ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/‘પ્રેમપરીક્ષા’

Revision as of 06:47, 1 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


‘પ્રેમપરીક્ષા’ : દયારામકૃત ૨૯ કડીનો આ ગરબો(મુ.) ગોપીની ઉદ્ધવ પ્રત્યેની ઉક્તિ રૂપે રચાયેલો છે. જ્ઞાનયોગનો બોધ કરવા ગયેલા ઉદ્ધવની પાસે જ્ઞાનયોગને સ્થાને કૃષ્ણ પ્રત્યેની પ્રીતિની જ ગોપી ઝંખના કરે છે અને તે પણ કૃષ્ણના પ્રત્યક્ષ રૂપની. પ્રગટ ઈશ્વરની પુષ્ટિમાર્ગીય માન્યતા વ્યક્ત કરતાં ગોપી કહે છે - “તમારા તો હરિ સઘળે રે, અમારા તો એક સ્થળે; તમો રીઝો ચાંદરણે રે, અમો રીઝું ચંદ્ર મળે.” કૃતિમાં ગોપી આ ભક્તિપ્રેમનું વિલક્ષણ સ્વરૂપ અનેક દ્યોતક દૃષ્ટાંતોની મદદથી માર્મિક રીતે સ્ફુટ કરે છે. આ પ્રેમની વાત એ જેણે અનુભવ્યો હોય એ જ જાણે-પ્રસૂતાની પીડા વંધ્યા કેવી રીતે જાણે ? એ બીજાને કહી પણ ન શકાય. પ્રેમીને જે દેખાય તે અન્યને ન દેખાય. પ્રીત કરવી પડતી નથી, એની મેળે જ બની આવે છે અને પછી છોડી છૂટતી નથી. સાચી પ્રીત અંતે પ્રાણ લે છે. પ્રેમીજનમાં લજ્જા, સુધબુધ, સામર્થ્ય ટકી શકતાં નથી-ભ્રમર વાંસને કોરી શકે છે,પણ કમળને ભેદી શકતો નથી. જેની સાથે મન મળ્યું છે તે સિવાય કશું પ્રેમીજનની નજરમાં ન આવે. આ નાનકડો ગરબો પ્રેમના ગૂઢ, ગહન સ્વરૂપની આ ઊંડી સમજ અને મનોરમ દૃષ્ટાંતકળાથી ધ્યાનપાત્ર બને છે.[જ.કો.]