ચન્દ્રકાન્ત બક્ષીથી ફેરો/ભાવ–અભાવનો ગૌતમ

Revision as of 08:57, 16 September 2022 by MeghaBhavsar (talk | contribs)


૪. ભાવ-અભાવનો ગૌતમ

ચિનુ મોદી

ચિનુ મોદીની ‘ભાવ-અભાવ’ લઘુનવલ સરખામણીએ વધારે લઘુ છે અને એની એકંદર છાપમાં કંઈક પાંખાપણું વરતાય છે, છતાં એનો નાયક ગૌતમ આધુનિક દૃષ્ટિની દીક્ષા વશે-અવશે પામી ચૂક્યો છે, અને તેથી, આખી રચના આ સંદર્ભમાં એક પ્રકરણપાત્ર મણકો બની જાય છે. હું કોણ છું? આ સૃષ્ટિમાં મારી શી સ્થિતિ છે? એ બધું સર્જનાર છે કોણ? જીવન-મૃત્યુ અકસ્માત છે કે કશીક પૂર્વયોજના? ચોમેરની વિચારદિશાઓમાંથી આજના બૌદ્ધિકના ચિત્તમાં ગાજતા થયેલા સૃજનજૂના પ્રશ્નો સંકલન પામીને અહીં લઘુનવલરૂપે રજૂ થયા છે. ગૌતમ વ્યાસ વ્યક્તિ હોવા છતાં આજની માનવસ્થિતિનો અથવા તો સનાતનકાળની માનવસ્થિતિનો પ્રતિનિધિ બન્યો છે. એનો મિત્ર તન્મય કહે છે તેમ એ બીજાં બધાંની જેમ case[1] છે. ‘ભાવ-અભાવ, લઘુનવલના લેબલ હેઠળ ગૌતમ વ્યાસનો case-history છે ને ચિનુ મોદી એ caseના નિયંતા છે- ગૌતમનું જે કંઈ પૂર્વયોજનાબદ્ધ છે તે એમની મુઠ્ઠીમાંથી છટક્યા પછીનું છે, એમની વાચાનું માધ્યમ પામ્યા પછીનું છે. ગૌતમની દુનિયાઓ એનું પોતાનું જિગર ફાડીને આપબળે અહીં ફેલાતી નથી, એણે બધું લેખકને પૂછીને કર્યું છે. આ પ્રકારની આઈડિયોલૉજિકલ રચનામાં અવશ્યભાવીપણે જે થાપ ખાઈ જવાતી હોય છે તે અહીં પણ દેખાશે : ગૌતમ વ્યાસ કે ચિનુ મોદી કોઈ કોઈની આંગળી છોડી શક્યા નથી. ગૌતમની ચૈતસિક ઉલઝનોનું બયાન આપવામાં રાચતી આ રચના સાચા objeective correlativeની દિશામાં નીકળી હોવા છતાં માત્ર ગ્રૉપિંગનો જ તાલ પામી છે. ને છતાં, ચિનુ મોદીએ એ અંધારામાં પણ, અહીં, કેટલાંક સાચાં ડગલાં ભર્યાં છે; એમની સર્જકતાને ચોપડે જો કશુંયે જમે કરવાનું આવે તો તે એટલાં ડગલાંભરનું જરીક અમથું, પણ અવશ્ય હશે.

