શાંત કોલાહલ/પ્રારંભિક

Revision as of 14:12, 31 July 2022 by Shnehrashmi (talk | contribs) (Created page with "શિષ્ટ-પ્રશિષ્ટ સાહિત્યશ્રેણી ભારતના સર્વોચ્ચ ‘ભારતીય જ્ઞાનપીઠ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

શિષ્ટ-પ્રશિષ્ટ સાહિત્યશ્રેણી

ભારતના સર્વોચ્ચ ‘ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર’ દ્વારા સન્માનિત સર્જકની સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક પ્રાપ્ત કરનાર યશસ્વી કૃતિ

શાંત કોલાહલ રાજેન્દ્ર શાહ


આદર્શ પ્રકાશન પુસ્તક પ્રકાશક અને વિક્રેતા ‘સારસ્વત સદન’ ગાંધી માર્ગ, બાલા હનુમાન સામે, અમદવાદ ૩૮૦૦૦૧

  SHANT KOLAHAL. A collection of Gujarati poems by Rajendra Shah Pub. By Adarsh Prakashan, Ahmedabad 380001 2004


પ્રકાશક કૃષ્ણકાંત મદ્રાસી આદર્શ પ્રકાશન ગાંધી માર્ગ, અમદાવાદ ૩૮૦ ૦૦૧

પ્રથમ આવૃત્તિ : ૧૯૬૨ પુનર્મુદ્રણ : ૨૦૦૪

રાજેન્દ્ર શાહ

મૂલ્ય રૂ. ૭૫-૦૦

મુદ્રક મહાવિદેહ ફાઉન્ડેશન પાર્શ્વનાથ ચેમ્બર્સ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની બાજુમાં, ઇન્કમટેક્ષ, અમદાવાદ ૩૮૦ ૦૧૪





સહુ સ્વજનોને જેના કલકોલાહલમહીં નિત મન મુજ મુદિત પ્રશાન્ત

-રાજેન્દ્ર શાહ

  શિષ્ટ-પ્રશિષ્ટ સાહિત્યશ્રેણી ટી. એસ. એલિયટે એના ‘What is a Classic ?’ નિબંધમાં જણાવ્યું છે: “A classic can only occur when a civilization is mature, when a language and literature is mature, and it must be the work of mature mind.” જ્યારે સભ્યતા-સંસ્કૃતિમાં, ભાષા અને સાહિત્યમાં પરિપક્વતા આવે ત્યારે પ્રશિષ્ટ કૃતિ સિદ્ધ થાય છે. અને એવી કૃતિ અનિવાર્યતયા પરિપક્વ માનસનું સર્જન બની રહે છે. આવી કૃતિઓમાં ચિરન્તન સૌન્દર્યતત્ત્વ રહેલું હોય છે અને તેથી જ એ યુગે યુગે સાહિત્યરસિકોને આકર્ષતી રહેતી હોય છે તથા નવાં નવાં અર્થઘટનોને પ્રેરતી હોય છે. પોતાના સમયનાં યુગબળોને આવરી લઈને આવી કૃતિઓએ ઉચ્ચ જીવનમૂલ્યોની માવજત સહજતાથી જ કરી હોય છે. આદર્શ પ્રકાશને ગુજરાતી સાહિત્યની આ પ્રકારની કૃતિઓને પુનઃપ્રકાશિત કરવાની યોજનાના ભાગરૂપે ‘શિષ્ટ-પ્રશિષ્ટ સાહિત્યશ્રેણી’ શરૂ કરી છે. સાહિત્યરસિકો સમયે સમયે આવી કૃતિઓની માંગ કરતા હોય છે અને યુનિવર્સિટીઓની અભ્યાસસમિતિઓ પણ આવી કૃતિઓની ખોજમાં હોય છે. આ આવશ્યકતાને ધ્યાનમાં રાખીને આવી કૃતિઓ ગુજરાતી વાચકોને માટે સુલભ બનાવી આપવાનો અમારો ઉપક્રમ છે. ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર દ્વારા સન્માનિત ગુજરાતના મુર્ધન્ય સાહિત્યકાર શ્રી રાજેન્દ્ર શાહે ‘શાંત કોલાહલ’ કાવ્યસંગ્રહ આ શ્રેણીમાં પ્રગટ કરવાની અનુમતિ આપવા બદલ અમે તેમના આભારી છીએ. આ શ્રેણી આપના હાથમાં મૂકતાં આનંદની લાગણી અનુભવીએ છીએ. -પ્રકાશક

  બંધ હોઠે આ સંગ્રહનાં, કોક અપવાદ સિવાયનાં, બધાં કાવ્યો કુમાર, સંસ્કૃતિ, કવિલોક, કવિતા, વિશ્વમાનવ, ક્ષિતિજ, પ્યારા બાપુ, ગૃહમાધુરી ઈત્યાદી સામયિકોમાં અગાઉ પ્રસિદ્ધિ પામ્યાં છે એનો આ સ્થળે સાભાર ઉલ્લેખ કરું છું. પ્રૂફવાચન તથા સંદર્ભ તૈયાર કરવામાં મદદરૂપ થનાર શ્રી સુરેશ દલાલ તથા આવરણચિત્રના આલેખક શ્રી અમૃત ગોહેલના મિત્રઋણનો પણ મારે સ્વીકાર કરવો જ રહ્યો. ઓક્ટોબર ૧૯૬૨ -રાજેન્દ્ર શાહ


  અનુક્રમ રાજેન્દ્ર શાહ : આસ્તિકતા, સાત્વિકતા ને વેશ્વિકતાના કવિ : ચંદ્રકાંત શેઠ રાગિણી ૧ લલિત ૨ તોડી ૩ દેશી 4 મધુમાધવી ૫ આશાવરી ૬ કોશી ૭ સોહિણી ૮ ભૈરવી સ્વપ્ન લગની પુનર્મિલન તવ પ્રવેશે ત્રિમૂર્તિ ૧ કન્યા ૨ મુગ્ધા ૩ માતા સ્થાનાંતર ન વાત વ્યતીતની છલનિર્મલ મેડીને એકાન્ત સ્મરણ ગ્રીષ્માંત ઐકાન્તિક દિન ક્ષણને આધાર આગતને શ્વાનસંત્રી પ્રભાત ગગન ઘનથી ગોરંભાયું અચલ નયને સાયંસંવાદ ચૈત્રનું પ્રભાત અલસ ગ્રીષ્મ દાંપત્ય પડદો કાલ તડકો અને ખીસકોલી અસ્તોદય ફેરિયો અને ફક્કડ મારું ઘર ઓરડે અજવાળાં શાંત કોલાહલ કલ્પવલ્લી ખેતરમાં તળાવને તીર ઢળતી રાતે ૧ સંધ્યા ૨ પ્રથમ પ્રહરે ભતવારીનું ગીત શાન્તિ ધરુ વૈશાખી વંટોળ વનવાસીનાં ગીત ૧ નમીએ અગનફૂલ ૨ પ્રભાત ૩ બોલ 4 આવડ્યું એનો અરથ ૫ મહુડો ૬ તોરી વાત વેલાતી ૭ જૂઠી રીસ ૮ રે છેલ મોરા ૯ કેવડિયાનો કાંટો ૧૦ કાળવી કીકી ૧૧ વનમાં વાયરે ઘેરી ૧૨ ભીંજવી જાય વરાંસી ૧૩ શરત ૧૪ શિયાળુ સાંજ ૧૫ કુંજમાં ઘડી ગાળીએ ૧૬ રેણ ૧૭ એઈ વ્હાલીડા ૧૮ રૂપને મ્હોરે મલય પવન ફાગ ફાગણ લગન આછેરો અંતરાય આવ્યો પૂનમનો પોરો અનાદર કોણ તે આવ્યું કણી અબોલ હેત વિદાયતરી યાદ નિર્વાસિતનું ગાન વેદના જાગ, જાગ ફરી જુદ્ધ ભૂલીએ જુદાઈ ભાઈ હે અભિનવ-પથ-યાત્રિક પુણ્યભારતભૂમિ   રાજેન્દ્ર શાહની કૃતિઓ કાવ્યસંગ્રહ ધ્વનિ(૧૯૫૧, ૧૯૫૫, ૧૯૫૬, ૧૯૬૮, ૧૯૭૨, ૧૯૭૫, ૧૯૯૬) આંદોલન(૧૯૫૧) શ્રુતિ(૧૯૫૭) શાંત કોલાહલ(૧૯૬૨, ૨૦૦૪) ચિત્રણા(૧૯૬૭) ક્ષણ જે ચિરંતન(૧૯૬૮), વિષાદને સાદ (૧૯૬૮) મધ્યમા (૧૯૭૭) ઉદ્દગીતિ (૧૯૭૮) ઈક્ષણા (૧૯૭૯) પત્રલેખા(૧૯૮૧) પ્રસંગ સપ્તક (૧૯૮૨) કિંજલ્કિની (૧૯૮૩)વિભાવન (૧૯૮૩), દ્વાસુપર્ણા (૧૯૮૩) પંચપર્વા(૧૯૮૭), ચંદનભીની અનામિકા (૧૯૮૭) નીલાગ્જના (૧૯૮૯) આરણ્યક (૧૯૯૨) વિરહમાધુરી (૧૯૯૮), સ્મૃતિ-સંવેદના (૧૯૯૮) હા...હું સાક્ષી છું (૨૦૦૩) સંચયન-સંકલન નિરુદ્દેશે (ચયન કરેલા કાવ્યો - ૧૯૭૩) સંકલિત કવિતા (પ્રથમ ૧૬ સંગ્રહ સંકલિત ૧૯૮૩) રાજેન્દ્ર શાહનાં કાવ્યો : સં. ધીરુ પરીખ (૧૯૮૮, ૨૦૦૩) બાળકાવ્યો મોરપીંછ (૧૯૫૯, ૧૯૮૫, ૨૦૦૪) આંબે આવ્યા મોર (૧૯૮૫, ૧૯૮૮) રૂમઝુમ (૧૯૮૯) અમોને મળી પવનની પાંખ (૧૯૮૯)   રાજેન્દ્ર શાહ આસ્તિકતા, સાત્વિકતા ને વૈશ્વિકતાના કવિ


