ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/‘વિમલપ્રબંધ-રાસ’

Revision as of 04:13, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


‘વિમલપ્રબંધ/રાસ’ [ર.ઈ.૧૫૧૨/સં. ૧૫૬૮, આસો સુદ-, રવિવાર] : તપગચ્છના જૈન સાધુ અને સમયરત્નશિષ્ય લાવણ્યસમયની ૯ ખંડ ને ૧૩૫૬ કડીની ચોપાઈ, દુહા, વસ્તુ, પવાડુ જેવા છંદો અને વિવિધ દેશીઓના ઢાળમાં નિબદ્ધ ચૌલુક્ય રાજા ભીમદેવ પહેલાના સમયમાં થઈ ગયેલા વિમલ મંત્રીના સુકૃત્યોને આલેખી એમના ધર્મવીર તરીકેના ચરિત્રને વિશેષ રૂપે ઉપસાવતી કૃતિ(મુ.) પ્રબંધ, રાસ અને ચરિત્ર ત્રણેનાં સ્વરૂપગત લક્ષણો ઓછેવત્તે અંશે પ્રગટ કરતી આ રચના વિમલ મંત્રીના જીવનની ઘટનાઓ અને એમના પરાક્રમપ્રસંગોને કેટલાક ઐતિહાસિક આધારોનું સમર્થન મળે એ રીતે નિરૂપતી હોઈ મુખ્યતયા ‘કાન્હડદેપ્રબંધ’ પછીની આ પ્રકારની સૌથી વિશેષ નોંધપાત્ર રચના બની રહે છે. જો કે અહીં દંતકથાઓ પર ઠીકઠીક આધાર રખાયો હોવાને લીધે અને સામાજિક ધાર્મિક પ્રસંગોનું નિરૂપણ વિશેષ થયું હોવાને લીધે વિમલ મંત્રીની પ્રશસ્તિ અને જૈન ધર્મના પ્રભાવનું ગાન કરવાનો કવિનો ઉદ્દેશ ઉપર તરી આવે છે. પ્રારંભના ૨ ખંડોમાં શ્રીમાલનગર અને શ્રીમાલવંશની સ્થાપના, ઓસવાળો અને પ્રાગ્વાટો, અઢાર વર્ણની વ્યવસ્થા, ૬ દર્શન, ૯૬ પ્રકારનાં પાખંડ વગેરેનો પરિચય આપી ત્રીજા ખંડમાં વીર નામે શ્રેષ્ઠીને ત્યાં વીરમતીની કુખે વિમલના જન્મની વાત કવિ કહે છે. પાટણના શ્રીદત્ત શ્રેષ્ઠીની પુત્રી શ્રી સાથે વિમલનું લગ્ન, વિમલ વિરુદ્ધની કાનભંભેરણીથી ભોળવાઈને રાજા ભીમે એની હત્યા કરવા માટે કરેલા પ્રયત્ન, યુદ્ધોમાં વિમલે મેળવેલા વિજય, ભીમને હાથે જ પાછળથી વિમલનું થતું સંમાન, ગુરુએ આબુ પર્વત પર જૈન મંદિર બંધાવવા વિમલને આપેલો આદેશ-એ બધા પ્રસંગો બાકીના ખંડોમાં આલેખાયા છે. એમાં અંબા પાસે પુત્રપ્રાપ્તિને બદલે તીર્થરચનાનું વરદાન માગવાનો પ્રસંગ વિમલના ધર્મવીરચરિત્રને સૂચક રીતે ઉપસાવે છે. કળિયુગનું વર્ણન, રોમનગરના સુલતાનની બેગમોનું ખડી બોલીમાં ટીખળ, ઓજસ્વી શૈલીવાળું યુદ્ધવર્ણન, વિજય પછીનો વિમલનો અલંકૃત શૈલીમાં વર્ણવાયેલો સત્કાર તથા સ્ત્રીપુરુષનાં સામુદ્રિક લક્ષણો, રાગરાગિણીઓ, સ્ત્રીપુરુષની કલાઓ, શુકન-અપશુકનની માન્યતાઓ વગેરેનાં વીગતસભર ચિત્રણો-આવા કેટલાક અંશો આ કૃતિને કવિની અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની ધ્યાનાર્હ કૃતિ બનાવે છે.[કા.શા.]