*

આજકાલ, ગૌતમની જે લાગણી છે તે એ કે પોતે કેન્દ્ર-સ્યુત છે, ભૂંસાઈ ગયેલો છે, કોઈની પૂર્વયોજનાનો object છે. ગૌતમની આ લાગણી રચનામાં ઉત્તરોત્તર દૃઢ થતી જાય છે. જેના કેન્દ્રમાં પોતે નથી તેવી આ પૂર્વયોજનાના કેન્દ્રમાં કોઈ બીજું છે અને એ બીજું કોણ છે-ની શોધમાં ગૌતમ મનની ઘણી ગલીઓમાં ભટકી વળે છે, જાતને ઘણું પૂછી જુએ છે. અસ્તિત્વને ફંગોળાયેલું, વજન વિનાનું, ક્ષુદ્ર અનુભવવાની ક્ષણે જ એક સમ્યક્ જાગ્રતિનો પ્રદેશ ખૂલવા લાગે છે. પણ, ‘કેન્દ્રચ્યુત છું’ એવી પ્રતીતિ પછી પણ ટકી રહેવાનો પુરુષાર્થ ચાલુ રહે છે, માયા અને મમત્વની જાળ ફેલાતી હોય છે, જાણી કરીને ફેલાવવામાં આવતી હોય છે; ‘છું’માંથી કશુંક ‘થવા’ની પ્રવૃત્તિ આરંભાય છે; ગૌતમ પોતાના becoming માટે સન્નિષ્ઠ પ્રયાસ આદરે છે; જાગ્રતિની જલદતા બધે ફેલાતાં, મૂલ્યો અને સમ્બન્ધોનાં પોલાણ જણાવા માંડે છે; ને અંતે વળી પાછો મિથ્યાપણાનો અનુભવ જ ઝમે છે. ગૌતમનો પુરુષાર્થ, એટલે કે પ્રત્યેક માનવજીવનો પુરુષાર્થ, સિસિફસના પ્રકારનો છે, એમ જ રહેવાનો છે.[2] બધા જ તરફડાટ પછી મળતું મૃત્યુ પણ અકસ્માત નથી, પૂર્વયોજિત અવશ્યંભાવી ઘટના છે. આમ ગૌતમની સ્થિતિમાં સદા વર્તુળાયા કરતી વિષચક્રની ગતિનો પરિચય છે. કશાક સાચુકલા પદાર્થમાં અનુસન્ધાઈ જવાની એની એષણાને ચરિતાર્થ થતી બતાવીને કશેક અટકવું પડે એ ન્યાયે એના લેખકે સમાપન સાધ્યું છે. સ્વપ્નની ભૂમિકાએ કલ્પનો-પ્રતીકોના તાણાવાણામાંથી ઉપસેલો એ અંત આ ટૂંકી રચનાનું કલાત્મક પરિણામ બને છે. જે આઠ પ્રકરણોમાં આ વાત કથાઈ છે તેના પહેલાનું પહેલું વાક્ય છે, ‘કુંડાળાંઓ વધતાં જ ચાલ્યાં. વાવ અને કુંડાળાની પ્રતીકાત્મકતા ગૌતમની મનોસ્થિતિમાં પ્રવેશ અને પ્રયાણ માટે એકદમ આવશ્યક બાબત બની કથામાં પોતાનું ચોક્કસ સ્થાન નક્કી કરે છે. હવડ વાવમાં ગૌતમ રોજ એક પથ્થર નાખે છે અને એમાં ઊઠતાં કુંડાળાંઓને વિમાસે છે, વાવ એના પૂર્વજન્મ જેટલે દૂરના ભૂતકાળનું અને શૈશવ જેમાં ઠર્યું તે નજીકના ભૂતકાળનું પ્રતીક છે. એ ભૂતકાળ એના ચિત્તમાંથી હવે ધીમી જ્વાળા બની જાગે છે. વિમાસણમાં, પથ્થર નાખવાની ક્રિયાને ગૌતમ શરૂમાં આકસ્મિક અને પછી પૂર્વયોજનાબદ્ધ ગણવા માંડે છે. વાવ, અને તે પાસે આવી પથ્થર નાંખવાનું ગૌતમને ગમે છે ને પછી તો વાવ સાથે સંકળાયેલી વિવેક વણઝારાની ‘વાત પણ ગમવા માંડે છે, એટલું જ નહિ, પોતે જ વિવેક વણઝારો હતો એવું ‘ફીલ' કરવાનું પણ એને ગમે છે. મમતાનો તંતુ ગૂંચવાતો રહે છે, ને ‘વાવ, પગથિયાં, પગથિયાંની તરાડમાં અને વાવના ગોળ ઘેરાવામાં ઊગી ગયેલાં લીલાંસૂકાં ખડ અને પીપળ, વાસી પાણીમાં પડતાં ઊભાં થતાં તરંગવર્તુળો' એ બધાં સાથે’[3] ગૌતમને ‘ધરોબો’ બંધાય છે. મમત્વથી ઊભો કરેલો આ સંબંધ જૂઠો અને ભ્રામક છે એવું જાણવા છતાં એ એમાં અનિવાર્યતયા ફસાતો રહે છે. રોજ વાવે જઈ આ ટેવરૂપ ક્રિયાની કંટાળાજનક જડતાને ઓળખવા છતાં એ સહી લે છે, બલકે સાહજિક ગણે છે. આખા પ્રસંગને અકસ્માતરૂપ ઘટાવવાનો એનો પ્રયાસ મિથ્યા પૂરવાર થાય છે, કેમકે ઊંડેથી એ આ બધાંને ‘પૂર્વયોજનાબદ્ધ’ ગણે છે. ‘પૂર્વયોજના’ વિશેનો ગૌતમનો નિર્ધાર એ આ રચનાનું કેન્દ્ર છે, કહો કે એ એની ધ્રુવપંક્તિ છે, બધા વિચાર તરંગ લાગણી સૂરાવલિઓનો ‘સમ છે. ગૌતમ પોતાની સુષુપ્ત ચેતનામાં ઊંડે જઈ અગાધ અનાદિમાં ડૂબકી મારી શોધી લાવવા માગે છે કે એ પૂર્વયોજનાનો કોણ કરનાર છે અને કોણ છે એના કેન્દ્રમાં. બીજા શબ્દોમાં એ આત્મપ્રતીતિ પામવા માગે છે – being અને becomingના ધ્રુવોમાં ફર્યા કરતી એની જીવનગતિનું ઉદ્ગમ-બિંદુ એ શોધવા માગે છે. પણ પહેલો પ્રશ્ન તો એ છે કે ગૌતમ, બધું પૂર્વયોજનાબદ્ધ છે એવું કેમ માને છે? તન્મય પાસે તરકીબથી લેખકે આવો જવાબ અપાવ્યો છે : ‘ગૌતમ, તું માને કે ન માને, પણ તારા અસંપ્રજ્ઞાત મનમાં ચાલતી ક્રિયા-પ્રક્રિયાનાં પરિણામોને તું સ્વીકાર્યા વગર રહી શકતો જ નથી. આ અસંપ્રજ્ઞાત મન એ પણ નરી અચરજમાં મૂકે એવી ચીજ છે. એ મનને આધારિત જ તું હું- બધાં ચાલીએ છીએ.’[4]વણઝારી વાવના વિવેક સાથેના ‘આઈડેન્ટિફિકેશન’ પછી, ઉક્ત માન્યતા ગૌતમના સમગ્ર જીવનમાં ફેલાતી બતાવાઈ છે. એ કશાકના, એ ‘કોઈક’ના, અંકુશ હેઠળ લાચારભાવે ગૌતમ અતડો, મૂંગો, ઓછાબોલો થવા માંડે છે એ વીગત લેખકે રણછોડભાઈ-અનિલા સાથેના સંબંધો ઉલ્લેખીને નિરૂપી છે. મમત્વમાંથી જન્મેલી આ વિવશતાભરી રોગદશા ગૌતમને તમામ બાહ્ય જડોમાંથી ઉખેડી નાખે છે -પરમ્પરા, મૂલ્યો, આસ્થા, શ્રદ્ધા વગેરેમાં સાશંક બનીને ગૌતમ નિર્ભ્રાન્ત બને છે. ઘર એને વળગણરૂપ લાગે છે : લેખક કહે છે : ‘ઘર એક વળગણ છે એવી એને સતત લાગણી થયા કરતી હતી. ઘર એટલે સંબંધની જાળ. આ જાળ આપણે જ રચીએ અને એમાં આપણે જ ફસાઈ જઈએ.’