ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/‘ઇશ્વર-વિવાહ’

Revision as of 06:04, 1 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


‘ઇશ્વર-વિવાહ’ : મુરારિનું ૪૦ કડવાંનું આ આખ્યાન (મુ.) શિવના પાર્વતી સાથેના લગ્નને નિરૂપે છે. સામાજિક રીતરિવાજો અને વિધિઓની વીગતોને ઝીણવટથી આલેખવા તરફ કવિનું લક્ષ રહ્યું છે એથી પાત્રો અને પ્રસંગો પર કવિના સમકાલીન સમાજની લાક્ષણિકતાઓનો પુટ ચડ્યો છે. ઇન્દ્ર, વિવિધ દેવો, બ્રહ્મા, યાદવમંડળ સહિત કૃષ્ણ અને વેદગાન કરતા મુનિઓના સમુદાયવાળી શંકરની જાનનું, વિલક્ષણ વેશવાળા શંકરને જમાઈ તરીકે જોતાં અકળાઈ જતી, નારીસહજ રોષ ને રીસ વ્યક્ત કરતી ને અંતે મનનું સમાધાન થતાં આનંદિત થતી પાર્વતીની માતા મેનકાનું તથા વિવિધ લગ્નવિધિઓનું આલેખન ખૂબ રસિક ને કવિના કૌશલનો પરિચય કરાવતું બન્યું છે. પદબંધમાં રાગ-ઢાળોનું વૈવિધ્ય જણાય છે. ઉપરાંત, શંકરને વધાવવા જતી યુવતીઓની લાક્ષણિકતાઓ કવિએ અનુપ્રાસાત્મક વિશેષણોથી આલેખી છે તે નોંધપાત્ર છે. [ર.સો.]