ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રીતમ-૧ પ્રીતમદાસ

Revision as of 06:40, 1 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પ્રીતમ-૧/પ્રીતમદાસ [જ. ઈ.૧૭૧૮-અવ. ઈ.૧૭૯૮/સં. ૧૮૫૪, વૈશાખ વદ ૧૨, મંગળવાર] : જ્ઞાની ને ભક્તકવિ. જન્મ સૌરાષ્ટ્રના ચૂડા (રાણપુર)માં. જ્ઞાતિએ બારોટ. પિતા પ્રતાપસિંહ. માતા જેકુંવરબાઈ.નાની ઉંમરે ગૃહત્યાગ કરી ચૂડના રઘુનાથજીના મંદિરમાં ગુરુ ભાઈદાસજી પાસે રામાનન્દી સાધુ તરીકે એમણે દીક્ષા લીધી. ઈ.૧૭૬૧માં ચરોતરના સંદેસર ગામે આવી નિવાસ કર્યો અને મૃત્યુપર્યંત ત્યાં જ રહ્યા. ભાઈદાસજી સિવાય એમના બીજા ગુરુઓ પણ હતા, જેમાં તેમને શાંકરભાષ્ય, ભાગવત જેવા ગ્રંથોનું જ્ઞાન આપનાર નડિયાદના ‘જનગોવિંદ’ કે ગોવિંદરામનું સ્થાન મહત્ત્વનું છે. પ્રીતમે ગુજરત અને સૌરાષ્ટ્રનાં વિવિધ સ્થળોે અનેક મંદિરોની સ્થાપના કરી ત્યાં પોતના શિષ્યોને મહંત બનાવ્યા હતા. તેઓ અંધ હતા એવી માન્યતા એમણે સ્થાપેલાં મંદિરોનાં શિષ્યસમુદાયમાં પ્રચલિત છે. કવિને સંસ્કૃતનું જ્ઞાન હશે અને એમણે કેટલાક ધર્મગ્રંથોનો અભ્યાસ પણ કર્યો હશે એમ એમણે કરેલા અનુવાદો પરથી લાગે છે. જો કે, એમની કવિતા સંતપરંપરામાંથી મળેલા જ્ઞાનથી વધારે પ્રભાવિત છે. તેઓ માયાના બંધનમાંથી મુક્ત થવાનો, સદ્ગુરુનાં ચરણ સેવવાનો, સંતજનનો સત્સંગ કરવાનો અને એ દ્વારા સ્વને ઓળખી નિર્ગુણ બ્રહ્મને પામવાનો બોધ કરે છે, તો બીજી તરફ ભાગવત અને પ્રેમલક્ષણા ભક્તિની કવિતાનો પ્રભાવ ઝીલી વિપુલ પ્રમાણમાં કૃષ્ણભક્તિની કવિતા લખી ભક્તિનો મહિમા પણ કરે છે. એટલે એમની કવિતામાં જ્ઞાન અને ભક્તિ બન્નેનો મહિમા સમાંતરે થતો દેખાય છે. ગુજરાતી અને સાધુશાઈ હિન્દીમાં રચાયેલી કવિની કવિતા અનેક સ્વરૂપોમાં વિસ્તરેલી છે. તેમાં સૌથી લાંબી ૨૦ વિશ્રામમાં રચાયેલી ‘સરસ-ગીતા’  (ર.ઈ.૧૭૭૫/સં. ૧૮૩૧, અસાડ સુદ ૩, સોમવાર; મુ.) જાણીતા ઉદ્ધવ-ગોપી પ્રસંગને વિષય તરીકે લઈ રચયેલી ભકતિનો માહિમા કરતી ધ્યાનપાત્ર ભ્રમરગીતા છે. ૭ વિશ્રામની ગુરુશિષ્યસંવાદ રૂપે રચાયેલી કાયાકમળના રૂપકથી યોગમાર્ગની પરિભાષામાં ઈશ્વરના સ્વરૂપને વર્ણવતી ‘જ્ઞાન-ગીતા’ (ર.ઈ.૧૭૮૫/સં. ૧૮૪૧ અસાડ વદ ૨, રવિવાર; મુ.)માં દરેક મનુષયને સ્વ-રૂપને ઓળખવાનો બોધ છે. ‘કક્કો-૧’(મુ.), ‘કક્કો-૨’ (ર.ઈ.૧૭૭૬/સં. ૧૮૩૨, ચૈત્ર સુદ ૭, સોમવાર; મુ.), ૫ મહિનામાંથી લોકપ્રિય બનેલા સોરઠ રાગના ‘મહિના-૧’ (ર.ઈ.૧૭૮૨/સં. ૧૮૩૮, ચૈત્ર વદ ૭, ગુરુવાર; મુ.), ગરબી ઢાળની ચોસરમાં રચાયેલા ‘મહિના-૩/જ્ઞાનમાસ’ (ર.ઈ.