ચંદ્રકાન્ત શેઠ

૧.જ્ઞાનપીઠ પુરસ્કાર-વિજેતા કવિ

ગુજરાતી કાવ્યસાહિત્યનો ઈતિહાસ જાણે કવિબેલડીઓમાં આગળ વધતો હોય એવું આપણને લાગે ! મધ્યકાલીન કવિતાની વાત કરતાં નરસિંહ-મીરાં, અખો-પ્રેમાનંદ, શામળ-દયારામ જેવી કવિબેલડીઓનું સ્મરણ થાય છે તો અર્વાચીન કવિતાની વાત કરતાં દલપત-નર્મદ, મણીલાલ-બાળાશંકર, કાન્ત-કલાપી, ન્હાનાલાલ-બ.ક.ઠા, સુન્દરમ્-ઉમાશંકર, રાજેન્દ્ર શાહ-નિરંજન જેવી કવિબેલડીઓનું. આ ધારા આગળ વધારતાં ઉશનસ્-જયન્ત પાઠક, હરીન્દ્ર દવે-સુરેશ દલાલ, લાભશંકર-સિતાંશુ, ચિનુ-મનહર મોદી જેવી કવિબેલડીઓનુંયે સ્મરણ થાય ! રાજેન્દ્ર શાહ- નિરંજનનું કામ ગાંધીયુગ અને અનુગાંધીયુગના સંધિકાળે ઉઘડેલું પમાય છે. રાજેન્દ્ર શાહ ને નિરંજનને ગાંધીજી સ્પર્શ્યા છે, પરંતુ તેમની કવિતા ગાંધીજીની સીમારેખામાં બદ્ધ રહી નથી. ભાવનાપ્રીતિ ઉભયની છે; પરંતુ ભાવનાગ્રસ્તતા બેમાંથી કોઈનીયે નથી. રાજેન્દ્ર શાહ ને નિરંજન ભગત (૧૯૨૬) બંનેય વીસમી સદીનાં ફરજંદ. રાજેન્દ્ર શાહની ગતિ, ગામ-સીમથી નગર ભણીની છે; નિરંજન ભગત પૂરા નગરકવિ છે. પ્રકૃતિ ને સંસ્કૃતિની સાથેની નિસબત બંનેની મજબૂત. બંનેયનો માનવવિકૃતિઓ સામેનો મોરચો સંગીન. બંનેમાંથી એક રાજેન્દ્ર શાહ આજે જ્ઞાનપીઠ પુરસ્કાર માટે પોંખાયા, ખરેખર તો આ કવિબેલડી જ પોંખાવી જોઈતી હતી જ્ઞાનપીઠ પુરસ્કાર માટે ! આમ તો સુન્દરમ્ કે દર્શક જેવા સાહિત્યકરો સુધી જ્ઞાનપીઠ ન પહોંચી શક્યો એમાંય મર્યાદા તો જ્ઞાનપીઠ પુરસ્કારની જ લેખાય. ખેર ! પણ ઉમાશંકર જોશી (૧૯૬૭) અને પન્નાલાલ પટેલ (૧૯૮૫) પછી રાજેન્દ્ર શાહ (૨૦૦૩) આ પુરસ્કાર-વિજેતાઓની હરોળમાં સામેલ થયા તેથી જ્ઞાનપીઠ પુરસ્કારનું ગૌરવતેજ વધ્યું છે એમ જ કહેવું જોઈએ. આ જ્ઞાનપીઠ પુરસ્કાર માટે રાજેન્દ્ર શાહને અભિનંદન આપવા સાથે જ્ઞાનપીઠ પુરસ્કારના નિર્ણાયકોનેય યોગ્ય નિર્ણય માટે અભિનંદન આપવાં જોઈએ. *** જ્ઞાનપીઠ પુરસ્કાર-વિજેતા રાજેન્દ્ર શાહ (જ. ૨૮-૧-૧૯૧૩, કપડવંજ, જિ.ખેડા) ગુજરાતના તો મૂર્ધન્ય કવિ છે જ, આખા ભારતમાંયે એમની કોટિના ઉત્કૃષ્ટ કવિઓ પ્રમાણમાં ઓછા જ હશે. રાજેન્દ્ર શાહની કવિતા ગુજરાતની અને એ રીતે ભારતીય કવિતાની મોંઘેરી મિરાતરૂપ લેખાય. ગુજરાતી સાહિત્યમાં ગાંધીયુગના ઉતરાર્ધમાં સૌંદર્યનિષ્ઠ કવિતાની જે ધારા આરંભાઈ તેના એ પ્રમુખ કવિ છે. ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિનું જે જીવાતુભૂત તત્ત્વ છે તેનો સમ્યગ્ આવિષ્કાર એમની કવિતામાં છે. દાર્શનિકતા અને સૌન્દર્યરાગિતાનું અનોખું રસાયણ એમાં છે. ‘નિરુદ્દેશે’ સંસારે મુગ્ધ અને મુક્ત ભ્રમણ કરતા આ કવિની શબ્દલીલામાંથી તત્ત્વદર્શનનો શમપ્રધાન પ્રસન્નતામૂલક ભાવ્રસ દ્રવતો-સ્રવતો આપણે જોઈ શકીએ છીએ. હતાશા કે નિરાશાને તો એમાંથી માઇલોનું છેટું છે. તેઓ તો આસ્તિકતા, સાત્ત્વિકતા અને વૈશ્વિકતાના કવિ છે. એમના અવાજમાં શ્રદ્ધા, સમતા અને સચ્ચાઈનો રણકો સંભળાય છે. તેઓ તો ક્ષણની ભીતર રહેલી શાશ્વતીના દ્રષ્ટા ને ઉદ્દગાતા છે. સંસારના કર્મ-કોલાહલને તળિયે રહેલી શાંતિના, જીવનસંઘર્ષના મૂળિયે રહેલી સંવાદિતાના તેઓ શોધક અને સાધક કવિ છે. તેમને જેમ વિશ્વની કેટલીક પ્રશિષ્ટ કવિતા સાથે તેમ વિશ્વની તત્ત્વજ્ઞાનની કેટલીક મીમાંસા સાથે; વેદાંત તંત્ર, યોગ જેવી સાધનાપ્રણાલીઓ સાથે પણ કામ પાડ્યું છે. સર્વ કવિઓના પ્રિય એવા પ્રણય, પ્રકૃતિ અને પરમાત્મા - આ ત્રણ વિષય-બિન્દુઓથી સર્જાતો ‘મંગલ ત્રિકોણ’ એમની કવિતામાં છે. એમની કવિતામાં સુષમા ને સુષુમણાનો રસાત્મક યોગ જોવા મળે છે. એમાં એકતારાનો રણકાર ને સાથે વિચિત્ર-વીણાનો ઝણકાર સંમીલિત છે. રાજેન્દ્ર શાહ હાથમાં ડફ લઇ, રાજસ્થાની લયલહેકા ને જબાનમાં ‘હો સાંવર થોરી અઁખિયનમૈં ઝોબનિયું ઝૂકે લાલ, નાગર સાઁવરિયો!’ અથવા ‘ઇંધણા વીણવા ગૈ’તી મોરી સૈયર !’ કે ‘કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે’ જેવા લોક-લય-ઢાળનાં ગીતો ગાય છે. તો એકતારો લઇ ‘હરિ તારા ઘટના મંદિરિયામાં બેસણાં હો જી!’ અથવા ‘કાયાને કોટડે બંધાણો, અલખ મારો, લાખેણા રંગમાં રંગાણો’ જેવાં ભજનો પણ લલકારે છે. વળી મન થય તો ‘નીરખું નિર્નિમેષ’ ‘બહુરિ કુટિલ તવ છલના’, ‘હે શ્રાવણ !’ જેવાં, રવીન્દ્ર-ગાન-છટાનું સ્મરણ કરાવે એવાં, ગીતોયે ગુંજે છે! ગુજરાતી ગીત કવિતાને રાજેન્દ્ર શાહે સાચા અર્થમાં સમૃદ્ધ કરી છે. ‘કોઈ સૂરનો સવાર’, ‘તને જોઈ જોઈ તોય તું અજાણી’, ‘સંગમાં રાજી રાજી’, ‘પીળી છે પાંદડી’, ‘આપણા બેના એક બન્યાં મન’, ‘આયો જી વૈશાખ લાલ’, ‘બેડલો છોડો’, ‘આપણે આવળ બાવળ બોરડી’, ‘આણી કોર શેલાર આપણું ગામ’, ‘લીમડી ઝૂકી લેલૂંબ’, ‘ખાટી રે આંબલીથી’, ‘ઝૂંક વાગી ગઈ’, ‘આવડ્યું એનો અરથ’, ‘શરત’, ‘ભૂલીએ જુદાઈ, ભાઈ!’ – જેવાં કેટકેટલાંય લય-ભાવવૈવિધ્યથી સભર અવનવાં કલ્પનોથી આકર્ષક ગીતોનો રમણીય કોશ તેમણે ગુજરાતને આપ્યો છે. શબ્દ ને સૂરની, શબ્દબ્રહ્મ ને નાદબ્રહ્મની જે સંપૃક્તિ એમનાં ઉત્તમ ગીતોમાં છે તે આ કવિની અને સાથે ગુજરાતી કવિતાનીયે રિદ્ધિસિદ્ધિ છે. રાજેન્દ્ર શાહે ગુજરાતી કવિતાને કેટલાંક ઉત્તમ સૉનેટો આપ્યાં છે. એમાં ‘આયુષ્યના અવશેષે’ જેવી ‘રેશમના પટ પર કિનખાબથી લખીને સામી ભીંત પર લટકાવવા જેવી’ (બ.ક.ઠાકોર) સૉનેટમાળા તો ખરી જ, ઉપરાંત ‘રહસ્યઘન અંધકાર’, ‘શિરીષ ફૂલ-શી’, ‘યોગહીણો વિયોગ’, ‘સુધામય રાગિણી’, ‘યામિનીને કિનારે’, ‘સ્પર્શું ન તોયે’, ‘રાગિણી’ (સૉનેટમાળા), ‘ત્રિમૂર્તિ’ (સૉનેટત્રય), ‘મારું ઘર’, ‘ઢળતી રાતે’ (સૉનેટદ્વય) ‘હેંમંતની એક રાતે’ જેવાં સૉનેટ-સૉનેટગુચ્છો પણ અત્રે સ્મરણીય છે. આ સૉનેટોમાં પ્રતીક-કલ્પનો વગેરેની તાજગી પણ આસ્વાદ્ય રહે છે. રાજેન્દ્ર શાહે ગુજરાતી છંદોબદ્ધ કાવ્યોના ક્ષેત્રને પણ એમની સર્જનાત્મક પ્રયોગલીલાથી આકર્ષક કર્યું છે. ‘આયુષ્યના અવશેષે’ જેવામાં બ.ક.ઠાકોરને ‘ઘરડા માણસનું મન જે લયમાં વિચારે તે લયનો છંદ’ ઊતર્યાનું લાગેલું; તો એ રીતે વસંતતિલકા, પૃથ્વી, અનુષ્ટુપ આદિ વિવિધ છંદોનું લયલાવણ્ય એમની કવિતામાં જે તે ભાવાનુભવને પોષક ને તેથી પ્રસન્નકર હોય છે. ‘વિજન અરણ્યે’માં અનુષ્ટુપની ગતિ સર્પના ગતિલાવણ્યને આ રીતે રેખાંકિત કરે છે : ‘રેખાળી ગતિમાં કેવું સરે સૌંદર્ય સર્પનું.’ રાજેન્દ્ર શાહના ‘શેષ અભિસાર’ કાવ્યમાં નાટ્યાત્મક રીતિમાં અનુષ્ટુપનો જે રીતે વિનિયોગ થયો છે તે આસ્વાદ્ય છે. ‘સ્પર્શનું વસ્ત્ર હો પરું’ કહેતાં મૃત્યુનું જે મનોરમ અને સૂક્ષ્મતમ ચિત્રાંકન થયું છે તે ચિત્તહારી છે. ‘આનંદ શો અમિત’માં વસંતતિલકાનું માધુર્ય જે રીતે દાંપત્યજીવનની –ગાર્હસ્થજીવનની ભાવમાધુરીમાં એકરસ થઈ પ્રસન્નતાની આભા પ્રગટ કરે છે તે માણવા - પ્ર-માણવા જેવું છે. તેઓ મધ્યાહ્નની અલસવેળનો અનુભવ છંદોલય દ્વારા, સમુચિત કલ્પનો દ્વારા સરસ રીતે ઉપસાવે છે: ‘મધ્યાહ્નની અલસ વેળ હતી પ્રશાન્ત, ધીરે ધીરે લસતી ગોકળગાય જેમ, ને શ્રાવણી જલનું વર્ષણ તોય કલાન્ત, ફોરાં ઝરે દ્રુમથી રહૈ રહી એક એક. જેવું વિલંબિત લયે મૃદુ મંદ ગાન, તેવું જ મારું સહજે ઉર સ્પંદમાન.’ (‘શ્રાવણી મધ્યાહ્ને’) દ્રુમથી ટપકતાં ફોરાં કાનથી પણ અહીં પ્રત્યક્ષ થઈ શકે છે ! રાજેન્દ્ર શાહે જે રીતે મનહર-વનવેલી જેવા સંખ્યામેળ પદ્યબંધોનો કાવ્યમાં વિનિયોગ કર્યો છે તે અપૂર્વ ને અનન્ય છે. ખાસ કરીને ‘શાંત કોલાહલ’માંનાં ‘છલનિર્મલ’, ‘મેડીને એકાન્ત’, ‘ક્ષણને આધાર’ જેવાં કાવ્યો આ સંદર્ભમાં જોવા જેવાં છે. રાજેન્દ્ર શાહ ‘ભૂલેશ્વરમાં એક રાત’, ‘મુંબઈમાં’, ‘મધ્યરાત્રિએ શહેર’ જેવામાં નગર જીવનની વિષમતા કે વિષમયતાના અલપઝલપ સંકેતો કરે છે, પરંતુ એમનું ચિત્ત વિસંવાદ કરતાં સંવાદના નિરૂપણમાં જ વધુ ઠરે છે અને ખીલે છે. ‘વિષાદને સાદ’ જેવામાંથી રાજેન્દ્ર શાહની પોતાના સમયમાં ને પોતાના સમય સાથે જીવવાની ક્ષમતા-શક્તિનો સારો પરિચય–પરચો મળે છે. ઘઉંમાં ચડ્યાં કાંઈ ધનેરું/ધનમાં ચડ્યાં એરું’-એ દર્શન એમની કવિદ્રષ્ટિથી અછતું રહેતું નથી; પરંતુ રાજેન્દ્ર શાહ જીવન-વ્યવહારનાં વમળો-વિવર્તોના જાણતલ છતાં જઈને ઠરે છે જીવનચેતનાના પ્રશાન્ત પટ પર. વીજ-વાદળ-ગર્જનો જાણવા છતાં એમનું ચિત્ત તો આકાશની નિર્લેપતા ને અવિકૃતતાનું જ સતત આરાધક રહેલું જોવા મળે છે. એમની આવી આરાધના આકસ્મિક નથી. એમના જન્મ–ઉછેર-સંસ્કાર-વિદ્યાજ્ઞાન સર્વના કારણે તે તરફ એમની ગતિ છે. પરિવારના વારસામાં જ શ્રીમન્ન્રૃસિંહાચાર્ય ને ઉપેન્દ્રાચાર્યજીના સંસ્કાર. એમનાં શીલ-ગુણે તેજસ્વી માતા લલિતાબહેન રાજેન્દ્ર શાહને ‘સિંહબાલ’રૂપે –‘નૃસિંહબાલ’રૂપે જોવાના આગ્રહી હતાં. તેથી તો ‘કલાપી’ની ઊર્મિલતાવાળી કવિતાથી તેમણે રાજેન્દ્ર શાહને વેગળા રાખેલા. રાજેન્દ્ર શાહની ગતિવિધિ પર, એમના તનમનના સ્વસ્થ વિકાસ પર એમની સતત નજર રહેતી. રાજેન્દ્ર શાહના ઘડતર-ઉછેરમાં એમની માતાનું ને એ રીતે ગુરુ ઉપેન્દ્રાચાર્યજીનું ઘણું મોટું પ્રદાન હતું. રાષ્ટ્રની મુક્તિ ને એ આધ્યાત્મિક મુક્તિ - બેય તરફ એમની અનવરુદ્ધ ગતિ હતી. તરુણ રાજેન્દ્ર શાહે રાષ્ટ્રધ્વજ હાથમાં ઝાલ્યો તો કપડવંજના ટાવર પરથી કૂદકો મારીનેય એની શાન સાચવી. જીવનમાં રાજેન્દ્ર શાહને અનેક પ્રકારે ચડતીપડતીના વારાફેરા આવ્યા, પણ રાજેન્દ્ર શાહ એ બધાંની પાર ઊતરી જે સ્વસ્થતા જાળવી શક્યા તેમાં એમનું સત્ત્વ-સ્વત્વ તો ખરું જ, તેમ એમના માતૃત્વશક્તિસભર ગૃહજીવનનું વાતાવરણ અને સર્વથા સમર્પિત ગૃહિણીનું શાંત ને સંગીત સહાય-સમર્થન પણ કારણભૂત હતાં. રાજેન્દ્ર શાહના શબ્દને જે સિંચન-પોષણ-સમર્થન મળ્યું તે આપણી ભારતીય સંસ્કાર-સંસ્કૃતિની આધ્યાત્મિક વિચાર-આચારની પરંપરામાંથી અને આપણી પ્રશિષ્ટ કાવ્યધારામાંથી. રાજેન્દ્ર શાહમાં અવધૂતી મિજાજ અને કવિમાં અનિવાર્ય એવી સૂક્ષ્મ પ્રકારની સચ્ચાઈ જે પ્રકારે કાર્યાન્વિત છે તેમણે એમના શબ્દને બળ,ગતિ ને દિશા આપ્યાં છે એમ કહેવું જોઈએ. રાજેન્દ્ર શાહની કવિતાનો સ્થાયી રસ છે શાન્ત - પણ સપ્ત રંગોને ઊંડળમાં સમાવતા શ્વેત રંગ જેવો શાન્ત! એમાં પ્રેમનાં વિવિધ સ્વરૂપોનો મોકળો ઉઘાડ છે પણ ક્યાંય હીણું કે અરુચિકર તત્ત્વ નથી. એમાં મસ્તી છે, મદ નથી. એમાં જીવનની નરવાઈ ને ગરવાઇની સતત ખેવના જોઈ શકાય છે. રાજેન્દ્ર શાહે કવિતામાં ન્હાનાલાલની જેમ ‘બ્રહ્મ’ શબ્દની શુકરટણા કરી નથી. પરંતુ એમાં બ્રહ્મભાવની આંતરસેર તો સરસ્વતીની સૂક્ષ્મ ધારા જેમ સતત અખંડ પ્રવહમાન જોવા મળે છે. એમનામાં ફેરિયો ને ફક્કડ બેયની ઉપસ્થિતિ અને બેયનો ભારે ફલદાયી સ્નેહસંવાદ છે. એની તો ખરી મજા છે! એ મજા તો નિરાંતે, સમાધિની રીતે માણવી જોઈએ. રાજેન્દ્ર શાહની કવિતામાં એક પ્રકારની શબ્દસમાધિ છે, જેનો સારમર્મ કેવળ બુદ્ધિ કે તર્કથી પૂરો ન પમાય, એના માટે સહૃદયતા સાથેની મુક્ત (અવિઘ્ના) ભાવસંવેદના અનિવાર્ય છે. શબ્દનો પૂરો મર્મ તો કેવળ આત્મચેતનાના શબ્દચેતના સાથેના નિર્બંધસંયોગે જ પમાય. રાજેન્દ્ર શાહે ‘રામ વૃંદાવની’ બની પાંચ શેરવાળી ગઝલરીતિના વિલક્ષણ પ્રયોગો પણ કર્યા (પંચપર્વા, ૧૯૮૩); અલબત્ત, પોતાના અલગારીપણાનો રંગ રહેવા દઈને, એમણે પ્રસંગકાવ્યો (પ્રસંગસપ્તક, ૧૯૮૨) ચિત્રકાવ્યો (ચિત્રણા, ૧૯૬૭), લઘુકાવ્યો વગેરેના વિલક્ષણ પ્રયોગો કર્યા છે. ‘ઈક્ષણા’ (૧૯૭૯)ના દશપદીના પ્રયોગોનું કાવ્યદ્રષ્ટિએ વિશેષ આકલન થાય તે અપેક્ષિત છે. ‘પત્રલેખા’ની અભિવ્યક્તિ-રીતિ તરફ પણ સહદયોનું ધ્યાન જવું જોઈએ. એમનાં ખાંયણા ને હાઈકુના પ્રયોગોયે રસપ્રદ છે, (વિભાવના, ૧૯૮૩), ‘ધ્વનિ’કાર - ‘આંદોલન’-કાર - ‘શ્રુતિ’-કાર રાજેન્દ્ર શાહનાં વિવિધ રૂપો એમની ‘સંકલિત કવિતા’ (૧૯૮૩)માં તેમ જ તે પછીના સંચયોમાં છે; જેનું દર્શન સહૃદયોને નવતારસ આપી શકે એમ છે. રાજેન્દ્ર શાહની કવિતામાં अहम्થી सोऽहम् પ્રતિની ગતિ છે. એમાં ગહનતામાં અવગાહન કરતાં કરતાં વ્યાપક રૂપે પોતાને પામવાની ઝંખના ઉત્કટ છે. એમની કવિતા વાગ્વિલાસરૂપ નથી; શબ્દ દ્વારા શબ્દની અંદર અને બહાર સંચરણ કરતાં પોતાનું પૂર્ણતયા આકલન-દર્શન કરવાની તીવ્ર આરતરૂપ એ છે. રાજેન્દ્ર શાહમાં પૂરતી અર્વાચીનતા અને આધુનિકતા છે પણ તે પોતાના સમયમાં જીવવા માટે કોઈ પણ કવિને અનિવાર્ય હોય એટલી; પરંતુ એમની કવિતામાં બુલંદ અવાજ છે આધ્યાત્મિક સનાતનતાનો. જ્યાં સભરતા ને શૂન્યતા એક્કાર લાગે છે; જ્યાં ‘નેતિ’ ‘નેતિ’ કહેતાં મૌનમાં સરવાની ફરજ પડે છે એ લક્ષ્યબિંદુતરફ – ‘અલક્ષ્ય’ તરફ ધસતી એમની શબ્દગતિ છે. એ આકર્ષે છે. કારણ કે એનો એમના ચરણ સાથે, આચરણ સાથે, વાગ્મયવિચરણ સાથે સાચુકલો તાલમેલ છે. તત્ત્વજ્ઞાન અને કવિતાનો સુમેળ સાધતી, એ ઉભયની સમૂળતા ને અસલિયત દાખવતી એમની કવિતા દ્વારા આપણે રાજેન્દ્ર શાહના વધુ અર્થપૂર્ણ ને ઊંડા પરિચય માટે સક્રિય થઈએ. ૧૯૨૯થી અજસ્ર ચાલતી એમની આજદિન પર્યંતની કાવ્યધારાનું પાન કરતાં આપણે આપણામાંના દૈવતને સમજવાનો - પામવા-માણવાનો ઉપક્રમ રચીએ એમાં જ સર્જક-અનુવાદક અને અધ્યાત્મસાધક એવા કવિ રાજેન્દ્ર શાહના કાવ્યપુરુષાર્થ ને જીવનપુરુષાર્થનીયે સાર્થકતા હશે.   ૨. રાજેન્દ્ર શાહની કાવ્યબાની

