિકારી તરીકે – એમ વિવિધ સ્થળે વિવિધ ખાતાંમાં નોકરી કરી હતી. ૧૮૮૪થી ૧૮૮૯ લગી ૫ વરસ માટે, હમણાં જ જોયું તેમ, એ ફરલો રજા પર હતા. પણ પછી ૧૮૮૯માં રજા પૂરી થતાં ફરીથી નોકરીમાં જોડાયા હતા. પણ એ જ વરસમાં એમણે સરકારી નોકરીનો હંમેશ માટે ત્યાગ કર્યો હતો. હમણાં જ જોઈશું તેમ, ૧૮૯૦-૯૨માં એમણે સ્વતંત્ર માલિકીનું કારખાનું કાઢવાનો પ્રયત્ન કર્યો હતો પણ એમાં સફળ થયા ન હતા એથી ૧૮૯૩માં અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં માસિક પચાસ રૂપિયાના વેતનથી કામચલાઉ આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે નોકરી કરી હતી. પણ હમણાં જ જોયું તેમ, વ્યસનસેવનને કારણે એમને એનો ત્યાગ કરવાનું થયું હતું. પછી ૧૮૯૪માં વડોદરામાં કલાભવનમાં નિયુક્ત થયા હતા. એક દિવસ બાલાશંકરને મોડું થયું હતું અને એ કલાભવનનાં પગથિયાં ચડતા હતા ત્યારે સામેથી કલાભવનના ઉપરી અધિકારી ત્રિભુવનદાસ ગજ્જર આવતા હતા, એમણે ખિસ્સામાંથી ઘડિયાળ કાઢીને બાલાશંકરને બતાવ્યું. એ ક્ષણે જ ગજ્જર જેવા ગજ્જર પણ કચેરીની ફાઈલોમાંથી કારકિર્દીનો રેકોર્ડ જોવાને બદલે ખિસ્સામાંથી ઘડિયાળ જુએ છે એથી બાલાશંકર બાકીનાં પગથિયાં ચડ્યા નહિ, જે પગથિયાં ચડ્યા હતા તે પણ ઊતરી ગયા. ત્યાર પછી બાલાશંકર કોઈ કચેરીનાં પગથિયાં ન ચડ્યા તે ન જ ચડ્યા. હમણાં જ જોયું તેમ, ૧૮૮૭-૮૯માં બાલાશંકર સ્વતંત્ર વ્યવસાય માટે બે વાર સફળ થયા ન હતા એથી એમણે ૧૮૯૦-૯૨માં નડિયાદમાં ઘરના કમ્પાઉન્ડમાં જ બીડનું કારખાનું કાઢ્યું હતું પણ પડોશીઓના વિરોધને કારણે કલેક્ટરના હુકમથી કારખાનું સ્ટેશન પાસે નાની ખોડિયાર માતાની નિકટ ખસેડ્યું હતું. પણ આ સાહસમાં સારો એવો નફો થવાની આશા હતી એથી અન્ય ‘કપટપટુ મિત્રો’એ એમની નિર્બળતાની ક્ષણોમાં જુદા દસ્તાવેજો પર સહી કરાવીને એમનું સર્વસ્વ લખાવી લીધું હતું. એમાં અપવાદરૂપ એક જ સાચા મિત્ર હતા નડિયાદની કોર્ટના વકીલ છોટાલાલ ઝવેરીલાલ. એમાં એમની વારસાગત સમગ્ર મિલકત એમણે ખોઈ હતી. આ મિત્રોને એમણે અંતે ઉદાર હૃદયની ક્ષમા અર્પી હતી. બાલાશંકરના જીવનનો આ કરુણમાં કરુણ અનુભવ હતો. કહેવાય છે કે કોઈ સજ્જને કવિને પ્રશ્ન પૂછ્યો હતો, ‘તમારું કારખાનું થાય છે કે મુનીમનું મકાન?’ બાલાશંકરે પલકમાં આ પ્રશ્નનો મર્મ પામીને મુનીમના પક્ષે પેલા સજ્જનને પ્રતિપ્રશ્ન પૂછ્યો હતો, ‘બાલાશંકરને ત્યાં મુનીમ છે ને! એનું મકાન નહિ થાય તો ક્યારે થશે?’ હમણાં જ જોયું તેમ, ૧૮૯૬માં કલાભાવનનાં પગથિયાં ઊતરી ગયા પછી હવે જીવનમાં ક્યારેય કોઈ કચેરીનાં પગથિયાં ન ચડવાની પ્રતિજ્ઞા સાથે બાલાશંકરે ૧૮૯૭-૯૮માં વડોદરામાં રાવપુરામાં ફરીથી બીડનું વધુ મોટું કારખાનું કાઢ્યું હતું. આ સાહસમાં અર્થપ્રાપ્તિ થાય તો એમાંથી સર્જકો અને ચિન્તકો માટે ગોવર્ધનરામના કલ્યાણગ્રામના સ્વપ્નની પ્રેરણા સમું એક ‘કવિલોક’ સર્જવાનું એમનું સ્વપ્ન હતું. પણ એ જ વરસમાં વડોદરામાં પ્લેગ થયો. બાલાશંકરે કારખાનું કેમ્પમાં ખસેડ્યું. પણ બાલાશંકરને જ પ્લેગ થયો અને બે દિવસની ટૂંકી માંદગી પછી એમનું