કવિની ચોકી/1

Revision as of 04:15, 13 September 2022 by MeghaBhavsar (talk | contribs)


૧.

પરાજિત રાષ્ટ્રના પયગંબર

કવિવર ટાગોર અને ગાંધીજીના પારસ્પર્યમાં કડી તે ચાર્લ્સ ફ્રિઅર ઍન્ડ્રૂઝ, ગુરુદેવ અને ગાંધીજીના ચાર્લી અને દેશના દીનબંધુ. દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની લડત દરમિયાન તેઓ ગાંધીજીના મહેમાન બન્યા, હિંદનો અને ખાસ કરીને કવિ ટાગોરનો સંદેશ લઈને તેઓ દક્ષિણ આફ્રિકાની પ્રજા સમક્ષ આવ્યા. પ્રથમ મિલનથી જ ગાંધીજી અને રેવરન્ડ ઍન્ડ્રૂઝ મોહન અને ચાર્લી બન્યા, જોકે ઍન્ડ્રૂઝ તેમનું સ્વાગત કરવા આવેલા ગાંધીજીના ચરણોમાં પડીને રંગભેદી ગોરાઓનાં ભવાં જરૂર ઊંચાં કર્યાં હતાં. દક્ષિણ આફ્રિકાની મુલાકાત દરમિયાન ઍન્ડ્રૂઝ ટાગોરનો સંદેશો પહોંચાડવાનું કામ કરતા રહ્યા. ગાંધીજીએ ગોપાલકૃષ્ણ ગોખલેને તારમાં જણાવ્યું કે ઍન્ડ્રૂઝનું કેપટાઉનના ‘સિટી હૉલ’માં રવીન્દ્રનાથ ટાગોર વિશે ભાષણ આપ્યું હતું.[1] નોબેલ પારિતોષિક આપવાની જાહેરાત થઈ ત્યારે કવિ ટાગોરને ઇંગ્લૅન્ડ અને થોડા અંશે અમેરિકા સિવાય યુરોપ યા અન્ય ખંડના વિદ્વાનો કે સાહિત્યરસિકો જાણતા ન હતા. આવા સમયે નવોન્મેશનો સંદેશો લઈ ઍન્ડૂઝ આવ્યા.આ જાહેર ભાષણ પછી તરત જ તેમણે કેપટાઉન યુનિવર્સિટીમાં ‘ટાગોર અને તેમનો સંદેશો’ વિષય પર વ્યાખ્યાન આવ્યું, જેમાં પ્રમુખપદે તે વિશ્વવિદ્યાલયના વાઇસ ચાન્સેલર હતા. 17 ફેબ્રુઆરીના આ ભાષણની નકલો ગાંધીજીએ છપાવી અને ‘‘તમે જેમના સંસર્ગમાં આવ્યા હતા એવા મોટા ભાગના લોકોને મોકલી આપવામાં આવી છે.’’[2] આ સમયે કવિ ટાગોર એક ‘‘પરાજિત રાષ્ટ્રના પયગંબર’’3 હતા. તેમનો સંદેશો સાંભળવામાં માત્ર રંગભેદી આફ્રિકા જ નહીં પણ યુરોપ, એશિયા અને સ્વયં બંગાળને સંકોચ હતો. ગાંધીજીના મતે આ સંદેશો દેશ દુનિયાને પહોંચે તે અનિવાર્ય હતું. દક્ષિણ આફ્રિકા છોડી હિંદ પરત આવવા નીકળેલા ગાંધીજીના સત્કારમાં 8 ઑગસ્ટ, 1914ના રોજ લંડનની ‘સેસિલ હોટલ’માં સમારંભ યોજાયો. ભૂપેન્દ્રનાથ બસુના પ્રમુખપદે યોજાયેલા આ મેળાવવામાં સરોજિની નાયડુ, સચ્ચિદાનંદ સિંહા, લાલા લજપતરાય, મહંમદ અલી ઝીણા અને આલ્બર્ટ કાર્ટરાઇટ હાજર હતાં. આ સમારંભમાં ગાંધીજીએ એ ઍન્ડ્રૂઝના કામને બિરદાવતા કહ્યું; ‘‘પોતાના ગુરુ, બોલપુરના સાધુ કવિ રવીન્દ્રનાથ ટાગોર, જેમને તેમની મારફતે હું ઓળખી શક્યો છું, તેમની મારફતે હિંદુસ્તાન પ્રત્યેનું પ્રેમનું શિક્ષણ તે દક્ષિણ આફ્રિકાના લોકોને આપી રહ્યા હતા.’’[3] શું હતો આ સંદેશો ? કવિનાં ગીતોથી મુગ્ધ તો હજી ગાંધીજી ન હતા પણ તેમના માટે કવિનો મુખ્ય સંદેશો ભારતના સત્વની, તેના પ્રાણની મુક્તિનો હતો. દેશ ગુલામ હતો પણ કવિ કહેતા હતા કે હિંદનો આત્મા જ્યાં સુધી મુક્ત છે ત્યાં સુધી આ બાહ્ય ગુલામી સામે ઝઝૂમી શકાશે, તે તો માયા રૂપ છે, માયા અસત્ય હોઈ, અજ્ઞાન હોઈ અંતે તે વિખરાશે. કંઈક આવો જ વિચાર ગાંધીજીના હિંદ સ્વરાજનો હતો; હિંદ તેમના મતે અંગ્રેજી શાસન નહીં પણ આધુનિક સુધાર નીચે કચડાઈ રહ્યું હતું અને આ મળ તો કેવળ હિંદના કિનારાને લાગેલો હતો, અંગ્રેજી શિક્ષણ અને આધુનિક સુધારના મોહાંધ લોકો જ ગુલામ હતા. ગાંધીજી, કવિ ટાગોરના વિચારોની મહત્તા સમજી રહ્યા હતા, તેની અગત્ય અન્યો સમજાવવા તત્પર હતા એ વાતની પુષ્ટિ કરતાં તેમણે લંડનમાં ‘હિંદી ઐચ્છિક સહાય દળ’ (Indian Ambulance Corp)ને તાલીમ આપનારા ડૉ. કેન્ટલીને ટાગોરનાં પુસ્તકોનો એક ‘સેટ’ 1 ઑક્ટોબર, 1914ના રોજ ભેટમાં આપ્યો.[4] ગાંધીજી દક્ષિણ આફ્રિક્થી નીકળ્યા ત્યારે ફિનિક્સવાસીઓ ને ક્યાં મૂકવા તે પ્રશ્ન તેમની સામે હતો. "સૌ એક સાથે જ રહી શકે અને ફિનિક્સ આશ્રમનું જીવન ગાળી શકે તો સારું એમ મારા મનમાં હતું. હું કોઈ આશ્રમ ચલાવનારના પરિચયમાં નહોતો કે જેથી તેમને ત્યાં જવાનું લખી શકું. તેથી મેં તેમને ઍન્ડ્રૂઝને મળી તે કહે તેમ કરવા લખ્યું હતું. તેમને પ્રથમ કાંગડી ગુરુકુળમાં મૂકવામાં આવ્યા. જ્યાં સદગત શ્રદ્ધાનંદજીએ તેમને પોતાનાં જ બાળકોની જેમ રાખ્યા. ત્યાર પછી તેમને શાંતિનિકેતનમાં મૂકવામાં આવ્યા. ત્યાં કવિવરે અને તેમના સમાજે તેમને એવા જ પ્રેમથી નવરાવ્યા. આ બે જગ્યાએ તેમને મળેલો અનુભવ તેમને સારુ ને મારે સારુ બહુ ઉપયોગી નીવડ્યો.[5] ઍન્ડ્રૂઝની ભલામણથી અને કવિના આમંત્રણથી ફિનિક્સના 25 વિદ્યાર્થીઓ, થોડા શિક્ષકો અને મગનલાલ ગાંધી શાંતિનિકેતનમાં રહ્યા. ગાંધીજીએ મગનલાલ ગાંધીને સૂચના આપતા લખ્યું; "કવિશ્રીની, મિ. ઍન્ડ્રૂઝની તથા મિ. પિયર્સનની સેવા કરજો. બધાં મોટેરાંની આમન્યા રાખતાં સમજે એ સંભાળ રાખજો. બધાં ત્યાંના રહીશો કરતાં વહેલાં ઊઠજો.[6] ગાંધીજી 9 જાન્યુઆરી, 1915ના દિવસે મુંબઈ આવ્યા અને વહેલી તકે 17 ફેબ્રુઆરી, 1915ના રોજ શાંતિનિકેતન પહોંચ્યા. ઇચ્છા ફિનિક્સવાસીઓને મળવાની, ઍન્ડ્રૂઝના પ્રેમમાં નહાવાની, ઉપરાંત કવિવરના દર્શનની પણ ખરી. સાથે શાંતિનિકેતનના નવતર પ્રયોગને જાતે સમજવાની-નાણવાની પણ હશે. તેઓ શાંતિનિકેતન પહોંચ્યા ત્યારે ગુરુદેવ કૉલકાતા હતા અને આથી મુલાકાત ન થઈ શકી. 17 ફેબ્રુઆરીએ બોલપુર સ્ટેશને ગાંધીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.7a દેવેન્દ્રનાથ ટાગોરે તેમના માટે બગી મોકલી હતી, તેમાં આવવાને બદલે ગાંધીજીએ ચાલીને શાંતિનિકેતન જવાનું પસંદ કર્યું. રસ્તામાં ત્રણ શણગારેલાં કમાન-દરવાજા બનાવવામાં આવ્યાં હતાં. પહેલા દરવાજે આચાર્ય ક્ષિતિમોહન સેન તથા અન્યોએ હાર પહેરાવ્યા અને સ્વાગત ગાન ગાયું, બીજા દરવાજે ગાંધીજીના પગ ધોયા અને ત્રીજે દરવાજે વિધિવત્ સ્વાગત કરવામાં આવ્યું. સ્વાગત સમારંભમાં બડો દાદા દ્વિજેન્દ્રનાથના પૌત્ર અને દ્વિપેન્દ્રનાથના પુત્ર એવા સંગીતજ્ઞ દિનેન્દ્રનાથ ટાગોરે ગાન ગાયું અને આસિતકુમાર હાલદારે એક ચિત્ર ભેટ આપ્યું.[7] ગાંધીજીએ સત્કારનો જવાબ આપતાં કહ્યું; ‘‘આજે મને જે આનંદ થાય છે એવો આનંદ મેં અગાઉ કદી અનુભવ્યો નથી. ગુરુદેવ રવીન્દ્રનાથ અહીં હાજર નથી, તેમ છતાં આપણાં દિલમાં આપણને એમની હાજરીનો અનુભવ થાય છે. વિશેષ આનંદ મને એ જોઈને થાય છે કે આપે આ સત્કારસમારંભની યોજના ભારતીય પદ્ધતિએ કરી છે... આજે હું બંગાળના આ આશ્રમ પ્રત્યે આત્મીયતા અનુભવું છું.’’[8] તેમણે આત્મકથામાં લખ્યું; ‘‘રાજકોટથી હું શાંતિનિકેતન ગયો. ત્યાં ત્યાંના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ મને પ્રેમથી નવરાવ્યો. સ્વાગતના વિધિમાં સાદાઈ, કળા અને પ્રેમનું સુંદર મિશ્રણ હતું. ત્યાં મને કાકાસાહેબ કાલેલકરની પહેલી મુલાકાત થઈ... શાંતિનિકેતનમાં મારા મંડળને નોખો ઉતારો આપવામાં આવ્યો હતો. અને અહીં મગનલાલ ગાંધી તે મંડળને સાચવી રહ્યા હતા. ફિનિક્સ આશ્રમના બધા નિયમોનું સૂક્ષ્મતાએ પાલન કરતા હતા. ને મેં જોયું કે તેમણે શાંતિનિકેતનમાં પોતાની સુવાસ પોતાના પ્રેમ, જ્ઞાન અને ઉદ્યોગને લીધે ફેલાવી હતી. અહીં ઍન્ડ્રૂઝ તો હતા જ. પિયર્સન હતા. જગદાનંદ બાબુ, નેપાળબાબુ, સંતોષબાબુ, ખિતિમોહન બાબુ, નગીનબાબુ, શરદબાબુ અને કાલિબાબુની સાથે ઠીક સંબંધમાં આવ્યા.’’[9] 18 અને 19 ગાંધીજી શાંતિનિકેતનમાં રહ્યા. 20 ફેબ્રુઆરીએ ગોખલેના અવસાનનો તાર આવતાં તેઓ તરત પૂના જવા રવાના થયા. તે દિવસે તેમણે શાંતિનિકેતનના સમાજ આગળ ગોખલેને શ્રદ્ધાંજલિ આપતું ભાષણ આપ્યું જે શાંતિનિકેતનના હસ્તલિખિત અંગ્રેજી માસિક ‘‘आश्रम’’ના જૂન-જુલાઈ 1915ના અંકમાં પ્રકાશિત થયું. કવિવરને મળ્યા વગર એકાએક પાછા જવાનો રંજ તો ગાંધીજીને હતો જ આથી તુરત જ તેઓ પરત આવ્યા. 6થી 11 માર્ચ 1915ના દિવસોમાં તેઓ શાંતિનિકેતન રહ્યા; 6 માર્ચે ગાંધીજી અને ગુરુદેવની પહેલી મુલાકાત થઈ. આ દિવસો દરમિયાન ગાંધીજીએ શાંતિનિકેતન ઝીણવટથી જોયું. 9 માર્ચે ‘સેનિટરી કમિટી’ સાથે ફર્યા નોંધ્યું; ‘‘સેનેટરી કમિટી સાથે બધું જોયું. ગંદકીનો પાર ન હતો.’’[10] આ અનુભવ એટલો ગાઢ અને વ્યથિત કરનારો હતો કે એમણે આત્મકથામાં લખ્યું; ‘‘અમે શાંતિનિકેતનમાં જ જોયું હતું કે ભંગીનું કામ કરવું એ તો અમારો હિંદુસ્તાનમાં વિશેષ ધંધો થઈ જ પડશે.’’[11] કદાચ આ અનુભવે જ ગાંધીજીને શાંતિનિકેતનમાં ‘સુધાર’ કરવાની જરૂરિયાત સમજાવી. સમજ અને અમલમાં અંતર રાખે એમાંનાં તો ગાંધીજી ન હતા. તેમણે શિક્ષકો અને વિદ્યાર્થીઓ સામે ફિનિક્સના આદર્શ અનુસાર સ્વાશ્રયી જીવન જીવવાનો, જાતમહેનત કરવાનો વિચાર રજૂ કર્યો. આનું વિવરણ આપતાં ગાંધીજીએ લખ્યું : ‘‘મારા સ્વભાવ પ્રમાણે હું વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે ભળી ગયો, અને જાતમહેનતને વિશે ચર્ચા કરવા લાગ્યો. પગારદાર રસોઈઆને બદલે જો શિક્ષકો અને વિદ્યાર્થીઓ પોતાની રસોઈ કરી લે તો સારું થાય. રસોડાની ઉપર આરોગ્ય અને નીતિની દૃષ્ટિએ શિક્ષકવર્ગ કાબૂ મેળવે, અને વિદ્યાર્થીઓ સ્વાશ્રય અને સ્વયંપાકનો પદાર્થ પાઠ લે. આ વાત મેં ત્યાંના શિક્ષકો આગળ મૂકી. એકબે શિક્ષકે માથું ધુણાવ્યું. કેટલાકને આ પ્રયોગ બહુ ગમ્યો. બાળકોને તો નવી ચીજ ગમે તે હોય તે ગમે જ, તે ન્યાયે આ પણ ગમી. અને અખતરો શરૂ થયો. આ વાત કવિશ્રી આગળ મૂક્તાં શિક્ષકો અનુકૂળ થાય તો આ અખતરો પોતાને તો જરૂર ગમે એવો અભિપ્રાય એમણે આપ્યો. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું, ‘આમાં સ્વરાજની ચાવી રહેલી છે.’ "પિયર્સને અખતરો સફળ કરવામાં પોતાની કાયા નિચોવી. તેમને તે બહુ ગમ્યું. એક શાક મોળવાની મંડળી જામી, અને બીજી અનાજ સાફ કરવાની. રસોડાની આસપાસ શાસ્ત્રીય શુદ્ધિ કરવામાં નગીનબાબુ વગેરે રોકાયા. તેમને કોદાળી લઈ કામ કરતા જોઈ મારું હૈયું હરખાયું. ‘‘પણ આ મહેનતનું કામ સવાસો છોકરા અને શિક્ષકો પણ એકદમ ઝીલી શકે એમ નહોતું. તેથી રોજ ચર્ચા થતી. કેટલાક થાકતા. પિયર્સનને થાક લાગે જ શાનો ? એ તો હસતે ચહેરે કંઈક ને કંઈક રસોડાના કામમાં લાગ્યા જ રહે. મોટાં મોટાં વાસણો માંજવાં એ તો એમનું જ કામ. વાસણ માંજનાર ટુકડીનો થાક ઉતારવા કેટલાક વિદ્યાર્થીઓ ત્યાં સિતાર વગાડતા. દરેક કામ વિદ્યાર્થીઓએ પૂરતા ઉત્સાહથી ઝીલી લીધું, અને આખું શાંતિનિકેતન મધપૂડાની પેઠે ગણગણવા લાગ્યું. ‘‘આવી જાતના ફેરફારોનો એક વાર આરંભ થયા પછી તે થોભી જતા નથી. ફિનિક્સ રસોડું સ્વાશ્રયી હતું, એટલું જ નહિ પણ તેમાં રસોઈ બહુ સાદી હતી. મસાલાનો ત્યાગ હતો. તેથી વરાળ મારફતે ભાત, દાળ, શાક અને ઘઉંના પદાર્થો પણ પકાવી લેવામાં આવતા હતા. બંગાળી ખોરાકમાં સુધારા કરવાના ઇરાદાથી એ જાતનું રસોડું કાઢ્યું હતું. એમાં એકબે અધ્યાપકો અને કેટલાક વિદ્યાર્થીઓ ભળ્યા હતા. આવા પ્રયોગોમાંથી સર્વસામાન્ય રસોડું સ્વાશ્રયી બનાવવાનો અખતરો શરૂ થઈ શક્યો હતો. ‘‘પણ છેવટે કેટલાંક કારણોને લઈને આ પ્રયોગ બંધ રહ્યો. મારી માન્યતા છે કે આ જગવિખ્યાત સંસ્થાએ આ પ્રયોગ ટૂંકી મુદતને સારુ પણ ચલાવીને કંઈ ગુમાવ્યું નથી. અને તેમાંથી મળેલા કેટલાક અનુભવો તેને સારુ ઉપયોગી થયા હતા.’’[12] ગાંધીજીની આ મુલાકાત વખતે બંગાળી સમાજમાં, ત્યાંના શિક્ષિત, અંગ્રેજીથી મોહિત ‘ભદ્ર’ વર્ગમાં શાંતિનિકેતનના શિક્ષણની, ત્યાંની જીવનશૈલીની છાપ સારી ન હતી. કવિની જીવનકથા લેખકો ક્રિષ્ના દત્ત અને એન્ડ્રૂ રોબિન્સના કહે છે કે 1914માં શાંતિનિકેતન વંઠેલા છોકરાઓને સુધારવાની જગ્યા તરીકે બંગાળી માતા-પિતા જોતાં. જેનું કારણ તેમના મતે શાંતિનિકેતનમાંથી ગુરુદેવની લાંબી ગેરહાજરી હતું.[13] ગાંધીજી આદર્શ અને વાસ્તવિકતા વચ્ચેના અંતરને કળવામાં માહિર હતા. તેમનો યત્ન પણ આ બે વચ્ચેની ખાઈને શકાય તેટલી હદે પૂરવાની હતી. આ વિશે તેમણે માર્ચ મહિનાની મુલાકાત બાદ 14 માર્ચ, 1915ના રોજ મગનલાલ ગાંધીને લખ્યું, ‘‘ગુરુદેવનો આદર્શ ગમે તેવો ઊંચો હશે તોપણ જો તે આદર્શને અમલમાં મૂકનાર કોઈ નહીં જાગે તો તે આદર્શ જમાનાના ગાઢ અંધકારમાં પડી રહેવાનો અને તેથી ઊલટું, જો તે આદર્શ મુજબ વર્તનારાઓ નીકળી આવશે તો તે પોતાનો પ્રકાશ અનેકગણી રીતે ફેલાવી શકશે.’’[14] આથી તેમણે મગનલાલ સહિત આશ્રમવાસીઓને તપ કરવા સૂચન કર્યું. જો ગાંધીજીને ગુરુદેવના આદર્શમાં શ્રદ્ધા હતી અને તેના અમલ વિશે પ્રશ્નો હતા તો શરૂઆતમાં ગુરુદેવને ફિનિક્સના આદર્શ અને આ આદર્શને અમલમાં મૂકવાની તત્પરતા બંને વિશે શંકા હતી. જોકે આ શંકા કે અવઢવ તેમને ફિનિક્સ વિદ્યાર્થીઓને પોતાના કરતાં રોકી ન શક્યા. ફિનિક્સ વિદ્યાર્થીઓ શાંતિનિકેતનમાં આશરો લેશે તે વિચારથી આનંદિત કવિએ ગાંધીજીને 17 ફેબ્રુઆરી, 1915ના રોજ પહેલો પત્ર લખ્યો. ‘મિ. ગાંધી’ને સંબોધિત પત્રમાં તેમણે લખ્યું; ‘‘આપના ફિનિક્સ કુમારો હિંદુસ્તાનમાં હોય ત્યારે મારી શાળા તેઓ માટે યોગ્ય અને સંભવિત જગ્યા છે તેવા આપના વિચારથી મને સાચો આનંદ થયો – અને જ્યારે મેં કુમારોને જોયા ત્યારે આનંદ બેવડાયો. અમો બધાને લાગે છે કે અમારા વિદ્યાર્થીઓ ઉપર તેમના સંસર્ગની અસર ઘણી કીમતી હશે અને હું આશા રાખું છું કે તેઓ પણ એવું કંઈક મેળવશે કે જેથી તેમનો શાંતિનિકેતન વાસ ફળદાયી નીવડશે. આ પત્ર હું આપનો આભાર માનવા લખું છું કે આપે આપના કુમારોને અમારા કુમાર બનવા દીધા અને આમ તેઓ આપણાં બંનેની જીવન સાધનામાં કડી બન્યાં.’’