કવિ રાજેન્દ્ર શાહની આકૃતિ, પ્રકૃતિ અને વાક્-કૃતિમાં આર્યત્વની એક વિલક્ષણ દીપ્તિ જોવા મળે છે. આ આર્યત્વ કોઈ જાતિગત બાબત નથી; સંસ્કારગત, શીલગત બાબત છે. આ આર્યત્વ તે માનવમનમાં અંતર્હિત જે ભદ્રતા શુચિતા ને રસિકતા, એના સંકેતરૂપ છે. મનુષ્યનું પ્રકૃતિ સાથેનું- સર્વ મનુષ્યો સાથેનું જે સ્નેહપ્રેરિત સંવાદપૂર્ણ સહજીવન, એનું જે સમર્પણ- ભાવપ્રેરિત યજ્ઞજીવન, એનું સમસ્ત વૈશ્વિક અને આંતરિક ચૈતસિક રહસ્યો માટેની અભીપ્સાથી પ્રેરિત યોગનિષ્ઠ આંતરજીવન અને સાંસારિક ધર્મપ્રેરિત દાંપત્યજીવન – આ સર્વ જીવન-રસે પ્રેરાયેલું ને પોષાયેલું કલાજીવન એ રાજેન્દ્ર શાહ માટે એક અધ્યાત્મજીવન છે, જેને એમના કવિજીવનના સ્પષ્ટ પર્યાયરૂપે પણ અવલોકી શકાય. રાજેન્દ્ર શાહની કાવ્યબાની આ અધ્યાત્મજીવનમાંથી સ્ફુરતી બાની છે એ આપણે યાદ રાખવું ઘટે. રાજેન્દ્ર શાહની કવિતા કોઈક રીતે ઉપર્યુક્ત આર્યત્વ સાથે આપણો અનુબંધ કરી આપે છે. આપણે એમની કાવ્યબાનીના પ્રભાવે અવારનવાર ગાયત્રીને જન્મ આપનાર વાતાવરણમાં પહોંચી જઈએ છીએ. એ વાતાવરણમાં હિરણ્યમય પાત્રે ઢંકાયેલા સત્યનાં દર્શન કરવાં મુશ્કેલ નથી. એ વાતાવરણમાં કોઈ વૈદિક ઋષિના ઋતમંત્રોનું શ્રવણ અશક્ય નથી. આપણી આધ્યાત્મિકતાના વરેણ્ય ભર્ગનું સાંનિધ્ય લીલામય રીતે એ વાતાવરણમાં આપણને સાંપડે છે. આપણે જોઈએ છીએ કે રાજેન્દ્ર શાહની કાવ્યબાનીના મૂલ સ્ત્રોત, એમના કવિતાસત્ત્વનો આદિમ કોષ એ આધ્યાત્મિકતામાં છે, જેનું ઉદ્દગાન વેદોમાં છે, જેનું રહસ્યદર્શન ઉપનિષદોમાં છે, જેનું વિવરણ ગીતાદિ ગ્રંથોમાં છે, જેનું લીલારૂપ ભાગવતાદિ પુરાણોમાં છે અને જેનું અનુભવપ્રમાણ સંતોની ભજનવાણીમાં છે. રાજેન્દ્ર શાહ એ આધ્યાત્મિકતાના સાહજિક વારસ છે. એમની કાવ્યબાની પણ એમની એ આધ્યાત્મિકતાની આનંદપ્રદ લીલાનુભૂતિનું જ વાગ્ગત રૂપાંતર છે. રાજેન્દ્ર શાહની કાવ્યબાનીમાં અવારનવાર આર્ષ સંસ્કારિતાની તેજોમય દીપ્તિ સાથે માનવમનની સ્નેહસિક્ત આદ્રતાનું પ્રસન્નકર રસાયણ સિદ્ધ થયેલું અનુભવાય છે. એમની બાની યંત્રયુગીન હવામાંયે યંત્રવાક્ ન થતાં મંત્રવાક્ થવા તરફ ઝોક દાખવતી લાગે છે. આ મંત્રવાક્ તે જ પરાવાણી એ વાણીની એવી ભૂમિકા છે જ્યાં શબ્દ અને મૌનની ભેદકતા ખરી પડે છે વિશ્વાભિમુખ ચેતનાનું કોઈક અનિર્વચનીય રૂપાંતર સિદ્ધ થાય છે. રાજેન્દ્ર શાહની કાવ્યબાનીનુ સાધયિતવ્ય એ રૂપાંતર છે. રાજેન્દ્ર શાહ એ માટે પૂરા સંનિષ્ઠ ને સજાગ છે. રાજેન્દ્ર શાહ માટે વાણી એ કેવળ ભૌતિક ઘટના નથી, એ આધ્યાત્મિક ઘટના છે. ‘રસમય અખિલાઈ’ સિદ્ધ કરવા માટે, ‘સાહચર્યના સાધન’ (વિષાદને સાદ, પૃ. ૨૧) રૂપે ભાષાને જોવાનો, વાણીને પામવાનો એમનો અભિગમ અનિવાર્યતા એમને આધ્યાત્મિકતાના પ્રદેશમાં લાવી દે છે. વાણી દ્વારા જ વાણીની પાર પહોંચવાની અભીપ્સા, ‘અરવ વાણી’નો મર્મ પામવાની અભિલાષા રાજેન્દ્ર શાહને કેવળ શબ્દના નહીં, શબ્દબ્રહ્મના ઉપાસક બનાવીને રહે છે. આવા ઉપાસકના શબ્દનો મર્મ પામવો એ કઠિન બાબત છે. સાંસ્કૃતિક, આધ્યાત્મિક, કલાકીય-એવાં એવાં અનેક પરિમાણોમાં વિસ્તરતી એમના શબ્દની સંકુલ અને ગહન ગતિને પામવા ઉત્કૃષ્ટ ભાવન અનિવાર્ય બને છે.

