ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ દયારામ

Revision as of 06:25, 29 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પદ(દયારામ)'''</span> : દયારામનાં પદો (મુ.)નો વધુ લોકપ્રિય બનેલો ભાગ તો ‘ગરબી’ને નામે ઓળખાયેલી રચનાઓનો છે. દયારામનું વ્યક્તિ-ચિત્ર ઘણી વાર એને આધારે ઊભું કરવામાં આવે છ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પદ(દયારામ) : દયારામનાં પદો (મુ.)નો વધુ લોકપ્રિય બનેલો ભાગ તો ‘ગરબી’ને નામે ઓળખાયેલી રચનાઓનો છે. દયારામનું વ્યક્તિ-ચિત્ર ઘણી વાર એને આધારે ઊભું કરવામાં આવે છે. પરંતુ પરંપરાગત ભક્તિવૈરાગ્યબોધનાં પણ સેંકડો પદો દયારામ પાસેથી મળે છે, અને એ પદો આપણી સમક્ષ દયારામની એક જુદી છબી રજૂ કરે છે. એમાં મુક્તિને સ્થાને ભક્તિની જ આકાંક્ષા, જ્ઞાનનો તિરસ્કાર અને પ્રેમમાર્ગનો મહિમા, અનન્યનિષ્ઠા, ઈશ્વરના પ્રગટ સ્વરૂપનો આદર-એ પુષ્ટિમાર્ગસંમત ખ્યાલો વ્યક્ત થયા છે તે ઉપરાંત આત્મગ્લાનિ, દીનતા, વિરક્તતા, આતિ, ઇશ્વર-શરણ્યતા, નિશ્ચિતતા, નિર્મળતા આદિ મનોભાવો હૃદયસ્પર્શી રીતે વ્યક્ત થયા છે. સઘળાં પદો દૃષ્ટાંતોના વિનિયોગ, પ્રાસાદિક ભાવવાહી અભિવ્યક્તિ અને કવચિત પ્રાસાનુપ્રાસની લીલાથી ધ્યાન ખેંચે છે. જીવ-બ્રહ્મની એકતાને માનનાર વિશે કવિ કહે છે કે “છતે સ્વામીએ સૌભાગ્યનું સુખ સ્વપ્ને ન દેખ રે” ને પોતાના મનને એક વખત ઢણકતું ઢોર કહી આત્મશિક્ષાની વાત કરે છે. તો બીજી વખત વૈરાગ્યભાવથી મનજી મુસાફરને પોતાના દેશ ભણી જવા ઉદ્બોધે છે. “જે કોઈ પ્રેમ-અંશ અવતરે પ્રેમરસ તેના ઉરમાં ઠરે” ને “વ્રજ વહાલું રે વૈકુંઠ નહીં આવું” જેવાં કેટલાંક પદો તો લોકજીભે પણ ચડેલાં છે.[જ.કો.]