અવસાન થયું. અવસાન સમયે બાલાશંકરને પ્લેગ થયો હતો એથી એ કેમ્પમાં હતા અને માતા રેવાબાઈ તથા પુત્ર મોંઘાભાઈ વડોદરામાં હતા. પત્ની મણિલક્ષ્મી, બે પુત્રો અને બન્ને પુત્રીઓ નડિયાદમાં હતાં. મણિલાલ પણ વડોદરામાં નહિ પણ ક્યાંક અન્યત્ર હતા. મિત્ર અનુપરામ દીનબંધુ વડોદરામાં હતા પણ એમની સાથે અબોલા હતા. આ સૌમાંથી કોઈ પણ નિકટ હોત તો પણ પ્લેગને કારણે એમને દૂર જ રહેવાનું થયું હોત. આમ, આયુષ્યની અંતિમ ક્ષણે બાલાશંકર એકલા હતા. એમના ઘરમાં કોઈ ન હતું. અરે, ઘરમાંથી છેલ્લું વાસણ પણ વેચાઈ ચૂક્યું હતું. આયુષ્યના અંતિમ વર્ષમાં બાલાશંકરે અમદાવાદમાં શ્રીમન્નૃસિંહાચાર્ય સમક્ષ એકાન્તમાં આત્મનિવેદન કર્યું હતું. વ્યસન માત્રનો સંપૂર્ણ ત્યાગ કર્યો હતો અને માત્ર મંત્રનું જ રટણ કર્યું હતું અને એમ દેહનો અને સંસારનો ત્યાગ કર્યો હતો. બાલાશંકરને મહત્ત્વાકાંક્ષી અને વ્યવહારકુશળ છતાં ધર્મનિષ્ઠ અને વિદ્યાવ્યાસંગી પિતા પાસેથી ભક્તિ અને જ્ઞાનનો વારસો પ્રાપ્ત થયો હતો. તો લાડકોડમાં આ એકના એક પુત્રને પિયરનું ધન પણ આપનાર માતા પાસેથી ઉડાઉગીરી અને ઉદારતાનો વારસો પ્રાપ્ત થયો હતો. નોકરી કરવી જ ન હતી છતાં પિતાએ નોકરીની બેડીના બંધનમાં બાંધ્યા હતા. સૌ કચેરીઓમાં કારકુન હતા છતાં ઉપરી અધિકારીઓનો પણ એમના જેવો રજવાડી ઠાઠમાઠ ન હતો. અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં માત્ર કામચલાઉ આસિસ્ટન્ટ સેક્રેટરી હતા ત્યારે ભદ્રમાં જ ઘર હતું પણ સોસાયટીમાં ચાલીને નહિ ઘોડાગાડીમાં બેસીને જ આવવાનો એમનો નિત્યક્રમ હતો. આમ, માતાપિતાને કારણે એમને લાભ અને હાનિ બન્ને થયાં હતાં. બાલાશંકરની સ્વાતંત્ર્યનિષ્ઠા એ કદાચ એમનાં માતાપિતા પ્રત્યેના પ્રતિભાવ અથવા પ્રતિકારનું પરિણામ હશે. જીવનના સૌ કરુણ અનુભવોની વચ્ચે, ‘દિનરાતની ઘાણી મહીં’, બાાલાશંકરે સંપૂર્ણ કર્તવ્યપાલન કર્યું હતું. સતત પ્રશંસાપાત્ર કાર્ય કર્યું હતું. એમના ઉપરી અધિકારીઓનાં પ્રમાણપત્રો, એમનું સંશોધન, ૧૮૮૭થી ૧૮૯૫ લગી ૮ વર્ષ લગી ‘ભારતીભૂષણ’ ત્રૈમાસિક અને પછીથી માસિક, ‘બુદ્ધિપ્રકાશ’, ‘ઇતિહાસમાલા’ આદિનું સંપાદન તથા અવસાન સમયે ‘સરસ્વતી સૌંદર્ય’ સામયિકનું સ્વપ્ન – એમની આ જીવનભરની સાહિત્યસાધના અને સેવા એનાં સાક્ષીરૂપ છે. બાલાશંકરની સ્વાતંત્ર્યનિષ્ઠાએ એમના આધ્યાત્મિક જીવનમાં નમ્રતા પ્રેરી હતી. દલપતરામ વહેલમાં વડતાલથી નડિયાદ આવ્યા ત્યારે નડિયાદની સીમ પર અનેક લોકોની વચ્ચે ધૂળમાં જ સાષ્ટાંગ પ્રણામ કર્યા હતા. તો સાથે સાથે એ જ સ્વાતંત્ર્યનિષ્ઠાએ એમના ઐહિક જીવનમાં ગૌરવ પણ પ્રેર્યું હતું. ‘ગાયકવાડ કે ઇન્દ્રરાજાની પરવા લગીર પણ નથી.’ અથવા તો ‘લાઠીનો ઠાકોર એના ઘરનો. મળવું હોય તો આવે મારે ઘેર, અને શીખવું હોય તો શીખે મારી પાસે આવીને.’ અથવા તો ‘શૃંગાર રસ આ સંસારમાં ન હોત તો લાલશંકરભાઈ આ સાહિત્યના ઉત્તેજન આપનારા પોતે જ ક્યાંથી પાકત?’ એવા એમના ઉદ્ગારો એના સાક્ષીરૂપ છે. પોતાની ગરદન પર હાથ રાખીને ગુજરાતમાં એક જ કવિ બાલાશંકર જ પ્રિયતમા સમક્ષ આ વચન ઉચ્ચારી શકે :