રાજેન્દ્ર શાહે કવિતાને ‘પ્રેમના છંદ’ રૂપે જોઈ છે. આ ‘પ્રેમ’ ઘણી મહાન અને વ્યાપક ઘટના છે. કવિતા દ્વારા-કવિતાની બાની દ્વારા ચેતોવિસ્તાર સાધતાં પોતાને સમગ્રમાં અને સમગ્રને પોતાનામાં પ્રત્યક્ષ કરવાની એમની મથામણ છે. આ મથામણનો એમને જરાય ત્રાસ કે થાક નથી; બલકે ઉત્સાહ ને આંનદ છે. એમની કવિતાએ સત્, ચિત્ત અને આનંદના ત્રિકુટાચલે આરોહી ભૂમાદર્શન દ્વારા આત્મસાક્ષાત્કારનું લક્ષ્ય સતત પોતાની સમક્ષ રાખ્યું છે. તેથી જ રાજેન્દ્ર શાહની કાવ્યબાનીમાં એમની અંતર્મુખ, આત્મરસિક, સર્વતોભદ્ર વ્યક્તિતાનો એક દ્યુતિમય, ગંભીર અને સમુદાર ચેત:સંદર્ભ પ્રગટ થાય છે. રાજેન્દ્ર શાહની કાવ્યબાનીમાં અત્રતત્ર રંગદર્શી ઉછાળ છતાં સ્વત્વના પરિચય-ખ્યાલે સ્થિર-શાંત-પ્રસન્ન એવી મનોવૃત્તિનું જ વર્ચસ્ એકંદરે તો અનુભવાય છે. રાજેન્દ્ર શાહની કાવ્યબાનીનો વિચાર કરતાં પહેલું જ ધ્યાન જાય એમના કાવ્યગ્રંથોનાં શીર્ષકો પર : ‘ધ્વનિ’, ‘આંદોલન’, ‘શ્રુતિ’, ‘ચિત્રણા’, ‘મધ્યમા’, ’ઉદ્દગીતિ’ ઈત્યાદી. આ શીર્ષકો પણ સ્પષ્ટતયા કવિની વાક્સભાનતાનાં દ્યોતક છે. કવિ બરોબર જાણે છે કાવ્યમાં નાદતત્ત્વ, વ્યંજનાતત્ત્વ ને લયતત્ત્વ આદિનું કેવું પ્રદાન છે તે. કવિતાના સંબંધમાં ચિત્રણ-ઈક્ષણ-દર્શનની ભૂમિકાઓ એમના ધ્યાન બહાર નથી. વૈખરી, મધ્યમા, પશ્યંતી ને પરાવાણીની જે સોપાનમાલા, તેનીયે તાત્ત્વિક અભિજ્ઞા એમને છે. તેથી જ તેમનો વાગભિગમ કાવ્યજ્ઞોને માટે પરમ રસનો વિષય બને છે. કવિનું પ્રથમ કાવ્ય ૧૯૩૩માં પ્રગટ થયું ત્યારથી તે આજ સુધી એમની કાવ્યસાધના અનવરત ચાલી છે. આ ગોળા દરમિયાન રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય ભૂમિકાએ અનેક ઘટનાઓ ઘટી છે અને રાજેન્દ્ર શાહ જેવા સંવેદનશીલ કવિએ એની અસરો પણ અનુભવી છે; આમ છતાં એમની કવિતા શાશ્વતી સાથેનું એનું અનુસંધાન જાળવી, એની જે સમતુલા છે, ધારણ છે તે ગુમાવ્યા વિના પોતાની રીતે જ ચાલવાનું પસંદ કરે છે. ક્યાંક આમતેમ થોડા વિક્ષેપો આવે છે અને એમની ધારણ ડગાવે છે; તેમ છતાં તેઓ એ ધારણ ગુમાવતા તો નથી જ એ હકીકત છે. આ વલણે રાજેન્દ્રશાહની કાવ્યબાનીને પ્રશિષ્ટતા અર્પી છે, સનાતનતાનું એક પરિમાણ બક્ષ્યું છે. કવિતા નાતે રાજેન્દ્ર શાહને કાવ્યના શબ્દ અને અર્થ ઉભયમાં ઊંડો રસ છે. જે કંઈપોતાની પ્રત્યક્ષ થાય એને સદ્-યોગે પોતાનું કરવું અને એમાં પોતાને મુક્તિ આપીને એનો અનિર્વચનીય સ્વાદ લેવો એ આધ્યાત્મિક વલણ શબ્દ પરત્વે એમને અત્યંત રસોપકારક થયેલું પ્રતીત થાય છે. સૌન્દર્યાનુભૂતિના સ્તરે, ભાવાત્મક ભૂમિકાએ એમનો શબ્દ ઉન્નતતા પામે છે, ગજું કાઢે છે અને અવનવીન રીતે અર્થસંદર્ભોની તરેહો રચી સહ્રદયને આહલાદક થાય છે. રાજેન્દ્ર શાહની કાવ્યબાનીના મૂળમાં આપણી ભારતીય - ગુજરાતી આધ્યાત્મરસિક કવિતાની એક જ્યોતિર્મય ભૂમિકા દ્રષ્ટિગોચર થાય છે. રાજેન્દ્ર શાહનાં ‘નિરુદ્દેશે’ ને ‘ગાયત્રી’ જેવાં કાવ્યો આપણી આધ્યાત્મિક, વેદોપનિષત્કાલીન કવિતાપરંપરાના વારસા વિના સર્જાવાં જ અશકય. ‘આયુષ્યના અવશેષે’નું સંવેદન ભારતીય માનસ જ પૂર્ણતયા પામી શકે. ‘નિરુદ્દેશે’નો અર્થ કવિને જે અભિપ્રેત છે તે આપણા આધ્યાત્મિક પરિવેશના અભિજ્ઞાન વિના સમજાવો જ મુશ્કેલ. રાજેન્દ્ર શાહની કવિતાના કેટલાક શબ્દોનો મર્મ તો યોગ, તંત્ર આદિની ભૂમિકા સમજનાર જ પકડી શકે; દા.ત., ‘તું મૃત્યુશાન્ત શવને શિવ શું કરંત!’ (‘ભૈરવી’, શાંત કોલાહલ, પૃ.૪૦) ‘તું અગ્નિબિંદુ ધરતી નભ કેરું છદ્મ!’ (‘ત્રિમૂર્તિ-માતા’, શાંત કોલાહલ, પૃ. ૫૩) ‘ગતિમય નિખિલ – નિરતિ પરિવાર - એક અતીન્દ્રિય સુન્નબિંદુ મહીં પામી રહે છે વિલય.’

