ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/‘મંગલકલશ-રાસ’

Revision as of 15:43, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


‘મંગલકલશ-રાસ’ [ર.ઈ.૧૬૯૩] : માનવિજયશિષ્ય દીપવિજય/દીપ્તિવિજયની ૩ અંક (=ખંડ) અને દુહાદેશીબદ્ધ ૩૧ ઢાળોમાં વિસ્તરેલી, કથાઆલેખનની દૃષ્ટિએ રસપ્રદ કૃતિ(મુ.) છે. પ્રધાનપુત્ર કોઢિયો હોવા છતાં એ અતિસ્વરૂપવાન હોવાની વાત ફેલાવી ગોત્રજા દેવીની મદદથી ઉજ્જયિનીના શ્રેષ્ઠીપુત્ર મંગલકલશને ઉપાડી લાવી રાજકુંવરી ત્રૈલોક્યસુંદરી સાથે એને પરણવા બેસાડી દેવાય છે. મંગલકલશ કુંવરીને કેટલાક સંકેતો આપી લગ્ન પછી દૂર દેશમાં જતો રહે છે. એ પછી કોઢિયા પતિને જોતાં જ ત્રૈલોક્યસુંદરીને મંગલકલશના સંકેતનો અર્થ સમજાઈ જાય છે ને એ પુરુષવેશે એને શોધવા નીકળે છે. બહુ મુશ્કેલીઓ પછી બંને મળે છે. લગ્ન કરે છે. જીવનમાં પડેલાં દુ:ખોનું કારણ પૂર્વજન્મનાં પાપ હતાં એ જાણી અંતે બંને દીક્ષા ગ્રહે છે. મંગલકલશ ત્રૈલોક્યસુંદરીનો વિયોગ ને એમનાં પુનર્મિલન વચ્ચેની કથામાં કવિએ લોકવાર્તાની રીતે અનેક ઉપકથાનકો ગૂંથ્યાં છે. શૃંગાર, અદ્ભુત ને શાન્તરસનું વૃતાન્ત ધરાવતી આ કૃતિ કૌતુકભર્યા ને ચમત્કારપૂર્ણ પ્રસંગોથી તેમજ પ્રાસાદિક વર્ણનાદિકથી રસપ્રદ બનેલી છે. આ કૃતિ બીજા ખંડને અંતે ર.સં.૧૭૪૯ (ઈ.૧૬૯૩) ઉપરાંત આસો સુદ ૧૫ એ તિથિ પણ બતાવે છે. [ર.સો.]