અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`સ્નેહરશ્મિ'/કોણ રોકે!

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કોણ રોકે!

સ્નેહરશ્મિ

આ પૂનમની ચમકે ચાંદની,
         એને કોણ રોકે?

કાંઈ સાયર છલક્યા જાય
         કે એને કોણ ટોકે!

આ આષાઢી વરસે મેહુલો,
         એને કોણ રોકે?

કાંઈ પૃથિવી પુલકિત થાય,
         કે એને કોણ ટોકે!

આ વસન્તે ખીલતાં ફૂલડાં!
         એને કોણ રોકે?

કાંઈ ભમરા ગમ વિણ ગાય,
         કે એને કોણ ટોકે!

આ આંબે મ્હોરતી મંજરી,
         એને કોણ રોકે?

કાંઈ કોકિલ ઘેલો થાય,
         કે એને કોણ ટોકે!

આ અંગે યૌવન પાંગરે,
         એને કોણ રોકે?

કાંઈ ઉરમાં ઉર ન માય! —
         કે એને કોણ ટોકે!

(સકલ કવિતા, ૧૯૮૪, પૃ. ૧૪૪-૧૪૫)