‘અહીં તો સૂતું છે શવ અચેતન ગાત... (અબાધિત કાળ) અંગ અંગ મહીં એક રમી રહે સ્પંદ એવા ઇકાર સંપાત- (ગતિ ચાલ) - વિણ શાન્ત શાન્ત સૂતું અહીં શવ.’ (‘ખાલી ઘર’, ક્ષણ જે ચિરંતન, પૃ. ૫૪, ૫૬) અહીં, ‘શવ-શિવ’, ‘અગ્નિબિંદુ’ ‘સુન્નબિંદુ’, ‘ઇકાર સંપાત’ આદિ શબ્દોના મર્મની જાણકારી વિના કવિતાનો પૂરો ભાવ ગ્રહી શકાય નહીં. આવાં સ્થાનોનો મર્મ ગ્રહવા યોગ, તંત્ર આદિનું પરિશીલન આવશ્યક લેખાય. રાજેન્દ્ર શાહનું માત્ર ભાવવિશ્વથી જ નહીં, કાવ્યબાનીથીયે આપણી આધ્યાત્મિક પરંપરાની પ્રાચીન-અર્વાચીન કવિતા સાથેનું અનુસંધાન-સાતત્ય જળવાયેલું જોવા મળે છે કે- ‘તું રિક્ત થૈ સભર થા ત્યજીને તું પામ. ને શૂન્ય થૈ હૃદય હે ! તું પૂર્ણ માંહી રમ પૂર્ણથી હે પ્રપૂર્ણ !’ (‘હૃદય હે !’, ધ્વનિ, પૃ. ૨૧ [૧૯૯૬ ની આવૃત્તિ]) ત્યારે તેઓ ઉપનિષદના કવિનો જ પ્રતિઘોષ પાડતા જણાય છે. રાજેન્દ્ર શાહમાં સર્વ સાથે એકરૂપ થવાનો, સર્વમાં પોતાને ખોઈ દઈને પામવાનો સહજ આવેગ છે. તેઓ ‘ભીતરના અસીમના પ્રવાસી’ હોવાનું જણાવે જ છે. (ઈક્ષણા, પૃ. ૪૪) પોતાની સમગ્ર હસ્તીનો એક અર્થપૂર્ણ વૈશ્વિક સંદર્ભ હોવા બાબત એમને લેશ પણ શંકા નથી; ને તેથી એમની સમગ્ર કાવ્યબાની સત્-મૂલક છે; વિષાદ આદિના વિવર્તો છતાં આનંદમૂલક છે. તેમનો સત્-શ્રદ્ધાવેગ સર્વ વિરોધોને તળિયેની એકાકારતાનો-સંવાદિતાનો તાગ લે છે અને તેથી જ વિરોધાભાસ રચતી પરંતુ વધુમાં વધુ સચ્ચાઈને અભિલક્ષતી માર્મિક ઉક્તિઓમાં એ પોતાના આધ્યાત્મિક ભાવને પ્રગટ થવા દે છે: ‘હું જ રહું વિલસી સહું સંગ ને / હું જ રહું અવશેષે’ (ધ્વનિ, પૃ. ૧૬), ‘વિધુ નહિ છતાંયે શી જ્યોત્સ્ના છવાઈ રહી બધે. ‘(ધ્વનિ, પૃ. ૫૨), ‘પ્રેમને બંધન પ્રિય ! પ્રેમ કેરી મુક્તિ.’ (ધ્વનિ, પૃ. ૭૫) રાજેન્દ્ર શાહ દેખીતા વિરોધો પરસ્પરના પૂરક કે પર્યાયરૂપ પ્રતીત થાય એવી અનુભૂતિની અધિત્યકા પરથી શબ્દને પ્રયોજે છે અને તેથી શબ્દ નૂતન અર્થપરિમાણોની નિર્મિતિમાં સક્રિય થતો જણાય છે. રાજેન્દ્ર શાહ જેમ ઉપનિષદના કવિ-ઋષિ-દ્રષ્ટાની સંનિધિમાં તેમ કાલિદાસ, જયદેવ આદિ કવિઓની સંનિધિમાંયે સ્વાધિકારે સ્થાન પામે છે. એમણે શકુંતલાની ‘તપસ્વીની અપ્સરસી કલા’ રૂપે જે શબ્દચ્છવિ રચી છે તે કાલિદાસ સાથેના એમના સૌહાર્દ-સંબંધ વિના સંભવી ન શકે. તેઓ રવીન્દ્રનાથની ગુજરાતી આવૃત્તિ લાગે એવી ગીતપદાવલિ લઈને આપણી સમક્ષ અવારનવાર ઉપસ્થિત થતા હોય છે. કદાચ જે ગંગોત્રીમાંથી રવીન્દ્રનાથના સંસ્કારપિંડે પોષણ મેળવ્યું છે એ જ ગંગોત્રીમાંથી રાજેન્દ્ર શાહે પણ મેળવ્યું છે. ‘ધ્વનિ’, ‘આંદોલન’, ‘શ્રુતિ’ આદિ કાવ્યસંગ્રહોમાં રવીન્દ્રનાથીય કાવ્યબાનીની યાદ આપે એવાં અનેક ગીતો છે. આ ગીતોમાં સાંગીતિક સંવાદવાળી સંસ્કૃતમય પદાવલિની રૂમઝૂમક તુરત ધ્યાન ખેંચતી હોય છે. રાજેન્દ્ર શાહે જેમ સંસ્કૃત અને બંગાળી તેમ કેટલીક વ્રજ-હિન્દીની કવિતાનુંય રસપાન બરોબર કર્યું લાગે છે. એ પાને એમની કવિતામાં ‘મુસકાન’, ‘ભયો’, ‘બહાઈ’, ‘ઢૂંઢત’, ‘ભોર’, ‘પતઝર’, ‘બિરાના’ જેવા શબ્દો જ નહીં, ‘સુંદર! બહુરિ કુટિલ તવ છલના’ (ધ્વનિ, પૃ. ૧૨૬), ‘પ્રભુ મૈં પ્રેમ કિયો નવ જાનું’, ‘અજહૂં કે દિન /મૈં’ દુઃખીન તુમ સંગહીન...’, ‘હિય હરિ લિયો હરાય ‘ જેવી કેટલીક ચોટદાર ગીતરચનાઓ પણ આવેલ છે. એમની ‘હો સાંવર થોરી અઁખિયન મૈં’ ગીત કે ‘ફેરિયો અને ફક્કડ’ રચનામાં કાવ્યબાનીનો જે મિજાજ છે તે અત્યંત આસ્વાદ્ય છે. ‘દામ માગણો માગ’ કહેતા ફક્કડનું ફક્કડપણું ઉપસાવવામાં કવિની બાની પૂરી સફળ થઈ છે. કાકુ, ભાર, સૂરના ભાવાનુફૂળ આરોહ-અવરોહ, ટીખળ-કટાક્ષ-આ સર્વનો સમુચિત લાભ ઉઠાવી શકે એવું ઉત્કૃષ્ટ વાગવૈદગ્ધ્ય છે. એનું એક સુંદર નિદર્શન આ ‘ફેરિયો અને ફક્કડ’ કાવ્ય છે. કવિની બાની સંવાદકલાનું નૈપુણ્ય પણ અહીં પ્રભાવકપણે દાખવે છે. રાજેન્દ્ર શાહને તળપદી ગુજરાતી ભજનવાણીનોયે ઊંડો પરિચય છે. ‘કાયાને કોટડે બંધાણો’, ‘હરિ તારા ઘટના મંદિરિયામાં બેસણા હોજી’, ‘આપણા ઘડવૈયા ! બાંધવ આપણે’, ‘ખાટી રે આંબલીથી’, ‘અવળી રીત્યું’ જેવી કૃતિઓમાં ભજનવાણીના લહેકાઓ ને તેની સાથે સંપૃક્ત લય-ઢાળનો સુંદર વિનિયોગ થયો છે. ‘કાયાને કોટડે બંધાણો’ ગીતમાં ઉપાડની પંક્તિની પદાવલિ, ‘બંધાણો’, ‘રંગાણો’, ‘લ્હેરુંમાં’, ‘નજરુંનો ખેલ’ જેવી કાઠીયાવાડી લઢણ દેખાડતી પદાવલિ; ‘નિજ તે આનંદ કાજે’, ‘જાણ રે ભેદુએ જોયો’ આદિમાં ‘તે’ ‘રે’ ની ઉપસ્થિતિ- આ સર્વથી ભજનનું એક હવામાન બંધાય છે. ભાવ તો એમાં ભજનવાણીને અનુરૂપ છે જ. રાજેન્દ્ર શાહે આપણાં પરંપરાગત લોકગીતોની ચાલચલગત પણ બરોબર પામી લીધી છે. નરસિંહ, મીરાં કે દયારામ; કાન્ત કે નિરંજન –આ સર્વથી તેઓ અંતર રાખીને ચાલ્યા નથી, ને છતાં પોતાનો કવિમિજાજ, પોતાની કવિ તરીકેની અસલિયત, નિજી કાવ્યબાનીની વિલક્ષણતા સારી પેઠે સાચવી છે. ‘ઈંઘણાં વીણવા ગૈતી મોરી સૈયર’, ‘લીમડી ઝૂકી લેલૂંબ’, ‘કૂવાને કાંઠડે, ‘એલિ મોરલી’ જેવાં અનેક તેમજ ખારવાનાં અને વનવાસીનાં ગીતોમાં રાજેન્દ્ર શાહની કાવ્યબાનીનાં જૂજવા રૂપ અવલોકવા મળે છે.’ ખારવાનાં ગીતો’માં હલેસાની સાથે તાલ મિલાવતા સંક્ષિપ્ત લયમાં ‘થોડા થોડા હે એ ઈ ષા’ સાથે ‘વીસ્કી સોડા હે એ ઈ ષા’ પંક્તિ ગોઠવી દેતાં રાજેન્દ્ર શાહનું કવિત્વ જરાય ખમચાતું નથી. રાજેન્દ્ર શાહમાં દાંભિક વિધિનિષેધોનો ભોગ ન બનેલી એવી–નરવી-સર્ગશક્તિ છે ને તેને તેમની કાવ્યબાનીએ સચ્ચાઈનો રણકો બરાબર આપ્યો છે. રાજેન્દ્ર શાહ કવિ તરીકે જેમ સંશયાત્મા નથી તેમ દંભી નથી અને તે બાબત એમની કવિતાને અને એમની કાવ્યબાનીને સુગ્રથિતતા – સંશ્લિષ્ટતા (ઈન્ટિગ્રિટી) બક્ષે છે. રાજેન્દ્ર શાહનાં વનવાસીનાં ગીતો કેટલીક રીતે નંદલાલ બસુની ચિત્રકળાની યાદ આપે છે. નંદલાલે આપણા લોકજીવનનાં– તળપદ જીવનનાં ચિત્રો ઉઠાવતાં એમાં વાસ્તવિકતા સાથે કલામયતાનું સંમિશ્રણ કરી પોતાને એક આગવી શોભન-શૈલી નિપજાવી છે તેમ રાજેન્દ્ર શાહે વનવાસીનાં ગીતોમાં પોતાની એક આગવી નિરૂપણ-શૈલી નિપજાવી છે. આ ગીતોમાં વનવાસીનો ભાવ-મિજાજ ઉપસાવવામાં એમની કાવ્યબાનીની રસાત્મકતા પ્રગટ થાય છે. તેઓ વનવાસીના મનોવિશ્વને એના પ્રાકૃતિક સંનિવેશ સાથે નિરૂપતાં તળપદ જીવનનાં અનેક ઉપકરણોને ખપમાં લે છે. એમની અલંકાર અને કલ્પનલીલા, એમની વાગ્લીલા તળપદ ઉચ્ચારણના વળોટોથી મનોહર ઉઘાડ પામે છે; દા.ત., ‘લ્હેરિયાંને લોળ હેરણા લેતી નજરું પાછી નવ ઠેલાતી.’ (તોરી વાત વેલાતી’, શાંત કોલાહલ, પૃ. ૧૨૩) ‘કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે: મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.’ (‘કેવડિયાનો કાંટો’, શાં ત કોલાહલ, પૃ. ૧૨૭) ‘કાજળિયા અંધારથીયે કઈ કાળવી તારી કીકી!’ (‘કાળવી કીકી’, શાંત કોલાહલ, પૃ. ૧૨૮) ‘આબરુ જેવી આણજે થાપણ, ગઠરીની મેંય ગાંઠને છોડી, હાલ્યને વાલમ ! ખેલિયે આપણ, નીંદરું આવશે મોડી.’ (‘શિયાળુ સાંજ’, શાંત કોલાહલ, પૃ. ૧૩૨) ‘નેણ લુભામાણ રૂપને મ્હોરે રમતો રહે કાળ, સાવ ઝીણી તોય જીવને બાંધે કરોળિયાની જાળ. જવાની જોઈ ઘણી નખરાળ, એની તો એ જ ભળી રખવાળ. (‘રૂપને મ્હોરે’, શાંત કોલાહલ, પૃ. ૧૩૬) આવી વાગ્ભંગિમાઓ ને લય-હિલ્લોળો સાથે કામ પાડતાં કવિ પ્રસંગોપાત્ત, ‘જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ’ જેવું ‘પુણ્ય ભારતભૂમિ’નું સ્તોત્ર પણ ઉપાડી શકે છે. રાજેન્દ્ર શાહની કવિતા તળપદી વાણીની તાકાતથી સારી પેઠે અભિજ્ઞ છે અને એનો લાભ અનેક સ્થળે – ખાસ તો ગીતોમાં એમણે લીધો છે. સંમાર્જિત સંસ્કારદીપ્ત સૌષ્ઠવપૂર્ણ પ્રસન્ન પદાવલિમાં આલેખતાં રાગિણીચિત્રો, ને ‘ચિત્રણા’ માંનાં અંકિત દૃશ્ય ને છવિચિત્રોની પડછે ‘રૂપનો છાનો છણકો’ જોતી નજરે આલેખાયેલ શેલાર ગામની ગીતરચના જુઓ કે ‘ઉદ્દગીતિ’માં ઐડને કહેવાતી ‘મારી ઓહોમાં વાતને ઉડાવ નહૈ’ જેવી ગીતરચના જુઓ- રાજેન્દ્ર શાહનો એક જુદો જ મિજાજ અનુભવાય છે. રાજેન્દ્ર શાહમાં એમના વતનની પ્રકૃતિ-સૃષ્ટિની હવાનું જોમ સદ્દભાગ્યે, અવિકૃતપણે ટકેલું છે ને એમની કાવ્યબાનીને અનેકધા સહાયરૂપ થાય છે ‘પત્રલેખા’માંયે ‘ઉત્કંઠ’ આદિમાં એનાં પ્રમાણો મળશે. રાજેન્દ્ર શાહની ખાસ તો છંદોબદ્ધ કવિતામાં અનેક ગીતોમાં સંસ્કૃતમયતાનો આભાસ રચતી પદાવલિનું બાહુલ્ય વરતાય છે. ક્યારેક એમ લાગે કે એમના શ્રીમુખેથી જાણે કે જયદેવ કે રવીન્દ્રનાથનો વાગરસ સ્ત્રવે છે! એમની કાવ્યબાની એમની આવા તબક્કે સંસ્કૃતની સહચરી કે અનુચરી-શીયે લાગે છે. રાજેન્દ્ર શાહની કાવ્યબાનીમાં સંસ્કૃતમયતાનો આભાસ છતાં ભદ્રંભદ્રીયતા એમાં નથી જ. એમની કાવ્યબાનીમાં લાગતી સંસ્કૃતમયતા કયાં તત્વોને આભારી છે તેય જોવું ઘટે. સંભવ છે કે જે પ્રકારના અનુભવવસ્તુ સાથે, વિચારભાવ સાથે તેઓ કામ પાડે છે, જે પ્રકારના આધ્યાત્મિક અભિગમ સાથે એમની નિસબત છે તે આ પ્રકારની પદાવલિની સંરચનામાં મુખ્ય કારણ છે; દા.ત., ‘હું જ રહું વિલસી સહુ સંગ ને હું જ રહું અવશેષે...’માં ‘વિલસી’, ‘સંગ’, ‘અવશેષે’- એ સંસ્કૃતોદ્ભવ પદોને ખસેડી શકાય એમ નથી. ‘સંગ’ને બદલે ‘સાથ’ ‘અવશેષે’ના બદલે ‘બાકીમાં’ અથવા ‘બચતમાં’ મૂકી શકાશે નહીં. જે ભાવવિચાર અહીં અભિવ્યક્ત થાય છે એની આ સાવ સ્વાભાવિક પદાવલિ છે. અલબત, આવી ભૂમિકા સર્વત્ર પ્રવર્તતી હોતી નથી. ‘સ્થાણુ’ ‘સલભ’, ‘મહીન’, ‘આસીન’, ‘દેહલી’, ‘પેલવ’, ‘સાનુ’ જેવાં સ્પષ્ટતયા સંસ્કૃતમાં જ વાપરવા યોગ્ય પદોને ગુજરાતીમાં વાપરવાનું સાહસ કવિ કરે છે ને તેથી પ્રત્યાયનના પ્રશ્નોય ખડા કરે છે. રાજેન્દ્ર શાહની કવિતામાં એવાં અનેક સ્થાનો બતાવી શકાય એમ છે જ્યાં એમને સંસ્કૃતોદ્ભવ પદાવલિ – સંસ્કૃત તત્સમ પદાવલિ ઉપયોગી નહીં, બલકે અનિવાર્ય થઈ પડી હોય ને તેથી કાવ્યોપકારક પણ લાગતી હોય. કેટલીક સંસ્કૃતમય પદાવલિ એમના વાગ્લયના સ્વાભાવિક અંશરૂપે પ્રતીત થાય છે. આમ છતાં એવી પદાવલિનો અતિઉપયોગ કાવ્યમાં એકવિધતા લાવી રસક્ષતિ કરે છે. એમની કાવ્યબાનીમાં ‘ડ્યન’, ‘કર્ષણ’, નિલયન’, ‘સંગોપન’ જેવાં ‘અન’-અંતવાળાં ભાવવાચક નામો; ‘અરવ’, ‘નિખિલ’, ‘સભર’, ‘સકલ’, જેવાં અને ‘અશું’, ‘કશું’, ‘જશું’ જેવાં સર્વનામો; ‘નિજ’, ‘તવ’, મદીય’, ‘ત્વદીય’ જેવાં સાર્વનામિક વિશેષણો; ‘અર્પન્ત’, ‘ધરંત’, ‘લસંત’ જેવાં તથા ‘લીધ’, ‘દીધ’, ‘દીઠ’ જેવાં ક્રિયારૂપો; ‘હિ’, ’ઇહ’, ‘કીંતુ’ જેવાં અવ્યયો – આ સર્વનો અતિઉપયોગ એમની કાવ્યબાનીની તાજગી ઘટાડે છે; આમ છતાં એક સુજ્ઞ ને સાચા કવિ હોવાથી કાવ્યમાં કેટલુંક પ્રયોગદાસત્વ આવી જતું હોવા છતાં કાવ્યબાનીનો નવોન્મેષ લુપ્ત ન થાય એ માટે તેઓ સાવધાન હોય છે જ. રાજેન્દ્ર શાહ ‘મેં કીધ’, ‘મેં દીઠ’ જેવા કે ‘ખાલીને આવેશ’, ‘માધુર્યને પાશ’, ‘અંચલને સંચાર’ જેવા પદગુચ્છોના વિનિયોગમાં, કેટલાક પદવિન્યાસમાં ક્રિયાપદને વચ્ચે મુકવું- એ પ્રકારની ગતિવિધિમાંયે વ્યાકરણગત લઢણોનું પણ પ્રયોગદાસત્વ દાખવે છે, પરંતુ આવી સ્થિતિ એમની એક ટેવરૂપે લેખી, એ ટેવ છતાં જે કંઈ શબ્દથી હાંસલ કરે છે તેનો અંદાજ લગાવીએ તો નિરાશ થવાને બદલે પ્રસન્ન થવાનું જ રહે. કેટલીક વાર એમની કાવ્યબાનીમાંથી ‘પ્રશાન્ત નિમજ્જન’, ‘શાન્ત વૈભવ’, ‘ગુંજનશીલ વૈભવ’, ‘સ્નિગ્ધ અરુણાઈ ‘, ‘નમણું છલ’, ‘વેદનાનો વળ’ જેવા જેમ અનેકાનેક ઉન્મેષવંતા પદગુચ્છો તેમ ‘તુષારસુકોમલ’, ‘સ્વપ્નશીતલ’, ‘અંધકારઆવિલ’ જેવા અનેક વિલક્ષણ સમાસો એમની કાવ્યબાનીમાંથી પ્રગટી આવે છે; જે એમના કવિકર્મની લાક્ષણિક મુદ્રા ઉપસાવવામાં સહાયક થાય છે. રાજેન્દ્ર શાહની કવિતા ‘ઘોઘી’, ‘ઠાર’, ‘નિઝુમ’, ‘દોદુલ’ જેવા શબ્દો કે ‘ઓર્ફિયસ મતિ’ ને ‘જેટ પંખી’ જેવા પદગુચ્છોનોય યથાશક્ય લાભ લે છે જ. એમની સંસ્કૃતદીપ્ત કાવ્યબાનીનોય એક સ્વાદ છે. કૃષિજીવનનું જ એક રમણીય ચિત્ર એમની કાવ્યબાનીમાં કેવુંક ઉતરે છે તેનો સુરેખ ખ્યાલ ‘આનંદ શો અમિત’ (ધ્વનિ, પૃ. ૬૧-૬૨) કાવ્યમાંથી આપણને લાઘે છે. ‘ગુંજરતો આનંદ’, ‘શ્રમિણ સૂર્ય’, ‘ઘૂઘરમાં વાજતી પશુ કેરી મૈત્રી’, ગોઠડીના કારણેય મધુરો ‘મધ્યાહ્ન ભાત’- આ સર્વથી કૃષિકારનું જે રીતે શુચિમધુર ગાર્હસ્થજીવન-દાંપત્યજીવન આકૃત થાય છે તે તેમની કાવ્યબાનીની વિશેષતા તો દાખવે છે, સાથે તેની મર્યાદા પણ. આ મર્યાદા એટલે દોષ- એમ અત્રે અભિપ્રેત નથી. રાજેન્દ્ર શાહની કાવ્યબાનીનો ચમત્કાર ‘આયુષ્યના અવશેષે’, ‘શેષ અભિસાર’, ‘શિરીષ ફૂલ શી ‘, ‘શ્રાવણી મધ્યાહ્ને’ બરોબર અનુભવાય છે. અતીન્દ્રીયતાનું આકર્ષણ છતાં રાજેન્દ્ર શાહની બાનીમાં ઇન્દ્રિયરાગનીયે પ્રતિષ્ઠા છે જ. એમનાં આંખ-કાન સારી પેઠે સતેજ છે. ‘આયુષ્યના અવશેષે’માં પ્રારંભાં સીમનું વાતાવરણ નિરૂપવામાં એમની કાવ્યબાની કેવી તો કાર્યસાધક નીવડી છે! સૂક્ષ્મ સંવેદનશીલતા, ઉત્કટ કલ્પનાશીલતા અને ભાવ-સમાહિત ચેતસ્ વિના કાવ્યબાની આ કોટિનું ઉન્નયન સાધી ન શકે. ‘ ભર્યું ઘર હતું તેના સૂના રજોમય પ્રાંગણે

