ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જામાસ્પ

Revision as of 11:27, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જામાસ્પ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ - અવ. ઈ.૧૮૨૧] : પારસી દસ્તુર. આશાના અવટંક કે પિતાનામ. નવસારીના વતની. ઈ.૧૭૧૯માં હયાત હોવાની માહિતી નોંધાયેલી છે તેમ જ ઈ.૧૭૪૦માં સોનગઢમાં ગંગાજીરાવ ગાયકવાડ સમક્ષ એક અરજી રજૂ કરી હતી. મૌલવીઓ તેમ જ હિંદુ પંડિતો પાસેથી ફારસી, અરબી, સંસ્કૃત, જ્યોતિષ, વૈદક તથા રમલનો અભ્યાસ કરનાર આ વિદ્વાન ભરૂચના નવાબના સંસર્ગમાં આવેલા. જૂના ગ્રંથોના લેખન અને સંશોધનનું કાર્ય હાથ ધરી એમણે પોતાનું મોટું ગ્રંથાલય ઊભું કર્યું હતું. પ્રગતિશીલ સુધારક તરીકે પારસીકોમના રૂઢિચુસ્ત વાતાવરણને દૂર કરવામાં એમણે ભાગ ભજવ્યો હતો. ક્રાંતિકારક વિચારોથી ખળભળાટ મચાવનાર ‘રેવાયત’ તથા કાવ્યકૌશલમાં ફારસી અને મુસ્લિમ કવિઓની બરાબરી કરનાર ‘દિવાન-એ-જામાસ્પ’ એ કાવ્યગ્રંથ ફારસીમાં છે કે ગુજરાતીમાં તે સ્પષ્ટ થતું નથી. પરંતુ આ કવિએ પહેલવી, ફારસી યશ્તો અને સંસ્કૃત શ્લોકોની તથા મુખમ્મસો, મુસદ્સો, મોનાજાતો અને ગઝલોની રચના કરી હોવાની તેમ જ ‘યશ્તો’ અને બીજા અનેક ધાર્મિક પુસ્તકોના ગુજરાતી અનુવાદ કર્યા હોવાની માહિતી નોંધાયેલી છે. સંદર્ભ : પારસી સાહિત્યનો ઇતિહાસ, પીલાં ભીખાજી, મકાટી, ઈ.૧૯૪૯.[ર.ર.દ.]