કાવ્યમંગલા/અલખ લખ કીજે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
અલખ લખ કીજે

અલખ લખ કીજે મુરતી તારી રામ, તુંહિ, તુંહિ,
એ આશા જીવન પૂરતી રામ, તુંહિ, તુંહિ.

વિધુતના ઝબકારા ઝગાવ્યા,
વાયુવરુણને વશ વરતાવ્યા,
પણ ચેતવવા ચેતન તણખો
ફોગટ ફાંફાં માર્યાં રામ, તુંહિ, તુંહિ.

ગ્રહતારકના પંથ નિહાળ્યા,
વિશ્વોનાં અસ્તોદય ભાળ્યા,
પણ તુજ પગલાં જગમાં જોવા
ફોગટ ફાંફાં માર્યાં રામ, તુંહિ, તુંહિ.

ગાગરમાં સાગરને ઘાલ્યા,
ગિરિવરને ઝોળીમાં ઝાલ્યા,
પણ નયનોમાં તુજને ભરવા
ફોગટ ફાંફાં માર્યાં રામ, તુંહિ, તુંહિ.

વિશ્વોના સૌ બાગ સુકાશે,
સૂર્યશશીના દીપ બુઝાશે,
પણ અંતરનાં વલખાં તારે
અરથે બંધ ન થાશે રામ, તુંહિ, તુંહિ.

(૮ મે, ૧૯૩૨)