કાવ્યમંગલા/મેઘનૃત્ય

Revision as of 09:15, 15 September 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મેઘનૃત્ય|}} <poem> <center>(ઝૂલણા)</center> આજ આકાશના મણ્ડપે મેઘનાં ::: નૃત્યના ચણ્ડ પડછન્દ ગાજે, પ્રકૃતિના પાંચ બજવૈ ગવૈયા ઉઠ્યા, ::: ત્વરિત નિજ નિજતણા સાજ સાજે, તાલ મડદંગના ધિંગ પૂંઠે,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
મેઘનૃત્ય
(ઝૂલણા)


આજ આકાશના મણ્ડપે મેઘનાં
નૃત્યના ચણ્ડ પડછન્દ ગાજે,
પ્રકૃતિના પાંચ બજવૈ ગવૈયા ઉઠ્યા,
ત્વરિત નિજ નિજતણા સાજ સાજે,

તાલ મડદંગના ધિંગ પૂંઠે,
અહો ! ગુંબજો ગગનના ગાજી ઊઠે.
તરલતન દામિની દ્યુતિતણા ધોતને
ચમક ઠમકાર લે રંગભોમે,
મેઘલા વારુણીમત્ત શા ઠેક લૈ
ગૂંથતા નૃત્યના ગોંફ વ્યોમે,
ઘુમે તાણ્ડવી ચાલ સાધી,
અહો ! જાગતા રુદ્ર છોડી સમાધિ.

ગહન નભસિન્ધુનાં વારિનાં વહન પે
નર્તકો પાય દૈ ઠેક લેતા,
ક્ષિતિજક્ષિતિજો ગુંથી આંગળીવેલમાં
ઘુમરતા પૃથ્વીને ચાક દેતા,
ભમરડો પૃથ્વીનો ઊંઘ લેતો,
અહો ! નૃત્યુનો રંગ રેલાઈ રહેતો.

ચકિતદ્રગ દેવની મણ્ડળી પુલકભર
નૃત્યુરંગે ડુબી આંખ મીંચે,
જલદનર્તકગણો હૃષ્ટ ચરિતાર્થ થૈ,
અંક જનનીતણે ભેટ સીંચે,
દેવથી પ્રાપ્ત ઉપહાર બ્હોળો,
અહો ! સૃષ્ટિનો સ્નિગ્ધ છલકાય ખોળો.

(૧૧ જૂન,૧૯૩૨)