	લઘુક ગઠડી મૂકી આયુષ્યના અવશેષની.’

‘મુખથી ઉઘડ્યા તાળાં, દ્વારે કર્યું જરી ક્રંદન,’

‘પુર ઘરસમું હેતે મ્હોર્યું હતું પરસાળમાં.’

‘અવ અહીં ઝૂલે ખાલી સીકું, વિના દધિ ઝૂરતું.’

‘બીન મૂક થયું તોયે એની સુણી રહું ઝંકૃતિ, વિવિધ સમયે છેડ્યા તે સૌ મળે સ્વર વૃંદમાં.’ (આયુષ્યના અવશેષે’, ધ્વનિ.પૃ. ૧૭ , ૧૮, ૧૯) ‘તત્ત્વને આશ્રયે જાણે પ્રકૃતિ રમણે ચડી !’ * ‘અંગથી સ્પર્શનું તારું રેશમી વસ્ત્ર હો પરું.’ (‘શેષ અભિસાર’, ધ્વનિ, પૃ. ૨૪, ૨૫) ‘માધ્યાહનની અલસ વેળ હતી પ્રશાન્ત, ધીરે ધીરે લસતી ગોકળગાય જેમ.’

‘ભારો ઉતારી શિરથી પથને વિસામે, નાનેરું ગામ શ્રમથી વિરમ્યું લગાર.’

‘કંકાસિની પણ પ્રસૂન વડે પ્રફુલ્લ.’

‘ ત્યાં પંક માંહી મહિષીધણ સુસ્ત બેઠું, દાદૂર જેની પીઠ્યે રમતાં નિરાંતે.’

‘નાનું તળાવ નિજમાં પરિતૃપ્ત પ્રજ્ઞ.’ (શ્રાવણી માધ્યાહને’, ધ્વનિ, પૃ. ૯૪, ૯૫,) તું ઓસને સલિલ નિર્મલ કંજલક્ષ્મી (‘રાગીણી’, શાંત કોલાહલ, પૃ. ૧) ‘આ મધ્યરાત્રિ મહીં સંસૃતિ શાંત પોઢી નિદ્રાળુ ઓઢી ફૂલકોમલ અંધકાર :’ (‘સોહિણી’, શાંત કોલાહલ, પૃ. ૭)