[5] સગો ભાઈ, ગૌતમને હવે ‘કેવળ અકસ્માત’નું પરિણામ લાગે છે, એના ઉછેર પાછળ ખરચેલાં વીસ વરસ માએ ખુદની ‘સલામતી અને સ્થિરતા’ માટે ખરચ્યાં છે એવું એ માને સંભળાવે છે. અલબત્ત, અકસ્માત-તત્ત્વને સાતત્યથી ઑગાળી નાખવાનો બળવાન પ્રયાસ ગૌતમે કર્યો છે એવું એ જાહેર કરે છે ખરો. પણ સાથે એ, એ પણ જણાવે છે કે એવું થયા પછી એ મૂંઝાય છે. સ્વકીય મમતાથી ઊભા કરેલા સમ્બન્ધો અને પરમ્પરાપ્રાપ્ત સમ્બન્ધોનું બુદ્ધિએ સંશોધી આપેલું સ્વરૂપ ગૌતમ જિરવી શકતો નથી. એ એની માણસતા ગમી જાય એવી છે. શ્રદ્ધા આદિની ટેકણલાકડીઓ ખસેડાવી નાખતી એ જ તીખી બુદ્ધિની સામે એ પંગુતા પણ એવી જ તીક્ષ્ણતાથી અનુભવે છે. મનમાંથી ઉત્તર જેવો પ્રશ્ન ઊઠે છે : કદાચ આ પણ પૂર્વયોજિત હશે? આમ એ જ ‘સમ’ પર આવી અટકતો ગૌતમ ‘શુદ્ધ વિચાર’ની શોધમાં આગળ વધે છે. હવે એ આત્મનિરીક્ષણની સરાણે ચઢ્યો છે. લેખક કહે છે : ‘ગૌતમને જાતની કડક પરીક્ષણ રીતમાં સેડિસ્ટ પ્લેઝર મળતો હોય એવું લાગ્યું. એને થયું પરપીડાથી આનંદ પામનાર માણસો તો ઘણા હોય છે, પણ સ્વપીડાથી આનંદ પામનાર માણસો જવલ્લે જ મળે. પોતે એમાંનો એક છે એટલે એ પણ મહત્તાનો જ પ્રશ્ન થયો.’ આમ પોતાના જ વર્તનથી ખુશ થઈ આત્મગૌરવ ઠસાવવું. માન્યતાઓની સરસાઈ બતાવવી, પ્રશ્નો પૂછવા અને તેના જાતે જ ઉત્તરો ખોળી આપવા વગેરે પ્રકારની આત્મરતિ ઉભરાય છે. ભ્રાન્તિઓ રચીને ભ્રાન્તિઓનું ગૌતમ જાતે જ નિરસન કરે છે, પોતાને આવા ગૌરવ કે દર્પની, મહત્તા કે આપવડાઈની જરૂર પડે છે એનાં મૂળ એ પોતામાં જ શોધે છે. ગૌતમની આત્મપરીક્ષાનાં આ પ્રકરણ રોચક બન્યાં છે. ગૌતમ નિર્ણય પર આવે છે, કે પોતે હજી સ્થિતપ્રજ્ઞ થયો નથી, પોતાને જ્ઞાન થયું નથી, ભાવ-અભાવની સીમારેખા પર ચાલી શકાય એટલો પોતાનો વિકાસ થયો નથી. જાતને સ્થાપવાના પુરુષાર્થમાં જ બધું પતી જાય છે, અને તેથી પ્રતીતિ નિઃસહાયતાની છે. લેખકે બહુ સુન્દર રીતે એ શબ્દબદ્ધ કરી છે. ‘...પોતાને એક અંધારિયા કૂવામાં આંખે પાટા બાંધી ફંગોળી દેવામાં આવેલો છે. અને લગભગ નિઃસહાય સ્થિતિમાં એ છે. આ કૂવો છે એની પણ કદાચ એને જાણ નથી. એને સ્પર્શ થાય છે કેવળ જળનો. જળમાં એ બૂડતો જાય છે. આંખે પાટા છે અને એ કેવળ હાથપગ વીંઝ્યા કરે છે’... વગેરે. આમ અસ્તિત્વને ‘ફીલ’ કરવાની એષણામાંથી જે પરિણામ ઊપસે છે તે મૃત્યુસદૃશ છે, મૃત્યુસમ્મુખ કરનારું તો છે જ. અસ્તિત્વવાદી વિચારણાના જલદ ચેપ પછી જીવન મૃત્યુરૂપ ભાસે અને એ માનવસ્થિતિનો પરિચાયક ‘હું’ પોતે જ બને તેનું ગૌતમ અહીં નિદર્શન બનીને આવ્યો છે. લેખકે, પછી, મૃત્યુ અને ત્યારપછીના જીવનની જે ભાવના છેડી છે તેમાં માણસની આ સ્થિતિનો સ્વીકાર તો છે જ. અને સમાધાન માટે પરમ્પરા સાથે તાદાત્મ્યની, અનુસન્ધાનની, વાત મૂકી ગૌતમ-જટાદાદાની એકરૂપતા બતાવી છે તેમાં પણ, અ-ભાવમાં વિકસતી