અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`સ્નેહરશ્મિ'/કોણ રોકે!

Revision as of 08:17, 22 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> આ પૂનમની ચમકે ચાંદની, {{space}}એને કોણ રોકે? કાંઈ સાયર છલક્યા જાય {{space}}...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

આ પૂનમની ચમકે ચાંદની,
         એને કોણ રોકે?

કાંઈ સાયર છલક્યા જાય
         કે એને કોણ ટોકે!

આ આષાઢી વરસે મેહુલો,
         એને કોણ રોકે?

કાંઈ પૃથિવી પુલકિત થાય,
         કે એને કોણ ટોકે!

આ વસન્તે ખીલતાં ફૂલડાં!
         એને કોણ રોકે?

કાંઈ ભમરા ગમ વિણ ગાય,
         કે એને કોણ ટોકે!

આ આંબે મ્હોરતી મંજરી,
         એને કોણ રોકે?

કાંઈ કોકિલ ઘેલો થાય,
         કે એને કોણ ટોકે!

આ અંગે યૌવન પાંગરે,
         એને કોણ રોકે?

કાંઈ ઉરમાં ઉર ન માય! —
         કે એને કોણ ટોકે!

(સકલ કવિતા, ૧૯૮૪, પૃ. ૧૪૪-૧૪૫)