[15] ફિનિક્સ જૂથની પોતાની જાતને વંચિત રાખવાની, શિસ્તનું પાલન કરવાની તત્પરતાથી તેઓ જરૂર વિહ્વળ થયા. તેમને જણાયું કે આ કુમારોના જીવનમાં કોઈ આનંદ નથી કારણ કે શિસ્તનાં બંધનોમાં, આત્મપરિક્ષણમાં, સ્વૈચ્છિક ન હોય તેવા ત્યાગમાં આનંદ સંભવી જ ન શકે. તેમણે 14 નવેમ્બર, 1915ના રોજ ચાર્લી ઍન્ડ્રૂઝને પત્રમાં આ વિટંબણા રજૂ કરતાં લખ્યું; ‘‘મને ડર છે કે આ છોકરાઓ કશી પણ ઇચ્છા કરવાનું ભૂલી જશે અને ઇચ્છા તો પ્રાપ્તિની સુંદર ક્ષણ છે. આમ છતાં તેઓ આનંદમાં છે, જોકે તેમને આનંદમાં હોવાનું કોઈ કારણ નથી.’’[16] ચાર દિવસ પછીના પત્રમાં તેમણે પોતાનો અભિપ્રાય બદલ્યો. જોકે ફિનિક્સ પ્રથા અંગે તેમની શંકાઓ તો કાયમ રહી. તેમણે ઍન્ડ્રૂઝને લખ્યું; ‘‘મને લાગે છે કે તેઓ ખૂબ પ્રેમપાત્ર છે, જોકે હું તેમની કેળવણી પ્રથા વિશે મારી શંકામાંથી મુક્ત થઈ શકાતો નથી.’’[17] શાંતિનિકેતન વિશે અને કવિના આદર્શને અમલમાં મૂકનારાઓ વિશે ગાંધીજીને અંદેશો ભલે હોય પણ કવિ માટે તો ભરપૂર આદર હતો. તેમણે પ્રયત્નપૂર્વક ગુજરાત અને દેશની પ્રજા સમક્ષ કવિને આદર્શ તરીકે મૂક્યા. 20 ઑક્ટોબર, 1917ના રોજ ભરૂચ ખાતે બીજી ગુજરાતી કેળવણી પરિષદ સમક્ષ ભાષણમાં કવિનો આદર્શ અને તેમનો મહિમા સમજાવતાં ગાંધીજીએ કહ્યું; ‘‘સર રવીન્દ્રનાથ ટાગોરનું ચમત્ક્રી બંગાળી તેમના અંગ્રેજીને આભારી નથી. તેમની ચમત્કૃતિ તેમના સ્વભાષાભિમાનમાં છે. ‘‘गीतांजलि’’ પ્રથમ બંગભાષામાં લખાઈ. આ મહાકવિ બંગાળમાં બંગાળીનો જ ઉપયોગ કરે છે... તેમણે પોતાના વિચારો અંગ્રેજી સાહિત્યમાંથી નથી લીધા... તે વિચારો આ દેશના વાતાવરણમાંથી લીધા છે. ઉપનિષદોમાંથી દોહી ક્ઢ્યા છે. હિંદુસ્તાનના આકાશમાંથી તેમની ઉપર વિચારવૃષ્ટિ થઈ છે.’’[18] ગાંધીજીના સ્વાશ્રયના, જાતમહેતના અધૂરા પ્રયોગની સ્મૃતિમાં દર વર્ષે 10 માર્ચે શાંતિનિકેતનમાં ‘ગાંધી દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. પણ આ અવસર કેવળ પ્રતીકરૂપ ન હતો. ગાંધીજીના વિચારોની અને કાર્યની સીધી અસર પણ શાંતિનિકેતનમાં પડી. ગુજરાતની પ્રજા સમક્ષ કવિના આદર્શ મૂકવાનું એક પરિણામ મોટી સંખ્યામાં ગુજરાતી વિદ્યાર્થીઓનું શાંતિનિકેતનમાં અભ્યાસ કરવાનું આવ્યું. ઍન્ડ્રૂઝે ગાંધીજીને જણાવ્યું કે શાંતિનિકેતનમાં 70 ગુજરાતી અને મારવાડી વિદ્યાર્થીઓ છે અને કવિ ટાગોર તેમની પ્રેમપૂર્વક સંભાળ લે છે; તેમનાં મા-બાપ આવે ત્યારે તેમનું પ્રેમપૂર્વક સ્વાગત કરે છે. જવાબમાં ગાંધીજીએ લખ્યું; ‘‘બહુ ગમે તેવી નવાઈની વાત કહી, જો બધા વિદ્યાર્થીઓ ત્યાં રહે તો ગુજરાત-બંગાળ વચ્ચે કેવી સાંકળ બાંધે ? કવિ પોતાનું કામ ચાલુ રાખશે તો ગુજરાતીઓને પૂરો વખત રાખી શકશે.’’[19] આ વખતે પણ ગાંધીજી સફાઈની વાત યાદ કરાવવાનું ચૂક્યા નહીં. ‘‘મને એટલું પૂછવાની લાલચ થઈ આવે છે કે ત્યાંની સફાઈ પાછળ કોઈ ખાસ માણસ ધ્યાન આપે છે ખરું ? પાણીની વ્યવસ્થા બરાબર થઈ છે ખરી ?’’[20] 1917ના ડિસેમ્બરમાં ગાંધીજી કૉંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવા કૉલકાતા ગયા. કૉંગ્રેસની કાર્યવાહીમાં હાજરી સાથે તેમણે કવિને મળવાનો લહાવો લીધો. નાતાલના દિવસે ગાંધીજી માટે ટાગોર કુટુંબના રહેઠાણ ‘જોરા શાંકો’ના વિચિત્રા હૉલમાં કવિએ 1912માં લખેલું નાટક ‘ડાકઘર’ ભજવાયું.[21] આની મોહિની ગાંધીજીને લાગી. 16 જાન્યુઆરી 1918ના પત્રમાં ચાર્લીના અને તેમના મિત્ર અને દિલ્હીની સેંટ સ્ટીફન્સ કૉલેજના પ્રાધ્યાપક અને પ્રિન્સિપાલ સુશીલકુમાર રુદ્રને લખ્યું; ‘‘કલક્તામાં મને બહુ મજા પડી, પણ એ કૉંગ્રેસના મંડપમાં નહીં, બધી જ મજા મંડપની બહાર મળી. કવિ અને તેમની મંડળીએ ‘‘ડાકઘર’’ ભજવ્યું તે જોઈને હું મુગ્ધ થઈ ગયો. આ લખાવતી વખતે કવિનો જાણે અવાજ મારા કાનમાં ગુંજી રહ્યો છે... બંગાળી સંગીતે મને મોહિની લગાડી.’’[22] સાંસ્કૃતિક અને સાહિત્યિક ક્ષેત્રે ગાંધીજી કવિની દોરવણી અને વિચારોની પૃચ્છા કરતા રહ્યા. આ ગાળામાં ગાંધીજીએ સ્વભાષા અને હિંદીમાં આંતરપ્રાંતીય વ્યવહાર તથા જ્ઞાન-સાહિત્યના સર્જન વિશે પોતાના વિચારો સ્પષ્ટ કરવા ચાહ્યા. અન્ય વિદ્વાનો ઉપરાંત તેમણે કવિ ટાગોરને આંતરપ્રાંતીય વ્યવહાર માટે હિંદીની અનિવાર્યતા વિશે પૂછ્યું. કવિએ જવાબમાં લખ્યું; "એકમાત્ર શક્ય એવી રાષ્ટ્રીય ભાષા હિન્દી જ છે; પરંતુ મને લાગે છે કે લાંબા સમય સુધી આપણે એ વાતને ફરજિયાત બનાવી શકીશું નહીં.’[23] પ્રથમ વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું. દેશમાં પણ નવો જુવાળ જોવામાં આવી રહ્યો હતો. ચંપારણ, અમદાવાદ અને ખેડાની સફળતાને પગલે ગાંધીજી દેશના અગ્રગણ્ય નેતા જ નહીં પણ નવા વિચારો અને આશાના અગ્રદૂત તરીકે ઊભરી રહ્યા હતા. આ સમયે કવિએ વિદેશ પ્રવાસનો કાર્યક્રમ ઘડ્યો. ગાંધીજીને લાગ્યું કે આવા સંક્રાંતિકાળે દેશમાં તેની શ્રેષ્ઠ વ્યક્તિઓની હાજરી આશીર્વાદરૂપ બને. કદાચ, તેમને આશંકા પણ હતી કે યુદ્ધ સમયે, રાષ્ટ્રવાદથી રંગાયેલું પશ્ચિમ કવિનો સંદેશો સાંભળવામાં સંકોચ રાખશે. કવિ પોતે સંકુચિત રાષ્ટ્રવાદ પ્રત્યે અસમંજસ ધરાવતા હતા, અને વિશ્વયુદ્ધે તેમને રાષ્ટ્રવાદ પ્રત્યે વધુ વિહ્વળ બનાવ્યા હતા. ગાંધીજીએ તેઓને દેશ ન છોડવા વિનંતી કરી. ગુરુદેવ ઍન્ડ્રૂઝને સાથે લેઈ જવા માંગતા હતા. ચાર્લી ઍન્ડ્રૂઝ ગિરમીટના સવાલનો ઝીણવટભર્યો અભ્યાસ કરી ગાંધીજીની ચળવળને મોટું પીઠબળ આપી રહ્યા હતા. તેમની સંભવિત ગેરહાજરી પણ કદાચ ગાંધીજીને સાલી. ગુરુદેવને લખ્યું; ‘‘ઍન્ડ્રૂઝ તમારે પડખે હોય તો તમને બહુ શાતા રહે. તમને જરૂર હોય ત્યાં સુધી તમારી પાસે એને રાખશો.’’[24] પણ તરત જ તેમણે કવિને દેશ ન છોડવા લખ્યું. ‘‘આપણે અત્યારે દેશમાં મહાન ફેરફારને ઊંબરે ઊભા છીએ. દેશના નવજન્મને ટાંકણે સઘળાં શુદ્ધ બળોની હાજરી દેશમાં હોય તે મને ગમે. તેથી દેશમાં જ કોઈ જગ્યાએ આરામ મળી શકે એમ હોય તો હું તમને અને ઍન્ડ્રૂઝને વીનવું કે તમે દેશમાં જ રહો અને અવારનવાર ઍન્ડ્રૂઝની મદદ પણ મને આપતા રહો.’’[25] ગાંધીજીએ કેવળ સૂચના જ કરી તેમ નહીં, વિકલ્પ પણ બતાવ્યો. અંબાલાલ સારાભાઈના માથેરાનના બંગલામાં અથવા ઊટીમાં રહેવાની વ્યવસ્થા કરવા તૈયાર છે તેમ જણાવ્યું. ‘‘હું સૂચવું છું કે હાલ તુરત આપ માથેરાન રહેવા આવી જાવ અને ગરમીની બાકીની મોસમ ઊટીમાં ગાળવી કે કેમ તેનો નિર્ણય ત્યારબાદ કરો, એ વધારે ઠીક થઈ પડશે.’’[26] આશ્રમમાં એક રાત્રિ કવિનું કુમારાવસ્થા બાદ ગુજરાતમાં પહેલી વાર આગમન અમદાવાદમાં છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદ દરમિયાન થયું. 17 જુલાઈ, 1919ના રોજ અમદાવાદની સાહિત્ય સભાની કારોબારી બેઠકમાં આ પરિષદ ડિસેમ્બર માસમાં રાખવાનું નક્કી થયું. ગાંધીજીએ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખની ચૂંટણીમાં ઝંપલાવ્યું અને રા. બા. હરગોવિંદદાસ દ્વારકાદાસ ક્ંટાવાળા સામે 22 ઑગસ્ટ, 1919ના રોજ ચૂંટણીમાં હાર્યા.Cite error: Closing </ref> missing for <ref> tag સિવાય અન્ય આધારભૂત સ્રોતોમાં આ હકીકાતનો ઉલ્લેખ સુધાં નથી. ગુજરાત સાહિત્ય પરિષદના ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ-4ને ગાંધીયુગનું સાહિત્ય કહેવામાં આવ્યું, તેમાં પ્રો. ચી. ના. પટેલનો ગાંધીજી વિશેનો લેખ છે પણ આ ચૂંટણીમાં હારની ઘટનાનો ઉલ્લેખ સુધ્ધાં આ લેખ કે સર્વશ્રી ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના સંપાદકીય લેખમાં પણ નથી.</ref> 7 સપ્ટેમ્બર, 1919ના રોજ ગાંધીજીના અધિપતિપણા હેઠળ ‘નવજીવન’નું પ્રકાશન શરૂ થયું. તેના પહેલા જ અંકમાં છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદ વિશે સમાચાર આપવામાં આવ્યા. ‘‘આવતા કાર્તિક માસમાં ગુજરાતના પાટનગર અમદાવાદમાં છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદ ભરવાનું નક્કી થઈ ગયું છે; એટલું જ નહિ; પરંતુ સાહિત્યરસિક સેક્રેટરીઓના ઉત્સાહથી તેને લગતું ઘણું કામકાજ અત્યાર પહેલાનું નક્કી થઈ ગયું છે. ગયા માસમાં પરિષદની સ્થાનિક મંડળીએ રા. બા. હરગોવિંદદાસ દ્વારકાદાસ ક્ંટાવાળાને તેના પ્રમુખ તરીકે ચૂંટણી કર્યા ઉપરાંત સાહિત્યના જુદા જુદા વિષયોની ચર્ચા કરવાની સગવડને ખાતર, સાહિત્ય, ઇતિહાસ અને વિજ્ઞાન એવા ત્રણ ખંડમાં સાહિત્યના વિભાગો પાડીને દરેક વિભાગ ઉપર વિચાર ચલાવનારા રસિકોમાં પરિતોષ માટે ત્રણ વિભાગના ત્રણ જુદા જુદા તે તે વિભાગને શોભા આપે એવા, રા. બા. રમણભાઈ, પ્રો. બી. કે. ઠાકોર અને ખા. બ. મસાનીને વિભાગી પ્રમુખો નીમ્યા છે... આગામી સાહિત્ય પરિષદ માટે પણ જેમ વિશેષ ચર્ચા અને ચવર્ણ ચાલશે તેમ તે વધારે લોકપ્રિય બનશે. માત્ર એટલું જ કે કાર્ય કરનારાઓને પોતે હાથ ધરેલા કાર્યને પાર ઉતારવાને હંમેશાં કટીબદ્ધ રહેવું જોઈએ. અત્રે કાર્ય કરનારાઓમાં ધીરજ ઇત્યાદિ ગુણો છે એમ અમે માનીએ છીએ. તેથી સાહિત્ય પરિષદનું કાર્ય ગુજરાતને અને ગુજરાતના પાટનગરને ખરેખર શોભા આપનારું નીવડવું જોઈએ. અમે તેની ફતેહ ઇચ્છીએ છીએ.’’[27] આ સમાચારની નીચે ‘‘સ્વતંત્રતાનું સ્વર્ગ નામે ‘શ્રીમાન ડૉ. રવીન્દ્રનાથ ઠાકુરની એક કૃતિ ઉપરથી અનુવાદ’ છાપવામાં આવ્યો.’’[28] છઠ્ઠી સાહિત્ય પરિષદમાં બે નવાં તત્ત્વ ઉમેરવાનું અમદાવાદની સમિતિએ ઠરાવ્યું હતું : (1) દેશના જાણીતા પ્રતિભાવાન વિદ્વાનોને પરિષદમાં નિમંત્રણ આપવું અને તેમની વિદ્વત્તા-જ્ઞાન-અનુભવનો લાભ મેળવવો. (2) જુદા જુદા પ્રાંતની ભાષા-સાહિત્યથી પરિચિત રહેવું અને પ્રાંત પ્રાંત વચ્ચે વિચારોની આપ-લે કરવી. ‘‘તેમાં તાજેતરમાં કવિવર રવીન્દ્રનાથ ટાગોરે વિશ્વનું નોબેલ પ્રાઇઝ મેળવી હિન્દની કીર્તિ ઉજ્જ્વળ કરી હતી. તેમનું દર્શન કરવાની અને તેમની કાવ્યમયવાણીનું શ્રવણ કરવાની ઉત્સુકતાથી તેમને આમંત્રણ આપી પરિષદનું ગૌરવ વધારવાનું વિચારાયું. પણ સવાલ એ થયો કે ટાગોરને આગ્રહપૂર્વક આમંત્રણ કોણ કરી શકે ? તરત જ ડૉ. હરિપ્રસાદે સૂચવ્યું કે એ માટે ગાંધીજી યોગ્ય પુરુષ ગણાય, એટલે તે બાબત ડૉક્ટરને જ સોંપવામાં આવી. "જ્યારે તેમણે ગાંધીજી આગળ આ વાત મૂકી ત્યારે ગાંધીજીએ તરત કહ્યું કે તેઓ તો ખુશીથી આવશે, પણ એ તો રાજવંશી પુરુષ છે, પરોણાગત ઊંચા દરજ્જાની હોવી જોઈશે. આ પરથી ડૉક્ટરના મિત્રમંડળમાંના હિતેચ્છુ પ્રેસના માલિક હરિપ્રસાદ મહેતા (જેમને અમે હરિપ્રસાદ હિતેચ્છુ કહેતા તે) બોલી ઊઠ્યા કે, ‘એમાં શું ? અંબાલાલ સારાભાઈને ત્યાં કરુણાશંકર માસ્તરનું શ્રીમતી સરલાદેવી સારું માન રાખે છે, તે આવા સુપ્રસિદ્ધ સંસ્કારી મહેમાન તેમને ત્યાં આવે તેથી તેઓ તો ખૂબ ખુશ થશે.’ એ યોજના પાર પડી.’’[29] આ યોજના તો પાર પડી પણ તે વાતને ગુજરાતના સાહિત્યિકોમાં કવિ ટાગોર વિશે બહુ કૌતુક ન હતું, તેમનું સાહિત્ય વાંચનાર તો જવલ્લે જ કોઈ હતાં. ‘‘રવીન્દ્રનાથનું નામ તેમને ‘‘ગીતાંજલિ’’ના પુસ્તક માટે વિશ્વ પારિતોષિક મળવાને કારણે જ ગુજરાતને રોશન થયું હતું, પણ કોઈએ તેમના સાહિત્યનું કે કાવ્યોનું અયયન કરેલું જાણ્યું નહોતું. શ્રી મહાદેવભાઈ દેસાઈએ નરહરીભાઈ પરીખ સાથે ‘‘ચિત્રાંગદા’’નો ગુજરાતી અનુવાદ કરેલો અને ઝંડુ ફાર્મસીવાળા ભગવાનલાલ ગિરિજાશંકર ભટ્ટ જે વારંવાર તેમના ધંધા માટે કલકત્તા જતા તેમણે બંગાળી પરથી થોડી વાર્તાઓ ‘‘વીસમી સદી’’માં અનુવાદિત કરેલી, છતાં ટાગોર વિશે સાક્ષરોમાં ખાસ કૌતુક નહોતું, પણ હવે ડૉ. હરિપ્રસાદે સૌને કહ્યું કે ‘‘ગીતાંજલિ’’ની અંગ્રેજી આવૃત્તિ તો વાંચી લેવી જ જોઈએ, અને એમ ટાગોર સાહિત્ય તરફ ગુજરાત ખેંચાયું.’’[30] સાહિત્ય પરિષદની વિનંતીથી ગાંધીજીએ 18 ઑક્ટોબર’ 1918ના રોજ ગુરુદેવને આમંત્રણ આપ્યું : ‘‘અમદાવાદમાં ડિસેમ્બરમાં એક સાહિત્ય પરિષદ ભરાવાની છે. એની તારીખો 13, 14 અને 15 ડિસેમ્બર છે. યોજકોની તીવ્ર ઇચ્છા છે કે આ પ્રસંગે હાજર રહી આપ પરિષદને શોભાવશો. એટલે હું આશા રાખું છું કે આપનાથી બની શકે એમ હોય તો આપ ગુજરાતને નિરાશ નહીં કરો.’’’