માનવસ્થિતિનું બયાન તો છે જ છતાં, લેખકે લીધેલું આ વિધેયાત્મક વલણ કથામાં પ્રતીતિકર નીવડ્યું નથી. ગૌતમની સમજ બંધાય છે કે ‘object થવું પડે છે કદાચ’[6] આ સમજને પહેલે પગથિયે એ એમ પણ સમજ્યો છે કે જ્યાં લગી અહમ્ અને એની લીલાઓ વિસ્તરેલી છે ત્યાં લગી નિર્ણાયક તત્ત્વ હાથ આવવાનું નથી : ‘એ તત્ત્વનું હું સતત object થયા કરું છું, થયા કરીશ પણ ખરો?’[7] જાતે પૂછીને જાતે જવાબ આપે છે, ‘object થવું પડે છે કદાચ.’ આવી નિર્ણયાત્મક સમજનો ભાવ ઊભો કર્યા પછી લેખકે ગૌતમને સ્વપ્નમાં રઝળાવી છેવટે એનામાં જટાદાદાનો પ્રવેશ બતાવ્યો છે. રાધેશ્યામ શર્માએ યોગ્ય રીતે નોંધ્યું છે : ‘આમ તો ગૌતમ જ જટાશંકર દાદામાં (પ્રતિનિધિ-પ્રતીકમાં) પેઠો છે છતાં પૂર્વયોજિત પરિસ્થિતિ(જીવન)માંથી પલાયન કરી જઈ અવચેતનામાં જાણે કે જટાશંકર એનામાં પ્રવેશી રહેલા દર્શાવાયા છે.’[8] આગળ કહ્યું તેમ, ગૌતમનો આવો સ્વપ્નમાં કાવ્યમય escape રચીને લેખકે કથાના કુંડાળાને ક્યાંક પડતું મૂકી કલાત્મક રીતે સમાપન સાધવાનો સફળ પ્રયાય કર્યો છે, એટલું જ. બાકી ગૌતમની શોધને અંત નથી. તાદાત્મ્ય અને આત્મસ્થાપનાનો પ્રશ્ન માનવીનો કૂટ પ્રશ્ન છે, સમાધાન વિનાનો માત્ર પ્રશ્ન જ છે.

છેદાઈને બંધાતા રહેવું, બંધાઈને છેદાવું- પ્રકારનો ‘સિસિફિઅન ઍફર્ટ’ માનવીની મૂળભૂત absurdityનો પરિચય આપે છે છતાં બધું મૃત્યુથી જ નિર્ધારાયું છે, એવી સમજ લેખકે ગૌતમ દ્વારા આ રચનામાં સેરવી છે ખરી, પણ એને આવશ્યક પરિમાણો તેઓ પ્રતીતિકર રીતે જન્માવી શક્યા નથી. ગૌતમ જે સમાધાન પામે છે તેનું આગલું સોપાન મૃત્યુ વિશેની એને લાધેલી સમજ છે. આના અનુસન્ધાનમાં છઠ્ઠું પ્રકરણ મહત્ત્વનું બની જાય છે. વર્તમાન જીવન કે પૂર્વજન્મ અને તે પહેલાંના જન્માક્તરો વિશે પરમ્પરામાં ગમે તે કહેવાયું હોય, ગૌતમ અને લેખકની દૃષ્ટિએ એના મૂળમાં ‘મૃત્યુ’ છે. મૃત્યુભયથી બીનેલા આપણે જીવીએ છીએ તે જીવનની તમામ તરાહોમાં મૃત્યુનો જ સંચાર છે. ગૌતમ ગાલિબની એ આસાનીથી મૃત્યુનો સ્વીકાર કરી શકતો નથી. એની મુકરરતા સામે બરાડ્યા પછી તરફડીને સ્વીકાર કરે છે. વિચાર- અનુભૂતિની આ ક્ષણ પછી ગૌતમની ચેતના સમાધાનની દિશામાં પ્રતિગમન કરવા લાગી છે. લેખક, મૃત્યુની પૂર્વયોજનાથી પણ ગૌતમને આમ વાકેફ કરે છે અને કાવ્યાત્મક અંતની પૂર્વભૂમિકા રચાઈ જાય છે. છતાં એ પરિવર્તન જોઈએ તેટલા લંબાણથી કંટાયું નથી. જો કે આ ફરિયાદ આખી રચનાને લાગુ પડે એવી છે. ગૌતમના ભાજનમાં જે વિશાળ ફલકો ઠાંસવામાં આવ્યા છે