ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સિદ્ધિચંદ્ર ગણિ

Revision as of 09:26, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સિદ્ધિચંદ્ર(ગણિ) [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. ભાનુચંદ્રના શિષ્ય. સિદ્ધિચંદ્ર(ગણિ) અકબર (ઈ.૧૫૦૬ રાજ્યારોહણ સમય)ના સમકાલીન હતા. ફારસી અને યાવની ભાષાના તેઓ અભ્યાસી હતા. તેમણે અકબરને બંને ભાષા શીખવી હતી. તેમની આ પ્રતિભાથી અકબરે તેમને ‘ખુસ્ફહમ’નો ઇલ્કાબ આપ્યો હતો. મંદબુદ્ધિના મનુષ્યો જાણી શકે એ હેતુથી બાણની કાદંબરીનો સરળ ને પ્રવાહી ભાષામાં સંક્ષિપ્ત કથાનુવાદ આપતી ‘સંક્ષિપ્ત ગુજરાતી કાદંબરી કથાનક’(લે.ઈ.૧૬૯૧; મુ.) કવિની વિશિષ્ટ રચના છે. ચાર કડીનું ટૂંકું પણ છટાદાર ચોમાસીકાવ્ય ‘નેમિનાથ ચતુર્માસકમ્’(મુ.) એ પણ કવિએ રચ્યું છે. ‘ધાતુમંજરી’, ‘ભક્તામરઅનેકાર્થ-નામમાલા’, ‘શોભન-સ્તુતિ’, ‘કાદંબરી-ઉત્તરાર્ધ’ વગેરે ગ્રંથો પર સંસ્કૃતમાં ટીકાઓ તેમણે લખી છે. સિદ્ધિચંદ્રના નામથી હિન્દીમિશ્ર ચારણી ભાષાની છાપવાળા ૧-૧ કડીના બે છપ્પા(મુ.) મળે છે તે આ જ સિદ્ધિચંદ્રના હોવાની સંભાવના છે. કૃતિ : ૧. ગુજરાતી સાહિત્યમાં સ્વરૂપો (પદ્યવિભાગ), મંજુલાલ ૨. મજમુદાર, ઈ.૧૯૫૪; ૨. શનીશ્ચરની ચોપાઈ આદિક લઘુ ગ્રંથોના સંગ્રહનું પુસ્તક, ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૨ (ત્રીજી આ.);  ૩. પુરાતત્ત્વ, અશ્વિન ૧૯૮૩-‘સંક્ષિપ્ત ગુજરાતી ‘કાદંબરી-કથાનક’, જિનવિજ્ય; ૪. ફાત્રૈમાસિક, જાન્યુ. જૂન ૧૯૭૩-‘સંક્ષિપ્ત ગુજરાતી ‘કાદંબરી કથાનક’, સં. ભૂપેન્દ્ર ત્રિવેદી. સંદર્ભ: ૧. ઐરાસંગ્રહ: ૩ (પ્રસ્તા.); જૈસાઇતિહાસ. [કી.જો.]