ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શુકાનંદ

Revision as of 04:49, 18 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


શુકાનંદ [જ.ઈ.૧૭૯૯/સં.૧૮૫૫, માગશર વદ ૫ - અવ. ઈ.૧૮૬૯/સં.૧૯૨૫, માગશર વદ ૫ કે ૩૦] : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. જ્ઞાતિએ ઔદીચ્ય બ્રાહ્મણ. પિતાનું મૂળ વતન નડિયાદ પણ ડભાણમાં નિવાસ. જન્મ ડભાણમાં. પૂર્વાશ્રમનું નામ જગન્નાથ ભટ્ટ. ઈ.૧૮૧૬માં મુક્તાનંદ સ્વામીને હસ્તે દીક્ષા. દીક્ષાનામ શુકાનંદ. તેઓ સહજાનંદ સ્વામીની સેવામાં સતત રહેતા અને તેમનાં પત્રો પુસ્તકો લખવાનું કામ કરતાં. તેમની નિષ્ઠાને લીધે ‘શુકદેવજી’ની ઉપમા પામેલા. તેમની પાસેથી ‘હરિગીતા’ની ટીકા (ર.ઈ.૧૮૪૬/સં.૧૯૦૨, જેઠ સુદ ૧૧, શુક્રવાર; મુ.), ‘દશમસ્કંધ’નો અનુવાદ (*મુ.), ‘ધર્મામૃત’નો અનુવાદ (*મુ.), શતાનંદકૃત સંસ્કૃતગ્રંથ ‘સત્સંગી જીવનમ્’ની ટીકા રૂપે રચાયેલો ‘સત્સંગદીપ’(*મુ.), ‘ધાર્મિક સ્તોત્ર’ની ટીકા, ગોપાળાનંદકૃત ‘ભગવદગીતાભાષ્યમ્’ની ટીકા, ‘પ્રાર્થનામાળા’ (૧૮ ગદ્યખંડો મુ.) વગેરે કૃતિઓ મળે છે. તેમણે ઘણા સંસ્કૃતગ્રંથો પણ રચ્યા છે. કૃતિ : ૧. શ્રી હરિગીતા (શુકાનંદ મુનિની ટીકા સહિત), પ્ર. મનસુખરામ મૂળજી, ઈ.૧૮૬૭; ૨. સત્સંગી જીવનમ્ (શુકાનંદ ટીકા સહિત), પ્ર. મહારાજ શ્રીપતિપ્રસાદ, ઈ.૧૯૩૦; ૩. ગોપાળાનંદ સ્વામી તથા રઘુવીરજી મહારાજ તથા શુકાનંદસ્વામીની વાતો, પ્ર. મિસ્ત્રી જેરામરામજી, ઈ.૧૯૩૯ (+સં.). સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : ૫-પરિશિષ્ટ-૧-‘સ્વામિનારાયણ, સંપ્રદાયના લેખકો અને તેના લેખની માહિતી’; ૨. શુકાનંદસ્વામી-શતાનંદ સ્વામિ, શાસ્ત્રી હરિદાસ, ઈ.૧૯૭૯; ૩. સત્સંગના સંતો, પ્ર. રમણલાલ અ. ભટ્ટ, ઈ.૧૯૫૩; ૪. સ્વામિનારાયણ સંપ્રદાયનો સચિત્ર ઇતિહાસ, સં. શાસ્ત્રી સ્વયંપ્રકાશદાસજી, ઈ.૧૯૭૪; ૫. સદ્વિદ્યા, જાન્યુ. ૧૯૫૪. [શ્ર.ત્રિ.]