કાવ્યમંગલા/પતંગિયું અને ગરુડ

Revision as of 08:11, 15 September 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પતંગિયું અને ગરુડ|}} <poem> [૧] <center>(શિખરિણી)</center> અહો, નાનાં અંગો ! શું કે સર્વે રંગો જગતભરના આંહિ ભરિયા, ઉષા, સન્ધ્યા, પુષ્પો, વિહગ, નભનાં વાદળ થકી ગ્રહ્યા વીણી વીણી મૃદુલ કરથ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પતંગિયું અને ગરુડ
[૧]
(શિખરિણી)


અહો, નાનાં અંગો !
શું કે સર્વે રંગો જગતભરના આંહિ ભરિયા,
ઉષા, સન્ધ્યા, પુષ્પો, વિહગ, નભનાં વાદળ થકી
ગ્રહ્યા વીણી વીણી મૃદુલ કરથી, જ્યોતિ લપકી,
અહીં નાનાં અંગે સચર પ્રભુએ પાય ધરિયા.

અનંતે વૈવિધ્યે,
પ્રભુના સાન્નિધ્યે, કુસુમભવનોમાં વિહરતું,
કુંળી પાંખોવાળું, પરમ મૃદુતાના અણુ સમું,
અહો, શું ઊડે આ મુખથી ખરિયું હાસ્ય પ્રભુનું !
હશે ક્ષુદ્રે દેહે સફળ ક્યમ એ જીવ્યું કરતું?

(પૃથ્વી)

શું એ મનુજઆંખને રિઝવી હર્ષને આપવા,
ઉડે કુસુમ એકથી અવર પે રસો ચાખવા?
ભરી ઉદર જીવવું, અવર કામ એને ન શું?
નહીં, નહિ જ, એમ જીવન ન એહને રુચતું !

(સોરઠા)

પ્રજળે દીપકજ્યોત, પ્રજળે ઉરમાં ઝંખના,
દીપક જ્યોતે અંગ હોમે પ્રાણ પતંગિયું.

[૨]
(શિખરિણી)


અહો, કેવી આંખો !
અને આ શી પાંખો ગગનતલને બાથ ભરતી !
બધા ભાવો : સત્તા, વિજય, ગરિમા, ઉચ્ચતમતા-
તણી આ મૂર્તિ શું પ્રગટ, પ્રભુ કેવો રચયિતા
હશે જેણે સર્જી પ્રખર બળની રૂદ્ર મુરતિ !

ઊંડા તે આકાશે,
દિગન્તોની પાસે, ગિરિવરતણાં ઉચ્ચ શિખરે
અહો, જેને રહેવાં, ઉડણ નિત્ય ભમવું
મહા વેગે, તીણા સ્વરથી સઘળું વિશ્વ દમવું,
મદોન્મત્તો એવો ગરુડ જગમાં કેમ વિહરે?

(પૃથ્વી)

શું એ નિજ દમામથી જગતજીવને શક્તિનો,
સદા નિજ વિહાર શુદ્ધ ગિરિશીર્ષ ઉત્તુંગનો,
દઈ પ્રખર પાઠ, ઉચ્ચ શિખવાડતો જીવવું?
નહીં, નહિ જ, ભાવ એ પ્રખર ક્યાંથી ભૂખ્યા કને?

(સોરઠા)

ઊઠે તીણી ચીસ, પંજે પકડ્યું પંખીડું,
હૈયું ચીરી ક્રર ભરખે બીજાંને ગરુડ.

[૩]
(શાર્દુલ)


જીવે એક ચુસી રસો કુસુમના, ડંખેય ત્યાં ના પડે,
બીજો જીવન કાજ જીવ ભરખી ત્રાસે ભરે સૃષ્ટિને,
રે, સૃષ્ટિક્રમ જીવવા અવરને સંહારવાનો ખરો,
કે અર્પી નિજ દેહ ને પ્રણયના ખોળે સુવાનો ખરો?

(૨૯ જાન્યુઆરી, ૧૯૩૨)