‘અધર અનમ ટેકીલી મારી ગરદનના સોગન.’
બાલાશંકરની સ્વાતંત્ર્યનિષ્ઠા જેમાં પ્રગટ થાય છે એવી કેટલીક પંક્તિઓનું અહીં સ્મરણ કરવું જોઈએ :
‘કરે છે આ ભૂંડા જન ગજ સમી વાત રજની,
અરે તે શું જાણે અકથ પીડ મારા મગજની!’

‘તહારા પ્રેમીને જગતમહીં શું લાંછન નડે?
મને નિંદાથી તો મૂરખ જન જો આવી કનડે.’

‘અરે મારી કાં તો અપકીરતિનાં ગાન ગજવો,
ફરી ચોરેચૌટે ઘર ઘર પતાકા ફરકવો!
નથી ચિંતા કાંઈ, નથી કીરતિઇચ્છા સ્વપનમાં,
ફસ્યો જેની પ્રીતે, સતત શીલવાળી જગતમાં.’

‘જન્મ્યો કાંઈ નથી જગત્ રીઝવવા દર્કાર શાની ધરું?
લેખ્યો લેખ નથી લલાટપટલે કે નિત્ય સેવા કરું;
જન્મ્યો કાંઈ નથી ભવાઈ ભવને કે ઢોંગ સારુ ઘડ્યો,
સ્વચ્છંદી પણ ફંદી માત્ર તુજનો હા, બાલ પાયે પડ્યો.’

‘છો માહરા નોંધે ગુનાઓ નિંદકોનો દફતરી,
પણ મસ્ત તુજ દરબારમાં આવ્યા વિના ગમતું નથી.’

‘ફટ! મૂર્ખની મૂર્ખાઈને તો વખાણ ઝાઝું હું શું કરું?
દિલ દગ્ધને દંભી કહે એ દુ:ખને હું શું કરું?
. . . . .
ન્યાં મૂર્ખ ટોળું તાળીઓ કૂટે તહાં મસ્તાન બાલ,
શું કરું હું શું કરું? કરું મૂર્ખમુખદર્શન પરું.’

‘જિગરનો યાર જુદો તો બધો સંસાર જુદો છે,
બધા સંસારથી એ યાર બેદરકાર જુદો છે.
. . . . .
ગુરુ આદેશ છે અમને અવળ પંથે પળ્યા જઈએ,
દુનિયાથી પછી આ બાલ બેદરકાર જુદો છે.’

‘ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે,
ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે.
. . . . .
કવિરાજા થયો શી છે પછી પીડા તને કાંઈ?
નિજાનંદે હમેશાં બાલ મસ્તીમાં મઝા લેજે.’

