ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/‘શૃંગારશત’

Revision as of 05:07, 18 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


‘શૃંગારશત’ : વિવિધ અક્ષરમેળ અને માત્રામેળ છંદોમાં રચાયેલું અજ્ઞાતકર્તૃક ૧૦૫ કડીનું શૃંગારરસનું આ મનોરમ કાવ્ય(મુ.) તેના છંદોબંધથી માંડી અનેક રીતે ગુજરાતી કવિતામાં વિશિષ્ટ બની રહે એવું છે. કાવ્યની રચનાનું ચોક્કસ વર્ષ મળતું નથી. એટલે કાવ્ય ક્યારે રચાયું એ નિશ્ચિતપણે કહી શકાય એમ નથી. પરંતુ કાવ્યની ભાષાના સ્વરૂપને આધારે તે સં. ૧૩૫૦-૧૪૫૦ દરમ્યાન રચાયું હોવાનું અનુમાન થયું છે. મંગલાચરણની પંક્તિઓ વગર સીધો જ કાવ્યનો પ્રારંભ અને સમાપનની પંક્તિઓ વગર આવતો કાવ્યનો અંત પણ વિલક્ષણ છે. એટલે કાવ્યને આપાયેલું શીર્ષક લિપિકારે આપ્યું હોય કે કવિએ આપ્યું હોય. ભર્તૃહરિ ને અમરુકવિના શૃંગારશતકો જેવું કાવ્ય રચવાનો કવિનો પ્રયાસ હોય એમ લાગે છે. એ રીતે ગુજરાતીમાં આ પ્રકારનું કાવ્ય રચવાનો કવિનો પહેલો પ્રયાસ કહી શકાય. કાવ્યના શીર્ષક પરથી સૂચવાય છે તેમ સ્ત્રીપુરુષ વચ્ચેની શૃંગારક્રીડાને આલેખવી એ કવિનું લક્ષ્ય છે, પરંતુ કવિ પ્રકૃતિમાં બદલાતી વિવિધ ઋતુઓ સાથે શૃંગારક્રીડાને એવી રીતે સાંકળે છે કે ઋતુપરિવર્તનની સાથે કામક્રીડાના રૂપમાં પરિવર્તન થતું બતાવે છે. પ્રારંભની ૩૮ કડીઓમાં નાયિકાના રૂપ ને શણગારનું વર્ણન, નાયિકાનો વિરહભાવ અને પ્રિયતમને જોઈ કામઘેલી બનતી નાયિકાને આલેખી કવિએ કામોત્કટ નાયિકાનું ચિત્ર દોર્યું છે. ૩૯થી ૬૧ કડી સુધીના વસંતવર્ણનમાં ઉદ્દીપક વસંત, સ્ત્રીપુરુષની શૃંગારકેલિ અને પ્રવાસે ગયેલા પથિકની વ્યાકુળતા આલેખાય છે. અહીં સુધીના કવિએ કરેલા આલેખનમાં પરંપરાનો પ્રભાવ સારી પેઠે વરતાય છે. પરંતુ ૬૨મી કડીથી શરૂ થયેલા ગ્રીષ્મવર્ણનથી આલેખન વધારે વાસ્તવિક ને જીવંત બનવા માંડે છે. ગીષ્મવર્ણનમાં ‘સઇણિલોક અગ્ગસઇ પુઢણાં’, જેવાં સ્વભાવોક્તિચિત્રો દોરાય છે. અગાસી, ચાંદની, રાત્રિની શીતળતા ને ઝીણાં વસ્ત્રો-કામભાવ જાગવા માટેની અનુકૂળ સ્થિતિ! ૭૦થી ૮૨ કડી સુધીના વર્ષાવર્ણનમાં “દિસિ ચડઈ ચિહું ચંચલ આભલાં” ને “અવનિ નીલતૃણાંકુરુસંકુલા” જેવાં સ્વભાવોક્તિચિત્રો દોરાય છે. પછી બહાર જળની ધારાઓ, વખતોવખત વીજપ્રકાશથી આલોકિત થઈ ઊઠતાં ગોખ ને જાળિયાં ને વ્યાપી વળતો ઘોર અંધકાર, એ વાતાવરણની વચ્ચે શૃંગાર અને વિરહની ભૂમિકા રચાય છે. ૮૩થી ૮૮ કડી સુધીના શરદવર્ણનમાં વચ્ચે શૃંગાર અને વિરહની ભૂમિકા રચાય છે. “દિસિ દસઈ હિય હૂઇ મોકલી” કહી સ્વાતિ નક્ષત્રમાં વરસતું જળ ક્યાંક કોઈક સીપમાં મોતી જન્માવશેની વાત શૃંગારસમાધિની સુખદ પરિણતિનો સંકેત કરે છે. ૮૯થી ૯૩ કડી સુધીના હેમંતવર્ણનમાં હેમંતમાં ખીલેલી પ્રકૃતિ, સુશોભિત વસ્ત્રો ને સ્વાદિષ્ટ ભોજનની વચ્ચે કામસુખ ભોગવાય છે. ૯૪થી ૧૦૫ કડી સુધી ચાલતાં શિશિરવર્ણનમાં “તાપિઉં ભાવઈ તાઢી વેલાં સીઆલઈ” જેવી ઠંડી ઋતુમાં કવિ વિશેષ પ્રગલ્ભ બની “ભુજ ભુજિઈં મુસ્ખિસ્યઉ મુખિ સંમિલઈ” “ઉરઉરિઈં ઉદરોદરિ પીડીઈ”, “સુરતુ આસનિ દંપતિ મંડીઈં” એ શબ્દોથી કામભોગની અવસ્થા વર્ણને છે. રવાનુકારી શબ્દો, કોમળ વ્યંજનો અને પ્રાસઅનુપ્રાસયુક્ત કોમળ પદાવલિ પણ શૃંગારભાવને ઘણાં પોષક બને છે. કૃતિ : ભારતીયવિદ્યા, તૃતીય ભાગ, સં. ૨૦૦૦-૨૦૦૧-‘શૃંગારશત’, સં. જિનવિજ્યમુનિ. [જ.ગા.]