[31] કવિને મળેલી ટૂંકી મુદત તથા અન્ય કારણોસર પરિષદ મુલતવી રાખવામાં આવી અને ઇસ્ટરના તહેવારોમાં આનું આયોજન કરવાનું નક્કી થયું.[32] પરિષદના આયોજકો એ આ નિર્ણયની જાણ ગાંધીજીને કરવાની તસદી લીધી જણાતી નથી. આ નિર્ણયની જાણ ગાંધીજી પાસે ગુરુદેવને ફરી એક વાર નવી તારીખોનું આમંત્રણ મોકલવાની જરૂર થઈ ત્યારે થઈ હશે. ગાંધીજીએ કવિને લખ્યું; ‘‘આજ સુધી મને એ વાતનો ખ્યાલ નહોતો કે ગુજરાતી સાહિત્ય પરિષદ જે સમયે ભરાવાની હતી તે સમયે ભરાઈ નથી; પરંતુ એના મુખ્ય સંચાલક ડૉ. હરિપ્રસાદ મને જણાવે છે કે આ પરિષદમાં આપ હાજર નથી રહી શકતા એનું એક કારણ આપને બહુ મોડી ખબર આપવામાં આવી હતી એ હતું એટલે પરિષદ ઇસ્ટર સુધી મુલતવી રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. પરિષદ કંઈ નક્કી કરેલા વખતે ભરાતો વાર્ષિક સમારંભ નથી એટલે ઔચિત્યના કોઈ પણ નિયમનો ભંગ કર્યા સિવાય આ પ્રમાણે થઈ શકે તેમ હતું. હું જાણું છું કે આપની તબિયત અને બીજા સંજોગો ધ્યાનમાં લઈ આપ પરિષદનું આમંત્રણ સ્વીકારી શકો એમ હશો, તો જરૂર આવશો. એટલે મારી હાર્દિક અભિલાષા છે કે ગુજરાતના પાટનગરને ઇસ્ટરના તહેવારો દરમિયાન આપનું સ્વાગત કરવાનો લહાવો મળશે.’’[33] કવિએ આમંત્રણ સ્વીકાર્યું. ગુજરાતની પ્રજાને અને સાક્ષરવર્ગને કવિના યોગ્ય સન્માન માટે તૈયાર કરવાની જવાબદારી ગાંધીજીએ ઉપાડી. 7 માર્ચ’ 1920ના નવજીવનમાં કવિનાં ભત્રીજી સરલાદેવી ચૌધરાણીનું ‘‘નમો હિંદુસ્તાન’’ ગીત છાપવામાં આવ્યું.[34] 1901માં રચાયેલા આ ગીતને કૉંગ્રેસનાં ‘રાષ્ટ્રગીતો’માં સ્થાન હતું. આ ગીતની નીચે કવિ ટાગોરના આગમનની ખબર છાપી અને પ્રજા પાસેની અપેક્ષાની નોંધ લેતાં ગાંધીજીએ લખ્યું; ‘‘તેમનું આગમન નાની વાત નહીં ગણાય. એ રાજપ્રકરણી પુરુષ નથી. એ મહા કવિ છે. તેમની જોડી હિંદમાં તો નથી જ. ભાઈ ઍન્ડ્રૂઝ પોતે એક કવિ છે ને તે માને છે કે તેમની જોડી આજે યુરોપમાં પણ નથી. તેઓ જેમ કવિ છે તેમ તત્વજ્ઞાની છે અને આસ્તિક પુરુષ છે... આ મહાકવિ હિંદુસ્તાનનું એક અણમોલું રત્ન છે... એમને લાયકનું માન ગુજરાતની રાજધાની આપો એમ હું ઇચ્છું છું. તેમને સારુ કાન ફાડી નાખે એવા પોકારો ન શોભે, માણસોની ભીડ હોવા છતાં ઘકાધકી વિના આપણને જે પ્રિય છે તેને સારુ આપણે રસ્તો આપી દઈએ. આપણે રસ્તા શણગારીએ તો તેમાંયે પશ્ચિમતા નહીં પણ પૂર્વતા હોવી જોઈએ. એ પોતે જેવા કવિ છે તેવા જ ચિત્રકળા ને સંગીતના પારખનાર છે. એટલે આપણે જે ભાવ બતાવવા માગીએ તે શાંતિમય, કળામય, સર્વપ્રકારે આડંબરથી, ઘેલછાથી રહિત એવો શુદ્ધ હોવો જોઈએ. કાર્યવાહકોને હું વિનંતી કરું છું કે તેઓ આજથી જ વિચાર કરી સુવ્યવસ્થા ઘડી કાઢે કે જેથી આપણા પરોણાને શ્રમ ન પહોંચે અને ગુજરાત ધાર્મિક વૃત્તિથી ગુજરાતને અને કવિશ્રીને શોભે એવો આવકાર આપે.’’[35] ગાંધીજી પ્રજાને ઘડવાની; તેને કેળવવાની એક પણ તક જવા દેતા નથી, તેનો આ સુંદર નમૂનો છે. કવિ અને રાજપ્રકરણી પુરુષ વચ્ચેનું અંતર અને તેમનો પ્રજા સાથેનો સંબંધ કઈ રીતે અલગ છે અને હોવો જોઈએ તે બાબત ગાંધીજી સ્પષ્ટ કરે છે. ગાંધીજી અને ફિનિક્સ કુમારો શાંતિનિકેતનના પરોણા થયા હતા. હવે સત્યાગ્રહ આશ્રમને કવિના આતિથ્યનો મોકો હતો. 11 માર્ચ, 1920ના રોજ ગાંધીજીએ ગુરુદેવને આશ્રમમાં રહેવા આમંત્રણ આપતા લખ્યું; ‘‘આપને કાર્યક્રમોથી અને તમાશાથી લાદી દેવામાં ન આવે તેનો પૂરો પ્રયત્ન થઈ રહ્યો છે. આપ આશ્રમમાં ઊતરશો ? આપ આશ્રમમાં મુકામ કરશો તો મને જે આનંદ થશે તે બીજા કશાથી નહીં થાય. મારી ઉત્કટ ઇચ્છા છે કે આપ અહીં રહો તે દરમિયાન આશ્રમ શી વસ્તુ છે અને તેના આદર્શો કેવા છે તે સમજી લો. આશ્રમમાં એવા ઘણા લોકો છે કે જેઓ આપના શિષ્યો બની ચૂક્યાનો દાવો કરે છે. એ બધાંને આપની હાજરીનો લાભ મળે એવી પણ મારી ખાસ ઇચ્છા છે... આ આશ્રમ અમદાવાદ શહેરના મધ્યભાગથી ચાર માઈલ દૂર આવેલો છે અને સાબરમતી નદીને કિનારે એક ટેકરા ઉપર વસેલો છે.’’[36] કવિશ્રીની અનુકૂળતાનો વિચાર કરી તરત જ લખ્યું કે જો આશ્રમ અનુકૂળ ન હોય તો, ‘‘તમામ આધુનિક સગવડોથી સજ્જ એવા ખાનગી બંગલામાં રહી શકશો.’’[37] પ્રજાને તૈયાર કરવામાં કેવળ સ્વાગત દરમિયાન વર્તનની સૂચના પર્યાપ્ત નથી. પ્રજાને ગુરુદેવનાં કામ અને તેમની સંસ્થાઓ, તેમના સાહિત્યથી પરિચિત કરાવવી જરૂરી હતી. રવિશંકર રાવળે નોંધ્યું છે તેમ તે સમયે ગુજરાતના સાક્ષરોને પણ કવિના સાહિત્યનો અભ્યાસ તો નહીં પણ પરિચય પણ ન હતો. આથી ગાંધીજીએ નવજીવન મારફત આ કામ માથે લીધું. 21 માર્ચ, 1920ના અંકમાં તેમણે સી. એફ. ઍન્ડ્રૂઝનો શાંતિનિકેતનનો પરિચય આપતો લેખ છાપ્યો. આ લેખ ઍન્ડ્રૂઝના નૈરોબીમાં આપેલા ભાષણનો સાર હતો. ‘‘શાંતિનિકેતનના સૌંદર્યનો સાક્ષાત્કાર શબ્દોથી કરાવી શકાય એમ નથી. અમારા લાડીલા કવિ રવીન્દ્રનાથ ટાગોરે – જેમને અમે ગુરુદેવના નામથી સંબોધીએ છીએ તેમણે – એને પોતાના ગીતમાં ‘‘અમારા હૃદયના લાડીલાની ઉપમા આપી છે અને તે યથાર્થ છે... મને તો મારા હૃદયમાં પૂરેપૂરી ખાતરી છે કે અમારા ગુરુદેવના પિતાજી મહર્ષિ દેવેન્દ્રનાથ ટાગોર અને અમારા ગુરુદેવના જયેષ્ઠ બંધુ દ્વિજેન્દ્રનાથ ટાગોરનો પવિત્ર આત્મા[38] અમારા આશ્રમની હવામાં વિચરી રહ્યો છે. ‘‘શાંતિનિકેતન વિશે એક વાર્તા એવી છે કે ઘણાં વરસો ઉપર મહર્ષિ દેવેન્દ્રનાથ એમના સૌથી નાના દીકરા રવીન્દ્રનાથ સાથે સૂર્યાસ્તને સમયે શાંતિનિકેતનના સુરમ્ય સ્થળ નજીક આવી પહોંચ્યા અને શ્વેત પુષ્પોથી સુશોભિત વેલાઓથી ઢંકાયેલા બે વૃક્ષની વચ્ચે બેસીને પ્રભુનું ધ્યાન ધરવા લાગ્યા. ધ્યાન ધરતાં ધરતાં સંધ્યાકાળ વીતી ગયો અને નિશાની કાલિમાએ આસપાસના ક્ષેત્રો પર પોતાનું સામ્રાજ્ય પ્રવર્તાવ્યું. ચંદ્રિકા પોતાના પૂરબહારમાં ખીલી ઊઠી પણ તેઓ તો પ્રભુના ધ્યાનમાં જ નિમગ્ન રહ્યા. સુવર્ણમય, ઝળહળતા પ્રભાત સમયે પણ મહર્ષિ બેઠેલા જ જણાયા અને એમનું હૃદય અખંડ રાત્રિના એકતાનથી ઉત્પન્ન થયેલા પ્રભુના પ્રેમાનંદથી ઊભરાઈ જતું જણાયું. પોતાના પુત્રને સંબોધી તેઓ બોલ્યા, ‘‘આ મારું શાંતિનિકેતન છે, મારી જીવનયાત્રાનું છેલ્લું ધામ છે.’’ અને ત્યાં તેમણે વરસો સુધી પોતાની ઉત્તરાવસ્થામાં વાસ કર્યો. ‘‘આશ્રમની અંદરની ખૂબી તમારી આગળ રજૂ કરવાને સારું હું અમારા આશ્રમના વિદ્યાર્થીઓની દિનચર્યાનું વિવરણ કરીશ. સૂર્યોદય પહેલાં અમારા આંબાવાડીઆના પંખીની જેમ અમારા વિદ્યાર્થીઓ જાગ્રત થઈ જાય છે. ગાયક વિદ્યાર્થીગણ સૌથી પહેલાં નિંદ પરહરે છે અને પ્રભાત સંગીત ગાતો ગાતો આખા આશ્રમમાં ફરી વળે છે... થોડો સમય વીત્યા બાદ દરેક વિદ્યાર્થી પોતાનું આસન લઈને ખેતરમાં ચાલી નીકળે છે અને તે આસન પર બેસી એકલો વિશ્વંભરના ધ્યાનમાં મગ્ન થઈ જાય છે... લગભગ સાડા દશ વાગ્યા સુધી શાળાનું કામ ચાલે છે. અમારી શાળાને સારું મકાન કે ઓરડી નથી. સર્વ વિદ્યાર્થીઓ ઝાડની નીચે ખુલ્લી હવામાં પોતપોતાના શિક્ષકોની સમીપ બેસી જાય છે... અમારી શાળામાં પુસ્તકો જવલ્લે જ વાપરવામાં આવે છે. ફિલસૂફ પ્લેટોની મારફત અમારું ઘણુંખરું શિક્ષણ વાર્તા દ્વારા જ અપાય છે.. બે વાગતાં શિક્ષણનું કાર્ય પાછું શરૂ થાય છે પણ તે સમય પછી શિક્ષણનો ઘણો ખરો ભાગ અંગ-મહેનતનો હોય છે... બપોરના સમયમાં પુસ્તકનું અધ્યયન જવલ્લેજ થાય છે. ચાર વાગે શાળાનું કામ પૂરું થાય છે અને તે પછી ફૂટબૉલ રમવાને મેદાનમાં સૌ દોડી જાય છે. અમારા શાંતિનિકેતનમાં વિદ્યાર્થીઓ એમના રમતગમતના શોખને માટે સર્વત્ર મશહૂર છે... દર અઠવાડિયે એક વાર અમારા ગુરુદેવ મંદિરના સ્ફટિક આસન પર બિરાજે છે અને બધાં બાળકો તેમની આસપાસ પ્રભુની વાર્તા સાંભળવા વીંટળાઈ વળે છે... બાળકો તો તેમના શ્રોતાજનો છે, તેમના ટીકારારો છે, અને તેથી કરીને જ એમના સૌથી ઊંચી પ્રતિનાં ગીતો તાજાં ને તાજાં જ દીસે છે... અમારા ગુરુદેવની પ્રકૃતિના વિષયમાં અને અમારા આશ્રમના ભવિષ્યના વિષયમાં અમને નિરંતર ચિંતા રહ્યાં જ કરે છે, જોકે અમને આ દિનપ્રતિદિન વધતી જતી મોંઘવારીમાં અમારા નાનકડા ભંડોળમાંથી આશ્રમનું ખરચ કેવી રીતે નભાવવું એ નથી સૂઝતું.’’[39] પ્રજાને શાંતિનિકેતનથી, તેના સૌંદર્યથી, તેની આગવી શિક્ષણ ફિલસૂફીથી વાકેફ કર્યા પછી ગાંધીજીએ કવિના સ્વાગતનો, તેમનાં માન-સન્માનનો સાચો અર્થ સમજાવતા લખ્યું, "તેમને સારામાં સારું માન કેમ આપી શકાય? તેમના સાહસને આર્થિક મદદ આપીને. તેમને શાંતિનિકેતન આશ્રમ ઉપર અને ત્યાં ચાલતી શાળા ઉપર સંપૂર્ણ પ્રેમ છે. આશ્રમ તેમના પિતાશ્રીએ સ્થાપ્યો છે, શાળા પણ સ્થાપી છે. તેને લગતું ખર્ચ પોતાને મળતી મદદથી ચલાવે છે. પોતાના પૈસા પણ તેમણે આ સાહસમાં વાપર્યા છે. જ્યારે તેમણે ચેન્નાઈમાં ગયે વરસે મુસાફરી કરી હતી ત્યારે દરેક જગ્યાએથી તેમને શાંતિનિકેતનને સારુ ભેટો કરવામાં આવી હતી. અમે માનીએ છીએ કે આવું કંઈક ગુજરાતમાં થાય તો શોભી નીકળશે. અમારી ઉમેદ છે કે દરેક સ્થળે જ્યાં તેમની પધરામણી થાય ત્યાં ઉપરની વાત ધ્યાનમાં રાખવામાં આવશે.’’[40] ગાંધીજીનો અને આશ્રમના અંતેવાસીઓનો પ્રયાસ ગુજરાતને શક્ય હોય તેટલી હદે ગુરુદેવના પ્રવાસ અને તેમના સંદેશાને ઝીલવા માટે તૈયાર કરવાનો હતો. આથી શાંતિનિકેતન વિશે ઍન્ડ્રૂઝના લખાણના બીજે જ અઠવાડિયે કાકાસાહેબ કાલેલકર અને નરહરિ પરીખે, ‘‘આપણા માનવંતા મહેમાન કવિવર રવીન્દ્રનાથ ઠાકુર : તેઆશ્રીનો પરિચય નામે લાંબો લેખ ‘નવજીવન’માં લખ્યો. કાકાસાહેબ તો શાંતિનિકેતનમાં ગુરુદેવના અંતેવાસી રહી ચૂકેલા જ્યારે નરહરિ પરીખે મહાદેવભાઈ સાથે ‘ચિત્રાંગદા’નો અનુવાદ આપેલો. આમ કવિની પ્રતિભાનું વર્ણન કરવા માટે ગાંધીજીએ બે શ્રેષ્ઠ વ્યક્તિઓ પસંદ કરી. લેખની માંડણી કરતાં તેમણે જે પ્રજા પોતાની મહાન પ્રતિભાઓને પારખવાની ક્ષમતા ખોઈ બેસે છે અથવા ધરાવતી ન હોય તે પ્રજા પરતંત્રમાં રહેવા લાયક છે તેમ કહેતાં લખ્યું; ‘‘દુનિયામાં મહત્તા દુર્લભ છે એ સૌ કોઈ માને છે. પણ એથી પણ દુર્લભ વસ્તુ મહત્તાની પારખ છે... આ પારખવાની શક્તિ અથવા પોતાની મેળે વસ્તુનું મહત્વ આંકવાની શક્તિ એ જ રાષ્ટ્રનો પ્રાણ છે. જે રાષ્ટ્રમાં એ શક્તિ ન હોય તો તે રાષ્ટ્ર પાસે ધન, દોલત, બુદ્ધિ અથવા શક્તિ હોય, તોપણ તે અલ્પપ્રાણ રાષ્ટ્ર છે અને તે પરતંત્રતામાં જ રહેવા લાયક છે... અંગ્રેજોએ જે દિવસે હિંદુસ્તાન પોતાના કબજામાં લીધું તે દિવસે આપણે પરતંત્ર થયા નહીં. પણ જે દિવસથી અંગ્રેજોની દૃષ્ટિથી આપણે આપણા સામાજિક, ધાર્મિક, સાહિત્યવિષયક પ્રશ્નોનું નિરીક્ષણ કરવા લાગ્યા તે દિવસથી આપણે ખરેખરા પરતંત્ર થયા... સ્વદેશસંસ્કૃતિનું મહત્વ જે જાણે છે, સ્વદેશસંસ્કૃતિ પર જેની શ્રદ્ધા છે, તેમાં જ આ ખાનદાની અને પ્રાણ વસી શકે છે. ‘‘આવી વૃત્તિવાળા એક પ્રતિભાવાન કવિ આપણું આમંત્રણ સ્વીકારીને અહીં પધારે છે. હિંદી સંસ્કૃતિનું ગૌરવ તેમની રગેરગમાં સ્ફુરી રહ્યું છે. આર્યોનું જીવન કેટલું ઉદાત્ત, ઉચ્ચ અને ઉજ્જ્વળ હોઈ શકે છે એનું દર્શન એમની મૂર્તિ જોતાં આપણને થશે. માટે તેઓશ્રી કેવા છે, શું કરે છે, શું ધારે છે, તેમના આદર્શ કેવા છે, તેમને શું પસંદ છે, શું પસંદ નથી, દેશની પડતી દશામાં પણ તેઓએ જગતની કેવી ભારે સેવા કરી છે તે આપણે જાણીએ તો તેમના સ્વાગતમાં આપણી ત્રુટિ ઓછી થાય અને સ્વાગતનું કાંઈ પણ પુણ્ય આપણે મેળવી શકીએ... તેઓ ખરા અર્થમાં કવિ છે. કવિ એટલે દ્રષ્ટા. બહુ વાંચવાથી, પૂછવાથી અથવા અનુમાન કરવાથી ઘણા લોકો જે સમજી શક્તા નથી તે કવિ સહેજે જુએ છે. આપણી દૃષ્ટિ વર્તમાનકાળથી મર્યાદિત હોય છે. નિર્મળ દૃષ્ટિવાળા કવિ ભવિષ્યકાળમાં પણ જોઈ શકે છે... આ દેશમાં રહીને લગભગ પચાસ વર્ષ સુધી જેમણે પોતાના કવિત્વનો વરસાદ આપણા ઉપર વર્ષાવ્યો છે તેમનો આજે પરિચય આપવો પડે એ આપણા દેશની દયામણી દશા ગણાય. પણ મહત્તા ઓળખવાની શક્તિ આપણે ગુમાવી બેઠા છીએ તેથી સાત વર્ષ પહેલાં યુરોપના મહાન વિદ્વાનો અને સાહિત્યાચાર્યોએ તેમને અગ્રપૂજાનું માન આપીને દુનિયામાં આ એક મહાન વિભૂતિ છે એમ આપણને કહી દીધું, ત્યાં સુધી આપણા દેશમાં એમની યોગ્યતા જાણનાર અને જાણતા હોય, તોપણ મુક્તકંઠે સ્વીકારનાર બહુ જ ઓછા હતા... મહા યુદ્ધ પછી અને મહા યુદ્ધને લીધે યુરોપના સાત્ત્વિક વિદ્વાનોની મનોરચનામાં જે ફેરફાર થયો છે અને ‘નૅશનલિઝમ’ એટલે રાષ્ટ્રપૂજા ધર્મ –એની સામે જે અણગમો પેદા થયેલો છે તે વૃત્તિ મહાયુદ્ધની છાયા પણ યુરોપ ઉપર પડેલી ન હતી ત્યારે રવીન્દ્રનાથમાં સ્ફુરી હતી અને રાષ્ટ્ર-ઉપાસનામાં કેટલો અધ:પાત છે એ તેઓ તે વખતથી કહેતા આવ્યા છે. धर्मो रक्षति रक्षित: એ વ્યાસ – વચનમાં અડગ શ્રદ્ધા રાખીને બંગ-ભંગની હિલચાલ અત્યંત જોસમાં હતી ત્યારે પણ એમણે એ હિલચાલના રાજસિક અને તામસિક સ્વરૂપને નિર્ભયતાથી વખોડ્યું હતું. છતાં યુરોપે એમની મહત્તા સ્વીકારી ત્યારે જ આપણે એમની જય બોલાવા લાગ્યા... બંગાળી લોકો તો એમને પહેલેથી જ જાણતા હતા. તોપણ તેમણે આ સાહિત્યરત્નને દુનિયા આગળ મૂકવા જેટલો ઉત્સાહ બતાવ્યો ન હતો. જે સ્થિતિ રવીન્દ્રનાથ ઠાકુરની છે તે જ સ્થિતિ આપણી સંસ્કૃતિની છે... આવી સ્થિતિમાં પોતાની સંસ્કૃતિ ઉપર શ્રદ્ધા રાખનાર, એટલું જ નહિ પણ એ સંસ્કૃતિનું રહસ્ય પી જઈ આજના જમાનામાં તે સંસ્કૃતિ કેટલી દીપી નીકળી શકે છે એનો વસ્તુપાઠ આપનાર જે થોડી મહાન વિભૂતિઓ છે તેમાં શ્રી રવીન્દ્રનાથ ઠાકુર છે. માટે એમનું દર્શન આપણને પ્રિય, બોધક અને પ્રતિભાવક થવું જોઈએ. ‘‘પરમેશ્વરે એમને શરીર પણ એવું આપ્યું છે કે એમને જોતાં જ મનમાં શ્રદ્ધાભક્તિ ઉત્પન્ન થાય... કવિની વૃત્તિ સર્વ વાતમાં લહેરી હોય છે, અને રવીન્દ્રનાથ ઠાકુર પોતાના પોશાકમાં પણ લહેરી છે, કોઈ દિવસ સાદું પહેરણ જેને બંગાળીઓ પંજાબી કહે છે તે પહેરીને એના ઉપર રેશમી ખેશ ઓઢે છે, કોઈ દિવસ લખનૌના નવાબની માફક ઊંચી ટોપી અને લાંબો ડગલો ચઢાવે છે, તો કોઈ દિવસ જાપાની ઝભ્ભો નાંખે છે. એમની સામે કોઈ હિંદી માણસ બૂટ, સૂટ અને હૅટ પહેરીને ઊભો રહે તો તેની ગ્રામ્યતા આપણી આગળ તરી આવ્યા વગર રહે નહિ... ટૂંક્માં કહીએ તો એમની મુખચર્યા, એમનો પોશાક, એમનો અવાજ, એમનો વિવેક વગેરે બધી બાબતોમાં એટલું બધું મીઠાશ ભર્યું ઔચિત્ય જણાય છે કે તેમને મળવાથી સુસંસ્કૃત માણસનો આદર્શ આજે આપણે જોયો છે એવું સમાધાન આપણને થાય છે.’’