‘માગતો નથી હું માન મહીમંડલમાં ફરી,
જાચતો નથી હું કાંઈ કવિતા બનાવીને,
રાખતો નથી હું કાંઈ કવિતાનો ક્રય કરી,
ભાખતો નથી હું કીર્તિ કાવ્ય ઉર લાવીને,
લાખ કે કરોડ મળે આશિષ ન આપું
નાગરનો ગરવ હું મન માંહી લાવીને.’

બાલાશંકરે આયુષ્યના આરંભથી જ સ્વાતંત્ર્ય અને સૌંદર્યને એમનું સર્વસ્વ, સમગ્ર જીવન સંપૂર્ણપણે સમર્પણ કર્યું હતું છતાં બાલાશંકર ગ્રેડ્યુએટ નહિ, કચેરીમાં કારકુનથી વધુ મોટી સરકારી નોકરી નહિ, વ્યવહારદૃષ્ટિએ સફળતા નહિ, વળી સુધારાના વિરોધી એવા મણિલાલના મિત્ર, સ્વચ્છંદી અને વ્યસની, સૂફીવાદના મસ્તફકીર એથી ‘સાહિત્યના જગતમાં ‘ક્લાન્ત કવિ’ પ્રગટ થયુ ંત્યારે નવલરામે નોંધ્યું કે એમાં ઉઘાડો શૃંગાર અને પરકીયા ભાવ છે એથી એનું વિવેચન લખવા પોતે રાજી નથી, નરસિંહરાવે નોંધ્યું કે એમાં ઉધ્ધત મસ્તી છે અને ‘ખરું શું છે એ તો સરળ મન મારે સમજું છું’ એમ કહીને આપણને સંશયમાં ટટળાવે છે તો લાચાર. પછીથી સંજાણાએ નોંધ્યું કે ૨૩મા શ્લોકને કારણે એમાં પરકીયા ભાવ જ છે એવી શંકા થાય છે એટલું જ નહિ પણ ‘પ્રેમાર્પણ’ને કારણે એમાં સજાતીય પ્રેમ છે એવી પણ શંકા થાય છે. ‘મહા મસ્તાન જ્ઞાનીના મગજમાં તાર જુદો છે’ બાલાશંકર જ્ઞાની છે પણ મહા મસ્તાન જ્ઞાની છે અને એથી એમના મગજમાં તાર જુદો છે. બાલાશંકરનું જ્ઞાન એ સ્વયંસ્ફુરણાનું જ્ઞાન છે, એ આંતરસૂઝ છે. એથી જ ‘ક્લાન્ત કવિ’માં પ્રેમ અને જ્ઞાનનું સંપૂર્ણ સાયુજ્ય સિદ્ધ થયું છે. અર્વાચીન ગુજરાતી કવિતાના ઇતિહાસમાં જો કોઈ કવિને આ સિદ્ધિનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હોય તો તે માત્ર એક બાલાશંકરને જ. બાલાશંકર એટલે મૂર્તિમંત સૌંદર્યનિષ્ઠા અને સ્વાતંત્ર્યનિષ્ઠા. મણિલાલ એક શાપિત ફિલસૂફ – philosophe maudit છે. એ પણ બાલાશંકરની જેમ વિધાતાથી શાપિત એવા ફિલસૂફ ન હતા, પણ સ્વભાવથી, કુટુંબથી, મિત્રોથી અને સમાજથી શાપિત ફિલસૂફ હતા. એમનું જીવન અને કાર્ય બન્ને એનાં સાક્ષી છે. ૧૯૮૯માં ‘અભેદોર્મિ’ કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો એમાં મણિલાલે પ્રથમ પૃષ્ઠ પર ‘એક અભેદ માર્ગપ્રવાસી’ એવો સ્વ-પરિચય આપ્યો હતો. એમના અંગત જીવનના અનુભવમાં અને બાહ્ય સમાજના અનુભવમાં એ સાચ્ચે જ અભેદમાર્ગના, અદ્વૈતના, ઐક્યના, એકત્વના, એકીકરણના માર્ગના પ્રવાસી હતા એ માર્ગના એ માત્ર પ્રવાસી હતા એટલે કે શોધક અથવા સાધક હતા. પ્રેમ અને ધર્મના અભેદની એમણે સંપૂર્ણ નિષ્ઠાથી, સત્યનિષ્ઠાથી શોધ અને સાધના કરી હતી. એમનો જીવનમંત્ર હતો : સત્યં પરં ધીમહિ! બાલાશંકર એટલે મૂર્તિમંત સૌંદર્યનિષ્ઠા અને સ્વાતંત્ર્યનિષ્ઠા, તો મણિલાલ એટલે મૂર્તિમંત સત્યનિષ્ઠા. બાલાશંકરની પ્રતિભા એમની કવિતામાં પ્રગટ થાય છે તો મણિલાલની પ્રતિભા એમના ગદ્યગ્રંથોમાં પ્રગટ થાય છે. મણિલાલે સાહિત્યજીવનનો આરંભ બાલાશંકરની પ્રેરણાથી કર્યો હતો. ૧૮૭૬માં ૧૮ વર્ષની વયે એમણે ‘શિક્ષાશતક’ કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો હતો તે બાલાશંકરને કૃતજ્ઞતાપૂર્વક અર્પણ કર્યો હતો. પછી ૧૮૮૭માં ‘પ્રેમજીવન’ અને ૧૮૯૫માં ‘આત્મનિમજ્જન’ એમ બે કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા હતા. એમાં કુલ ૫૫ કાવ્યો છે. એમણે એને ‘પદ્યો’ તરીકે રજૂ કર્યાં છે. આમ, એમનાં કાવ્યો અલ્પસંખ્ય છે અને એમનું ઉત્તમ તો નિબંધોમાં, ગદ્યગ્રંથોમાં છે એમ એમણે સૂચન કર્યું છે. એમનાં કાવ્યોમાં એમની અદમ્ય અને અશમ્ય પ્રણયતૃષા પ્રગટ થાય છે. એથી યે વિશેષ તો એમની અતૃપ્તિ અને નિરાશા પ્રગટ થાય છે. કેટલીક પંક્તિઓનું સ્મરણ કરવું જોઈએ :

