ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાણદાસ

Revision as of 10:47, 5 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ભાણદાસ : [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : જ્ઞાનમાર્ગી કવિ. વૈષ્ણવ. પિતાનું નામ ભીમ. કૃષ્ણપુરીના શિષ્ય. આ કવિની યશોદા કૃતિ ‘હસ્તામલક’ (ર.ઈ.૧૬૫૧/સં.૧૭૦૭, જેઠ સુદ ૯, ગુરુવાર/શુક્રવાર; મુ.) મૂળ સંસ્કૃતગ્રંથને આધારે હસ્તામલક અને શંકરાચાર્ય વચ્ચેના સંવાદ દ્વારા કૈવલાદ્વૈતના સિદ્ધાંતોને સુગમ રીતે નિરૂપતી તથા જ્ઞાનચર્ચામાં કવિત્વની ચમક દર્શાવતી ૧૬ કડવાંની આખ્યાનકૃતિ છે. એવી જ બીજી જ્ઞાનમૂલક પર કડીની કૃતિ ‘અજગર-અવધૂત-સંવાદ’માં કવિએ આત્મજ્ઞાનની મહત્તા બતાવી છે. ભાણદાસનું ખરું કવિત્વ આદ્યશક્તિનો મહિમા કરતી એમની તત્ત્વલક્ષી ગરબીઓમાં પ્રગટ્યું છે. ગગનમંડળને ગાગરડીના રૂપકથી વર્ણવતી આ કવિની જાણીતી ગરબીમાં સૃષ્ટિનાં ભવ્ય તત્ત્વોને લલિત-રમણીય રૂપ આપતી જે કલ્પનાશક્તિ છે તે અન્ય ગરબીઓમાં પણ જણાય છે. આવી વિશેષતાથી અને સુગેયતાથી આ ગરબીઓ લોકપ્રિય પણ નીવડેલી છે. ગરબીઓમાં તત્ત્વજ્ઞાનના વિનિયોગની બાબતમાં તેમ જ આવાં ગેય પદો માટે ગરબી-ગરબો સંજ્ઞા યોજવામાં પણ ભાણદાસ પહેલા કવિ હોવાનું કહેવાયું છે. હસ્તપ્રતોમાં નોંધાયેલી ૭૧ ગરબીઓમાંથી કેટલીક મુદ્રિત છે. આ ઉપરાંત ભગાવતના છઠ્ઠા સ્કંધની કથા અનુસાર પ્રહ્લાદચરિત આપતું પણ જ્ઞાનચર્ચા તરફ વધારે ઝૂકતું, કાવ્યબંધમાં દુહા ને ચોપાઈ છંદને પ્રયોજતું ૨૧ કડવાંનું ‘પ્રહ્લાદાખ્યાન’ (ર.ઈ.૧૬૫૦/સં.૧૭૦૬, માગસર સુદ ૧૦, સોમવાર) એમની અન્ય કૃતિ છે. બારમાસી, નૃસિંહજી હમચી, હનુમાનજીની હમચી, જ્ઞાનવૈરાગ્ય અને ભક્તિનાં પદો પણ એમને નામે મળે છે. કૃતિ : *૧. પ્રહ્લાદાખ્યાન, સં. ગટુલાલ ધ. પંચનદી-; ૨. નકાદોહન; ૩. પ્રાકાસુધા : ૨; ૪. બૃકાદોહન : ૪. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. ગુમાસ્તંભો; ૫. પાંગુહસ્તલેખો;  ૬. સાહિત્ય, ફેબ્રુ. ૧૯૧૬-‘ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્યો’, છગનલાલ રાવળ;  ૭. ગૂહાયાદી; ૮. ડિકૅટલૉગબીજે; ૯. ડિકૅટલૉગભાવિ; ૧૦. ફાહનામાવલિ : ૨.[ર.સો.]