[41] કવિના વ્યક્તિત્વ અને પ્રતિભાની ઝાંખી આપ્યા બાદ કાકાસાહેબ અને નરહરિભાઈ તેમની બાલ્યાવસ્થા, ટાગોર કુટુંબમાં સ્વતંત્રતાનું વાતાવરણ, નૈસર્ગિક શક્તિઓ ખીલવવાની તક અને જાતઅભ્યાસનું વિવરણ આપે છે. સોળ વર્ષની વયે વિલાયત જતા પહેલાં અમદાવાદમાં રહ્યા હતા તેનો ઉલ્લેખ પણ કરે છે. ઓગણીસ વર્ષની વયે લખેલી ‘‘વાલ્મીકિ પ્રતિભા’’ અને ભાનુસિંહના તખલ્લુસ હેઠળ રચેલ વૈષ્ણવપંથી કાવ્યોનો ચિતાર આપે છે. ‘‘ગીતાંજલિ’’ને તેઓ કવિની ‘‘પાકી ઉંમરનું પરિપક્વ રૂપ’’ કહે છે. ‘‘ગીતાંજલિ’’નો રસાસ્વાદ કરાવતાં કહે છે; ‘‘રવિબાબુની વિશ્વવિખ્યાત ગીતાંજલિમાં પણ વૈષ્ણવ કવિઓના ભાવ અને સંકેત જોવામાં આવે છે. પણ ગીતાંજલિની ભાવનાઓ એટલી બધી સૂક્ષ્મ અને સાર્વભૌમ છે કે આઇરિશ લોકોને તેમજ જાપાનીઓને, મુસલમાનોને તેમજ અમેરિકન લોકોને ગીતાંજલિમાં ક્યાંય પારકાપણું લાગતું નથી. ગીતાંજલિનું ખાસ લક્ષણ તો તેની અભિજાત રસજ્ઞતામાં છે. ગીતાંજલિમાં આવતા ભાવો તો ચિરપરિચિત લાગે છે, પણ તેમના પહેરવેશમાં અને ચિત્રામણમાં એટલી બધી નવીનતા, કોમળતા અને પ્રસન્નતા છે કે દરેક પદમાં કોઈ પણ નવીન તત્ત્વ અથવા અનુભવનો સાક્ષાત્કાર આપણને થયો છે એમ લાગ્યા વિના રહેતું નથી.’’[42] બંને સમીક્ષકો કવિની સૂક્ષ્મવૃત્તિના, સામાન્ય વાચક અને વિવેચકની નજરથી અજ્ઞાત રહેતાં પાસાંને પણ ઊજળાં કરે છે. કવિના કબીરનાં પદોના અનુવાદ અંગે તેઓ કહે છે; "એમના કવિતાસાગરમાંથી નીકળતાં પહેલાં એટલું કહેવું પડે છે કે જેમ તેઓ વૈષ્ણવ કે બાઉલ સંપ્રદાય સાથે એક્તાન થઈ શક્યા તેમ સુરતા માર્ગી કબીર સાથે થયેલા જણાતા નથી. અને તેથી તેમણે કબીરનાં સો એક પદોનું જે ભાષાંતર કર્યું છે તેથી પૂરેપૂરો આનંદ થતો નથી.’’[43] કવિતા પછી તેઓ કવિના નિબંધો, ટૂંકી વાર્તાઓ અને કવિની ત્રણ મહત્વની નવલકથાઓ ‘ઘરે-બાહિરે’, ‘ગોરા’ અને ‘ચોખેર-બાલી’નો પણ ગુજરાતના વાચકો અને સાક્ષરોને પરિચય કરાવે છે. અંતે તેઓ કવિના ‘નૅશનૅલિઝમ’નાં ચાર વ્યાખ્યાનોની ચર્ચા કરી કવિનો સંદેશો સ્પષ્ટ કરે છે. ‘નૅશનૅલિઝમ’ અથવા રાષ્ટ્ર-ઉપાસના એ આધુનિક જાતિઓને થયેલો રોગ છે અને તેમાં બધાનો નાશ છે એ કહી દીધું છે. એ સંદેશો ‘ઘરે-બાહિરે’માં એમણે હિંદુસ્તાન જેવા પરતંત્ર રાષ્ટ્રને લાગુ પાડી બતાવ્યો છે અને ‘નૅશનૅલિઝમ’માં વિજયોન્મત્ત પાશ્ચાત્ય રાષ્ટ્રોને અને જાપાનને લાગુ પાડેલો છે... આત્માની ઉપાસના છોડીને અહંકારની કે રાષ્ટ્ર-ઉપાસનાની પાછળ પડોમા. આત્માને જ વળગી રહો. તે શિવ છે, મંગળ છે, પરમ સુંદર છે. તેની જ ઉપાસના કરો. તેની જ ઉપાસના કરો.’’[44] 1 એપ્રિલના રોજ કવિ ટાગોર અને તેમના સાથીઓ ‘ગુજરાત મેલ’માં અમદાવાદ આવ્યા. શ્રી રવિશંકર રાવળ આગમન તથા આસપાસની ઘટનાઓનો ચિતાર આપતાં લખે છે : ‘‘પરિષદ તથા પ્રદર્શનનું મોટું આકર્ષણ તો કવિવર રવીન્દ્રનાથ ટાગોર હાજરી આપવાના હતા. તે પ્રદર્શન અને પરિષદની શિસ્ત અને સેવાનું કાર્ય ડૉક્ટરના મંડળના નિત્ય મુલાકાતી અને મિત્ર શ્રી અંબાલાલ પુરાણીને સોંપાયું હતું. અને તેમણે સ્થાપેલા અખાડાઓના વિદ્યાર્થીઓની સેનાએ બધા દિવસોમાં પ્રશસ્ય સેવા આપી. મુંબઈથી હાજી મહમ્મદે આ પ્રસંગના બને તેટલા ફોટોગ્રાફ મેળવવા મને કહી રાખેલું એટલે તે માટે હું તાજેતરમાં મિત્ર બનેલા જાણીતા ફોટોગ્રાફર જર્નાદન અને પરીખને મળ્યો. તે ભાઈઓએ આ સમારંભને પોતાનો માની દરેક પ્રસંગે પોતાના મોટો કૅમેરા લઈને હાજર રહેવા સ્વીકાર્યું અને પહેલી તારીખની સવારે ટાગોરના આવવાના વખતે જોઉં છું તો તેઓ પોતાના મોટા ફિલ્ડ કૅમેરા અને તેની ઊંચી ઘોડી તથા કળા પરદા સાથે સ્ટેશનમાં એક થાંભલા આગળ ગોઠવાઈ ગયા હતા ! સ્ટેશન પર પરિષદના મુખ્ય કાર્યકરો, અમદાવાદના શ્રીમંતો ને નાગરિકોએ ટાગોરનું ભવ્ય સ્વાગત કર્યું. તેમની ભીડ વચ્ચે ટાગોરની આરતી થઈ રહી કે તરત જ કૅમેરાની ઘોડી મંડાઈ અને જનાર્દને લેન્સનું ઢાંકણ ઉઠાવી ‘વન-ટુ-થ્રી’ બોલી બંધ કરી ઘોડી ઉઠાવી ચાલતી પકડી.’’[45] પરિષદની બેઠક પહેલાં પ્રેમાભાઈ હૉલમાં રાખવાનો નિર્ણય થયો હતો પણ કવિની હાજરીને કારણે સમગ્ર કાર્યક્રમ અંબાલાલ સારાભાઈના આનંદભવન થિયેટરમાં યોજવામાં આવ્યો. આ આનંદભવ થિયેટર ઘીકાંટા રોડ પર આવેલું હતું. પરિષદની પ્રારંભની બેઠકનો હેવાલ નોંધે છે : ‘‘પરિષદનું રીતસરનું કામકાજ તા. 2જી એપ્રિલ, 1920ને શુક્રવારે બપોરના 12 વાગે આનંદભવન થિયેટરમાં શરૂ થનાર હતું; પરંતુ મુકરર સમય પૂર્વે આખું થિયેટર વિદ્યાવિલાસી સ્ત્રી-પુરુષો, સંભાવિત શહેરીઓ અને શેઠિયાઓ અને બહારગામથી આવેલા જાણીતા વિદ્વાનો અને મહેમાનોથી ચિક્કાર ભરાઈ ગયું હતું. વળી સ્ટેજને સારી રીતે ફૂલપાનથી શણગારવામાં આવ્યું હતું; તેમજ મહાત્મા ગાંધીજી, શ્રીમતી સરલાદેવી ચોધરાણી, પ્રો. આનંદશંકર ધ્રુવ, રા. બ. હરગોવિંદદાસ કાંટાવાળા, સર ગિરિજાપ્રસાદ ચીનુભાઈ, વિદ્યાગૌરી નીલકંઠ, સૌ. શારદા મહેતા, રા. કૃષ્ણલાલ ઝવેરી, પ્રો. બળવંતરાય, રા. ડાહ્યાભાઈ દેરાસરી, શેઠ પુરુષોત્તમ વિશ્રામ માવજી, રા. મટુભાઈ ક્ંટાવાળા, મિ. કેખુશરૂ અરદેસર બાલા, પ્રો. સાંકળચંદ શાહ, ડૉ. લાલાભાઈ, રા. માનશંકર પીતાંબરદાસ, પ્રો. વિઠ્ઠલરાય, રા. કૃષ્ણરાવ દિવેટિયા, રા. મનહરરામ, રા. ચંદ્રશંકર વગેરે વગેરે જાણીતાં સ્ત્રી-પુરુષોની સ્ટેજ પર હાજરી સૌનું ધ્યાન ખેંચી રહી હતી. ‘‘સમય થતાં બાળાઓ કવિ ન્હાનાલાલનું ‘ધન્ય હો, ધન્ય જ પુણ્ય પ્રદેશ, અમારો ગુણિયલ ગુર્જ્જર દેશ’ એ કાવ્ય ગાઈ સંભળાવતી હતી તે અરસામાં પરિષદના માનવંતા મહેમાન કવિવર રવીન્દ્રનાથ, શેઠ અંબાલાલ સારાભાઈએ મિ. ઍન્ડ્રૂઝ સાથે આવી પહોંચતાં આખી સભાએ માનપૂર્વક સત્કાર કર્યો હતો : જે પછી રા. કેશવ હ. શેઠનું મોઘેરા મહેમાન નામનું કાવ્ય ગવાતાં શ્રોતા વર્ગનાં મન રંજિત થયાં હતાં...’’[46] ઔપચારિક વિધિ પછી પરિષદ ત્રણ વાગ્યા સુધી મુલતવી રહી હતી, સાંજની બેઠક કવિને માનપાત્ર આપવા માટે ખાસ રાખવામાં આવી હતી. ‘‘તે પ્રસંગ પરિષદના ઇતિહાસમાં સોનેરી અક્ષરે કોતરાઈ રહેશે. તેનો દબદબો અને ભવ્યતા કંઈ જુદાં જ જણાતાં હતાં. પ્રથમ શ્રીયુત લલિતે ડૉ. ટાગોરના એક અંગ્રેજી કાવ્યનો તરજુમો જે નીચે આપ્યો છે, ને ભાવવાહી રીતે સુમધુર કંઠે ગાઈ સંભળાવ્યો હતો : ‘અહા જ્યાં અભયભર્યાં મન ખીલે, અને જ્યાં ઊર્ધ્વજ્યોતિ શિર ઝીલે અહા ! જ્યાં જન કુટુંબ વિસ્તરે, અને જ્યાં સત્ય મોતી મુખ સરે. પિતા ! એ સ્વતંત્રતાને સ્વર્ગ, પ્રભુ ! હો અમ સ્વદેશ ઉત્કર્ષ ! અહા જ્યાં પૂર્ણોદય સહુ પૂરે – અને જ્યાં વિવેકસર નિર્ઝરે – અહા જ્યાં મન તુંમય વિચરે – વિચારો વિશાળ વર્તન ધરે – પિતા ! એ સ્વતંત્રતાને સ્વર્ગ પ્રભુ ! હો પ્રિય સ્વદેશ-ઉત્કર્ષ.’[47] સંગીતબાદ પ્રો. આનંદશંકર ધ્રુવે કવિને અર્પણ કરાયેલું માનપત્ર વાંચી સંભળાવ્યું.[48] ‘‘પરમ માનનીય કવિવર ડૉ. રવીન્દ્રનાથ ટાગોર. છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદને વિશિષ્ટ પ્રસંગે આપ અમારું આમંત્રણ સ્વીકારી અત્રે પધાર્યા છો તે કૃપા માટે અમે ગૂર્જર ગિરાના નમ્ર સેવકો કૃતજ્ઞ છીએ, અને આપને અંત:કરણપૂર્વક સ્વાગત દઈ સવિનય અભિવંદન કરીએ છીએ. સરસ્વતી દેવીના ઉપાસનમાં આપે અમર કીર્તિ સંપાદન કરી છે અને આપનું પ્રત્યક્ષ સંનિધાન એ દેવીની સેવા કરવામાં અમને વિશેષ પ્રોત્સાહક થશે એવી અમને પ્રતીતિ છે. આ અમદાવાદ શહેર ગૂર્જરભૂમિનું પાટનગર છે અને ઐતિહાસિક ખ્યાતિથી પૂર્ણ છે. અમારું શહેર વેપાર-ઉદ્યોગમાં મશગૂલ છે અને લક્ષ્મીના ઉપાર્જનમાં ઘણો કાળ કાઢે છે, તે છતાં શુભાગ્યે તે સરસ્વતીથી વિમુખ નથી. સાહિત્યના પ્રયાસ માટે કેન્દ્રસ્થાન ઉત્પન્ન કરવાનું કાર્ય આ શહેરે ઘણાં વર્ષથી ઉપાડી લીધું છે અને તે ચાલુ રાખ્યું છે. બંગાળાના સાહિત્યનો પરિચય ભાષાંતરો દ્વારા ગુજરાતને કરાવવાનું સ્વ. નારાયણ હેમચન્દ્રે શરૂ કર્યું ત્યારપછી તે પ્રણાલી ચાલુ રહી છે, અને આપના પૂજ્ય પિતાશ્રી મહર્ષિ દેવેન્દ્રનાથ, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, બંકિમચંદ્ર, રમેશચંદ્ર દત્ત, દેવીપ્રસન્નરાય ચૌધરી, દામોદર મુખોપાયાય ઇત્યાદિની બંગાળી વાણીનો પ્રસાદ ગુજરાતી વાંચનારને સુલભ થયો છે. આપની અનુપમ ‘ગીતાંજલિ’નો સુધાસ્રોત પ્રગટ્યો ત્યારથી તેની ઉત્કટ પિપાસા ગુજરાતમાં ઉત્પન્ન થઈ છે અને ए आमार शरीररे शिराय शिराय जे प्राण-तरंगमाला रात्रिदिन धाय सेइ प्राण छुटिया छे विश्व-दिग्विजये सेइ प्राणा अपरुप छन्दे ताले लय नाचि छे भुवने — એ આપનો અલૌકિક અનુભવ ગુજરાતની પ્રજામાં અલ્પાંશે પણ સંક્રાન્ત થાય, આપની ‘પ્રણવરંગમાલા’નું પાન ગુજરાતની તૃષાર્ત ભારતીને થોડુંઘણું પણ થાય એ ઉત્કંઠાથી આપના વિવિધ વાગ્વિલાસ ગુજરાતી ભાષામાં ઉતારવામાં આવ્યા છે... પ્રભુ પાસે આજના શુભ પ્રસંગે અમારી પ્રાર્થના છે કે આપ દીર્ઘાર્યું થાઓ અને ભારતનું ગૌરવ હજી પણ વધે એવા અનેક મંગલ કાર્ય આપને હાથે થાઓ. આ માનપત્રવાળું કાસકેટ, હારતોરા અર્પણ કર્યા પછી કવિ ટાગોરે "નિર્માણ વિરુદ્ધ સર્જન નામે વિખ્યાત થયેલું તેમનું ભાષણ વાંચી સંભળાવ્યું.[49] તેમણે કહ્યું કે નિર્માણમાં પ્રયોજન હોય છે પણ સર્જન સર્જનને ખાતર હોય છે, સર્જનમાં એક પ્રકારની અંતિમતા છે. "એ આપણા મુક્ત અને આનંદમય ચૈતન્યને પામવા માટેની પ્રક્રિયા છે... સર્જન એટલે આકારોની લયલીલામાં સત્યનું દર્શન. એમાં વસ્તુ અને વક્તવ્યનું દ્વૈત હોય છે.’’[50] તેમણે જગતના સત્યની વાત કરી. આ સત્ય વસ્તુઓના ખાલી ખડકલામાં નથી, તે તો વસ્તુઓના સંબંધમાં છે – કેવળ સંબંધમાં નહીં પણ અખિલાઈભર્યા સંબંધમાં છે. જો આ સત્ય સંબંધોના વિષયોમાં સમાયું હોય તો મનુષ્યનું કર્તવ્ય આ તાલમાં તાલ મિલાવવો રહ્યું. ‘‘માનવજગતને દુ:ખની યાતના સહન કરવી પડે છે. કારણ કે એની અનેકવિધ ગતિ તાલબદ્ધ નથી... આધુનિક યુગમાં મનુષ્યોનું જે ઐતિહાસિક મિલન થયું છે એમાં આ મહાસંગીતનો અભાવ છે. એની અનેકવિધ ગતિમાં જે અસંબદ્ધતા છે એ અનેક દુ:ખો જન્માવે છે.’’5[51] કવિ પણ ગાંધીજીની માફક આધુનિકતાથી વિહ્વળ છે. કવિ માટે આધુનિકતા ચીજવસ્તુનો અતિરેક કરે છે, જડ અને ચેતન વચ્ચેનું અંતર વધારે છે. ‘‘મનુષ્યની શક્તિ બાહ્ય જગત તરફ વળી છે. એથી અઢળક ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય છે. એ આપણામાં આપણી શક્તિ અંગેનું અભિમાન પ્રેરી શકે, પણ જીવનનો આનંદ આપી ન શકે. દિનપ્રતિદિન ચીજવસ્તુઓનો ગંજાવર જથ્થો મનુષ્યની માનવતાને આંજી રહ્યો છે. જડ અને ચેતન વચ્ચેનું અંતર વધતું જાય છે. જ્યારે ચીજવસ્તુઓનો અતિરેક થાય ત્યારે જીવન સાથે એ એકરસ થતી નથી, પરિણામે એ જીવનની ભારે ખતરનાક હરીફ બની જાય છે, જેમ બળતણનો મોટો ઢગલો અગ્નિનો હરીફ બની જાય છે તેમ.’’