દેવદાસ/પ્રકરણ ૧

Revision as of 17:54, 14 August 2022 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વૈશાખની બપોર હતી. તાપનો કંઈ પાર નહોતો. ઉકળાટ માતો નહોતો. બરાબર એ વખતે મુખરજીનો દેવદાસ નિશાળના ઓરડામાં એક ખૂણે ફાટેલી સાદડી ઉપર બેઠો બેઠો, હાથમાં સ્લેટ રાખી, આંખો ઉઘાડબંધ કરી, પગ લાંબા કરી, બગાસું ખાઈ આખરે ખૂબ વિચારમાં પડી ગયો. થોડી વારમાં જ તેણે નક્કી કર્યું કે આ પરમ રમણીય સમયે ખેતરમાં પતંગ ઉડાડતા ફરવાને બદલે નિશાળમાં ગોંધાઈ રહેવું કેટલું નિરર્થક છે ! ફળદ્રુપ ભેજામાં એક ઉપાય પણ ફૂટી નીકળ્યો, હાથમાં સ્લેટ લઇ તે ઊભો થઇ ગયો. નિશાળમાં બપોરની છુટ્ટી પડી હતી. ટોળાબંધ છોકરા ચિત્ર-વિચિત્ર હાવભાવ અને અવાજો કરતાં પાસે આવેલા વડની નીચે ગિલ્લીડંડા રમતાં હતાં. દેવદાસ એ તરફ એક વાર જોયું. બપોરની છુટ્ટી તેને મળતી નહોતી, કારણ કે ગોવિંદ પંડિતે અનેક વાર જોયું હતું કે એક વાર નિશાળમાંથી બહાર ગયા પછી ફરીથી પાછા આવવું દેવદાસને બિલકુલ નાપસંદ હતું. તેના બાપની પણ મના હતી. આમ જુદાં જુદાં કારણોને લીધે એવું નક્કી થયું હતું કે છુટ્ટીના વખતમાં તેણે વડા નિશાળિયા ભૂલોના તાબામાં રહેવું. એ વખતે ઓરડામાં માત્ર પંડિતમહાશય બપોરના આળસથી આંખો બંધ કરી સૂતા હતા, અને વડો નિશાળીયો ભૂલો એક ખૂણામાં, ભાંગેલા પાયાવાળા એક તૂટેલા બાંકડા ઉપર, નાના સરખા પંડિતનો સાજ સજી બેઠો હતો. વચ્ચે વચ્ચે અત્યંત તિરસ્કારપૂર્વક તે કદીક છોકરાઓની રમત જોતો હતો. અથવા કદીક દેવદાસ અને પાર્વતીની ભણી આળસભરી દ્રષ્ટિ ફેંકતો હતો. પાર્વતી આ મહિનોમાસ થયાં પંડિતમહાશય પાસે ભણવા માટે આવી હતી. પંડિતમહાશયે આ થોડા સમયમાં જ તેનું અતિશય મનોરંજન કર્યું હતું, તેથી જ અત્યારે તે એકાગ્રચિત્તે, અત્યંત ધીરજપૂર્વક સૂતેલા પંડિતજીની પ્રતિકૃતિ બાળપોથીના છેલ્લા પાના ઉપર શાહી વડે ચીતરતી હતી, અને કુશળ ચિત્રકારની માફક ઘણી ઘણી રીતે તપાસી જોતી હતી કે તેનું આ વ્હાલસોયું ચિત્ર આદર્શને કેટલું મળતું આવતું હતું. બહુ કંઈ મળતું આવતું હતું એમ નહિ, પરંતુ પાર્વતીને એમાંથી જ પૂરતો આનંદ અને આત્મસુખ મળતાં હતાં. એ જ વખતે દેવદાસ સ્લેટ હાથમાં લઈને આવ્યો. તેણે ભૂલોને બૂમ મારી કહ્યું, “દાખલો થતો નથી.” ભૂલો શાંત ગંભીર મુખે બોલ્યો, ‘કયો દાખલો?’ ‘મણના હિસાબનો-” “સિલેટ જોઉં-” એનો અર્થ એટલો કે ગમે તે બહાને એના હાથમાં સ્લેટ આવે એટલી જ વાર. દેવદાસ તેના હાથમાં સ્લેટ મૂકીને પાસે ઊભો રહ્યો. ભૂલો મોટેથી બોલીને લખવા લાગ્યો. “એક મણ તેલની કિંમત જો ચૌદ રૂપિયા, નવ આના, ત્રણ પાઈ થાય તો-” એવામાં એક કૌતુક થયું, ભાગ્યાંતૂટ્યા બાંકડા ઉપર વડો નિશાળિયો તેના પદને શોભે તેવી રીતે આસન માંડીને નિયમ પ્રમાણે આજ ત્રણ વરસ થયાં હરહંમેશ બેસતો આવ્યો છે. તેની પાછળ એક ચૂનાનો ઢગલો પડેલો હતો. પંડિતમહાશયે કોણ જાણે ક્યા જમાનામાં એ સસ્તે ભાવે ખરીદી રાખ્યો હતો. વિચાર હતો- વખત સારો આવ્યેથી પાકું મકાન ચણાવશે. ક્યારે એ શુભ અવસર આવશે એ તો કોણ જાણે ! પરંતુ એ સફેદ ચૂના માટે તેની કાળજી અને પ્રીતિ અપાર હતી. કોઈ અવ્યવહારુ, પરિણામના ભાન વિનાનો, કરમફૂટ્યો બાળક એમાંની એક કણ પણ નકામી બગડે નહિ એટલા ખાતર તો પોતાના પ્રિય શિષ્ય અને જરા મોટી ઉંમરના ભોલાનાથ ઉપર આ જતન કરી સાચવેલા ચૂનાની દેખરેખ રાખવાનો ભાર નાખવામાં આવ્યો હતો અને એટલા માટે જ ભૂલો બાંકડા ઉપર બેસીને એની ચોકી કર્યા કરતો. ભોલાનાથ દાખલો લખતો હતો- “એક મણ તેલની કિંમત જો ચૌદ રૂપિયા, નવ આના ત્રણ પાઈ થાય તો -ઓ રે, બાપ રે,-” ત્યાર બાદ ખૂબ બુમરાણ મચી ગયું. પાર્વતી અત્યંત મોટે અવાજે ચિચિયારી પાડતી, તાળીઓ પડતી, જમીન ઉપર આળોટી પડી. તરતના જાગેલા ગોવિંદ પંડિત લાલઘૂમ આંખે સફાળા ઉઠી ઉભા થઇ ગયા. જોયું તો ઝાડ નીચેનાં છોકરાંનાં જૂથ એકદમ હારબંધ હોહા કરતાં દોડતાં હતાં. વળી તરત જ એમની નજરે પડ્યું કે ભાગેલાં બાંકડા ઉપર બે પગ કૂદાકૂદ કરે છે અને ચૂનાના ઢગલામાં તો જાણે જ્વાળામુખી ફાટ્યો હોય એવું લાગે છે. પંડિતમહાશયે રાડ નાંખી, “શું-શું-શું થયું રે?” જવાબ આપે એવી માત્ર પાર્વતી હતી. પરંતુ એ વખતે તે પણ જમીન ઉપર આળોટતી પડી હતી અને તાલીઓ બજાવતી હતી. પંડિતમહાશયે ક્રોધપૂર્વક ફરીથી એનો એ નકામો પ્રશ્ન કર્યો, “શું-શું-શું થયું રે?” થોડાવારે સફેદ ભૂત જેવો ભોલાનાથ ચૂનો ખંખેરતો ઊઠી ઊભો થયો. પંડિતમહાશયે વળી પાછી રાડ નાખી : “બદમાશ તું ! અલ્યા તું? આ તારા કરતૂક છે !” “એં-એં-એં-“ “વળી પાછો-“ “દેવા સાલાએ-ધક્કો મારી-એં-એં-મણના હિસાબનો-દાખલો” “વળી પાછો, બદમાશ !” પણ ઘડીક પછી પંડિતજી બધી હકીકત સમજી ગયા. સાદડી ઉપર બેસી પૂછવા લાગ્યા, “દેવો ધક્કો મારી ભાગી ગયો?” ભૂલો વળી વધારે રડવા લાગ્યો. “એં-એં-એં-” ત્યાર પછી થોડી વાર લગી એણે ચૂનો ખંખેર્યા કર્યો. સફેદ ભૂખરો બનેલો વડો નિશાળિયો કંઇક ભૂતના જેવો દેખાવા લાગ્યો. છતાં તેનું રડવું બંધ રહ્યું નહિ. પંડિત બોલ્યા, “હું એને સજા કરીશ.” ભૂલો તો રડતો જ રહ્યો. “એં-એં-એં-” પંડિતે પૂછ્યું, “બધા છોકરા ક્યાં?” એટલામાં છોકરાંનું ટોળું રાતાચોળ મોઢે હાંફતું હાંફતું પાછું આવ્યું. કહેવા લાગ્યું, “દેવો હાથમાં આવ્યો નહિ. ઉફ-એ ઈંટ ફેંકી-?” “હાથમાં આવ્યો નહિ?” બીજા એક બાળકે પૂર્વકથાનો પડઘો પાડ્યો, “ઉફ-જે-” “ઊભો રહે, બેટા-” તે ઘૂંટડો ગળી જઈ એક બાજુએ ખસી ગયો. નિષ્ફળ ક્રોધ કરી પંડિતમહાશયે પહેલાં પાર્વતીને ધમધમાવી નાંખી. પછી ભોલાનાથનો હાથ પકડી કહ્યું, “ચાલ તો એક વાર કચેરીમાં,* એના બાપને કહી આવીએ.” એટલે કે, જમીનદાર નારાયણ મુખરજી પાસે તેમના પુત્રના પરાક્રમની ફરિયાદ કરવા જવું. એ વખતે આશરે ત્રણ વાગ્યા હતા. નારાયણ મુખરજી બહાર બેસીને હુક્કો ગગડાવતા હતા, અને એક નોકર હાથમાં પંખો લઇ તેમને વા નાખતો હતો. વિદ્યાર્થી સાથે પંડિતને અસમયે આવતા જોઈ થોડાક આશ્ચર્યસહિત તેમણે પૂછ્યું, “ગોવિંદ કંઈ?” ગોવિંદ જાતે કાયસ્થ હતા. સાષ્ટાંગ પ્રણામ કરી ભૂલોને બતાવી બધી વાત વિસ્તારપૂર્વક કહી સંભળાવી, મુખરજી મહાશય ખૂબ ખિજાયા; બોલ્યા, “એમ કે? દેવદાસ કહ્યામાં રહ્યો નથી લાગતો !” “શું કરું, આપ ફરમાવો.” જમીનદાર બાબુએ હૂકાની નેહ બાજુ પર રાખી કહ્યું, *જમીનદારની ઓફિસ-પેઢી. “એ, ગયો ક્યાં?” “શી ખબર પડે? જે પકડવા ગયા એમને ઈંટ મારી ભગાડ્યા.” બંને જણા થોડી વાર ચૂપ રહ્યા. પછી નારાયણબાબુ બોલ્યા, “ઘેર આવે પછી એની વાત છે!” ગોવિંદ પંડિત વિદ્યાર્થીનો હાથ પકડી નિશાળે પાછા આવ્યા. તેમનું મોં અને આંખોનો ભાવ જોઈ આખી નિશાળ કંપી ઉઠી. સૌંએ નક્કી કર્યું કે, “દેવદાસના પિતા ભલેને અહીંના જમીનદાર હોય, તેથી શું? એને હવે નિશાળમાં પગ મૂકવા નહિ દે!” એ દિવસે નિશાળ જરા વહેલી છૂટી. જતી વખતે છોકરાંઓ ખૂબ વાતો કરવા લાગ્યાં. એક જાણે કહ્યું, “ઉફ ! દેવો કેવો સાંઢ જેવો છે, જોયો કે?” બીજા એક જણે કહ્યું, “ભૂલોને બરાબર સપડાવ્યો.” “આહ !કેવા કમાલ પથરા ફેંકે છે !” બીજા એક જણે ભૂલોનો પક્ષ લઇ કહ્યું, “ભૂલો સાટું ના વાળે તો જોજે !” “છટ, એ હવે નિશાળે આવશે તો ને ?” આ નાની ટોળાની એક પડખે પાર્વતી પણ ચોપડી-સ્લેટ લઈને ઘેર જતી હતી. પાસેના એક છોકરાનો હાથ પકડીને એણે પૂછ્યું, “મણિ, દેવદાસને હવે નિશાળે સાચેસાચ નહિ આવવા દે?” મણિએ કહ્યું, “ના કદી પણ નહિ.” પાર્વતી ચાલી ગઈ. વાત એને બરાબર ગમી નહિ. પાર્વતીના પિતાનું નામ નીલકંઠ ચક્રવર્તી હતું. ચક્રવર્તીમહાશય જમીનદારના પડોશી હતા- મુખરજીમહાશયના મોટા બંગલાની બાજુમાં જ તેમનું નાનું અને જૂની ઢબનું ઈંટેરી મકાન હતું. તેમને પાંચદસ વીઘાં જમીન હતી. બેચાર ઘર યજમાનનાં હતાં. જમીનદારના ઘરની હૂંફ હતી. સ્થિતિ સારી હતી- દિવસો સુખમાં જતા. ઘેર આવતાંવેંત પાર્વતીને ધર્મદાસ મળ્યો. તે દેવદાસના ઘરનો ચાકર