‘કલશ પર સોહંતી આભા સવારની સ્વર્ણિમ : કમલ ઊઘડે એનું સંધે સુગંધિત ગુંજન.’ (‘શાન્તી ‘, શાંત કોલાહલ, પૃ. ૧૧૫) ઉપરનાં ઉદાહરણોનું સૂક્ષ્મ વિશ્વલેષણ કરતાં રાજેન્દ્ર શાહની શબ્દપસંદગી, એમની કલ્પનગતિ, એમની સૌંદર્યદ્રષ્ટિ, એમની ભાવાનુરૂપ ચિત્રાંકનશક્તિ વગેરેનું સંકુલ રૂપ સરસ રીતે પામી શકાય એમ છે. રાજેન્દ્ર શાહનાં વૃતબદ્ધ સોનેટોમાં તેમ જ વનવેલીના લયવાળાં છંદોબદ્ધ કાવ્યોમાંયે પદાવલિ અવારનવાર એક સંઘટક-તત્ત્વરૂપેય પ્રતીત થાય છે. છંદને રેલાઈ જતો અટકાવવામાં, ભાવને સ્નાયુબદ્ધ સુશ્લિષ્ટતાએ આકૃત કરવામાં રાજેન્દ્ર શાહની કાવ્યબાનીનો વિધેયાત્મક ફાળો હોય છે. સૉનેટોની સુઘડતા, સુશ્લિષ્ટતા ને સચોટતામાં એમની પરિષ્કૃત કાવ્યબાનીનું પ્રદાન દેખીતી રીતે જ ધ્યાનપાત્ર બને છે. વનવેલીમાં તો એમની કાવ્યબાનીના વિશિષ્ઠ પદાન્વય ને પ્રાસરચના-વિધાન પણ સ્વતંત્ર અધ્યયનનો વિષય બને એમ છે. રાજેન્દ્ર શાહ ‘તવ સૂર’ (ક્ષણ જે ચિરંતન, પૃ. ૪૮) જેવી જાણે પ્રત્યયરહિતા સંસ્કૃત ભાષાની કૃતિ ન હોય એવી લાગણી પેદા કરતી રચનાઓ આપે છે, પરંતુ સદ્દભાગ્યે, એવી રચનાઓ ઓછી છે, ને એવી રચનાઓ એમની કવિકીર્તિના આધારસ્તંભરૂપ નથી એ પણ સ્પષ્ટ જ છે. રાજેન્દ્ર શાહની કવિતામાં એકની એક વાત વળી વળીને વાગોળાતી હોય, એનું પિષ્ટપેષણ થતું હોય એમ લાગે છે. એમનાં સંખ્યાબંધ કાવ્યોનું એકીબેઠકે પઠન આ ભાવ પેદા કરે છે. અમુક પ્રકારના અતિપ્રયોગે લપટા પડી ગયેલા શબ્દો, ભાવો કે ખ્યાલોની કવિએ ધારી હોય એવી અસર ભાવક પર ન થાય; આમ છતાં રાજેન્દ્ર શાહના વિપુલ કાવ્યરાશિમાંથી જે કંઈ આવી મર્યાદા છતાં ઊગરે છે તે ઓછું આહ્લાદક નથી. રાજેન્દ્ર શાહ વળી વળી પોતાનામાં પાછા વળતા, ‘નિજમાં નિમગ્ન’ એવા કવિ છે. વિવિધ ભાવસંદર્ભોનું નિરૂપણ કરતાં છેવટે તેઓ પોતાના કેન્દ્ર પર આવી જ ઠરે છે. એવું થાય છે ત્યારે જ તેમનામાં સ્વસ્થતાનો ભાવ પ્રગટે છે. રાજેન્દ્ર શાહે સમગ્ર દ્વારા પોતાનો પરિચય પામવાના ઉપક્રમમાં કાવ્યબાનીનો આશ્રય લીધો છે. તેમની સૌંદર્યલુબ્ધ દ્રષ્ટિ અનેક પુષ્પોનું મધુ ગ્રહી છેવટે તો આત્મમધુના પાનમાં જ સાર્થકતા પામે છે. તેમણે માટીના અને આકાશનાં, તેજ અને તિમિરનાં, વાદળ અને વાયુનાં, પથ્થર અને પાણીનાં- એમ અનેકાનેક પ્રાકૃતિક રૂપોનો પરિચય મેળવી જીવન ને સર્જનહારની સર્જનકળાની સભરતાનો આકંઠ અનુભવ કરતાં ઉલ્લાસ ને ધન્યતાની દીપ્તિ પોતાની બાનીમાં અનાયાસ જ પ્રગટ થવા દીધી છે. ‘નેણ ખોલ્યા વિણ કેદથી ઊંચી આવતી જોઉં જાર:’ (ઉદ્દગીતિ, પૃ. ૧૦), ‘વીતેલ વેળની રેખ ન રાખી કુટિલ કાલ સમીરે.’ (ઉદ્દગીતિ, પૃ. ૭૮) જેવી પંક્તિઓથી સૂક્ષ્મ સંવેદનશીલતાનો વેધક ખ્યાલ આપતી કવિની સર્જકતા જ છેવટે તો એમની બાનીનું સર્વોપરી આકર્ષણ બની રહે છે. કવિની સર્જકતા ‘ધ્વનિ’ પછીયે પૂરી સક્રિયતાથી ચાલે છે. અને કાવ્યના ઇતિહાસમાં નોંધવાં ઘટે એવા અનેકાનેક ભલે નાનાં પણ વિસ્મયો સર્જતી રહી છે. એમનાં દશપદી કાવ્યો, એમનાં ચિત્રકાવ્યો, દૈનંદિની-કાવ્યો, સ્વપ્ન-કાવ્યો વગેરેની નોંધ ગુજરાતી કવિતાના ઈતિહાસકારે લેવી જોઈશે અને એ નોંધ લેતાં એમની કાવ્યબાનીની જે નવી તરેહો પ્રગટે છે તેય બતાવવી જોઈશે; અલબત્ત, આ તરેહોમાં કોઈ મોટા ક્રાંતિકારી વિવર્તો જોવા મળતા નથી; આમ છતાં કવિનો ગતિ-વિકાસ અસ્ખલિત છે એટલું સ્પષ્ટ છે. ‘વિષાદને સાદ’માં કવિ વિષાદની વાત કરતાયે આનંદની જ અભીપ્સાને વ્યંજિત કરે છે. ગરીબાઈ, સંકુચિતતા, શોષણખોરી, સત્તાભૂખ, યુદ્ધખોરી –આ સર્વનું બેહૂદાપણું એમને અકળાવે છે ને એ અકળામણ ‘ઘઉંમાં ચઢ્યાં કાંઈ ધનેરું’- એ રીતે; ભસ્માસુર, હિરણ્યકશિપુ, પૂતના આદિ પૌરાણિક પાત્રો- ઘટનાઓના સંદર્ભથી, વિશિષ્ટ અર્થઘટન દ્વારા તેમ જ કટાક્ષ-વક્રતા દ્વારા તીક્ષણ રીતે અભિવ્યક્ત થાય છે. આમ છતાં કવિની ભદ્રતા કે સમતા જોખમાતી હોય એવું એમની કાવ્યબાની દર્શાવતી નથી; એમની કાવ્યબાનીમાં જે એક આત્માનુભવે પ્રેરિત ગરિમાનો સ્પર્શ છે તે લેપાતો નથી. વિપરીત વહેણમાંયે એમની કાવ્યબાની જે રીતે આત્મપ્રતિષ્ઠા જાળવે છે તે ઉલ્લેખનીય છે. રાજેન્દ્ર શાહની બાની ‘ચિત્રણા’ ‘મધ્યમા’ની કાવ્યરચનાઓમાં આંખ અને કાનના વિશિષ્ટ સહકારભાવે આગળ વધે છે. ‘પારિજાત’માં ‘કેસરધવલ તેજમ્હોરતું પ્રભાત’ જોવા માટે અને ‘ધંતૂરાનાં જૃંભિત અસ્થિધવલ ફૂલ’ ને ઓળખવા માટે ભાવકે કવિમન સુધી પહોંચવું જ પડે. રાજેન્દ્ર શાહનાં શબ્દચિત્રો અનિવાર્યતયા એમનાં સંવેદનચિત્રો છે. એમની કાવ્યબાનીમાં સપાટીનાં રૂપ નહીં મનમાં સંકુલ-નિગૂઢ રૂપોના સંચારો જોવા મળે છે. કુ. નર્મરા, શકુંતલા તથા સીતાની શબ્દચ્છવિઓમાં રાજેન્દ્ર શાહની કાવ્યબાનીનું સામર્થ્ય જોઈ શકાશે. ‘મધ્યમા’માં દૈનંદિની’ તેમ જ ‘નિદ્રિત નયને’ ના બે કાવ્યસંપુટોમાં કવિ વાસ્તવિકતા અને સ્વપ્નમયતાનાં પરિમાણોમાં પોતાના કાવ્યાનુભવને પ્રગટ કરે છે. અહીં એમની બાની સંકુલ કલ્પનલીલામાંથી કંઇક અરૂઢ એવી અર્થલીલા નિષ્પન્ન કરે છે. એનુંયે ઊંડું આકલન કરવા જેવું છે. રાજેન્દ્ર શાહની ગીતબાનીના વિકાસરૂપે ‘ઉદ્દગીતિ’ અવલોકવા જેવો કાવ્યગ્રંથ છે. એક બાજુ એમની વૃતબદ્ધ બાનીના એક નવા આવિષ્કારરૂપે ‘ઈક્ષણા’, તો ગઝલબાનીના આવિષ્કારરૂપે ‘પંચપર્વા’ ધ્યાનાર્હ છે. એક કવિ વૃતબદ્ધ કવિતા ને ગીતકવિતામાં દ્દઢઆસનબદ્ધ હોય તે જ્યારે ગઝલની લીલામાં ઝુકાવે ત્યારે તેની તે ચેષ્ટાયે રસપ્રદ તો લાગે જ. રાજેન્દ્ર શાહની ગઝલ રાજેન્દ્ર શાહની જ છે એમ કહેવું પડે એવું એનું બાનીનું પોત છે. એમની ગઝલના અવાજમાંયે અનાહત નાદ તો ઊતરે જ. આમ તો રાજેન્દ્ર શાહની સમસ્ત કાવ્યબાનીમાં એ નાદનું તત્ત્વ અનુસ્યૂત છે. કવિ રાજેન્દ્ર શાહના અવાજમાં શાશ્વતીનો અવાજ ભળ્યો જ છે. તેની તો મજા છે, તેનું તો મૂલ્ય છે. રાજેન્દ્ર શાહની કવિતાનો સ્થાયી ભાવ આત્મભાવ છે. એમની કવિતાને સૌથી વધુ આત્મલક્ષી ભૂમિકા પર વિલસવાનું ગમ્યું છે; પરંતુ રાજેન્દ્ર શાહમાંના સર્જકે પરલક્ષી ભૂમિકાએ પણ કવિતાને ચલાવવાનાં સાહસો કર્યાં છે. ‘પ્રસંગસપ્તક’ એવાં સાહસોની જ એક ‘અરુણકથા’ છે. એમની કાવ્યબાનીમાં નાટ્યબાની થવાની ક્ષમતા કેટલી એ મહત્વનો પ્રશ્ન છે. જેમ ઉમાશંકરનું તેમ જ રાજેન્દ્ર શાહના આ ‘પ્રસંગસપ્તક’ની કાવ્યબાનીનું નાટ્યદ્રષ્ટિએ બારીક અન્વેષણ કરવા જેવું છે. ખાસ તો ત્રીજા અવાજની રીતે, નાટ્યપદ્યની અપેક્ષાના સંદર્ભમાં. રાજેન્દ્ર શાહની સર્જકતાને હજુ ઓટ નથી આવી એ એમનું કવિ તરીકેનું વીર્યત્વ પ્રગટ કરે છે. રાજેન્દ્ર શાહે ‘પત્રલેખા’, ‘કિંજલ્કિની’, ‘વિભાવન’ અને ‘દ્વા સુપર્ણા’ આપણને આપ્યા છે. એમનો કવિકંઠ હજુ કાવ્યબાર્ન ની વિવિધ તરેહો નિપજાવવામાં સક્રિય છે. આ સક્રિયતા ‘મીઠા વગરના માણસ’ માટે ‘અલૂણ’ વાપરે, પ્રાસ માટે થઈને ‘માણેક’નું ‘માણિક’ કરે, ક્યારેક ‘જલતુષાર’ કે ‘વાદળી જલભીની’ જેવા શબ્દાળુતાનો વહેમ જન્માવે એવા ઉક્તિપ્રયોગો કરી બેસે એવું બંને, પણ એ સક્રિયતા જ શીમળામાં ‘ભિખ્ખુ’ ને દર્શાવી શકે છે. ‘સાબરનાં નીતરેલ નીર’માં ‘ઝાંઝવાનાં પાણી’યે દેખાડી શકે છે. એ સક્રિયતાએ જ ‘કાંટાળિયા અંધારની ડાળે રતૂમડો અંકોર’ ફૂટે છે અને ‘આયખા કેરા ઓઢણે મીઠી યાદ ભરી’ શકાય છે. આપણે રાજેન્દ્ર શાહની કાવ્યબાનીગત સક્રિયતાને રસપૂર્વક બિરદાવીએ અને એક કાવ્ય જેવું ‘આયુષ્યના અવશેષ’ માટે સર્જ્યું એવું અન્ય કાવ્ય આયુષ્યના પ્રારંભ માટેય સર્જે એમ વાંછીએ.   ૩. શાંત કોલાહલ