[52] હિંદ સ્વરાજમાં ગાંધીજીએ આધુનિક સુધાર જે ખરેખર કુધાર છે તેને બહિરની શોધમાં સાર્થક્ય અને પુરુષાર્થની શોધ ગણાવ્યો હતો. બંને માટે આધુનિકતા જડ અને ચેતન વચ્ચેનું અંતર વધારનારી અને આથી માનવ હોવાપણાનો, તેની સર્જનશક્તિનો હ્રાસ કરનારી વ્યવસ્થા છે. આથી તે માનવને તેના સત્યથી, પરમેશ્વરથી, નીતિપરાયણતાથી દૂર લઈ જનારી વ્યવસ્થા બને છે. કવિ તો વિકાસનો અર્થ પણ ચીજવસ્તુઓના સંવર્ધન એમ ન થાય તેવું કહે છે. ચીજવસ્તુ પોતાની રીતે, તેની ભૌતિકતામાં અર્થસભર નથી હોતી પણ "જ્યારે કોઈ જીવંત વિચાર સાથે એ ઓતપ્રોત થાય છે ત્યારે જ એમને એમનું સત્ય પ્રાપ્ત થાય છે; પણ જ્યાં લગી માત્ર સંગ્રહ કરવાની તીવ્ર ઇચ્છા જ મનુષ્યના મનમાં વસી હોય છે ત્યાં લગી આ ઓતપ્રોતતા પણ અશક્ય હોય છે. ત્યાં લગી તો જીવનનાં પરિબળોને પણ સર્જન કરવાના એના મહાન કાર્યને માટે વિશેષ અવકાશ હોતો નથી.[53] કવિ આધુનિક વિજ્ઞાનને પણ અમર્યાદ નફાખોરી, સમાજની ખંડિત સમતુલા અને નૈતિક ઉદાસીનતા અને સૌંદર્ય પ્રતિ નષ્ટ થઈ રહેલા પૂજ્ય ભાવ સાથે સાંકળે છે. કવિનું ‘નિર્માણ વિરુદ્ધ સર્જન’ અને ગાંધીજીનું ‘હિંદ સ્વરાજ’ બંને એકસરખા દાર્શનિક ધરાતલની સરખી વિશ્વદૃષ્ટિની નીપજ છે. બંને ગ્રંથો આધુનિક્તાથી વિહ્વળ છે. કવિ આધુનિકતાને સત્યના, સૌંદર્યના, સર્જનાત્મકતાના હ્રાસ સાથે સાંકળે છે, જ્યારે ગાંધીજી આધુનિકતાને ગુલામી સાથે. ‘હિંદ સ્વરાજ’ આ અર્થમાં ફિલસૂફી સાથે રાજપ્રકરણી ગ્રંથ છે. તેનું મુખ્ય ધ્યેય ‘હિંદ કેમ છૂટે ?’ તે સવાલ છે. કવિ માટેનો સવાલ વિશાળ છે, કોઈ એક સમાજ, પ્રજા, સંસ્કૃતિનો નથી. તેમના માટે માનવ પોતાની સર્ગશક્તિ, પરમાત્મા સાથેની નિકટતા કેવી રીતે જાળવી શકે, કેવી રીતે તેની માવજત કરી શકે તે છે. કવિ કહે છે; ‘‘મનુષ્ય વિશેનું અંતિમ સત્ય એની બુદ્ધિમાં કે એની ભૌતિક સંપત્તિમાં નથી, એ તો છે એની અનુકંપાની કલ્પનાશક્તિમાં, એના હૃદયના ઉજ્જ્વળ પ્રકાશમાં, એની ત્યાગ-સમર્પણની સાધનામાં, જાતિભેદ અને રંગભેદના અંતરાયોને અતિક્રમીને જગતભરમાં પ્રેમનો પ્રસાર કરવાના એના સામર્થ્યમાં, આ જગત એ યાંત્રિક શક્તિનું સંગ્રહાલય નથી પણ જેનામાં સૌંદર્યનું સનાતન સંગીત અને દિવ્યતાનો આંતર પ્રકાશ છે. એવા માનવ-આત્માનું નિવાસસ્થાન છે એવા એના દર્શનમાં.’’[54] હિંદ સ્વરાજ જાતને ઓળખવામાં, નીતિપરાયણ અને ફરજપાલનમાં અને તે દ્વારા સ્વયં ઉપર પોતાનું રાજ કરવાની શક્યતામાં મુક્તિ અને સ્વરાજ બંને જુએ છે. ગાંધીજી માટે આધુનિકતા માનવઅસ્તિત્વની અનેક શક્યતાઓમાંની એક શક્યતા છે; એવી શક્યતા કે જે પોતે પેટાવેલા અગ્નિમાં ભસ્મીભૂત થઈ જશે. આધુનિકતા નાશકારી અને નાશવંત બંને છે. તે દિવસે સાંજે ગાંધીજીએ લાલદરવાજાના મેદાનમાં ‘‘સમાજની દૃષ્ટિએ સાહિત્ય વિષય પર જાહેર વ્યાખ્યાન આપ્યું.’’[55] ‘‘સાહિત્યરસિકોને હું પૂછું છું કે તમે તમારી કૃતિ મારફત મને પ્રભુની પાસે જલદી મૂક્યો કે કેમ ? જો તેઓ ‘હા’માં જવાબ આપશે તો તેઓની કૃતિમાં હું ગિરફતાર થઈ જઈશ... આપણું સાહિત્ય અત્યારે એવું છે કે જનસમાજ તેમાંથી એક્દ વસ્તુ પણ લઈ શકે એમ નથી. આપણા સાહિત્યમાં એક પણ એવી વસ્તુ નથી કે જે એક અઠવાડિયાને સારુ, એક વરસને સારુ કે એક જમાનાને સારુ નભી શકે.’’[56] તેમણે કહ્યું કે પ્રજા જ્યારે ભયભીત હોય ત્યારે ન તો કવિત્વની ધારા છૂટે, સત્ય પણ નહીં તરે. ‘‘હું જ્યારે કોચરબમાં રહેતો હતો ત્યારે કોસ હાંકનારને જોતો, સાંભળતો; પરંતુ તેના મોંમા તો બિભત્સ શબ્દો હતા. આનું કારણ શું ? આનો જવાબ હું અહીં બેઠેલા રા. નરસિંહરાવ પાસે તેમજ આપણા પ્રમુખ સાહેબ પાસે માંગું છું.’’[57] પ્રજા અને એથી સાહિત્ય પાસે તેમને એક જ અપેક્ષા હતી; ‘‘આપણી પ્રજા સત્ય લખતી, સત્ય બોલતી અને સત્ય આચરતી થાય એ મારી અંત:કરણની પ્રાર્થના છે.’’[58] તેમણે કવિવરનો સંદેશો પણ જન સમક્ષ મૂક્યો. ‘‘આધુનિક સંસ્કૃતિની નીપજ તરીકેનો એમણે કરેલો કલકત્તાનો ઉલ્લેખ એમની સ્વાભાવિક ખાનદાની અને નમ્રતાની સુંદર નિશાની છે. સાઠથી વધારે મિલોવાળા અને વેપારી બુદ્ધિવાળા અમદાવાદમાં આ સત્ય ઉચ્ચારવાનું એમના માટે જરૂરી હતું. એમણે અમદાવાદના લોકોને એટલું કહેવું પડે એમ હતું કે ઈશ્વરની સાધનાને લક્ષ્મીની સાધના કરતાં મોટી ગણવી જોઈએ. એમણે કલકત્તા સ્થિતિનું વર્ણન કરીને આ કાર્ય અત્યંત કુશળતાપૂર્વક કરી બતાવ્યું. અમે આશા રાખીએ છીએ કે ગુજરાતના લોકો કવિનો આ સંદેશો પોતાના હૃદયમાં ઉતારશે. એની સાચી કદર એ રીતે જ થશે.’’[59] તારીખ 2 એપ્રિલે ગાંધીજીના જાહેર ભાષણ પછી કવિવર એક રાત્રિ માટે આશ્રમના મહેમાન બન્યા. 9 મે અને 16 મે, 1920ના ‘નવજીવન’માં ‘સત્યાગ્રહ આશ્રમમાં એક રાત્રિ’ નામે શ્રી પરમાનંદના લેખમાં આ મુલાકાતનું વર્ણન છે. કવિવર રાતના નવ વાગ્યાની આસપાસ આશ્રમ આવવાના હતા તેથી; ‘‘સડક ઉપર ચંદ્રની ઉજ્જ્વળતાના ઉપહાસ કરતાં શ્વેત વસ્ત્રધારી આશ્રમવાસીઓનું ટોળું એકઠું થયું હતું, અને માનવંતા મહેમાનોની બહુ આતુરતાથી રાહ જોતું હતું... આમાં આશ્રમનિવાસી બાળકોનું કુતૂહલ બહુ જ આશ્ચર્ય પમાડે તેવું હતું... દૂરથી દીપયુગ્મ દેખાયું; મોટરના અવાજ સંભળાયા; આશ્રમવાસીઓમાં અને મારા જેવા અનામંત્રિત અતિથિઓનાં ચિત્ત આમંત્રિત મહાપુરુષો માટે સવિશેષ ઉત્કંઠિત થયાં; બાળકો ઉદગ્રીવ થઈને દૃષ્ટિ દોડાવવા લાગ્યાં અને થોડીવારમાં જેની આટલી આતુરતાથી રાહ જોવાતી હતી તે દેશદીપક નરરત્ન અમારી સન્મુખ આવી પહોંચ્યા. યજમાન મહાત્મા ગાંધીજી મોટરમાંથી નીચે ઊતર્યા અને તેમને અનુસરીને મહેમાન કવિ કુલાવતંસ રવીન્દ્રનાથ પણ નીચે આવ્યા. આશ્રમમાં દાખલ થવાને એક સાદો છતાં સુંદર આશ્રમવસ્ત્ર નિર્મિત દરવાજો ઊભો કરવામાં આવ્યો હતો. ત્યાં થઈને પ્રવેશ કરતા કવિવરને ત્યાંના સંગીત શિક્ષક તથા બાળવિદ્યાર્થીઓએ નીચેના મનોહર કાવ્યથી સત્કાર કીધો : "ઓ હૃદયરવ રેલાવનારા સંત કવિ અમ દેશના, આવો અમારે આંગણે કરીએ પૂજન વાગીશના.’’[60] સંગીત પૂરું થતાં કવિવર ટાગોર, ગાંધીજી અને સર્વ આશ્રમવાસીઓ અને અન્ય આમંત્રિત-અનામંત્રિત મંડળ આશ્રમમાં દાખલ થયું. "સાબરમતીના જળપ્રવાહમાં ડોકિયાં કરતાં, બેઠી બાંધણીના મકાનમાં સમગ્ર મંડળ દાખલ થયું. તે મકાનની અંદર સાબરમતીના નીરમાં સંક્રાન્ત થતો એક ચોક છે, તેની મયમાં આશ્રમની સમૃદ્ધિને અનુરૂપ એક માંડવો નાખવામાં આવ્યો હતો અને તેની વચમાં એક ઊંચું ચોરસ આસન ગોઠવવામાં આવ્યું હતું જેની ઉપર સ્વસ્તિકના આલેખનવાળો એક ચાકળો બિછાવેલો હતો. આ આસન ઉપર કવિવરની પધરામણી કરવામાં આવી... આ દિવસોમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ચાલતી હતી, પણ આજ આ સમયે અહીં મળેલી પરિષદ તેથી અન્ય અને અલૌકિક હતી... કવિવરે આસન અંગીકાર કર્યું કે બાજુએ પડેલી સાત શિખાવાળી દીવી પ્રગટાવવામાં આવી. સુગંધી પુષ્પોની માળા કંઠે આરોપવામાં આવી. અને આશ્રમની સાળ પર વણાયેલાં થોડાંક વસ્ત્રોની તેમને ભેટ ધરવામાં આવી.’’[61] આ સમયે ‘‘સામે જરાક દૂર બેઠેલા કૃશ છતાં તપતેજસ્વી મહાત્મા ગાંધીજી કવિવરને પોતાના મહેમાન બનાવવાનો ઘણા વખતનો અભિલાષ પરિપૂર્ણ થતો જોઈ પોતાની જાતને અહોભાગ્ય માનતા. કવિવરની સ્મિતભરી મુદ્રા શાંત વદને નિહાળી રહ્યા હતા.’’[62] પંડિત નારાયણ મોરેશ્વર ખરેએ ગાન ઉપાડ્યું : ‘‘ठाकुर तव शरणाई आयो’’ ગાન પૂરું થયા પછી કવિવર બંગાળીમાં બોલ્યાં.’’[63] ‘‘જે મહાત્માએ આ આશ્રમ સ્થાપન કર્યો છે તેમની સામે (મારી ક્ષુદ્રતા જોઈને) મને આપવામાં આવેલું સન્માન ગ્રહણ કરતાં સંકોચ થાય છે. મારે જે કાંઈ કહેવું છે તે હું વિદેશી ભાષામાં બોલવા નથી ઇચ્છતો. હું બંગાળીમાં જ બોલીશ અને ખૂબ ધીમેથી બોલીશ. આશા કરું છું કે આપ સૌને તે સમજાશે. ‘‘આપણા દેશને મોટામાં મોટું દુ:ખ એ છે કે આપણે દુનિયામાં કોઈ પણ વિચારનો પ્રચાર કરી શકતા નથી. આપણે કોઈ રાષ્ટ્રીય અધિકાર મેળવીએ કે ન મેળવીએ, બીજી કોઈ પણ પ્રકારની સંપદ આપણને ભલે મળે કે ન મળે, પણ આપણી સૌથી ઉત્કટ આકાંક્ષા તો એ કે આપણી પોતાની વાણી પ્રકાશિત થાય... કોઈ પણ જાતિને પોતાની વાણી પ્રકાશ કરવાનો ઉપાય નહિ રહે તો ભારે વેદના થાય છે. "આપણું ભારતવર્ષ વર્તમાન કાળમાં પોતાને પ્રગટ કરી શક્તું નથી  પોતાને જાણી શકે છે. પારકા વિચારો અને પારકી ભાષા વડે આપણું મન ઢંકાઈ ગયું છે. આ દારિદ્ર્યએ એક મહાન દરિદ્ર છે. આપણો સંદેશો દુનિયાને આપ્યાના અધિકારથી આપણે વંચિત થયા છીએ. આપણા અસ્તિત્વનો પરિચય આપણે ક્યાંય આપી શકતા નથી. આપણે જાણે બીજાના અનુગ્રહથી જીવીએ છીએ. "અહિંયા —આ આશ્રમમાં ભારત વર્ષ પોતાની વાણીને પોતાની ભાષા વડે પોતાના નિયમો પ્રમાણે પ્રકાશ કરવાના ઉપાયનું ચિંતન અને ઉદભવ કરે છે. તેનો પરિચય આ આશ્રમમાં થાય છે. બહારની ઉશ્કેરણીનું અથવા પાશ્ચાત્ય શિક્ષણના પરિણામનું આ ફળ નથી, તેથી મને બહુ આનંદ થાય છે. ભારતવર્ષમાં જે ચિત્તવૃત્તિ ઉત્પન્ન થઈ છે તેનો પરિચય આ આશ્રમમાં મળે છે. આપણા દેશની જે મહાન સંપદ છે તે સભાસમિતિઓ દ્વારા નહિ બતાવી શકાય; પણ ભારતવર્ષના સુરની સાથે જે લોકોનો સુર મળી ગયો છે તે લોકો દ્વારા જ થશે. "જે મહાત્માએ આ આશ્રમ સ્થાપન કર્યો છે, જેમના મનમાં વિધાતાએ આ આશ્રમની સૃષ્ટિ કરી છે, તે આખા ભારતવર્ષનો પ્રકાશ છે. વિશ્વ ભારતનું હૃદય તેમણે પોતાનાં જીવન વડે આજ વ્યક્ત કર્યું છે. ભારત વર્ષની તે આકાંક્ષા તેમના જીવનમાં સંજીવિત થઈ છે. આ આશ્રમનું જો ફક્ત બાહ્ય સ્વરૂપ જોઈશું તો આપણને તેનો પૂરેપૂરો પરિચય નહિ મળે. જેમણે આ આશ્રમને જન્મ આપ્યો છે તેમના જીવન સાથે મળીને ઊંડાણમાં જોઈશું તો આપણને દેખાશે કે આશ્રમમાં જે અમૃત રહેલું છે તે જ અમૃત ભારત વર્ષમાં રહેલું છે. જેઓ મહાત્માઓ છે; તેમના જીવનનું અમૃત પિરસવાનું આ એક સ્થળનિર્માણ થયું છે. "વનસ્પતિ આજે અહીં અંકુર રૂપે દેખાય છે, નવજીવનના વિહંગમોએ અહીં માળા બાંધવા આરંભ કીધો છે; ભારત વર્ષના નાના પ્રદેશથી વિધવિધ આશાઓ વહન કરીને ચોમેરનાં પક્ષીઓ આ માળામાં આવીને વસશે. આજે મારું પરમ સૌભાગ્ય છે કે આ આશ્રમલક્ષ્મીનો આશીર્વાદ-વરમાલ્યનો આપની પાસેથી મેં લાભ કીધો છે. "શુભ થાઓ, કલ્યાણ થાઓ, સત્ય, શ્રદ્ધા, નિષ્ઠા, શાંતિ અને સૌંદર્યથી સર્વ પરિપૂર્ણ થાઓ.[64] આશિર્વચન બાદ કવિનું પાદપ્રક્ષાલન કરવામાં આવ્યું, આશ્રમવાસીઓએ ક્રમવાર કવિનો ચરણસ્પર્શ કર્યો, મહાનુભાવોની ઓળખાણ કરાવવામાં આવી, કેટલાંક ટૂંકા ભાષણ થયાં અને પછી કવિ આરામ લેવા અતિથિગૃહમાં પધાર્યા. સવારે ચાર વાગે કવિ આશ્રમ પ્રાર્થનામાં ભાગ લેવા હાજર હતા. "સૌ પોતપોતાનાં નિત્યકર્મ પતાવી આશ્રમની ઉપવનભૂમિના મધ્યભાગમાં એકઠાં થયાં અને પોતપોતાની યોગ્યતા પ્રમાણે આસનારૂઢ થયાં. કાવ્યમૂર્તિ રવીન્દ્રનાથ ઠાકુર પણ અમારી સન્મુખ આવી પહોંચ્યા અને તેમના માટે નિયત થયેલા મધ્યાસન પર બેઠા... તેમની એક બાજુએ મહાત્મા ગાંધીજી બેઠા હતા. બીજી બાજુ શ્રીમતી સરલાદેવી ચૌધરાણી તથા અનસૂયાબહેન હતાં.[65] નિત્ય નિયમ પ્રમાણે સવારની પ્રાર્થના થઈ. ત્યારબાદ પંડિત ખરેએ કવિવર ટાગોરનું પદ્ય ગાયું અને વિનોબાજીએ ઉપનિષદનાં સૂત્રોનો પાઠ કર્યો. "આ પ્રાર્થનાનો ક્રમ પૂરો થયો. અમે હવે કવિશ્રી કાંઈક સંભળાવશે એ આશામાં સૌ શાંત થઈ બેઠા. પ્રાર્થનાની ગીતમાળામાં કવિશ્રી એટલા લીન થઈ ગયા હતા કે એકત્ર થયેલું મંડળ પોતાનું સંગીત સાંભળવા આતુર છે તેની તેમને વિસ્તૃતિ થઈ ગઈ અને ધ્યાન નિમગ્ન થઈ ગયા. મંડળની ધીરજની વધારે પડતી ક્સોટી થશે એ ભયથી મહાત્મા ગાંધીજીએ કવિવર ઠાકુરનું ધ્યાન ખેંચ્યું; અને કવિવરે એક પોતાનું જ બનાવેલું મધુર ગાન આરંભ્યું... ગુજરાતની સર્વ વસંતોમાં આ વસંત તો અનેરી બની કે જ્યારે આ ધવલ રાત્રિએ આજ ઘણા લાંબા વખતે એક મહાન કવિ વિહંગને સત્યાગ્રહ આશ્રમની ડાળે બેસી અવર્ણનીય કોઈ દિવ્ય કૂજન કીધું; અને નિરસ બનતી જતી ગુજરાતને રસનો મહાન પાઠ પઢાવ્યો.’’[66] કવિવરના સ્વાગતની વિધિ અને તે અંગેના ‘ખોટા’ ખર્ચાને લઈને મગનલાલ ગાંધી અને વિનોબાએ ‘મોટી ધમાલ મચાવી.’[67] ગાધીજીએ મગનલાલને ગુરુદેવ ‘અલૌકિક’ છે તેમ જણાવતાં લખ્યું; ‘‘ગુરુદેવ વિશે હું માત્ર સાક્ષી જ રહ્યો. તમારી બધાંની ઇચ્છાને વશ વર્ત્યો છું. હું પોતે કમાન વ.માં ન પડત. તેમની પૂજા કરવાનો કંઈક અલ્પ પ્રયાસ શોધી કાઢત. જે થયું તેના વિશે હું તદ્દન તટસ્થ છું. તેમનું સુંદર રીતે સ્વાગત કરવું એ આપણી ફરજ હતી એમ માનું છું. વિદ્યાર્થીઓ તેમાં રોકાઈ ગયા તેથી કાંઈ નુક્સાન થયું એવું મને નથી લાગ્યું. તેમનામાં રહેલો સેવાભાવ તેઓએ, આચાર્યોએ વાત યાદ રાખવા જેવી છે. વળી ગુરુદેવ બહુ અસાધારણ વ્યક્તિ ગણાય. તેમનામાં કવિત્વ સાધુતા અને દેશપ્રેમ છે. એ મેળવણી અલૌકિક છે. તે પૂજા યોગ્ય છે. તેમની સરળતા કેવી ?’’