‘જપીને પ્રેમમંત્રોથી જગાડ્યું મેં શું આ આજે?’

‘આંખ ભર્યે શું થાય, હઠીલી આંખ ભર્યે શું થાય?’

‘અહા હું એકલો દુનિયા બિયાબામાં સૂનો ભટકું.’

‘નિરાશા એ જ છે આશા’

‘છે પ્રેમ તો જગત જીવનતંત્ર દોરી’

‘અહો આ શું લાગ્યો ભડભડ થતો અગ્નિ ભભુકો’

‘વહે અશ્રુ આંખે! હૃદય રતિનું રક્ત ટપકે.’

‘અહા ઊંચે ઊંચે ધવલગિરિને શૃંગ ચડવું.’

‘તહીં બિંદુબિંદુ અકથ અખિલાઈ અનુભવે.’

‘દૃગ રસભર મોરે દિલ છાઈ રહી
છાઈ રહી છલકાઈ રહી.’
‘ગગને આજ પ્રેમની ઝલક છાઈ રે’
આયુષ્યને અંતે પ્રેમમાં જે સત્ય પ્રાપ્ત થયું તે અંતિમ દિવસોમાં એમણે એમની એક અમર પંક્તિમાં અને એક અમર ગઝલમાં ઉચ્ચાર્યું છે :
‘અહા એની મૂર્તિ પ્રકટ નિરખાતી મરણમાં’

‘કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે.’