હતો. દેવદાસ એક વરસનો હતો ત્યારથી તે આજે બાર વરસનો થયો ત્યાં લાગી એ તેની જ સારવારમાં હતો. રોજ નિશાળે મૂકી આવતો અને નિશાળ છૂટતાં ઘેર તેડી લાવતો. એ કામ તે નિયમિત રીતે કરતો, અને આજે પણ એટલા જ માટે નિશાળે જતો હતો. પાર્વતીને જોઇને એણે પૂછ્યું, “કેમ રે, પારુ ! તારા દેવદાદા ક્યાં?” “એ તો નાસી ગયા છે.” ધર્મદાસ ભારે આશ્ચર્ય પામી બોલ્યો, “નાસી ગયા છે, હેં ?” તરત જ પાર્વતી ભોલાનાથની દુર્દશાની વાત યાદ કરી વળી પાછી નવેસરથી હસવા મંડી પડી. “જો ધર્મ, દેવદા,.....હી....હી. હીહી-એકદમ ચૂનાના ઢગલામાં...હી..હી..હૂહૂ- એકદમ ધર્મ, એને ચત્તો નાખીને-”

ધર્મદાસ બધી વાત ન સમજવા છતાં પણ પાર્વતીનું હસવું જોઈ પોતે પણ જરાક હસ્યો, પછી હસવું ખાળી આગ્રહપૂર્વક પૂછ્યું, “બોલ તો પારુ ! થયું છે શું ?” “દેવદા ધક્કો મારીને- ભૂલોને- ચૂનાના ઢગલામાં- હીહીહી. . . . ધર્મદાસ આ વખત બાકીનું સમજી ગયો, અને ખૂબ ચિંતામાં પડી ગયો. બોલ્યો, “પારુ, અત્યારે એ ક્યાં છે, જાણે છે ?” “હું શું જાણું ?” “તું જાણે છે- કહી દે. અરે, એને કેટલી બધી ભૂખ લાગી હશે !” “ભૂખ તો લાગી જ હશે- પણ હું કંઈ કહેવાની નથી.” “કેમ કહેવાની નથી ?” “કહું તો મને એ બહુ મારે. હું ખાવાનું આપી આવીશ.” ધર્મદાસને થોડોક સંતોષ વળ્યો તેણે કહ્યું, “તો આપી આપજે, ને સાંજ પહેલાં સમજાવીપટાવીને, ઘેર બોલાવી લાવજે.” “ભલે !” ઘેર આવી પાર્વતીએ જોયું કે તેની બા અને દેવદાસની બા બંનેએ બધી વાત સાંભળી છે છતાં તેમણે ફરી એની એ વાત પૂછી. પાર્વતીએ હસીને ગંભીર બની જઈ બને તેટલું કહ્યું. પછી લૂગડાને છેડે મમરા બાંધીને જમીનદારની એ આંબાવાડીમાં ગઈ. વાડી તેના ઘરની પાસે જ હતી અને એની જ પડખે એક વાંસઝાડી હતી. પાર્વતીને ખબર હતી કે છાનામાના હૂકો પીવા માટે દેવદાસે એ જ વાંસઝાડીમાં થોડીક જમીન સાફ કરી રાખી હતી; નાસી જઈ સંતાઈ રહેવા માટે એ જ તેનું ગુપ્ત સ્થાન હતું. અંદર દાખલ થઇ પાર્વતીએ જોયું તો ઝાડીની વચમાં દેવદાસ નાનો સરખો હૂકો હાથમાં લઈને બેઠો છે અને ઠરેલ માણસની માફક હૂકો ગગડાવે છે. મોં ગંભીર છે, ઉપર પુષ્કળ ચિંતાની રેખા દેખાઈ આવે છે. પાર્વતીને જોઈ તેને અંતરમાં ખૂબ આનંદ થયો, પણ બહાર દેખાવા દીધો નહિ. હૂકો પીતાં પીતાં ગંભીર ભાવે તે બોલ્યો, “આવ.” પાર્વતી પાસે આવી બેઠી, લૂગડાને છેડે કંઇક બાંધેલું હતું એમ તરત જ દેવદાસની આંખોએ જોઈ લીધું. કશું પૂછયા વિના તેણે ખાવા માંડ્યું. “પારુ ! પંડિતમહાશય શું બોલ્યા?” “મોટા કાકાને જઈ કહી આવ્યા છે.” દેવદાસ હૂકો મૂકી દઈ આંખો ફાડી બોલ્યો, “બાપુને