[68] 3 જી એપ્રિલ ભોળાનાથ સારાભાઈ લેડિઝ ઇન્સ્ટિટ્યૂટમાં ભરાયેલું સાહિત્ય અને કળાનું પ્રદર્શન મુંબઈના ‘કલા રસિક અને કલા સંગ્રાહક’ શેઠ પુરુષોત્તમ વિશ્રામજી માવજીના હાથે ખુલ્લું મુકાયું.Cite error: Invalid <ref> tag; refs with no name must have content આ દિવસે સાંજે લાલ દરવાજા મેદાન ઉપર કવિનું જાહેર વ્યાખ્યાન હતું; "ટાગોરે ‘વસંતના વધામણાં’ એ વિષય પર કવિત્વમય વ્યાખ્યાન કર્યું. તે પૂરું થયું કે લોકોમાંથી માંગણી આવી કે ‘એનું ગુજરાતી કહો.’ આપણા શ્રેષ્ઠ સાક્ષરો આનંદશંકરભાઈ, નરસિંહરાવ, રમણભાઈ વગેરે કવિવરની બાજુમાં બેઠા હતા. આનંદશંકરભાઈ અને સૌને તે Untranslatable લાગ્યું. નરસિંહરાવે તો ઊભા રહીને કહી દીધું કે ‘‘It is impossible’’. (એ અશક્ય છે.) એવામાં ગાંધીજી આવી પહોંચ્યા. પરિસ્થિતિ સમજીને તેમણે તરત કવિનું ટાઇપ કરેલું ભાષણ હાથમાં લઈ તેના પર નજર નાંખી લીધી અને પછી શરૂ કર્યું. ‘કવિ કહે છે, વસંત આવી છે.’ એમ કહીને સાદી ભાષામાં આખું ભાષણ લોકોને સમજાવ્યું. એમાં સાક્ષરોને કવિની શૈલી બરાબર ન ઊતરી તેથી રસક્ષતિ લાગી, પણ કવિવરના વિચારો તો ઘણાંને પહોંચ્યા.’’[69] પરિષદના અંતિમ દિવસે 4 એપ્રિલના રોજ સાંજે કવિશ્રીના ‘મુક્ત મિલન’ માટે વિક્ટોરિયા ગાર્ડનમાં ઉદ્યાન-સમારંભ રાખ્યો હતો. રવિશંકર રાવળ સ્મરે છે; ‘‘એમાં હજારો આમંત્રિતો માટે ટેબલ પર ખાદ્ય પદાર્થો ગોઠવાયા હતા. ત્યાં બેઠા બેઠા સૌ સાબરમતીના દીર્ઘ પર જોઈ શકે એવી એની રસિકતાભરી જે ગોઠવણ હતી તેમાં ડૉ. હરિપ્રસાદનો જ આગ્રહ હતો. તે સાથે બીજી જે સુંદર વાનગી તેમણે રજૂ કરી હતી તે શહેરના ભજનિકોની નાની મંડળીઓને તેમના તંબુરા, કાંતિયા, પખવાજ, મંજીરાં વગેરે સાથે એકઠી કરી ભજન ગાતી ઠેરઠેર ગોઠવી હતી. એવામાં ટાગોર અને ગાંધીજી, શ્રીમતી સરલાદેવી સારાભાઈ જોડે બાગને દરવાજેથી પ્રવેશ્યાં અને આ ભજનિકોને જોઈ ટાગોર ઊભા જ રહી ગયા, અને ધ્યાનપૂર્વક સાંભળીને બોલ્યા કે આપણાં લોકજીવનમાં આધ્યાત્મિક ભાવના આ લોકો જ સજીવન રાખે છે, તેમને સાચવજો... વળી શારદાબહેન સુમંત મહેતાની હિમાયતથી ત્યાં ગરબા પણ રાખેલા. કવિએ જોઈ સાંભળીને કહેલું કે ‘અમારી બંગાળી કન્યાઓને આ ગરબા શીખવવા માટે તમારી સારી ગરબા ગાનારી કન્યાઓને શાંતિનિકેતન મોકલો. તેમને હું મારી પુત્રીઓની જેમ સાચવીશ.’ આવા રસિક પ્રસંગોથી કવિને ખૂબ આનંદ થયો, પણ સૌ મિજબાની ટેબલ પર પહોંચે તે પહેલાં તો તરુણો-કૉલેજિયનોનાં ધાડાએ દોટ મૂકીને આગળ પહોંચી ઘણી રકાબીઓ સાફ કરી નાખી હતી. સદભાગ્યે મુખ્ય મહેમાનો માટે એક જુદું જ મેજ ગોઠવી રાખ્યું હતું.’’[70] આ સમયગાળા દરમિયાન નવજીવનમાં શાંતિનિકેતન કાજે ફાળો કરવાની ‘અપીલ’ આવતી રહી. 4 એપ્રિલના સાંજનાં નોંધ આવી : ‘‘આ મહાકવિની ગુજરાતમાં પધરામણી થઈ છે એ જેવી તેવી વાત નથી. કવિત્વમાં તેમની જોડી હિંદુસ્તાનમાં તો નથી જ પણ યુરોપ, અમેરિક્માં એ ભાગ્યે જ હશે. તેમને સારામાં સારું માન આપવાનો રસ્તો તેમના કાર્યમાં મદદ કરવી એ જ હોઈ શકે. તેમનું સ્થાયી કાર્ય શાંતિનિકેતન છે એમ તેમની માન્યતા છે. હાલ કેટલોક કાળ થયો તેઓ શાંતિનિકેતનને પોતાનો મુખ્ય વખત આપ્યા કરે છે. તેને લગતી શાળામાં ખર્ચ દર વરસે વધતું જાય છે. તે ખર્ચ તેઓ ફીમાંથી અને લોકો તરફથી ભેટો મળે છે તેમાંથી ચલાવે છે. આ કાર્યમાં દરેક માણસ મદદ કરી શકે છે. તેથી અમારી ઉમેદ છે કે જ્યાં જ્યાં તેઓશ્રી ગુજરાતમાં જાય ત્યાં ત્યાં તેમને શાંતિનિકેતનને સારુ ભેટ આપવામાં આવે તે યોગ્ય ગણાશે.’’[71] કવિના સત્કારથી અને સાહિત્ય પરિષદના વિચારસત્રોની ગુણવત્તાથી ગાંધીજીને સંતોષ થયો નહિ. 11 એપ્રિલના ‘નવજીવન’માં નોંધાયું; ‘‘આપણા દેશના અને સારી દુનિયાના શ્રેષ્ઠ કવિવરના પુનિત પગલાંથી આ રાજનગર ગયા અઠવાડિયામાં પાવન થયું. તેમની મહત્તાને અનુરૂપ કંઈ સન્માન પ્રજા કે પરિષદ તરફથી થઈ શક્યું નહિ, અથવા ખરું કહીએ તો તેમના જેવા પ્રતિભાશાળી મહાપુરુષને કેવી રીતે માન આપવું એ આપણને સમજાયું નહિ.’’[72] આ જ અંકમાં સાહિત્ય પરિષદનો હેવાલ છપાયો જેમાં પ્રમુખીય ભાષણોની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢવામાં આવી. ‘‘પ્રો. ઠાકોર સિવાયના બીજા પ્રમુખોએ કાં તો સાહિત્ય મંદિરના માર્ગે કે આંગણે રમત કરી છે, અથવા તો તેની ઈંટો અને ચૂનો અને પાલકોનું વિવરણ કર્યું છે. પણ તેમણે મંદિરના રસદેવતાનું પૂજન કર્યું નથી કે તેના ઘૂમટે ઘૂમટે અને ગોખે ગોખે પ્રસરેલા પરિમલથી આપણને મોહિત કર્યા નથી.’’[73] 11 જુલાઈ, 1920ના ‘નવજીવન’માં ફરી એક વાર ગાંધીજીએ શાંતિનિકેતન પ્રત્યે ગુજરાતની ફરજમાં રહેલી ઊણપ દર્શાવી, પ્રજાને ફાળો એકઠો કરવા અરજ કરી. ‘‘મને લાગે છે કે ગુજરાતે પોતાની ફરજ કવિના આગમન સમયે પૂરી નથી બજાવી. અવાજો વડે અને ફૂલના હારો વડે આવકાર આપવો એ વિવેક છે, એ ફરજ બજાવવાની શરૂઆત છે, તેની પૂર્ણતા નથી. જો આપણે કવિશ્રીને અલૌકિક પુરુષ રૂપે ઓળખતા હોઈએ, ને આપણે એમની વિદ્વત્તાની કદર કરવા માગતા હોઈએ તો તેમના કાર્યમાં તેમને સહાય કરવી એ આપણો ધર્મ છે... જો આપણે કવિશ્રીના ઉદ્દેશને માન આપતા હોઈએ, રાષ્ટ્રીય કેળવણી રાષ્ટ્રીય હાથમાં રાખવાનો અખતરો આપણને પસંદ હોય, કવિશ્રીની કળા આપણાં બાળકોમાં પણ કંઈક અંશે ઊતરે એમ આપણે ઇચ્છતા હોઈએ તો આપણે તે સંસ્થાને નિભાવવી જોઈએ... કવિશ્રીની પૂજા કરવી ને તેમની સંસ્થાને મદદ ન કરવી એ વિરોધી વાત થઈ... તેમનો કાઠિયાવાડનો પ્રવાસ નિરર્થક ગયો એમ કહી શકાય. ભાવનગરે કંઈ જ ન કર્યું એમ ગણાય. વડોદરામાં પણ એમ જ થયું. અમદાવાદે તેના ગજાના પ્રમાણમાં થોડું જ કર્યું કહેવાય. મારી ઉમેદ છે કે આ ખામીને આપણે હજુ સુધારી લઈ આપણા સત્કારની પૂરણી કરીશું.’’[74] ગાંધીજીની આ ટહેલ અને ટીકાની તીખી પ્રતિક્રિયા પણ આવી. 18 જુલાઈ, 1920ના નવજીવનમાં કંચનલાલ મ. ખાંડવાલાએ ચર્ચાપત્ર લખ્યું. ‘‘આપ લખો છો કે ગુજરાતે પોતાની ફરજ કવિશ્રીના આગમન સમયે પૂરી બજાવી નથી, એ વાંચી ખરેખર મ્હને તથા મ્હરા કેટલાક મિત્રોને ઘણું જ આશ્ચર્ય થયું છે. કવિશ્રીની વિદ્વત્તાની કદર ગુજરાત કેટલા પૈસા આપે તો થઈ કહેવાય એવું માપ કાઢવું અશક્ય છે; પરંતુ એ પ્રશ્ન બાજુએ મૂકતા એક બીજો પ્રશ્ન માત્ર છે કે જે આજે અનેક દિશામાં ચર્ચાયોગ્ય છે, તે એ છે કે બંગાળપ્રાંતની સંસ્થાઓને બંગાળ પોતે કેમ નથી પોષતું અને તેને પૈસાની મદદ માટે બહાર કેમ કરુણાજનક વિનંતીઓ કરવી પડે છે ! બંગાળમાં મ્હોટા મ્હોટા જમીનદારો છે, બંગાળમાં બીજા પણ લક્ષાધિપતિઓ પડેલા છે, છતાં બંગાળ આમ પોતાના ઉત્તમમાં ઉત્તમ પુરુષોને તેઓની સંસ્થા ચલાવવામાં મદદ કેમ નથી કરતું ? વળી ખાસ વિચિત્રતા તો એ છે કે બંગાળને બીજા પ્રાંતો જ્યારે ત્યારે મદદ કરે છે, પણ બંગાળ બીજા પ્રાંતોના દુ:ખની વહારે ક્વચિત જ થાય છે. દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની લડત વખતે પાંચ-સાત લાખ રૂપિયા આખા દેશમાંથી ભેગા કરવામાં આવ્યા હતા તેમાંથી બંગાળે પૂરા દસ હજાર પણ આપ્યા નહોતા. જલિયાનવાળા બાગના ફંડમાં બંગાળે પૂરા વીસ હજાર રૂપિયા પણ નથી આપ્યા. જ્યારે ગુજરાત અને ગુજરાતીઓએ લગભગ ત્રણ લાખ રૂપિયા આપ્યા છે. ઓરિસા દુકાળ ફંડને માટે ગુજરાતે જેટલું કર્યું છે, તેટલું બીજા કોઈ પ્રાંતે કર્યું નથી; પરંતુ બંગાળ જો પોતાનાં દુ:ખો વખતે બહાર મદદ માગે છે, તો શા માટે બંગાળે બીજાનાં દુ:ખો વખતે થોડી પણ સહાય આપવા તત્પર ન થવું જોઈએ ? બાંકુરામાં દુકાળ પડ્યો ત્યારે પણ ગુજરાતે હજારો રૂપિયા આપ્યા હતા. સર જગદીશચંદ્ર બોઝને પણ ગુજરાતીઓએ જ લાખો રૂપિયા આપ્યા છે. ટાગોરને પણ ગુજરાતે બનતી સહાય કરી છે. ગુજરાતે પોતાની ફરજ પૂર્ણપણે નથી બજાવી એ કહેવું વધારે પડતું છે; એ તદ્દન વ્યર્થ છે. બંગાળે ગયે વર્ષે ગુજરાતમાં દુકાળ હતો ત્યારે ગુજરાતને કેટલી મદદ કરી ? ગુજરાતની કઈ સંસ્થાઓને થોડે ઘણે અંશે પણ તેણે પોષી છે ? આપનો આશ્રમ કે જે રાષ્ટ્રીય શિક્ષણની દિશામાં પ્રયત્નો કરે છે, તેને બંગાળ તરફથી કેટલી મદદ મળી છે ? બંગાળની સહાય માટેની બૂમ નકામી છે. જો બંગાળ બીજા પ્રાંતોને મદદ કરતું હોય, તો તેને બીજા પ્રાંતો પાસે મદદ માંગવાનો હક છે, જો તે તેમ ન કરી શકે, તો તેને મદદ માગવાનો બિલકુલ હક નથી. બંગાળીઓને આ સત્ય જાણવાની બહુ જ જરૂર છે. બાકી ગુજરાતે પોતાની શક્તિ અનુસાર, ન્યાત જાત, ધર્મ કે પ્રાંતના તફાવત વગર મદદ આપી છે અને આપશે. ગુજરાતને વ્યર્થ ટોણા મારવાથી કંઈ મદદ મેળવી શકાય નહિ.’’[75] ગાધીજીએ આ ટીકા ‘ખુશી થઈને’ છાપી. "બંગાળને આપણે તેની ફરજ કેમ બતાવી શકીએ ? કાળે કરીને પોતાની ફરજ ઓળખશે... બંગાળે પૈસો નથી આપ્યો તો વિદ્વત્તાનું દાન કર્યું છે. ગુજરાતે કર્યું છે તે નવાઈની વાત નથી લાગતી. ગુજરાતની પાસે ઘણું છે, તેને આપતાં આવડ્યું છે ને તે આપે છે. બંગાળને આપતાં નથી આવડતું તેથી એ નથી આપતું. કવિશ્રીને જેથી મદદની જરૂર પડે છે તેનો અર્થ એ જ કે તેમની પિછાન બંગાળે પૂરી નથી કરી. તો આપણે નહીં કરીએ ?’’[76] શાંતિનિકેતનમાં એક સપ્તાહ ગાંધીજી 7 સપ્ટેમ્બર, 1920ના રોજ કૉંગ્રેસના ખાસ અધિવેશનમાં હાજરી આપવા કૉલકાતા અને બંગાળના પ્રવાસે ગયા. 8 સપ્ટેમ્બરે, કૉંગ્રેસે ‘અસહકાર’નો ઠરાવ બહુમતીથી પસાર કર્યો. તે જ દિવસે ઝીણાના પ્રમુખપદે લીગની બેઠક કૉલકાતામાં મળી, જેમાં પણ ગાંધીજીએ હાજરી આપી. આ પ્રવાસ દરમિયાન ગાંધીજીની તબિયત કથળી. તેઓ આરામ માટે દાર્જીલિંગ જવાના વિચારમાં હતા. ત્યાં પ્રેમાળ મિ. ઍન્ડ્રૂઝનો તાર આવ્યો : ‘‘શાંતિનિકેતનમાં તમને જેવી શાંતિ અને આરામ મળશે તેવાં કોઈ દાર્જીલિંગ નહીં આપી શકે; અહીં જ આવો.’’[77] 11મી સપ્ટેમ્બરના રોજ ગાંધીજી, કસ્તૂરબા, દેવદાસ ગાંધી, જવાહરલાલ નહેરુ, મહાદેવભાઈ અને અન્યોની સાથે ઍન્ડ્રૂઝના આમંત્રણ અને આગ્રહથી શાંતિનિકેતન જવા નીકળ્યા. તારીખ 12 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર ત્યાં રહ્યા. આ સમયે કવિ યુરોપના પ્રવાસે હતા. તેઓ 1920ના જૂનમાં વિલાયત ગયા અને યુરોપ તથા અમેરિકનો લાંબો પ્રવાસ કરી 1921ના જૂનમાં હિંદ પરત આવ્યા. આથી ગાંધીજી અને કવિની મુલાકાત ન થઈ. આ મુલાકાતનું વર્ણન મહાદેવભાઈએ આપ્યું છે. ‘‘આ રમ્ય વાતાવરણમાં વૃક્ષો તળે બેસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, અને અભ્યાસ સિવાયના સમયમાં રવિબાબુનાં ગીતો લલકારતા ફરે છે. હું એટલે સુધી તો ન જ કહું કે ત્યાંનું જીવન સંગીતમય છે, પણ એટલું તો કહું કે કોઈ પણ ઘડીક માટે ત્યાં જનારને લાગ્યા વિના ન રહે કે સંગીત એ જ જાણે તેમનું જીવન છે.’’[78] ગાંધીજીને કવિના ઘરમાં રાખ્યા હતા જ્યાં અપાર શાંતિ હતી. ‘‘અને રહ્યા તે દરમિયાન વરસાદ આખો દિવસ પડતો હતો એટલે ગાંધીજીને જે સૂકી હવા જોઈતી હતી તે તો ન મળી, પણ શાંતિ અને આરામથી જે લાભ થાય તેટલો તો થયો જ.’’[79] પણ આ શાંતિ કરતાં મોટી શાંતિ દેનારો તો ત્યાંનો સત્સમાગમ હતો. મોહનમૂર્તિ ઍન્ડ્રૂઝ અને ‘બડોદાદા’ દ્વિજેન્દ્રનાથ ઠાકુરે પ્રેમમાં નવરાવ્યા. મહાદેવભાઈ નોંધે છે કે ‘બડોદાદા’ એ ‘અસહકાર’ને અગ્રગણ્ય સ્થાન આપ્યું. ‘‘એ ઓ અસહકાર ઉપર આશક છે એ તો તેઓ ગાંધીજીને મળવા આવ્યા ત્યારે જ જોયું. બહુ ઉમંગથી વાતો કરતા એમણે કહ્યું, ‘જે વસ્તુ મારો રોબી-રવીન્દ્રબાબુ લેખો દ્વારા, કાવ્યો દ્વારા, પત્રો દ્વારા ઉપદેશ અને પ્રચાર કરી રહ્યો છે તેને તમે આચરી રહ્યા છો – અને દેશની સમક્ષ આચારને માટે મૂકી રહ્યા છો. એથી મારા હર્ષની સીમા નથી રહેતી. તમે દેશની આગળ જે એક સિદ્ધાંત મૂકવા જેવો છે તે મૂક્યો છે. અસહકાર વિના આપણી આ રાજ્યકર્તાઓ પ્રત્યે બીજી કોઈ વૃત્તિ હોઈ શકે જ નહીં. સહકાર સરખેસરખા વચ્ચે હોય, ગુલામ અને ગુલામના માલેક વચ્ચે ના હોઈ શકે. અંગ્રેજો આપણને બરોબરિયા માનતા નથી; તેમની સાથે બરોબરિયાપણું આપણે ન અનુભવીએ ત્યાં સુધી સહકારની વાત મારે મન ભ્રમણા છે. અને આ વિષમતા જ્યાં સુધી પ્રવર્તે છે ત્યાં સુધી સહકારમાં હું આપણો નાશ જ જોઉં છું. પૃથ્વી બિચારી સૂર્ય સાથે સહકાર કરવા જાય તો ભસ્મ ન થઈ જાય ?’’[80] આ અઠવાડિયા દરમિયાન વિદ્યાર્થીઓએ ‘વાલ્મીકિ-પ્રતિભા’ બે વખત ભજવી બતાવ્યું. ગાંધીજીને તો બધાય દિવસ શાંતિ જ આપી હતી. છેલ્લે દિવસે, 17 સપ્ટેમ્બર, 1920ના રોજ, તેઓ સવારે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મળ્યા અને બપોરે મહિલાઓ સાથે ખાસ મુલાકાત કરી. આ મુલાકાત ‘પ્રાર્થના મંદિર’માં થઈ જે સાદું આરસની પરસાળનું મકાન હતું. "એક નાના આસન ઉપર ગાંધીજી બિરાજ્યા હતા, સામે ગંધપુષ્પ રાખેલાં હતાં, અને સામે વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભેળા બેઠા હતા અને એક બાજુએ બહેનો બેઠી હતી.’’[81] આ મેળાપનો આરંભ કવિના પ્રસિદ્ધ ગીતથી થયો : ‘‘અંતર મમ વિકસિત કરો