તો વળી ‘ઉપહાર’ અને ‘જન્મદિવસ’ પૃથ્વી છંદમાં આ બે ચિન્તનોર્મિ કાવ્યોમાં બલવન્તરાયના આગમનનો આગોતરો અણસારો છે. મણિલાલની કવિતામાં અને એમના અંગત જીવનના અનુભવમાં એ અભેદમાર્ગી પ્રવાસી છે એની પ્રતીતિ થાય છે. મણિલાલના પિતા નભુભાઈનો ધીરધારનો ધંધો હતો અને યજમાનવૃત્તિનો વ્યવસાય હતો. એ લોભી અને ધનલોલુપ હતા. પુત્ર બાપીકા ધંધાની ધૂંસરીમાં બંધાય એવી એમની ઇચ્છા એથી એમનામાં અભ્યાસ પ્રત્યે વિરોધ હતો. છતાં મણિલાલ ૧૮૭૬માં મૅટ્રિક થયા હતા અને શિષ્યવૃત્તિની સહાયથી ૧૮૭૭માં મુંબઈમાં એલ્ફિન્સ્ટન કૉલેજમાં એમણે પ્રવેશ પ્રાપ્ત કર્યો હતો. ૧૮૭૯માં બી.એ. થયા અને ફેલો તરીકે નિયુક્ત થયા હતા. પિતાના વિરોધને કારણે એમ.એ. ન થયા પણ કાયદાનો અભ્યાસ કર્યો હતો. ૧૮૮૦માં નડિયાદ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે નિયુક્ત થયા હતા. પછી ૧૮૮૫માં ભાવનગરમાં શામળદાસ કૉલેજમાં સંસ્કૃતના અધ્યાપક તરીકે નિયુક્ત થયા હતા. એમના શિક્ષણજીવનની વક્રતાએ છે કે જીવનભર સંસ્કૃતના અધ્યાપક એવા મણિલાલ આરંભમાં સંસ્કૃતમાં એવા કાચા હતા કે ૧૮૭૫માં મૅટ્રિકમાં એ સંસ્કૃતમાં જ નાપાસ થયા હતા. મણિલાલનાં માતાનો અત્યંત ક્રોધી સ્વભાવ હતો એથી એ ક્રોધમાં કુવચનો પણ ઉચ્ચારી શકતાં હતાં. ૧૮૭૨માં ૧૪ વર્ષની વયે ૪ વર્ષની વયની ફૂલી ઉર્ફે મહાલક્ષ્મી સાથે એમનું લગ્ન થયું હતું. પત્ની સ્વચ્છંદી અને અપ્રમાણિક હતાં. એથી એમનું લગ્નજીવન અત્યંત કરુણ અને નિષ્ફળ હતું. ૧૮૮૮માં પત્ની સાથે ભારે ગૃહક્લેશ થયો હતો. અને અંતે ૧૮૯૦માં પત્નીએ કાયમને માટે ગૃહત્યાગ કર્યો હતો. ૧૮૭૭માં મુંબઈમાં અભ્યાસ માટે ગયા ત્યારે એમણે વેશ્યા સાથે પ્રથમ વ્યભિચાર કર્યો હતો. અને એ સીફીલિસનો ભોગ થયા હતા. પછીથી પણ એમણે અન્ય સ્ત્રીઓ સાથે વ્યભિચાર કર્યો હતો. ચાંદીના જીવલેણ વ્યાધિને કારણે એમને અનેક વાર ગંભીર માંદગી અને ભયંકર પીડાનો અનુભવ થયો હતો. ૧૮૮૭માં એમણે એમના ‘આત્મવૃત્તાંત’માં આ અંગે કઠોર અને કરુણ આત્મનિરીક્ષણ કર્યું છે. એમના આચાર અને વિચારમાં ભારે વિરોધાભાસ છે. એમના આચારમાં દોષો અને દૂષણો છે, વિક્રિયા અને વિકૃતિ છે. પણ એમના વિચારમાં નિર્દોષતા અને નિખાલસતા છે, વિશુદ્ધતા અને વિદગ્ધતા છે. અનેક મિત્રોએ મણિલાલનો વિશ્વાસઘાત કર્યો હતો. એમના જ્ઞાતિજનોએ તો ૧૮૯૩માં એમના પર બાબરના ખૂનનો આરોપ પણ કર્યો હતો. એમાં એમના અપવાદરૂપ એવા વિશ્વાસુ મિત્રો હતા નાના સાહેબ, આનંદશંકર અને મનસુખલાલ ત્રિપાઠી. મણિલાલમાં પ્રેમની અદમ્ય અને અશમ્ય તૃષા હતી. એથી પ્રેમની શોધમાં અને સાધનામાં એ સતત સક્રિય રહ્યા હતા. પણ અંતે એમાં એમને અતૃપ્તિ અને નિરાશાનો જ અનુભવ થયો હતો. એમાં એમના અનેક સંબંધો – મુખ્યત્વે વિજાતીય સંબંધોનું રહસ્ય છે. અગાઉ જોયું તેમ ૧૮૭૨-૭૩માં નડિયાદમાં મણિલાલ અને બાલાશંકર આદિ મિત્રમંડળે ‘સ્વસુધારક સભા’ અને ‘પ્રાર્થનાસમાજ’ની સ્થાપના કરી હતી. એમાં મણિલાલ સક્રિય હતા. પછી ૧૮૮૨માં મુંબઈમાં ‘ગુજરાતી સોશિયલ યુનિયન’માં પુનર્લગ્ન વિશે ચર્ચાઓમાં પણ એ સક્રિય હતા. એ જ વરસમાં એ થીઓસોફિકલ સોસાયટીના સભ્ય થયા હતા અને જડવાદ વિરુદ્ધ ચૈતન્યવાદની ચર્ચામાં અને પ્રાણવિનિમયના પ્રયોગોમાં પણ એ સક્રિય હતા. આ સમયમાં અંગ્રેજોના આગમન અને શાસન પછી ભારતભરમાં પૂર્વ અને પશ્ચિમની વચ્ચે, પ્રાચીન અને અર્વાચીન વચ્ચે સંઘર્ષ થયો હતો. પૂર્વનો પ્રાચીન ધર્મ અને પશ્ચિમનો અર્વાચીન ધર્મ, પૂર્વની પ્રાચીન સંસ્કૃતિ અને પશ્ચિમની અર્વાચીન સંસ્કૃતિ અંગે વાદ-વિવાદ અને સંવાદનું વાતાવરણ સર્જાયું હતું. એના કેન્દ્રમાં પૂર્વ ભારતમાં રવીન્દ્રનાથ હતા અને પશ્ચિમ ભારતમાં મણિલાલ હતા. પરધર્મ અને પરસંસ્કૃતિના આ આક્રમણ પ્રત્યે હિંદુધર્મ અને હિંદુસંસ્કૃતિના રક્ષણ અર્થે ત્રણ પ્રકારના પ્રતિભાવ કે પ્રતિકાર હતા. પરધર્મ અને પરસંસ્કૃતિ પ્રત્યે પક્ષપાત અને હિંદુધર્મ અને હિંદુસંસ્કૃતિ પ્રત્યે પૂર્વગ્રહ, પરધર્મ અને પરસંસ્કૃતિ પ્રત્યે પૂર્વગ્રહ અને હિંદુધર્મ અને હિંદુસંસ્કૃતિ પ્રત્યે પક્ષપાત, પરધર્મ અને પરસંસ્કૃતિ તથા હિંદુધર્મ અને હિંદુસંસ્કૃતિનો સમન્વય. પ્રથમ પ્રકારના પ્રતિભાવ કે પ્રતિકારમાં અગ્રણી સુધારકો હતા રમણભાઈ અને મલબારી, બીજા પ્રકારના પ્રતિભાવ કે પ્રતિકારમાં અગ્રણી સુધારક હતા મણિલાલ, ત્રીજા પ્રકારના પ્રતિભાવ કે પ્રતિકારમાં અગ્રણી સુધારકો હતા ગોવર્ધનરામ અને આનંદશંકર. આ સંઘર્ષમાં તથા વાદ-વિવાદ અને સંવાદના આ વાતાવરણમાં ચાર સંસ્થાઓ સક્રિય હતી. સ્વામિનારાયણ સંપ્રદાય, પ્રાર્થનાસમાજ, આર્ય સમાજ અને થીઓસોફિકલ સોસાયટી. પ્રત્યેકને સુધારા અંગેના પોતપોતાના વિચારો હતા. એમાંથી મણિલાલને પ્રાર્થનાસમાજ અને એના અગ્રણી સુધારક રમણભાઈ સાથે તીવ્ર સંઘર્ષ અને વાદ-વિવાદ થયો હતો. એમાં બાળલગ્ન, સ્ત્રીકેળવણી, જ્ઞાતિબંધન અંગે મણિલાલ અને રમણભાઈ વચ્ચે કોઈ સંઘર્ષ કે વાદ-વિવાદ ન હતો. સુધારાના કેન્દ્રમાં હતું લગ્ન. એથી પુનર્લગ્ન અથવા વિધવાવિવાહ અંગે એમની વચ્ચે તીવ્ર સંઘર્ષ અને વાદવિવાદ થયો હતો. મણિલાલે ધર્મ અને સંસ્કૃતિનો, સુધારાનો હિંદુધર્મના સંદર્ભમાં અને અદ્વૈતના સિદ્ધાંતના સંદર્ભમાં વિચાર કરવાનો પુરુષાર્થ કર્યો હતો. ધર્મ એટલે જીવનનું ધ્યેય, પ્રયોજન, જીવનનો હેતુ, ઉદ્દેશ. એનો નિર્ણય થાય પછી જ આચાર અથવા કર્તવ્યનો, સાધનનો નિર્ણય થાય. રમણભાઈનો સુધારો એ પશ્ચિમના જડવાદનું, બુદ્ધિવાદનું, દ્વૈતનું બાળક છે એવી મણિલાલની માન્યતા હતી. પશ્ચિમમાં ધર્મ અને તત્ત્વજ્ઞાન ભિન્ન ભિન્ન છે, એમનું દ્વૈત છે. જ્યારે ભારતમાં ધર્મ અને તત્ત્વજ્ઞાન અભિન્ન