કહી આવ્યા?” “હા.” “પછી?” “તમને હવે નિશાળમાં પેસવા નહિ દે.” “મારે ભણવુંય નથી.” એવામાં તેનું ખાવાનું લગભગ પૂરું થવા આવ્યું, દેવદાસ પાર્વતીના મોં ભણી જોઈને બોલ્યો, “સંદેશ* આપ.” “સંદેશ તો લાવી નથી.” “તો પાણી આપ.” “પાણી ક્યાંથી લાવું ?” ખિજાઈને દેવદાસ બોલ્યો, “કશું નથી, તો આવી છે શું કરવા? જા, પાણી લઇ આવ.” તેનો રુક્ષ સ્વર પાર્વતીને ગમ્યો નહિ; તેણે કહ્યું, “હું હવે નથી લેવા જવાની- તમે જાતે પાણી પીવા આવો, ચાલો.” “મારાથી તે હવે અવાય કે ?” “તો શું અહીંયાં જ રહેશો ?” “અહીં જ રહીશ, પછી વળી ચાલ્યો જઈશ.” પાર્વતીનું મન ખાટું થઇ ગયું. દેવદાસનો સ્મશાનવૈરાગ્ય જોઇને અને બોલવું સાંભળીને તેની આંખમાં પાણી આવ્યાં. તે બોલી, “દેવદા, હું પણ આવીશ.” “ક્યાં ? મારી સાથે ? જા, જા, એમ તે કંઈ થાય?” પાર્વતીએ માથું ધુણાવી કહ્યું, “આવીશ જ.” “ના, નથી આવવાનું. તું પહેલાં પાણી લઇ આવ-” પાર્વતી ફરી માથું ધુણાવી બોલી, “હું આવીશ જ.” “પહેલાં પાણી લઇ આવ.” “હું કંઈ જતી નથી – એટલામાં તમે ભાગી જાઓ તો ?” “ના, નહિ જાઉં.” પરંતુ પાર્વતીને વિશ્વાસ આવ્યો નહિ, એટલે બેસી રહી. દેવદાસે ફરી હુકમ કર્યો, “જા, કહું છું-”

  • પેંડા જેવી એક પ્રકારની મીઠાઈ.

“ના, મારાથી નહિ જવાય.” ચિડાઈ જઈ દેવદાસે પાર્વતીના વાળ પકડ્યા, ખેંચ્યા અને ધમકાવવા લાગ્યો. “જા, કહું છું-” પાર્વતી મૂંગી રહી. ત્યાર બાદ તેની પીઠ ઉપર એક ગુંબો પડ્યો, “નથી જવું?” પાર્વતી રડી પડી, “હું કેમે કરી નહિ જાઉં.” દેવદાસ એક બાજુ ચાલ્યો ગયો, પાર્વતી પણ રડતી રડતી એકદમ દેવદાસના પિતાની પાસે આવી. મુખરજી મહાશય પાર્વતીને ખૂબ ચાહતા. તેઓ બોલ્યા, “પારુ, રડે છે શું કરવા, મા?” “દેવદાસે મારી.” “ક્યાં છે એ ?” “પેલી વાંસઝાડીમાં બેઠો બેઠો હૂકો પીએ છે.” એક તો પંડિતમહાશયે કરેલી વાતથી તેમને ખૂબ દાઝ ચડી હતી. તેમાં વળી અત્યારે આ વાતે તેમને એકદમ સળગાવી મૂક્યા; બોલ્યા, “દેવો હૂકો પીએ છે એમ?” “હા, પીએ છે, રોજ પીએ છે. વાંસઝાડીમાં તેમનો હૂકો સંતાડેલો છે.” “આટલા દિવસ મને કહ્યું કેમ નહિ?” “દેવદાદા મારે એટલે.” પણ ખરી વાત એ નહોતી. કહી દે તો દેવદાસને રખેને સજા ખમવી પડે એ જ બીકે તેણે કશી વાત કરી નહોતી. આજે માત્ર રીસમાં ને રીસમાં જ તેણે બધું કહી નાખ્યું હતું. હજી તો આખી આઠ વરસની છોકરી- આ ઉંમરે તો રીસ ભારે જ હોય ને ! પણ તેની વિવેકબુદ્ધિય કઈ ઓછી નહોતી. ઘેર જઈ પથારીમાં પડ્યાં પડ્યાં એણે રડીને ઘણો સમય પસાર કર્યો અણ પછી ઊંઘી ગઈ. રાતે કોળિયો ભાત સુધ્ધા તેણે ખાધો નહિ.