અંતરતર હે !

નિર્મળ કરો, ઉજ્જ્વળ કરો,

સુંદર કરો હે !’’

ગાંધીજી અંગ્રેજીમાં બોલ્યા : ‘‘તમારી સાથે થોડા દિવસના આનંદનો સહવાસ મળ્યો તે અવર્ણનીય છે. હું મારી કથળેલી પ્રકૃતિ સુધારવા અહીં આવેલો, અને તમને આનંદ થશે કે હું તદ્દન સાજો થઈને નહીં, તોપણ સારી રીતે સુધરીને તો અહીંથી જઈશ જ. બંગાળીમાં તમારી સાથે હું વાત કરી ન શકું એ મને વસમું લાગે છે. મને લાગે છે કે કોઈ દિવસ તમારી સાથે બંગાળીમાં વાત કરવાની મારી આશા બરોબર ન હોય તોપણ મારી હિંદુસ્તાની તમો સમજી શકશો એવી મારી આશા તો અયોગ્ય નથી જ. હિંદુસ્તાની તમારી શાળામાં ફરજિયાત વિષય ન થાય અને તમે ન શીખી લો ત્યાં સુધી તમારી કેળવણી સંપૂર્ણ નહીં કહેવાય. વળી એક બીજી વાત હું તમારાથી છાની નથી રાખતો કે તમારી શાળાને જ તે દહાડે અતિશય ઉદ્યમી મધમાખોથી ભરેલો રૂડો મધપૂડો થઈ રહેલી જોવાની હું આશા રાખું છું. આપણા હૃદયની સાથે આપણા હસ્તોનો સુંદર સહકાર નહીં જામે ત્યાં સુધી આપણું જીવન ખરું જીવન નહીં બને.’’[82] પછી હિંદુ-મુસલમાન ઐક્યની, અસહકાર અને અહિંસાધર્મની વાત કહી. અંતે કહ્યું; ‘‘એ અનુભવોના પરિણામે જ આ ભયંકર છતાં ઉદાત્ત અને યશસ્વી યુદ્ધ મેં ઉઠાવ્યું છે અને તમોને બધાંને તેમાં શામિલ કરવા મથી રહ્યો છું. આ ધર્મમંદિરમાં હું તમારી પાસે એટલું જ માગું કે આત્મવિકાસના આ યુદ્ધમાં મને ઈશ્વર આરોગ્ય અને સન્મતિ આપે, દોષ અને કાયતાથી મને સદાય વેગળો રાખે એવી તમે પ્રાર્થના કરો.’’[83] ગાંધીજીના અંતિમ શબ્દોમાં કરેલી વિનંતીનો શાંતિનિકેતનવાસીઓએ કવિના ગીતથી અનુપમ ઔચિત્યવાળો ઉત્તર વાળ્યો : ‘‘આમાદેર જાત્રા હલો શુરૂ, એખન ઓગો કર્ણધાર !