‘ધ્વનિ’ના કવિ તરીકે રાજેન્દ્ર શાહને સૌ કોઈ ઓળખે છે. ‘શાંત કોલાહલ’નો કવિ પેલા ‘ધ્વનિ’નો કવિ છે એવી પ્રતીતિ સંગ્રહમાંનાં કાવ્યો જોતાં સહેજમાં થઈ આવે છે. રાજેન્દ્ર શાહની કવિતાનાં કેટલાંક લાક્ષણિક તત્ત્વો, જે પ્રથમવાર ‘ધ્વનિ’માં દેખાયાં તે, અહીં પણ જોવા મળે છે. રાજેન્દ્ર શાહ અંતમુર્ખ કવિ છે. એમની કવિતાસૃષ્ટિ અહંના નાભિકેન્દ્રમાંથી કોઈ પદ્મની જેમ વિકસી છે. કવિ જીવનની વિવિધ અનુભૂતિઓ દ્વારા પોતાના સાચા સ્વરૂપને અવગત કરવા માગે છે. આમ ‘સ્વ’માં ‘સર્વ’નાં દર્શન કરવાની ઉત્કટ મનીષા એમનાં કાવ્યોમાં જોઈ શકાય છે. આ જ કારણે રાજેન્દ્ર શાહની કવિતામાં કોઈ સાંપ્રદાયિક અભિનિવેશ જોવા મળતો નથી. વિષયવૈવિધ્યના અભાવનું કારણ પણ એમની આ અંતર્મુખ મનોવૃત્તિનું પડેલું છે. રાજેન્દ્ર શાહને પાર્થિવ સ્વરૂપોનું આકર્ષણ કેવળ તે પાર્થિવ છે એટલા માટે નથી, પણ એ પાર્થિવ સ્વરૂપો પરમ ચૈતન્યના પ્રકાશને વહે છે તે માટે છે. રાજેન્દ્ર શાહની કવિતાનો વિકાસ અનુભૂતિનાં બાહ્ય-સ્થૂળ આવરણોને ભેદીને એના અંતસ્તલ સુધી પહોંચવાની એમની તીવ્ર મથામણમાં જોઈ શકાય છે. એમનો તત્ત્વરસ જ સૌંદર્યનિષ્ઠારૂપે કવિતામાં પરિણત થયો છે તેમની કવિતામાં ક્યાંય અવસાદ કે હતાશાનો ધ્વનિ મળતો નથી, કેમ કે તેમને પરમ તત્ત્વની ત્રિકાલાબાધિત સત્તામાં સંપૂર્ણ શ્રદ્ધા છે. ‘શાંત કોલાહલ’ શીર્ષક રાજેન્દ્ર શાહના કવિ માનસનો અણસાર આપી રહે છે. દેખીતા સંઘર્ષો તળે કવિ પરમ સંવાદિતાના તત્ત્વને જ કામ કરતું જુએ છે. કવિની દ્રષ્ટિ ઝીણી અને ઊંડી છે. તેઓ સાંપ્રત સંગ મોકળે મન રમવાની વાત કરે છે. કવિ વિશ્વના લખ રૂપોને પરમ રસપૂર્વક માણે છે. કવિને મન તો આ સૃષ્ટિ પર ‘અનંત ઓચ્છવ’ જ છે. પ્રત્યેક પળે કવિ ‘ચિરંતનને ઉષ્માભર્યા અભિનવ રૂપને સૌન્દર્ય’ પ્રગટ થતું અનુભવે છે. કવિને માટે કોઈને પણ ઉપેક્ષી કે તુચ્છકારી શકાય એવું રહ્યું નથી. આગતને તેઓ ઉમળકાથી આવકારવા સજ્જ થાય છે. કરાલ કે કોમળ બધા જ પ્રકારનાં સ્વરૂપોમાં કવિ એક અને અદ્વિતીય એવા પરમ તત્ત્વને-મહાકાલને ક્રીડતો જુએ છે. રાજેન્દ્ર શાહ પ્રકૃતિએ સ્વસ્થ કવિ છે. એટલે જ એમનાં કાવ્યોમાં પરમ તત્ત્વના અનુસંધાનમાં માનવ્યનું પણ સમ્યગ દર્શન શક્ય બન્યું છે. રાજેન્દ્ર શાહ સ્નેહમાં જીવનનું સારસર્વસ્વ જુએ છે. એમણે સ્નેહનું ઊલટથી ગાન કર્યું છે. એમણે મુગ્ધાવસ્થાના પ્રેમનું તરલમસ્ત રીતે નિરૂપણ કર્યું છે. એમનાં ગીતોમાં આ પ્રેમનો કસૂંબી રંગ રમણે ચડે છે; પણ રાજેન્દ્ર શાહને મન પ્રણય તે માત્ર બે ઘડીનો ખેલ નથી. સંસારનું કલ્યાણકેન્દ્ર તેઓ નિત્ય વિકાસશીલ દાંપત્યપ્રેમમાં જુએ છે. એમનો પ્રણયાનુભવ તત્ત્વાનુભવનું જ અવાંતર રૂપ બની રહે છે. દાંપત્યજીવનમાં વિસંવાદિતાના તનિક અંશને પણ ચલાવી લેવા તેઓ તૈયાર નથી. ‘છલનિર્મલ’માં તેઓ કહે છે : “આ માલિન્ય કેરા સ્પર્શ થકી હવે નહીં નહીં પ્રિય, તવ કરું અવમાન.” (પૃ.૬૦) આ કવિ ગૃહસ્થાઆશ્રમનો મહિમા પણ ‘મારું ઘર’, ‘ઓરડે અજવાળાં’, ‘શાંતિ’ જેવાં કાવ્યો દ્વારા નિર્દેશે છે. ‘મારું ઘર’ની નીચેની પંક્તિઓ ધ્યાનપાત્ર છે : “તે મારું કાળ-જૂનું ભવન; નિખિલ આ કેન્દ્રથી વિસ્તરેલું : એની સર્વત્ર. જ્યાં જ્યાં ગતિ મુજ ત્યહિં, રેલાય છાયા અદીઠ. ક્ષેત્રે સંકલ્પ કેરાં અગણિત કંઈ જે બીજ વેરેલ તેનું કૉળેલું સ્વપ્ન જાણે અનિમિષ દ્દગ માંડી નિહાળે વ્યતીત!” (પૃ. ૧૦૩) કવિનું ઘર ચાલ દિવાલો વચ્ચે પુરાયેલું નથી. કવિનું ઘર તો અવકાશ-મોકળું છે. એમાં બંધન નહી, પણ મુક્તિ છે. ‘શાંતિ’માં ઘરના સાયંકાલના વાતાવરણનું રમણીય ચિત્ર મળે છે : “ઘર મહીં સહુ નાનાં મોટાં મળે; નિજ ક્ષેત્રનો શ્રમ સકલ આંહી ભૂલાતો પરસ્પર હૂંફમાં, શિશુની કલવાણી : ગૌરીને ગળે લય પ્રેમનો પ્રગટી અઘરે આવી આછો રમે કંઈ ક્ષોભમાં.” (પૃ. ૧૧૨) રાજેન્દ્ર શાહની કવિત્વશક્તિનો ઉન્મેષ અહીં જોઈ શકાય છે. ગોપકાવ્યોમાં વાતાવરણનો મધુર અમલ ચઢાવનાર આ કવિ અહીં પણ પ્રસન્નતાની હવા જમાવી શક્યા છે. રાજેન્દ્ર શાહની આરંભની રાગિણી-વિષયક સૉનેટમાળા અને વનવાસીનાં ગીતો આ સંગ્રહનું વિશિષ્ટ પાસું છે. એમની ચિત્રનિર્માણશક્તિનો હૃદ્ય પરિચય અહીં મળે છે. સ્વચ્છ રેખાઓમાં જીવનસંગીતના આધારે રાગસંગીતને શબ્દચિત્રોમાં સાકાર કરવામાં કવિ સફળ થયા છે. એમની કમનીય, મંજુલ પદાવલિનું સામર્થ્ય પણ એમાં જોઈ શકાશે. સૉનેટની સુઘડતા પણ કવિએ જાળવી છે. વનવાસીનાં ગીતોમાં વનવાસીનાં જીવન-પ્રકૃતિને કેન્દ્રમાં રાખી પ્રધાનત: પ્રેમ-વીરતાનું મુગ્ધ-મુક્ત ગાન કવિએ છેડ્યું છે. પ્રકૃતિનાં અવનવાં રૂપોની સાથે વનવાસીના મનનું તાદાત્મ્ય કવિએ ઉપસાવ્યું છે. તળપદી બોલીની લઢણોનો પણ વિવેકપુરસ્સર અહીં ઉપયોગ થયો છે. આ કાવ્યોમાં ગીતોના પ્રલંબ લય હિલ્લોલમાં વક્તવ્યને છૂટું લહેરાતું મૂકી દેવાની રાજેન્દ્ર શાહની રીતિ ઉલ્લેખનીય છે. રાજેન્દ્ર શાહ દેશનાં કેટલાંક અનિષ્ટોનો કવિતામાં પડઘો પાડે છે. આમાં એમની સ્વદેશદાઝ - આગળ વધીને કહેવું હોય તો સત્યદાઝ - તરી આવે છે. તેઓ તત્ત્વપૂત દ્રષ્ટિથી જ અનિષ્ટોના પ્રેરક વેતાલનું નિવારણ થઈ શકશે એમ માને છે; એ વિના પોતાનો કે દેશનો ઉદ્ધાર નહિ થાય એ વિશે તેમને દૃઢ પ્રતીતિ છે. રાજેન્દ્ર શાહની કવિતામાં ક્યારેક તત્ત્વભાર વરતાય છે; તેમ છતાં એમની કવિતા એકંદરે ‘તત્ત્વનું ટૂંપણું’ થવામાંથી બચી છે. જેમ કોઈ અભ્ર પોતાની રસશક્તિથી સૂર્યના કિરણની આંતરસુષમાને સપ્તરંગમાં પ્રગટ કરે છે તેમ રાજેન્દ્ર શાહે જીવનની આંતરસુષમાને અવનવા પ્રકાશરંગો દ્વારા કવિતામાં પ્રગટ કરી બતાવી છે. ‘લાવણ્ય ભીતરનું દાખવતી લલામ’ એવી એમની કાવ્યસૃષ્ટિ છે. રાજેન્દ્ર શાહની દ્રષ્ટિનો વ્યાપ બૃહત્ છે; તેમણે જીવનનું ખંડદર્શન અભિમત નથી. પ્રત્યેક પળને મહાકાલના સંદર્ભમાં મૂલવવાનું એ પસંદ કરે છે. આ કારણે રાજેન્દ્ર શાહની કાવ્યસૃષ્ટિ ભિન્ન રુચિવાળા ને છતાં સુરુચિવાળા સર્વ વાચકોને આંનદપ્રદ થઈ પડે છે. રાજેન્દ્ર શાહના ચારેય સંગ્રહો સાથે લેતાં એમાં He repeats himself જેવી પરિસ્થિતિ કેટલેક અંશે જણાવાનો સંભવ રહે છે, પણ એકંદરે જોતાં કવિ પોતાની રૂઢ થઈ ગયેલી રીતિમાંથી બહાર નીકળી જવા સર્ચિત છે. આધુનિક કવિતાનાં કેટલાંક ચલનવલનોનું પ્રતિબિંબ ‘શ્વાનસંગી’, ‘ક્ષણને આધાર’, ‘મેડીને એકાન્ત’, ‘સ્મરણ’ વગેરે કાવ્યોમાં ઝીલી બતાવ્યું છે. અભિવ્યક્તિ અંગેની સભાનતા ભાવપ્રતીકો અને છંદોલયની બાબતમાં તો ખાસ જોઈ શકાય છે. આવાં કાવ્યોમાં ક્યારેક કવિનો કસબ જ આગળ પડી આવતો જોઈ શકાય છે. રાજેન્દ્ર શાહ ભાષારીતિમાં ટાગોરનું અનુકરણ કરે છે એમ કહેવા કરતાં એમના કવિમાનસના ઘડતરમાં ટાગોરનું પ્રદાન મહત્વનું છે એમ કહેવું ઉચિત છે. સંસ્કૃત તત્સમ શબ્દોનો ભાર ક્યારેક કવિતાની પ્રફુલ્લ ગતિને મંથર કે સ્ખલિત કરી દે છે; તેમ છતાં સમગ્રતયા અવલોકતાં કાન્ત, ઉમાશંકરની જેમ આ કવિની સૌષ્ઠવપ્રિયતા એમની એક વિશેષતા લેખાશે. આ સંગ્રહમાં કવિની વિકાસોન્મુખતા અપષ્ટ જણાય છે, જોકે દરેક કવિની પોતાની એક લાક્ષણિક ચાલ હોય છે અને એમાંથી છૂટવું મુશ્કેલ હોય છે. રાજેન્દ્ર શાહને એ મુશ્કેલી છે જ. એમનું કવિ તરીકેનું સ્નિગ્ધગંભીર વ્યક્તિત્વ આસ્વાદ્ય છે, છતાં એમનાં કેટલાંક પ્રણયગીતોમાં અને ‘ફેરિયો અને ફક્કડ’ જેવા કાવ્યમાં ક્યાંય ચમકતી હળવાશ વધુ પ્રમાણમાં માણવા મળે એવી અપેક્ષા રહે છે. એકંદરે એમની કવિતા ધ્યાનસ્થ પ્રસન્ન યોગિનીના જેવી છે. ભાવકને ક્યારેક એવું થાય કે જરા ધ્યાનભંગ થાય, અસ્વસ્થ થાય અને એની ધીર ચાલ અને ગંભીર મુદ્રા બદલે!