છે. એમનું અદ્વૈત છે. એથી પશ્ચિમના પ્રભાવને કારણે ધર્મમાં વિકૃતિ આવી છે એવી મણિલાલને પ્રતીતિ હતી. એક માત્ર હિન્દુધર્મ જ, માત્ર અદ્વૈત જ સર્વમાન્ય થવાને પાત્ર છે, જગતના સૌ ધર્મોમાં સર્વશ્રેષ્ઠ છે એવી મણિલાલની શ્રદ્ધા હતી. એથી એમણે ભારતમાં અને પશ્ચિમમાં ધર્મનું સત્ય સ્વરૂપ સમજવાનો અને સમજાવવાનો પ્રયત્ન – બલકે પ્રચાર કર્યો. ૧૮૮૫માં ‘પ્રિયંવદા’, અને ‘નારીપ્રતિષ્ઠા’, ૧૮૮૮માં ‘પ્રાણવિનિમય’, ૧૮૮૯માં ‘સિદ્ધાંતસાર’, ૧૮૯૦માં ‘સુદર્શન’ આદિ સામયિકો અને ગ્રંથો દ્વારા એમણે ભારતના સમાજના સામાન્ય જનો અને શિક્ષિત જનો સમક્ષ ધર્મનું રહસ્યોદ્ઘાટન કર્યું. અંગ્રેજી ગ્રંથો, નિબંધો, વ્યાખ્યાનો, સંસ્કૃત ગ્રંથોના અંગ્રેજી અનુવાદો આદિ દ્વારા એમણે પશ્ચિમના સમાજ સમક્ષ હિંદુ ધર્મની સર્વશ્રેષ્ઠતા સિદ્ધ કરવાનો પુરુષાર્થ કર્યો. મણિલાલ અને રમણભાઈમાં સંઘર્ષ અને વાદ-વિવાદને કારણે ક્યારેક પક્ષપાત છે, પ્રચારકતા છે. એટલે અંશે બન્નેમાં સત્યશોધક વૈજ્ઞાનિક દૃષ્ટિ નથી. મણિલાલે પ્રાચીનનું નવીન અર્થઘટન કર્યું છે. રમણભાઈએ પ્રાચીનનું ખંડન કર્યું છે. મણિલાલની દૃષ્ટિએ રમણભાઈનો ધર્મ એ જડવાદ છે તો રમણભાઈની દૃષ્ટિએ મણિલાલનો ધર્મ એ રૂઢિવાદ છે. બન્નેમાં વારંવાર ધર્મનું સ્વરૂપ નહિ પણ ધર્મની નિમ્ન કક્ષાનું એટલે કે સંપ્રદાયનું સ્વરૂપ પ્રગટ થાય છે. ગોવર્ધનરામ અને આનંદશંકરે આ સંઘર્ષ અને વાદ-વિવાદની મર્યાદા જોઈ-જાણી છે, બન્નેની દૃષ્ટિનો દોષ નાણ્યો-પ્રમાણ્યો છે. એથી સ્તો પછીથી એમણે પ્રાચીન અને અર્વાચીન ધર્મનો, પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિનો સમન્વય અને સંવાદ સાધવાનો પ્રયત્ન કર્યો છે. બાલાશંકરની સ્વાતંત્ર્યનિષ્ઠા અને મણિલાલની સત્યનિષ્ઠાનું મોટું મૂલ્ય અને મહત્ત્વ છે. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં એમના યુગના પશ્ચિમપ્રેર્યા પ્રશ્નોના સંદર્ભમાં સુધારા અને ધર્મશોધનના યુગમાં બાલાશંકર સર્જક તરીકે સ્વાતંત્ર્યનિષ્ઠાથી અને મણિલાલ એક ચિન્તક તરીકે સત્યનિષ્ઠાથી જીવી ગયા છે અને સમૃદ્ધ સાહિત્ય સર્જી ગયા છે. આજે ૨૦મી સદીના ઉત્તરાર્ધમાં એવા જ પશ્ચિમપ્રેર્યા પ્રશ્નોના સંદર્ભમાં વીજાણુ અને મુદ્રણ માધ્યમોના આ યુગમાં, પુરસ્કારો અને પારિતોષિકો, સન્માનો અને અભિવાદનો, વિમોચનો અને લોકાર્પણોના આ યુગમાં બાલાશંકરની સ્વાતંત્ર્યનિષ્ઠા તથા લોકશાહી સ્વાતંત્ર્ય અને સામાજિક ન્યાય તથા વિજ્ઞાન અને યંત્રવિજ્ઞાનના આ યુગમાં મણિલાલની સત્યનિષ્ઠા આપણા આજના સર્જકો અને ચિન્તકોમાં હજો એવી શુભેચ્છા સાથે અને બાલાશંકરની સ્વાતંત્ર્યનિષ્ઠા તથા મણિલાલની સત્યનિષ્ઠાને વંદના સાથે વિરમું છું. (મણિ-બાલ મૃત્યુશતાબ્દી પ્રસંગે નડિયાદમાં અંજલિરૂપ વ્યાખ્યાન. ૭ માર્ચ ૧૯૯૯)