અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પિનાકિન ઠાકોર /વિરહ અભિસાર
Revision as of 13:05, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> આપણે શું કદી એકબીજા કેરાં દેખવાનાં નહીં દ્વાર? કોઈને આંગણ મારગ,...")
આપણે શું કદી એકબીજા કેરાં દેખવાનાં નહીં દ્વાર?
કોઈને આંગણ મારગ, મંદિરે, મળી જવાં કોઈ વાર.
ક્ષણિક મિલાપની એક ઘડી વહે લાખ વિરહના ભાર,
ઓ પ્રિય, કેવા અલૌકિક આપણે આદર્યા છે અભિસાર!
સ્વપ્નભરી એક અંતર અંજલિ ઝૂરતી ઝરવા પાય,
પાંપણ મોતી પરોવ્યાં સોહામણાં કંઠ ક્યારે એ સોહાય!
જુગ જુગ લગીયે આપણી શું કદી ના’વશે મિલનની વેળા,
જનમે જનમે ઝંખવા, ઝૂરવા, દૂર ને દૂરના મેળા.