૧૭૭૩/સં. ૧૮૨૯, શ્રાવણ સુદ ૭, રવિવાર; મુ.) તથા ‘મહિના-૨(મુ.) વૈરાગ્યબોધક છે, તો ૨ મહિના(મુ.) રાધા-વિરહનાં છે. ૬ તિથિઓમાંથી ૫ તિથિઓ વૈરાગ્યબોધની અને ૧ કૃષ્ણભક્તિની છે. પરંતુ કવિની વિશેષ ધ્યાનાર્હ રચનાઓ એમનાં હિન્દી અને ગુજરાતીમાં રચાયેલાં સાખીઓ અને પદો છે કવિની ૭૩૨ સાખીઓ  માંથી (મુ.) ‘ચેતવણી-૨’ની ૯૫ સાખીઓ ગુજરાતીમાં છે અને બાકીની સાધુશાઈ હિન્દીમાં છે. તેમાં કવિના જ્ઞાન, ભક્તિ વૈરાગ્ય ઇત્યાદિ વિશેના વિચારો સંકલિત રૂપે રજૂ થયા છે. અત્યારે મુદ્રિત રૂપે ઉપલબ્ધ ૫૧૫ જેટલાં પદ  (મુ.) થાળ, આરતી, ગરબી, ગરબો એમ વિવિધ સ્વરૂપે મળે છે. વૈરાગ્યબોધ અને કૃષ્ણભક્તિવિષયક આ પદો એમાંનાં લોકગમ્ય દૃષ્ટાંતો-રૂપો, વિવિધ રાગઢાળ, ચોટદાર ધ્રુવપંક્તિઓથી લોકપ્રિય બન્યાં છે. કવિની ૫૯ કડીની ‘પ્રેમપ્રકાશ સુડતાળો કાળ’ (ર.ઈ.૧૭૯૧)/સં. ૧૮૪૭, ભાદરવા-૧૪, બુધવાર; મુ.) તત્કાલીન દુષ્કાળની ઘટનાને વિષય તરીકે લઈ રચાયેલી હોવાને લીધે ઉલ્લેખપાત્ર બનતી ભક્તિમૂલક રચના છે. ૧૧ ‘ચેતવણીઓ/‘ચિંતામણિ’(મુ.), ૬૩ કડીની ‘બ્રહ્મલીલા’ (ર.ઈ.૧૭૯૧/સં. ૧૮૪૭, ચૈત્ર સુદ ૯, સોમવાર; મુ.), ૪૫ કડીની ‘જ્ઞાન-પ્રકાશ’ (ર.ઈ.૧૭૯૦/સં. ૧૮૪૬, શ્રાવણ સુદ ૯, સોમવાર; મુ.), ૯ કડીની ‘સપ્તશ્લોકી-ગીતા’ (મુ.), ૫૫ કડીની કળિયુગની લીલાને વર્ણવતી ‘વિનય-સ્તુતિ’(મુ.), ૬૮ કડીની ‘વિનયદીનતા’ (ર.ઈ.૧૭૯૨/સં. ૧૮૪૮, અસાડ સુદ ૧; મુ.), ૧૬ કડીનું ‘શ્રીકૃષ્ણાષ્ટક’ (મુ.), ‘બોડાણો/રણછોડરાયજીના શલોકા’ના ૪ ગરબા(મુ.), ૨ ‘ગુરુમહિમા’(મુ.), ૨ ‘વાર’(મુ.), ‘રસવિલાસ’ ઇત્યાદિ કવિની ગુજરાતી અને હિન્દીમાં રચાયેલી, જ્ઞાનવૈરાગ્ય અને ભક્તિની અન્ય રચનાઓ છે. ભગવદ્ગીતાના ૧૮ અધ્યાયનો દુહામાં કવિએ કરેલો પ્રાસાદિક અનુવાદ ‘ભગવદ્ગીતા/પ્રીતમ-ગીતા (ર.ઈ.૧૭૯૬/સં. ૧૮૫૨, ભાદરવા વદ ૩, સોમવાર; મુ.) તથા ભાગવતના એકાદશસ્કંધનો દુહા-ચોપાઈમાં કરેલો ભાવાનુવાદ (ર.ઈ.૧૭૮૯/સં. ૧૮૪૫, પોષ સુદ ૧૫; મુ.) - એ એમના અનુવાદગ્રંથો છે. એમને નામે ચડેલો ‘અધ્યાત્મ રામાયણ’(મુ.) ગ્રંથ વાસ્તવમાં કવિ રાઘવદાસ-૧નો છે. કૃતિ : ૧. અધ્યાત્મ રામાયણ, સં. હરગોવિંદદાસ કાંટાવાળા, સં. ૧૯૮૯; ૨. પ્રીતમકાવ્ય-૧, સં. નારણભાઈ શંકરભાઈ, ઈ.૧૯૦૭; ૩. પ્રીતમદસની વાણી, સં. ભિક્ષુ અખંડાનંદ, ઈ.૧૯૨૫ (+સં.); ૪. પ્રીતમદાસની વાણી તથા કાવ્ય, મનસુખલાલ ર. ભટ્ટ, ઈ.૧૯૨૪;  ૫. બૃકાદોહન : ૧, ૨, ૩, ૪;  ૬. વિદ્યાપીઠ, નવે-ડિસે. ૧૯૬૯થી જાન્યુ.-ફેબ્રુ. ૧૯૭૨ - ‘પ્રીતમકૃત શ્રીમદ્ ભગવતનો એકાદશસ્કંધ’ અશ્વિનભાઈ ડી. પટેલ. સંદર્ભ : ૧. પ્રીતમ એક અધ્યયન, અશ્વિનભાઈ ડી. પટેલ, ઈ.૧૯૭૯;  ૨. કવિચરિત:૩; ૩. ગુસાઇતિહસ: ૨; ૪. ગુસામધ્ય; ૫. સસામળા;  ૬. ગૂહાયાદી; ૭. ડિકૅટલૉગબીજે.[ર.શુ.]