તે એક પ્રકારની સાહિત્યિક કંજૂસાઈનો અનુભવ કરાવે છે – ભાવ-અભાવ, એના વિષયની સરખામણીએ લાધવવાળી નહિ પણ ટૂંકી રચના છે. એ કલાત્મક લઘુનવલ બની નથી તેમાં રૂપાન્તર-પ્રક્રિયાની ગેરહાજરી પણ છે- લેખકે વિચારજૂથોમાં ગૌતમ અને એને આવશ્યક પાત્રો-ઘટનાઓને શોધીને ભેરવ્યાં છે. વિચારવસ્તુની સમીકરણાત્મક પદ્ધતિ રચનાને ઓછી creative અને વધારે transcriptional બનાવે છે એમ લાગે છે. વળી ગૌતમ સિવાયનાં પાત્રો અને પ્રસંગોમાં એવી બળવાન density મૂકી શકાઈ નથી જે અમૂર્તને મૂર્ત કરી વળી પાછી અમૂર્ત દુનિયાઓ ઊભી કરે. આ પ્રકારની નવલરચનામાં, મૂર્તથી અમૂર્ત અને અમૂર્તથી મૂર્તની પ્રક્રિયા સંવાદી ગતિએ સતત ચાલ્યા કરે, ને કલાપદાર્થની વ્યંજના કરનારાં પરિમાણ એમાં અળપાઈ જાય નહિ તે જાળવવું, લેખક માટે પ્રાણપ્રશ્ન બની રહે છે. આઈડિયોલૉજિકલ નૉવેલ માટે આવશ્યક એવી objective correlativeની શોધમાં આમ પૂરતા સામંજસ્યનો અભાવ છે છતાં, વાવનું પ્રતીક અને આઠમા પ્રકરણમાં નિરૂપાયેલું ગૌતમનું સ્વપ્ન, પ્રશ્નના હાર્દને આબાદ રીતે સ્પર્શે છે. એ સ્વપ્નવર્ણનમાંની અવાજ અને ગતિની વીગતો ખૂબ સેન્દ્રિય બની છે, કલ્પનોની એક cinematic pattern પણ જટાદાદાના અંતિમ પ્રવેશ-દૃશ્યની દિશામાં પૂરી સર્જકતાથી વર્ણવી શકાઈ છે. ગૌતમ મોટેથી બબડે છે : ‘તો કોણ ક્રિયાના કેન્દ્રમાં?’ અને અવાજ વાવનાં ચાલીસ પગથિયાં ઊતરી ફરી પાછો ચાલીસ પગથિયાં ચઢી જાય છે.[9] એવાં જીવતાં કલ્પનો કવિ ચિનુએ રચનામાં ક્યાંક ક્યાંક વેર્યા છે તેથી, એ સર્જતાનો અવાર-નવાર લાભ પણ લઈ શકાયો છે- વગેરે.

*

આ પછી પણ, લેખકની અન્ય રચનાઓની સરખામણીએ ભાવ-અભાવ વધારે સાફ અને વધારે પ્રૌઢ રચના છે. દાયકાની નવી નવલના ઉન્મેષમાં એમણે પોતાના ફાળાનું નાનું પણ ચોક્કસતાવાળું ટપકું મૂકયું છે.




  1. જુઓ ‘ભાવ-અભાવ’, ૧૯૬૯ની આવૃત્તિ, પૃ. ૫૩
  2. એજન, પૃ. ૬૫ : શાપિત સિસિસનાં એ દર્શન પછી ગૌતમ બોલે છે : ‘હું- હા, હું, તમે, આપણે બધાં એ જ કરીએ છીએ. હું મારા વિશે ચોક્કસ છું. હું સંબંધ બાંધું છું- સંબંધ બાંધતાં કાષ્ટાઉ છું- સંબંધ તોડયા જેવું કરું છું- સંબંધની આ ક્ષણેય કષ્ટાઉ છું. વળી સંબંધાક -ને’ ને ગૌતમ અટકયો. ‘સિસિફસ સાથેનું પોતાનું તાદાત્મ્ય એટલે એક નવો સંબંધ સિસિફસ સાથેનો સંબંધ.’ આમ બધું ચક્રાયા કરે એ જ માનવનિયતિ છે.
  3. એજન, પૃ. ૯
  4. એજન, પૃ. ૩૧
  5. એજન, પૃ. ૨૦
  6. એજન, પૃ. ૬ર
  7. એજન, પૃ. ૬ર
  8. એજન, મુખપૃષ્ઠ-૪ ઉપર
  9. એજન, પૃ. ૧૧