તો મારે કરિ નમસ્કાર;

એખાન બાતાસ છુટુક, તુફાન ઉઠુક,

ફિરબો નાગો આર,

તો મારે કરિ નમસ્કાર.’’[84] આ મુલાકાતનું એક અણધાર્યું પરિણામ આવ્યું, શાંતિનિકેતનમાંથી જ્ઞાતિભેદ દૂર કરવામાં આવ્યો. ગાંધીજીની આ મુલાકાત સુધી શાંતિનિકેતનમાં બ્રાહ્મણ વિદ્યાર્થીઓની ભોજનવ્યવસ્થા અલાયદી રહેતી અને બ્રાહ્મણ વિદ્યાર્થીઓ બ્રાહ્મણેતર શિક્ષકોને પગે પડી વંદન કરતા નહીં.’’[85] આ મુલાકાત પછી પ્રથા બંધ કરવામાં આવી. પરિણામે ઘણા ગુજરાતી વિદ્યાર્થીઓ સહિત વિદ્યાર્થીઓ શાંતિનિકેતન છોડવા લાગ્યા. ગાંધીજીને આની જાણ ઍન્ડ્રૂઝે કરી. તેમને 23 નવેમ્બર, 1920ના જવાબમાં લખ્યું; "ગુજરાતી બાળકોને પાછાં બોલાવી લેવામાં આવ્યાં તેથી મને નવાઈ નથી લાગી. એથી તમે કંઈ પણ ગુમાવ્યું હોય એમ મને લાગ્યું નથી. એક પણ છોકરાને રાખવા માટે તમે કંઈ સિદ્ધાંતને મોળો નહીં બનાવી શકો.’’[86] આ વખતે અસહકાર અને ખિલાફલનું આંદોલન જોરમાં હતું. દેશનો એક મોટો વર્ગ આના જુવાળમાં ખેંચાયો હતો. અસહકાર આંદોલન સાથે કવિ ટાગોર અને ગાંધીજીના વૈચારિક, દાર્શનિક, રાજકીય મતભેદો સ્પષ્ટપણે ઊભરી આવ્યા; દેશજનતા સમક્ષ મૂક્યા અને તેમના સંબંધોમાં એક નવા પ્રકરણની શરૂઆત થઈ.

* * *
  1. ‘ગાંધીજીનો અક્ષરદેહ’, Vol. 12, PP. 306-307
  2. એજન, Vol. 14, P. 454
  3. એજન, Vol. 12, P. 457
  4. 5. એજન, P. 467
  5. ‘સત્યના પ્રયોગો’ અથવા ‘આત્મકથા’, P. 344, હવે પછી આત્મકથા
  6. અ. દે., Vol. 12, P. 483
  7. જુઓ, ગોપાલકૃષ્ણ ગાંધી, Gandhi and Bengal : A Difficult Friendship, P. 52 હવે Gandhi And Bengal
  8. અ. દે., Vol. 13, PP. 23-24
  9. આત્મકથા, PP. 351-352
  10. અ. દે., Vol. 13, P. 151
  11. આત્મકથા, P. 359
  12. એજન, P. 352-353 (આત્મકથા લખતી વખતે શાંતિનિકેતનની પહેલી બે મુલાકાતો વચ્ચેનું અંતર ભૂંસાઈ ગયું છે. આ અખતરો બીજી મુલાકાત દરમિયાન થયો. પણ આનું વિવરણ આપ્યા બાદ ગાંધીજી ગોખલેના અવસાનના તારને કારણે શાંતિનિકેતન છોડવું પડ્યું તેમ નોંધે છે.)
  13. ક્રિષ્ના દત્ત, ઍન્ડ્રૂઝ રોબિન્સન; Rabindranath Tagore : The Myriad-Minded Man, P. 196
  14. અ. દે., Vol. 13, P. 38
  15. સવ્યસાચી ભટ્ટાચાર્ય (સંપા.) The Poet and The Mahatma, P. 44 મૂળ અંગ્રેજીમાંથી આ લેખકનો ગુજરાતી અનુવાદ. જ્યાં સ્પષ્ટપણે જણાવવામાં ન આવે તે સિવાયનાં બધા મૂળ અંગ્રેજીના અનુવાદ આ લેખકના છે
  16. The Myrid Minded Man., P. 418
  17. એજન, P. 197
  18. અ. દે., Vol. 14, P. 16
  19. અ. દે., Vol. 15, P. 38
  20. એજન
  21. ગોપાલકૃષ્ણ ગાંધી; Gandhi and Bengal, P. 81
  22. અ. દે., Vol. 14, PP. 128-129
  23. અ. દે., Vol. 14, P. 137
  24. અ. દે., Vol. 14, P. 335
  25. 26. એજન
  26. 27. એજન
  27. ‘નવજીવન’, સપ્ટેમ્બર, 7, 1919, P. 12
  28. ‘‘જ્યાં મન નિર્ભય રહે સદાયે,
    મસ્તક ઊંચું રાખી શકાય,
    જ્યહાં જ્ઞાન છે સ્વતંત્ર, વસતું
    વચન દરેક સત્યની માંહ્ય.
    દુનિયા નહિં વ્હેંચાઈ-કપાઈ
    દીવાલ અનેક વડે જ્યહાં,
    ટુકડા થઈ સેંકડો સાંકડી
    કૌટુમ્બિક કોટડીઓ માંહ્ય.
    ઉત્તમતા મેળવવા યત્નો
    જ્યહાં નિરંતર ચાલુ રહેજ,
    નહિ થાક ને નહિં વેદના
    નિષ્ફળતા નહિ રોકી શકે જ.
    બુદ્ધિનું નિર્મળ ઝરણું જ્યાં
    વ્હયાં કરે છે પ્રબળ હંમેશ,
    ચેતનહીન રૂઢિના રણમાં,
    ભૂલી પન્થ ન ડૂબે લેશ.
    નિત્ય વિકાસતાં વિચાર-કર્મો
    વિશે તુંથી મન જ્યાં પ્રેરાય
    સ્વતંત્રતાના એ સ્વર્ગે
    પ્રિય બાપુજી ! આમ દેશ જગાવ્ય.’’
    આના અનુવાદક રામમોહનરાય જસવંતરાય દેસાઈ છઠ્ઠી સાહિત્ય પરિષદના કાર્યવાહક મડંળના સભ્ય પણ હતા. ‘નવજીવન’ના પ્રથમ અંકમાં કવિ ટાગોરની કૃતિનો અનુવાદ સૂચક છે.
  29. 31. રવિશંકર રાવળ, ગુજરાતમાં કલાનાં પગરણ, PP. 282-283
  30. 32. એજન, P. 283
  31. અ. દે., Vol. 16, P. 229-230
  32. છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદનો હેવાલ નોંધે છે કે; "...એમ માની લીધેલું કે ડિસેમ્બર માસમાં સુલેહના તહેવારોની રજા બધાંને અનુકૂળ થઈ પડશે; પરંતુ પાછળથી માલૂમ પડ્યું કે કેળવણી ખાતામાં કામ કરતો શિક્ષક વર્ગ, જે પરિષદના કામક્જમાં રસપૂર્વક ભાગ લે છે તે બીજાં જરૂરી રોક્ણને લીધે તે વખતે પરિષદમાં સમૂળગો હાજરી આપી શકશે નહિ. આ મુશ્કેલીની ખબર કમિટીને કાને આવતાં તા. 13મી નવેમ્બરે કારોબારી કમિટીની સભા મેળવી પરિષદની બેઠક સન 1920ના ઇસ્ટરના તહેવારમાં ભરવાનો છેવટનો નિર્ણય કરવામાં આવ્યો. છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદનો રિપોર્ટ, PP. 12-13, શૈલેષ પારેખ; અમદાવાદમાં રવીન્દ્રનાથ, P. 8 પર નોંધાયેલું.)
  33. અ. દે., Vol. 16, P. 459
  34. અતીત ગૌરવવાહિની મેરી વાણિ, ગાઓ અબ (2) હિંદુસ્તાન મહાસભા ઉન્માદિની મેરી વાણિ, ગાઓ અબ (2) હિન્દુસ્તાન
    કરો વિક્રમ વિભવ યશ: સૌરભ
    પૂરિત વહી નામ ગાન,
    બંગ, બિહાર, અયોધ્યા, ઉત્કલ
    મંદ્રજ, મરાઠ, ગુર્જર, નેપલ
    પંજાબ રાજપૂતાન,
    હિંદુ, પારસી, જૈન, ઇસાઈ
    શીખ, મુસલમાન,
    ગાઓ સકલ કંઠે, સકલ ભાવે,
    નમો હિન્દુસ્તાન
    હર હર હર જય હિંદુસ્તાન,
    સત શ્રિય ક્લ હિંદુસ્તાન,
    અલ્લાહો અકબર હિંદુસ્તાન
    નમો હિન્દુસ્તાન
    II
    ભેદ રિપુ નાશિનિ મેરી વાણિ, ગાઓ અજ (2) ઐક્ય ગાન,
    મહાબલ વિધાયિની મેરી વાણિ, ગાઓ અજ (2) ઐક્ય ગાન.
    મિલાઓ દુ:ખે સૌખ્યે, સખ્ય લક્ષ્યે
    કાય મન: પ્રાણ
    બંગ વિહાર... . ... ... ... ... નમો હિંદુસ્તાન
    હરે મુરારે હિંદુસ્તાન
    દાદા હોર્મઝદ હિંદુસ્તાન
    અલ્લાહો અકબર હિંદુસ્તાન
    નમો હિંદુસ્તાન.
    III
    સકલજન ઉત્સાહની મેરી વાણિ, ગાઓ અજ (2) નવતાન.
    મહાજાતિ સંગઠિનિ મેરી વાણિ, ગાઓ અજ (2) નવતાન
    ઉઠાઓ કર્મ નિશાન, ધર્મ વિજ્ઞાન
    બજાઓ ચિતાએ પ્રાણ,
    બંગ બિહાર... ... ... ... ... ... નમો હિંદુસ્તાન
    જય જય બ્રહ્મ હિંદુસ્તાન
    જય જીહોવા હિંદુસ્તાન
    અલ્લાહો અકબર હિંદુસ્તાન નમો હિંદુસ્તાન.

    ‘નવજીવન’, 7 માર્ચ, 1920, P. 201

  35. અ. દે., Vol. 17, P. 73
  36. એજન, P. 87
  37. એજન. કવિશ્રી તથા તેમની સાથે આવેલા આચાર્ય ક્ષિતિમોહન સેન, ઍન્ડ્રૂઝ તથા વિલ્યમ પિયર્સને એક રાત આશ્રમમાં ગાળી, બાકીના દિવસો શેઠ અંબાલાલ સારાભાઈ અને સરલાદેવીના મહેમાન તરીકે તેમના શાહીબાગના નિવાસસ્થાન ‘રિટ્રીટ’માં રહ્યા.
  38. અહીં નોંધવું જોઈએ કે આ સમયે ‘બડોદાદા’ દ્વિજેન્દ્રનાથ ટાગોર હયાત હતા અને શાંતિનિકેતનમાં નિવાસ કરતા હતા. આત્માનો અર્થ અહીં સત્ત્વનો છે.
  39. નવજીવન, 21 માર્ચ, 1920, P. 432
  40. અ. દે., Vol. 17, P. 281
  41. નવજીવન, 28 માર્ચ 1920, PP. 440-441
  42. એજન, P. 442
  43. એજન, PP. 442-443
  44. એજન, PP. 444-445 આ જ અંકમાં પાન 452 ઉપર 1 એપ્રિલ 1920થી 8 એપ્રિલ 1920 સુધી યોજાનાર ગુજરાતી સાહિત્ય પરિષદની બેઠકોની વિગતવાર યાદી આપવામાં આવી
  45. રવિશંકર રાવળ, ગુજરાતમાં કલાનાં પગરણ, P. 289
  46. છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદનો રિપોર્ટ, P. 12, શૈલેષ પારેખ, અમદાવાદમાં રવીન્દ્રનાથ, P. 14, ઉપર
  47. એજન, P. 15
  48. માનપત્રના પૂરા પાઠ માટે જુઓ પરિશિષ્ટ-1
  49. ‘નિર્માણ વિરુદ્ધ સર્જન’ના પાઠ માટે જુઓ પરિશિષ્ટ-2
  50. ‘નિર્માણ વિરુદ્ધ સર્જન’, અમદાવાદમાં રવીન્દ્રનાથ, P. 29
  51. એજન, P. 30
  52. એજન, P. 31
  53. એજન, P. 33
  54. એજન, P. 40
  55. આ વ્યાખ્યાનના પાઠ માટે જુઓ પરિશિષ્ટ-3
  56. અ. દે., Vol. 17, P. 287
  57. એજન.
  58. એજન, P. 290
  59. એજન, P. 294
  60. નવજીવન, 9 મે, 1920, એજન, P. 510 કાવ્યની અન્ય પંક્તિઓ નીચે પ્રમાણે હતી. ‘‘ઓ હૃદય... પૂજન વાગીશના. (ટેક) તમ વેણુ ને વીણા તણો સૂર જીવનમાં ઉતારજો; દ્રવી દિવ્ય પૂજન અમી રસે અમ અંતરો અજવાળજો. (1) ઓ. પ્રગટો હૃદય રશ્મિ તમે વિકસો વિમળ ઉદ્યતિ ત્યાં, બંધન તણી બેડી હણી વિલસાવજો ચિત્ત મહીનાં; પળવાર તમ સ્વર લીન હૃદ તલ્લીન તન્મય થઈ અમે; આશા નિરાશા દુ:ખ સુખને જય પરાજય ભૂલીએ. (2) ઓ. ગતિમાન ગાન વિમાન તમ ઊંચા ઊડે ગગનાંગણે, સ્વર્ગીય કવિતા આપની લઈ જાય છે પ્રભુ બારણે; રસ પ્રેમ કોકિલ બુલબુલો શ્રુતિ મધુર ગાયન જ્યાં ભણે, અમ આત્મપંખી ત્યાં વહાવો પથ ચઢાવો તમ તણે. (3) ઓ
  61. એજન
  62. એજન
  63. ‘‘ठाकुर तव शरणाई आयो
    उतर गया मेरो मन का संशय
    अब तेरा दर्शन पायो ।।
    अब बोलत मेरी वृथा जानी
    अपना नाम जपायी
    बाह पकड लीने जन अपने
    गृह अंध कुप ते पायो ।
    दुख नोट सुखसे हेत समायो
    आनंद आनंद गुण गायो
    कहे नानक हरि बंधन काटे
    बिछुरत आन मिला
  64. એજન, P. 511
  65. ‘નવજીવન’, 16 મે 1920, P. 518
  66. એજન.
  67. એજન
  68. એજન
  69. એજન, P. 290 ‘વસંતના વધામણા’ના પાઠ માટે જુઓ પરિશિષ્ટ-4. શૈલેષ પારેખ નોંધે છે કે તે જ દિવસે સાંજે રવીન્દ્રનાથે, તેઓ 42 વર્ષ પહેલાં જ્યાં રહ્યા હતા તે શાહજહાંના મહેલની મુલાકાત પણ લીધી હતી. તેમની સાથે ક્ષિતિમોહન સેન, સંતોષચંદ્ર, કરુણાશંકર ભટ્ટ ઇત્યાદિ હતા. 17 વર્ષની વયે, તેમના મોટા ભાઈ, સત્યેન્દ્રનાથના ગ્રંથાગારમાંથી મળેલા અમરુશતક અને ગીતગોવિંદ, અરધું-પરધું સમજીને માત્ર ધ્વનિ-લાલિત્યના આકર્ષણથી વાંચ્યાં હતાં –તેની સ્મૃતિને ઢંઢોળીને જાગ્રત કરી. કરુણાશંકરના કહેવાથી રવીન્દ્રનાથે અમરુશતકની બે-એક શ્લોકની પંક્તિનું સ્મરણ કર્યું હતું અને તેની પાદપૂર્તિ કરી હતી ક્ષિતિમોહન અને કરુણાશંકરે. ત્યારે એ શ્લોકના છંદ સંવાદ અંગે રવીન્દ્રનાથે અદભુત આલોચના કરી હતી. અમદાવાદમાં રવીન્દ્રનાથ, P. 48
  70. ગુજરાતમાં કલાના પગરણ, P. 291
  71. ‘નવજીવન’, 4 એપ્રિલ, 1920, P. 462
  72. ‘નવજીવન’, 11 એપ્રિલ 1920, P. 466
  73. એજન, P. 468 કાકાસાહેબ કાલેલકરે જુદા લેખમાં કલા-પ્રદર્શનનો હેવાલ આપ્યો : ‘‘પરદેશી રિવાજો અને પરદેશી કળાનું અનુકરણ કરવાથી આપણી સંસ્કૃતિના આદર્શોને કેટલો ધોકો પહોંચે છે અને સમાજમાંથી દહાડે દહાડે ખાનદાનીનો કેવો નાશ થાય છે એટલું જો આપણાં સુશિક્ષિત સ્ત્રીપુરુષોને સમજાયું હોત તો આ પ્રદર્શનમાં સુશિક્ષિત સ્ત્રીઓએ મોકલેલાં ચિત્ર-વિચિત્ર કપડાં પ્રદર્શનની શોભાને વણસાવત નહીં. એજન, P. 470
  74. અ. દે. Vol. 18, P. 31
  75. ‘નવજીવન’, 18 જુલાઈ 1920, P. 592
  76. અ. દે. Vol. 18, P. 56
  77. મહાદેવભાઈની ડાયરી’, Vol. 5, P. 241
  78. એજન, P. 242
  79. એજન
  80. એજન, PP. 242-243
  81. એજન, P. 243
  82. .અ. દે. Vol. 18, P. 245
  83. એજન, P. 247
  84. ‘અમારી જાત્રા હવે શરૂ થઈ છે, હવે એ કર્ણધાર તને અમારા નમસ્કાર હો; હવે ભલે પવન ફૂંકાઓ, તુફાન ઊઠો, તોપણ અમે પાછાં ફરીશું નહીં. તને અમારા નમસ્કાર હો.’ મહાદેવભાઈની ડાયરી, Vol. 5, P. 247
  85. The Myrid Minded Man, P. 135
  86. અ. દે., Vol. 19, P. 12